Opinion Magazine
Number of visits: 9843232
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાપુની સેવાભાવના

નવીન ગાંધી|Gandhiana|29 May 2025

સ્નેહ અને કારુણ્ય વરસાવતાં બાપુનાં નેત્રોએ ઘણાંને મુગ્ધ કર્યાં છે. એમના જીવનમાં એક આકર્ષક તત્ત્વ હતું અને તે એમનું ‘અકોદ્ધેન જિને કોધ.’ અક્રોધથી ક્રોધને જીતવાની એમની શક્તિ અજબ હતી. પોતાની સામે ઊઠતા વિરોધનો તેઓ શાંતિથી અને વિશ્વાસપૂર્વક પ્રતિકાર કરતા.

કોઈકવાર વિરોધીઓ સામે કડક હાથે કામ લેવાનું પણ મિત્રો સૂચવતા. બાપુ શાંતિથી કહેતા : “મારા વિરોધીઓ પહેલાં હતા તેમ આજે પણ છે. છતાં મને તેએાના પ્રત્યે રોષ નથી આવ્યો. સ્વપ્નામાંયે મેં તેમનું ભૂંડું નથી ઈછ્યું. પરિણામે ઘણા વિરોધીઓ મિત્ર બન્યા છે. કોઈનો વિરોધ મારી સામે આજ લગી કામ નથી કરી શક્યો. ત્રણ વાર તો મારી જાત ઉપર ગયા (હુમલો કર્યો) છતાં હજુ લગી ઊભો છું. તેનો અર્થ એમ નથી કે વિરોધી કોઈ દહાડો પોતે ધારેલી સફળતા ન જ મેળવે. મેળવે કે ન મેળવે તેની મારે લેવા દેવા ન હોય; મારો ધર્મ તેમનું હિત ઈચ્છવાનો છે, અને પ્રસંગ આવ્યે તેમની સેવા કરવાનો છે. આ સિદ્ધાંતનો મેં યથાશક્તિ અમલ કર્યો છે. એ મારા સ્વભાવમાં રહેલી વસ્તુ છે એમ મારી માન્યતા છે. લાખો લોકો મારી પૂજા કરે છે ત્યારે મને થાક ચડે છે. કોઈ દહાડો એ પૂજામાં રસ આવ્યાનું કે તેથી તેને યોગ્ય છું એમ મને નથી ભાસ્યું; પણ મારી અયોગ્યતાનું ભાન રહ્યું છે. માનની ભૂખ મને કોઈ દિવસ રહી હોય એવું યાદ નથી. પણ કામની ભૂખ રહી છે. માન આપનારની પાસેથી કામ લેવા મથ્યો છું. તે નથી આપ્યું ત્યારે તેના માનથી હું ભાગ્યો છું. હું કૃતાર્થ તો ત્યારે થાઉં કે જ્યારે મારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચું.”

આશ્રમમાં પણ બાપુ બાળકો, યુવાનો તેમ જ મોટાઓ આવી ઉદારતા વિરોધીઓ સામે કેળવે એમ ઈચ્છતા.

આશ્રમમાં ભણતી એક બહેનને સંજોગવશાત્ ભાવનગર જવાનું થયું. બાપુના આશીર્વાદ મેળવવા જ્યારે તે બહેન વહેલી સવારે પહોંચી ત્યારે બાપુએ જોરથી ધબ્બો મારી પ્રેમલ હાસ્ય વેરી કહ્યું : ‘શરીરને લોખંડ જેવું’ બનાવી તારા અભ્યાસ સાથે ખાદીના પણ પ્રચાર કરજે.’ બહેને વચન આપ્યું અને બાપુની વિદાય લીધી.

થોડા દિવસ પછી એ બહેનનો બાપુ ઉપર લાંબો પત્ર આવ્યો. ખાદીની વાતો કરે તો આજુબાજુના પડોશીઓ એને ન અપનાવવા માટે કેવો લૂલો બચાવ કરે છે અને કેવી ગરમ ચર્ચા થાય છે તેનું એમાં વર્ણન હતું.

બાપુએ તે બહેનને લખ્યું : 

“જે બાઈની સાથે તેં ખાદીની વાત કરી તેઓની સાથે એક જ જાતનો વહેવાર હોય. એ જ વસ્તુનું વિનયપૂર્વક સિંચન કર્યા કરવું. બીજાઓનાં ઉદાહરણ આપવા. નિરાશ ન જ થવું ને તેઓની સેવાના પ્રસંગ શોધી લેવા. સેવા ને ખાદીને સંબંધ નથી છતાં સેવા પ્રેમ ઉત્પન્ન કરે છે ને જેની ઉપર પ્રેમ પેદા થાય તેની વાત વહેલી ગળે ઊતરે છે.”

સેવાનું કાર્ય અત્યંત મુશ્કેલીભર્યું હોય છે. એમાં ધીરજની પણ ઘણી જરૂર રહે છે. સેવાના કામમાં ઘણીવાર એવું બને છે કે જેઓની આપણે સેવા કરવા ઇચ્છીએ છીએ તેઓ અજ્ઞાનને કારણે અથવા ચાલી આવતા રીતરિવાજોને કારણે કે રહેણીકરણીને કારણે તેમ જ આળસ, મંદતા કે શિથિલતા લીધે આપણે તેઓને કેટલી ય સારી વસ્તુ કહીએ તોયે તેઓને એ વાત ગળે ઊતરતી નથી અને ઘણી વાર તેઓ સારી વસ્તુનો ૫ણ વિરોધ કરવા લાગી જાય છે. એવે સમયે આપણે બહુ ધીરજ ધરીને તેઓ પર જરાયે ગુસ્સે થયા વિના, બધો વિરોધ હસતે મુખે સહન કરીને તેઓની સાથે પ્રેમભાવથી વર્તવું જોઈએ. શુદ્ધ પ્રેમભાવ સામી વ્યક્તિના હૃદય પર અસર કર્યા વિના રહેતો જ નથી. અવશ્ય એ પ્રેમ બાહ્ય દેખાવ પૂરતો નહિ પણ હૃદયની સચ્ચાઈભર્યો હોવો જોઈએ. નિષ્કામ પ્રેમભાવે કરેલી સેવા જ શુભફળદાયી લાંબે ગાળે પણ બને જ છે. તેથી આપણામાં પ્રથમ પ્રેમભાવ અને તેમાંથી નીપજતો સેવાભાવ હોવો જરૂરી છે એમ બાપુ માનતા.

(આવા હતા બાપુ)
28 મે 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 326

Loading

લક્ષ્ય : સીમા પરના નહીં, નિરુદ્દેશે ભટકતા યુવાનના આંતરિક યુદ્ધની વાર્તા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|29 May 2025

રાજ ગોસ્વામી

તાજેતરમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂંખાર લડાઈ થઇ અને પછી અમેરિકાની મધ્યસ્થીથી શસ્ત્ર-વિરામ થયો, તે દિવસે એક અનપેક્ષિત ઘટના બની હતી. ભારત અને પાકિસ્તાનના સેના અધિકારીઓ વચ્ચે સમજૂતી મુજબ તે દિવસે સાંજે પાંચ વાગ્યા પછી શસ્ત્રો મૌન થઇ જવાનાં હતાં. અર્થાત, બંને દેશો નિર્ધારિત સમય પછી સીમા પર એકબીજા વિરુદ્ધની તમામ કારવાઈ રોકી દેવાના હતા. 

પરંતુ તે જ રાતે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં તેની કારવાઈ ચાલુ રાખીને ભારતને આશ્ચર્ય અને આઘાતમાં નાખી દીધું હતું. લોકોમાં અને સરકારમાં બેઠેલા અમુક લોકોમાં ચિંતાની સાથે આક્રોશ પણ ફેલાઈ ગયો હતો. અચનાક એવું લાગવા માંડ્યું કે પાકિસ્તાન તેના વચનમાંથી ફરી ગયું છે. પરિસ્થિતિ ફરીથી અસ્થિર અને જોખમી થઇ ગઈ.

તે વખતે, સોશિયલ મીડિયા પર હિન્દી ફિલ્મ ‘લક્ષ્ય’નો એક સંવાદ બહુ વાઈરલ થયો હતો. જાણે કે એ કોઈ ભવિષ્યવાણી હતી. તેમાં સૂબેદાર મેજર પ્રિતમ સિંહનો કિરદાર નિભાવતા સ્વર્ગસ્થ અભિનેતા ઓમ પૂરી ફિલ્મના નાયક કરણ શેરગીલ(રિતિક રોશન)ને એક સલાહ આપે છે;

“મુજે ઉન લોગો કા તજુરબા હૈ. પાકિસ્તાની હારે તો પલટ કે એક બાર ફિર વાપસ આતા હૈ.  અગર જીત જાઓ તો ફૌરન લાપરવાહ મત હો જાના. મેરી બાત યાદ રખના.” કરણ કહે છે, “યાદ રખૂંગા.”

સોશિયલ મીડિયા પર આ ક્લિપ પોસ્ટ કરીને લોકોએ લખ્યું હતું કે લક્ષ્યમાં ઓમ પૂરીએ સાચું જ કહ્યું હતું, પાકિસ્તાનીઓનો ભરોસો કરવા જેવો નથી. એક યુઝર્સે લખ્યું હતું, “કેવું કહેવાય? ઓમ પૂરીએ વર્ષો પહેલાં આ દુષ્ટ લોકોના વ્યવહારની ભવિષ્યવાણી કરી હતી.”

ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષો પર બનેલી ફિલ્મોમાં ‘લક્ષ્ય’ (2004) એક સીમાચિહ્ન રૂપ ફિલ્મ છે. યુદ્ધ પર બનેલી બીજી ફિલ્મોમાં ‘લક્ષ્ય’ અલગ પડે છે. તે 1991ના આર્થિક સુધારા પછી જન્મેલી પેઢીની વાર્તા કહે છે. તમે એ ફિલ્મના મુખ્ય કિરદાર કરણ અને રોમિલા દત્તા(પ્રીતિ ઝિન્ટા)ને તે સમયના સોળથી વીસ વર્ષના યુવાનો સાથે સરળતાથી જોડી શકો છો. 

1991 પછી ભારતે દુનિયા માટે તેના દરવાજા ખુલ્લા મુક્યા તેના પગલે નોકરી, ધંધા અને શિક્ષણમાં ધરખમ ફેરફારો આવ્યા હતા, રોજગારી માટે નવાં ક્ષેત્રો ખુલ્લાં હતાં અને યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યની નવી તકો સામે આવી હતી.

તે સાથે જ યુવાનોમાં એક મૂંઝવણ પણ પેદા થઇ હતી; કેવી કેરિયર પસંદ કરવી? તેમના માટે શું બહેતર હશે? શેમાં ભવિષ્ય બનશે? એ મૂંઝવણમાં અનેક યુવાનો તેમના જીવન પથ અંગે નિર્ણય લઇ શક્યા નહોતા. 

દિલ્હીમાં ખાતા-પિતા સુખી ઘરના ફરજંદ કરણ પણ એવો જ યુવાન હતો. તેનું કોઈ લક્ષ્ય નહોતું. તે રખડી ખાતો હતો. તેની ગર્લફ્રેન્ડ રોમિલા, જે પત્રકાર બનવા માંગતી હતી (તેનું પાત્ર ટેલિવિઝન પત્રકાર બરખા દત્ત પરથી પ્રેરિત હતું), તેને જીવનનો ધ્યેય નક્કી કરવા સલાહ આપતી હોય છે.

અંતત: કરણ તેનાં માતા-પિતાની નારાજગી વચ્ચે કમ્બાઈન ડિફેન્સ સર્વિસ મારફતે ઇન્ડિયન મિલિટરી એકેડમી માટે પસંદ થાય છે. પરંતુ ત્યાંની શિસ્ત અને કઠોર ટ્રેનિંગથી તે હતાશ થઇ જાય છે અને ત્યાંથી નાસી આવે છે. 

તેનાં માતા-પિતા તેને પરિવારના ધંધામાં જોડાઈ જવાની સલાહ આપે છે, પરંતુ મહત્ત્વાકાંક્ષી રોમિલા તેની નાહિંમતથી નારાજ થઈને બ્રેક-અપ કરી નાખે છે. કરણ માટે તો હવે ના ઘરનો કે ન ઘાટનો જેવી સ્થિતિ સર્જાય છે. 

તે તેની ગર્લફ્રેન્ડને પછી લાવવા માટે કમર કસે છે. તે પાછો એકેડમીમાં જાય છે. ત્યાં તે હસતા મોઢે નાસી જવાની સજા સ્વીકારે છે. તે મન દઈને ભણે છે, તાલીમ મેળવે છે અને અંતે ગ્રેજ્યુએટ થઈને લેફ્ટનન્ટ તરીકે સેનામાં દાખલ થાય છે. એ જ વખતે કારગિલ યુદ્ધ આવી પડે છે. રોમિલા પત્રકાર તરીકે એ જ યુદ્ધ કવર કરવા આવે છે. કરણને તેનું લક્ષ્ય મળી ગયું હતું. તે એ યુદ્ધમાં જાનના જોખમે શુરવીરતાનું પ્રદર્શન કરે છે અને દેશનું, પરિવારનું અને રોમિલાનું માથું ગર્વથી ઊંચું કરે છે.

ફરહાન અખ્તરે આ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. ત્રણ દોસ્તોના જીવનની આંટીઘૂંટીઓની વાર્તા કહેતી ‘દિલ ચાહતા હૈ’ની અપાર સફળતા પછી ફરહાન પર એક એવી જ સાર્થક ફિલ્મ આપવાનો ભાર હતો. ‘દિલ ચાહતા હૈ’માં બાહ્ય જીવનની વાત હતી. એટલે ફરહાને ‘લક્ષ્ય’ના મધ્યમથી એવા જ એક યુવાનના ભીતરી સંઘર્ષની વાત કહેવાનું નક્કી કર્યું હતું.

એક ઇન્ટરવ્યુમાં ફરહાન કહે છે, “મોટા થવાનો અર્થ એ પણ થતો હોય છે કે જીવનમાં શું કરવું તેની સમજ ન હોય. હું એવા ઘણા લોકોને જાણું છું હું પોતે એમાંથી પસાર થયો છું – તમારા જીવનનું લક્ષ્ય શોધવાનું હોય, ખુદને શોધવાના હોય. લક્ષ્યની સ્ક્રિપ્ટમાં મને એ જ વાત ગમી હતી – તે ખુદને તલાશવાની વાર્તા હતી.”

ફરહાનના પિતા જાવેદ અખ્તરે 18 વર્ષ પછી પટકથા લેખનમાં વાપસી કરી હતી. તેમણે કારગિલ યુદ્ધમ ભાગ લેનારા સૈનિક અધિકારીઓ સાથેની ચર્ચાના આધારે આ વાર્તા લખી હતી. અધિકારીઓએ ફરિયાદ કરી હતી કે સેનાને કારકિર્દી તરીકે પસંદ કરતા શિક્ષિત યુવાનોની સંખ્યા ઘટી રહી છે. જાવેદે તે વખતે ખાતરી આપી હતી કે તેઓ યુવાનો પ્રોત્સાહિત થાય તેવી એક ફિલ્મ લખશે.

તેમણે વિચાર કર્યો હતો કે યુવાનો સેનાને એક પસંદ નથી કરતા અને નવી પેઢીના છોકરાઓની જીવનના લક્ષ્યને લઈને શું સમસ્યા છે. તેમણે એક વાર્તા વિચારી હતી જેમાં એક યુવાન છોકરો સેનામાં એટલા માટે જોડાય છે કારણ કે તેના જીવનમાં કોઈ લક્ષ્ય નથી. અને એ પછી જ તેને તેનો અસલી મકસદ મળે છે, જેમાં તે હીરો તરીકે બહાર આવે છે.

ફરહાન કહે છે, “આ એક આઈડિયા હતો, પણ મને તેનું હાર્દ સ્પર્શી ગયું હતું. હું જ્યાં સુધી ફિલ્મો બનાવતો થયો ન હતો ત્યાં સુધી મને પણ એ ખબર નહોતી કે મારે જીવનમાં શું કરવું જોઈએ. અમે વાતચીત કરી અને પછી તેમણે (જાવેદે) આખો સ્ક્રિનપ્લે લખ્યો.”

‘લક્ષ્ય’ યુદ્ધની ફિલ્મ નથી. કારગિલનું યુદ્ધ તો ખાલી બેકગ્રાઉન્ડ છે. આ ફિલ્મ ખુદની તલાશ કરવા માટેનો, મહત્ત્વાકાંક્ષાને ઓળખવાનો અને જવાબદારીની ભાવનાને કેળવવાનો પ્રયાસ છે. ઘણા ખરા અંશે નવી પેઢીને આ ફિલ્મમાં ખુદનું પ્રતિબિંબ નજર આવ્યું હતું. જાવેદ અખ્તરે ફિલ્મના એક ગીતમાં આ વાતને ખૂબસુરતીથી પેશ કરી હતી :

અબ મુજકો યે કરના હૈ, અબ મુજે વો કરના હૈ

આખિર ક્યૂં મૈં ના જાનૂં, ક્યા હૈ કિ જો કરના હૈ

લગતા હૈ અબ જો સીધા કલ મુજે લગેગા ઊલટા

દેખો ના મૈં હું જૈસે બિલકુલ ઊલટા – પુલટા

બદલૂંગા મૈં અભી ક્યા 

મૈં એસા ક્યૂં હૂં, મૈં વેસા ક્યૂં હૂં

પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”;  28 મે 2025
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અન્ડરવેરને ખીસું

સુરેશ જાની|Opinion - Opinion|29 May 2025

તે દિવસે કપડાંના એક સ્ટોરમાં હું બેઠો હતો. મારી પત્ની ખરીદીમાં મશગૂલ હતી; અને મારે એની ખરીદી પતે એની રાહ જોવાની હતી. તે દિવસે સાથે વાંચવાની ચોપડી લાવવાનું ભુલી ગયો હતો; એટલે મારે નવરા બેઠા માખીઓ જ મારવાની હતી! અને આ અત્યંત ચોખ્ખાઈવાળા દેશમાં તો માખીઓ ય ક્યાં રેઢી પડેલી હોય છે? પ્રેક્ષાધ્યાન કરવા કોશિશ કરી; પણ કાંઈ ખાસ જામ્યું નહીં; એટલે હું આમતેમ ડાફોળિયાં મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

સ્પોર્ટ્સવેરના એ વિભાગમાં અન્ડરવેર લટકાવેલાં હતાં અને આકર્ષણ માટેની આ વિશેષતા ઊડીને આંખે વળગે તેવી હતી. ત્યાં મારી નજર એની ઉપર ગઈ.

 અન્ડરવેરને ખીસું.

મારા પિતાજી હમ્મેશ દરજી પાસે ખાસ અન્ડરવેર સિવડાવતા હતા; તે યાદ આવી ગયું. કોઈ ખિસ્સાકાતરૂ કારીગરી કરી ન જાય; એ માટે સાથેની રોકડ રકમ એ ખિસ્સામાં તેઓ રાખતા હતા.

પણ અહીં આ ફેશનેબલ દુકાનમાં અને તે ય સ્પોર્ટ્સના કપડાંમાં એની શી જરૂર? – આ ક્રેડિટ કાર્ડના જમાનામાં?

 હું ઊભો થયો, અને ધ્યાનથી એ માલનો અભ્યાસ કર્યો. ત્યારે કેવળજ્ઞાન લાધ્યું કે, જિમમાં વર્કઆઉટ કરતી વખતે અથવા જોગિંગ કરતી વખતે મોંઘાદાટ આઈફોન કે આઈપોડ રાખવા આ ખાસ સવલત બનાવનારે આપી હતી.

અને કોણ જાણે કેમ; તરત એ બાઈ યાદ આવી ગઈ.

દેશમાં એસ.ટી.ની બસમાં એ મારી બાજુની સીટ પર આવીને બેઠી હતી. કન્ડક્ટરે ટિકીટના પૈસા માંગ્યા; ત્યારે એણે સાલ્લાના છેડે વાળેલી ગાંઠ છોડીને નોટ કાઢી. ટિકીટ મળ્યા બાદ, વધારાની રકમ તેણે પાછી સાલ્લાના છેડે બાંધી દીધી.

કાળી મજૂરી કરીને કમાયેલી રકમ રાખવા એ બાઈ માટે પર્સ રાખવું એ લક્ઝરી હતી!

અને ઓલ્યા અન્ડરવેર પહેરીને જિમમાં વર્ક આઉટ કરનાર પાસે કેટલી બધી લક્ઝરી? શી જાહોજલાલી?

માનવતાના બે સામસામા ધ્રુવ પરનાં બે અંતિમ બિંદુઓ. એક પાસે રોજનો રોટલો મળે એની જ પેરવીઓ; અને બીજા પાસે એટલી સમ્પત્તિ કે, જિમ, જોગિંગ, આઈફોન, આઈપોડ અને એવું બધું.

કેટલી વિષમતા? બેની તુલના કરતાં આંખે ઝળઝળિયાં આવી ગયાં.

એનાથી વધારે હું શું કરી શકું તેમ પણ હતો?!

……

બે  સાવ સામસામે આવેલા ધ્રુવોના આ વર્ણપટ( spectrum)માં આપણે ક્યાંક હોઈએ છીએ. અને સૌને ધખારો ખિસ્સાવાળું અન્ડરવેર ધરાવવાનો હોય છે. સમગ્ર જિંદગીની મુસાફરી – એ ધ્રુવ પર પહોંચવા માટેનો વલોપાત. અથવા તો ત્યાં પહોંચી શકાય તેમ નથી; તે સત્ય સમજાતાં મોક્ષ મેળવી આ બધા ધખારાથી મુક્તિ મેળવવાનો ધખારો! પણ એ બન્ને વૃત્તિઓના વવળાટમાં ક્યાં ય ‘જ્યાં છીએ, ત્યાં બરાબર છીએ.’ – એમ માની, એ ઘડીમાં જીવવાના આનંદનો છાંટો માત્ર નહીં.

કદાચ એમ બને; અને મોટે ભાગે એમ બનતું પણ હોય છે કે, સાલ્લાના છેડે કાવડિયાં બાંધનાર વ્યક્તિ વર્તમાનમાં વધારે જીવતી હોય છે.

અને બીજી એક વાત ખીસાં બાબત – “માનવી જન્મે છે ત્યારે ઝભલું અને મૃત્યુ પામે ત્યારે કફન એ બન્ને અંતિમ છેડા ટાણે દેહના આવરણોને ખીસુ (ગજવું) નથી હોતું.” કશું લીધા વગર આવ્યા હતા; અને કશું લીધા વગર જવાનું છે. વાત તો એક જ છે. ખિસ્સાના ખેલ! એ અર્થહીન છે; તે જાણ્યા છતાં એના વગર આપણે જીવી નથી શકતા. બાળ અને કિશોર વયથી શરૂ થયેલી એ આદત – સોગાત ભેગી કરવાની – કફન ઓઢાડાય ત્યાં સુધી નથી જ જવાની! ખીસ્સું ભરેલું હોય કે ખાલી; બેન્ક એકાઉન્ટ તરબતર હોય કે, લઘુત્તમની નજીક – એ તો રહેવાના જ. લાખ ઉપદેશો ભલે ને મળ્યા કરે – બે કાન ભગવાને નિરર્થક નથી આપ્યા!

આને માનવ જીવનની લાક્ષણિકતા ગણીએ કે વિડંબના – એ જ તો માનવ જીવન છે. માટે આ બધી તરખડમાં પડ્યા વિના, ‘આ ઘડી’નું ખીસ્સું ખાલી ન રહી જાય, આનંદવિહોણું ન રહે – એનો હિસાબ રાખતા રહીએ તો?

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...321322323324...330340350...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved