Opinion Magazine
Number of visits: 9456203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને પગાર મળવો જોઈએ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|20 August 2025

ચંદુ મહેરિયા

ભારતમાં પાર્લામેન્ટના મેમ્બરને સેલરી મળે છે, પરંતુ પંચાયતના સભ્યને મળતી નથી. દેશના પ્રધાન મંત્રીને પગાર મળે છે પણ ગામના સરપંચને મળતો નથી! લોકતંત્રના પાયાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કોઈ જ પગાર ન મળે પણ ટોચનાને મળે તે જરી વિચિત્ર લાગે છે, નહીં? એટલે પંચાયતથી પાર્લામેન્ટ અને સરપંચથી વડા પ્રધાન સુધીના લોકપ્રતિનિધિઓને પગાર મળવો જોઈએ કે કેમ અને કેટલો તે સવાલ હંમેશાં ચર્ચાતો રહ્યો છે. 

આઝાદીના સાડા સાત દાયકે પણ સાંસદો અને ધારાસભ્યોના પગાર માટે દલા તરવાડી નીતિ ચાલે છે. આ માનનીયો પોતાનો પગાર પોતે જ નક્કી કરે છે અને વધારે છે. વળી તેમાં ગાંધી-વૈધ્યનું સહિયારાપણું અડીખમ છે. પગાર વધારાના મુદ્દે સત્તાપક્ષની સાથે  વિરોધપક્ષ પણ બરાબરનો જોડાયેલો હોય છે. ગુજરાત જેવામાં તો હાલ પગાર વધારાની માંગણી જ ક્ષીણ વિરોધ પક્ષના ધારાસભ્યો કરે છે.

લોકસભા અને રાજ્યસભાના સભ્યોનું વેતન છેલ્લે ૨૦૧૮માં વધારવામાં આવ્યું હતું. તેના સાત વરસો પછી ૨૦૨૫માં સાંસદોના પગાર-ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. સાંસદોના પગાર વધારાની સરાહનીય બાબત એ છે કે વેતન વૃદ્ધિ પારદર્શી પ્રક્રિયાથી કરવામાં આવી છે. વરસે ૩.૧ ટકાના દરે સાત વરસનો કુલ ૨૪ ટકા પગાર વધારો કર્યો છે, જે વાજબી લાગે છે.

૨૦૧૮માં તત્કાલીન નાણાં મંત્રી અરુણ જેટલી દર પાંચ વરસે આપોઆપ સાંસદોના વેતનમાં વૃદ્ધિ થાય અને તેને મોંઘવારી તથા ફુગાવા સાથે જોડવામાં આવે તેવો પ્રસ્તાવ લાવ્યા હતા. ફાયનાન્સ બિલ ૨૦૧૮થી સંસદ સભ્યોનાં વેતન, ભથ્થા અને પેન્શન અધિનિયમ ૧૯૫૪માં સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારાથી સાંસદોના વેતનની પ્રક્રિયાને બિનરાજકીય અને પારદર્શી બનાવવામાં આવી છે અને વેતન માટેનું વ્યવસ્થિત તંત્ર ઊભું કરવામાં આવ્યું છે.

સાંસદોને મહિને જે રૂ. ૧ લાખ પગાર મળતો હતો, તેમાં છેલ્લા સુધારાથી રૂ. ૧.૨૪ લાખ મળે છે. પગારમાં અન્ય ભથ્થાં ઉમેરતાં માસિક રૂ.૨.૮૬ લાખ થાય છે. સાંસદોને મતવિસ્તારની દેખરેખ માટે રૂ.૮૭,૦૦૦, કાર્યાલય ખર્ચ માટે રૂ.૭૫,૦૦૦ અને સંસદની બેઠક ચાલુ હોય ત્યારે દૈનિક રૂ. ૨,૫૦૦ ભથ્થું પણ આપવામાં આવે છે. માનનીયોને આવાસ ઉપરાંત  વીજળી, પાણી, ટેલિફોન, ઈન્ટરનેટ, હવાઈ અને રેલવે મુસાફરી સાવ નિ:શુલ્ક કે નજીવા દરે મળે છે. 

લોકશાહીનું પારણું ગણાતા યુનાઈટેડ કિંગ્ડમ(યુ.કે.)માં મધ્યયુગમાં સાંસદોના ખર્ચા લોકફાળાથી પૂરા થતા હતા. સત્તરમી સદીમાં તે પ્રથાનો અંત આવ્યો. છેક વીસમી સદીના આરંભ સુધી હાઉસ ઓફ કોમન્સના મેમ્બર્સ અવેતનિક હતા. ઈ.સ. ૧૮૩૮માં સાંસદોને વેતન મળવું જોઈએ તેવો પ્રસ્તાવ સૌ પ્રથમ વખત આવ્યો હતો. ૧૮૭૦ થી ૧૮૯૫ દરમિયાન સંસદમાં પાંચ વખત તેના પર ચર્ચા થઈ હતી. વીસમી સદીના આરંભે લેબર પાર્ટીના ઉદય સાથે સાંસદોના પગારની માગણી બળવત્તર બની. ૧૯૧૧માં પહેલી વખત હાઉસ ઓફ કોમન્સના સભ્યોને ૪૦૦ પાઉન્ડ વાર્ષિક વેતન મળતું થયું. એ સમયે યુ.કે.માં માથાદીઠ આવક ૭૦ પાઉન્ડ હતી. વર્તમાનમાં (એપ્રિલ ૨૦૨૫માં) યુ.કે.માં સાંસદોને વરસે ૯૩,૯૦૪ પાઉન્ડ વેતન-ભથ્થા મળે છે. જો કે હાઉસ ઓફ લોર્ડસના સભ્યોને કોઈ વેતન મળતું નથી. 

ભારતની પહેલી લોકસભાના સભ્યોને માસિક રૂ. ૪૦૦ પગાર મળતો હતો. આજે તે વધીને રૂ. સવા લાખ અને ભથ્થા સાથે લગભગ ત્રણ લાખ થયો છે. અત્યાર સુધીમાં અગિયાર વખત સાંસદોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. વિધાનસભ્યોના પગાર વધારા સાથે સરેરાશ ૪૦ વખત સાંસદો-ધારાસભ્યોના પગારમાં વૃદ્ધિ થઈ છે. કેન્દ્ર અને રાજ્યોના કર્મચારી-અધિકારીને હાલમાં સાતમા વેતન આયોગની ભલામણો મુજબના પગારો મળે છે. એટલે કે તેમના વેતનમાં માત્ર સાત જ વખત વધારો થયો છે જ્યારે જનપ્રતિનિધિઓએ મનમાની આચરીને ખુદના પગારો ચાળીસ વખત વધાર્યા છે.

લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓના પગાર-ભથ્થાં તર્કસંગત પણ જોવા મળતા નથી. કેટલાક રાજ્યોની વિધાનસભાના સભ્યોના પગારો લોકસભા-રાજ્યસભાના સભ્યો કરતાં વધારે છે. તો ક્યાંક વડા પ્રધાન કરતાં મુખ્ય મંત્રી વધારે પગાર મેળવે છે. તેલંગણા(જ્યાં હાલમાં કાઁગ્રેસની સરકાર છે)ના મુખ્ય મંત્રીને મહિને રૂ.૪,૧૦,૦૦૦ પગાર મળે છે. જે દેશના તમામ મુખ્ય મંત્રીઓમાં સૌથી વધુ છે. ગુજરાતના મુખ્ય મંત્રીને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી કરતાં રૂ.૪૪,૦૦૦ ઓછો પરંતુ મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી કરતાં રૂ. ૬૬,૦૦૦ વધુ પગાર મળે છે. એક મોટી મહાનગરપાલિકા જેવા દિલ્હીના મુખ્ય મંત્રીનો પગાર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી કરતાં તો વધારે છે જ, કદાચ દેશમાં બીજા ક્રમે સૌથી વધુ પગાર તે મેળવે છે. 

પંચાયતી રાજ લોકતંત્રની આધારશિલા છે પરંતુ ગ્રામ, તાલુકા કે જિલ્લા પંચાયતના સભ્યોને કોઈ પગાર મળતો નથી. સરપંચને ઘણી નાણાંકીય સત્તાઓ મળી છે, પરંતુ તે ખુદ અવેતનિક છે. તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખો અને સમિતિના સભ્યોને નજીવું માનદ્દ વેતન મળે છે. જો ધારાસભ્યો અને સાંસદોને પગાર-ભથ્થાં મળતા હોય તો પંચાયતના સભ્યોને કેમ નહીં તેનો કોઈ યોગ્ય જવાબ મળતો નથી. 

દુનિયાના બીજા લોકશાહી દેશોએ લોકપ્રતિનિધિઓના પગારોમાં વૃદ્ધિ માટે તટસ્થ સભ્યોની સમિતિની રચના કરી છે અને તેની ભલામણો પરથી પગારમાં વધારો થાય છે. પરંતુ ભારતમાં આજે પણ સાંસદો અને ધારાસભ્યોના પગાર વધારાનો નિર્ણય તેઓ પોતે જ કરે છે. પરિણામે સાદગીના સંકલ્પ સાથે દિલ્હીમાં સત્તાનશીન થયેલી આમ આદમી પાર્ટીએ પહેલા જ સત્તાકાળમાં ધારાસભ્યોના પગારમાં ૪૦૦ ટકાનો વિક્રમી વધારો કર્યો હતો. ચૂંટાયેલા સભ્યોને ઘર ખર્ચ ઉપરાંત રાજકીય કામકાજ માટે નાણાંની જરૂર હોય છે એટલે તેમને પગાર તો મળવો જ જોઈએ એવી દલીલ સ્વીકારીને પણ કહેવું પડે છે કે ચૂંટણીઓમાં લખલૂટ નાણાં વહાવનારને પ્રજાના કરવેરાનાં નાણાંમાંથી જીવન ગુજારા માટે પગાર-ભથ્થા આપવા જોઈએ નહીં કે તેમના વિલાસી મોજશોખ પૂરા કરવા માટે.

જનપ્રતિનિધિઓ જે સમાજ સેવા કરે છે તે નિ:સ્વાર્થ ભાવે કરે છે કે સેવાને બદલે મેવા મેળવવા માટે કરે છે? જો સાંસદો-ધારાસભ્યો વેતન ભથ્થા મેળવે છે તો તે વેતન મેળવતા અધિકારી-કર્મચારી જેવા ગણાય. તો તેમની શૈક્ષણિક લાયકાત સહિતની પાત્રતા અને  પગારભોગી જાહેરસેવકોને લાગુ પડતા ડિસિપ્લિન એન્ડ કન્ડકટ રુલ્સ તેમને  લાગુ પાડવા ન જોઈએ?

વેતન મેળવતા સરકારી અધિકારી – કર્મચારીઓના કામના કલાકો અને કામકાજની સાથે લોકપ્રતિનિધિઓની તુલના રસપ્રદ છે. ‘ધ એન્યુઅલ રિવ્યુ ઓફ સ્ટેટ લોઝ’ નામક પી.આર.એસ. લેજિસ્લેટિવનો ૨૦૨૩નો અહેવાલ જણાવે છે કે ૨૦૨૩ના વરસમાં રાજ્યોની વિધાનસભાઓની બેઠકો આખા વરસમાં ૨૩ દિવસ જ મળી હતી. એટલે ૩૬૫ દિવસમાં તેઓએ ૨૩ જ દિવસ વિધાનસભામાં હાજરી આપી છે. બાર રાજ્યોની વિધાનસભાઓએ સો કલાકથી ઓછું કામ કર્યું છે. લગભગ ૪૫ ટકા વિધેયકો રજૂ થયા તે જ દિવસે કે બીજા દિવસે મંજૂર થયા હતા એટલે ચર્ચાનો પર્યાપ્ત સમય મળ્યો નથી. ૨૦૨૩માં લોકસભાનું શિયાળુ સત્ર ૪૩ કલાક ૨૭ મિનિટ જ ચાલ્યું હતું. તેની ઉત્પાદકતા ૪૦ .૦૩ ટકા જ હતી. શું આ હકીકતોથી તેમની પગાર માટેની કોઈ પાત્રતા જણાય છે ખરી?

લોકપ્રતિનિધિઓને નાણાંકીય અગવડો ન વેઠવી પડે અને તેઓ કાયદા ઘડવાનું તેમનું કામ મોકળાશથી કરી શકે, પોતાનો સંપૂર્ણ સમય તે જે હેતુ માટે ચૂંટાયા છે તેના માટે ખર્ચે તે માટે તેમને પગાર-ભથ્થા મળવા જોઈએ, તેમ કહેનાર પણ તેમની ધારાકીય કામગીરીથી નિરાશ થાય છે.

જ્યારે રાજકારણમાં ધનબળનો મોટો ઉપયોગ થાય છે અને સામાન્ય આર્થિક સ્થિતિની વ્યક્તિએ ચૂંટાવું દુષ્કર બન્યું છે, ત્યારે લોકપ્રતિનિધિઓને વેતન આપવું તે લોકોના નાણાંનો દુર્વ્યય છે. દેશમાં કરોડો લોકો ગરીબીની રેખા હેઠળ જીવતા હોય, લાખો યુવાનો બેરોજગાર હોય, અપાર મોંઘવારી હોય, ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને આટલી બધી સગવડો અને પગાર-ભથ્થાં આપવાં કેટલા ઉચિત છે તેવો સવાલ હંમેશાં થતો રહેવાનો.

e.mail ; maheriyachandu@gmail.com

Loading

નવી શોધો અને પ્રચંડ પ્રગતિ તરફ પ્રયાણ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 August 2025

માનવી કુદરતના ક્રમને ભેદીને, વાતાવરણને ભેદી બહાર જવા મથે છે. આપણી પોતાની યુદ્ધશૈલીની દૃષ્ટિએ ઉપયોગી એવાં સંરક્ષણ સાધનો ઉપર  આધાર રાખતી સંરક્ષણ વ્યવસ્થા આવશ્યક છે

ડૉ. વિક્રમ સારાભાઈ

ભારત હજુ પરમાણુ બોમ્બ ક્લબમાં પ્રવેશ્યું નહોતું એ વર્ષોની એક સાંભરણ. અમે અમદાવાદમાં સર્વોદય મંડળના ઉપક્રમે ત્યારે નાગરિક અને પરમાણુ શક્તિ પર એક જાહેર વિમર્શ યોજ્યો હતો. નારાયણ દેસાઈ અને જયન્તિ દલાલ વગેરે એને સંબોધવાના હતા. એટમિક એનર્જી કમિશનના અધ્યક્ષ વિક્રમ સારાભાઈ ત્યારે અમદાવાદમાં હતા અને એમણે પણ (માત્ર હાજર રહેવાની શરતે) સામેલ થવાનું સ્વીકાર્યું હતું.

પ્રકાશ ન. શાહ

અને હા, ભૂલી ગયો, વક્તાઓમાં એક જનસંઘના વસન્ત ગજેન્દ્ર ગડકર પણ હતા. એમણે ચર્ચામાં એક તબક્કે કહી નાખ્યું કે આપણે અણુશક્તિમાંથી બોમ્બ નહીં બનાવીએ તો શું ભજન ગાવાના મંજીરા બનાવીશું? એક મોટી બાબતમાં લગભગ બચકાના એવો લોકરંજની પ્રતિભાવ એમનો હતો. (અલબત્ત, આગળ ચાલતાં ઇંદિરાજી સહિત રાજકારણીઓના મોટા હિસ્સાને આ ભૂમિકા અનિવાર્ય લાગવાની હતી.)

અણુશક્તિના શાંતિમય ઉપયોગ અને અગ્રતા વિવેકને ધોરણે અપેક્ષિત વિમર્શમાં એ જો કે એક અણધાર્યો ફણગો ફૂટ્યો હતો. પણ જયન્તિ દલાલે એમની હંમેશની દક્ષ શૈલીએ તરત દરમ્યાન થઈ કહ્યું હતું – આપણા શ્રોતાઓમાં વિક્રમભાઈ પણ છે એનો જરી લિહાજ કરીએ.

પાછળથી, જયન્તિભાઈને ત્યાં વિક્રમભાઈને મળવાનું થયું, રંજનબહેનના હાથની એમને ભાવતી દાળઢોકળી પર, ત્યારે મેં કહ્યું કે તમે હોદ્દાની રૂએ જાહેર ચર્ચામાં મૌન ઈષ્ટ ગણ્યું હોય તો પણ તમારો એકંદર વૈચારિક અભિગમ તમારે કોઈક રીતે તો સમજાવવાની તક લેવી જોઈએ. એમણે જવાબમાં મને આઈ.આઈ.ટી.(મદ્રાસ)ના એમના પદવીદાન પ્રવચનની એક નકલ થમાવી હતી. (મધુ રાયના અનુવાદમાં પછીથી એ ‘નિરીક્ષક’માં પ્રગટ થયું પણ હતું.)

સરસ, સમીચીન શીર્ષક હતું એમના દીક્ષાન્ત અભિભાષણનું, ‘વિજ્ઞાનયુગમાં વિખેરાતો માનવી.’ 1968-69માં એ વાત કરી રહ્યા હતા : ‘છેલ્લાં પાંચ વર્ષોમાં દુનિયામાં અદ્દભુત પરિવર્તનો આવી ગયાં છે. નેહરુ, કેનેડી, ખ્રુશ્ચોફનાં નામ શાંત થઈ ગયાં છે. શસ્ત્રસરંજામથી લચી પડતાં રાષ્ટ્રો હજી વધુ ને વધુ શસ્ત્રો પોતાની પીઠ પર લાદ્યે જાય છે.

દુનિયાભરમાં ઠેર ઠેર હિંસા ને ખૂનામરકી વ્યાપી ગયાં છે. ચંદ્રની મુસાફરી કે ભારતમાં એન્જિનિયરિંગનો અભ્યાસ પહેલાંની જેમ આકર્ષક વિષયો નથી રહ્યા. ચીન, અમેરિકા કે ભારતની જિંદગીમાં વિચિત્ર ઘમસાણો આવી ગયાં છે …

‘આજના યંત્રયુગમાં મશીન અને મશીની સાધનો સાથે આપણને કામ પડ્યું છે … મશીનોના ક્રમને અનુસરીને ચાલીએ છીએ, જીવીએ છીએ. વધુ ને વધુ ઉત્સાહ અને ઝુંબેશથી નવી નવી શોધો કરતો માનવી હવે તો કુદરતના ક્રમને ભેદીને, વાતાવરણને ભેદી બહાર જવા મથે છે …’

‘કુદરતનું કામ કુદરત કરે ત્યાં સુધી તો એ પોતાના જાદુથી એની સમતુલા રાખી શકે છે, પણ કુદરતી વ્યવસ્થામાં બહારથી કોઈ માનવનિર્મિત દબાણ કે કામ આવે છે ત્યારે કુદરત મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અત્યારે જે ગતિથી નવી નવી શોધો થાય છે, તે જોતાં દુનિયા ઉત્તરોત્તર વધતી જતી ઝડપે પ્રચંડ પ્રગતિ કરી રહી છે, અને અસંખ્ય માણસો, વસ્તુઓ પુરાણાં પડતાં જાય છે …’

ગમે તેમ પણ, માનવી કુદરતના ક્રમને ને વાતાવરણને ભેદીને બહાર જવાની શક્તિ ધરાવતો થયો છે ત્યારે અગ્રતાની દૃષ્ટિએ સરળ વિજ્ઞાનવિવેક શો હોય, એનું સંક્ષિપ્ત પણ સટીક ને સચોટ સમાપન વિક્રમ સારાભાઈએ આ પદવીદાન પ્રવચનમાં આ શબ્દોમાં કર્યું હતું :

‘મારી નજરે, આપણને વધુ અગત્યનાં હોય એવાં કાર્યોનાં રેખાંકન અને વિકાસમાં સૌથી વધુ મૂડીરોકાણ થવું જોઈએ. કિફાયતી કિંમતનું સ્કૂટર કે નાની મોટરકાર પૂરી પાડે એવી સારી યાતાયાત વ્યવસ્થા, દસ વરસમાં ગામે ગામ ટેલિવિઝન લાવી શકે એવી સમૂહ-સંપ્રેષણ વ્યવસ્થા હાઈડ્રો-ઈલેક્ટ્રિક, એટોમિક કે થર્મલ યુનિટોના સંમિલિત વિનિયોગથી ગ્રામ વિસ્તારમાં વીજળી પહોંચાડવાની વ્યવસ્થા અને આપણી પોતાની સરહદી જરૂરતો તેમ જ આપણી પોતાની યુદ્ધશૈલીની દૃષ્ટિએ ઉપયોગી એવાં સંરક્ષણ સાધનો ઉપર (આપણા દરિયાપારના મિત્રો આપણને જે વેચવા, ભેટ આપવા કે એમના તકનીકી માર્ગદર્શન નીચે બનાવવાનું મુનાસિબ સમજે તે સાધનો ઉપર નહીં) આધાર રાખતી સંરક્ષણ વ્યવસ્થા આવશ્યક છે.’

અટક્યા’તા અલબત્ત આશાના સૂર પર –

‘હું માનું છું કે માણસનાં અનેકવિધ કર્મોનાં અનિયંત્રિત દિશાઓમાં નાસતાં પરિબળો એકાએક આપણા અણુએ અણુ છૂટાં પાડી નાખે તે પહેલાં એમને ઇચ્છિત માર્ગે વહેવડાવવાની દૂરંદેશીતા આપણામાં છે.’

બરાબર એંશી વરસ થયાં હિરોશીમા-નાગાસાકી ઘટનાને. ઉમાશંકરે આખી યુગચર્ચાને સમેટતા નાગાસાકીના પ્રાસમાં ‘હવે શું બાકી’ પ્રકારનો ભાવ પ્રગટ કર્યો હતો. પરમાણુ બોમ્બથી એચ બોમ્બ અને કદાચ એથીયે આગળ વધી ગયા પછી આ બધી પૂર્વ ચર્ચાનો કોઈ અર્થ રહે છે ખરો, એવો કંઈક સવાલ પણ પૂછી તો શકાય. પણ અણુ બોમ્બના નિર્માણ પૂર્વે અને તે પછી પણ આઈન્સ્ટાઈન સરખાએ અનુભવેલ મનોમંથન, રૂસના સખારોવ જેવા એચ બોમ્બના જનકે બંધ દુનિયામાં મુક્તિ ચળવળ સારુ અનુભવેલી છટપટહટ અને નાગરિક અધિકાર ચળવળ સાથે સાધેલ સંધાન, આ બધું જ બેમતલબ ને બેમાની છે?

બટ્રાન્ડ રસેલે લખેલ ‘હેઝ મેન અ ફ્યુચર’ વાંચવાનું દાયકાઓ પૂર્વે બન્યું હતું. હજુ એમાં ઉપસ્થિત થયેલ ચિંતા, નિસબત ને પ્રશ્ન કદાચ એટલાં જ નીંગળતાં અનુભવાય છે …’

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 20 ઑગસ્ટ 2025

Loading

કશ્તી કે મુસાફિરને સમુંદર નહીં દેખા ! 

રમેશ સવાણી|Opinion - Opinion|19 August 2025

રમેશ સવાણી

ચૂંટણીપંચની ભારે બદનામી થયા બાદ 17 ઓગસ્ટ 2025ના રોજ ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશકુમાર ગુપ્તાએ પ્રેસ કોન્ફરન્સ કરી. 

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે : [1] ચૂંટણી પંચ માટે કોઈ પક્ષ કે વિપક્ષ નથી. બધા બરાબર ! [2] ચૂંટણી પંચના ખભા પર બંદૂક રાખી રાજનીતિ થઈ રહી છે. [3] ફરિયાદીએ પુરાવા આપવાના હોય છે. [4] આક્ષેપો અંગે સોગંદનામું આપે, નહીંતર દેશની માફી માંગે ! જે પ્રેઝેન્ટેશન (રાહુલ ગાંધીએ) આપ્યું તે ડેટા ચૂંટણી પંચનો નથી. 7 દિવસમાં સોગંદનામું નહીં આપે તો આક્ષેપો નિરાધાર માનવામાં આવશે ! [5] વોટ-ચોરી જેવા શબ્દોનો ઉપયોગ ઉચિત નથી. [6] લોકોને ગેરમાર્ગે દોરવા તે લોકતંત્રનું અપમાન છે. [7] ખોટા આક્ષેપોથી ચૂંટણી પંચ ડરતું નથી. [8] મતદાર યાદીની ત્રુટિઓની જાણકારી રાજકીય પક્ષો આપે. [9] મતદાર યાદીનું વેરિફિકેશન થઈ રહ્યું છે. [10] SIR-Special Intensive Revisionના કારણે ડુપ્લિકેટ EPIC-Electors Photo Identity Card નંબર દૂર થઈ જશે.

શું ચૂંટણીપંચ તટસ્થ છે? વડા પ્રધાન મોદીજીએ અનેક વખત આચારસંહિતાનો ભંગ કરેલ છે. એક તરફ મતદાન ચાલુ હોય અને બીજી તરફ ચૂંટણી રેલી પણ ચાલુ હોય ! પ્રચારમાં  ધર્મ-મંદિરનો ઉપયોગ, મુસ્લિમ સમુદાયને વિલન ચીતરવો વગેરે અનેક પ્રસંગોએ ચૂંટણીપંચે આંખ / કાન / મોં બંધ રાખેલ છે. ચૂંટણી કમિશનરની નિમણૂક વડા પ્રધાન કરે છે. નિમણૂક કમિટીમાંથી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને કાઢી મૂક્યા છે. એટલે ‘ઉત્તમ ચાપલૂસ’ની નિમણૂક થાય છે. તટસ્થતા જોવા મળતી નથી. ‘ચૂંટણી પંચ માટે કોઈ પક્ષ કે વિપક્ષ નથી. બધા બરાબર !’ આ દલીલ ગળે ઊતરી શકતી નથી. ખુદ ચૂંટણીપંચ સત્તાપક્ષનું ખેંચે છે એટલે વિપક્ષ ચૂંટણીપંચની મુદ્દા આધારિત આલોચના કરે છે, તેને ‘ખભા પર બંદૂક રાખી રાજનીતિ કરે છે’ તેમ કહી શકાય નહીં. ફરિયાદી પુરાવા ન આપે તો ચૂંટણી પંચે જાતે સુધારણા કરવાની હોય કે નહીં? રાહુલ ગાંધીએ જે ડેટાનો ઉપયોગ કરેલ છે તે ‘ડેટા ચૂંટણીપંચનો નથી’ એમ કહેતા શરમ પણ ન આવે? માની લઈએ કે રાહુલ ગાંધીએ તદ્દન ખોટા ડેટા આપેલ છે તો તેમની સામે ચૂંટણીપંચ કોગ્નિઝેબલ ગુનો કેમ દાખલ કરતું નથી? ‘7 દિવસમાં સોગંદનામું નહીં આપે તો આક્ષેપો નિરાધાર માનવામાં આવશે !’ આમે ય ચૂંટણીપંચ સત્ય સ્વીકારતું નથી એટલે જ રાહુલ ગાંધી વોટ-ચોરીનો મુદ્દો લોકો સમક્ષ લઈ ગયા છે. ‘લોકોને ગેરમાર્ગે દોરવા તે લોકતંત્રનું અપમાન છે’ સહમત. પરંતુ લોકોને ગેરમાર્ગે કોણ દોરે છે, રાહુલ ગાંધી કે ચૂંટણીપંચ? ‘ખોટા આક્ષેપોથી ચૂંટણી પંચ ડરતું નથી’ આવું કહેનાર બંધારણીય સંસ્થા છે કે રાજાશાહી સંસ્થા? જો ‘મતદાર યાદીની ત્રુટિઓની જાણકારી રાજકીય પક્ષો આપે’ તો ચૂંટણીપંચે શું મંજિરા વગાડવાના હોય છે? ‘મતદાર યાદીનું વેરિફિકેશન થઈ રહ્યું છે. SIR-Special Intensive Revision થઈ રહ્યું છે’ તે સારી બાબત છે પણ તેમાં પારદર્શકતા તો રાખો ! ચૂંટણી પંચે જીવતા લોકોને મરેલા ઘોષિત કેમ કરી દીધાં છે? ચૂંટણીપંચે મહાદેવપુરા બેઠકમાં 1 લાખ નકલી મતદારો અંગે કેમ કોઈ સ્પષ્ટતા કરી નથી? બિહારના બગાહામાં, 9 ઘરોમાં 100થી વધુ મતદારો રહે છે, જ્યારે એક ઘરમાં 248 નકલી મતદારો છે. પીપરાના બૂથ નંબર 310ના એક ઘરમાં, 509 મતદારો મળી આવ્યા છે !

ચૂંટણી પંચના જવાબો અને ઉપરછલ્લી હાસ્યાસ્પદ દલીલો પાછળ, તેમની પ્રવૃત્તિઓમાં મોટી વિસંગતતા અને શુદ્ધ અપ્રમાણિકતાના ફિંગરપ્રિન્ટ્સ સ્પષ્ટપણે જોવા મળે છે. ચૂંટણીપંચ માત્ર 90 કરોડ મતદારો અને 140 કરોડ લોકોની આંખોમાં ધૂળ નાખી રહ્યું છે અને તેમની સામાન્ય બુદ્ધિની મજાક પણ ઉડાવી રહ્યું છે. ચૂંટણીપંચ આવી હિંમત એટલે કરી રહ્યું છે કે તેમને વડા પ્રધાન મોદીજીનું પીઠબળ છે. 

મુખ્ય ચૂંટણી કમિશનરે દલીલ કરી છે કે ‘પારદર્શક પ્રક્રિયામાં કોઈ ‘વોટ ચોરી’ કઈ રીતે કરી શકે?’ બરાબર, પણ ચૂંટણી પંચ પારદર્શક છે ખરું? જો ચૂંટણી પંચ પારદર્શક હોય તો ડિજિટલ, મશીન-રીડેબલ વોટર રોલ આપવામાં વાંધો શું છે? ચૂંટણી પંચ ફોર્મ 17 ડેટા(જે બૂથ પર પડેલા કુલ મતોનું પ્રમાણપત્ર છે)ની બૂથવાર માહિતી વેબસાઇટ પર અપલોડ કરવાનો અથવા જિલ્લા રિટર્નિંગ અધિકારીઓને હાર્ડ કોપી આપવાનો ઇનકાર કેમ કરે છે? EVMમાં પડેલા મતો અને EVM દ્વારા ગણતરી કરાયેલા મતો વચ્ચે તફાવત કેમ હોય છે? ચૂંટણીપંચ મતદારોના CCTV ફૂટેજ શેર કરવામાં કેમ ડરે છે? મુખ્ય ચૂંટણી કમિશનરની હાસ્યાસ્પદ દલીલ તો જૂઓ : “મતદાન કરતી માતાઓ અને બહેનોના CCTV ફૂટેજ મહિલાઓની ગોપનીયતાનું ઉલ્લંઘન છે !” અરે જ્ઞાનેશકુમારજી ! બૂથની બહાર લાઇનમાં કઈ ગોપનીયતા છે?

મતદાર યાદીની ખામી એટલે લોકશાહીની ખામી. આવી ખામીઓને દૂર કરવાની પ્રાથમિક જવાબદારી ચૂંટણીપંચની છે. ચૂંટણીપંચે આ કામ વહિવટીતત્ર પાસે કરાવવું જોઈએ. ચૂંટણીપંચ સત્ય સમજવાનો પ્રયાસ પણ કરતું નથી. જેમ કોઈ નાવિકે ફક્ત તેની હોડીમાંથી સમુદ્ર જૂએ છે, સમુદ્રની ઊંડાઈ કે વિશાળતાનો અનુભવ કરતો નથી. તેવી જ રીતે, ચૂંટણીપંચ ઉપરછલ્લી વાત કરે છે. ચૂંટણીપંચે વસ્તુઓને ફક્ત બાહ્ય રીતે ન જોવી જોઈએ, પરંતુ તેના ઊંડાણમાં જવાનો પ્રયાસ કરવો જોઈએ. બીજાઓની લાગણીઓ, તેમના સત્યને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ચૂંટણીપંચની હરકત જોતાં કવિ બશીર બદ્ર યાદ આવે છે : 

आंखों में रहा दिल में उतर कर नहीं देखा, 

कश्ती के मुसाफ़िर ने समुंदर नहीं देखा !

18 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...36373839...506070...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved