હિન્દુત્વવાદીઓ જાણે છે કે ધાર્મિક મુસલમાનને મરજાદ નડે છે એટલે તે ભારત માતા કી જય બોલવાનો નથી. તેઓ આગ્રહ ભારત માતા કી જયનો જ રાખશે. ભારત દેશ ઝિંદાબાદ, મેરા ભારત મહાન, ભારત દેશ અમર રહે કે એવાં બીજાં કોઈ દેશભક્તિનાં સૂત્રો તેમને સ્વીકાર્ય નથી
વિકૃત રાજકારણ : મારા ગળા પર છરી મૂકશો તો પણ હું ભારત માતા કી જય નહીં બોલું એવા ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન નામના પક્ષના નેતા અસદુદ્દીન ઓવૈસીએ કરેલા વિધાનનો ગઈ કાલે [17.03.2016] થાણેમાં વિરોધ કરી રહેલા શિવસંગ્રામ નામની પાર્ટીના સભ્યો.
ભારતમાં મુસલમાનો એક કમનસીબ પ્રજા છે. તેમની કમનસીબી નેતૃત્વના અભાવની છે. ખાસ કરીને આઝાદી પછી ભણેલા-ગણેલા મુસ્લિમ નેતાઓ પાકિસ્તાન જતા રહ્યા હતા અને ભારતીય મુસલમાનોને જુનવાણી અને ધર્મઝનૂની મુલ્લાઓના હવાલે કરતા ગયા હતા. જેઓ ભણેલા-ગણેલા હતા એવા નેતાઓ બહુ દૂરંદેશી ધરાવતા હતા એવું નથી. જો દૂરંદેશી હોત તો ભારતનું વિભાજન જ ન થયું હોત અને અત્યારે ભારતીય ઉપખંડના મુસલમાનો ત્રણ દેશમાં વહેંચાયેલા છે એ વહેંચાયેલા ન હોત. આવો પોતાના પગ પર કુહાડો મારનારો નિર્ણય ભણેલા-ગણેલા મુસલમાનોએ લીધો હતો. આ ઉપરાંત મુસલમાનો અનેક ફિરકાઓમાં વહેંચાયેલા છે એ વધારામાં.
મુસલમાન મુસલમાન છે એ તેની પહેલી ઓળખ છે તો મુસલમાન કોઈ દેશનો નાગરિક છે એ તેની બીજી ઓળખ છે. આવી બીજી પણ એક ડઝન ઓળખ હોવાની. આ જગતમાં કોઈ વ્યક્તિ કેવળ એક ઓળખ લઈને નથી જીવતી. આજના યુગમાં માણસે બહુવિધ ઓળખ સાથે જીવતા શીખવું જોઈએ. હિન્દુઓએ પણ આઝાદી પહેલાં કૉન્ગ્રેસની જગ્યાએ હિન્દુત્વવાદીઓની આંગળી પકડી હોત તો હિન્દુઓની પણ એ જ દશા થઈ હોત જે ભારતીય ઉપખંડના મુસલમાનોની થઈ છે. હિન્દુત્વવાદીઓ પણ એક પ્રબળ હિન્દુ ઓળખનો આગ્રહ રાખે છે.
વન્દે માતરમ અને ભારત માતાની જય એ હિન્દુત્વવાદીઓનો ઓળખનો આગ્રહ છે. આ આગ્રહ એટલા માટે છે કે એ દ્વારા મુસલમાનોને મૂંઝવી શકાય છે. કોઈ માણસ ચિડાતો હોય તો તેને ચિડાવવામાં વિકૃત આનંદ આવે છે. કોઈ માણસની કોઈ દુખતી નસ હાથ લાગે તો એને મોકો મળ્યે દબાવવામાં વિકૃત આનંદ આવે છે. કોઈ માણસ મરજાદી હોય તો તેની મરજાદ તોડાવવામાં વિકૃત આનંદ આવે છે.
બસ, કેટલાક મુસલમાનો સાથે આવું જ થઈ રહ્યું છે. મુસલમાને અલ્લાહ સિવાય કોઈની ઇબાદત (પ્રાર્થના-જયજયકાર) કરવી નહીં એવો કુરાનમાં આદેશ છે. કોઈ એટલે કોઈની પણ નહીં. આની પાછળનો મૂળ ઇરાદો એવો હતો કે અલ્લાહના નામે ધતિંગ કરનારા લોકોને કે ધર્મના ઠેકેદારોને ખાળી શકાય જેથી કોઈ મુસલમાનોનું ધાર્મિક શોષણ ન કરી શકે. ખુદા અને બંદા વચ્ચે કોઈ હોય જ નહીં તો ધતિંગ કેવી રીતે કરી શકે. જો કોઈ અલ્લાહની બરાબરી કરે તો તેને શિર્ક તરીકે ઓળખાવવામાં આવે છે જે ઇસ્લામમાં મોટો ગુનો છે. મૂળ ઉદ્દેશ તો સારો હતો, પરંતુ ધર્મઝનૂનીઓ ગમે એવા સારા ઉદ્દેશનો પોપટપાઠ કરીને અને એનું આંધળું અનુકરણ કરીને એને મારી નાખે છે. અલ્લાહની બરાબરી કરવાની ચેષ્ટા માણસ કરી શકે. શિર્ક એ માણસ માટે વાપરવામાં આવતો શબ્દ છે. જેમ કે અહમદિયા પંથના સ્થાપક મિર્ઝા ગુલામ અહમદ ચુસ્ત મુસલમાનોની દ્રષ્ટિએ શિર્ક છે. મિર્ઝા ગુલામ અહમદ પોતાને મેહદી અને અવતાર તરીકે ઓળખાવતા હતા. એટલે તો કેટલાક મુસલમાનો અહમદિયા મુસલમાનોને મુસલમાન નથી માનતા.
આમ માણસ ખુદાની બરાબરી કરવાની ચેષ્ટા કરે એ સમજી શકાય છે, પરંતુ ભૂમિ ક્યાં આવી કોઈ ચેષ્ટા કરે છે? આપણો જ્યાં જન્મ થયો હોય એ ભૂમિ આપણને વહાલી હોય છે જેમ જન્મ આપનાર મા વહાલી હોય છે. કોઈને વહાલ કરવું અને કોઈનું ઋણ સ્વીકારવું એ સ્વાભાવિક માનવીય વૃત્તિ છે. આમાં ધાર્મિક બંધનો ક્યાં આડાં આવ્યાં? પરંતુ બાબા વાક્યમ્ પ્રમાણમ્. કુરાનમાં કહ્યું છે કે ખુદા સિવાય કોઈની ઇબાદત કરવાની નહીં અને કોઈનો જયકાર કરવાનો નહીં એટલે નહીં કરવાનો. એટલે તો ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના નેતા ઓવૈસીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મારા ગળા પર છરી મૂકશે તો પણ હું ભારત માતા કી જય નહીં બોલું.
આ મરજાદ છે અને આગળ કહ્યું એમ કોઈની મરજાદ તોડાવવામાં વિકૃત આનંદ આવતો હોય છે. તમારામાંથી ઘણાએ બાળપણમાં અણસમજમાં મરજાદીઓને સતાવ્યા હશે. મરજાદીએ બીજી વાર નહાવા જવું પડે એ જોઈને આનંદ આવતો હતો. મોટા થયા પછી એટલું તો સમજાયું હશે કે મરજાદીની મરજાદ તોડાવવી એમાં માણસાઈ નથી. હું અને તમે ઉંમર સાથે સંસ્કારી થયા છીએ અને વિવેકી બન્યા છીએ, પરંતુ હિન્દુત્વવાદીઓ તો વિકૃત ઉપરાંત કોમવાદી પણ છે. તેમનો કોમવાદી રાજકીય એજન્ડા છે. તેઓ જાણે છે કે ધાર્મિક મુસલમાનને મરજાદ નડે છે એટલે તે ભારત માતા કી જય બોલવાનો નથી. તેઓ આગ્રહ પણ ભારત માતા કી જયનો જ રાખશે. ભારત દેશ ઝિંદાબાદ, મેરા ભારત મહાન, ભારત દેશ અમર રહે કે એવાં બીજાં કોઈ દેશભક્તિનાં સૂત્રો તેમને સ્વીકાર્ય નથી. મરજાદી વૈષ્ણવ પાસે જય જય શિવ શંકર બોલાવવા જેવી જ આ વિકૃતિ છે.
એટલે તો હિન્દુત્વવાદીઓ જન મન ગણની જગ્યાએ વન્દે માતરમને રાષ્ટ્રગીત બનાવવા માગે છે. તેમને વન્દે માતરમ માટે કોઈ વિશેષ પ્રેમ છે એવું નથી. શુદ્ધ સંસ્કૃતમાં લખાયેલું એ ગીત તેમને સમજાતું હશે કે કેમ એ પણ સવાલ છે. તેમનો ઇરાદો મુસલમાનોને મૂંઝવવાનો છે. તેમને જાણ છે કે મરજાદી મુસલમાન વન્દે માતરમ બોલવાનો નથી એટલે તેને સહેજે રાષ્ટ્રદ્રોહી ઠરાવી શકાશે. પેલો મુસલમાન બાપડો બે હાથ જોડીને કહે કે ભાઈ, તમે કહો એ દેશભક્તિનું સૂત્ર બોલી બતાવું, પણ ભારત માતા કી જયનો આગ્રહ છોડો તો હિન્દુત્વવાદીઓ એવો આગ્રહ છોડવાના નથી. તેઓ પોતાની શરતે મરજાદી મુસલમાનની પરીક્ષા લઈને દેશપ્રેમમાં મુસલમાનને નાપાસ કરવા માગે છે.
આ વિકૃત રાજકારણ છે અને એમાં આગળ કહ્યું એમ મુસ્લિમ નેતૃત્વ નાદાર છે. વતનપરસ્તીમાં ખુદાની બરાબરી ક્યાં આવી કે તમે આટલા છેડાઓ છો. આગળ કહ્યું એમ માણસ શિર્ક થવાનો પ્રયાસ કરે, ભૂમિ ક્યાં શિર્ક બનીને ખુદાની સામે ઊભી રહેવાની છે? પણ આ વાત મુસલમાનોને સમજાવે કોણ? નેતૃત્વ નાદાર છે અને મુસલમાનો મૌલવીઓની કેદમાં છે.
http://www.gujaratimidday.com/features/columns/bharat-mata-ki-jai-controversy-2
સૌજન્ય : ‘કારણ-તારણ ‘ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 18 માર્ચ 2016