Opinion Magazine
Number of visits: 9843336
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જયપ્રકાશ નારાયણ : સંપૂર્ણ ક્રાંતિના મહાનાયક

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 June 2025

બિહારમાં સરકાર ને સત્તા પક્ષના છેડેથી છાત્રયુવા અજંપા સાથે દમનદોરનો જયપ્રકાશે જે અનુભવ કર્યો તે કેમ જાણે હમણેના ગાળામાં કફનમાં છેલ્લા છેલ્લા ખીલા જેવો હતો

પ્રકાશ ન. શાહ

હવે થોડાં અઠવાડિયાં, અને કટોકટીરાજ જાહેર થયું એની પચાસવરસીએ પહોંચીશું. તે નિમિત્તે વર્તમાનમાં ખોડાઈ લગરીક ભૂત ને કંઈક ભાવિ જોવાતપાસવાનો સણકો કમબખ્ત કેડો મેલતો નથી.

2025ના જૂનની પાંચમીના ઉંબર કલાકોમાં ઊભી આજે 1974 અને 1975ના જૂનની પાંચમી નિમિત્તે થોડીક દિલખુલાસ નુક્તેચીની કરવા ચહું છું.

1975ના જૂનના પહેલા અઠવાડિયામાં બે-ત્રણ દિવસ ગુજરાતના ચૂંટણી પ્રવાસમાં હું જયપ્રકાશજીની જોડે હતો. વચ્ચે વચ્ચે યદૃચ્છા વાતો થતી રહેતી એ ગુજરાત વિશે કંઈક પૂછેસંભારે; વળી આ દિવસોમાં બિહારમાં શું હશે, શું નહીં, એનીયે વાત કંઈક સ્વગતોક્તિની રીતે કરે.

મુદ્દે, આગલા વરસની, 1974ની, પાંચમી જૂન એમને સારુ ખાસ હતી. અને ઓણ એ તારીખે તે બિહારમાં નથી, એનો કંઈક વસવસો પણ એમને હશે. જતી જિંદગીએ, જો કે નવપ્રભાતે, એક સિપેહસાલાર જુએ એવાં ક્રાંતિસપનાં એ જોતા હશે – અને તાકડે પોતે સીધી સમરભૂમિ એટલે કે બિહારમાં નથી, એ વાસ્તવિકતાએ કંઈક સોરવાતા પણ હશે.

નવનિર્માણના છાત્રયુવા સમુદાય સાથે દોસ્તી દિલ્લગી ને દિલની વાતો કરવાનો તો ગાંધી-રુઝાન ધરાવતી બિરાદરી સાથે લોકઆંદોલનને સંભવિત વળાંકની રીતે પ્રગટ મંથનનો એક દોર પૂરો કરી એમણે ફેબ્રુઆરીના બીજા-ત્રીજા અઠવાડિયામાં દિલ્હી મુકામ કીધો હતો. વડાં પ્રધાન ઇંદિરા ગાંધી સાથે તેમ વિપક્ષ નેતાઓ સાથેની વાતચીતમાં હજુ એ સંવાદખોજની ભૂમિકાએ હતા. બિહાર પહોંચ્યા અને ત્યાંની પરિસ્થિતિમાં સરકાર ને સત્તા પક્ષના છેડેથી છાત્રયુવા અજંપા સાથે દમનદોરનો જે અનુભવ કર્યો તે કેમ જાણે હમણેના ગાળામાં કફનમાં છેલ્લા છેલ્લા ખીલા જેવો હતો. શાંતિમય હિલચાલની શરતે એમણે યુવાનોનું નેતૃત્વ સ્વીકાર્યું ને આંદોલન આગળ ચાલ્યું. મને સાંભરે છે, એ જ મહિનાઓમાં તો ધર્મવીર ભારતીએ કાવ્યકેમેરે આબાદ ચિત્ર કંડાર્યું હતું :

ખલક ખુદા કા, મુલુક બારશાકા

હુકુમ શહર કોતવાલકા

હર ખાસો આમકો આગાહ કિયા જાતા હૈ

કિ ખબરદાર રહેં

ઔર અપને અપને કિવાંડો કો અંદરસે

કુંડી ચઢાકર બંદ કર લેં

ગિરા લેં ખિડકિયોં કે પરદે

ઔર બચ્ચોં કો બહાર સડક પર ભેજેં

ક્યોં કિ

એક બહત્તર બરસકા બૂઢા આદમી

અપની કાંપતી કમજોર આવાજ મેં

સડકોં પર સચ બોલતા હુઆ નિકલ પડા હૈ!

જયપ્રકાશ ચિત્રમાં આવ્યા ત્યારે એમને મન મુદ્દો કેવળ રાજીનામાંમાં સીમિત નહોતો. ધોરણસરની નવી ચૂંટણીની વાત તો જાણે ખરી, પણ કાયદા કાનૂનની ન એવીતેવી વાતે અગર આટેપાટે અટકવાનો ખયાલ મુદ્દલ નહીં : ગાંધીમાહોલમાં એ આઝાદીના જંગમાં કૂદી પડ્યા હતા તે માત્ર ગોરા સાહેબોને સ્થાને કાળા કે ઘઉંવરણા સાહેબોના સ્થાપના સારુ તો નહીં – એ લડાઈ સમાજ પરિવર્તનની હતી. વંદેમાતરમનો નારો ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ના દોર સાથે નકરા રાજપલટાથી આગળ જવા સારુ હતો. સન સુડતાલીસ પછી ધારો કે એ ધારા છૂટી ગઈ હોય તો હવે આ એના પુન:આ‌વાહનની પળ હતી – હાસ્તો, ’47નું ઊંધું ’74! 1974ની પાંચમી જૂને એટલે સ્તો પટણાના ગાંધી મેદાનમાં વિરાટ રેલીને સંબોધતા જયપ્રકાશે કહી નાખ્યું’તું કે આ જંગ સાપનાથ જાય અને નાગનાથ આવે એટલા પૂરતો નથી … સંપૂર્ણ ક્રાંતિનો આ જંગ છે, સંપૂર્ણ ક્રાંતિનો!

બરાબર અંતે વરસ પૂરું થઈ રહ્યું છે ને ત્યારે પોતે પટણામાં એની રૂ-બ-રૂ યાદ આપવા વાસ્તે નથી એનો એમને કંઈક ખટકો હતો. સ્વગતોક્તિની રાહે એ કંઈક ગણગણતા પણ જણાયા હતા – ગર મૈં વહાઁ હોતા …

સામ્રાજ્ય પરિવર્તનના આંદોલનમાં સત્તા પરિવર્તન – વિધાનસભાની ચૂંટણીએ ફતેહ સાથે અને છતાં બેડો ગરક તો નહીં થઈ જાય ને એ એમની અમૂઝણ હતી.

ગમે તેમ પણ, નડિયાદની જાહેર સભા પછી વિઠ્ઠલ વિદ્યાલયમાં ઉત્સાહી યુવજનો સાથે વાર્તાલાપ કરવાનો બન્યો ત્યારે જયપ્રકાશ પાછા અસ્સલ મિજાજમાં આવી ગયા. કોઈએ ચંબલના બાગીઓ વિશે પૂછ્યું તો એમણે જે જવાબ આપ્યો એ હતો પણ રસિક એટલો જ સૂચક કે એના કરતાં હાલનું કામ લગાર કાઠું છે!

વડોદરા પહોંચ્યા, જ્યોતિના ગેસ્ટ હાઉસમાં – ને એ કંઈક આરામ સારુ આડા પડ્યા ત્યાં મને (અલબત્ત એમના માટે) મળવા પત્રકાર મિત્રો કિરીટ ભટ્ટ ને વિક્રમ રાવ આવી પહોંચ્યા. એમની ચિંતા રાજ્યના મંત્રી અને પૂર્વ મેયર ઠાકોરભાઈ જેવા બધી જ રીતે પહોંચતા ઉમેદવાર સામે જનતા મોરચાના આજીવન સેવાવ્રતી ને અક્ષરશ: અકિંચનવત પેંઢારકરની ઉમેદવારીને અંગે હતી. એ તો વાત કરીને ગયા, પણ જે.પી. ઊઠ્યા ત્યારે એમને મેં આ વાત કરી. પેંઢારકરને એ જૂના સમાજવાદીને નાતે જાણતા પણ હશે. 

એમણે મને કહ્યું, તું એક ચિઠ્ઠી લખીને તૈયાર રાખજે અને મારા વક્તવ્યમાં હું હાલની ચૂંટણીપ્રથા ને આકરા ખર્ચા વિશે કહું કે તરત મને આપજે. હું એક રાજકીય સંપન્ન સામે સમર્પિત વિપન્નનું સમર્થન એ લોકશાહીની જરૂરત છે તે નામજોગ સમજાવીશ. કહેવાની જરૂર નથી, આ ચિઠ્ઠી કરામતે ચૂંટણી પરિણામમાં રંગ દાખવ્યો હતો!

બીજે દિવસે રાત્રે રાજકોટની સભા પૂર્વે મેં ચિમનભાઈ શુક્લને કહ્યું કે જે.પી.ના ભાષણ પૂર્વે અમારી સાથેનાં મંદાબહેન, બિહાર આંદોલનનું ધ્રુવગીત ગાશે : ‘જયપ્રકાશ કા બિગુલ બજા તો જાગ ઊઠી તરુણાઈ હૈં.’ જયપ્રકાશે ભાષણની શરૂઆતમાં જ આ ગાન સંભાર્યું ને કહ્યું કે તે કોઈ ચૂંટણીગીત નથી. પરિણામ પછી પણ ચાલુ લડતનું એ સંકલ્પગાન છે ને પોતે એની જોડપંક્તિ ઉમેરી : ‘તિલક લગાને તુમ્હેં જવાનોં ક્રાંતિ દ્વાર પર આયી હૈ.’

જૂન ’74થી જૂન ’75 વચ્ચેની એક વરસની મજલમાં જે.પી. ભરજોસ્સે કદાચ જોતા હતા કે તિલક ને દ્વાર વચ્ચે અંતર હોવાનું છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 04 જૂન 2025

Loading

કઠોર, અનુચિત અને વિચિત્ર એવી જામીનની શરતો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 June 2025

ચંદુ મહેરિયા

કથિત અપરાધીને મળતા જામીન ક્રિમિનલ લો સિસ્ટમનું અગત્યનું ઘટક છે. જરૂર પડે ત્યારે અદાલત સમક્ષ હાજર થવાના વચન સાથેની કહેવાતા આરોપી કે પ્રતિવાદીની સશર્ત જેલમુક્તિ એટલે જામીન. જ્યાં સુધી કોઈ આરોપીને અદાલત દોષિત ન ઠેરવે ત્યાં સુધી તે નિર્દોષ છે અને જામીનનો હકદાર છે. ગુનેગારના અધિકારો અને રાજ્યના હિતો વચ્ચે જામીન સંતુલન સાધે છે. 

જામીન માટે કાયદામાં કોઈ અલાયદી વ્યવસ્થા નથી. સર્વોચ્ચ અદાલતે એકાધિક વાર જામીનના અલગ કાયદાની હિમાયત કરી છે. પરંતુ હાલ તો તેની અનુપસ્થિતિમાં જામીન આપવા તે ન્યાયાલયના ન્યાયિક વિવેક પર આધારિત છે. આરોપીનો ગુનો કે તેની સામેના આરોપોને ધ્યાનમાં રાખીને તેને શરતોને આધીન હંગામી, કાયમી અને આગોતરા જામીન આપવામાં આવે છે. જામીનની શરતોમાં મુખ્યત્વે સાક્ષીઓ પર દબાણ ઊભું ન કરવું,  સાક્ષીઓને ફોડવાના પ્રયાસો ન કરવા અને આરોપીએ તેની સામેના કેસને અસર થાય તેવું કશું ન કરવું તેનો સમાવેશ થાય છે. પરંતુ આજકાલ અદાલતો અજીબોગરીબ, કઠોર અને અનુચિત શરતો જામીન આપતા લાદે છે. 

મૂળે હરિયાણાની એક વ્યક્તિ પર છેતરપિંડી સહિતના અપરાધોની તેર પોલીસ ફરિયાદો જુદા જુદા રાજ્યોમાં થઈ હતી. આરોપીને તમામ કેસોમાં જામીન મળ્યા, પરંતુ તે જેલમાંથી બહાર આવી શક્યો નહીં, કારણ કે માત્ર બે જ કેસમાં તે જામીનની શરતો પૂરી કરી શક્યો હતો. બાકીના કેસોમાં જામીનની શરતો પૂરી થાય એવી નહોતી. તમામ કેસોમાં અલગ અલગ જામીનદાર આપવાની સ્થિતિમાં આરોપી નહોતો. વળી કેટલાક રાજ્યોની હાઈકોર્ટોએ તો સ્થાનિક જામીનની માંગણી કરી હતી. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો તો અદાલતે કહ્યું કે આ તો વ્યક્તિને જામીન ન આપ્યા બરાબર કે એક હાથે આપીને બીજા હાથે લઈ લેવા જેવું છે. જામીનની આવી શરતો કથિત આરોપી માટે અંતહીન જેલની સજા હોય છે. આખરે સર્વોચ્ચ અદાલતે આરોપીની જામીનની શરતો હળવી કરતાં તેનો છૂટકારો શક્ય બન્યો હતો.

ડ્રગ તસ્કરીના કેસમાં પકડાયેલા એક નાઈજીરિયન નાગરિકના જામીન અંગે દિલ્હી હાઈકોર્ટે ગૂગલ મેપથી તેનું લોકેશન તપાસ અધિકારીને મોકલવા, વિદેશી નાગરિક હોઈ દેશ છોડી ભાગી નહીં જાય તેવું પ્રમાણપત્ર નાઈજીરિયન દૂતાવાસ કે ઉચ્ચાયોગ પાસેથી મેળવી રજૂ કરવાની શરતો મૂકી હતી. આંધ્ર હાઈકોર્ટે ચંદ્રાબાબુ નાયડુ પરના એક કેસમાં તેઓ જાહેર રેલીઓ કે સભા-સરઘસોમાં ભાગ લઈ નહીં શકે તેવી જામીનની શરતો મૂકી હતી. ઓડિસા હાઈકોર્ટે આરોપીને પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ રીતે રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લેવાની,  રાજસ્થાન હાઈકોર્ટે  એક લાખ દંડ, એક લાખનાજામીન અને રૂ. પચાસ હજારના બેલ બોન્ડ રજૂ કરવાની શરતો રાખી હતી. સુપ્રીમ કોર્ટને જામીનની શરતો કઠોર અને અનુચિત લાગતાં તેણે હળવી કરી હતી. સાથે જણાવ્યું હતું કે બંધારણના અનુચ્છેદ ૨૧ મુજબ જામીનના હકનો જીવવાના અને જીવનની સ્વતંત્રતાના હકમાં સમાવેશ થાય છે. બેલ કન્ડીશન એવી ન હોવી જોઈએ કે જેથી કથિત આરોપીનો છૂટકારો ન થાય. વળી દંડની શરત તો સજા બરાબર છે અને તે અયોગ્ય છે. આરોપી ગુના કરવાની ટેવ ધરાવે છે એવા આરોપથી જામીનનો ઈન્કાર પણ ન થઈ શકે તેમ પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે. 

ઘણીવાર અદાલતો અસંગત કે કેસ સાથે સીધો સંબંધ ન ધરાવતી જામીન શરતો પણ મૂકે છે. અલ્હાબાદ હાઈકોર્ટે મોહમ્મદઅલી જૌહર યુનિવર્સિટી, રામપુરને સીલ કરવાની શરતે આજમ ખાનના જામીન મંજૂર કર્યા હતા. આ શરત સર્વથા અયોગ્ય હતી. યૌન ઉત્પીડનના આરોપીની જામીનની શરત મધ્ય પ્રદેશની હાઈકોર્ટે પીડીતા પાસે રાખડી બંધાવવાની મૂકી હતી. બળાત્કારના કેસના કથિત ગુનેગારને ફરિયાદી યુવતી સાથે લગ્ન કરવાની શરતે જામીન પર જેલમાંથી મુક્ત કર્યો હોવાનું પણ બન્યું છે. જામીનની આ પ્રકારની શરતો અંગે ટિપ્પણી કરતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું, કોર્ટોએ તેના જામીન આદેશોમાં અને શરતોમાં મહિલાઓ અને સમાજમાં તેમની સ્થિતિ બાબતે રૂઢિવાદી કે પિતૃસત્તાત્મક માન્યતાઓ વ્યક્ત કરવાથી બચવું જોઈએ. 

અવ્યવહારુ, અસંભવ અને પાળવી મુશ્કેલ એવી જામીનની શરતોથી બચવા સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. જામીન બોન્ડ, રોકડ જામીન, સંપત્તિની માલિકી જેવી જામીનની શરતો ગરીબો માટે પાળવી મુશ્કેલ છે અને આ પ્રકારની શરતોથી તેમને છતે જામીને જેલમાં ગોંધાઈ રહેવું પડે છે. આપણી અદાલતો તમામ અપરાધીને પૈસાપાત્ર અને ધનવાન સંબંધી ધરાવતા માને છે તેને લીધે આ પ્રકારની શરતો મૂકે છે. જે આખરે ગુનેગારને કનડે છે. એક સરખા અપરાધમાં એક્ને મોટી રકમ અને બીજાને નાની રકમના જામીન બોન્ડની શરતો જોવા મળી છે. એક્ને કઠોર શરતો અને બીજાને નરમ શરતો, એક પર કઠોર પ્રતિબંધ અને બીજાને કોઈ બંધી જ નહીં એવા ભેદભાવો પણ અદાલતોએ જામીનની શરતોમાં કર્યા છે. 

જામીન માટે કેટલીક વિચિત્ર કહી શકાય તેવી શરતો પણ અદાલતો મૂકે છે. એક યુવતીની છેડતીના કેસમાં પકડાયેલા ધોબીનો વ્યવસાય કરતી વ્યક્તિને બિહારની સ્થાનિક અદાલતે છ મહિના સુધી ગામની મહિલાઓનાં કપડાં ધોવાની શરતે જામીન મંજૂર રાખ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટે જામીન મંજૂર કરતાં કથિત આરોપીને ગૌશાળામાં એક લાખનું દાન કરવા, એક મહિનો ગૌ સેવા કરવાની શરત મૂકી હતી. પાંચ ગરીબ બાળકોના એક વરસનો શિક્ષણ ખર્ચ ઉઠાવવાની શરતે ગેરકાયદે દારુ વેચતા વ્યક્તિને જામીન મળ્યા હતા. કોમી ઉશ્કેરણી કરતી સોશિયલ મીડિયા પોસ્ટના કથિત અપરાધીને રાંચી કોર્ટે પાંચ લાઈબ્રેરીમાં કુરાનની નકલો આપવાની શરતે જામીન આપ્યા હતા. હત્યાના આરોપીને મધ્ય પ્રદેશ  હાઈકોર્ટે વૃક્ષો વાવવાની, તેનો ઉછેર કરવાની, છ થી આઠ ફૂટનાં દસ વૃક્ષો માટે ટ્રીગાર્ડ લગાવવાની અને ત્રણ વરસ સુધી દર ત્રણ મહિને તેના ફોટા કોર્ટને મોકલવાની શરતે જામીન આપ્યા હતા. જ્યારે જામીનનો નિર્ણય અદાલતના વિવેક પર અને આરોપી પરના આરોપ પર નિર્ભર હોય ત્યારે સામાન્ય કે ગંભીર ગુનાના આરોપી પર આવી અજીબોગરીબ  શરતો લાદતું ન્યાયતંત્ર સમજવું મુશ્કેલ બને છે. 

જો કે આપણી અદાલતો જેમ કેટલાક કિસ્સામાં અતિ કઠોર હોય છે તેમ કેટલાકમાં અતિ નરમ પણ હોય છે. ૧૪ વરસની અનાથ સગીરા ભત્રીજી પર બળાત્કાર કરનાર વીસ વરસના યુવાન કાકાને બોમ્બે હાઈકોર્ટે એ શરતે જામીન આપ્યા હતા કે આરોપીની ઉંમર નાની છે એટલે તેને પસ્તાવો થશે! પટણા હાઈકોર્ટે સત્તાધારી જે.ડી.યુ.ના વિધાન પરિષદ સભ્યના પુત્રને ગેરકાયદે ખનનના મની લોન્ડરિગ, પી.એમ.એલ.એ. હેઠળના કેસમાં જામીનની કઠોર જોગવાઈઓ બાજુ પર રાખીને જામીન આપ્યા. એટલું જ નહીં પોતાના જામીન હુકમમાં નિર્ણયના સમર્થનમાં સર્વોચ્ચ અદાલતનું કથન જેલ અપવાદ છે, જામીન નિયમ છેનો હવાલો આપ્યો અને અદાલતના સ્વવિવેકનો ઉલ્લેખ કર્યો હતો. જો કે આ બાબતે સર્વોચ્ચ અદાલતે આકરું વલણ દાખવી જામીન રદ્દ કર્યા હતા. 

જામીનની શરતોના મુદ્દે પ્રવર્તતી આ પ્રકારની સ્થિતિનો એક ઉકેલ જામીનનો અલાયદો કાયદો હોઈ શકે. જામીનની શરતોનું પુનર્મૂલ્યાંકન અને સરળીકરણ કરવાથી તે વધુ  સુલભ બનશે અને ગરીબો, વંચિતોને રાહત મળશે. મનમાની ધરપકડો અને ખોટા કેસો, કે જેલોમાં સબડતા અન્ડર ટ્રાયલને જામીનની પાળવી સરળ શરતો જેલ મુક્તિ અપાવી શકે છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

ધાર્મિક સામયિકો માણસને કૂપમંડૂક બનાવે છે

રમેશ સવાણી|Opinion - Opinion|4 June 2025

રમેશ સવાણી

જ્યારે મનગમતું સામયિક બંધ થાય ત્યારે મનગમતાી વ્યક્તિનું અવસાન થયું હોય, એવી લાગણી થાય છે. સામાજિક નિસ્બતને વાચા આપતા પાક્ષિક ‘નયામાર્ગ’ બંધ કરવાનો નિર્ણય સંપાદક ઇન્દુકુમાર જાનીએ લીધો ત્યારે બહુ દુઃખ અનુભવ્યું હતું. 

વિજ્ઞાન અને જનરલ નોલેજની ચર્ચા કરતું ‘સફારી’ મેગેઝિન 1 જૂન 2025થી બંધ થયું છે. અંક-369 છેલ્લો. પ્રથમ અંક 1 ઓગસ્ટ 1980ના રોજ પ્રગટ થયો હતો. ‘સફારી’માં વિજ્ઞાન પરના લેખો / ઇતિહાસ / વર્તમાન બાબતો / ફેક્ટ-ફાઇન્ડર / સંરક્ષણ પરના લેખો વાંચકોને ગમતા. તે નાના બાળકો, વિદ્યાર્થીઓ તેમ જ વડીલોમાં વંચાતું. ‘સફારી’ની ટેગલાઇન હતી : ‘બુદ્ધિશાળી બાળકો માટેનું મેગેઝિન !’

જો કે તેમાં સામાજિક ન્યાયના પ્રશ્નોની ચર્ચા થતી ન હતી. પરંતુ વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તો જ સામાજિક ન્યાયની વિભાવના ગળે ઊતરે. એ દૃષ્ટિએ ‘સફારી’નું મૂલ્ય હતું. 

‘સફારી’નું એક નબળું પાસું એ હતું કે તેણે આપણા નાયકો પર ધૂળ ફેંકવાની, નાયકોને ખલનાયક અને ખલનાયકોને નાયક બનાવવાની કુચેષ્ટા પણ કરી હતી. નેહરુ અને ગાંધી પરત્વે ધૃણા પ્રગટે તેવી સ્ટોરી કરી હતી. નેહરુ / ગાંધીની ભૂમિકા ચકાસતા પહેલા તે સમયનો કાળખંડ, તે સમયના સંજોગો ધ્યાને લીધા ન હતા. ઇતિહાસના વિશાળ ફલકમાંથી એકાદ ટુકડો ઉઠાવીને તેને જ સંપૂર્ણ ચિત્ર તરીકે રજૂ કરવાની ‘સફારી’એ ચેષ્ટા કરી હતી. છેલ્લા વરસોમાં તંત્રી નગેન્દ્ર વિજય એટલા કટ્ટર થઈ ગયેલા કે તમામ પૂર્વ વડા પ્રધાનોની ભૂલોને હાઈલાઇટ કરીને મોદીને અને સંઘને મહાન ચીતરી રહ્યા હતા !

નગેન્દ્ર વિજય છેલ્લા અંકમાં લખે છે : “અરમાનો મારો કેડો મૂકવા તૈયાર નથી. જીવનના 81મા વર્ષમાં છું. છતાં હજી લખતા રહી ‘સફારી’ નામના જ્ઞાનયજ્ઞને પ્રજ્વલિત રાખવા માગું છું. દુર્ભાગ્યે લાચાર છું. તન-મનથી સક્ષમ હોવા છતાં મજબૂર છું. મનોબળ લોખંડી છે, પરંતુ સંજોગોનું પ્રતિબળ ચડિયાતું નીવડ્યું છે. મારે લખવું તો છે, પરંતુ વાંચનારા નથી. સ્માર્ટફોનની અને સોશ્યલ મીડિયાની બોલબોલાના સંજોગોમાં જ્ઞાનવિજ્ઞાનના ‘સફારી’નો ફેલાવો અગાઉની સરખામણીએ છઠ્ઠા ભાગ જેટલો પણ રહ્યો નથી. નકલોની સંખ્યા તળિયે બેસી જવાને લીધે આવક-જાવકના બે છેડાઓ ભેગા કરવાનું તો જાણે કપરું બને, પણ વાચકોના અભાવને લીધે હૃદયમાં વરતાતો ખાલીપો હવે કલમને ચાલવા દેતો નથી.”

ગુજરાતી મા-બાપોને પોતાના સંતાનો IAS / IPS / વર્ગ-1/2ના અધિકારી બને તેની તમન્ના હોય છે, પરંતુ ઘરમાં ધાર્મિક સામયિકો મંગાવે છે. પ્રથમ દૃષ્ટિએ એવું લાગે કે ધાર્મિક સામયિકો લાભ કરે, નુકસાન ન કરે; પરંતુ ધાર્મિક સામયિકો માનસ-પ્રદૂષણ કરે છે; વાંચનારને અંધશ્રદ્ધાળુ બનાવે છે; પરીક્ષામાં સફળતા માટે ધાર્મિક સ્થળોએ ચક્કર લગાવતો કરી મૂકે છે !

ધાર્મિક સામયિકો વાંચતા માણસમાં કેવી વિચારધારાનું ઘડતર થાય છે તે જોઈએ : 

[1] તે એવું માને છે કે બધી વ્યવસ્થા ઈશ્વરે કરી છે. તેથી જે વ્યવસ્થા છે તે બરાબર છે. અસ્પૃશ્યતા છે તે પણ બરાબર છે. વર્ણવ્યવસ્થા પણ બરાબર છે. આવી વ્યવસ્થામાં ફેરફાર કરવો એટલે ઈશ્વરના કામમાં હસ્તક્ષેપ કરવો ! 

[2]  ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું હલતું નથી. ઈશ્વર સૌનું ભલું કરશે. એટલે સામાજિક ન્યાયની કોઈ યોજના કરવી તે ઈશ્વરની શક્તિને પડકારવા બરાબર ગણાય ! 

[3] અન્યાય / શોષણ / યૌન શોષણ / ગુંડાગીરી વગેર માટે ઈશ્વર જન્મ લેશે અને બધાને સીધા કરી દેશે ! એટલે આપણે જાગૃત થવાની જરૂર નથી ! 

[4] લોકશાહી કરતાં સામંતશાહી / રાજાશાહી મૂલ્યો ઉત્તમ છે; એટલે કથાઓ / પારાયણોમાં હાજરી આપી ધન્ય બનવું જોઈએ ! ધર્મના એજન્ટો જરૂર ઈશ્વરને જમીન પર ખેંચી લાવશે ! 

[5] ધાર્મિક સામયિક વાંચનાર સામાજિક ન્યાયની નીતિની વિરુદ્ધ હોય છે; અનામત નીતિનો પ્રખર વિરોધી હોય છે ! 

[6] હિન્દુ / મુસ્લિમ / ખ્રિસ્તી ધર્મના સામયિકો માણસને કટ્ટર બનાવે છે, અને માણસમાંથી માણસાઈ ખેંચી લે છે ! ધર્મ ક્યારે ય માણસને માનવવાદી બનાવતો નથી, હંમેશાં સાંપ્રદાયિક બનાવે છે ! 

[7] ધાર્મિક સામયિકો માણસને અંધશ્રદ્ધાળું બનાવે છે. ચમત્કારમાં માનતો થઈ જાય છે. આત્મવિશ્વાસ ગુમાવે છે એટલે ધર્મના એજન્ટોના પગ પકડે છે ! તેઓ સ્વર્ગ / મોક્ષ / અક્ષરધામના ઘૂઘરા પકડાવી દે છે અને તન / મન / ધનનું શોષણ કરે છે ! 

[8] સતત જૂઠું બોલનાર / સતત ખોટા વચનો આપનાર નેતા તેમને વિશ્વગુરુ લાગશે ! એનો કોઈ વિકલ્પ જ નથી એવા નિર્ણય પર આવીને તેમની સ્તુતિ કરશે ! નેતાની નિષ્ફળતામાં સફળતા શોધ્યા કરશે ! યૌન શોષણના ગુનેગારને છાવરે તો પણ કહેશે કે મહિલા સશક્તિકરણમાં તેમનું યોગદાન હિમાલય કરતા ઊંચું છે ! વ્યક્તિને ઓળખવાની શક્તિ ગૂમાવી દે છે ! ધાર્મિક સામયિકો માણસની વિવેકશક્તિ છીનવી લે છે ! ધાર્મિક સામયિકો માણસને કૂપમંડૂક બનાવે છે ! 

[9] જે કામ ડાયરા કલાકારો કરે છે તે કામ જ્ઞાતિ-જાતિના સામયિકો કરે છે. તે માણસને સંકુચિત બનાવે છે ! મિથ્યાભિમાની બનાવે છે. 

ટૂંકો અને સરળ રસ્તો છે : ઘરમાં રેશનલ અભિગમને દૃઢ કરે તેવાં પુસ્તકો વસાવો. સંતાનો પોતાની મેળે કારકિર્દી બનાવી લેશે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...313314315316...320330340...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved