‘હિંદ સ્વરાજ’ લખાયાને સો વર્ષ પૂરાં થવા આડે એક દહાડો માંડ છે ત્યારે ફોર્બ્સ વધામણી ખાય છે કે દેશમાં અબજોપતિ બેવડાયા છે. આજે બેતૃતીયાંશ ભારતને અને વાસ્તવિક વિકાસને સ્નાનસૂતકનોયે સંબંધ સુઘ્ધાં નથી, પણ કોણ બોલે ? સેન્સેક્સથી સેઝને હિંચોળે હેલારા લેતા આ દેશને શું કહેવું, સિવાય કે હરખ હવે તું હિંદુસ્તાન !
ખબર નથી, એમાં વધામણી વાંચવી કે બીજું કાંક : શુક્રવારે છાપાંને છાપરે ચડીને ફોર્બ્સ પોકારે છે કે દેશમાં અબજોપતિની સંખ્યા એક જ વર્ષમાં બમણા જેટલી થઈ ગઈ છે. એણે દલપતરામની પેઠે કદાચ એટલું જ કહેવાનું બાકી રાખ્યું છે કે હરખ હવે તું હિંદુસ્તાન. પણ ભાઈ, દલપતરામ કને તો કંઈકે મુદ્દો કદાચ હતો.
રસ્તે જતી, બિચારી બકરીનો કોઈ કાન પકડતું નહોતું – ઠગપિંઢારાની કૃષ્ણછાયા અંગ્રેજી રાજને પ્રતાપે દેખીતી ઓસરવા લાગી હતી – તેથી કવિ જરી રાજી થઈ ગયા હતા. પણ અહીં તો આ અબજોપતિઓનો આંકડો ત્યારે બેવડાય છે જ્યારે એક અબજથી વધુ વસ્તીઆંક ધરાવતા આ મુલકમાં ખાસ્સા એંશી કરોડ, રિપીટ, એંશી કરોડ લોકો માથાદીઠ વીસ રૂપિયાના ખરચમાં મરવાને વાંકે જીવે છે અને જીવવાને વાંકે મરે છે.
નાતજાતકોમનાં ટૂંકાં ગણિતોમાં આપણે અલબત્ત રમવું નથી, પણ વરવી વાસ્તવિકતા એ છે કે તમે આ એંશી કરોડ લોકો કોણ છે એની વિગત ખોતરશો તો તેમાં દેશના દલિતો, આદિવાસીઓ, મુસ્લિમો અને બીજા પછાત (ઓબીસી) તબકાઓમાંથી એંશીથી નેવું ટકા જેટલા લોકોનો એમાં સમાવેશ થાય છે.
મતલબ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણના દોરમાં જે ઊચા વૃધ્ધિદરનો દેદો કૂટાતો આપણે સાંભળીએ છીએ તેનો લાભ દેશના વીસપચીસ ટકાને મળ્યો હશે તો મળ્યો હશે. બેતૃતીયાંશ ભારતને અને વાસ્તવિક વિકાસને સ્નાનસૂતકનોયે સંબંધ સુઘ્ધાં નથી. પણ કોણ બોલે? બિચારી બકરી કયાંથી કોઈનો કાન પકડી શકવાની હતી, કહો જોઉ. દેશને કદાચ એક પ્રતિ દલપતરામની જરૂર છે જે આ વાત ખોંખારીને કહે.
નવેમ્બર-૨૦૦૯નાં આ રંગ રંગ ફોર્બસિયાં વચ્ચે ખરું જોતાં સ્મરણ તો નવેમ્બર-૧૯૦૯નું કરવા જેવું છે. એ દિવસો હતા, ૧૩થી ૨૨ નવેમ્બરના, આજથી બરાબર સો વર્ષ ઉપરનાં, જ્યારે અંગ્રેજ શાહીવાદની રાજધાની લંડનથી દક્ષિણ આફ્રિકા જતાં ‘કિલ્ડોનન કેસલ’ નામે જહાજમાં ગાંધીએ ‘હિંદ સ્વરાજ’ લખી નાખ્યું હતું.
વિકાસનો જે રસ્તો ત્યારે ગોરી દુનિયાએ લીધો હતો, એમાં અર્થશાસ્ત્ર ઓછું અને અનર્થશાસ્ત્ર ઝાઝું હોવાનું એને એકતાલીસમે સમજાઈ ગયું હતું. વિષમતા વકરાવતી આંધળી ઉત્પાદનદોટ અને સંસ્થાન મૃગયા દુનિયાને કયાં લઈ જશે એ જાણે કે હાલકડોલક જહાજ પર આ સ્થિરમતિ સત્યાગ્રહીને બરાબર સમજાઈ ગયું હતું.
જોશીનજૂમી, વર્તારાબહાદુરો, નોસ્ટ્રેદામસ સૌ ફીફાં ખાંડે- આ માણસ પૂર્વે લખી ચૂકયો હતો કે પ્રજાઓ એકબીજાની ઉપર ટાંપીને બેઠી છે. જબરદસ્ત ભડકો થશે ત્યારે યુરોપમાં દોજખ નજરે દેખાશે. હજુ પ્રથમ વિશ્વયુધ્ધને પાંચ-છ વર્ષની વાર હતી અને એણે આમ લખેલું.
જે અર્થવ્યવસ્થા અને વિશ્વવ્યવસ્થા તરફ આપણે જઈ રહ્યા હતા એને વિશે ‘રુક જાવ’ અને પુનર્વિચારનો એ બુલંદ પડકાર, ગાંધીની આખી લડતને સાંસ્થાનિક સ્વરાજના સાંકડા સંદર્ભમાંથી ઊચકીને- સ્થળકાળ સાથે કામ પાડતે છતે એને પરહરીને- નવા માનવીની, નવા સમાજની, નવી દુનિયાની (કહો કે જણે જણના સ્વરાજની) ભૂમિકાએ મૂકી આપે છે.
મુશ્કેલી એ છે કે વૈશ્વિક એકીકરણની હાલની તરાહ અને તાસીરમાં દેશનું એ જ ધોવાણ જારી છે, જેને વિશે દાદાભાઈ નવરોજીએ ફરિયાદ કરી હતી. મુશ્કેલી એ છે કે આ પ્રક્રિયાની સામે અદના માણસને અને નાગરિકને માનવ વિકાસ આંક સહિત માનવહકને ધોરણે શિક્ષણ અને સ્વાસ્થ્યની કસોટીએ બજારનાં બળો સામે, જે સલામતી આપવી જોઈએ, તે બજાર કૈવલ્યવાદ પાસે નથી, ન તો રાજ્ય કૈવલ્યવાદમાં અગર તો ‘ધ અધર’ને નિશાન બનાવીને ચાલતા સાંસ્કતિક રાષ્ટ્રવાદ પાસે પણ એ છે.
સેન્સેક્સથી માંડીને સેઝ સહિતના એકંદર અભિગમને આંધળીભીંત વળગેલા આપણે એક અજબ જેવી પ્રજા તો ખરા જ કે અબજોપતિઓ બેવડાય એનો બેવડો વિપળવારમાં ચઢી જાય છે. પતંગનૃત્યના તાનમાં સમજાતું નથી કે આપણો રાજીપો ‘બેગાની શાદી મેં અબદુલ્લા દિવાના’ ઘરાણાનો છે.
ભાઈ, તમને આ ‘સેઝ પર શૂલી હમારી’ કેમ નાખી નજરે દેખાતુંસમજાતું નથી? સંસ્થાનવાદ અને વકરતી વિષમતાનું જે ભાષ્ય દાદાભાઈ નવરોજી અને રોમેશચંદ્ર દત્તે કરેલું, ગાંધીએ જે એ બંનેથી આગળ જઈ ડંકે કી ચોટ એક નવા રસ્તાની મથામણ રૂપે કહેલું- આ ‘સેઝ’ એનો જ એકવીસમી સદીનો દાખલો નથી તો બીજું શું છે?
સેઝ તો એક નવો વજજરકોટ છે સાહેબો, જયાં વિષમતાનિર્મૂલનનો આછોપાતળો આભાસ આપતા પર્યાવરણી ને મજૂર સંબંધી કાયદાઓને કાયદેસર કોટવટો અપાયેલ છે. તમારા કાયદાઓથી મુક્ત એવો એ એક ટાપુ છે જયાં નવા કંપનીબહાદુરો દેશદેશાવરથી આવશે અને જેમ એલચી કચેરીઓને મળે છે તેમ એમના આ સેઝમુલકને પણ સ્વતંત્ર જેવો દરજજો મળશે. નેતાઓ અને ગુજરાતી ફિલ્મોની જેમ એક આખી કરમુકત મંડળી ત્યાં વિકાસનો રાસ રમતી હશે. અને દરમિયાન, અબજોપતિઓ બેવડાતા જશે- ગરીબો ચોવડાતા જશે. હરખ હવે તું હિંદુસ્તાન!
(લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.)
(સદ્દભાવ : "દિવ્ય ભાસ્કર", ૨૧ નવેમ્બેર ૨૦૦૯)