ગુજરાત બહાર જઈએ અને આૅટોરિક્ષા કે ટૅક્સીમાં બેસીએ અને ચાલક સાથે સંવાદ શરૂ થાય તો તરત પ્રતિભાવ આવે, ‘અરે સા’બ, આપ ગુજરાત સે હૈં, આપકે યહાં તો મોદીસાહેબને કમાલ હી કર દિયા હૈ. સબ એકદમ ચકાચક. સુનતે હૈ ગુજરાત કો સોને સા ચમકા દિયા હૈ. પૂરે ઇન્ડિયા સે રોટી-કપડાં-મકાન કી તલાશમેં લોગ આપકે વહાં જા કર રોટી કમા રહે હૈ. સભી રાજય ગુજરાત જૈસે હો જાયેં તો ઇન્ડિયા કા નસીબ ખુલ જાયે.’ આપણે સ્વીકારવું પડે કે ગુજરાતના મુખ્યમંત્રી એવી છવિ ઊભી કરી શક્યા છે કે છેલ્લાં દસ-બાર વર્ષોમાં ગુજરાતમાં થયેલા આિર્થક વિકાસ માટે તેમનું કરિશ્માસભર નેતૃત્વ જ જવાબદાર છે. લોકશાહીની રાજનીતિમાં આ પ્રયાસ નવો નથી, પરંતુ એ પણ કબૂલવું પડે કે આવા પ્રયાસમાં વર્તમાન મુખ્યમંત્રીને જેટલી સફળતા મળી છે તેટલી સફળતા અન્ય કોઈને મળ્યાનો સ્વાતંત્ર્યોત્તર ગુજરાતના ઇતિહાસમાં ઉલ્લેખ નથી. આ મુખ્યમંત્રીએ ૨૦૦૭ની ચૂંટણી સમયે પાર્ટીના ચૂંટણીઢંઢેરાને હડસેલીને ‘સલામત ગુજરાત – સમૃદ્ધ ગુજરાત’નો નારો આપેલો. લોકોમાં એવી છાપ છે કે આ વચન તેઓ પાળી શક્યા છે અને ગુજરાતે તેમના કુલ શાસનકાળમાં અતુલનીય અાર્થિક વૃદ્ધિ હાંસલ કરી છે અને જો એ પોતાને ‘વિકાસપુરુષ’ તરીકે ઓળખાવતા હોય તો તે એકદમ વાજબી છે. સલામતીને મુદ્દે તો તેઓ ગુજરાત તો શું આખા દેશમાં એક માત્ર ‘છાતીવાળો મરદ માણસ’ તરીકે પણ પંકાયા છે.
હકીકતે ગુજરાતમાં અાર્થિક વૃદ્ધિ થવા પામી છે, પણ એ માત્ર છેલ્લાં દસ-બાર વર્ષમાં જ નહીં પરંતુ ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી જ શરૂ થઈ છે. વિશેષમાં છેલ્લાં ત્રીસ વર્ષથી ઝડપી અાર્થિક વૃદ્ધિ થવા પામી છે. વર્તમાન દશકમાં થયેલી અાર્થિક વૃદ્ધિના પાયામાં આની પહેલાના બે દશકોમાં થયેલી વૃદ્ધિ રહેલી છે તે સમજવા જેવું છે. બીજો મુદ્દો ૨૦૦૦ની સાલ પછી અાર્થિક વૃદ્ધિ વિભિન્નરૂપે અંજાઈ જવાય તે રીતે દૃષ્ટિગોચર થવા લાગી છે તેનો છે. ગુજરાતના અને તેના વર્તમાન મુખ્યમંત્રીને નસીબે વર્ષ ૨૦૦૦ પછી એકેય કારમો દુષ્કાળ નથી પડ્યો. પીવાના પાણીની ખેંચ પડી નથી, કારણ કે કંઈક પૂર્વસૂરિઓના ભગીરથ પ્રયાસોના લીધે નર્મદાનાં નીર માત્ર ‘સાબરમતી રિવર’ને ‘ફ્રંટ’માં જ નથી વહેવડાવી રહ્યાં પણ નપાણીયા વિસ્તારોમાંના ગામડાંમાં વસતા લાખો લોકોની તરસ છિપાવી માનવતાને તરબોળ કરી રહ્યા છે.
વર્તમાન નેતૃત્વ અને નેતૃત્વમાત્રના શાસનકાળમાં ગુજરાતની અાર્થિક વૃદ્ધિની મિથ અને હકીકતોને જોઈએ. રાષ્ટ્રીય સ્તરે અાર્થિક વૃદ્ધિ માટે કુલ ઘરગથ્થુ પેદાશ(જીડીપી-ગ્રોસ ડાૅમેસ્ટિક પ્રાૅડક્ટ)ની વૃદ્ધિ જોવાય છે અને એ જ રીતે રાજય માટે રાજય ઘરગથ્થુ પેદાશ (એસડીપી-સ્ટેટ ડોમેસ્ટિક પ્રાૅડક્ટ)ના આંકડાઓનો આધાર લેવાય છે. ૧૨ જૂન ૨૦૧૨ના “ટાઇમ્સ આૅફ ઇન્ડિયા”માં દેશના આયોજન પંચના પૂર્વ સભ્ય પ્રોફેસર ભાલચંદ્ર મુંગેકરે એક લેખમાં આ પ્રમાણે દર્શાવ્યું હતું ઃ ૧૯૯૫-૨૦૦૦ અને ૨૦૦૧-૧૦ના બે ગાળાઓમાં ક્રમશઃ ૮.૦૧ ટકા અને ૮.૬૮ ટકાના દરે અાર્થિક વૃદ્ધિ થઈ હતી. તે જ અરસામાં આંધ્રપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ, તામિલનાડુ અને ઉત્તરપ્રદેશમાં પણ અાર્થિક વૃદ્ધિના દરો લગભગ આટલા જ રહ્યા હતા. બે સમયગાળાઓ પૈકી એક પણ ગાળામાં ગુજરાત પહેલે ક્રમે ન હતું. ૧૯૯૫-૨૦૦૦ના ગાળામાં ગુજરાતનો ક્રમ બીજો હતો. પહેલા ક્રમ પર રાજસ્થાન હતું જયાં અાર્થિક વૃદ્ધિ દર ૮.૩૪ ટકા હતો. બીજા ગાળામાં એટલે ૨૦૦૦-૧૦ દરમિયાન ૧૧.૮૧ ટકાની અાર્થિક વૃદ્ધિ દર સાથે ઉત્તરાખંડ રાજય પહેલા ક્રમે હતું. બીજો ક્રમ હરિયાણા રાજયનો હતો જેનો વૃદ્ધિ દર ૮.૯૫ ટકા હતો. ગુજરાત ૮.૬૮ ટકા સાથે ત્રીજા ક્રમે હતું. બિહાર અને ઓરિસ્સા જેવા અાર્થિક દૃષ્ટિએ પછાત ગણાતાં રાજયો પણ ૨૦૦૦-૧૦ દરમિયાન અનુક્રમે ૮.૦૨ અને ૮.૧૩ ટકાના દરે વધ્યા હતા. ઔદ્યોગિક ક્ષેત્રના વૃદ્ધિ દર જોઈએ તો આ જ સમયગાળામાં ઓરિસ્સામાં ૧૭.૫ ટકા અને છત્તીસગઢમાં ૧૩.૩ ટકા વૃદ્ધિ દર હતો, જે ગુજરાતમાં ૧૨.૬ ટકા હતો. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રમાં ૨૦૦૨ પછી વૃદ્ધિદરમાં ઝડપી વધારો નોંધાયો છે. પરંતુ આ વૃદ્ધિ રોકડિયા પાકોમાં વધારાને લીધે થઈ છે. બી.ટી. કપાસ હેઠળ વાવેતર વિસ્તાર ઝડપથી વધ્યો અને તેનું કુલ ઉત્પાદન પણ ઝડપથી વધ્યું. પરંતુ અનાજ અને કઠોળ હેઠળ વાવેતર વિસ્તાર બહુ જ ઘટ્યો છે અને ૨૦૦૦ પછી જુવાર, બાજરા અને મકાઈ જેવા સ્થાનિક પાકો લગભગ નામશેષ થયા છે. જમીનની ફળદ્રુપતાને પણ નુકસાન પહોંચ્યું છે. ૨૦૧૧માં માથાદીઠ આવક પ્રમાણે પણ ગુજરાત પહેલા ક્રમે નહોતું આવી શક્યું અને તે હરિયાણા (રૂ. ૯૨,૩૨૭), મહારાષ્ટ્ર (રૂ. ૮૩,૪૭૧), પંજાબ (રૂ. ૬૭,૪૭૩), તામિલનાડુ (રૂ. ૭૨,૯૯૩) અને ઉત્તરાખંડ (રૂ.૬૮,૨૯૨) પછી છેક છઠ્ઠા ક્રમે રૂ. ૬૩,૯૯૩ સાથે હતું.
હવે ૨૦૦૦-૧૨ના સમયગાળા અને તે પહેલાના બે દશકોમાં થયેલા અાર્થિક વિકાસની તુલના કરીએ. કોઈ પણ દેશ કે રાજયના અાર્થિક વિકાસના પાયામાં રાજય દ્વારા પૂરી પાડવામાં આવેલી માળખાગત સુવિધાઓ છે. આમાં મુખ્યત્વે રસ્તા, વીજળી, પાણી અને ઉદ્યોગના સંદર્ભમાં જમીન અને ખાણ માટેના પરવાના વગેરે હોય છે. આંકડા જોતાં એવું જણાય છે કે ગુજરાત રાજય ૨૦૦૦ની સાલ પહેલાથી જ માળખાગત સુવિધાઓથી જ સજજ હતું એટલું જ નહીં પણ તેના આધારે ઉદ્યોગધંધા પણ ખૂબ વિકસેલા જ હતા. નમૂનાખાતર થોડા આંકડા તપાસી જઈએ. આ આંકડા સરકારના અર્થશાસ્ત્ર અને આંકડા કચેરી દ્વારા બહાર પાડવામાં આવે છે. આ પ્રકાશન દર વર્ષે ‘સામાજિક-અાર્થિક સમીક્ષા- ગુજરાત’ના શીર્ષક હેઠળ બહાર પડે છે. રસ્તાઓ અંગેના આંકડા જોતાં જણાય છે કે ૨૦૦૨ની સાલ પછી નવા રસ્તા ખાસ બન્યા નથી. રાજયમાં રસ્તાની કુલ લંબાઈ સન ૨૦૦૨માં ૭૪,૦૧૮ કિલોમીટર હતી જે વધીને ૨૦૦૯માં ૭૪,૧૧૭ કિમી થયેલી એટલે સાત વર્ષમાં ૯૯ કિમી વધી. ૨૦૦૨-૦૯ દરમિયાન ૫,૦૦૦ કિમી રસ્તા પર ડામર કરવામાં આવ્યો, જયારે ૧૯૯૧-૨૦૦૨ દરમિયાન ૨૩,૦૦૦ કિમી કરતા વધુ રસ્તા પર ડામર કરવામાં આવ્યો હતો. ૨૦૦૨-૦૯ દરમિયાન રાજય ધોરી માર્ગની કુલ લંબાઈ ૧૯,૧૬૩ કિમીથી ઘટી ૧૮,૪૬૦ થવા પામી હતી. આ ઘટાડો મુખ્યત્વે રાજય ધોરી માર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં રૂપાતંર કરવાને લીધે થયો હતો. જાણવાયોગ્ય છે કે આ યોજના કેન્દ્ર સરકારની છે. ગુજરાતમાં ૨૦૦૨-૨૦૦૯ દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ ૨,૩૮૩થી વધી ૩,૨૪૫ કિમી જેટલી થઈ હતી. કેન્દ્ર સરકારે રેલવેની બાબતમાં પણ ૨૦૦૦-૧૧ દરમિયાન સારો વધારો સાધ્યો છે. ગુજરાતમાં બ્રાૅડગેજ લાઇનની લંબાઈ ૧૯૮૦માં ૧૩૧૨ કિમી હતી જે ૧૯૯૦માં વધીને ૧૭૧૩ કિમી (૩૦.૧ ટકા વધારો), ૨૦૦૦માં ૧૯૫૬ કિમી (૧૪.૩૧ ટકા વધારો) અને ૨૦૦૯માં ૩૧૯૩ કિમી એટલે (૬૩.૨૩ ટકા વધારો) થઈ હતી.
અાર્થિક વિકાસ માટે બીજી પાયાની સગવડ વીજળી છે. ગુજરાત વીજ ઉત્પાદન તેમ જ પુરવઠાની નિયમિતતામાં અન્ય રાજયોની સરખામણીમાં પહેલેથી જ આગળ અને નિયમિત છે. અલબત્ત, છેલ્લા દાયકામાં ગામડાંઓમાં વીજ પુરવઠાની સ્થિતિ વધારે સુધરી છે જે પ્રશંસનીય છે. ૨૦૦૨-૧૨ દરમિયાન જયોતિર્ગામ યોજનામાં ખેતી અને બીજા ઉપયોગ માટે ટ્રાન્સમીટર જુદા કરીને નવીન વ્યવસ્થા ગોઠવી તે કારગર નીવડી છે. પણ વીજ ઉત્પાદન ક્ષમતા અને ઉત્પાદન બંને ૧૯૯૦ પછીના સમયથી જ વધુ વૃદ્ધિ પામ્યાં હતાં. ૧૯૯૦-૨૦૦૦ દરમિયાન વીજ ઉત્પાદન ક્ષમતા ૪૮૨૩ મેગાવોટથી વધી ૮૩૪૩ મેગાવોટ થઈ હતી. આ વધારો ૧.૭૩ ગણો હતો. ૨૦૧૦માં આ ક્ષમતા ૧૨,૦૦૮ મેગાવોટે પહોંચી હતી જે ૧.૪૪ ગણી હતી. તે જ રીતે વીજ ઉત્પાદન ૧૯૯૦-૨૦૦૦ દરમિયાન ૨૨,૮૩૪ મેગાવોટથી વધીને ૪૯,૩૭૯ મેગાવોટ થયું જે ૨.૨ ગણું હતું. જયારે ૨૦૦૦-૨૦૧૦માં વીજ ઉત્પાદન ૪૯,૩૭૯ મેગાવોટથી વધી ૬૯,૮૮૩ મેગાવોટ એટલે ૧.૪૧ ગણું થયું. ક્ષમતા વધારાની વૃદ્ધિની તુલનામાં ઉત્પાદનમાંનો વૃદ્ધિ વધારો ઓછો હતો. આ પરિસ્થિતિ ઘણા ખાનગી વીજ ઉત્પાદકો હોવા છતાં હતી.
રસ્તા હોય, વીજળી હોય, પાણી હોય તો અાર્થિક વિકાસ હોય તે સ્વાભાવિક છે. ધંધો વધે, આવક વધે અને લોકો ઘર બનાવે, વાહનો વસાવે વગેરે. વાહનો અંગેના આંકડા જોઈએ. ૧૯૮૦-૯૦ દરમિયાન દ્વિચક્રી વાહનોની સંખ્યા ૨.૪૧ લાખથી વધી ૧૨.૫૩ લાખ થઈ હતી જે ૫.૨ ગણી વધુ હતી, ૨૦૦૦માં ૩૬.૭૩ લાખ થઈ જે ૧૯૯૦ પર ૨.૯૨ ગણો વધારો હતો, અને ૨૦૧૧માં આ સંખ્યા ૯૯.૬૧ લાખ થઈ હતી જે ૨.૩૭ ગણી વધારે હતી. આમ સ્પષ્ટ થાય છે કે ૧૯૮૦-૯૦ અને ૧૯૯૦-૨૦૦૦માં દ્વિચક્રી વાહનોમાં વધારો વધુ હતો અને આ વધારાનો દર ૨૦૦૦-૨૦૧૦માં ઘટ્યો. મોટરકારનો કિસ્સો પણ આવો જ છે. ૧૯૮૦માં ૫૩,૦૦૦ મોટરકારો હતી જે ૧૯૯૦માં વધી ૧.૪૨ લાખ થઈ હતી જે ૨.૬૮ ગણો વધારો હતો, ૨૦૦૦માં ૩.૯૮ લાખ થઈ જે ૨.૮૧ ગણાનો વધારો હતો, અને ૨૦૧૧માં ૧૩.૦૪ લાખ થઈ જે ૨.૬૫ ગણો વધારો હતો. આમ મોટરકારમાં વધારોનો દર ૧૯૯૦-૨૦૦૦માં વધુ હતો.
જીપ અને મુસાફરોની હેરફેર કરતી બસની સંખ્યાના વધારામાં પણ આ જ વલણ દેખાય છે. સમજવા જેવું એ છે કે ૨૦૦૦-૧૧ના ગાળામાં ગુજરાત રાજય વાહનવ્યવહાર નિગમની પરિસ્થિતિ કથળેલી જણાય છે. ૧૯૮૦-૮૧માં એસટી રૂટની સંખ્યા ૧૧,૨૦૨ હતી જે ૧૯૯૦-૯૧માં વધીને ૧૫,૬૩૧ થઈ હતી. ૨૦૦૦-૦૧માં ૨૦,૧૦૪ અને ત્યાર બાદ ૨૦૧૧ સુધી સતત ઘટતી રહી છે. ૨૦૧૧માં રૂટની સંખ્યા ૧૪,૮૬૭ હતી. બસની સંખ્યા પણ ૧૯૮૦માં ૬૬૭૮ હતી જે ૨૦૦૦માં ૧૦,૦૪૮ સુધી વધીને ૨૦૧૧માં ઘટીને ૭૬૨૧ સુધી પહોંચી હતી. મુસાફરોની સંખ્યા જે ૧૯૮૦-૨૦૦૦ સુધી ૩૫-૩૭ લાખ વચ્ચે રહેતી હતી, તે ૨૦૧૧માં ઘટીને ૨૨ લાખ પર પહોંચી હતી. જીપનો ઉપયોગ વધ્યો છે, જેને કાયદેસર નથી ગણવામાં આવી તેની સંખ્યામાં ભારે વધારો થયો છે. ૧૯૮૦માં જીપની સંખ્યા ૧૪,૩૨૮ હતી, જે ૨.૪ ગણી વધીને ૧૯૯૦માં ૩૪,૩૮૦ જેટલી થઈ હતી, અને ૨૦૦૦માં ૨.૬૩ ગણી વધી ૮૯,૦૮૭ થઈ હતી. ૨૦૦૦-૨૦૧૧ વધારાનો દર ફરીથી ઘટીને ૧.૭૨ ગણા જેટલો થયો અને ૨૦૧૧ સુધીમાં ગુજરાતમાં ૧૪.૫૩ લાખ જીપ હતી. ખાનગી બસો પણ ૧૯૯૦-૨૦૦૦ દરમિયાન સૌથી ઝડપી દરે વધી હતી. ૧૯૮૦માં ૧૦,૯૯૭ બસો હતી જે ૧૯૯૦ સુધી ૧.૭૯ ગણી વધી ૧૯,૭૦૦ જેટલી થઈ અને ૨૦૦૦માં ૧.૯૫ ગણી વધી ૩૮,૪૯૬ પર પહોંચી હતી. ૨૦૧૦માં ખાનગી બસોના વધારામાં ઘટ આવી અને તે ૧.૬ ગણી વધીને કુલ ૬૮,૬૫૯ પર પહોંચી હતી. છેલ્લે માલની હેરફેર માટે વપરાતાં વાહનોની સંખ્યાના આંકડા તપાસીએ તો જણાય છે કે એમાં પણ વધારાનો દર ૧૯૮૦-૯૦ અને ૧૯૦-૨૦૦૦માં ૨.૬૫થી ૨.૬૯ ગણાનો હતો અને ૨૦૦૦-૨૦૧૦ દરમિયાન આ દર ઘટીને ૧.૯૭ ગણો થયો હતો. ૧૯૮૦માં માલવાહક વાહનોની સંખ્યા ૪૪ હજાર હતી જે ૧૯૯૦માં ૧.૧૬ લાખ, ૨૦૦૦માં ૩.૧૭ લાખ અને ૨૦૧૦માં ૬.૨ લાખ થઈ.
આપણે જોઈ શક્યા કે ૨૦૦૦-૧૧ના વર્ષોમાં ગુજરાતમાં ન ભૂતો ન ભવિષ્યતિ પ્રકારનો અસાધારણ અાર્થિક વિકાસ થયો તેવું જણાતું નથી. તો પછી આ સમયગાળાને આટલું શ્રેય કેમ મળી રહ્યું છે? આપણે જોયું જયારે વૃદ્ધિ માટેનો પાયો પહોળો થાય ત્યારે કુલ અસર મોટી થવા પામે છે. ૧૯૮૦માં બધા પ્રકારનાં વાહનોની સંખ્યા ૪ લાખથી થોડી વધારે હતી અને ૨૦૦૦માં ૪૪ લાખ અને ૨૦૧૧માં એક કરોડ સિત્તેર લાખ થઈ. હવે ગુજરાતના રસ્તાઓ પર પોણા બે કરોડ લાખ વાહનો દેખાય અને તેમાં પણ વોલ્વો બસ, વિદેશી બનાવટની તરેહવાર મોટરગાડીઓ, મોટર સાઇકલો, વગેરે દૃષ્ટિગોચર થાય તો તેની છાપ જુદી જ પડે છે. વેગીલા અાર્થિક વિકાસના પરિણામે સમૃદ્ધિનો વિસ્ફોટ થયો તેવું લાગે. વાહનની માફક નવાં મકાનો, શહેરીકરણના લીધે નવાં બજારો, હોટેલો, નવા પ્રકારના સિનેમા હાૅલ, ખાણી-પીણીનાં બજારો, શોપિંગ મોલ વગેરેનો રાફડો ફાટ્યો છે. નાનાં શહેરોમાં અને હાઇ-વે પર પણ પુષ્કળ ઝાકઝમાળ વધી છે. ૨૦૦૧માં શહેરી વસ્તી ૩૧ ટકા હતી જે ૨૦૧૧માં ૪૩ ટકા થઈ ગઈ. શહેરોમાં મધ્યમ વર્ગની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. તેઓ પાસે હવે અાર્થિક સમૃદ્ધિ દૃષ્ટિગોચર થાય છે અને તેનું ભદ્દું પ્રદર્શન પણ થાય છે. તેના લીધે એવી છાપ ઊભી થાય છે કે ૨૦૦૦થી ૨૦૧૧માં ગુજરાતમાં અાર્થિક વિકાસ ખૂબ ઝડપી થયો છે. આ છાપ ખૂબ ગાઈવગાડી અને જાહેરાતોના જોરે પણ ઊભી થવા પામી છે.
પણ આ ઝાકઝમાળ અને જાહેરાતોની સાથે ગુજરાતનું એક અંધારું પાસું પણ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર બંને એવું સાબિત કરવા મથી રહી છે કે નવી અાર્થિક નીતિઓના લીધે મુક્ત બજારના વાતાવરણમાં ગરીબોને પણ રોજગારી અને કમાણીની તક મળી છે અને ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. આંકડા એવું ચોક્કસ દર્શાવે છે કે વર્ષ ૨૦૦૦ની સરખામણીમાં ૨૦૦૯-૧૦માં ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવનાર લોકોની ટકાવારી નિર્ણાયક રીતે ઘટી છે. પણ એમાં એવું ધારી લેવામાં આવ્યું છે ગરીબને જે રોજગારીમાંથી કમાણી થાય છે તેનો પ્રથમ ઉપયોગ તે પૌષ્ટિક ખોરાક ખરીદી પોતે અને તેના પરિવારના સભ્યોને ભરપેટ ખવડાવે છે. શહેર હોય કે ગામડું, ગરીબ પોતાના ખેતરમાં અનાજ ઉગાડી અન્નની બાબતે સ્વાવલંબી હોય એવા દાખલા ઓછા છે અને ઝડપથી ઓછા થઈ રહ્યા છે. રોજગારીથી તેમને રોકડા નાણાં જ મળે છે જેમાંથી અન્ન ખરીદવાનું હોય છે. સસ્તા અનાજની દુકાનો અને જાહેર વિતરણ વ્યવસ્થાની અંધાધૂંધીમાં સસ્તું અનાજ ક્યાં મળે? અને વળી બજારમાં લોભામણી વસ્તુઓ તો ભરેલી જ છે. એક આંકડો જોઈએ. ૧૯૯૭માં જયારે ૧ મિનિટ વાત કરવાના આઠ રૂપિયા થતા હતા ત્યારે ગુજરાતમાં ૪૧૦૦ મોબાઈલ ફોન હતા. દસ વર્ષમાં એટલે ૨૦૦૭માં આ આંકડો ૧ કરોડ પર પહોંચ્યો. બીજા ૧૭ મહિનામાં આ સંખ્યા બમણી થઈ અને ૨ કરોડના આંકડે પહોંચ્યો. ત્યારબાદના ૧૫ મહિનામાં જાન્યુઆરી ૨૦૧૦માં ગુજરાતમાં ૩ કરોડ મોબાઇલ હતા. ર્નિિવવાદ રૂપે કહી શકાય કે ગરીબો પણ મોબાઇલ રાખતા થયા. રોટલાની સામે મોબાઇલ રિચાર્જની પ્રાથમિકતા વધે તો નવાઈ નહીં.
યુનોની એક સંસ્થા ઇફપ્રી દ્વારા થયેલા એક અભ્યાસમાં એવું તારવેલું છે કે જયારે ૨૦૦૮ની સાલમાં ગુજરાતની માથાદીઠ આવક ૩૨૯૦ અમેરિકન ડોલર હતી (આ આંકડો ખરીદશક્તિને સરખાવીને કાઢવામાં આવે છે) ત્યારે ગુજરાતમાં ભૂખ આંક (હંગર ઇન્ડેક્સ) ૨૫ ટકા જેટલો હતો. નાઇજીરિયા, કેમરૂન, કેન્યા અને સુદાન જેવા જાણીતા ગરીબ આફ્રિકન દેશો જયાં તે જ વર્ષમાં માથાદીઠ આવક ૨૧૦૦ અમેરિકન ડોલર કરતા ઓછી હતી ત્યાં ભૂખ આંક ઓછો હતો. દેશમાં પણ ગુજરાત કરતાં ગરીબ રાજયોમાં આ આંક ઓછો હતો. ૧૭ મોટાં રાજયોની સરખામણીમાં ગુજરાત ૧૩મા ક્રમે હતું. ભૂખ આંક કાઢવા માટે ત્રણ સૂચકાંકોના પ્રમાણ લેવાય છે ઃ એક, વસ્તીમાં અપૂરતી કેલરી ધરાવતા ખોરાક લેનારનું પ્રમાણ; બીજું, પાંચ વર્ષથી નીચેનાં બાળકો પૈકી ઓછું વજન ધરાવનારાં બાળકોનું પ્રમાણ; અને ત્રીજું પાંચ વર્ષથી નીચેનાં બાળકોના મૃત્યુદરનું પ્રમાણ. આનાથી સ્પષ્ટ ખયાલ આવે કે ગુજરાતમાં માનવ વિકાસઆંક નબળો છે.
દેશમાં આરોગ્ય સેવાની કાર્યક્ષમતા અંગેના એક અભ્યાસમાં એવું જણાવાયું છે કે ૧૯૯૮-૦૧ના ગાળામાં અપાતી આરોગ્ય સેવાઓ સામે આરોગ્યના સૂચકાંકો પર વિધેયાત્મક અસરો થવા પામી હતી, જયારે ૨૦૦૬-૦૯ના ગાળામાં આ સ્થિતિ પલટાઈ હતી અને સેવાની કાર્યક્ષમતા ઓછી થઈ જણાતી હતી. ૨૦૦૯-૧૧ના ગાળામાં સેવાની કાર્યક્ષમતા સુધરવા પર જણાઈ હતી. પણ ઝડપી અાર્થિક વૃદ્ધિ પામતાં રાજયો કે દેશોમાં રાજય દ્વારા અપાતી આરોગ્ય સેવાઓ કાર્યક્ષમ જ રહેશે તેની ખાતરી થતી નથી. સર્વવિદિત છે કે નવી અાર્થિક નીતિના અમલ બાદ જાહેર આરોગ્ય સેવાઓ વધુ કથળી છે અને સરકારો સેવાઓ ઓછી કરી રહી છે. લોકોમાં પણ એવી છાપ છે કે ખાનગી સેવાઓ જ વધુ કાર્યક્ષમ છે અને ત્યાં જ સારું થાય છે. પણ ખાનગી આરોગ્ય સેવાઓનો ભારે ખર્ચ ઉઠાવવો પડે છે. આ દેશમાં હવે ગરીબે બિમાર પડવું એ ગુનો બની રહ્યું છે, ગુજરાતમાં સવિશેષ. સાથે હરીફાઈમાં વિદેશી ‘ગરીબો’ પણ મેડીકલ ટૂરિઝમમાં અહીં શાતા અનુભવે છે.
શિક્ષણ ક્ષેત્રે પણ ગુજરાતની પરિસ્થિતિ સારી જણાતી નથી. ખાનગીકરણનો અર્થ મહ્દ અંશે અને માત્ર નફા માટે ચાલે તેવું જ કરવામાં આવ્યું છે. ગામડાંની સરકારી અને શહેરોની સુધરાઈની શાળાઓમાં શિક્ષણ સિવાય બધું જ થાય છે. મોટા પગાર લેવાવાળા મોટાભાગના શિક્ષકો શીખવા અને શીખવાડવા પ્રત્યે પ્રયત્નપૂર્વક ઉદાસીન છે. તેઓ નોકરી ઉપરાંત બીજા ધંધાઓ અને સ્થાનિક રાજનીતિમાં સક્રિય છે. ઓછા પગાર સાથે કામ કરતા રાજનીતિમાં સક્રિય છે. ઓછા પગારે સાથે કામ કરતા તરેહવારના શિક્ષક-સહાયકો બધા પ્રકારના ભાર વેંઢારે છે. મકાનો ચણી દેવાથી, માથા મૂકી દેવાથી, અને કમ્પ્યૂટર લેબ બનાવી દેવાથી શિક્ષણ આપોઆપ વિદ્યાર્થીઓના ભેજામાં ઊતરી જવાનું નથી. અંતરિયાળ વિસ્તારોમાં આવેલાં ગામોમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકો અત્યંત નબળા પણ છે અને ભણાવતા પણ નથી. ગરીબ અને ગામવાસીઓ અને વિશેષમાં આદિવાસીઓ અને નબળા વર્ગો નવેસરથી વંચિત બની રહ્યા છે. ઇજનેરી અને તબીબી કાૅલેજોમાં બેઠકોની સંખ્યા તો વધી છે, પણ તે બધી પેમેન્ટવાળી છે. ખાનગી કાૅલેજોની ફી ગરીબોને પોસાય એવી છે જ નહીં અને તેનાથી યોગ્ય ગરીબ વિદ્યાર્થીઓનું અંતર વધી રહ્યું છે. ગરીબો માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણમાં પ્રવેશ, ખર્ચ અને ગુણવત્તાના ગંભીર પ્રશ્નો છે. આમ, આરોગ્ય હોય કે શિક્ષણ, ગામડાંઓમાં લગભગ બધી જાહેર સેવાઓ નબળી પડી રહી છે. એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે કે લોકો ગામડાં છોડીને શહેરોમાં ભાગી આવે, જયાં તેઓ ગુમનામ જીવન વ્યતીત કરતા થઈ જાય છે.
મૂળ પ્રશ્ન એ નથી કે ગુજરાતમાં ૨૦૦૦ની સાલ પછી થયેલ અાર્થિક વૃદ્ધિ અને વિકાસ તેની પહેલા થયેલા વિકાસની સરખામણીમાં વધુ ઝડપી છે કે નહીં. એ મુદ્દો એટલે ચર્ચ્યો છે કારણ કે એવી હવા ઊભી કરવામાં આવી છે કે ગુજરાતમાં જે અાર્થિક વિકાસ અને વૃદ્ધિ થવા પામી છે તે બધી છેલ્લાં દસ-બાર વર્ષમાં જ થઈ છે. મૂળ મુદ્દો તો એ છે કે અાર્થિક વૃદ્ધિનું માૅડેલ ગુજરાતનું હોય કે કેન્દ્ર સરકારનું, બંનેમાં માનવીય વિકાસ થવાની સંભાવના ખૂબ ઓછી છે. ગુજરાત સરકાર કે તેના નેતા ગુજરાતના હાલના અાર્થિક વૃદ્ધિના માૅડેલને બિરદાવતા હોય અને તેને અનુસરણયોગ્ય ગણતા હોય તો તે ભયજનક છે. આપણે જોયું કે આ માૅડેલ ગુણવત્તાસભર માનવવિકાસ માટેની સરખી તકો પૂરી પાડવામાં અયોગ્ય સાબિત થઈ રહ્યું છે. ખરીદશક્તિ એટલે રોકડ નાણાંની શક્તિ તે હોય તો આ સમાજમાં ટકી શકાય છે.
આ માૅડેલની બીજી એક ગંભીર મર્યાદા છે જે ધીમે ધીમે બહાર આવી રહી છે. ગુજરાત આ અાર્થિક સમૃદ્ધિની ઝાકઝમાળથી એટલું અંજાઈ ગયું છે કે આપણને ચારેકોર થઈ રહેલો પર્યાવરણ અને પરિસ્થિતિકીનો નાશ દેખાતો નથી. ઉદ્યોગો સ્થાપવાના ઉત્સાહમાં પર્યાવરણના પ્રશ્નોની ઉઘાડી ઉપેક્ષા કરવામાં આવે છે. સરકાર પ્રદૂષણ અંકુશ માટે સ્વતંત્ર નિગમ રાખે છે, નવીનતામાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ પણ ખોલ્યો છે, પણ ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ કુખ્યાત પ્રદૂષિત સ્થાનો છે જેને આપણે પણ વાપી-અંકલેશ્વર ઉદ્યોગ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં દુનિયામાંથી નિષ્કાસિત થયેલા પર્યાવરણ માટે જોખમી એવી આગબોટોને તોડવાનું કામ ચાલે છે. ત્યાં મજબૂર ગરીબ મજૂરો દેશના જુદા જુદા ભાગોમાંથી રોટીની શોધમાં આવી માંદા પડીને મરવાની તૈયારી સાથે પાછા જાય છે. ૧૬૦૦ કિમીના સાગરકાંઠા માટે ગૌરવ લેવાવાળું ગુજરાત, તે તમામ વિસ્તારને ઉદ્યોગાચ્છાદિત કરી ઝેરીલો બનાવી દેવા માગે છે. ગુજરાતનાં જમીન, પાણી અને હવા ઝેરીલાં બન્યાં છે અને તેના તરફ સરકારોએ દુર્લક્ષ જ સેવ્યું છે. સંકટ એ છે કે પર્યાવરણ સંબંધી કેટલાંક નુકસાન નાફેર છે. આપણે તે સંપદા કે પર્યાવરણીય આરોગ્ય કાયમ માટે ગુમાવ્યાં છે. પર્યાવરણીય જોખમ ઊભા કરનારા ઉદ્યોગોની મર્યાદા એ છે કે તેઓ ઉદ્યોગ વસાવે છે પણ નજીકના ક્ષેત્રમાં વસતા લોકોને પ્રદૂષણના લીધે બેરોજગાર અને બેઘર કરે છે. આ પ્રક્રિયાને લીધે એવા લોકોની જમાત ઊભી થઈ રહી છે જે સરકાર અને સમાજની નજરે અદૃશ્ય બને છે.
સાગરકાંઠાથી અડીને ગુજરાતનો સૂકો અને અછતગ્રસ્ત વિસ્તાર છે. સદીઓથી અહીં ખેતી સ્વાવલંબન માટે હતી અને કેટલાક વિસ્તારમાં દેશી કપાસ અને મગફળી પકવવામાં આવતાં. મોટા ભાગના વિસ્તાર ગોચર અને અન્ય જાનવરો માટે ચરિયાણ હતા. ગાય, બળદ, ભેંસ, તથા ઘેટા-બકરા સાથે તેના ઉછેર માટે માલધારીઓની મોટી વસતી હતી. કેટલાક વિસ્તારોમાં મીઠું પકવનારા અગરિયાઓ પણ ખરા જ. અને આ તમામ સાથે જીવનારા અને જુદા જુદા પ્રકારની સેવા આપનારા વિચરતી જાતિના લોકો અને નટ-બજાણિયાઓ પણ હતા. ઉદ્યોગો આવવાને લીધે જમીનો પર દબાણ વધ્યું છે અને સરકાર બમણા ઉત્સાહથી પોતે જ માલિક હોય તેમ જમીનોની લહાણી કરે છે. અર્થશાસ્ત્રીઓ અને આધુનિક બુદ્ધિમાનોની દૃષ્ટિ ટૂંકી છે, તેઓ જોઈ નથી શકતા કે જમીનનો માલિક દેખીતી રીતે ઓળખાય તેવો એક જ હોય છે. પરંતુ તેના પર નભનારા ઘણા છે. એટલે માત્ર જમીનમાલિકને વળતર આપી દેવાથી તે જમીન પર નભનારા તમામની આજીવિકાને વળતર ચૂકવી શકાતું નથી. આ બધા ગુજરાતના નવા અદૃશ્ય લોકોની જમાતમાં ભળે છે.
ઉદ્યોગો તથા શહેરીકરણ હેઠળ આવી જતી જમીનોના લીધે અદૃશ્યોની જમાત વધે છે તેનો એક અન્ય દાખલો પણ છે. વર્તમાન સરકારનો એવો દાવો છે કે દેશ આખામાં તેણે જમીન માટે આદર્શ વળતર વ્યવસ્થાનો દાખલો બેસાડ્યો છે. જેની પાસેથી સરકાર જમીન લે છે તેને વળતર સ્વરૂપે બજારભાવ આપે છે. એ હકીકત છે કે ગુજરાતમાં જમીનોના ભાવ આસમાને ગયા છે અને જમીન પર નભતા નાના અને સીમાંત ખેડૂતોને પણ વળતર સ્વરૂપે લાખો રૂપિયા મળ્યા છે. પરંતુ, જમીન જેવી નક્કર ભૌતિક અસ્કામતને નાણાકીય મૂડીમાં ફેરવ્યા પછી તેમાંથી મળતા વ્યાજ દ્વારા જ જીવનનિર્વાહ કરવાનું ડહાપણ અને પરિસ્થિતિ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. જો આ નાણાકીય મૂડી વપરાઈ જાય તો આ જમીનવિહોણો નવો સમુદાય પણ ગુજરાતના અદૃશ્ય લોકોની જમાતમાં જોડાશે તે ધ્યાનમાં લેવા જેવું છે. નિકટના ભૂતકાળમાં જ ટાટાને એસએમએસ પર જમીન આપવાનો જે ‘દિલેર’ કાર્યક્રમ મુખ્યમંત્રીએ સરકાર દ્વારા કરાવ્યો તે બહુર્ચિચત ‘નૅનો’ પ્રોજેક્ટમાં ઘણા નાના-મોટા ખેડૂતોની જમીન પર બજારભાવે લેવાઈ. એવું કહેવાય છે કે મોટા ભાગના લોકોએ જમીનોને વેચ્યા પછી મળેલા રૂપિયામાંથી મોટા બંગલા ખરીદ્યા (જેના જમીનના ભાવોનો લાભ દલાલોને જ મળેલો!), મોંઘી ગાડીઓ (જેમાં ‘ઔડી’ નામ બોલતાં ન આવડે એટલે તેના આગળના ભાગમાં ચાર ધાતુનાં નાનાં વર્તુળ હોય છે તે પરથી એનું નામ ‘ચાર બંગડીવાળીઓવાળી’ એમ બોલાય) લીધી, લગ્નોમાં ધૂમ ખર્ચા કર્યા અને હજી પણ દારૂની મહેફિલો જમાવી મસ્ત છે. પોતાને મળતાં નાણાં વાપરવાની વ્યક્તિગત સ્વતંત્રતા ચોક્કસ હોઈ શકે પણ તેમાં સમાજનું ભલું થતું નથી તે નિશ્ચિત છે. જમીનો પ્રદૂષિત થાય છે. પર્યાવરણીય ખતરો તો છે જ પણ સામાજિક કિંમત પણ સમાજે ચૂકવવાની થશે તેની અવગણના ન થઈ શકે.
પર્યાવરણની ચર્ચાના સંદર્ભે જંગલો અને ખાણોની ચર્ચા પણ જરૂરી બને છે. દેશમાં એવો કાયદો બન્યો છે કે જંગલોમાં રહીને વર્ષોથી આદિવાસી પ્રજા જો ખેતી માટે જંગલોની જમીન ખેડતી હોય તો તેને તેવી જમીનો તેના નામે કરી આપવી. ગુજરાતમાં આ કાયદાનો અમલ અત્યંત નિષ્કાળજીપૂર્વક થયો છે. આના માટે તાલુકા કક્ષાએ બનેલી સમિતિએ શરૂ કરી રાજય કક્ષા સુધીનું તંત્ર જવાબદાર છે. બીજી તરફ જંગલોમાંથી વાંસ અને લાકડા કાગળની ફેક્ટરીઓ અને શહેરોના ઉપયોગ માટે નિયમમાં અને નિયમ બહાર મોકલી દેવાય છે. ખાણનો પ્રશ્ન બિહાર, ઓરિસ્સા જેટલો વિશાળ ભલે ન હોય, પણ પ્રદૂષણ અને નિયમનના પ્રશ્ને એટલો જ ગંભીર છે. ગુજરાતના જે આદિવાસીઓ શિક્ષણ મેળવી પાર નથી તરી ગયા, એટલે સરકારી નોકરો નથી થઈ ગયા તેઓ નવેસરથી હાંસિયે ધકેલાઈ રહ્યા છે અને સરવાળે ગુજરાતની અદૃશ્ય જનતામાં ભળી જવાના છે.
કહેવાતા ‘ગુજરાત માૅડેલ’માં જે પામી ગયા છે તેઓ રાજી થઈ નેતાની પાછળ ડીમડીમ વગાડી રહ્યા છે. તેઓ આવનારા દાયકાઓમાં હજી જોરશોરથી પ્રકૃતિનું શોષણ કરવાના છે અને નાણાં અને ટેકનોલોજીના જોરે પોતાના આવાસો, પાડોશ અને સીમિત વિસ્તારોને પ્રદૂષણમુક્ત કરીને મહાલશે. પરંતુ જે રહી ગયા તે હજુ વધારે અદૃશ્ય થવાના છે. ગાંધીજીએ જે તિલિસ્મ આપેલું તેમાં તો દરેક મૂંઝવણ વખતે છેલ્લામાં છેલ્લા માણસને યાદ કરીને તેના ભલા માટે કંઈક થતું હોય તેવું કરવા માર્ગદર્શર્ન હતું. આજે એવો પ્રશ્ન થાય કે શું આજે આપણી વચ્ચે ગાંધી છે ખરા?
કુલનાયક, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
(સદ્દભાવ : “નિરીક્ષક”, 01 જાન્યુઅારી 2013)