આપણા ચોથિયાને ગીત અને સંગીતમાં ખૂબ રુચિ, હાર્મોનિયમના સૂરના આધારે તાનપુરાની મેળવણી ચાલતી હોય કે તબલાંની, સિતાર મેળવાતી હોય કે સરોદ – તેને તો આવી બધી મેળવણીની પ્રક્રિયા જ જામી હતી. નિઃસ્પૃહભાવે હાર્મોનિયમ એક સ્થિર આધાર આપતું : કાળી ચાર કે સફેદ એક વાર સૂર વહાવતું હોય અને બાકીનાં જે – તે વાદ્યો ઠકઠક કે આઉ કરતાં મેળ બેસાડતાં હોય તે ઘટના જ તેને ભવ્ય લાગતી. આજે વળી ચોથેશ્વરી થોડાક નવરા પડ્યા હતા – શેરડીના સાંઠાનો એક હાથે ચઢ્યો ટુકડો લઈને તે અચાનક જ પ્રગટ થયા. ‘તને આ સંગીતના સૂરમાં ગતાગમ તો પડતી નથી અને આમ બાવરો-બાવરો શું જોયા કરે છે?’ તેમણે ચોથિયાને આવતાવેંત જ પોંખ્યો. ‘ચોથેશ્વરી, સાચું કહું? મને તો આ તમામ વાજિંત્રોનાં દિલમાંથી જાણે કે એક મહેચ્છા રેલાતી હોય તેમ જણાય છે – અમે પણ પેલી કાળી ચાર કે સફેદ એક જેવા ક્યારે થઈએ! તેમાં મને આ અદ્ભુત થવા મથી રહેલા ભારત નામના વિશાળ દેશની તમન્ના પડઘાતી હોય તેવું લાગે છે. મને લાગે છે કે પેલું અમ્મેિરકા અને ઓલું યુરોપ એટલે હાર્મોનિયમના કાળી ચાર અને સફેદ એક. આ દેશના તમામ યપ્પીઓની મહત્ત્વાકાંક્ષા યુરોપ-અમેરિકા થવાની જ હોય છે, તેમ મને પણ થાય છે – ક્યારે મારો દેશ પણ આવો મહાન બને! તેમાં ય પેલા ટ્રમ્પસાહેબે ‘અબ કી બાર ટ્રમ્પ શ-કા’ કહ્યું, ત્યારથી આ તો સૌના દિલ ધડામ કરતાને મતપેટીઓમાં જઈને ખાબક્યાં છે. આપણે પણ મુસલમાનોના જોઈને અને પેલા ચીનાઓને ને પાકલાઓને પાઠ ભણાવી દઈએ. આનું જ નામ ભાયડા.’ બાજુમાં આવી ઊભેલા યપ્પીએ માત્ર મૂંગાંમૂંગાં જ પોતાની સફાચટ મૂછને તાવ દીધો.
યપ્પીને ખાતરી થઈ હતી કે ‘આ મહાન રાજરાજેશ્વરને કારણે આજે ભારત જેવા દેશમાં ચંદ્રગુપ્ત મૌર્યના વારાનો સુવર્ણકાળ ફરી એકવાર પ્રગટ્યો ગણાય. તેની દૃષ્ટિએ ભારતની આઝાદી પણ ૨૦૧૪માં જ આવી ગણાય. તે પહેલાં આ દેશમાં કોઈ ‘અચ્છે દિન’ જ ન હતા. ખરેખર તો તે પહેલાં આ દેશ આઝાદ જ થયો ન હતો – દલીલ ખાતર – ૨૦૦૪ની આસપાસના ગાળામાં આ દેશ મુખૌટો પહેરીને પણ થોડોક-થોડોક જાગ્યો હતો ખરો. દેશનો સર્વોત્તમ સમય તો આઠમી નવેમ્બર, ૨૦૧૬થી જ આરંભાયો ગણાય. તે સમયે અમે દેશની અગ્નિપરીક્ષા લીધી અને આખ્ખેઆખ્ખા દેશે માત્ર અમારા જ રાજરાજેશ્વરના ચરણસ્પર્શ કરીકરીને ધન્યતા અનુભવી.’ યપ્પીના આ વિચારો અને વિકારોને ચોથિયો પામ્યો તો ખરો, પણ તે મૂળભૂત રીતે જ બાહોશ હોવાથી જણાતો હતો કે પેલા યપ્પી, સમૂહમાંથી કોઈ પણ કાંઈ પણ બોલે, બકે કે બબડે, તેનો પ્રતિવાદ કરાય જ નહીં. જો પ્રતિવાદ કરે અને લોકશાહી કે અભિવ્યક્તિની સ્વતંત્રતા કે એવું કાંઈ પણ બોલવા જાય, તો દેશની ગુમનામ પિસ્તોલમાંથી બે-ચાર ગોળીઓ રમતી રમતી આવી જ જાય. પોતે ગોળી ખાઈને વીંધાઈને મરી તો જાય પણ તેથી પેલી પવિત્ર જી.ડી.પી. વધે કે કેમ તેની તેને ખબર જ પડતી ન હતી. ગોળી તેના લમણાની આરપાર નીકળી જ જાય, તો ભલે પણ તેને તેમાં ખરું દુઃખ તો દેશને થતા આર્થિક નુકસાનનું હતું. સર્જિકલ સ્ટ્રાઇક કે ‘સીમા પાર કા આતંકવાદ’ને ખાળવા માટે ખપમાં આવે તેવી મહામૂલી ગોળી પોતે લઈ જાય તે કદાચ દેશભક્તિ ન ગણાય. આ સમૂહના કોઈક વિચારકને તે પૂછવા માંગતો હતો કે (૧) કલબુર્ગી, પાનસરે અને દાભોલકરે જે કહ્યું-કર્યું અને જે આખરી અંજામ પામ્યા, તેને ‘દેશરાષ્ટ્ર અને ભક્તિ’ સાથે કેવી રીતે સાંકળી શકાય? અને (૨) આખરે આ દેશ, રાષ્ટ્ર અને તેની ભક્તિનો ક્યાં ય ઇજારો મળે ખરો? ક્યાંક તેનાં ટેન્ડર બહાર પડાતાં હોય તો ય જાણવા જોગ તો ખરું! પણ તેની બાહોશી હંમેશાં તેની સહાય કરવા તત્પર રહેતી અને તેથી આવા કોઈ પણ સવાલોને તે મનમાં જ ભંડારી દેતો.
પણ પેલા રાજરાજેશ્વરે તો હુકમ કર્યો – જાવ, બધા અગ્નિપરીક્ષા આપો. ચોતરફ લાકડાં ગોઠવીને નાની-મોટી લાખો ચિતાઓ ઊભી કરી દેવાઈ. માત્ર સાંઠીકડાં ગોઠવીને જે ચિતાઓ રચાઈ, તે તો દેશના ધનવાન, ફિલ્મ-કલાકારો, રાજકારણીઓ, સરકારી અધિકારીઓ અને જેમનાં નામ પનામા પેપર્સમાં ચમક્યાં હોય તેમના માટેની જ હતી. તેમાં કોઈ દાઝે તેમ હતું જ નહીં. બીજા પ્રકારની ચિતાઓ ઉપર માત્ર ઓઠકોઠિયા અને ભેજાંબાજોનો જ મહિમા હતો. જાતે બળવા કે દાઝવાનું દુઃખ શા માટે ભોગવવું તેમ માની તેમણે ગરીબગુરબાંને મદદ કરવાની શુદ્ધ ભાવના સાથે ચિતા ઉપર ચઢાવ્યા અને પોતે શિયાળામાં તાપણાં શેક્યાં. આખરે આ ભવ્ય ચિતાઓ ઉપર ચઢી જઈને અગ્નિપરીક્ષા આપવામાં તો દેશના નાચીઝ અને નાસમજ લોકો જ હાથે ચઢ્યા. અને આ લોકોની બહાદુરી તો જોઈ હોય તો જ જાણી શકાય. ના જોઈ રાત કે ના જોઈ વરત, ના જોઈ વય કે ના જોઈ તબિયત. ના જોઈ જાતિ કે ના જોઈ સ્થિતિ, બસ બધાને પેલી ચિતાઓ ઉપર ઝોંકી દીધા. અને આ અગ્નિપરીક્ષામાં મઝા પણ કેટકેટલી-એકસો વીસથી વધુ લોકો તો સીધા જ સ્વર્ગે સીધાવ્યા અને અમારું રુંવાડું ય ના ફરક્યું. લોકોના ધંધા-રોજગાર બંધ થઈ ગયા. ઘણાંનાં ઘરોમાં ભૂખમરો ડોકાયો. અનેક બીમાર અને અશક્ત લોકોનાં જીવન ટૂંકાં થયાં – પણ અમારા રાજરાજેશ્વર તે કાંઈ એમ વેવલા થોડા થાય! જે મર્યા કે બળ્યા તે જીવવાલાયક જ નો’તા એમ અમે સાબિત કર્યું. અને આમે ય તે પેટછૂટી વાત કરીએ, તો આ દેશના એકસો ત્રીસ કરોડ માથાંમાંથી પચીસ-પચાસ હજાર વધેરાઈ જાય તો તેમાં આટલી કાગારોળ શાને?
‘સ્પાર્ટા, મારા મિત્ર સ્પાર્ટાને સ્મરો. આજના જમાનામાં તમે સૌ પોચટ લોકો આઈ.એમ.આર. અને લાઇફ ઍક્સ્પેટન્સીની સાવ વાહિયાત વાતો ઝૂડે રાખો છો. અમે તો સ્પાર્ટામાં નવજાત શિશુઓને પહાડ પરથી ગબડતાં મેલી દેતાં. જે જીવતા તે જ જીવવાલાયક ગણાય. તમારે તો ભઈસા’બ ભારે આળપંપાળ. આ સહેજ દેશવ્યાપી અગ્નિપરીક્ષા યોજી તેમાં તે કેટકેટલી કાગારોળ મચાવી મેલી!’ આખરે મહાન નાયકના ચરણતલચાહક એવા યપ્પીએ ઊભરો કાઢ્યો. પણ ચોથેશ્વરીના હાથની શેરડીનો કે પછી તેમાંથી નીપજતી ગંડેરીને મહિમા ગણો – નોટબંધીને કારણે વસૂકાઈ ગયેલી ‘ચાય પે ચર્ચા’ની અવેજીમાં ‘ગંડેરી પે ઘમાસાણ’ જેવી ચર્ચા જામી પડી. શ્વેતકેશી, એકદંતગૂમ, ગુચ્છપુચ્છ, રક્તમુખ જેવા સૌ વાનરવીરો પોતપોતાના બાળગોપાળ સહ ઉપસ્થિત હતા. આવી વિદ્વત્સભા જામી ગઈ હશે, તેનો યપ્પીને પ્રથમ તો અણસાર જ નો’તો. પણ તેનાં વિચારોનાં મોજાં બધે પ્રસરી ચૂક્યાં હતાં. હંમેશની જેમ સૌથી પહેલું ઉપાસણ શ્વેતકેશીએ કર્યું. ‘બેટા યપ્પી, તારે તો ‘ઘટમાં ઘોડા થનગને’ જેવો ઘાટ છે. તારે આ દેશમાં વીર, બહાદુર, દેશભક્ત, શુદ્ધ-પરિશુદ્ધ, બુદ્ધિયુક્ત, પરંપરાવાદી, આધુનિક વિજ્ઞાનના પ્રણેતા શાસ્ત્રપ્રમાણિત આહાર-વિહાર-આચાર-વિચાર ધરાવનારાની ફોજ ઊભી કરવી છે – ખરું કે ? તો જરા આટલી વિમાસણ દૂર કરતો જા – આ તારી ફોજમાં જ વીર, બહાદુર અને નરબંકા સૈનિકોને સરખું ખાવા જ કેમ મળતું નથી? સૈનિકો તો સ્પાર્ટાનું ખડતલપણું ધરાવે જ છે – પણ મારા વા’લીડા એ તો કે’તો જા કે પેલું ‘રાશન’ કોને માલેતુજાર કરે છે ? જે નોટબંધીનો વાવટો ફરકાવીને તમારે ભ્રષ્ટાચાર દૂર કરવાનો છે, તે તો તમારાં અંગઅંગમાં વ્યાપી ચૂક્યો છે અને તમે નિષ્પાપ અને નિષ્કલંક હોવાનો ડોળ ધરે રાખો છો. નવી નોટો લોકો સુધી પહોંચે તે માટેની પૂરતી તૈયારી ના કરી, વારેવારે લૂગડાં બદલતા હો તેમ નિયમો બદલે રાખ્યા, પોલ ખૂલવા માંડી એટલે નવી જ વાત ઘુસાડી અને ‘કૅશલેસ’નો મુદ્દો ઊભો કરી દીધો.’
‘તમારા જેવા બુઝુર્ગોની આ જ મુશ્કેલી છે. તમારે બધું જૂનું-જૂનું યાદ રાખવા જોઈએ. તમને સત્તા શબ્દનો મર્મ જ સમજાતો નથી. સત્તા ત્યારે જ નીખરી ઊઠે કે જ્યારે તમામ ‘લોકો’ કે ‘જનતા’ માત્ર ‘પ્રજા’ બની રહે. અમારે નથી લોકશાહીની ચિંતા કે નથી જનતાના અવાજની હાયવૉય. અમે આજે જે કરીએ તે ખોટું હોય, તો તમારે તરત જ ભૂલી જવાનું. તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે તે તમે માત્ર ‘પ્રજા’ છો. ‘પ્રજા’ની સામે ‘રાજા’ ગોઠવી શકાય છે, એવી સગવડ પેલા ‘જનતા’ કે ‘લોક’ શબ્દમાં નથી. અને અમે કાંઈ એકલપેટા નથી. આ દેશના શહેરી, ઉપલા મધ્યમવર્ગના સવર્ણ પુરુષો બધા જ રાજા છે. એટલે તો ઓક્સફામ શોધ કરીને કહે કે ભારતમાં માત્ર એક ટકા લોકો પાસે દેશની સંપત્તિના અઠ્ઠાવન ટકા છે, ત્યારે અમે તો પોરસાઈએ છીએ. અમારે તો આ એક ટકાને જ સાચવવાના – બાકીના સૌને અગ્નિપરીક્ષાનો અણમોલ અવસર મળે જ છે ને!’
યપ્પીનો અવાજ જાદુભરેલી રણહાક જેવો જણાતો હતો. પણ ચોથેશ્વરીને નરવા કોઠે ભારે ઉકલત હતી. કકળથી આંતરડીએ ટામેટાં, બટાકા, રીંગણ, દૂધી ને વટાણા રોડ ઉપર ફેંકી ગયેલા પેલા પરથમીના પોઠીની બદદુઆ ક્યાંક પોતાને લાગી ન જાય તે લહાયમાં એકદંતગૂમ, રક્તાક્ષ કે ગુચ્છપુચ્છ બાજુમાં બેસી રહ્યા હતા. પણ પેલા રાતા પાણીએ રોતા ખેડૂતોનાં શાકભાજી ઉપર જ્યાફત ઉઠાવવા રાજી થતા ન હતા. પણ પેલા શહેરી, ઉપલા મધ્યમવર્ગીય અને સવર્ણ મહાનુભાવો એકરાંતિયાની પેઠે થેલા ભરી રહ્યા હતા. તેમણે યપ્પીને વાર્યો – “જો બાપ, આ તારી નજરે નોટબંધીનો ખેલ જોઈ લે. જેને હરખાં અંગઢાંકણ પણ નથી, તેમને તે કોશના ડામ દીધા. અને પેલા સ્વીસબૅંકવાળા, પનામા – પેપર્સવાળા, મલેશિયાની પી નોટ્સવાળા કે પછી છેવટે સીમા ઉપર ખડે- -પગે ચોકી કરનારાનું રાશન ચોરી જનારા તારી નજરે ચઢતા જ નથી. દેશમાં બેકારી વધી ગઈ, રત્નકલાકારોથી માંડીને લગનગાળામાં કે પછી ઉત્તરાયણના પતંગ-માંજાના કામ ઉપર વરહભરનું ગોતી લેનારાની માથે તમે ખાઈખપૂચીને ત્રાટક્યા – ના જોયું માદું કે ના જોઈ નવી-નવી મા બનનારીની વ્યથા. તમે કાળુ નાણું તો ચટણી જેટલું કઢાવી શક્યા અને ભ્રષ્ટાચારનો ‘ભ’યે ભાંગી ના શક્યા. તે તમે આટલા બધાને સતી અને સતા શીદને કીધા?’
એકદંતગૂમને તો આવા જ વખતે શૂળ ઊપડી આવતું હોય છે. તૂટેલા દાંતને કારણે મોંમાં પડેલી બખોલમાંથી શબ્દેશબ્દે સીટી વગાડતાં વગાડતાં તેણે કહ્યું, ‘પેલા પંદર લાખની વાત છોડો, ‘અચ્છે દિન’ના વાયદા પણ છોડો, પણ તમે કહેલું કે પચાસ દા’માં ઠેકાણું ના પડે તો ચોરે ઊભો કરજો, ભા તમે ‘ચાય પે ચર્ચા’ વખતે તો ચોરે ને ચૌટે જમાવટ કરતા ફરતા – હવે અમે તમને કયા ચોરે મળીએ – જરા સરનામું તો દેતા જાવ.”
હજુ તેની કહાણી યપ્પીના ઘનઘોર ભેજામાં ઊગે ત્યાં તો પેલો ગુચ્છપૂચ્છ હવામાં પૂંછડાનો ઝંડો લહેરાવતો ધસી આવ્યો. ‘મારા બાપ, આ તમે એક બાજુ જનધન અને એવી બધી પેરવીઓ વડે કાળાના ધોળા થવા દીધા, બીજી પા લાખોને બેકાર કરી મેલ્યા, ત્રીજી તરફ ખેડૂતોની આવતી ફસલ પણ બરબાદ કરી મેલી તો હવે એટલું તો કો’કે અમારાં છૈયાંછોકરાંવને અમારે ભણાવવું શું? તમે કાંક ડિપ્લોમાં ઇન બકરી ચારિંગ કે થ્રી યર ડિગ્રી કોર્સ ઇન ગાય દોહિંગ કે એવું કાંક દાખલ કરવાના છો? કારણ કે બાપ, પેલા એક ટકા વાસ્તે તમે અમ નવ્વાણું ટકાને તો કંધે મારવાના જ -પણ પછી જે પેલા એક ટકો બચ્યા તેમને દૂધ, ફળફળાદિ, શાક-પાંદડું, દાળ, ઘઉં, ચોખા કે તુવેર તો જોગવવાં પડવાનાં ને ! આ ધરતીના પટ ઉપરથી તમે આ ભરવાડ, ખેડૂત અને નાના કામદારને તો તારા-નક્ષત્ર ભેગાં કરી દેશો, પછી આ બધું ઊગવે ને પકવે તે હાટું ‘સ્કિલ ડેવલપમેન્ટ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ ને ‘વાઇબ્રન્ટ સમિટ’ને એવું બધું તો કરવું પડશેને. આ વખતના વાઇબ્રન્ટમાં તો તમે મોંઘેરા મહેમાનોને છ-છ હજાર રૂપિયાની ‘ડીશ’ જમાડી. આ જાહેર નાણાંની જયાફતનો હિસાબ તો આપશો ને. જો કે અમે રહ્યા ‘રૈયત’ એટલે આવા છ-છ હજારની ડિશની ઉચિતતાનો મુદ્દો તો અમારાથી શેં કરાય? એમાં લગીરે ભ્રષ્ટાચાર નહીં જ હોય એવું માનવા અમે રૈયત તરીકે બંધાયેલા જ ગણાઈએ ! પણ આવતે ફેરો, તેનાં શાકભાજીનાં ફળો કે દાલ-આટા ક્યાંથી લાવશો ? મહાત્મામંદિર ગમે તેટલું ભવ્ય હોય – તેની અગાશીમાં આ બધું પકવી શકે તેવા ‘મેન પાવર’, ‘હ્યુમન રિસૉર્સ’, ‘સ્કિલ દિડોવલપમેન્ટ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ ક્યાંથી લાવશો ?’
પણ આવા બધા પ્રશ્નોના ઉત્તર ખોળવાનું યપ્પીને કોઈએ શીખવ્યું ન હતું. આખરે તો તે પણ એક માણસ જ હતોને ! બે-ચાર ખિખવાટાં અને ડાચિયાં કરીને તેણે ઝાડ ધૂણી ઊઠે તેવી છલાંગો મારીને વિદાય લીધી.
E-mail : shuklaswayam345@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2017; પૃ. 10- 11