રાજકીય જાગૃતિ અને સંસારસુધારાની હિલચાલ,
બેઉ સાથેલગાં નહીં ચાલે ત્યાં લગી આપણો જયવારો નથી હોવાનો
કોને સંભારીશું, આનંદધનને કે આપણા ગુજરાતી કવિને. આનંદધનનું અદ્દભુત પદ છે કે ‘અબ હમ અમર ભયે’. અને આપણો ગુજરાતી કવિ? એણે ગાયું છે કે ‘મૃત્યુ મરી ગયું રે લોલ’ : વીસમી ઓગસ્ટને મંગળવારે પુણેસ્થિત ઓમકારેશ્વર પુલ પાસે નરેન્દ્ર દાભોળકર ઉપર જે ગોળીઓ વછૂટી તે દેખીતો તો એમનો ભોગ લઈ ગઈ. પણ અંધશ્રદ્ધા નિર્મૂલન વાસ્તે એમની જિંદગીભરની જદ્દોજહદના એક પ્રતીકરૂપ અંધશ્રદ્ધાવિરોધી ખરડો અઢાર અઢાર વરસની અટકેલ-લટકેલ અવસ્થાને લાંધીને સહસા વટહુકમરૂપે વિલસી રહ્યો … દાભોળકર, તમે મરીને અમર થઈ ગયા, એમ જ ને. ના. ના. એમ કહેવું સાચું છતાં વધુ પડતું સરળ લેખાશે. આ દેશનો રાજકીય અગ્રવર્ગ, શું કહીશું એને – જ્યાં સુધી કોઈ બત્રીસલક્ષણા થકી ખપ્પર ન ભરાય ત્યાં સુધી આ વર્ગ હલવાચસવાનું નામ જ નથી લેતો.
વાત અલબત્ત સાચી કે દાભોળકરની લાંબી લડતને એમના મૃત્યુ સાથે ઉભરેલ લોકઉદ્રેક અને શાસકીય સક્રિયતાને કારણે કદાચ નવજીવન મળ્યું છે. અંધશ્રદ્ધા સામે એટલે કે ધર્મતત્ત્વ કે ઈશ્વર સામે નહીં પણ એમને નામે ચાલતાં શોષણ સામે લડનારો આ જોધ્ધો હતો. એને ધર્મવિરોધી અને ઈશ્વરવિરોધીના ખાનામાં ખતવી દઈને અંધશ્રદ્ધાઓ મારફતે શોષણનાં ચક્રો ચલાવનારાઓ બધો વખત મનમાની વાસ્તે મુસ્તાક પેશ આવ્યા છે. બીજી પાસ, સમાજવાદી ધરાણાના નરેન્દ્ર દાભોળકરે પૂરા સમયની દાક્તરી છોડીને તેમ બીજી પણ કારકિર્દીગત સંભાવનાઓ (કબડ્ડીમાં એ રાષ્ટ્રીય ચેમ્પિયન હતા) છોડીને નર્મદની બાનીમાં કહીએ તો 'વહેમ જવન’ સામેના રણરંગમાં જીવનની સાર્થકતા શોધી હતી.
ગાયનેકોલોજિસ્ટ પત્નીએ કુટુંબની જવાબદારી સંભાળી એમને નચિંત કર્યા હતા તો હવે જુવાનજોધ થતાં આવતાં દીકરા-દીકરીએ પણ માતાપિતાના આદર્શો અંગીકારવામાં ધર્મ જોયો હતો. પુત્રી મુક્તા તો પૂરા સમયની સામાજિક કર્મશીલ છે, અને પુત્ર હમીદ મનોવિશ્લેષક તરીકે કાર્યરત હોવા સાથે સામાજિક રુઝાન ધરાવે છે. આ 'હમીદ’ નામ દાભોળકર કુટુંબના સંદર્ભમાં પ્રથમ શ્રવણે કંઈક આગંતુક લાગે છે, નહીં? પણ એ આગંતુક નહીં એટલું આત્મીય છે, કેમ કે જેમ દલિત જાગૃતિ એ મહારાષ્ટ્રનો એક વિશેષ રહ્યો છે તેમ હમીદ દલવાઈ જેના પાયામાં હતા તે મુસ્લિમ સત્યશોધક સમાજ પણ એવો જ એક અન્ય વિશેષ છે. સામે પૂર નૈયા ઝુકાવનાર હમીદની ધન્યસ્મૃિત દાભોળકર પરિવારે પોતાની રીતે સાચવી છે.
અંધશ્રદ્ધા નિર્મૂલન ચળવળના મહારાષ્ટ્રમાં તો પર્યાય પુરુષ બની રહેલા આ જણની હત્યા કોણે કરી? મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવાણે આરંભિક પ્રતિક્રિયામાં કહ્યું કે તપાસ જારી છે. પણ એમણે તરત ઉમેર્યું હતું કે જે પરિબળોએ ગાંધીજીનો ભોગ લીધો હતો તેમણે જ દાભોળકરનો યે લીધો છે. આ પ્રાથમિક પ્રતિક્રિયામાંથી સ્વાભાવિક જ કોઈ રાજકીય ફિરાક અને મતબેંકી ધ્રુવીકરણ બૂ આવી શકે. પણ દાભોળકરને એવી ધમકીઓ અવશ્ય મળતી રહી હતી કે 'અમે’ ગાંધીજીનું શું કર્યું તે નથી જાણતા? મૂંગા મરો રૂઢિચુસ્ત અને ધર્મઝનૂની સંસ્થાઓએ પણ અંજલિ નથી આપી, એવું નથી. માત્ર, સનાતન સંસ્થાને (જે નિર્મૂલન ખરડા અને હિલચાલનો વિરોધ કરતું રહ્યું છે, એણે) અંજલિવચનોમાં એ એક પંક્તિ અધોરેખિત ધોરણે આથીઅંબોળી કે દરેક જણ એના કર્મ મુજબ પામે છે.
જ્યાં સુધી નરેન્દ્ર દાભોળકરનો સવાલ છે, એમણે સુરક્ષા લેવાની ના પાડી હતી. 'તમે મને સુરક્ષા છત્ર આપશો તો આ ચળવળના વિરોધીઓ મારે બદલે મારા સાથીઓને નિશાન બનાવશે,’ એ કહેતા અને ઉમેરતા : 'જો કોઇએ મરવાનું જ હોય તો તે હું જ શા માટે ન હોઉં.’ વિવેકબુદ્ધિનિષ્ઠ ચળવળનું એક આગળ પડતું જણ, નામે સનલ એડમારકુ, ઘરઆંગણે જાન પરના જોખમથી હટી યુરોપભરમાં વખતોવખત ઠામઠેકાણું બદલી ચળવળને બળ આપવાનો પ્રયાસ કરે છે. દાભોળકર સરખા વરિષ્ઠ સાથીને વિદાયવંદના પાઠવતે સનલે, પોતાને દાભોળકરે શું કહ્યું હતું તે સંભાર્યું છે : 'વતન પાછા ફરો અને તમને ડારનારાઓ સામે અદાલતની દેવડીએ કામ લો. શહીદ થશો તો પણ ચળવળને કામ આવશો’.
અહીં બી.બી.સી.એ બે’ક વરસ ઉપર એક ફ્રેન્ચ સમાચાર સંસ્થા સાથેની દાભોળકરની વાતચીત આ કલાકોમાં પુન: પ્રસારિત કરી છે તે સંભારવા જોગ છે : 'હું ધર્મમાં ને ઈશ્વરમાં માનું છું કે નથી માનતો એ મુદ્દો અસ્થાને છે. ભારતના બંધારણે સૌને ધર્મસ્વાતંત્ર્ય બક્ષ્યું છે, એની આદરમર્યાદામાં હું ચાલુ છું. પણ ઠેકેદારો લોકોને (અંધ)શ્રદ્ધાને નામે ભોળવીને જે રીતે શોષેસતાવે છે એની સામે તો લડવું જ રહ્યું.’ દાભોળકરે જે દેવસ્થાનમાં સ્ત્રીને પ્રવેશ ન હોય તેમાં પ્રવેશ માટે લડત આપેલી. શરૂમાં આવા એક પ્રયાસમાં એમને ભા.જ.પ. અને શિવસેનાએ આંતર્યા હતા. પણ પછી એક અન્ય પ્રસંગે ભા.જ.પે. સહયોગ પણ આપ્યો હતો. સનાતન સંસ્થાન, ભા.જ.પ., શિવસેના આદિના વિવેક પર દાભોળકર ખરા નહીં ઉતરવાને કોઈ કારણ ખરું જોતાં હોવું તો ન જોઇએ, સિવાય કે ખરોખોટો મતબેંકવાદ.
મહારાષ્ટ્રની કોંગ્રેસ-એન.સી.પી. સરકારે વટહુકમનો રાહ લીધો, પણ એ ભૂલવું ન જોઈએ કે પ્રસ્તુત ખરડો લટકતો રહ્યો એમાં સત્તાપક્ષ અને વિપક્ષ બેઉની જવાબદારી છે. ઉપરાંત, એ બંનેને જેમની કને લાગાની ગણતરી હોય એ કથિત હિંદુમુસ્લિમખ્રિસ્તી આદિ ધર્મસંસ્થાનોનીયે જવાબદારી છે. રાજકીય જાગૃતિ અને સંસારસુધારાની ચળવળ સાથે ન જાય તો નાગરિક સમાજનો જયવારો નથી, એ પાયાનું સત્ય ક્યારે સમજાશે?
(સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 24 અૉગસ્ટ 2013)