Opinion Magazine
Number of visits: 9664534
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંસદમાં અધ્યક્ષ શાસક પક્ષ અને વિપક્ષથી સરખે અંતરે રહે તે જરૂરી છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 April 2025

રવીન્દ્ર પારેખ

લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભા અધ્યક્ષ શાસક પક્ષ અને વિપક્ષના પ્રચાર-પ્રસાર કે તિરસ્કાર માટે નથી. તેમણે શાસક પક્ષ અને વિપક્ષથી સરખું અંતર જાળવવાનું છે, પણ કમભાગ્યે તેવું ઓછું બને છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકારો અને રાજ્યપાલો વચ્ચે કોઈ મુદ્દે નાની મોટી ચડભડ ચાલ્યા કરતી હતી. તેથી ક્યારેક રાજ્યપાલો મનમાની પણ કરતા હતા. જેમ કે, તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ વિધાનસભામાં મંજૂર થયેલાં બિલો રોકી રાખ્યાં હતાં. બન્યું હતું એવું કે 2020થી 2023 દરમિયાન તમિલનાડુ વિધાનસભામાં પસાર કરાયેલ 12 બિલ રાજ્યપાલ રવિની મંજૂરી માટે મોકલવામાં આવ્યાં, પણ તેમણે તે દબાવી રાખ્યાં એટલે તમિલનાડુ સરકારે સુપ્રીમનો સંપર્ક કરતાં રાજ્યપાલે 10 બિલો સહી કર્યા વિના પરત કર્યાં ને 2 બિલો રાષ્ટ્રપતિને વિચારણા માટે મોકલી આપ્યાં. સરકારે ફરી 10 બિલો પસાર કર્યાં, તો રાજ્યપાલે તે રાષ્ટ્રપતિને મોકલી દીધાં. 

પાછળથી સુપ્રીમે રાજ્યપાલની બિલ રોકવાની પ્રવૃત્તિને ગેરકાયદેસર ઠેરવી. જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે રાજ્યપાલને ટકોર કરી કે તેમણે પક્ષકારોની ઈચ્છા મુજબ નહીં, પણ બંધારણ મુજબ કાર્ય કરવું જોઈએ. સુપ્રીમે એવું પણ ઠેરવ્યું કે રાજ્યપાલે પ્રમાણિકતા ન દાખવી એટલે એ 10 બિલો મંજૂર થયેલાં જ ગણાય. એ હિસાબે તો રાજ્યપાલની સહી વિના બિલને મંજૂરી મળવાની આ કદાચ પહેલી ઘટના છે. 

આ ગરબડ થવાનું એક કારણ એ પણ ખરું કે બંધારણમાં બિલને મંજૂરી અંગેની કોઈ સ્પષ્ટતા નથી. બિલ ‘શક્ય તેટલું વહેલું’ મંજૂર કરવાની વાત બંધારણમાં છે, પણ તે અંગે કોઈ ચોક્કસ સમય મર્યાદાની વાત એમાં નથી, એટલે રાજ્યપાલ તેને ઠીક લાગે તેટલો સમય લે, તો તે પણ ‘શક્ય તેટલું વહેલું’ જ ગણાય. એ સ્થિતિમાં રાજ્ય સરકાર અસરકારક રીતે કામ ન કરી શકે. આ વાત સુપ્રીમ કોર્ટની નજરે ચડતાં તેણે સ્પષ્ટ કર્યું કે રાજ્યપાલ ચૂંટાયેલી સરકારનાં બિલો અનિશ્ચિત સમય સુધી રોકી શકશે નહીં. કોઈ પણ બિલ તેમણે 1 મહિનામાં મંજૂર કરવાનું રહે છે. રાજ્યપાલ બિલ રાષ્ટ્રપતિને મોકલે છે, તો રાષ્ટ્રપતિએ પણ ત્રણ મહિનામાં બિલ મંજૂર કરવાનું રહે છે. સુપ્રીમે એમ પણ કહ્યું કે કોઈ બિલ મંજૂર કરવામાં વિલંબ થાય, તો તેનું કારણ જણાવવાનું અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટની આ વાત એટલે પણ મહત્ત્વની છે કે બંધારણના અનુચ્છેદ 201માં રાજ્યપાલે બિલ કેટલા સમયમાં મંજૂર કરવું તે અંગે કોઈ સ્પષ્ટતા ન હતી. તેને અંગે હવે સરળતા એ થઈ કે ચોક્કસ સમય મર્યાદામાં નિર્ણય લેવાનો થશે. એટલું છે કે સુપ્રીમ કોર્ટે આપેલી અવધિને લીધે બિલ હવે 3 મહિનાથી વધુ સમય સુધી પેન્ડિંગ નહીં રહે. આમ છતાં રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ નક્કી સમય મર્યાદામાં કામ નહીં કરે તો રાજ્ય સરકાર કોર્ટમાં જઈ શકે છે. 

જસ્ટિસ જે.બી. પારડીવાળા અને જસ્ટિસ આર. મહાદેવને વધુ સ્પષ્ટતા એ કરી કે જો કોઈ બંધારણીય સત્તા ચોક્કસ સમય મર્યાદામાં પોતાની ફરજો નહીં બજાવે તો કોર્ટ પણ હાથ જોડીને બેસી નહીં રહે. અત્યાર સુધી કલમ 201માં સમય મર્યાદાનો ઉલ્લેખ ન હોવાને કારણે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ભવાં તણાયેલાં રહેતાં હતાં. એ સ્થિતિમાં 90 દિવસની મુદત નક્કી થતાં બિલો મંજૂર કરવામાં હવે કોઇની મનમાની નહીં ચાલે. સુપ્રીમની બેન્ચે ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિ માટે કોઈ મર્યાદા નક્કી ન કરી શકાય, પણ આ મામલે તેઓ નિષ્ક્રિય ન રહે એ પણ અપેક્ષિત છે.

આ ચુકાદાથી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ખાસા નારાજ છે. રાજ્યપાલ દ્વારા વિચારણા માટે મોકલાતા ખરડા અંગે રાષ્ટ્રપતિએ ત્રણ મહિનામાં નિર્ણય લેવાના સુપ્રીમના આદેશ અંગે, ઉપરાષ્ટ્રપતિએ તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે રાષ્ટ્રપતિને 90 દિવસમાં નિર્ણય લેવાનું પહેલી વખત કહેવાયું છે. ભારતે એવી લોકશાહીની કલ્પના કરી નથી જેમાં રાષ્ટ્રપતિને નિર્ધારિત સમયમાં નિર્ણય લેવાની ફરજ પાડવામાં આવી હોય. ધનખડે એમ પણ કહ્યું કે બંધારણની કલમ 142 હેઠળ કોર્ટને આપવામાં આવેલી વિશેષ સત્તાઓ લોકશાહી શક્તિઓ સામે ચોવીસે કલાકની પરમાણુ મિસાઇલ બની ગઈ છે ને ન્યાયાધીશો ‘સુપર સંસદ’ ચલાવી રહ્યા છે. ડી.એમ.કે.ના રાજ્યસભાના સાંસદ તિરુચિ શિવાએ ધનખડની ટિપ્પણી અનૈતિક ગણાવીને ઉમેર્યું કે બંધારણ જ સર્વોચ્ચ છે. ઉપરાષ્ટ્રપતિની નારાજગીનું કારણ એ છે કે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને આદેશ આપ્યો. જજ કાયદો ઘડે એવી કલ્પના કરી ન હતી. જજો કાયદા ઘડે, કાર્યકારી જવાબદારી નિભાવે ને ‘સુપર સંસદ’ તરીકે કામ કરે ને છતાં તેમને દેશના કાયદા લાગુ ન પડે એવી હૈયાવરાળ ઉપરાષ્ટ્રપતિએ ઠાલવી છે. 

ઉપરાષ્ટ્રપતિને વાંધો એ છે કે જજના ઘરેથી કરોડો રૂપિયા મળે તેની એફ.આઇ.આર. પણ ન થાય ને બીજી તરફ રાષ્ટ્રપતિને નક્કી સમય મર્યાદામાં નિર્ણય લેવાની ફરજ પાડવામાં આવે છે. જજો કાયદા ઘડે છે – એવી ધનખડ જેવી જ વાત લોકસભાના ભા.જ.પ.ના સાંસદ નિશિકાંત દુબે કરે છે. તેઓ કહે છે કે સુપ્રીમ જ કાયદો બનાવવાની હોય તો સંસદ બંધ કરી દેવી જોઈએ. બંધારણના અનુચ્છેદ 368 મુજબ કાયદો ઘડવાનું કામ સંસદનું છે ને તેની વ્યાખ્યા કરવાનું કામ સુપ્રીમનું છે. તેને બદલે નિશિકાંતને એમ લાગે છે કે કાયદો પણ સુપ્રીમ જ બનાવે છે. જો કે, નિશિકાંત દુબેના નિવેદનથી ભા.જ.પ. અધ્યક્ષ જે.પી. ચડ્ઢાએ હાથ ઊંચા કરી દેતા કહ્યું છે કે નિશિકાંતનાં નિવેદન સાથે ભા.જ.પ.ને કોઈ લેવા દેવા નથી. નિશિકાંત પક્ષની તરફેણમાં સંસદ બંધ કરવાની કે સુપ્રીમની કાયદો બનાવવાની વાત કરી શકે, પણ ઉપરાષ્ટ્રપતિ એવું ન કહી શકે, કારણ તે પક્ષના કે વિપક્ષના પ્રવક્તા નથી. તેમણે તો બંનેથી સરખું અંતર જાળવવાનું છે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની વાતો પ્રથમ દૃષ્ટિએ યોગ્ય લાગે, પણ એમ થવું જોઈએ કે સુપ્રીમ કે સંસદ એકબીજાની સ્પર્ધામાં ન રહેતાં, એકબીજાનાં પૂરક રહે. થોડા ઊંડા ઊતરીએ તો એટલું સમજાશે કે આખું બખડજંતર તમિલનાડુના રાજ્યપાલે બિલો દબાવી રાખ્યા તેથી થયું. તેમની સહી વગર પાછળથી જે બિલો સુપ્રીમે મંજૂર કર્યાં, તે રાજ્યપાલ પોતે સહી કરીને મંજૂર કરી શક્યા હોત. તે ન થયું એટલે રાજ્ય સરકારે સુપ્રીમનો દરવાજો ખટખટાવવો પડ્યો ને સુપ્રીમે રાજ્યપાલને કે રાષ્ટ્રપતિને માટે બિલ મંજૂરીની મુદ્દત નક્કી કરવી પડી. ધનખડ કહે છે તેમ લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર સૌથી મહત્ત્વપૂર્ણ છે. એ મહત્ત્વપૂર્ણ છે, તો રાજ્ય સરકારોનું એવું મહત્ત્વ ખરું કે કેમ? રાજ્યપાલો બિલ રોકી રાખે ત્યારે રાજ્ય સરકારની સર્વોપરિતા કેમ પડદા પાછળ રહે છે? રાજ્યપાલ ચૂંટાયેલી સરકાર સાથે બોસની જેમ વર્તે તે ચાલે, પણ સુપ્રીમ બિલ મંજૂરીની અવધિ નક્કી કરે તો તે રાષ્ટ્રપતિને આદેશ આપ્યા જેવું લાગે. જો આ વાજબી નથી, તો રાજ્યપાલ બોસ બનીને વર્તે તે પણ યોગ્ય નથી. જે વાત ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ માટે કહે છે, એ જ વાત રાજ્યપાલોને પણ લાગુ પડે છે એ ભૂલવા જેવું નથી. 

બંધારણની બાબતમાં રાષ્ટ્રપતિ પણ સુપ્રીમની સલાહ લઈ શકે છે. આ જોગવાઈ જ સૂચવે છે કે સુપ્રીમનું શું ને કેવું મહત્ત્વ છે?     

રાજ્યસભાના સાંસદ અને સિનિયર વકીલ કપિલ સિબ્બલે ધનખડને રોકડું પૂછ્યું કે તેમને એ ખબર છે કે બંધારણની કલમ 142 સુપ્રીમને સંપૂર્ણ ન્યાય કરવાની સત્તા આપે છે? કલમ 142 હેઠળ સુપ્રીમને ‘સંપૂર્ણ સત્તા’ એટલે આપવામાં આવી છે કે કાયદાની જોગવાઇઓ પર્યાપ્ત ન લાગતી હોય કે અસ્પષ્ટ હોય તેવી સ્થિતિમાં ન્યાય સુનિશ્ચિત કરી શકાય. ખુદ બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરે કલમ 142ને ‘સેફટી વાલ્વ’ કહી છે. સુપ્રીમના વકીલ અને બંધારણીય નિષ્ણાત વિરાગ ગુપ્તાનું કહેવું છે કે સંસદ કરતાં પણ બંધારણ ભારતમાં સર્વોચ્ચ છે. એ હિસાબે તો રાષ્ટ્રપતિ પણ બંધારણથી પર નથી કે ઉપર નથી. રાષ્ટ્રપતિ જરૂર પડ્યે સુપ્રીમની સલાહ લઈ શકે એમ જો બંધારણ સૂચવતું હોય તો એનો અર્થ એ થાય કે રાષ્ટ્રપતિને કલમ 142 હેઠળ સુપ્રીમ કોર્ટ નિર્દેશ કે આદેશ આપી શકે છે. 

એનો અર્થ એવો પણ નથી કે સુપ્રીમના નિર્ણયો ઉલ્ટાવી ન શકાય. સુપ્રીમના નિર્ણયમાં કોઈ મોટી બંધારણીય ક્ષતિ રહી ગઈ હોય તો નિર્ણયની ફેર વિચારણા માટે સુપ્રીમમાં સમીક્ષા અરજી કરી શકાય. સાવ વિરોધી ચુકાદાઓ આવે એ સંજોગોમાં મોટી બેન્ચની રચનાથી નિર્ણય લઈ શકાય. જેમ કે, એક કેસમાં બે નિર્ણયો એક બીજાથી વિરુદ્ધ આવે છે, તો ત્રણ ન્યાયાધીશોની મોટી બેન્ચ દ્વારા ઘટતો નિર્ણય કરી શકાય. 

જ્યુડિશિયરીની ક્ષમતા અંગે એક જ ઉદાહરણ પૂરતું થઈ પડશે. 1975માં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ ચૂંટણી કરાવી અને જીત્યાં પણ ખરાં. તે વખતે ન્યાયાધીશ ક્રિશ્નન ઐય્યર હતા. તેમણે એ ચૂંટણીને ગેરલાયક ઠેરવી, એટલું જ નહીં, વડાં પ્રધાન પદેથી ઇન્દિરા ગાંધીને હટાવ્યાં પણ ખરાં.

સુપ્રીમની ક્ષમતા વિષે આથી વધારે કૈં કહેવાની જરૂર છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 ઍપ્રિલ 2025

Loading

આઈ સ્ટીલ બિલિવ ધૅટ વી શેલ ઓવરકમ … 

સોનલ પરીખ|Opinion - Opinion|20 April 2025

જ્યાં સુધી મન ગુલામ છે, શરીર ગુલામ જ રહેવાનું. મને મારા પૂર્વજો ગુલામ હતા તેની શરમ નથી. મને શરમ છે એ વિચારની જે હજી અમને ગુલામ રાખવા માગે છે. હા, આપણે ઊભા થવાનું છે, ને કહેવાનું છે, “હું શ્યામ છું, હું સુંદર છું.” શ્વેત પ્રજાને શોષણ કરતી રોકશે આ જ આત્મગૌરવ … 

—    ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયર 

(પુણ્યતિથિ 4-4-1968)  

માર્ટિન લ્યૂથર કિંગ જુનિયર

 

મહાત્મા ગાંધીની હત્યા થઈ એના બરાબર વીસ વર્ષે, 4 એપ્રિલ 1968ના દિવસે ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરની હત્યા થઈ. અમેરિકાના અશ્વેતોને નાગરિક અધિકાર અપાવવા માટેની લડત એ જ તેમનું જીવન હતું અને તે જ તેમના મૃત્યુનું કારણ પણ બન્યું. આ લડત તેમણે અહિંસા અને અસહકારના ગાંધીચીંધ્યા માર્ગે ચલાવી, ગાંધીજીની જેમ જ ઇચ્છિત અને ન્યાયી પરિણામ પણ મેળવ્યું અને શાંતિ માટેનું નોબેલ ઇનામ મેળવનારા સૌથી નાની ઉંમરના વિજેતા બન્યા. 1964માં નોર્વેમાં નોબેલ સ્વીકારતી વખતે તેમની ઉંમર માત્ર 35 વર્ષની હતી. તેમણે ત્યારે જે કહ્યું તેનું એક શાશ્વત મૂલ્ય છે. 

એક પત્રકારે તેમને પૂછ્યું, ‘નોબેલ મળ્યાનું તમારે મન શું મહત્ત્વ છે ?’ 

તેમણે કહ્યું, ‘શાંતિ માટેના આ સન્માનને હું નીગ્રો પ્રજાની અદ્દભુત શિસ્તની વિશ્વને થયેલી ઓળખ ગણું છું. અમારી લડતમાં લોહિયાળ તબક્કા પણ આવ્યા છે, પણ અહિંસાની શિસ્ત વિનાનો રક્તપાત ભયાનક બનત.’ 

આ શબ્દો ઉચ્ચાર્યાને સવાત્રણ વર્ષ થયા અને માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરની હત્યા થઈ. એમના શબ્દો સાચા પુરવાર થયા. અહિંસાની શિસ્ત સાથેનો એ રક્તપાત ભવ્ય બન્યો. માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયર અમર બન્યા. તેમના વિચારો, તેમની ઊર્જા, તેમની ચેતના દેહના, સ્થળના અને કાળના બંધનથી મુક્ત બની આખા વિશ્વમાં ફેલાઈ ગઈ. 

આગળ તેમણે કહ્યું હતું, ‘આ ઈનામ હું સ્વીકારું છું ત્યારે અમેરિકાના સવા બે કરોડ નીગ્રો, રંગભેદની દીર્ઘ કાળરાત્રિના અંત માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ અવૉર્ડ હું સ્વાતંત્ર્ય અને ન્યાયનું સામ્રાજ્ય સ્થાપવા સંકલ્પબદ્ધ અને ભવ્ય બલિદાનો આપવા તૈયાર સિવિલ રાઈટ્સ મુવમેન્ટ વતી સ્વીકારું છું. 

શાંતિ માટેનું નોબેલ પારિતોષિક સ્વીકારતા માર્ટિન લ્યૂથર કિંગ

‘આ ક્ષણે મને યાદ છે – બર્મિંગહામ અને અલાબામામાં ભાઈચારા માટે તલસતા અમારા યુવાનો પર કૂતરા છોડવામાં આવ્યા, એમનાં ઘર બાળવામાં આવ્યા, એમની હત્યાઓ થઈ એ હજી ગઈકાલની વાત જ છે. ફિલાડેલ્ફિયા અને મિસિસીપીમાં મતાધિકાર માગતા અમારા ભાઈઓ પર ગોળીઓ છૂટી હતી એ હું ભૂલ્યો નથી. અને મને એ પણ યાદ છે કે શોષણ અને ગરીબીનો અભિશાપ આજે પણ અમને ઘેરી રહ્યો છે. 

‘તેથી મને એ પ્રશ્ન પણ થયો કે જો આવું છે તો પછી આ શાંતિઈનામનો શો અર્થ છે? પછી હું એ તારણ પર પહોંચ્યો કે આ ઈનામ હું એ સંઘર્ષ વતી સ્વીકારીશ જે એ જાણે છે કે આજની રાજકીય અને નૈતિક સમસ્યાઓનો જવાબ અહિંસા છે. માણસ હિંસા અને શોષણનો ઉકેલ હિંસા અને શોષણથી નહીં લાવી શકે. 

‘સભ્યતા અને હિંસા આ બન્ને વિરોધાભાસી વિભાવનાઓ છે. ભારતના લોકોને અનુસરીને અમેરિકાની શ્યામ પ્રજાએ સાબિત કર્યું છે કે અહિંસા નિષ્ક્રિય બાબત નથી પણ આખા સમાજને બદલી શકે તેવી એક નૈતિક શક્તિ છે અને સમગ્ર વિશ્વને એક દિવસ એ પ્રતીતિ થવાની જ છે કે આ પૃથ્વી પર શાંતિથી જીવવાનો એક્માત્ર રસ્તો ભાઈચારાનો છે. 

‘જો આ થાય તો માનવજાત આક્રમણ અને પ્રતિશોધના ભરડામાંથી છૂટે. આ પદ્ધતિનો પાયો પ્રેમ છે. હું મારા હૃદયની ગહનતામાં એ પ્રતીતિ પામ્યો છું કે આ ઇનામ વ્યક્તિગત પ્રાપ્તિ કરતાં ઘણું વિશેષ છે. આ ઈનામે સ્વાતંત્ર્યપ્રાપ્તિના અમારા સંઘર્ષને નવું પરિમાણ આપ્યું છે. દુનિયા આ સંઘર્ષના થોડા નેતાઓનાં નામ જ જાણે છે, પણ બલિદાનો આપવા તત્પર અસંખ્ય અનામી સાથીઓ એ જ તેનું સાચું બળ છે. એમના જ ત્યાગને પરિણામે એક દિવસ એક એવા યુગનો ઉદય થશે જેમાં મનુષ્યો માટે ફળદ્રુપ ભૂમિ અને બહેતર સમાજ હોય. આ અનામી નમ્ર મનુષ્યોએ ન્યાય ખાતર જે જે સહ્યું છે તે એળે નહીં જાય. અત્યાચારો સહેવાનો આ માર્ગ મોન્ટગોમરીથી શરૂ થઈ ઓસ્લો પહોંચ્યો છે તે આ જ સત્યના પ્રકાશથી. લાખો અશ્વેતો આ માર્ગ પર પોતાની માણસ તરીકેની ગરિમાને શોધવા નીકળ્યા અને ફના થઈ ગયા. આ માર્ગ સમસ્ત અમેરિકાવાસીઓ માટે પ્રગતિ અને આશાના નવા યુગનું મંડાણ છે. આ માર્ગે નવો નાગરિક અધિકાર કાયદો આવ્યો છે. આ જ માર્ગ એક દિવસ શ્યામ અને શ્વેત પ્રજાઓના સહકારનો વિશાળ રાજમાર્ગ બનશે. 

‘આ અવૉર્ડ સ્વીકારતી વખતે મારા મનમાં શ્રદ્ધા છે. અમેરિકાના ભવિષ્ય માટે, સમગ્ર માનવજાતના ભવિષ્ય માટે. માનવી જેવો છે તેવો જ રહેશે અને તેને જેવા થવું જોઈએ તેવો તે નહીં થાય એ માન્યતાનો હું ઇન્‌કાર કરું છું. હું એ માનવા તૈયાર નથી કે માણસ પોતાના સંજોગોના પ્રવાહને તરીને કિનારે ન આવી શકે. હું એ માનવા તૈયાર નથી કે રંગભેદની અંધારરાત્રિ અને યુદ્ધની ભીષણતા માણસજાત સાથે એવી રીતે જડાઈ ગઈ છે કે શાંતિ અને બંધુત્વનો સૂર્યોદય થવો અશક્ય છે. વિનાશના નર્કમાં ધકેલતા લશ્કરી બળ સિવાય આપણો છૂટકો નથી એ માનવા હું તૈયાર નથી. નિ:શસ્ત્ર સત્ય અને નિ:સ્વાર્થ પ્રેમ એ જ અંતિમ સત્ય હોઈ શકે. જે સાચો છે તે એક વાર હારી જાય તો પણ દુષ્ટ વિજેતા કરતાં વધુ શક્તિશાળી છે એ નક્કી. એટલે આજે યુદ્ધનાં નગારાં વાગે છે ને શસ્ત્રોની બોલબાલા છે, પણ મને ઊજળી આવતીકાલ વિશે  શ્રદ્ધા છે.  

‘હું માનું છું કે દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલો દરેક માણસ શરીર માટે ત્રણ ટંક ભોજન, બુદ્ધિ માટે શિક્ષણ અને સંસ્કાર અને આત્મા માટે ગરિમા, સ્વતંત્રતા અને સમાનતાનો હકદાર છે. હું માનું છું કે આત્મકેન્દ્રી માણસોએ જે તોડીફોડી નાખ્યું છે તેને માનવકેન્દ્રી માણસો ફરી બાંધશે. હું માનું છું કે એક દિવસ વિશ્વ યુદ્ધ અને રક્તપાત પર વિજય મેળવી ઇશ્વર સમક્ષ નતમસ્તક થશે, એક દિવસ અહિંસાનું સામ્રાજ્ય સ્થપાશે, એક દિવસ દરેક માણસ પોતાના વૃક્ષનીચે બેઠો હશે. કોઈ કોઈથી ડરશે નહીં. આઈ સ્ટીલ બિલિવ ધૅટ વી શેલ ઓવરકમ.

‘આ શ્રદ્ધા જ આપણને અનિશ્ચિત ભાવિનો સામનો કરવાનું બળ આપે છે, આપણા થાકેલા પગમાં નવું જોમ પૂરે છે અને આપણા પ્રાણમાં સ્વાતંત્ર્યભૂમિ તરફ જવાનો ઉમંગ ભરે છે.’

1967માં આપેલા એક પ્રવચનમાં ડૉ. કિંગે કહ્યું હતું, ‘આપણી ભાષામાં કાળાપણા માટે કલંક, દુષ્ટતા, સડો, ડાઘ જેવા 120 પર્યાય છે અને શ્વેતપણા માટે શુદ્ધતા, નિર્દોષતા, સ્વચ્છતા, પવિત્રતા જેવા 134 પર્યાય છે. લેખક-અભિનેતા ઓસ્સી ડૅવિસે કહેલું તેમ અંગ્રેજી ભાષાનું પુનર્ઘડતર કરવું જોઈએ, જેથી શિક્ષકોને તેમના કાળા વિદ્યાર્થીઓને પોતાને ઉતારી પાડતી ને શ્વેતોને ઉપર ચડાવતી ભાષા શીખવવી ન પડે. લઘુતા અને ગુરુતાની ગ્રંથિઓનું સર્જન ત્યાંથી જ થાય છે. 

જ્યાં સુધી મન ગુલામ છે, શરીર ગુલામ જ રહેવાનું. મનથી મુક્ત થવું તે આત્મગૌરવ તરફ લઈ જતું પ્રથમ પગથિયું છે. કાયદાના સુધારા ત્યારે જ સાર્થક થાય જ્યારે માણસ પોતાની અંદર મજબૂત મૂળ નાખીને બેઠેલાં બંધનોને તોડશે, પોતાની માનવ તરીકેની હસ્તીના ઘોષણાપત્ર પર પોતે જ સહી કરશે અને ગૌરવથી માથું ઊંચું કરીને વિશ્વને અને પોતાની જાતને કહેશે, “હા, હું માણસ છું. મારું પણ અસ્તિત્વ છે. મારું પણ માન છે, પ્રતિષ્ઠા છે. મારો પણ ઉદાત્ત સમૃદ્ધ ઇતિહાસ છે. મને મારા પૂર્વજો ગુલામ હતા તેની શરમ નથી. મને શરમ છે એ વિચારની જે હજી અમને ગુલામ રાખવા માગે છે.” હા, આપણે ઊભા થવાનું છે, ને કહેવાનું છે – “હું શ્યામ છું, હું સુંદર છું” – શ્વેત પ્રજાને શોષણ કરતી રોકશે આ જ આત્મગૌરવ.’ 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 30 માર્ચ  2025

Loading

નેશનલ હેરાલ્ડ કેસઃ પરિવારવાદના વિવાદી વ્યાપારને કારણે કાઁગ્રેસની દશા ઓર કફોડી થઇ રહી છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|20 April 2025

જે રીતે વાલિયા લૂંટારાના પાપના ભાગીદાર બનવા કોઈ તૈયાર નહોતું તેમ ગાંધી પરિવારની ગરબડોમાં કાઁગ્રેસ પક્ષ કેટલું ઢસડાવાનું પસંદ કરશે?

ચિરંતના ભટ્ટ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ – ઇ.ડી.એ કાઁગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આરોપ છે કરોડોના ગોટાળાનો, મની લોન્ડરિંગનો. ભા.જ.પા.ની સરકાર ખુન્નસમાં આ બધું કરી રહી છેના આક્ષેપોના અવાજ કાઁગ્રેસ તરફથી ઉઠ્યા છે તો કાઁગ્રેસની ધૂરા લઇને બેઠેલા ગાંધી પરિવારે દેશના લોકો સાથે છેતરપીંડી કરી છેનો દેકારો ભા.જ.પા. તરફથી થઇ રહ્યો છે. ગાળિયો ગાંધી પરિવારને ગળે પડ્યો છે, અને તેમાં કાઁગ્રેસ પાર્ટી પણ ઢસડાવાની જ. આરોપ-પ્રત્યારોપ અને વિરોધ પ્રદર્શનોની હારમાળાના મણકા એક પછી એક ગોઠવાઈ રહ્યા છે. આખરે આ કેસ છે શું? આક્ષેપ એવો છે કે માત્ર પાંચ લાખની રકમમાંથી કાઁગ્રેસ પાર્ટીએ ગોટાળા કરીને  2,000 કરોડ બનાવ્યા છે અને તે પણ એકે ય રૂપિયો ખર્ચ્યા વિના. 

મામલો લગભગ પંચ્યાશી – 85 વર્ષ જૂનો છે. 1937 માં એસોસિએટ જર્નલ્સ લિમિટેડ – AJL-ની સ્થાપના કરવામાં આવી, જેના હેઠળ જવાહરલાલ નહેરુએ 1938માં ‘નેશનલ હેરાલ્ડ’ નામે છાપું શરૂ કર્યું. આ છાપાના ભાગીદારો એટલે કે શૅર હોલ્ડર્સ હતા સ્વાતંત્ર સંગ્રામમાં ભાગ લેનારા લોકો. આઝાદીની ચળવળ દરમિયાન જે ભંડોળ મળતું તેમાંથી નેશનલ હેરાલ્ડ, કોમી આવાઝ અને નવજીવન – એમ ત્રણ પ્રકાશનો પ્રકાશિત થતા. ‘ભારત છોડો’ આંદોલન દરમિયાન અંગ્રેજ સરકારે જ્યારે ભારતીય અખબારોને લપેટમાં લીધા હતા ત્યારે નેશનલ હેરાલ્ડને પણ ભોગવાવનું આવ્યું. જો કે ત્રણેક વર્ષ પછી બધું થાળે પડ્યું અને અખબાર ફરી ધમધમતું થયું. આપણે આઝાદ થયા, નહેરુ વડા પ્રધાન બન્યા અને તેમણે કંપનીનું ચેરમેન પદ છોડી દીધું. સ્વતંત્રતા મળી ગઈ હતી પણ અખબાર પ્રકાશિત કરનારી આ કંપનીને અનેક શહેરોમાં ઓછા ભાવે – રાહત દરે જમીનો મળી હતી. 1956ની આસપાસ એજેલને ગેર વ્યવસાયી કંપની જાહેર કરાઈ અને કંપની એક્ટ 25 હેઠળ તેને કર મુક્તિ મળી. વર્ષો સુધી અખબારને કાઁગ્રેસ પાર્ટી તરફથી ફંડિગ મળતું રહ્યું. સ્વતંત્ર સંગ્રામ દરમિયાન શરૂ થયેલું અખબાર સ્વાભાવિક રીતે કાઁગ્રેસ તરફી ઝુકાવ ધરાવતું હતું અને તે વખતે જે કાઁગ્રેસ પક્ષ હતો તે બહુ જુદો હતો તે પણ એક હકીકત છે. જો કે 2008માં આ અખબાર આર્થિક તંગીને કારણે બંધ કરવું પડે તેવી નોબત આવી ત્યાં સુધીમાં તો કાઁગ્રેસમાં પણ જાત-ભાતના ફેરફાર આવી ગયા હતા. AJL માથે તોતિંગ દેવું હતું. આ દરમિયાન કાઁગ્રેસે પક્ષે જાહેર ભંડોળમાંથી કંપનીને નેવું કરોડની વગર વ્યાજની એટલે કે ઇન્ટ્રેસ્ટ ફ્રી લોન આપી, જેથી કંપની બંધ થાય – અખબાર બંધ થાય તે પહેલાં કર્મચારીઓને વળતર ચૂકવી શકાય. કાયદા પ્રમાણે કોઇપણ રાજકીય પક્ષ વ્યવસાયી પ્રવૃત્તિ માટે લોન ન આપી શકે. નેશનલ હેરાલ્ડ બંધ થયું અને AJL એક રિયલ એસ્ટેટ કંપની બની રહી અને આ કંપનીને નામે 2,000 કરોડથી વધુની મિલકતો હતી. ઇ.ડી.ની ચાર્જશીટ અનુસાર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આ મિલકતો પચાવી પાડવા માટે કારસા કર્યા અને આ સંપત્તિઓને આધારે મની લોન્ડરિંગ કરાયું. 

ઇ.ડી. આ આક્ષેપો શેના આધારે કરે છે તે જાણીએ.  2010ના નવેમ્બર મહિનામાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ યંગ ઇન્ડિયા લિમિટેડ નામે કંપની શરૂ કરી. આ કંપની પાંચ લાખ રૂપિયાની મૂડી સાથે શરૂ થઇ તેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો હિસ્સો 38 – 38 ટકા હતો અને બાકીના 24 ટકા હિસ્સો મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડિસનો હતો. યંગ ઇન્ડિયાના બોર્ડ ઑફ ડિરેક્ટર તરીકે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સાથે પત્રકાર સુમન દુબે અને સામ પિત્રોડા પણ હતા. 

2010 ડિસેમ્બરમાં કાઁગ્રેસે AJLને એમ કહીને ઝીરો ઇન્ટરેસ્ટની 90 કરોડની લોન આપી કે ઐતિહાસિક મહત્ત્વ હોવાથી કંપનીને બચાવવી જરૂરી હતી. સ્વાભાવિક છે કે AJL લોન પરત ન આપી શકી. માત્ર 50 લાખ ચૂકવીને યંગ ઇન્ડિયા લિમિટેડે AJLની માલિકી મેળવી. 2011થી AJLના 99 ટકા શૅર યંગ ઇન્ડિયા લિમિટેડના થયા. એક રાજકીય પક્ષે આપેલી લોન હવે તગડી સ્થાવર મિલકત ધરાવતી ખાનગી કંપનીના કાબૂમાં આવી ગઇ. આ સ્થિતિમાં AJLની બધી જ સ્થાયી મિલકતો જે દિલ્હી, મુંબઈ, લખનૌ, વગેરેમાં છે તે યંગ ઇન્ડિયા લિમિટેડની થઇ ગઇ.  શું યંગ ઇન્ડિયાએ કાઁગ્રેસને 90 કરોડ ચૂકવ્યા? બિલકુલ નહીં. આ દેવું માત્ર કાગળ પર હસ્તગત કરાયું અને 50 લાખ જેવી નજીવી રકમ આપીને, 90 કરોડનું દેવું માફ થઇ ગયું (સાફ થઇ ગયું) અને યંગ ઇન્ડિયાને – એક ખાનગી કંપનીને – 2,000 કરોડની મિલકતો મળી જેનું મૂલ્ય આજે 5,000 કરોડ જેટલું છે. 2011માં AJL અને યંગ હેરાલ્ડ બંધ કરી દેવાયું. છાપું ન રહ્યુ પણ અને 5,000 કરોડની મિલકતો ગાંધી પરિવારની ખાનગી મિલકત બની ગઈ. ઘણી મિલકતને ભાડે આપી દેવાઇ હતી જેનો વ્યક્તિગત લાભ લેવાયો. તપાસમાં ખોટી રીતે મેળવાયેલી જાહેરાતો, ભંડોળ વગેરેની બાબતો પણ બહાર આવી છે. 

ભા.જ.પા.ના સુબ્રમણ્યમ્‌ સ્વામીએ 2012માં નીચલી અદાલતમાં ફરિયાદ દાખલ કરી અને આક્ષેપ મૂક્યો કે યંગ ઇન્ડિયા લિમિટેડે એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડના હસ્તાંતરણમાં છેતરપીંડી અને વિશ્વાસભંગનો ગુનો આચર્યો છે અને યંગ ઇન્ડિયા લિમિટેડે ખોટી રીતે નેશનલ હેરાલ્ડની મિલકત પર કબજો કર્યો છે. તેમનો આરોપ છે કે ગાંધી પરિવારે કાઁગ્રેસ પાર્ટી ફંડનો ઉપયોગ કરીને AJL હસ્તગત કરી લીધી છે. કાઁગ્રેસનું કહેવું છે કે સ્વામીના આરોપો ઠાલા છે અને તે માત્ર રાજકીય દ્વેષથી દાખલ કરાયેલો કેસ છે. 2016માં નેશનલ હેરાલ્ડને ડિજિટલી ચાલુ કરાયું છે. કાઁગ્રેસીઓનું કહેવું છે કે ભા.જ.પા. નેશનલ હેરાલ્ડને નિશાને લઇને ભારતીય સ્વાતંત્ર સેનાનીઓના અનાદરનો યોગદાન કરી રહી છે. 2014થી ઇ.ડી.એ આ કેસમાં હાથમાં લઇને મની લોન્ડરિંગ થયુ છે કે કેમ તેની તપાસ ચાલુ કરી તેને પણ દસ વર્ષ થવા આવ્યા. ભા.જ.પા. અને કાઁગ્રેસ આ મામલે સામસામે નિવેદનો આપ્યા કરે છે. વિરોધો પણ થાય છે પણ કાયદાની દૃષ્ટિએ બાબત બહુ સ્પષ્ટ છે અને હવે કાઁગ્રેસ 25મી એપ્રિલની સુનાવણી પછી શું કરે છે તે જોવું રહ્યું. શું સોનિયા અને રાહુલ ગાંધીને સજા થશે કે કેમ તે તો ઇ.ડી. પોતાનો કેસ કેટલો મજબૂત તૈયાર કરે છે તેની પર આધાર રાખે છે.

આખા મામલામાં એ પણ વિચારવું પડે કે કંપનીના જે સાડાપાંચ છ હજાર શૅર હોલ્ડર્સ હતા તે હવે માંડ 700 જેટલા રહી ગયા છે. એ શૅર હોલ્ડર ક્યાં છે તેની ય કોઈને કંઇ ખબર નથી. એક સમયે શાંતિ ભૂષણ પણ AJLના શૅર હોલ્ડર હતા પણ તેમણે જાહેરમાં એ બાબત કબૂલી હતી કે તેમના શૅર ક્યારે અને કેવી રીતે રાહુલ ગાંધીને નામે થઇ ગયા તે તેમને ખબર જ નથી. આવું તો બીજા કેટલા ય શૅર હોલ્ડર્સ સાથે થયું હશે તેની તો કલ્પના જ કરવી રહી. સ્પેશ્યલ કોર્ટ, હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આ કેસ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે કોર્ટને ખારીજ કરવાની ના પાડી દીધી છે. ઇ.ડી.ની ચાર્જશીટ તો તૈયાર છે. ભૂતકાળમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પૂછપરછ પણ થઇ છે જે પાંચ દિવસ માટે અને કુલ 50 કલાક ચાલી હતી અને સોનિયા ગાંધીની પૂછપરછ ૩ દિવસ 12 કલાક ચાલી હતી. આ પૂછપરછનું વીડિયો, ઓડિયો રેકોર્ડિંગ તો થાય છે જ પણ તમે જે કહો તે તમારે લખીને આપવાનું રહે છે. એક રિપોર્ટ અનુસાર રાહુલ ગાંધીને લખતા બહુ ફાવ્યું નહીં અને તેમને ટાઇપિસ્ટની મદદ અપાઈ હતી. ઇ.ડી.માં જે કહેવાય તે બધું અદાલતમાં પુરાવા તરીકે પ્રસ્તુત કરી શકાય છે. હવે આ કેસ ચાલશે ત્યારે શું થશે તે ત્યારે જ ખબર પડશે. કાયદો સમજનારાઓનું કહેવું છે કે આ કેસ બહુ સ્પષ્ટ છે અને જો તે કેસ ચાલ્યો તો સોનિયા અને રાહુલ ગાંધીને સજા થઇ શકે છે

હવે દેશભરમાં વિદેશ પ્રદર્શનોની વાત થઇ રહી છે પણ જે ગોટાળાના લાભ માત્ર ગાંધી પરિવારને મળ્યા છે તેને માટે કાઁગ્રેસના ટેકેદારો, પક્ષના અન્ય લોકો શા માટે વિરોધ કરે? એક બીજો સવાલ એ પણ થાય કે કાઁગ્રેસ – અથવા તો ગાંધી પરિવાર માટે વિરોધ કરવા તૈયાર થનારા લોકો છે ખરા? આ તો વાલિયા લૂંટારાની વાર્તા જેવો ઘાટ છે, જો કે અહીં કોઈ વાલ્મીકિ ઋષિ બની શકે એવી ક્ષમતા ધરાવનારું છે જ નહીં. વર્તમાન સમયનું રાજકારણ ભ્રષ્ટાચાર, વૈમનસ્ય અને ધ્રુવીકરણથી ખદબદે છે. અહીં એક પક્ષ બીજાથી બહેતર છે તેવી ચર્ચા અસ્થાને છે કારણ કે વાત સરખામણીની નથી બલકે સત્તાના દુરુપયોગ કેવી રીતે અને કેટલી હદે થયો છે તેની છે. કાઁગ્રેસના ટેકેદારો માટે પણ આ કદાચ સાપે છછુંદર ગળ્યા જેવું હશે અને માટે તેઓ પણ કદાચ ચૂપ રહેવાનું પસંદ કરશે.

બાય ધી વેઃ 

ગાંધી પરિવાર વિશે ઘણી બધી બાબતો સપાટી પર આવતી રહે છે. બારિસ્ટર બનેલા જવાહરલાલ નહેરુના પરિવારમાં તેમના પછી કોઈએ પણ એ હદ સુધીનો અભ્યાસ નથી કર્યો. ઇંદિરા ગાંધી પર કેથરિન ફ્રેંકે લખેલા પુસ્તકમાં તેમણે પોતે લેખિકાને કહેલું કે તેમના બાયોડેટાને આધારે તેમને નોકરી નહોતી મળી – બની શકે કે તે કદાચ મેટ્રિક સુધી જ ભણ્યા હતા. સોનિયા ગાંધીએ ઓક્સફર્ડમાં ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ કર્યો છે તો રાજીવ ગાંધી એન્જિનયરિંગ કર્યા વિના પાયલટ બની ગયા હતા. વરુણ ગાંધી સિવાય આ પરિવારમાં કોઈ સરખી રીતે ભણ્યું નથી, કદાચ સ્નાતક પણ નથી. મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુ સિવાય ગાંધી પરિવારની કોઈ પણ વ્યક્તિએ ક્યારે ય વ્યવસાયી રીતે કામ નથી કર્યું. તેમના પછીને પેઢીના કોઈ વ્યાપાર કે વ્યવસાય નથી. રાજકારણ માત્ર કારકિર્દી છે – જો કે એવા કિસ્સા બીજા પક્ષોમાં પણ હશે  તેની ના નહીં.  “થાય સરખામણી તો કોઈ ઉતરતું નથી” – ન તો કોઈ માથે ચઢાવવા જેવું છે. વાત નેશનલ હેરાલ્ડ કેસની છે અને તેના સુધી સીમિત રાખીને વસ્તુલક્ષીપણાથી એટલે કે ઑબ્જેક્ટિવિટીથી જોઇએ તો કાઁગ્રેસની દયા આવે અને ગાંધી પરિવાર પર રોષ આવે. નરી આંખે દેખાતા ભ્રષ્ટાચારને ક્યાં સુધી અવગણવો એ પણ એક અગત્યનો સવાલ છે. પરિવારવાદ એ વિવાદનું મૂળ છે અને તે ઉખાડાશે તો કદાચ કંઇ નવું રોપવાનો મોકો મળશે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ઍપ્રિલ 2025

Loading

...102030...313314315316...320330340...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved