
રવીન્દ્ર પારેખ
ઘણીવાર ઘણાંને બોલવાનું ભાન નથી રહેતું, તો આજુબાજુનાઓ ટોકતાં હોય છે, પણ રાજનેતાઓ બકવાસ કરે છે, ત્યારે તેમને ટોકનારાઓનું કૈં ઉપજતું નથી. એમાં આ પક્ષ કે તે પક્ષ એવું નથી, કાગડા બધે જ કાળા છે. પહેલગામમાં 26 હિન્દુઓનો આતંકવાદીઓએ સર્વનાશ કર્યો, તેનો એક હેતુ દેશમાં હિન્દુ-મુસ્લિમ વૈમનસ્ય વકરાવવાનો હતો. તેની પ્રતિક્રિયા રૂપે ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ નવ આતંકી થાણાંઓનો ભુક્કો બોલાવીને પાકિસ્તાનને યુદ્ધવિરામ માટે ઘૂંટણીએ પાડ્યું ને તેની જગત આખાએ નોંધ લીધી. એ હુમલાનું નેતૃત્વ બે મહિલાઓએ સંભાળ્યું. એ મહિલાઓ હતી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ! એર સ્ટ્રાઈક પહેલાં એ નામો જાહેરમાં ન હતાં, પણ ભારતના આક્રમક મિજાજનો જગતને પરચો મળ્યો એ પછી તે ઠીક ઠીક ચર્ચામાં આવ્યાં. દેશ આખો આ બે મહિલા સેનાધિકારીઓની પ્રશંસામાં વ્યસ્ત હતો, ત્યારે મધ્ય પ્રદેશના ભા.જ.પ.ના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા વિષે વાહિયાત ટિપ્પણી કરી. ઇન્દોરનાં એક ગામમાં મંત્રીએ કહ્યું કે આતંકવાદીઓએ આપણા હિન્દુઓને માર્યા એટલે મોદીજીએ તેમની ઐસી તૈસી કરવા, તેમના જ સમુદાયની એક બહેનને મોકલી. હેતુ ગમે તે હોય પણ, મંત્રી વિજય શાહે સોફિયાને આતંકવાદીઓની બહેન કહીને ધરાર અપમાન કર્યું. દેખીતું છે કે આ ટિપ્પણીથી હોબાળો થાય ને થયો.
મંત્રી વિજય શાહને માથે ઘણાં માછલાં ધોવાયાં. મંત્રીને બોલતી વખતે ભાન ન રહ્યું, પણ પછી ભાન આવ્યું ત્યારે મોડું થઈ ગયું હતું. માફીબાફીથી પણ કામ ન થયું. ખુદ મધ્ય પ્રદેશ હાઇકોર્ટે તાબડતોબ FIR નોંધવાનો આદેશ આપતા કહ્યું કે ભારતની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 152 હેઠળ મંત્રી વિજય શાહ સામે ગુનો નોંધો. કર્નલ સોફિયા કુરેશીને આતંકીઓની બહેન કહીને તેમનું અપમાન કરવું ગુનાહિત કૃત્ય છે. હાઇકોર્ટે આદેશ આપ્યો છતાં ડબલ બેન્ચની એ ફરિયાદ તો રહી જ કે મંત્રી સામેની FIR નરી ઔપચારિકતા જ હતી. બને કે પોલીસ પણ મંત્રી વિજય શાહને બચાવવાની ફિરાકમાં હોય. બાકી, હતું તે મંત્રીએ રાજીનામું આપવાને બદલે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. એક તબક્કે તો સુપ્રીમે શાહની અરજી પર સુનાવણીની ના પાડતાં કહ્યું કે તમે હાઇકોર્ટમાં કેમ ન ગયા? સુપ્રીમમાં રાહતની વાત તો દૂર રહી, મંત્રીનો વરઘોડો તો નીકળ્યો જ ! નવા CJI બી.આર. ગવઇનો ગયા બુધવારે પહેલો જ દિવસ હતો ને વિજય શાહનો કેસ સામે આવ્યો, તો સુપ્રીમ કોર્ટે બરાબરનો ઊધડો લેતા કહ્યું કે મંત્રી થઈને તમે આવી ભાષા બોલી જ કઈ રીતે શકો? તમે જવાબદાર પદ પર રહીને કેવાં નિવેદનો આપો છો? દેખીતું છે કે વિપક્ષ પણ લાગ જ શોધતો હોય. કાઁગ્રેસની માંગ છે કે ભા.જ.પ., શાહને પાર્ટીમાંથી હાંકી કાઢે, પણ ગમ્મત એ છે કે પાર્ટી માત્ર ઠપકો આપીને રહી ગઈ છે.
એટલું છે કે પાંચ પાંચ વખત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા પછી પણ, વિજય શાહ, નવોદિત હોય તેમ લૂલીને લગામમાં રાખી શક્યા નથી. 2023માં મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણનાં પત્ની સાધના સિંહ પર સસ્તી ટિપ્પણી કરવા બદલ તેમણે રાજીનામું આપવું પડેલું. 2023માં ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલન બાલાઘાટમાં શૂટિંગ માટે આવેલી, ત્યારે શાહે તેને રાત્રે મળવાની ઈચ્છા વ્યક્ત કરતાં વિદ્યા બાલને ના પાડી, તો શાહે શૂટિંગ અટકાવી દીધેલું. આવી ભદ્દી ટિપ્પણી શાહે, અપરિણીત રહેવા સંદર્ભે રાહુલ ગાંધી માટે પણ કરેલી, પણ સમરથ કો નહીં દોષ ગુંસાઈ- એ ન્યાયે આજ સુધી તેમનો વાળ વાંકો થયો નથી, વધારામાં ભા.જ.પે. જ મંત્રી વિજય શાહને ચારેક મહિના પછી ફરી મંત્રી બનાવી દીધેલાં. 2022માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવાનું પણ તેઓ ચૂક્યા નથી.
એ ખરું કે વિજય શાહની કોર્ટ મામલે મુશ્કેલીઓ વધી રહી છે. મધ્ય પ્રદેશ હાઇકોર્ટ તરફથી અધિવક્તા જયા ઠાકુરે સુપ્રીમમાં કેવિએટ દાખલ કરીને અનુરોધ કર્યો છે કે તેમનો પક્ષ સાંભળ્યા વગર નિર્ણય ન લેવાય. એનું આશ્ચર્ય જ છે કે આટલું થયું હોય, હાઇકોર્ટે FIR નોંધવાનો આદેશ આપ્યો હોય કે સુપ્રીમે તેમને પાણીથી પાતળા કર્યા હોય, કાઁગ્રેસ પક્ષમાંથી હાંકી કાઢવાનું કહેતી હોય, પણ ભા.જ.પ.ના વરિષ્ઠો એટલા ઠાવકા છે કે જરા તરા ઠપકો આપીને ફરજ બજાવી લે છે. એમ લાગે છે કે વિજય શાહનું રાજકીય ભવિષ્ય સુપ્રીમના નિર્ણય પર અવલંબિત છે. એટલું છે કે ભા.જ.પ.ની કોઇ ટીકા કરે તો ભંવા ચડી જાય છે, પણ ભા.જ.પ. કોઇની ટીકા કરે તો રૂંવાડું ય ફરકતું નથી.
ભા.જ.પ.ના નેતા તો ઠીક, પણ રાજકોટના ચેતન સુરેજા જેવા કોર્પોરેટર પણ એર સ્ટ્રાઈકને લાઇટલી લેતા ગમ્મત કરે છે કે 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે, આખું જોવું હોય તો 400 સીટ આપવી પડે. ભારત-પાકિસ્તાન વચ્ચેની તનાવ ભરી સ્થિતિમાં આવી મજાક પણ થાય છે ! યુદ્ધવિરામ થતાં આરપારની લડાઈ જોવાની ધારણા હતી, એવા લોકોને સંભળાવાયું કે આખું યુદ્ધ એટલે ન થયું, કારણ પ્રજાએ 240 સીટ જ આપી. 400 આપી હોત, તો પૂરું યુદ્ધ જોવા મળતે. યુદ્ધની લંબાઈ-પહોળાઈ ભા.જ.પ.ની સીટ પર આધારિત છે, એવી માનસિકતા ધરાવતા કોર્પોરેટર પક્ષનું અહિત જ કરી રહ્યા છે, પણ તેનો ય કોઈ ફેર ભા.જ.પ.ને પડતો નથી, કારણ એ કોર્પોરેટરને તો સાદા ઠપકાનો લાભ પણ પક્ષે આપ્યો નથી.
આનું ઠેકાણું પડ્યું નથી, ત્યાં ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ રાજગોપાલ યાદવે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અંગે કહ્યું કે મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા પર એટલે ટિપ્પણી કરી કે તે મુસ્લિમ છે, પણ વ્યોમિકા સિંહ માટે કૈં ન કહ્યું, કારણ કે તે રાજપૂત છે. એર માર્શલ ભારતીની જાતિની ખબર ન હતી, તેને યાદવ કહી. આ જાતિ પુરાણ પર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગીએ કહ્યું કે સેનાનો પ્રત્યેક સૈનિક રાષ્ટ્રધર્મ નિભાવે છે ને તે કોઈ જાતિ કે ધર્મનો પ્રતિનિધિ નથી. આ સારી વાત છે, પણ જે સૈનિક માટે છે, તે નાગરિક માટે પણ હોય ને ! યોગી પોતે પણ બુલડોઝર ન્યાય એ રીતે જ કરતાં હશે એમ ધારવાનું ગમે. સેનાનો ધર્મ દેશની સુરક્ષાનો જ હોય, તેને જાતિ, ધર્મથી મૂલવવાનું ઠીક નથી ને સેના માટે જે સાચું છે, તે દેશના દરેક નાગરિક માટે કેમ ન હોય? પણ કમનસીબે એમ નથી. આ જ રાજકારણીઓ સગવડ પ્રમાણે ધર્મ-જાતિનો ઉપયોગ કરતા રહ્યા છે. ભા.જ.પ.ના એક મંત્રી વિજય શાહે એક મહિલા સેનાધિકારીની મુસ્લિમ હોવાથી અભદ્ર ટિપ્પણી કરી, તો રામગોપાલ યાદવે બીજી મહિલા સેનાધિકારીની, મંત્રીને જાતિ ખબર ન હતી એટલે ચૂપ રહ્યા, પણ એમ કહીને ય તેમણે મહિમા તો જાતિનો જ કર્યો.
આ ઓછું હોય તેમ મધ્ય પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી જગદીશ દેવડાએ કહ્યું કે યશસ્વી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અમે આભાર માનવા માંગીએ છીએ કે આખો દેશ, દેશની સેના, દેશના સૈનિકો તેમનાં ચરણોમાં નતમસ્તક છે. તેમણે જે જવાબ (એર સ્ટ્રાઇકનો) આપ્યો છે, તેની થાય એટલી પ્રશંસા ઓછી છે. એમ લાગે છે કે એક એર સ્ટ્રાઈક (કે અન્ય ઘટનાઓ) કેટલા નેતાઓ માટે લવારા કરવાનું નિમિત્ત બની રહે છે. આમાં તો તેમની વૈચારિક ક્ષમતા કેવી દયાજનક છે તેનો જ પડઘો પડે છે. આ બધું આટલી હળવાશથી કે રમતમાં લેવા જેવું છે ખરું? અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય અનિવાર્ય છે, પણ લવારાનું નથી જ ! વળી આવા લવારા કોઈ નાગરિક કરે તો તે ક્ષમ્ય છે? જો, નહીં, તો નેતાઓ માટે પણ તે અક્ષમ્ય કેમ ન હોય?
દેખીતું છે કે કાઁગ્રેસને આવી બાબતો વિરોધનું કારણ પૂરું પાડે. કાઁગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીએ તો કહ્યું પણ ખરું કે ભા.જ.પ.ના નેતાઓ આવી ટિપ્પણી દ્વારા સૈન્યનું અપમાન કરી રહ્યા છે. કાઁગ્રેસ રાજીનામું માંગે કે ભા.જ.પી. નેતાઓને હાંકી કાઢવાનું કહે તેથી ભા.જ.પ.ને કે તેનાં મોટાં માથાંને બહુ ફરક પડતો નથી, બહુ થાય તો તે જવાબદારને ઠપકો આપી છૂટે છે. ઠપકો પણ થાબડવા જેવો જ હોય છે. વળી જે વાણી વિલાસ કરે છે તે એટલા ‘સ્માર્ટ’ છે કે નામુકર જઈ શકે. ભા.જ.પ.ના નેતાઓ બોલ્યા પછી આવું કહ્યું જ નથી કે કહ્યું તેને ટ્વિસ્ટ કરવામાં આવ્યું છે કે કાવતરું કરીને ખોટો વિવાદ વધારાઈ રહ્યો છે – જેવો બચાવ કરતા રહે છે ને એનો તેમને સંકોચ ભાગ્યે જ હોય છે.
એક બાબત બહુ સ્પષ્ટ છે કે દેશહિતમાં ન હોય એવો વાણી વિલાસ નાગરિક માટે અક્ષમ્ય હોય તો કોઈ પણ મંત્રી કે નેતા માટે પણ તે અક્ષમ્ય જ હોવો ઘટે. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 મે 2025