Opinion Magazine
Number of visits: 9552734
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મંગલમૂર્તિ પેટલીકર

ઉમાશંકર જોશી|Opinion - Literature|6 September 2016

ભાઈ ઈશ્વર પેટલીકર ડાયરામાંથી અચાનક ઊઠી ગયા. ત્રણ-ચાર દિવસમાં એમણે માયા સંકેલી લીધી. બહુ જ જીવનથી તરવરતા હતા અને એમનામાં ભૂમિના પુત્રનું એક કૌવત હતું. બળકટતા હતી, ખડતલપણું હતું. શહેરમાં રહ્યા છતાં એ કદી ગામડાના મટ્યા નહીં.

મને યાદ આવે છે પેટલીનો એક નાનકડો તરુણ. ‘ગ્રામચિત્રો’ની હસ્તપ્રત લઈ એ મારી પાસે આવે છે. ‘આને વિશે કંઈ લખી આપો.’ મેં કહ્યું, ‘લખે એવા તો રામનારાયણ પાઠક છે.’ કહે કે એમની પાસે ગયો હતો, પણ તેઓની તબિયત ઠીક નથી. મહિના સુધી એ લખી શકે એમ નથી. મારે તો ચોપડી મહિનામાં બહાર પાડવી છે. ચોપડી થોડીક જોઈ, મેં એમને કહ્યું, આ ચોપડી તમે એવી સુંદર લખી છે કે હું તમારે ઠેકાણે હોઉં તો મહિનો નહીં પણ વરસ રાહ જોઉં ને રામનારાયણ પાઠકના જ બે શબ્દ આશીર્વાદના મેળવું. એમણે મારી વાત માની. એમની નવલકથા ‘જન્મટીપ’ બહાર પડી અને મેઘાણીભાઈ એને વિષે આંખમાં ચમક સાથે અને ઉમળકાથી જે વાત કરતા એ બધાનું પણ સ્મરણ થાય છે. ‘લોહીની સગાઈ’ વાર્તા એમણે લખી. પોતાના જીવનની, – પોતાની બાની, પોતાની  બહેનની. એ તો એમણે કાળજું જ કાપીને જાણે રજૂ કર્યું હતું, પણ એક વાર્તા તરીકે મૂક્યું હતું. એક આંતરરાષ્ટ્રીય વાર્તા-હરીફાઈમાં તે વાર્તા પોંખાઈ.

પેટલીકરે કળાકાર તરીકે આગળ વધવાનો બલકે કોઈ જાતનો મનસૂબો ન રાખ્યો. એ મહત્ત્વાકાંક્ષી માણસ હતા જ નહીં. રાજકારણમાં ઠેઠ ઉંબર સુધી ગયા હતા, ધાર્યું હોત તો એ એમાં પણ દાખલ થઈ શકત. પણ એમને ગામડું રગરગમાં વ્યાપેલું હતું. એ સમાજને ઉઘાડી આંખે, ઉઘાડા કાને, ઉઘાડા હૃદયે નીરખતા અને એમનામાં સહાનુકંપા હતી. બધાંના પ્રશ્નો જાણે પોતાના ન હોય. એનો કોઈ દેખાડો ન હતો. એમના સ્વભાવની ઉદારતા જ એમાં જોવા મળતી હતી. એમનું કાઠું આ જાતનું હતું, – અંદરનું કાઠું. અને ગુજરાતને બહુ ઉપયોગી સેવક તરીકે એ નીવડી આવ્યા. હું પેટલીકરને વિશાળ અર્થમાં ગુજરાતના એક શિક્ષક કહું, એક સંસ્કાર ઘડનારા કહું. એમણે લોકોના અંગત જીવનના, ખાસ કરીને યુવકોના જે સળગતા પ્રશ્નો હોય છે, તે ઉકેલવામાં, સંસારની હોળીઓ હોલવવામાં સારો એવો સમય આપ્યો. પેટલીકર જ એ કરી શકે. સમાજમાં આવી મૂર્તિઓ હોવી જોઈએ. આ એક જાતની મંગલમૂર્તિઓ છે. એવી મંગલમૂર્તિનો પેટલીકરે સારો એવો નમૂનો આપણા સમાજમાં આપણા સમયમાં પૂરો પાડ્યો છે.

રાજકીય-વિશાળ અર્થમાં રાજકીય ઘટનાઓ કે ઉત્પાતો થતાં હોય, જેને વિશે વખતે ગેરસમજો પણ ચાલતી હોય, તે પેટલીકર છૂટથી ચર્ચતા. સામાન્ય માણસ આખી વસ્તુ સમજી શકે, એવી ભાષામાં એનો એ આલેખ આપતા. મને યાદ આવે છે એક વખતે એક ઘણા ઊંચા સ્થાને બિરાજનાર વ્યક્તિ સાથે એકાએક જ કંઈ વાતવાતમાં એ દિવસે છાપામાં આવેલા પેટલીકરના લેખનો નિર્દેશ થયો. કોઈ પ્રશ્ન અંગે ઉલ્લેખ થયો, એટલે મેં કહ્યું, તમે આ જુઓ, આની રજૂઆત, આની છણાવટ જુઓ. એ સાંભળીને એમણે કહ્યું. મારી ભાષામાં આવું કોઈ છણાવટ કરનારું નથી. આવાં પૃથક્કરણ અમને વાંચવા મળતાં નથી.

તો, પેટલીકરમાં આ એક મોટી સૂઝ હતી, કોઠાસૂઝ હતી. કેળવણી એમણે બહુ લીધી ન હતી, શાસ્ત્રો એમણે બહુ વાંચ્યાં ન હતાં, જેવાં કે સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર. એ તો મૂંઝાઈ જ જાય, તમે કંઈ કહો તો. પણ એમણે સંસારશાળામાં શિક્ષણ લીધું. એમણે નાના ગામડાના એક અદના શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી હતી, ગુજરાતના સદ્ભાગ્યે એ એક ઊંચી જાતના શિક્ષક તરીકે નીવડી આવ્યા અને પોતાના જમાનામાં એક સમાજભેરુએ જે ભાગ ભજવવો જોઈએ, એ જાતનો ભાગ એમણે ભજવ્યો, મારી પેઠે ઘણાંને સ્વજન ગુમાવ્યાનું દુઃખ આજે થયું હશે. આ સ્વજનને હું મારી હૃદયપૂર્વક અંજલિ આપું છું.

હવે તો એ જીવશે એમણે જે લીલી વાડીઓ નિર્માણ કરવામાં ફાળો આપ્યો હશે, તે લોકોના જીવનની સુવાસ દ્વારા. અને જીવશે એમનાં લખાણોથી, ‘ગ્રામચિત્રો’, ‘જન્મટીપ’, ‘ભવસાગર’, દ્વારા ‘લોહીની સગાઈ’ અને બીજી કેટલીક વાર્તાઓ લાંબાકાળ સુધી વંચાશે. હું આશા રાખું છું કે કોઈ કુશળ સંપાદક છાપાંઓમાં આવેલા પેટલીકરના સંખ્યાબંધ લેખોમાંથી એક માતબર સંચયન વેળાસર તૈયાર કરશે.

(અમદાવાદ આકાશવાણી પર અંજલી)

ઇશ્વર પેટલીકરના જન્મ શતાબ્દી વર્ષ (જન્મ તારીખ : 09-09-1916) નિમિત્તે “સંસ્કૃિત”, અૉક્ટોબર-ડિસેમ્બર 1983માંથી સાભાર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 01-02

Loading

જેમાં જિજ્ઞેશ મેવાણી નરેન્દ્ર મોદીને આધ્યાત્મિક અનુભૂતિ માટે આમંત્રણ આપે છે

આશિષ મહેતા|Samantar Gujarat - Samantar|6 September 2016

ઇટ્સ ડિફરન્ટ ધીસ ટાઈમ, જિજ્ઞેશ મેવાણી પણ એ જૂની અને જાણીતી લીટીનું પુનરાવર્તન કરે છે કે ગુજરાતમાં આ બાબતની જે દલિત-ચળવળ છે તે અલગ જ છે. રાજ્યમાં તાજેતરનાં વર્ષોમાં અનેક નાગરિક-ચળવળો ચાલી અને અમુક એના હેતુ સાધવામાં સફળ પણ થઈ, છતાં લાંબા ગાળાની અસર છોડવામાં સહુ નિષ્ફળ ગઈ. જિજ્ઞેશ માને છે કે દલિત – આંદોલનનું ભવિષ્ય ઉજળું છે. “આ ટિપિકલ દલિત-આંદોલન નથી, અમે કાસ્ટ અને ક્લાસ બંનેને સાથે લાવ્યા છીએ. અમને અત્યાર સુધીમાં જેના પ્રતિસાદ મળ્યો છે, તેના પરથી પણ સ્પષ્ટ છે કે તમારે સામાજિક ન્યાયના પ્રશ્નોની સાથે-સાથે આર્થિક પ્રશ્નો પણ ઉઠાવવા પડશે. જિજ્ઞેશ જે વાત કરી રહ્યો છે તે, અલબત્ત, રાષ્ટ્રીય સ્તરે પણ આ વર્ષે આગળ આવી છે. ખાસ કરીને, હૈદરાબાદ યુનિવર્સિટીમાં દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ડાબેરી વિદ્યાર્થી નેતા કન્હૈયાકુમારની આપવીતી પછી આંબેડકર અને માર્ક્સના અનુયાયીઓએ હાથ મિલાવ્યા છે અને સત્તાધારી ભાજપની હિન્દુત્વ વિચારધારા સામે સૌથી મોટો પડકાર ઊભો કર્યો છે.”

૨૦મી ઑગસ્ટે જિજ્ઞેશ દિલ્હી આવ્યો, બપોેરે પ્રેસક્લબમાં પત્રકારો અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી, રાત્રે જે.એન.યુ.માં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને બીજો દિવસ પૂરો વિવિધ સંગઠનોને આપ્યો. પ્રેસક્લબમાં મીડિયા સ્ટડીઝ ગ્રૂપે એક જ દિવસમાં પત્રકારપરિષદનું આયોજન કર્યું હતું, પણ ઘણી મોટી સંખ્યામાં પત્રકારો આવ્યા હતા. એકાદ કલાકની વાતચીત પછી ઇન્ટરવ્યૂ ચાલ્યા. મારો વારો બે કલાક પછી આવ્યો.

૧૧મી જુલાઈએ ઉના પાસે મોટા સમઢિયાળામાં ચાર દલિતોને બની બેઠેલા ગૌરક્ષકોએ બેરહેમ માર માર્યો અને પછી એની વીડિયો ઉતાર્યો, એ પછી શરૂ થયેલું આંદોલન સવા-દોઢ મહિના પછી પણ ગુજરાતના ખૂણેખૂણે આગળ વધી રહ્યું છે, એનું કારણ શું? જિજ્ઞેશ કહે છે કે ઘણાં વર્ષોથી દબાયેલા અનેક પ્રશ્નો એકસાથે બહાર આવી રહ્યા છે. “નરેન્દ્ર મોદીનાં ૧૨ વર્ષનાં શાસન દરમિયાન દલિતો પર અત્યાચારીની ૧૪,૫૦૦ ઘટનાઓ બની. ૫૫,૦૦૦ લોકો હજુ માથે મેલું ઉપાડે છે. ૧૫૯૦ ગામોમાં હજુ દલિતો અસ્પૃશ્ય ગણાય છે. દલિત-અત્યાચારના કેસોમાંથી માત્ર ત્રણ ટકામાં જ સજા થઈ છે…” તે બીજા આંકડા, હકીકતો અને વિગતો ટાંકે જાય છે. આમ તો લાલકિલ્લાથી પણ સેળભેળવાળા દાવાઓ આવતા હોય છે, પણ જિજ્ઞેશ દરેક આંકડા માટે સરકારી અહેવાલ કે આર.ટી.આઈ. જવાબ કે નવસર્જન જેવી સંસ્થાના સર્વેક્ષણનો હવાલો આપે છે.

“હવે મોદી કહે છે કે ‘દલિતોને નહીં, પહેલાં મને ગોળીએ દો’, પણ સપ્ટેમ્બર, ૨૦૧૨માં થાનગઢમાં પોલીસે ત્રણ દલિતોને એકે-૪૭ થી ઠાર માર્યા હતા, ત્યારે મોદી વિવેકાનંદયાત્રામાં માત્ર ૧૭ કિ.મી. જ દૂર હતા, છતાં પીડિત પરિવારોને મળવા ગયા નહોતા. થાનગઢકાંડમાં સી.આઈ.ડી.એ ત્રણમાંથી બે એફ.આઈ.આર.ને ચાર્જશીટમાં બદલવાની ના પાડી છે. હવે ઉનાની ઘટનામાં આનંદીબહેન પટેલે સી.આઈ.ડી.ને તપાસ સોંપી છે, તો એનું શું પરિણામ આવશે તે વિચારી શકે છે.”

ઉના દલિત-અત્યાચાર લડતસમિતિના નેજા હેઠળ જિજ્ઞેશ અને બીજા નાગરિક નેતાઓએ અમદાવાદથી ઉના સુધીની પદયાત્રા કરી અને ૧૫મી ઑગસ્ટે સમાપનસભામાં રાજ્ય સરકાર સમક્ષ દસ માગણીઓ રજૂ કરી. એમાં સૌથી મહત્ત્વની છે દર દલિત-પરિવારને પાંચ એકર જમીનની ફાળવણીની માગણી. જિજ્ઞેશનું કહેવું છે કે ૧૫ સપ્ટેમ્બર સુધીમાં સરકાર તરફથી જવાબ નહીં મળે, તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે. “અમે જેલમાં જવા તૈયાર છીએ.”

પણ દરેક દલિત-પરિવારને પાંચ એકર જમીન આપવી શક્ય છે? “શક્ય પણ છે અને વહેવારુ પણ છે. રેવન્યૂ લૉમાં એવી જોગવાઈ પણ છે. સરકાર પાસે ગામેગામ ઘણા મોટા પ્રમાણમાં ખરાબાની જમીન છે. સરકાર લૅન્ડસિલિંગ ઍક્ટની જોગવાઈ પણ લાગુ પાડી શકે છે. ભૂદાન ચળવળમાં મળેલી ૫૦,૦૦૦ ઍકર જમીનની વહેંચણી પણ બાકી છે. એ પછી પણ જરૂર પડે તો સરકાર જમીન ખરીદીને પણ આપી શકે છે, એસ.સી. સબ-પ્લાનમાં એની પણ જોગવાઈ છે. મુદ્દો એ છે કે સરકાર અંબાણી-અદાણીને જમીન આપી શકે છે, તો દલિતોને કેમ નહીં?”

સત્ય માગણીઓમાં તમામ સફાઈ-કર્મચારીઓને નોકરીમાં કાયમ કરવા અને તેમાં મહિલાઓને – ખાસ કરીને વિધવા અને અપંગ બહેનોને પ્રાથમિકતા આપવાની માંગ છે. અત્યાર સુધી તો સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો નથી અને જિજ્ઞેશનું કહેવું છે કે “ગેરબંધારણીય માગણીઓ પર પણ સરકાર પટેલો સાથે વાતચીત કરી શકતી હોય, તો અમારી સાથે કેમ નહીં?”

જો સરકાર જવાબ જ ન આપે અને આંદોલન નિષ્ફળ જાય તો? જિજ્ઞેશ આ વાતને જરા જુદી રીતે જુએ છે : “આ આંદોલન નિષ્ફળ જઈ શકે જ નહીં. જુલાઈના મહાસંમેલનમાં ૫૦,૦૦૦ દલિતોએ મેલાં કામ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી, એ કોઈ નાનીસૂની વાત છે? ઘણા પરિવારોને મૃત ગાયનું ચામડું ઉતારવામાં મહિને દોઢ-બે લાખની આવક હતી. તે લોકોએ પણ આ પ્રતિજ્ઞા લીધી. બાબાસાહેબ આંબેડકરે એક સમયે દલિતસમાજ માટે આ જ સલાહ આપી હતી, એ યાદ કરીએ તો લાગે કે ગુજરાતમાં જે બની રહ્યું છે, તે સામાજિક ક્રાંતિની શરૂઆત જેવું છે.

“ગામેગામ લોકોએ સૂત્ર ઉપાડી લીધું છે કે ‘ગાય કી દૂમ આપ રખો, હમેં હમારી જમીન દો’. મોદીએ ‘કર્મયોગ’ નામના એમના પુસ્તકમાં એવું લખ્યું છે કે દલિતોને મેલાં કામ કરવામાં આધ્યાત્મિક અનુભૂતિ થતી હોવી જોઈએ. હવે અમે તો મરેલાં જાનવર ઉઠાવવાનું બંધ કર્યું છે. હું મોદીજીને આધ્યાત્મિક અનુભવ કરવાનું આમંત્રણ આપું છું.” (પત્રકાર – પરિષદમાં જ્યારે જિજ્ઞેશે આ વાત કહી, ત્યારે ઠીકઠીક સંખ્યામાં પત્રકારોએ એમની નોટબુક ખોળામાં મૂકીને જોરજોરથી તાળીઓ પાડી હતી.)

જિજ્ઞેશ કહે છે કે જેમ આ આંદોલન ટિપિકલ દલિત-આંદોલન નથી તેમ તે પણ ટિપિકલ દલિતનેતા નથી. પાંત્રીસ વર્ષના આ યુવાનનું અત્યાર સુધીનું કામ દલિત સિવાયના અન્ય સમાજો અને સામાજિક સિવાયની અન્ય સમસ્યાઓ સાથે રહ્યું છે. અસારવાના એક નીચલા મધ્યમવર્ગના પરિવારમાં જન્મેલા જિજ્ઞેશ માટે સમાજકારણ શીખવાની શરૂઆત હ.કા. ઉર્ફે એચ.કે. કૉલેજથી થઈ. ‘ખાસ કરીને (સંજય શ્રીપાદ) ભાવેસાહેબે વાંચવા-લખવામાં માર્ગદર્શન આપ્યું. પછી મહેન્દ્ર મેઘાણીના નામનો પરિચય થયો. ભાવેસાહેબના લીધે ‘નિરીક્ષક’, ‘ભૂમિપૂત્ર’, ‘નયામાર્ગ’ અને દલિત-પત્રિકાઓ વાંચતો થયો.” (સૌરાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાના વિશે જિજ્ઞેશે સ્થળ પરથી તૈયાર કરેલા અહેવાલ ચારેક વર્ષ પહેલાં ‘નિરીક્ષક’માં પ્રસિદ્ધ થયા હતા.) એચ.કે. કૉલેજમાં બીજા પ્રાધ્યાપક હતા સૌમ્ય જોષી, જેમના નાટક, ‘દોસ્ત, ચોક્કસ અહીં એક નગર વસતું હતું’ – થી પણ જિજ્ઞેશ પર ઘણી અસર પડી. પછી વિવિધ સામાજિક સંસ્થાઓ અને નાગરિક અભિયાનો સાથે સંકળાવાનું બન્યું. જિજ્ઞેશે ચુનીભાઈ વૈદ્ય, ઇલાબહેન પાઠક અને ગિરીશ પટેલ સાથે કામ કર્યું છે. વચ્ચે ૨૦૦૪થી ત્રણેક વર્ષ માટે ‘અભિયાન’ સાપ્તાહિકમાં નોકરી માટે મુંબઈ જવાનું થયું, અમદાવાદ પરત આવ્યા પછી મુકુલ સિંહાના જનસંઘર્ષમંચ સાથે કામ કર્યું. મુકુલ સિંહા આમ તો ૨૦૦૨ના રમખાણપીડિતો માટે કોર્ટકેસો લડતા વધુ  જાણીતા થયા. પણ મૂળે તેઓ ટ્રેડ યુનિયન ચળવળમાં હતા અને એમની પાસેથી પ્રેરણા લઈને જિજ્ઞેશે સફાઈ કર્મચારીઓનાં પણ યુનિયન બનાવ્યાં.

આ પશ્ચાદભૂમિકા આપવાનો હેતુ એ છે કે જિજ્ઞેશનું કાર્યક્ષેત્ર દલિત-વર્તુળની બહાર પણ રહ્યું છે અને માટે તે બહોળા પ્રશ્નોથી સારી રીતે વાકેફ છે. ‘હવે અમે દલિત-મુસ્લિમ એકતા પર કામ કરી રહ્યા છીએ. અમે આર્થિક પ્રશ્નો ઉપાડી રહ્યા છીએ. હું આ આંદોલનને ટિપિકલ દલિત – આંદોલનથી આગળ લઈ જઈને સર્વ સમાવેશી (ઇન્ક્લુઝિવ) બનાવવા માંગું છું. એટલે જ ગુજરાતમાં અમુક દલિતસંસ્થા-વર્તુળોમાં મારી ટીકા પણ થઈ રહી છે.’

એ રાહે ઉના-આંદોલનનો હવે તો પડાવ સ્પષ્ટ છે. ‘વિધાનસભાએ નવો જમીનસંપાદન કાયદો પસાર કર્યો છે, જેમાં ખેડૂતોની જમીન છીનવી લેવાનું સરળ બનાવાયું છે. અમે તેની સામે કિસાન-આંદોલન કરીશું. ભવિષ્યમાં અમે આને બધા વંચિતોનું આંદોલન બનાવીશું.’

e.mail : ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 03-04

Loading

ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર મુદ્દે ગાંધીજનોની પહેલ

મુદિતા વિદ્રોહી|Gandhiana|6 September 2016

દલિતો પર વિવિધ પ્રકારના અત્યાચાર આખા દેશમાં અને ગુજરાતમાં ઠેરઠેર થયા જ કરે છે અને તેના સમાચારો આપણા સુધી પહોંચ્યા કરતા હોય છે. તે વિશે કાયમ ચિંતા અને મનોમંથન ચાલ્યા કરતું હોય છે, પરંતુ આ વખતે ઉનામાં બનેલી ઘટનાએ જાણે બધાને અંદરથી હલાવી મુક્યા છે. આ ઘટનાના વિરોધમાં અને ફરી આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે ૩૧મી જુલાઈના રોજ અમદાવાદમાં આશરે ૨૦,૦૦૦ લોકો ભેગા થયા અને દલિતો સામે થતા અત્યાચારના વિરોધમાં મહાસંમેલનનું આયોજન યોજાયું. ત્યાંથી એમ પણ જાહેરાત કરવામાં આવી કે પાંચથી ૧૫ ઑગસ્ટ દરમિયાન એક યાત્રા અમદાવાદથી નીકળી ઉના પહોંચશે અને ત્યાં ધ્વજવંદન કરી સ્વતંત્રતાદિવસની ઉજવણી થશે.

દરમિયાન સર્વોદયના સાથીઓ વારાણસીમાં ૨૮થી ૩૦ જુલાઈ દરમિયાન એક બેઠક માટે ભેગા થયા હતા, ત્યારે ગુજરાતમાં દલિતોના પ્રશ્ન માટે, ખાસ કરીને તાત્કાલિક ધોરણે ઉનાના પ્રશ્નને લઈને તરત જ કંઈક કરવું જોઈએ એવું એક સૂરે નક્કી થયું. ત્યાં પણ એક યાત્રા કરવી એવો પ્રસ્તાવ આવ્યો હતો. છેવટે નક્કી થયું કે મોટા સમઢિયાળા જઈ પીડિતોની મુલાકાત લેવી અને તેમની પડખે ઊભા રહી તેમને હિંમત આપવી.

૯મી ઑગસ્ટના રોજ સર્વોદય અને ગાંધીવિચારના ૧૦ કાર્યકર્તા, જેમાં સેવાગ્રામ આશ્રમ-પ્રતિષ્ઠાનના અધ્યક્ષ જયવંત મઠકરજી, સર્વ સેવા સંઘના અધ્યક્ષ મહાદેવ વિદ્રોહી, લોકસમિતિ તરફથી નીતા મહાદેવ વિદ્રોહી, મુંબઈ સર્વોદય મંડળના અધ્યક્ષ જયંત દીવાન, વિનોબા આશ્રમ-ગાગોદેના વિજય દીવાણ, શંકર બગાડે, રામકૃષ્ણ દિઝસકર, સદ્ભાવનાસંઘના શેખ હુસૈન, મુદિતા વિદ્રોહી અને ધીમંત બઢિયા વગેરે ઉના જવા રવાના થયાં. યાત્રાની શરૂઆત સાબરમતી આશ્રમમાં હૃદયકુંજના ઓટલા ઉપર પ્રાર્થના સાથે થઈ.

આ દરમિયાન દલિત અસ્મિતાયાત્રા બરવાળા પહોંચી હતી. રસ્તામાં તેમની મુલાકાત લીધી. દલિત અસ્મિતાયાત્રા જિજ્ઞેશ મેવાણીના નેતૃત્વ હેઠળ ચાલી રહી હતી અને આ યાત્રાને ગામેગામથી સારો પ્રતિભાવ મળી રહ્યો હતો. તે દિવસે જિજ્ઞેશને તાવ હતો અને તબિયત ઠીક ન હોવાને કારણે તેઓ બરવાળામાં હતા, તેથી પહેલા તેમને ત્યાં મળવા ગયા. તેમની સાથે મિત્રોએ સારી ચર્ચા કરી. વિજય દીવાણ જન્મે બ્રાહ્મણ અને સર્વોદય કાર્યકર્તા છે. મહારાષ્ટ્રમાં મૃત પશુઓનું ચામડું ઉતારવાનું કામ કરે છે, જેથી દલિતોને આ કામમાંથી મુક્તિ મળે. તેમણે જિજ્ઞેશ મેવાણીને કહ્યું કે મહારાષ્ટ્રમાં દલિતોએ ઘણા સમયથી ચામડું કાઢવાનું કામ બંધ કરી દીધું છે. ગુજરાતના દલિતોએ પણ બંધ કરી દેવું જોઈએ. જિજ્ઞેશને પૂછ્યું કે તે આગળ શું કરવા માગે છે, ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ દરેક દલિત પરિવાર માટે પાંચ એકર જમીનની સરકાર પાસે માગણી કરે છે, જેમાંથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે. જો સરકાર આ વાત નહીં માને તો તેઓ રેલ રોકો આંદોલન કરશે. મહાદેવ વિદ્રોહીએ કહ્યું કે ગુજરાતમાં ભૂદાનની જમીન પણ વણવહેંચાયેલી પડી છે. આ જમીન પણ ભૂમિહીન દલિતોમાં વહેંચાય, તે માટે માગણી કરવી જોઈએ.

જિજ્ઞેશને મળીને અમે સૌ યાત્રા આગળ જ્યાં પહોંચી હતી ત્યાં પહોંચ્યાં. લગભગ બોટાદ પહેલાં એક જગ્યાએ, ત્યાં અન્ય મિત્રો અને દલિત અસ્મિતાયાત્રા સાથે સંકળાયેલા રાહુલ શર્મા, પ્રતીક સિંહા તેમ જ અન્યો સાથે મુલાકાત થઈ. યાત્રામાં પોલીસ ખૂબ મોટી સંખ્યામાં સાથે જ હતી. યાત્રાને મળીને અમે પાછા ઉના તરફ નીકળ્યાં. ગુજરાત લોકસમિતિના આંદોલનના સ્થળ મીઠી વિરડીની મુલાકાત અન્ય મિત્રોને પણ થાય તે હેતુથી ત્યાં ગયાં. ગામલોકોને મળ્યાં અને મીઠી વિરડીના અણુમથક વિરોધી આંદોલનથી બધાને માહિતગાર કર્યાં.

ત્યાંથી નીકળી લગભગ રાતે દસેક વાગ્યે ઉના પહોંચ્યાં. અહીં ગીર વિકાસમંડળના આનંદવાડી પરિસરમાં મુરબ્બી નવનીતભાઈ ભટ્ટની મદદથી રહેવાની વ્યવસ્થા થઈ હતી. નવનીતભાઈ સાથે થોડું બેસવાનું થયું, ત્યારે તેમણે પણ ત્યાંના સ્થાનિક પ્રશ્નો, દલિતોની સ્થિતિ તેમ જ હાલમાં બનેલી ઘટના વિશે અમને વિશેષ માહિતગાર કર્યા. સ્થાનિક વ્યક્તિઓ પાસેથી વધુ નક્કર માહિતી અને માર્ગદર્શન મળે તે અમને નવનીતભાઈ પાસેથી મળ્યું.

ચર્ચા દરમિયાન વાત નીકળી કે જો દલિતો ચામડું કાઢવાનું કામ બંધ કરી દેશે, તો અન્ય કયા રોજગાર તેમને મળશે? વિજય દીવાણનો જવાબ એ હતો કે બાબાસાહેબ આંબેડકરના આવાહન પર મહારાષ્ટ્રમાં દલિતોએ ચામડું કાઢવાનું કામ બંધ કર્યું, પણ તેઓ કંઈ ભૂખે નહોતા મર્યા. તેઓ શહેરોમાં ગયા તથા અન્ય કોઈ ને કોઈ વૈકલ્પિક રોજગાર તેમણે શોધી લીધો. જો ગુજરાતના દલિતો ચામડું કાઢવાનું બંધ કરશે, તો તેઓ પણ ભૂખે નહીં મરે. કોઈક રસ્તો ચોક્કસ નીકળશે. અહીં પ્રશ્ન માત્ર ગૌરક્ષાનો નથી, પ્રશ્ન જાતિ-નિર્મૂલનનો છે.

બીજે દિવસે સવારે, ૧૦ ઑગસ્ટના રોજ, અમે ઉનાથી નીકળી મોટા સમઢિયાળા ગયાં જ્યાં પીડિતો રહે છે. પીડિતોને તેમના ઘરે મળતા જતાં પહેલાં અમે તે જગ્યાએ ગયાં, જ્યાં મૃત પશુઓનું ચામડું કાઢવામાં આવે છે. આ એ જ જગ્યા છે જ્યાં આ ચાર દલિત યુવાનોને મારવામાં આવ્યા હતા. આ જગ્યા ગામથી લગભગ ચાર-પાંચ કિલોમીટર દૂર એક નાની ટેકરી ઉપર છે. ત્યાં ઢોરનાં હાડકાં વિખેરાયેલાં પડ્યાં હતાં.

એ પછી ગામમાં આવ્યાં અને પીડિત યુવાનોના ઘરે પહોંચ્યાં. નીતાબહેન તેમને ત્યાં પહેલાં પણ પી.યુ.સી.એલ.ની ફૅક્ટ-ફાઇન્ડિંગ કમિટીના સભ્ય તરીકે મામલાની તપાસ માટે આવી ચૂક્યાં હતાં. ગામમાં પ્રવેશતાં જ નાકા ઉપર પોલીસના ઘરની આસપાસ પણ પોલીસનો પહેરો છે. ચારે ય પીડિતો સાથે મુલાકાત થઈ. સાથે તેમનાં માતા-પિતા તથા કુટુંબના અન્ય સભ્યો સાથે પણ મુલાકાત થઈ. પહેલાં રાજકોટ અને પછી અમદાવાદથી સિવિલ હૉસ્પિટલમાં સારવાર લઈને આવ્યા પછી પણ હજી યુવાનોની સ્થિતિ તદ્દન સુધરી ગઈ છે તેવું નથી. ઉંમરમાં પણ ઘણા નાના છે. આખી ઘટનાનો તેમના ઉપર માનસિક આઘાત પણ ઘણો ઊંડો લાગ્યો છે. હજી તે લોકો ઘણી દહેશતમાં છે. એક ભાઈના હાથ પર હજી પ્લાસ્ટર છે. બે જણને મારના લીધે કાનના પડદામાં નુકસાન થયું છે, જેનું ઑપરેશન કરાવવાનું છે. તેઓએ અમને તે દિવસે બનેલી ઘટનાનો વિસ્તૃત ચિતાર આપ્યો. સાંભળતા રુંવાડાં ઊભાં થઈ જાય એવી યાતનામાંથી તેઓ પસાર થયા હતા. એક સારી વાત એ બની કે જે મરેલી ગાયનું ચામડું તેઓ ઉતારી રહ્યા હતા તેના માલિક બાજુના ગામના છે, તેમણે પોલીસને પોતાનું બયાન આપ્યું કે ગાય મરી ગઈ હતી અને તેમણે જ આ લોકોને તેને ઉપાડી જવા બોલાવ્યા હતા. બીજી એક સારી વાત એ પણ જાણવા મળી કે ગામમાં સરપંચને બાદ કરતાં તમામ ઘરેથી લોકો આ પરિવારને મળવા, તેની તબિયત જોવા અને સાંત્વના આપવા આવ્યાં. આમાં તમામ બિન-દલિત પરિવારોનો સમાવેશ પણ થાય છે. એ વાત આગળ વધારવાની જરૂર છે. દલિતો અને બિન-દલિતોએ દીવાલ ઊભી કરવાને બદલે વધારે નજીક આવવાની જરૂર છે. આપણા પ્રયત્નો પણ તે પ્રકારના જ હોવા જોઈએ. જો એમ નહીં થાય તો દરેક પોતપોતાના વાડામાં જ રહેશે અને નાતજાતની લીટી કદી ભૂંસાશે જ નહીં.

ચાર યુવાનો-વશરામ, અશોક, રમેશ અને બેચરભાઈ સાથે વાત કરતાં જાણ્યું કે ચામડાના કામમાંથી તેઓ મહિને આશરે બારેક હજાર રૂપિયા કમાય છે. તેમનામાંથી કોઈ પણ ભણ્યું નથી. એમની પાસે એક છકડો છે. જ્યારે પણ પશુના મરવાની ખબર મળે, ત્યારે તેને એમાં લાદીને એ લોકો લઈ આવે છે. એક ઢોરનું ચામડું વેચતાં તેમને આશરે ૩૦૦ રૂપિયા મળે છે.

યુવાનો અને તેમના પિતા હજી ખાસ્સા ભયભીત છે. તેમને બીક છે કે અત્યારે નહીં તો પછી પણ એમની પર કોઈક ને કોઈક રીતે હુમલો જરૂર થશે. રોડ પર નીકળશે, તો અકસ્માત પણ કરીને જતા રહેશે. આ વાતો સાંભળી સેવાગ્રામ આશ્રમના અધ્યક્ષ જયવંત મઠકરજીએ તેમને કહ્યું કે જો તેઓ ઇચ્છે તો સેવાગ્રામ આશ્રમમાં રહેવા આવી શકે છે. જો તેઓ આવવા માગતા હોય, તો દરેક પરિવાર માટે ૨૫ વર્ષ સુધી તેઓ રહેવાની વ્યવસ્થા કરી આપશે. તે ઉપરાંત, પરિવાર દીઠ પાંચ-પાંચ એકર ખેડવા માટે જમીન અને બાળકો માટે મફત શિક્ષણની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે.

અહીંનાં બાળકો બહુ ઓછું ભણે છે, તેથી નીતા મહાદેવે તેમને જણાવ્યું કે બાળકો ગુજરાતમાં ગમે ત્યાં બુનિયાદી શિક્ષણની સંસ્થાઓમાં અભ્યાસ કરવા જઈ શકે તેવી ગોઠવણ તેઓ કરી આપવા તૈયાર છે. આ વ્યવસ્થા છોકરાઓ અને છોકરીઓ બંને માટે થઈ શકે. આ વાત પણ તેમને ખૂબ સારી લાગી. એ ઉપરાંત, તેમને એમ પણ કહેવામાં આવ્યું કે જો તેઓ કોઈ પણ પ્રકારની વ્યાવસાયિક તાલીમ લેવા માંગતા હોય, તો તે માટે પણ વ્યવસ્થા કરવામાં મદદરૂપ થઈશું.

આ ઉપરાંત, સેવાગ્રામ આશ્રમ, સર્વસેવા સંઘ, ગુજરાત લોકસમિતિ અને સદ્ભાવનાસંઘ મળીને પીડિતોને રૂ. ૫૦,૦૦૦/-ની આર્થિક મદદ પણ કરશે. આ વાતની જાણ પણ પીડિતોને કરવામાં આવી. પરિવાર સાથે ખૂબ નિરાંતે વાત થઈ. તેમને પણ સારું લાગ્યું તેવું અમને બધાને લાગ્યું. તકલીફના સમયે બારણે જઈને પડખે ઊભા રહેવું, તેની એક ખૂબ મોટી ભૂમિકા હોય છે.

ત્યાંથી પાછાં આવી ૧૧મી ઑગસ્ટે અમદાવાદમાં ગાંધીઆશ્રમ પાસે ઇમામ મંઝિલમાં તમામ લોકો એક દિવસના પ્રતીક ઉપવાસ ઉપર બેઠાં. તેમાં ગાંધીઆશ્રમમાં દલિત ભાઈ-બહેનો પણ જોડાયાં હતાં. આનો મુખ્ય હેતુ દલિત-અત્યાચાર સામેની લડાઈમાં સર્વોદય અને ગાંધીયન મિત્રોની નિસબત અને ભાગીદારી વ્યક્ત કરવાનો હતો. શહેરના નિસબત ધરાવતા અન્ય નાગરિકો, વ્યક્તિગત રીતે અને સંસ્થાકીય રીતે આ કાર્યક્રમમાં જોડાયા. એકંદર પ્રતિસાદ ખૂબ સારો મળ્યો.

૧૧મીએ સાંજે ગાંધીઆશ્રમની પ્રાર્થનાભૂમિમાં સર્વધર્મપ્રાર્થના કરીને ઉપવાસ પૂરો કરવામાં આવ્યો.

આવનાર દિવસોમાં સમાજ પ્રગતિ કરી જાતપાતના વાડામાંથી બહાર આવવા મથશે, તેવી આશા.

e.mail : mvidrohi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 07-08

Loading

...102030...3,4973,4983,4993,500...3,5103,5203,530...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved