Opinion Magazine
Number of visits: 9552431
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંધારણ નિષ્ઠા અને વૉટ બેંક નિષ્ઠા

હરિ દેસાઈ|Samantar Gujarat - Samantar|3 December 2015

સંસદમાં સત્તાપક્ષ ને વિપક્ષે પોતાને અનુકૂળ ડૉ. આંબેડકરનાં બયાન કરીને ખાસ વૉટબેંકને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો

ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ બાબાસાહેબ આંબેડકરના ૧૨૫મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે ૨૬ નવેમ્બર ૨૦૧૫ના રોજ સંસદમાં દ્વિદિવસીય ચર્ચા આરંભાઈ. લોકસભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહ અને રાજ્યસભામાં નાણાં મંત્રી અરુણ જેટલીએ બંધારણ ભણી નિષ્ઠા વ્યક્ત કરવાને નામે કરેલાં ભાષણની શબ્દશઃ નોંધ વાંચતાં ‘કહીં પે નિગાહેં, કહીં પે નિશાના’ જેવું જ અનુભવાતું હતું. વડાપ્રધાન મોદીએ ભારતીય વિચારને કાવ્યશૈલીમાં વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કર્યો અને રાજનાથ-જેટલીથી વિપરીત રાજકીય ટીકાટિપ્પણીને બદલે પરિપક્વ ભાષણમાં વિપક્ષને પણ સાથે લેવાની કોશિશ કરી.

બ્રિટિશ ઇન્ડિયાને ભારત અને પાકિસ્તાન બે સંઘમાં વિભાજિત કરવાની અને દેશી રજવાડાંને બેમાંથી એક સંઘની સાથે જોડાવા કે સ્વતંત્ર રહેવાની લોર્ડ માઉન્ટબેટન યોજના ૩ જૂન ૧૯૪૭ના રોજ જાહેર થઈ. ત્યાર પછી કુલ ૩૮૯ સભ્યોની બંધારણસભા અસ્તિત્વમાં આવી, પરંતુ પાકિસ્તાનની અલગ બંધારણસભા હિંદુ દલિત નેતા જોગેન્દ્રનાથ મંડળના અધ્યક્ષપદ હેઠળમાં બનતાં ભારતીય બંધારણસભા ૨૯૯ સભ્યોની જ રહી. પ્રારંભમાં ડૉ. સચ્ચિદાનંદ સિંહાના હંગામી વડપણ હેઠળની બંધારણસભાએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને અધ્યક્ષપદે ચૂંટ્યા.

૯ ડિસેમ્બર, ૧૯૪૬થી ૨૬ નવેમ્બર, ૧૯૪૯ દરમિયાન ભારતીય બંધારણ ઘડવાનું કામ પૂર્ણ કરાયું. એટલે ૨૬ નવેમ્બરને પ્રજાસત્તાક રાષ્ટ્રના ‘બંધારણ દિવસ’ તરીકે મનાવવમાં આવે છે. એ દિવસે મંજૂર થયેલા ભારતીય બંધારણનો અમલ ૨૬ જન્યુઆરી ૧૯૫૦થી કરવાનો સંકલ્પ થયો. એટલે ૨૬ જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ ગણવામાં આવે છે. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ, મૌલાના અબુલ કલામ આઝાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, આચાર્ય જે.બી. કૃપલાણી, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, શ્રીમતી સરોજિની નાયડુ, હરેકૃષ્ણ મેહતાબ, પંડિત ગોવિંદ વલ્લભ પંત, ડૉ. બી.આર. આંબેડકર, ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી, સરતચંદ્ર બોઝ, સી. રાજગોપાલાચારી, અસફઅલી, ક.મા. મુનશી, કે.ટી. શાહ સહિતના અનેક મહાનુભાવોએ બંધારણ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. દેશના એ વેળાના સામ્યવાદી નેતાઓ અને ડૉ. રામમનોહર લોહિયાના નેતૃૃત્વવાળા સમાજવાદીઓએ બંધારણસભાનો બહિષ્કાર કર્યો હતો.

બંધારણ ગૌરવ દિવસ નિમિત્તે ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ભણી આદરભાવ વ્યક્ત કરીને દેશની પ્રજામાં પોતાના રાજકીય પ્રભાવને વિસ્તારવાની કોશિશથી વિશેષ દ્વિદિવસીય ચર્ચાનું સ્તર ઝાઝું અભ્યાસપૂર્ણ હોય એવું લાગ્યું નહીં. બંધારણના આત્માના જતનને બદલે ‘સૅક્યુલર’ના અર્થઘટન અને સહિષ્ણુતા-અસહિષ્ણુતા પૂરતી જ ચર્ચા જાણે કે સીમિત રહી. સત્તારૂઢ મોરચા અને વિપક્ષી મોરચા તેમ જ સામ્યવાદી – માર્ક્સવાદીઓ વચ્ચે રકઝક થતી વધુ જોવા મળી. ભાજપના પ્રધાનો અને વિપક્ષ કૉંગ્રેસના આગેવાનો બાલસહજભાવથી જાણે કે ’તમે બાબાસાહેબ આંબેડકરનો વિરોધ કાં કરો?’ કે ‘કોંગ્રેસે બાબાસાહેબની ક્ષમતા સૌ પ્રથમ પીછાણી’ કે પછી ‘તમે મોરારજીભાઈ દેસાઈનું નામ લ્યો છો, પણ પંડિત જવાહરલાલ નેહરુના યોગદાનનો ઉલ્લેખ કરતા નથી’- આવી ચર્ચા સંસદનાં બંને ગૃહોની ગરિમાને કેટલી અનુરૂપ ગણાય, એનું ચિંતન પરિપક્વ થતી વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં વિચારણીય મુદ્દો બની જાય છે.

ચર્ચા ઘણી થઈ. રાજ્યસભા અને લોકસભાની સત્તાવાર વેબસાઇટ પર ચર્ચાની રાતે જ મૂકાતી શબ્દશઃ ડિબેટમાં ખૂટતું લાગ્યું એ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સચ્ચાઈભર્યું વિરાટ વ્યક્તિત્વ. સત્તાપક્ષ નેે વિપક્ષે પ્રજ્ઞાચક્ષુઓની દૃષ્ટિએ હાથીનું વર્ણન થાય, એમ પોતાને અનુકૂળ ડૉ. આંબેડકરનાં બયાન કરીને ખાસ વૉટબેંકને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. ડૉ. ભીમરાવ આંબેડકરના બહુમુખી વ્યક્તિત્વ ભણી સદ્‌ભાવ વ્યક્ત કરવાની સાથે બંધારણ ભણી નિષ્ઠા વ્યક્ત કરવાની ચર્ચામાં બંધારણ ઘડનારી સમિતિના બીજા સભ્યો ક.મા. મુનશી, અલાદી કૃષ્ણસ્વામી ઐયર, એન. ગોપાલસ્વામી આયંગાર, મોહમ્મદ સાદુલ્લાહ અને બી.એલ. મિત્તર કે માધવરાવ કે પછી સર બેનેગલ નરસિંહ રાવ તથા ટી.ટી. કૃષ્ણામાચારી જેવા સલાહકાર કે સમિતિ સભ્યોના યોગદાનના ઉલ્લેખનો અભાવ કઠ્યો. પંડિત નેહરુ અને સરદાર પટેલના યોગદાનના વિશદ ઉલ્લેખ પણ ઝાઝા થયા નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણને રાષ્ટ્રીય ધર્મગ્રંથ ગણાવીને, નેશન ફર્સ્ટનો આલાપ રજૂ કરી બંધારણ અને એની પવિત્રતા જાળવવાની અને કોઈ ફેરફાર નહીં કરવાની ખાતરી આપી, ત્યારે હજુ થોડાંક વર્ષો પહેલાં ભાજપના વડપણવાળી અટલ બિહારી વાજપેયીની સરકારે પૂર્વ મુખ્ય ન્યાધીશ એમ. વેૅંકટચલૈયાના વડપણ હેઠળ બંધારણ સમીક્ષા પંચ નિયુક્ત કર્યું હતું એ વાતને અનુકૂળતાએ બધાએ વિસારે પાડી. ડૉ. આંબેડકરરચિત ભારતીય બંધારણને ફગાવી દેવા એ દિવસોમાં આચરવામાં આવેલી ઝુંબેશ અને કૉંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને વિપક્ષી નેતા પદેથી દૂર કરવાના ઇરાદા ઉપરાંત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે વડાપ્રધાનના હોદ્દે એ આવી જાય નહીં એવી ગણતરીથી બંધારણ સમીક્ષા હાથ ધરવામાં આવ્યાની હકીકતને ભૂલી શકાય નહીં. જો કે સમીક્ષા પંચે જ એ ઇરાદાઓને ફગાવી દીધા હતા, પણ સંસદની તાજી ચર્ચામાં એનો ઉલ્લેખ ટાળવામાં આવ્યો ત્યારે સત્તામોરચા અને વિપક્ષી મોરચા વચ્ચે ફ્રેંડલી મેચ રમાતી હોય એવું વધુ લાગ્યું.

વર્ષ ૧૯૪૦માં જ ‘પાકિસ્તાન ઑર ધ પાર્ટિશન ઓફ ઇન્ડિયા’ ગ્રંથ લખીને અલગ પાકિસ્તાન માટેની મોહમ્મદઅલી ઝીણાની માગણીના સમર્થનમાં પ્રભાવી તર્ક રજૂ કરનાર ડૉ. બાબાસાહેબ આંબેડકરના એ અંગેના વિચારોનો ઉલ્લેખ ટાળવામાં આવ્યો. સ્વતંત્રતા પછી પણ ૧૯૫૧-’૫૨થી લોકસભાની ચૂંટણીમાં પોતાના પક્ષ ડિપ્રેસ્ડ ક્લાસીસ ફેડરેશનના ચૂંટણી ઢંઢેરામાં કાશ્મીરનો ખીણપ્રદેશ પાકિસ્તાનને સોંપી દેવાનું સમર્થન વ્યક્ત કરનાર ડૉ. બાબાસાહેબ આંબેડકરની વાત થઇ જ નહીં. સંસદમાં આ વખતની ચર્ચા ચાલતી હતી ત્યારે જ ‘લાઇન ઑફ કંટ્રોલ’ને આંતરરાષ્ટ્રીય સરહદ જ માની લેવાના ટેકામાં રાજ્યસભાના સભ્ય અને જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારુક અબ્દુલ્લાના કથિત કથન અંગે ભાજપી નેતાઓ ઊહાપોહ મચાવે છે. બધા પોતાની અનુકૂળતા મુજબ વાત કરવા ટેવાયેલા છે. ડૉ. ફારુકે તો વડાપ્રધાન વાજપેયીની પાકિસ્તાન મુલાકાત ટાણે ઇસ્લામાબાદને તેમણે કરેલી દરખાસ્તની વાત ટાંકી વિવાદનો નવો મધપૂડો છંછેડયો છે.

સત્તારૂઢ ભાજપ અને એની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તેમ જ સંઘ પરિવારના અનેક આગેવાનો ભારતને હિંદુરાષ્ટ્ર ગણાવે છે ત્યારે ડૉ. આંબેડકરે નોંધેલા શબ્દોનું સંસદમાં સ્મરણ કરાવવાનું વિપક્ષના પ્રબુદ્ધ અગ્રણીઓ પણ ચુક્યા, એને ઐતિહાસિક ભૂલ ગણવી કે રાષ્ટ્રદ્રોહ? ડૉ. આંબેડકરના શબ્દો હતાઃ ‘આપણે કોઈપણ ભોગે આ દેશને હિંદુરાજ બનતાં અટકાવવાની જરૂર છે.’ સરદાર પટેલ પણ ભારતને હિંદુરાષ્ટ્ર જાહેર કરવાના ખ્યાલનો ‘પાગલોં કા ખયાલ’ ગણાવતા હતા, એ વાતને પણ રખે આપણે વીસારે પાડીએ.

સૌજન્ય : ‘સગવડવાદ’, “દિવ્ય ભાસ્કર”, Dec 02, 2015

Loading

આંબેડકરી શમણાનાં આ શા હાલ !

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|3 December 2015

 આ વરસ એમના જન્મનું સવાસોમું વરસ છે ત્યારે તો રાજકીય પક્ષોમાં એમની ઝૂંટાઝૂંટ થવા માંડી છે

ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણને ખાસ્સા છ દાયકા થવા આવ્યા છે ત્યારે દિનપ્રતિદિન તેમની પ્રસ્તુતતા વધતી જાય છે. મુંબઈના દાદર વિસ્તારમાં અરબી સમુદ્રના કાંઠે જ્યાં એમના અંતિમ સંસ્કાર થયેલા એ સ્થળે 1965માં દલિતોએ ખુદના પૈસે ચૈત્યભૂમિ નામક સ્મારક ખડું કર્યું છે. દર છઠ્ઠી ડિસેમ્બરના આંબેડકર નિર્વાણ દિને લાખો દલિતો અહીં સ્વયંભૂપણે ઉમટે છે. દલિતોની સ્વમાનભેર જીવતા નાગરિક બનાવવાની ‘દલિત મસીહા’ આંબેડકરની ભૂમિકા તરફનો એ આદર અને ઓશિંગણભાવ છે.

ઈ.સ.1890માં મહાત્મા ગાંધી પૂર્વેના મહાત્મા જોતીરાવ ફુલેનું અવસાન થાય છે અને 1891માં ભીમરાવ આંબેડકરનો જન્મ થાય છે તે અદ્દભુત સંયોગ હતો. ઊંચનીચના ભેદભાવો, જાતિપ્રથા, અસ્પૃશ્યતા, અસમાનતા, અન્યાય, અત્યાચાર, અશિક્ષણ અને રૂઢિદાસ્યના એ જમાનામાંથી ડો. આંબેડકરે જે માર્ગ કાઢ્યો, સંગઠન, શિક્ષણ અને સંઘર્ષની જે આહલેક જગવી તેને કારણે આજે દલિતોની સ્થિતિમાં ઘણો ફેર પડ્યો છે. મંડલ રાજનીતિના ઉભાર પછી દલિતોના મતની તાકાત રાજકીય પક્ષોને સમજાઈ છે. એટલે ડો. આંબેડકરના પણ માન-સન્માન થવાં માંડ્યા છે. આ વરસ પાછું એમના જન્મનું સવાસોમું વરસ છે ત્યારે તો રાજકીય પક્ષોમાં એમની ઝૂંટાઝૂંટ થવા માંડી છે. ડો. આંબેડકરના સરકારી સ્મારકોનાં ઉદ્દઘાટનો, જાહેરાતો અને શિલાન્યાસોનો રાફડો ફાટ્યો છે અને એમાં ખરા આંબેડકર વિસારે પાડી દેવાય છે.

દલિત સમસ્યાના ઉકેલની રણનીતિ અંગે ડો. આંબેડકર પોતાના વિચારો અને અભિગમમાં બહુ સ્પષ્ટ હતા. દલિતોના સંગઠન, શિક્ષણ અને સંઘર્ષને એમણે આરંભથી જ પાયાનું કામ ગણ્યું હતું. વર્ગવિહીન, વર્ણવિહીન અને શોષણમુક્ત સમાજરચના એ બાબાસાહેબ માટે માત્ર કોઈ આદર્શ કે કોરું સ્વપ્ન હતું. એ તેને વાસ્તવિકતા બનાવવા માગતા હતા. જાતિપ્રથાની નાબૂદી માટે એ જીવનભર ઝઝુમતા રહ્યા. એ માટે વિચાર અને સંઘર્ષ એમ બેઉ ક્ષેત્રોમાં એમણે કામ કર્યું છે. ‘કાસ્ટ ઈન ઈન્ડિયા’ થી માંડીને ‘એનીહિલેશન ઓફ કાસ્ટ’ સુધીના ગ્રંથોમાં એમણે ભારતની જાતિપ્રથા અને એના નિર્મૂલન માટેના વિચારો અને ઉપાયો દર્શાવ્યા છે. હિંદુ ધર્મની નબળાઈઓ અને તેમાં સુધારા તરફ એ સતત આંગળી ચીંધતા રહ્યા અને જ્યારે એમને હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા અને જાતિપ્રથા નાબૂદી શક્ય ન લાગી ત્યારે તેમણે ‘હું હિંદુ તરીકે મરીશ નહીં’ની ઘોષણા કરી હિંદુ ધર્મનો ત્યાગ પોતાના લાખો અનુયાયીઓ સાથે કર્યો હતો.

ડો. આંબેડકરે એમનું સમગ્ર ચિંતન ‘સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા’ એ ત્રણ જ શબ્દોમાં વ્યક્ત કરી દીધું છે. આ ચિંતન ફ્રેન્ચ ક્રાંતિમાંથી ઉછીનું લીધેલું નથી, પણ એનાં મૂળિયાં બુદ્ધના ઉપદેશમાં હોવાનું પણ એમણે જણાવ્યું હતું. ‘અમર્યાદ સ્વતંત્રતા સમાનતાનો નાશ કરે છે અને સંપૂર્ણ સમાનતા સ્વતંત્રતા માટે અવકાશ રાખતી નથી’ એવી સ્પષ્ટતા કરતાં બાબાસાહેબે પોતાના ચિંતનમાં બંધુત્વને ઊંચું સ્થાન આપ્યું હતું. ભાઈચારો આંબેડકરી વિચારધારાનું સર્વોચ્ચ શિખર છે અને તે માત્ર કાયદાથી શક્ય નથી. પરંતુ આજે તો સમરસતા ભાઈચારો ગણાતો થઈ ગયો છે અને સમાનતા ગાયબ છે.

દેશમાં આજે જે હાલત છે તેમાં સ્પષ્ટપણે આપણે આંબેડકરના વિચારોથી વેગળા જઈ રહ્યા હોય તેમ લાગે છે. બંધારણના  ઘડવૈયા આંબેડકર  દલિતોના  સ્વરાજ માટેના ખતપત્ર જેવા ‘સ્ટેટસ એન્ડ માઈનોરિટી’ની માગણીઓ બંધારણમાં સામેલ કરાવી શક્યા નહોતા. આજે પણ દલિત ચળવળ સમક્ષ એ બાકી એજન્ડારૂપે ઊભી છે. જે પ્રકારની અસમાનતા દેશમાં વ્યાપ્ત છે તે જોતાં બાબાસાહેબની સમાનતા માટેની આર્થિક માગણીઓ સ્વીકારાવવી વધુ મુશ્કેલ બની છે અને સમાનતાયુક્ત ભારત સ્વપ્નવત્ લાગે છે. 1930માં ડો. આંબેડકરે જાતિની રાજનીતિ સામે લાલ બત્તી ધરી હતી. આજે ભારતની રાજનીતિ વધુને વધુ જાતિકેન્દ્રી બની છે. આઝાદી પછીના તરતના દાયકામાં પણ બાબાસાહેબ આંબેડકર ચૂંટણી જીતીને કદી લોકસભાના સભ્ય થઈ શક્યા નહોતા. એ હાલત આજે તો વધુ વરવી બની છે અને રાજકારણ વધુ મતકેન્દ્રી, ધનકેન્દ્રી અને સત્તાકેન્દ્રી બની ગયું છે. બાબાસાહેબ જે લોકશાહીના હિમાયતી હતા તે સંસદીય લોકશાહી લોપ પામતી રહી છે.

મૂર્તિભંજક આંબેડકરને મૂર્તિપૂજક નહીં સાચા અનુયાયીઓની જરૂર હતી અને છે. પરંતુ આજે ગુજરાતમાં અને દેશમાં દલિતો બાબાસાહેબની વ્યક્તિપૂજામાં એટલા તો રમમાણ છે કે જાણે આંબેડકર એટલે સ્મારકો, પૂતળાં, પાર્ક, સ્મૃિતચિન્હો, તસવીરો, ચિત્રો અને ગાથાઓ. દલિતોએ આંબેડકરની પૂજા શરૂ કરી દીધી છે અને તેમનો ઉપદેશ ભૂલી ગયા છે. આંબેડકરને માત્રને માત્ર અનામતનું પ્રતીક બનાવી દીધા છે અને સંઘર્ષસેનાની આંબેડકરને વિસારે પાડી દીધા છે. નગરેનગરે દલિત ચાણક્યો દલિત કારકુનો પેદા કરવા મચી પડ્યા છે.  પિતા રામજીએ આપેલી ‘છાંયડે બેસીને થાય એવું કામ’ અર્થાત સરકારી નોકરી કરવાની સલાહ અવગણીને આંબેડકરે આજીવન સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો હતો.

પણ આજે દલિત કારકુનો પેદા કરવાની લ્હાયમાં દલિત બૌદ્ધિકો, દલિત કર્મશીલો અને દલિત સંઘર્ષશીલો માટે કોઈ અવકાશ રહેવા દીધો નથી તથા આંબેડકરના વિચાર અને કાર્યને ઠોકરે દીધું છે. અનામત આસપાસ દલિત સમસ્યાની મથામણ એટલી કેન્દ્રીત થયેલી છે કે ગરીબ, ગ્રામીણ, અશિક્ષિત અને અસંગઠિત દલિતોના સવાલો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. દલિતો માટે શિક્ષણ અને નોકરીઓની અનામતનો સવાલ બેશક મહત્ત્વનો છે અને તેમની સ્થિતિમાં એને કારણે મોટો બદલાવ આવી શક્યો છે.

પરંતુ એને કારણે ગરીબી, અત્યાચાર, અન્યાય, અસમાનતા, માથે મેલું, લઘુતમ વેતન, સ્ત્રીઓના સવાલો, જમીનનો સવાલ, સમાન શિક્ષણ, આર્થિક બેહાલી જેવા સવાલોની સદંતર ઉપેક્ષા થાય છે. ડો. આંબેડકરના ત્રિમંત્રમાં શિક્ષણને પ્રથમ સ્થાન છે. દેશમાં અને ગુજરાતમાં દલિતોમાં સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે તેનાથી ફુલાઈ જવાને બદલે શિક્ષણના નવા પડકારો ખાસ કરીને શિક્ષણનું ખાનગીકરણ અને સમાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. આંબેડકરના આંદોલનમાં મહિલાઓની ભાગીદારી બહુ મોટી અને જવાબદારીવાળી રહી છે. આજે મહિલા અનામત છતાં આંદોલનોમાંથી મહિલાઓની હિસ્સેદારી ઘટતી રહી હોય તો તે ચિંતાનું કારણ બનવું જોઈએ.

બાબાસાહેબના નિર્વાણ વખતે એમના સાથી એન. શિવરાજે કહ્યું હતું કે, ‘જીવતા આંબેડકર કરતાં મૃત આંબેડકર અધિક બળવાન છે.’ આ જેટલું સાચું છે તેટલું જ બાબાસાહેબે જેમ કહેલું કે ‘માણસની જેમ વિચાર પણ મર્ત્ય છે અને તેને જીવાડવા યોગ્ય ખાતર-પાણી અને સિંચનની જરૂર છે’ તે પણ એટલું જ સાચું છે. જો વિચારને સિંચવામાં ન આવે કે સમયાનુસાર તેનું મૂલ્યાંકન કરી તેમાં સુધારાવધારા ન કરવામાં આવે તો ગમે તેટલો મહાન વિચાર પણ મરી પરવારે છે. ડો. આંબેડકર નિર્વાણના પૂર્વ દિવસોમાં ખરા આંબેડકરને જીવાડવા તેમના વિચારોના સિંચન થકી તેને સદા પલ્લવિત રાખવાનું કાર્ય માટેની પ્રતિબધ્ધતા એ જ તેમને સાચી અંજલિ ગણાશે.

ચંદુ મહેરિયા લેખક સામાજિક-રાજકીય  પ્રવાહોના ઊંડા અભ્યાસી અને વિશ્લેષક છે

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘વારસાની વાસ્તવિક્તા’, “દિવ્ય ભાસ્કર”, 03 ડિસેમ્બર 2015

Loading

તહેવાર અને વેપાર – અમેરિકા

હરનિશ જાની|Opinion - Opinion|2 December 2015

અમેરિકામાં ગુજરાતી હોવાના બે ફાયદા. એક તો આપણાં તહેવારો ઉજવાય અને અમેરિકનોના તહેવારો પણ ઉજવવાના મળે. હજુ અમે નવરાત્રીના ગરબામાંથી માંડ થાક ખાવા બેઠા, અને આવી દિવાળી. તેમાં ફટાકડા તો ફોડવાના નહીં અને દિવાળી ડિનર ચાલુ થઈ જાય. દિવાળી ડિનર જમ્યા પછી કરવાનું શું, ત્યારે કહેશે કે ગરબા ગાવ. ગરબા પણ નાના પાયા પર ડિનર પછી ખાવાનું પચે તેટલા જ. આ ડિનર જુદા જુદા નાતીલાઓને મળવા માટે થાય છે. અમેરિકામાં જુદી જુદી નાત અને જાતીના લગભગ પાંચસો મંડળો છે. તે બધાં મંડળ વરસમાં ત્રણ ચાર ફંક્શન કરશે. સ્પ્રીંગ ફેસ્ટીવલ. સમર પિકનીક, નવરાત્રી અને  દિવાળી અને વિન્ટરમાં અમેરિકન તહેવારોમાં થેન્કસ ગિવીંગ અને ક્રિસમસ અમારી રાહ જુએ.

ઠંડી ચાલુ થઈ ગઈ છે. વિન્ટરના એંધાણ વર્તાય છે. ગયા ગુરુવારે અમેરિકામાં થેન્કસ ગિવીંગ ડે ઉજવાયો. તેમાં મૂળ વાત એ છે કે તે નવેમ્બરના છેલ્લા ગુરુવારે, આખા દેશમાં દરેક કુટુંબ ભેગા થાય છે. રજા એકલા ગુરુવારની હોય. પરંતુ લોકો પોતાને ગામ જતાં ફાવે એટલે શુક્રવારની રજા પણ બધી ઓફિસો અને બિઝનેસમાં મળે છે. અને આમ જોઈએ તો શનિ–રવિની રજા તો હોય જ, એટલે લોકો થેન્કસ ગિવીંગની ચાર દિવસની રજાની રાહ આખું વરસ જોતાં હોય છે. એટલે તેના આગલા દિવસે, બુધવારે રેકોર્ડ બ્રેક ટ્રાવેલીંગ થાય છે. એરપોર્ટો પર કે રેલવે સ્ટેશનો પર ચાલવાની જગ્યા નથી મળતી.  રિઝર્વેશનવાળાનો જ પત્તો લાગે. આ વરસે પેરીસના હુમલા પછી અમેરિકન ગવર્મેંટે ટ્રાવેલીંગની ચેતવણી આપી હતી, છતાં લોકો ટ્રાવેલીંગમાં મસ્ત હતા. તેમાં જો વેધર ખરાબ હોય અને સ્નો પડે તો અસંખ્ય ફલાઈટ કેન્સલ થાય. એટલે બળતામાં ઘી હોમવા જેવું. તેમાં રોડ પરના ટ્રાફિકની તો કલ્પના પણ ન થાય. ટ્રાફિકની વાત કરીએ તો આપણો ટ્રાફિક યાદ આવી જાય. આપણી મુસિબત એ છે કે આપણે ત્યાં પૈસાદાર લોકો વધવા માંડ્યા છે. મોટરો વધવા માંડી છે. અને રસ્તા તેના તે જ છે. તો લોકો કાર ચલાવે ક્યાં? અને પોતે ચાલે ક્યાં? ન્યૂ યોર્કમાં એક જોક છે કે દુનિયાનો સૌથી મોટો પાર્કિંગ લૉટ કયો? તો કહે કે ન્યૂ યોર્કનો લોંગ આઈલેંડ એક્ષપ્રેસ વૅ. જ્યાં ખૂબ ટ્રાફિકને કારણે કાર ચાલવા કરતાં વધારે વખત ઊભી રહે છે. તમે ફસાઈ જાવ તો કલાકોના કલાકો નિકળી જાય તો ય તમે હાલી પણ ના શકો. એ રોડ પર કેટલીએ પ્રેગનન્ટ, લેબર પેઈનવાળી સ્ત્રીઓએ, હોસ્પિટલની જગ્યાએ ટેક્સીમાં જ બાળકને જન્મ આપ્યાં છે.

બીજી વાત એ કે લોકોમાં ટર્કી નામના પક્ષીને ડિનરમાં આરોગવાનો મહિમા છે. તે દિવસે કરોડો ટર્કી લોકોના ડિનર ટેબલ પર હોય છે. એકાદ ટર્કીને પ્રેસની હાજરીમાં, ઓબામા "પ્રેસિડેન્શિયલ પાર્ડન" આપશે. અને ફોટોગ્રાફરો તેના ફોટા પાડવા દોડા દોડી કરશે. એ પણ એક તમાશો બની જાય છે. ચારસો વરસ પહેલાં, જ્યારે ઈંગ્લેંડથી વસાહતીઓએ (પિલ્ગ્રીમ્સ) અમેરિકાની ધરતી પર પગ મુક્યો ત્યારે બે વસ્તુ તેમને દેખાઈ, રેડ ઈન્ડિયન્સ અને ટર્કી બર્ડસ. બિચારા બન્નેના ઘાણ કાઢ્યા. જરા કલ્પના કરો કે આ યુરોપિયન પ્રજાની જગ્યાએ ભારતના કચ્છના સાગરખેડૂઓ પહેલાં આવ્યા હોત તો? મને નથી લાગતું કે તેઓએ અમેરિકાના આ નેટીવ્સને ધરમૂળથી ઉખેડી નાખ્યા હોત. નવા યુરોપિયન વસાહતીઓએ શરુઆતમાં આ નેટીવ ઈન્ડિયનોને થેન્કસ ગિવીંગ ડે ઉજવવાનું આમંત્રણ આપી ટર્કીનું ડિનર જમ્યા હતા. સાથે સાથે એપલ પાઈ અને ક્રેનબેરી સોશ રાખ્યો જે આજે પણ ખાવાની પ્રથા બની ગઈ છે. જેમ આપણે ત્યાં મકર સંક્રાન્તિને દિવસે તલસાંકળીનો મહિમા છે તેમ.

મારું કુટુંબ પણ થેન્કસ ગિવીંગ ડેને દિવસે ભેગું થાય છે. વરસો પહેલાં અમારા કુટુંબમાં એક દીકરી સાથે જ બીજા એક ક્રિશ્ચીઅન કુટુંબ સાથે મનાવતા. મારી પત્ની ટર્કીની જગ્યાએ બટાકાની સૂકી ભાજી બનાવતી. સાથે સાથે એપલ પાઈ બનાવતી. પછી તો "લોગ આતે રહે ઓર કાફલા બનતા ગયા". અમે જ્યાં રહીએ છીએ તે ગામ હેમિલ્ટનમાં, અમે સુરતની પી.ટી. સાયન્સ કોલેજમાં ભણેલા આઠથી દસ મિત્રો, કુટુંબો સાથે થેન્કસ ગિવીંગ દિવસે મળતા હતા. તેમાં હંસાબહેન અને મોહનભાઈ કોસમિયા (કોલેજના સ્ટાફ) તથા ભગુભાઈ અને જાનકીબહેન ટેલર અમારા હોસ્ટ બનતાં. ભગુભાઈની હોટલ હતી. એટલે ભગુભાઈનો સ્ટાફ કિચન સંભાળતો. અને બાકીના સુરતી મિત્રો, સુરતી ભાષામાં કોલેજના દિવસો યાદ કરતાં અને હા હા હી હી કરતાં. અમારા એ મઝાના દિવસો હતા. સી.એમ. દેસાઈ સાહેબ અને કુસુમબહેન ૧૯૮૭માં અમેરિકા આવ્યાં હતાં, ત્યારે અમારા આ ગ્રુપે તેમના સ્વાગતમાં પ્રોગ્રામ પણ કર્યા હતા. પછી તો બાળકો મોટાં થયાં. અને સાથે સાથે અમે પણ ઢીલા પડ્યા.

હવે આ ચાર દિવસનું બીજું મહત્ત્વ એ છે. કે વેપારીઓ આખા વરસની કમાણી અને સૌથી વધુ વેચાણ આ ચાર દિવસોમાં કરે છે. ધ્યાનથી જોશો તો આ વેપારીઓ અને બીજા બિઝનેસવાળાઓ આપણાં જીવનને ઘડે છે. તમે વિચારો અને તમારી ચારે બાજુ જુઓ તો તમારી પોતાની પસંદગીની વસ્તુઓ ઓછી દેખાશે. અને જે દેખાશે તે તમારા ગળામાં અને મગજમાં આ બિઝનેસવાળાઓ એ ઠાંસી છે. આપણાં ભારતમાં વેલેન્ટાઈન ડે કે ક્રિસમસને હિન્દુ મુસલમાનને કાંઈ લાગે વળગે નહીં પણ બિઝનેસવાળાઓએ પોતાના કાર્ડ વેચવા, સાંટા ક્લોઝને ઘુસાડ્યો કે પછી પાર્ટીઓમાં કમાવા માટે હેપી ન્યૂ યરના સેલિબ્રેશનનો આ દારુ ગાંડી પ્રજાના મગજમાં પાયો. આપણાં ખુદના જ શેરી ગરબામાંથી માતાજીની ભક્તિ બાદ કરી સ્ત્રીઓને નવી ફેશનના બ્હાના હેઠડ ઉઘાડા બરડા સાથે નાચતી કરી દીધી. અમેરિકા પણ આ બિઝનેસીસની ચુંગાલમાંથી બચ્યું નથી. પહેલાં ક્રિસમસ સેલ ૨૦મી ડિસેમ્બરે ચાલુ કરતા. પછી તે જરા વહેલું ચાલુ કરતા – આ બધી વાતોનો હું સાક્ષી છું. પછી સેલ નવેમ્બરના અંતમાં. આજકાલ તે નવેમ્બરના છેલ્લા ગુરુવાર પછીના શુક્રવારથી જ ચાલુ કરી દીધું. હવે આપણા ભારતીયો આ તહેવારમાં ક્યાં આવ્યા? તો જાણીને આશ્ચર્ય થશે કે આ દેશમાં આપણા ભારતીયો છે. તો આ દેશની ઈકોનોમી ચાલે છે .. વસ્તુ એમ છે કે થેન્કસ ગિવીંગ ડે પછી એક જ મહિનામાં ક્રિસમસ આવે ક્રિસમસ વખતે ફ્રેન્ડસ અને ફેમિલીને ગિફટ આપવાની હોય. અથવા ઈન્ડિયા જવાનું હોય અમેરિકાના ગુજરાતીઓ ડિસેમ્બરથી માર્ચ સુધી ઈન્ડિયા જવાનું નક્કી કરે કારણ કે ઈન્ડિયાનું વેધર સરસ હોય છે અને અમેરિકાની ઠંડીથી બચી જવાય. તો તેની ખરીદી માટે આ ફ્રાઈ ડે જેવો બીજો દિવસ ના મળે .. તો આ દિવસે ક્રિસમસનું અને ઈન્ડિયા માટે શોપિંગ પતાવે છે. દરેક સ્ટોર્સમાં દરેક વસ્તુ સેલમાં હોય.

હવે  થોડાં વરસ પહેલાં સ્ટોર્સ દસ વાગ્યાના નોરમલ ટાઈમ કરતાં પહેલાં સવારના સાત વાગે ખૂલતા. લોકો સવારે સાત વાગે સ્ટોર ભરી દે. પછી આ બિઝનેસીસ સમજી ગયા કે લોકોને ખરીદી જ કરવી છે. એટલે તેમણે સ્ટોર્સ સવારના ચાર વાગે ખોલવા માંડ્યા. અને દરેક વસ્તુ પર લગભગ ચાળીસથી પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપે. પાંચસો ડોલરનું લેપટોપ સેલમાં ત્રણસોમાં મળે. અને હજાર ડોલરનો ટીવી ચારસોમાં મળે. એવા ટી.વી. દસ કે પંદર હોય. તે ફક્ત આ બ્લેક ફ્રાઈ ડેને દિવસે જ. અને તે પણ લિમીટેડ નંબરમાં હોય. એટલે વહેલું તે પહેલું ના કાયદે. હવે બાકીના લોકો આવ્યા છે તે ખાલી હાથે થોડા જાય ? તેઓ મોંઘી વસ્તુ ખરીદે.

આ વસ્તુઓ થોડા ડિસ્કાઉન્ટથી મળે. આ ડિસ્કાઉન્ટ શબ્દથી મરેલો ગુજરાતી પણ બેઠો થઈ જાય. હવે આવા ડિસ્કાઉન્ટનો લાભ ન લઈએ તો ગુજરાતે લજાવવું પડે. એકલા ગુજરાત જ કેમ આખા દેશે લજાવવું પડે એટલે જ્યારે સ્ટોર ખૂલે ત્યારે અંદર જવાની ધક્કામુક્કીમાં પંજાબીઓ, સાઉથ ઈન્ડિયનો પણ ગુજરાતીઓ સાથે જોડાય છે. છેલ્લા ત્રણ ચાર વરસથી બધા સ્ટોર્સ હવે શુક્રવારે સવારના ચાર પાંચ વાગે નહીં પણ ગુરુવારે રાતના બાર વાગે ખૂલે છે. આ વરસે  સ્ટોરસ્ ગુરુવારે સાંજે છ વાગે જ ખોલવાની જાહેરાત થઈ ગઈ છે. સ્ટોરની આગળ એટલાં ટોળાં થાય છે કે સ્ટોરના બારણાં ખોલતાંમાં જ અંદર સેંકડો લોકો ધસી જતાં હોય છે.

ચાર વરસ પહેલાં, ન્યૂ યોર્કના એક વોલમાર્ટમા બારણાં ખોલતાંમાં જ સેંકડો શોપર્સ અદર ધસી ગયા. અને દરવાજા ખોલવાવાળા ગાર્ડને કચડી નાખ્યો. હવે લોકો પોલીસની હાજરીમાં, દરેક મૉલના દરવાજા પાસે લાઈનોમાં ઊભા રહે છે – રાતના દસ વાગે. અને રાતના બાર વાગે અંદર વ્યવસ્થિત રીતે ધક્કામુક્કી કરતાં પેશે છે. ગયે વરસે ન્યૂ જર્સીના એક વોલમાર્ટમાં મારે પત્નીજી માટે સ્માર્ટ ફોન લેવાનો હતો. તે પત્નીજીની ઉશ્કેરણીથી ગયો ખરો. પણ હજારો લોકોના ટોળાં જોઈને મને પેલો કચડાઈ ગયેલો સિક્યુરિટી ગાર્ડ યાદ આવી ગયો. આ લાઈનોમાં વ્હાઈટ અમેરિકન, આફ્રિકન અમેરિકન, સ્પાનિસ અમેરિકન પણ હોય છે. તેમ છતાં એ ટોળામાં નેવુ ટકા આપણાં લોકો હતા. શરુઆતમાં તો શાંતિથી ઊભા હતા. પરંતુ બાર વાગે દરવાજા ખૂલ્યા કે લાઈનો બધી અદ્રશ્ય થઈ ગઈ અને લોકો બારણાં તરફ ધસવા લાગ્યા. દેશની પ્રણાલી ચાલુ ન રાખીએ તો ડૂબી મરવું પડે. મેં બ્લડ પ્રેસરવાળાએ અહીં શહિદ થવા કરતાં પત્નીજીને પટાવીશું નહીં તો તેના હાથે શહિદ થવાનું નક્કી કરી ઘર ભણી હંકાર્યું. પછી બીજે દિવસે રેગ્યુલર ભાવે એ જ ફોન ખરીદ્યો. થોડા પૈસા વધુ ખર્ચાયા પણ જીવ તો બચ્યોને! મારા માટે બીજો દિવસ થેંક્સ ગિવીંગ ડે બન્યો. મને પોતાને ડર લાગતો હોય તો હવે ક્રિસમસ સેલનો. પણ એ જુદી કહાણી છે.

છેલ્લી બ્લેક ફ્રાઈડેની બ્લેક જોક –

અમેરિકાની જાસૂસી સંસ્થામાં નવા એજન્ટોની ભરતી કરવાની હતી. તેમને દેશપ્રેમી એજન્ટોની જરૂર હતી. ઉમેદવારો આવ્યા. પહેલાનો ઈન્ટરવ્યુ લેવાનો હતો. તેને કહેવામાં આવ્યું કે બાજુના રૂમમાં તમારી પત્ની છે. તે દેશદ્રોહી છે. અને ફોરેન એજન્ટ છે. આ ગન લો. અને તેને શુટ કરી દો, પહેલા ઉમેદવારે કહ્યું ,"સાહેબ,એ મારી પત્ની છે. તે જે હોય તે. તેને હું ગોળી ન મારું. મારે તમારી નોકરી નથી જોઈતી." તે ભાઈ નીકળી ગયા. બીજાએ અને ત્રીજાએ પણ તેમ કર્યું. ચોથાએ પોતાની પત્નીને મારવા ગન લીધી અને બાજુના રૂમમાં ગયો. થોડી વારમાં પાછો આવ્યો. અને પેલા ટેસ્ટ લેનાર ઓફિસરને કહે કે, "તમે તો કેવા લોકો છો? આ ગનમાં તો ખોટી બુલેટસ્ ભરી હતી. તેને કાંઈ ન થયું. પછી મારે તેને ગળું દાબીને મારી નાખવી પડી."

E mail-harnishjani5@gmail.com

‘ફીર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, કોલમ, “ગુજરાતમિત્ર”, ૦૨ ડિસેમ્બર ૨૦૧૫

Loading

...102030...3,6493,6503,6513,652...3,6603,6703,680...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved