Opinion Magazine
Number of visits: 9736563
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બજેટ : પહેલાં અને પછી : આશા અને નિરાશા –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 February 2026

રવીન્દ્ર પારેખ

સાધારણ રીતે પગારદારો/પેન્શનરો બજેટની ચિંતા કરતા હોય છે. એટલી બીજા ભાગ્યે જ કરતા હશે. મધ્યમવર્ગને મુખ્યત્વે ઇન્કમટેક્સમાં કેટલી અને કેવી રાહત મળે છે, તેમાં રસ હોય છે, કદાચ એમાં જ રસ હોય છે. આ વખતે સતત નવમું રેકોર્ડબ્રેક યુનિયન બજેટ નાણા મંત્રી નિર્મલા સીતારામને રજૂ કર્યું. ગયે વર્ષે તેમણે 12.75 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે એવી જાહેરાત કરીને મધ્યમવર્ગને ઘણી રાહત આપી, પણ આ વખતે નાણા મંત્રીએ ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ ન કરીને જૂનો સ્લેબ જ ચાલુ રાખ્યો છે. એનો અર્થ તો એવો થાય કે એક વર્ષમાં બીજું બધું પણ ગયા વર્ષ જેટલું ને જેવું જ રહ્યું છે. વર્ષમાં મોંઘવારી વધી નથી ને આવક તો વધી જ છે, તો કોઈ સ્લેબ વધ્યો ન હોય છતાં જેમની આવક ગયે વર્ષે 12.75 લાખ હોય ને આ વખતે પગાર વધતા 12.75 લાખથી થોડી પણ વધી હોય તો ટેક્સ લાગે એ શક્ય છે. ઇન્કમટેક્સ માળખામાં તો કોઈ બદલાવ થયો નથી, પણ રિવાઇઝડ રિટર્ન ફાઈલ કરવાની તારીખ 31 ડિસેમ્બરથી લંબાઈને 31 માર્ચ પર આવી છે.

મધ્યમવર્ગ બચત અને લગ્ન જેવા પ્રસંગોએ સોનાચાંદીની ખરીદી કરતો હોય છે. છેલ્લાં 5 વર્ષમાં સોનાનો ભાવ ત્રણ ગણો વધ્યો છે. એવું જ ચાંદીમાં થયું છે. જી.એસ.ટી. કલેકશનમાં પણ અનેક ગણો વધારો થયો છે. એ ઉપરાંત રોજ બ રોજ ઉપયોગમાં આવતી ખાવાપીવાની, કપડાંલત્તાની, ભણવાગણવાની ચીજ વસ્તુઓના ભાવ આકાશે પહોંચ્યા છે, એની સામે ઇન્કમટેક્સ 12.75 લાખ સુધી ન લાગે, એ આવકાર્ય બાબત હોય તો પણ, તેનાથી ખરેખર કેટલી મદદ થાય છે તે વિચારવાનું રહે. ટૂંકમાં, વધતી મોંઘવારીને પહોંચી વળવા સરકાર ઇન્કમટેક્સની લિમિટ હજી વધારે અથવા મોંઘવારી ઘટાડે તે તીવ્રપણે અપેક્ષિત હતું, પણ તેમાં નિરાશા સાંપડી છે.

મધ્યમવર્ગ સરકારનો સમર્થક રહ્યો છે, એટલે ઇન્કમટેક્સમાં રાહત અને મોંઘવારીમાં ઘટાડો ઇચ્છે તે સમજી શકાય એવું છે ને સરકારને ઘણો ટેક્સ મધ્યમવર્ગનાઓ તરફથી મળે છે, તો એ એવી વ્યવસ્થા ને યુક્તિ કરી શકે કે ઇન્ક્મટેક્સ ઘટે ને બીજા ટેક્સ વધે. ઇન્કમટેક્સ એકટ પહેલી એપ્રિલથી લાગુ થવાની વાત છે, ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો હજી કેન્દ્ર સરકારે પાળ્યો નથી, તેને બદલે નાળિયેર પ્રોત્સાહન યોજનામાં ત્રણેક કરોડ લોકોને જોડવાની વાત છે. મત્સ્યપાલનને 500 તળાવો અને અમૃત સરોવરોના વિકાસ દ્વારા પ્રોત્સાહિત કરવાની દરખાસ્ત છે. ભારતીય ચંદન ઉદ્યોગ તંત્રને ફરી સ્થાપિત કરવાની વાત પણ છે. એ ખરેખર ક્યારે થશે તે તો નથી ખબર, પણ 2030 સુધીમાં કાજુ-કોકોને ઓળખ આપવાની વાત છે. સરકાર તટસ્થ થઇ હોય એમ લાગે છે, કારણ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં ચૂંટણીઓ આવતી હોવા છતાં, તેને સીધી અસર કરતી કોઈ જાહેરાતો થઈ નથી.

દેશનું સંરક્ષણ બજેટ 6.81 લાખ કરોડથી વધીને રેકોર્ડ 7.85 લાખ કરોડ થયું છે. સંરક્ષણ બજેટની ખાસ વાત એ છે કે હથિયારોની ખરીદી અને આધુનિકરણની તુલનામાં ગયા વર્ષના 1.80 લાખ કરોડની સામે આ વખતે 2.19 લાખ કરોડ ફાળવાયા છે. એ ઉપરાંત મુંબઈ-પુણે, દિલ્હી-વારાણસી જેવી 7 હાઈસ્પીડ રેલ કોરીડોરની જાહેરાત થઈ છે. કેન્સરની દવા દર વર્ષે સસ્તી થાય છે, તો પણ વર્ષ દરમિયાન મોંઘી થઈને જ રહે છે. ૩ આયુર્વેદ AIIMS ખોલવાની જાહેરાત છે. આયુર્વેદિક દવાઓના ટેસ્ટિંગ માટે નેશનલ લેબ્સ પણ બનશે. 15 હાજર સેકન્ડરી સ્કૂલો અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ બનાવવાની પ્રપોઝલ છે. 800 જિલ્લાઓમાં છોકરીઓ માટે હોસ્ટેલ બનાવવાની દરખાસ્ત પણ છે. લખપતિ દીદીની જેમ મહિલા સ્વયમ સહાય જૂથની ઉદ્યોગ સાહસી મહિલાઓ માટે SHE-માર્ટ પણ બનશે. હેન્ડલૂમ કારીગરોની મદદ માટે મેગા ટેક્સ્ટાઇલ પાર્ક બનાવવામાં આવશે. ટૂરિઝમ, વિદેશ અભ્યાસને લગતી જોગવાઈઓ પણ બજેટમાં છે. દેશનું કુલ દેવું 2030-’31 સુધીમાં જી.ડી.પી.ના 50% બરાબર લાવવાની વાત છે. 2025-‘26માં દેવું 56.1 ટકા હતું તે 2026-’27માં ઘટીને 55.6 ટકા રહેવાનો અંદાજ છે.

આ બજેટ સંદર્ભે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, કાઁગ્રેસના પ્રિયંકા ગાંધી, પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમ જેવા વિપક્ષી નેતાઓની ટિપ્પણીમાં અસંતોષ અને નિરાશાના સૂર સંભળાયા છે, તો વડા પ્રધાને બજેટને વિકસિત ભારત માટે ઐતિહાસિક અને અન્ય ભા.જ.પી. નેતાઓએ બજેટને વિકસિત અને આત્મનિર્ભર ગણાવ્યું છે. યોગી આદિત્યનાથે બજેટને આશાઓનું ને સુધારાઓનું બજેટ ગણાવ્યું છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ બજેટ સંદર્ભે સ્પષ્ટ કહ્યું છે કે પ્રસ્તુત બજેટ વાસ્તવિક કટોકટીને સંબોધવાને બદલે તેને નજરઅંદાજ કરે છે. બંગાળના મમતા બેનર્જીએ બંગાળની અવગણના કરતાં બજેટને હમ્પ્ટી ડમ્પ્ટી ગણાવ્યું છે.

કેન્સરની દવાઓ સસ્તી થઇ છે, તો માઇક્રોવેવ ઓવનના પાર્ટ્સ પર રાહત અપાઈ છે. ઇલેક્ટ્રિક ગાડીઓ, સોલાર પેનલ, દરિયાઈ ઉત્પાદન, કપડાંનાં એક્સપોર્ટને પ્રોત્સાહન જેવી ઘણી જાહેરાતો થઈ છે. પણ સવાલ એ છે કે જે સસ્તું હાય છે, તે બજેટના બીજા દિવસથી સસ્તું થઈ જાય છે? ના. જૂનો સ્ટોક સસ્તા ભાવે નથી કઢાતો. ભાવની અસર નવા સ્ટોક પર જ થાય છે. દર વખતની જેમ જ આ વખતે પણ બજેટ માટે મિશ્ર પ્રતિભાવો આવ્યા છે, પણ આ વખતનું બજેટ પહેલી વાર રવિવારે રજૂ થયું છે ને સાધારણ રીતે રવિવારે શેર બજારમાં ઉથલપાથલ જોવા નથી મળતી, પણ આ રવિવારે હજારોમાં વધતાં સોનાચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો છે. ચાંદી કિલોએ 73,00૦ ગગડી ગઈ, તો સોનું 10 ગ્રામે 31,00૦ ગગડી ગયું. સેન્સેક્સ પણ 1,000 ઘટીને 80 હજાર સુધી ઊતરી આવ્યો છે. બજારમાં લાખો કરોડનું ધોવાણ થયું છે. બજેટ પહેલાં જ ગેસ સિલિન્ડર અને સિગારેટ મોંઘાં થયાં છે. ફાસ્ટ ટેગના નિયમો પણ બદલાયા છે. આ બજેટમાં કેટલીક ભુલાયેલી યોજનાઓ પણ પાછી લાવવામાં આવી છે, જેમ કે, 20 કરોડની સી-પ્લેન યોજના નિષ્ફળ ગયેલી તે ફરી લાવવાની વાત છે.

બજેટ દર વર્ષે આવે છે ને દર વર્ષે, થોડું કંઇ સસ્તું અથવા મોંઘુ થાય છે. આ વખતે સોનાચાંદી અને શેરબજારમાં પહેલીવાર રવિવારે મોટી હાનિ સર્જાઈ છે. બજેટની સૌથી વધુ પરવા મધ્યમવર્ગ કરે છે, તે ઇન્કમટેક્સમાં રાહત સંદર્ભે, પણ આ વખતે રવિવાર શુષ્ક રહ્યો છે. ભલભલી યોજનાઓની જાહેરાત થતી રહે છે, પણ કેટલીક યોજનાઓ શરૂ થાય છે, પછી એ આગળ ચાલે છે કે કેમ એની ખબર પડતી નથી, તો કટલીક યોજનાઓ તો શરૂ જ નથી થતી, તો કેટલીક અભરાઈ પરથી નીચે ઉતારી ફરી અમલમાં મુકાય છે. પણ આમાં સામાન્ય માણસો સુધી કેટલું પહોંચે છે, એ પણ જોવાનું રહે. વિકાસની હરણફાળ તો ભરાય છે, પણ હરણને પડતી ફાળનો વિચાર ખાસ થતો નથી. નોકરિયાતોને મોંઘવારી સામે મોંઘવારી ભથ્થું મળે છે, પણ જેટલી ઝડપે મોંઘવારી વધે છે એટલી ઝડપે મોંઘવારી ભથ્થું વધતું નથી. મોંઘવારીની સામે મોંઘવારી ભથ્થું હંમેશ ઓછું જ હોય છે ને જેમને પગાર જ નથી એવા બેકારોને તો મોંઘવારી ભથ્થું પણ મળતું નથી, એમની શી હાલત થતી હશે તેની તો કલ્પના જ કરવાની રહે છે. બજેટ જાણવામાં આવે છે તો એવી વસ્તુઓ સસ્તી થાય છે જે રોજિંદા વપરાશમાં ભાગ્યે જ આવે છે, તો રોજિંદા વપરાશમાં આવતાં અનાજપાણી અંગે જે તે વર્ગે જ માથાં ફોડવાનાં આવે છે. બજેટ ગરીબો નહીં જ સાંભળતાં હોય, કારણ તેને તો બધું જ મોંઘુ છે, ત્યાં સરકાર સસ્તું કરે કે મોંઘું, શો ફરક પડે છે?

બજેટ ગરીબ અને સામાન્ય વર્ગ સુધી ઓછું જ પહોંચતું હશે. એવી સ્થિતિ આવે કે ગરીબ પણ બજેટ જાણવા ઇચ્છે, તો બજેટ આખા ભારતનું હોય એમ લાગે. ગરીબને કશું ફાળવાતું નથી, કારણ તે પોતે જ ફાળવાયેલો રહે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ફેબ્રુઆરી 2026

Loading

જમી લીધું?

અશોક કરણિયા|Opinion - Opinion|1 February 2026

મંજુલાબહેન મો. કરણિયા

મારી માતા પાસે હું ક્યારે જમ્યો—અથવા જમવા બેસવાનો છું—તે બરાબર જાણી લેવાની એક અદ્ભુત શક્તિ હતી. તેમનો પહેલો પ્રશ્ન હંમેશાં એક જ રહેતો : જમી લીધું? ક્યારેક તો તે પૂછતાં પણ નહીં. તે માત્ર એટલું જ કહેતાં, “મને ખબર છે તું અત્યારે જમતો જ હોઈશ,” જાણે દુનિયામાં તેનાથી વધુ બીજું કશું કંઈ મહત્ત્વનું જ ન હોય !

ભારતીય ઘરોમાં, ભોજન એ જ પ્રેમ છે. માતાઓ માટે, ભોજન એ ‘સેવા અને કાળજી’નું પ્રત્યક્ષ સ્વરૂપ છે. બાળકને નવ મહિના સુધી કુખમાં રાખ્યા પછી, તેઓ સહજ રીતે તે જ ભાષામાં પોષણ આપવાનું ચાલુ રાખે છે. અમારી છેલ્લી વાતચીતમાં પણ આ ક્યારે ય બદલાયું નહીં. તેમણે અમને મુંબઈ છોડતાં પહેલા કોકિલા અંબાણી હૉસ્પિટલ ખાતે ચા પીવાની અને ‘સુદામા’માં પાવભાજી ખાવાની યાદ અપાવી હતી.

તે દિવસે જ્યારે હું હૉસ્પિટલમાંથી બહાર નીકળ્યો, ત્યારે મેં કોમલને કહ્યું કે આ કેટલું અજીબ લાગે છે—જ્યારે તેણે પોતાની શક્તિ બચાવવી જોઈએ, ત્યારે તે આપણાં ભોજન અને દિનચર્યાની ચિંતા કરી રહી છે. મને ત્યારે ખબર નહોતી કે પોતાના હૃદયને હળવું કરવાની અને કશું પણ અધૂરું ન રાખવાની આ તેમની રીત હતી.

આખી જિંદગી મારી માતાએ બહુ ઓછું માંગ્યું. તેમણે ક્યારે ય સમય, ધ્યાન કે બલિદાનની માંગણી કરી નહોતી. કામ હંમેશાં પ્રથમ સ્થાને હોવું જોઈએ, તેવો તેમનો આગ્રહ હતો. જ્યારે તેઓ અસ્વસ્થ હતાં ત્યારે પણ તેમણે અમને મુસાફરી કરવા કે મુલાકાતે આવવા માટે નિરુત્સાહ કર્યાં હતાં. તેઓ અમદાવાદ આવવાનું ટાળતાં હતાં કારણ કે તેઓ ઘરની “ઈકોસિસ્ટમ ખોરવવા” માંગતાં ન હતાં—આદિત્યની પરીક્ષાઓ, મારું વર્ક-ફ્રોમ-હોમ શેડ્યૂલ, કોમલના સમયની વહેંચણી, નર્સની જરૂરિયાત. બીજાને સામાન્ય અસુવિધા થાય તો પણ તેઓ દોષભાવ અનુભવતાં હતાં.

જ્યારે મેં તેમની સાથે રહેવા માટે ઑફિસની મુસાફરી રદ્દ કરી, ત્યારે એ વાત તેમણે નોંધી અને પછી તેમણે તે જ કર્યું જે તેઓ હંમેશાં કરતાં હતાં—તેમણે મને મુક્ત કર્યો. તેમણે કહ્યું, “તારે જવું જોઈએ. આગળ વધતા રહો. ચાલતા રહો.”

તેમણે હૉસ્પિટલમાંથી રજા મળ્યા પછી અમારી સાથે આવીને રહેવા માટે સંમતિ આપી હતી.

પરંતુ તે દિવસ ક્યારે ય આવ્યો નહીં.

સ્વભાવે હું ખૂબ જ ચીવટવાળો અને હેતુલક્ષી આયોજન કરનાર વ્યક્તિ છું. છતાં, ૨૦૨૬ માટે મેં કોઈ આયોજન કર્યું નહોતું. મારો એક માત્ર ઇરાદો મારી માતા સાથે હોવાનો હતો. મારું આખું શેડ્યૂલ તેમના સમયની આસપાસ જ રહેવાનું હતું. કોઈ લાંબી મુસાફરી નહીં. કોઈ નવાં કામ નહીં.

તેમને આ મંજૂર નહોતું. તેમણે મને કહ્યું કે મારે મારાં કામમાં આગળ વધવું જોઈતું હતું. ત્યારે પણ, તેમણે મને ફરજમાંથી મુક્ત કર્યો.

૧૬ જાન્યુઆરીએ, મને તેમના તરફથી શ્રેણીબદ્ધ કોલ્સ આવ્યા જેમાં તેમણે મને કોકિલા અંબાણી હૉસ્પિટલ આવીને તેમને મળવા કહ્યું. આ અસામાન્ય હતું—લગભગ અભૂતપૂર્વ. તેમણે હંમેશાં મને મુસાફરી ન કરવા અને મુલાકાત ન લેવા કહ્યું હતું. એક કૌટુંબિક મિત્રએ એકવાર કહ્યું હતું કે જ્યાં સુધી તે મને નહીં મળે ત્યાં સુધી તેમને કંઈ થશે નહીં.

અમે બીજા દિવસે, ૧૭ જાન્યુઆરીએ, એક અજાણ્યા ડર સાથે તેમની મુલાકાત લીધી, જેના વિશે અમે વાત નહોતી કરી.

તેમણે બધી જ વાતો કરી—અમારાં જીવન, પારિવારિક વાર્તાઓ, મિત્રો, યાદો. અને અલબત્ત, ભોજન. તેમણે સલાહ આપી. જ્યારે હું રડી પડ્યો ત્યારે તેમણે મને અટકાવ્યો. “તારે કોમલ, આદિત્ય અને આંગી માટે મજબૂત બનવું પડશે.”

જ્યારે મેં એવી ક્ષણો માટે માફી માંગી જેનાથી કદાચ તેમને દુઃખ થયું હોય, ત્યારે તેમણે તેને ખૂબ જ પ્રેમથી નકારી કાઢી. “તે દરેક માટે માત્ર સારું જ કર્યું છે. તારા ઇરાદા હંમેશાં શુદ્ધ રહ્યા છે. કોઈ ભાર સાથે ન જીવો. હળવા હૃદયે આગળ વધો.” ત્યારે પણ, તેઓ મને તમામ અપરાધભાવમાંથી મુક્ત (ક્ષમા) કરી રહ્યાં હતાં.

•••

મોતીચંદભાઈ અને મંજુલાબહેન કરણિયા (બેઠેલાં) તેમ જ બન્ને સંતાનો – અશોક અને મમતા કરણિયા

મારી માતા મંજુલાબહેન, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં એક સંસ્કારી જૈન પરિવારમાં ઉછરેલાં છ ભાઈ-બહેનોમાં ચોથા હતાં. તેમના પિતા એક વેપારી હતા, જેઓ અત્યંત આધ્યાત્મિક અને ધાર્મિક વિધિઓમાં શિસ્તબદ્ધ હતા. બે મોટા ભાઈઓ, બે નાના ભાઈઓ અને એક મોટી બહેન સાથે તેમનું બાળપણ સુરક્ષિત અને શાંત હતું.

ગૌરવર્ણ, પાતળાં અને નાજુક બાંધાનાં મંજુલાબહેને મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમના લગ્ન મારા પિતા મોતીચંદભાઈ સાથે થયા—જેઓ જોગવાડ ગામના ખેડૂતના પુત્ર હતા અને ભાયખલામાં ‘રિચાર્ડસન’માં નોકરી કરવાની સાથે મુંબઈની ગવર્નમેન્ટ લો કૉલેજમાં કાયદાનો અભ્યાસ કરી રહ્યા હતા. સંજોગોવસાત તેમણે અભ્યાસ અને નોકરી બંને છોડવા પડ્યા. તેમણે ગોરેગાંવમાં એક રૂમના ભાડાના મકાનમાં લગ્નજીવનની શરૂઆત કરી.

મુંબઈ તેમના માટે સાવ અલગ હતું. લગ્નના શરૂઆતના દિવસોમાં જ, ઘરફોડ ચોરીમાં તેમના લગ્નના દાગીના ચોરાઈ ગયા—મર્યાદિત સાધનો ધરાવતા યુવાન દંપતી માટે આ એક મોટો આઘાત હતો. તેમ છતાં અભાવ ક્યારે ય તેમના જુસ્સાને ઓછો કરી શક્યો નહીં. જ્યારે મારા પિતાના દેવાદારો ઘરે આવતા, ત્યારે તેઓ ડર્યા વગર તેમને દયા અને સન્માનથી મળતાં; વેપારની વાત શરૂ થાય તે પહેલાં તેઓ હંમેશાં પૂછતાં કે “ચા લેશો?” પાડોશીઓની સંભાળ લેવી, મિત્રો અને પરિવારોને પ્રેમ આપવો અને જમાડવા—તેમણે હંમેશાં કોઈપણ જાહેરાત વગર મદદનો હાથ લંબાવ્યો હતો.

નવ વર્ષ સુધી તેઓ સંતાન માટે રાહ જોતા રહ્યાં. છેવટે મારો જન્મ થયો અને તેના ચાર વર્ષ પછી મારી બહેન આવી ત્યારે અમે જ તેમની આખી દુનિયા બની ગયાં. જેમ જેમ અમે મોટા થયા તેમ તેમ પરિવારની આર્થિક સ્થિતિ પણ સુધરી. પ્રગતિ શાંત અને સખત મહેનતની હતી: EC TV આવ્યું, પછી પહેલી કાર આવી અને ભાડાના મકાનમાંથી અમે અમારા પોતાના ઘરમાં રહેવા ગયાં. આ બધાની વચ્ચે, મમ્મી અમારા મૂળ સાથે જોડાયેલો સેતુ બની રહ્યાં. તેઓ પરિવારનો જીવંત દસ્તાવેજ હતાં. સગાંસંબંધીઓ લગ્નની વાતચીત વખતે અવારનવાર મારી મમ્મીની સલાહ લેતા. તેમની યાદશક્તિ સચોટ હતી અને સલાહ પ્રમાણિક. તેમના અવસાન પછીના દિવસોમાં, જે લોકોના વર્ષોથી ફોન નહોતા આવ્યા, તેમણે પણ મને ફોન કરીને કહ્યું કે મમ્મી તેમના માટે શું હતાં—તેમણે કેવી રીતે મદદ કરી, સલાહ આપી અને દરેકને યાદ રાખ્યાં.

જે સંબંધો વિખેરાઈ ગયા હતા તે ફરી એકવાર સાથે આવ્યા છે. અત્યારે પણ, તેઓ સંબંધોના સેતુ બનાવવાનું ચાલુ રાખે છે. તેઓ માનતા હતાં કે ભલાઈ શાંત હોવી જોઈએ; તેમણે તકતીઓ સાથેના મંદિરના દાનના દેખાવને નકારી કાઢ્યો હતો અને ઇચ્છતા હતા કે પૈસા શાંતિથી જરૂરિયાતમંદો સુધી પહોંચે.

બાળકો તેમના કેન્દ્રસ્થાને હતાં. તેમની સિદ્ધિઓ મમ્મી માટે શાંત ઉજવણી જેવી હતી—જ્યારે મેં ૧૨મા ધોરણમાં ઈકોનોમિક્સ અને એકાઉન્ટ્સમાં ટોપ કર્યું, મને નરસી મોનજી કૉલેજમાં ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’નો ઍવૉર્ડ મળ્યો, જ્યારે મારી બહેને ઓલ ઇન્ડિયા CA રેન્ક મેળવ્યો. મારું પીએચ.ડી., મારા લેક્ચર્સ, મારા ઍવૉર્ડ્સ—આ બધું જ તેમને અપાર આનંદ આપતું. તેઓ ગર્વ સાથે આ વાત આખી દુનિયાને કહેતાં, જે તે સમયે તે મને શરમજનક લાગતું પણ આજે તે જ યાદો મને દિલાસો આપે છે. જામનગરમાં મારો TEDx ટોક તેમના માટે ખૂબ જ વિશેષ હતો—કારણ કે તે તેમના વતનમાં થયો હતો.

પરંતુ આજે, મને વિચાર આવે છે—તેમની સાથે ખુશી વહેંચ્યા વિના આ સિદ્ધિઓનો શું અર્થ છે? એ ખુશી ફક્ત એટલા માટે મૂલ્યવાન હતી કારણ કે તેમાં તેમનો ગર્વ હતો. તેમના વિના, આ ઍવૉર્ડ્સ માત્ર ભારે કાચ અને કાગળના ટુકડા છે.

જીવન આગળ વધ્યું. મેં લગ્ન કર્યા, શહેરો બદલ્યા, થોડો સમય વિદેશમાં પણ રહ્યો. મારા પિતા અને મમ્મીએ મારી બહેન સાથે મળીને પરિવારને સાચવી રાખ્યો. જ્યારે ડિસેમ્બર ૨૦૨૦માં મારા પિતાનું અવસાન થયું, ત્યારે પોતે શોકમાં હોવા છતાં તેમણે જ અમને સંભાળ્યાં. તેમણે પોતાના આંસુ લૂછ્યાં અને અમને મજબૂત બનવા કહ્યું. તેઓ કોમલને દિવસમાં ત્રણ વખત ફોન કરતાં—પોતાની તબિયત વિશે વાત કરવા માટે નહીં, પરંતુ કોમલ પોતાની અને બાળકોની સંભાળ રાખે છે કે નહીં તેની ખાતરી કરવા માટે.

પોતાના છેલ્લા મહિનાઓમાં, તેમણે બધું જ વ્યવસ્થિત કરી દીધું હતું. બાકી રહેલાં કામો પૂરાં કર્યાં. ભેટો આપી, પણ પોતે કશું જ લીધું નહીં. તેમની પોતાની વસ્તુઓ પણ અમારી પાસે પાછી આવી ગઈ. કદાચ તેઓ કોઈ પણ બોજ વગર વિદાય લેવા માંગતાં હતાં.

તેમની મને મળેલી સૌથી મોટી ભેટ અપરિવર્તિત છે : જીવન, સંસ્કાર અને સિદ્ધાંતો.

તેઓ હવે નથી અને આ મૌન ખૂબ જ ગૂંજે છે. મારા ફોનની સ્ક્રીન પરનું નામ હવે માત્ર એક નામ જ છે—એક ડિજિટલ પડછાયો જે હવે તેમની સલાહ માટે ક્યારે ય રણકશે નહીં. તેમની ખોટ ક્યારે ય પુરાશે નહીં; હું માત્ર તેની આસપાસ જીવતા શીખીશ.

અને જે શબ્દો સૌથી લાંબા સમય સુધી ગુંજશે તે હજી પણ સૌથી સરળ છે : જમી લીધું, બેટા?

હા, મમ્મી. તમારા કારણે, હું તૃપ્ત છું.

e.mail : ashokmkarania@gmail.com

Loading

મધર ઑફ ઓલ ડીલ્સ : ટ્રમ્પને હાથનાં કર્યાં હૈયે વાગ્યાં, ભારતે અમેરિકાની દાદાગીરી અવગણી યુરોપનો રસ્તો લીધો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|1 February 2026

ચિરંતના ભટ્ટ

આ વર્ષનો ગણતંત્ર દિવસ અને ત્યાર બાદનો દિવસ ધુંઆધાર રહ્યો. ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટે (FTA) વૉશિંગ્ટનને એવો ઘા આપ્યો છે, જેની કળ વળતાં વર્ષો લાગશે. ઇતિહાસમાં પહેલી વખત કર્તવ્ય પથ પર ભારતના ત્રિરંગાની સાથે યુરોપિયન યુનિયનનો ધ્વજ લહેરાયો. ઉર્સુલા વોન ડેર લેયેન અને એન્ટોનિયો કોસ્ટા પોતાની સૈન્ય ટુકડીઓને પરેડ કરતી જોઈ રહ્યાં હતાં, ત્યારે તે માત્ર એક ઔપચારિકતા નહોતી પણ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક ‘જિઓ-પૉલિટિકલ તમાચો’ હતો. જો કે, આ તમાચો વ્યાપારી ઉદારીકરણનાં સુંવાળાં કાપડમાં લપેટીને ઝીંકવામાં આવ્યો હતો. ઉર્સુલા વોન ડેર લેયેને જેને “મધર ઓફ ઓલ ડીલ્સ” ગણાવી છે, તે ડીલ વૈશ્વિક જી.ડી.પી.ના ચોથા ભાગનું પ્રતિનિધિત્વ કરતા બે મોટા અર્થતંત્રોને જોડે છે. આ કરાર અમેરિકાના ટેરિફના ગણિતને ઊંધું વાળે છે એ તો ખરું, પણ સૌથી અગત્યનો સંકેત એ છે કે જ્યારે ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિ ભારતની ‘બહુ-પક્ષીય જોડાણ'(Multi-alignment)ની નીતિ સાથે ટકરાય, ત્યારે પરિણામ શું આવી શકે છે. અમસ્તું જ નથી કહ્યું કે, “ડાહ્યું કાગડું બે પગે ફસાય.”

ટ્રમ્પનો આત્મઘાતી દાવ

આ ડીલ થઈ તેનું મુખ્ય કારણ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે છે. ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ અને દિલ્હીની રશિયન તેલની ખરીદી પર 25%નો વધારાનો બેઝ ટેરિફ લાદીને ટ્રમ્પે અમેરિકાને ભારત માટેના ‘એલ ડોરાડો'(અખૂટ તકો ધરાવતા પ્રદેશ)માંથી એક સાંકડી ગલીમાં ફેરવી નાખ્યું. જ્યારે તમારો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર બજારમાં પ્રવેશને જ હથિયાર બનાવી દે, ત્યારે તમે દયાની ભીખ માંગવાને બદલે નવો રસ્તો શોધી કાઢો—ભારતે એ જ કર્યું.

બ્રસેલ્સે પણ આ સત્ય સમજી લીધું હતું. ટ્રમ્પે યુરોપિયન ઉત્પાદનો પર પણ 10-20% લેવી નાખવાની ચીમકી આપી હતી, જેનાથી EU પણ અકળાયેલું હતું. બ્લૂમબર્ગે નોંધ્યું છે તેમ, ભારત-EU કરાર મૂળભૂત રીતે “ટ્રમ્પને અપાયેલો જાકારો” છે. બે પીડિત પક્ષોએ અમેરિકન સંરક્ષણવાદ (Protectionism) સામે એક થવા માટે એક મજબૂત શસ્ત્ર શોધી કાઢ્યું. છેલ્લા બે દાયકાથી ગોકળગાયની ગતિએ ચાલતી મંત્રણાઓ, ટ્રમ્પના શપથ ગ્રહણ વખતની ધમકીઓના થોડા દિવસોમાં જ અચાનક વેગ પકડી ગઈ અને નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ.

અમેરિકા માટે નિકાસ ગુમાવવાની ખોટ કરતાં, આંખ સામે દેખાતી એકલતાનો ઘા વધુ ઊંડો છે. યુ.એસ. ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીરે જાહેરમાં બળાપો કાઢ્યો કે “ભારતનો હાથ ઉપર રહ્યો છે”, જે વોશિંગ્ટનની લાચારી છતી કરે છે. તેઓ ભલે ગમે તેટલી ફરિયાદો કરે, પણ બાજી તેમના હાથમાંથી નીકળી ગઈ છે અને સોદાને અટકાવવાની તાકાત હવે તેમની પાસે નથી.

આ દરમિયાન, EU-ભારત સુરક્ષા સંવાદ નાટો(NATO)ના વિકલ્પોની ચર્ચા કરી રહ્યો છે, જે ઇન્ડો-પેસિફિકમાં અમેરિકાના પ્રભાવને ઘટાડી રહ્યો છે. આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે ‘ક્વાડ’ (Quad) ટ્રમ્પના માત્ર ‘લેવડ-દેવડ’ આધારિત (Transactional) વલણના ભાર હેઠળ દબાઈ રહ્યું છે. ચીનનો ભય હોવાથી ભારત અમેરિકા સાથેની સંરક્ષણ ભાગીદારી તોડી નથી રહ્યું, પરંતુ પ્રજાસત્તાક દિવસના દૃશ્યો એક સ્પષ્ટ સંકેત આપે છે: જો વોશિંગ્ટન આકરું વલણ અપનાવશે, તો દિલ્હી પાસે બીજા વિકલ્પો પણ છે.

ટેરિફના આ નખરાંની અમેરિકાએ મોટી જિઓ-પૉલિટિકલ કિંમત ચૂકવવી પડી છે. અમેરિકા ભારતને દબાણમાં રાખવા માંગતું હતું; તેના બદલે, અમેરિકાએ બ્રસેલ્સને ભારતના પ્રજાસત્તાક દિવસનું આમંત્રણ પ્લેટમાં મૂકીને આપી દીધું. પરિણામ એ આવ્યું કે ભારતે સ્ટીલ, ચામડું અને જેમ્સ એન્ડ જ્વેલરીને 450 મિલિયન યુરોપિયન ગ્રાહકો તરફ વાળી દીધા. તમે તેને ‘મલ્ટિપોલર હેજિંગ’ (બહુધ્રુવીય બચાવ) કહો કે અતિશય દબાણની સજા, ટ્રમ્પે પોતે જ પોતાની બિનજરૂરિયાત ઊભી કરી દીધી. આને જ કહેવાય, “હાથે કરીને હોળી સળગાવવી.” 

વોશિંગ્ટન અત્યારે એક એવી દુવિધામાં ફસાયેલું છે જેનું નામ છે – ‘Ally vs Adversary’ (સાથી વિરુદ્ધ પ્રતિસ્પર્ધી). અમેરિકન ‘ડીપ સ્ટેટ’ (સંરક્ષણ તંત્ર) માટે ભારત ચીન સામેનો સૌથી મોટો વ્યૂહાત્મક ‘સાથી’ છે, જ્યારે ટ્રમ્પના આર્થિક એજન્ડા માટે ભારત એક જિદ્દી ‘પ્રતિસ્પર્ધી’ છે. ટ્રમ્પની ભૂલ એ હતી કે તેમણે ભારતના ‘પ્રતિસ્પર્ધી’ સ્વરૂપને ડામવા જતાં ‘સાથી’ સ્વરૂપને ઠેસ પહોંચાડી દીધી. અમેરિકાની આ જ નીતિવિષયક ગડમથલ(Policy Confusion)નો લાભ દિલ્હીએ બખૂબી ઉઠાવ્યો છે.

ભારતનો ગણતરીપૂર્વકનો જુગાર

આમ છતાં, કેન્દ્ર સરકારે હરખપદુડા થવાની જરૂર નથી. આ ડીલ વ્યૂહાત્મક જરૂરિયાત છે, કોઈ રાજકીય શતરંજની ચોખ્ખી જીત નથી. આમાં નુકસાનકારક બાંધછોડ પણ સામેલ છે. હા, EUમાં ભારતીય નિકાસના 99% ટેરિફ-મુક્ત પ્રવેશનો આનંદ માણશે, જેમાં ટેક્સટાઇલ, ફાર્મા અને IT જેવા ક્ષેત્રો 2030 સુધીમાં 80 અબજ યુરોનો ફાયદો મેળવવા સજ્જ છે. પરંતુ ઝીણવટથી જોતાં સમજાશે કે હિસાબ દેખાય છે એટલો સીધો નથી.

કૃષિ અને સ્ટીલને આ ડીલમાંથી દૂર રખાયા છે; ખેડૂતોને બચાવવા માટે રાજકીય રીતે તે જરૂરી હતું, પરંતુ આર્થિક રીતે તે મોદીએ ગ્રામીણ આવકનું જે વચન આપ્યું હતું તેને મર્યાદિત કરે છે. EUના આકરા નિયમો, જેવા કે CBAM કાર્બન ટેક્સ, વનનાબૂદીને લગતા કાયદા અને ડેટા લોકલાઈઝેશનના આદેશો ભારતીય SMEs(લઘુ ઉદ્યોગો)ની કમર તોડી નાખશે, જ્યાં 80% નિકાસ પહેલેથી જ ઓછી ડ્યુટીનો લાભ લેતી હતી. જ્યારે યુરોપ ભારતમાં લક્ઝરી કાર, વાઇન અને EVsના ખડકલા કરશે, ત્યારે સામા પક્ષે 27 રાષ્ટ્રીય સંસદો દ્વારા આ ડીલને બહાલી મળતાં વર્ષો લાગી શકે છે—ખાસ કરીને જો યુરોપની ગ્રીન લોબી ડેરી એક્સેસને પહેલા જ ડૂબાડી ન દે તો.

ટેરિફ કટ ઉપરાંત, ભારત માટે અસલી જીત વ્યૂહાત્મક બેન્ડવિડ્થની છે. આ FTA ભારતને કોઈનું પણ ‘ક્લાયન્ટ સ્ટેટ’ (આશ્રિત રાજ્ય) બનાવ્યા વિના મહાસત્તાઓને એકબીજા સામે રમાડવાની તક આપે છે. કર્તવ્ય પથ પર વોન ડેર લેયેનની હાજરી ભારતની રાજદ્વારી તાકાત વધારે છે. તેનાથી બેઇજિંગને પણ સંકેત મળે છે કે બ્રસેલ્સ દિલ્હીને ચીન વિરોધી કિલ્લા તરીકે જુએ છે, જેને રાજી રાખવું જરૂરી છે. વિશ્લેષક નવરૂપ સિંહની દલીલ મુજબ, આ ડીલ “વૈશ્વિક વેપાર, શક્તિ અને બહુધ્રુવીયતા”ને નવો આકાર આપે છે, જે ભારતને પ્યાદા તરીકે નહીં પણ એક ‘સંતુલનકાર’ (Balancer) તરીકે સ્થાપિત કરે છે.

આ કોઈ એકની હાર અને બીજાની જીત જેવી રમત નથી. ટ્રમ્પના વમળમાંથી બચવા માટે બંને પક્ષોને આ ડીલની જરૂર હતી. તેનો સીધો અર્થ એ છે કે બંનેએ એવા સમાધાન સ્વીકાર્યા છે, જે સામાન્ય સંજોગોમાં અકલ્પનીય હોત. યુરોપિયન લક્ઝરી આયાત પર ભારતની મૂક સ્વીકૃતિ જિઓ-પૉલિટિકલ સંકેતની સરખામણીએ ગૌણ છે, અને વોશિંગ્ટન આ હકીકત સારી રીતે જાણે છે.

બહુધ્રુવીય સંદેશ

આ ઘટનાને જે બાબત સૌથી ધારદાર બનાવે છે તે આ છે : ભારતે એવું નથી બતાવ્યું કે તે યુરોપને અમેરિકા કરતાં વધુ પસંદ કરે છે. આપણે અમેરિકાને માત્ર એ યાદ કરાવ્યું છે કે અમારી પાસે વિકલ્પો છે. મોદી સરકારે એક દાયકો “મલ્ટિ-એલાઈન્મેન્ટ” કેળવવામાં વિતાવ્યો છે—વોશિંગ્ટન, મોસ્કો, બ્રસેલ્સ અને બેઇજિંગ—તમામ સાથે જોડાઈ શકવાની ક્ષમતા કેળવી છે. ભારતે પોતાની મુત્સદ્દીગીરીથી સાબિત કર્યું છે કે કોઈના પણ બંધક થયા વિના પોતાનો રસ્તો કાઢતા તેને આવડે છે. ટ્રમ્પે ટેરિફનો ઉપયોગ કરીને આપેલી ધમકીઓ સામે ભારતે માત્ર શબ્દોથી નહીં પણ નક્કર પગલાંથી જવાબ આપ્યો છે. ડીલની જાહેરાત ઓછી હોય તેમ, આપણા પ્રજાસત્તાક દિવસની પરેડમાં EUનો ધ્વજ લહેરાવીને ઘણું કહી દેવાયું.

વોન ડેર લેયેનનું “વિન-વિન” (બંને પક્ષે જીત) વાળું નિવેદન કદાચ રાજદ્વારી મીઠાશ હોઈ શકે, પરંતુ સમીકરણો ઠોસ છે. યુરોપને ટ્રમ્પ અને ચીન બંને સામે રક્ષણ મળે છે. સંરક્ષણ સંબંધો અકબંધ રાખીને ભારત અમેરિકા પરની નિર્ભરતા ઘટાડી રહ્યું છે. અને ટ્રમ્પ? તેને અનિચ્છનીય પરિણામોનો એક માસ્ટરક્લાસ મળ્યો છે : એવો સંરક્ષણવાદ જે રક્ષણ કરતો નથી, એવી એકલતા જે હાથે કરીને વહોરી છે, અને એવા સાથીદારો જે હવે અમેરિકન નેતૃત્વની રાહ જોઈને બેઠા નથી.

બાય ધી વે:

અહીં એ અગત્યનું નથી કે ભારતે EU કરતાં વધારે મેળવ્યું કે નહીં. મુદ્દો એ છે કે બંનેએ અમેરિકાના ભોગે મેળવ્યું છે. વીસ વર્ષ પહેલાં, વોશિંગ્ટનમાં આ ડીલ ત્રીજા નંબરની ચિંતાનો વિષય હોત. આજે, આ એક એવો ફટકો છે જેને વ્હાઇટ હાઉસ અવગણી પણ નથી શકતું અને અટકાવી પણ નથી શકતું. આ પરિવર્તન મહાસત્તાનું લેબલ લગાડીને ફરતા અમેરિકાના ઓસરી રહેલા પ્રભાવ વિશે ઘણું કહી જાય છે.

જિઓ-પૉલિટિક્સમાં સૌથી ઘાતક ચાલ એ હોય છે જેનો સૌથી ઓછો ઢંઢેરો પીટવામાં આવે. ભારતે અમેરિકાને છોડ્યું નથી; તેણે ખાલી વોશિંગ્ટનને યાદ અપાવ્યું છે કે હવે તમારું સામ્રાજ્ય અમારું ભાગ્ય લખતું નથી. જો ટ્રમ્પ અમેરિકન પતનના પુરાવા ઇચ્છતા હોત, તો તેમણે જાતે જ આ ‘ડોક્યુમેન્ટરી’નું ફંડ પૂરું પાડ્યું છે. ખરેખર, અમેરિકા માટે તો એવું થયું છે કે “ઊન ઉતારવા ગયા ને ટાલ લઈને આવ્યા!”

વ્યૂહાત્મક સરવૈયું: કોણે શું મેળવ્યું?

ભારત: મોટી જીત

      • 99% નિકાસ ટેરિફ–મુક્ત: ફાર્મા, ટેક્સટાઇલ અને IT સેક્ટરમાં મોટો ફાયદો.

      • સુરક્ષા: કૃષિ અને સ્ટીલ સુરક્ષિત; શ્રમ કાયદામાં લવચીકતા અકબંધ.

      • જીઓ–પૉલિટિક્સ: ચીન સામે મજબૂત વિકલ્પ અને પ્રજાસત્તાક દિવસની સાંકેતિક કૂટનીતિક જીત.

      • (ચિંતા: અમલીકરણમાં વિલંબ અને પાલનનો બોજ)

EU: બજાર અને નિયમો

      • નવા દરવાજા: ભારતીય બજારમાં લક્ઝરી ગુડ્સ, સર્વિસ અને EVs માટે પ્રવેશ.

      • ગ્રીન એજન્ડા: ભારતીય ઉદ્યોગો પર CBAM અને કડક ગ્રીન નિયમો લાગુ કરવામાં સફળતા.

      • વ્યૂહરચના: ચીન પરની નિર્ભરતા ઘટાડવા ભારત એક મજબૂત સાથી.

      • (ચિંતા: યુરોપમાં ખેડૂતો અને ડેરી લોબીનો વિરોધ)

અમેરિકા: તક ગુમાવી

      • મોટું નુકસાન: ભારતમાં આશરે $86 અબજની કિંમતની વેપાર તકો ગુમાવી.

      • ઊંધી અસર: ટેરિફની ધમકી નિષ્ફળ; ભારત યુરોપ તરફ વળ્યું.

      • એકલતા: ક્વાડ (Quad) ભાગીદારી માટે કસોટી અને વૈશ્વિક મંચ પર એકલતાનો ડર.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 ફેબ્રુઆરી 2026

Loading

...102030...35363738...506070...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved