પપ્પાને ગુજરી ગયાને એક વર્ષ થવા આવ્યું હતું. એમના શ્રાદ્ધની બધી તૈયારી થઈ ગઈ હતી. સુનિલની પત્ની દિશાએ પૂરી શ્રદ્ધાથી પંડિતજીએ આપેલી દરેક સૂચનાનો અમલ કર્યો હતો. સુનિલને જો કે, આ બધાં વિધિ-વિધાનમાં જરા ય રસ નહોતો પણ મા અને પત્નીની લાગણીને ખાતર કમને એમાં જોડાયો હતો. એક વખત તો એનાથી માને પુછાઈ ગયું હતું,
“મા, આપણા ઘરમાં નીલુનું શ્રાદ્ધ કેમ ક્યારે ય નથી કર્યું?”
આ સવાલનો જવાબ આપવો એ મા માટે મોટી મૂંઝવણ હતી. જેમતેમ કરતાં ગોઠવીને એ બોલી, “તારા પપ્પાને… એટલે કે, નીલુને ગયાને તો કેટલાં બધાં વર્ષો થઈ ગયાં. હવે …”
નાનો હતો ત્યારે સુનિલને ઘણું બધું નહોતું સમજાયું પણ હવે તો બધું સ્પષ્ટ હતું કે, પપ્પા માટે નીલુ વણજોઈતી હતી. આશ્રમમાંથી એના ગુજરી ગયાના સમાચાર આવ્યા ત્યારે મા ચોધાર આંસુએ રડેલી પણ પપ્પા બહુ ખુશ હતા. દીકરીના અવસાનનો શોક વ્યક્ત કરવા આવેલા એમના એક મિત્ર પાસે એ બોલી પડેલા, “એક જ્યોતિષીએ મને કહેલું કે, આ વખતના હોલિકા દહનમાં તમારી બધી મુશ્કેલીઓ ભસ્મ થઈ જશે ને ખરેખર એવું જ થયું.” પછી મા અને સુનિલ પર નજર પડતાં વાત ફેરવતાં બોલેલા, “જો ને, મારા ઉઘરાણીના પૈસા આવી ગયા.”
સાવ નાનો હતો તો ય સુનિલ સમજી શકતો હતો કે, પપ્પાને માનસિક વિકલાંગ દીકરી દીઠી ગમતી નહોતી. એમની ઑફિસમાંથી થોડા સાથીદારો મળવા આવેલા ને નીલુ પગ પછાડીને રડવા લાગી ને એના મોંમાંથી લાળ પડવા લાગી ત્યારે એમણે જોરથી ઘાંટો પાડીને માને કહેલું, “આને બહાર કેમ રાખી છે? અંદર લઈ જા.”
માને ભલે એમનું દીકરી સાથેનું વર્તન ગમતું નહીં પણ એણે કદી પોતાની નારાજગી ન બતાવી. એનું તો જાણે આખું જીવન પપ્પાની મહેરબાની પર જ અવલંબિત હોય એમ એ બધી વાતમાં હા જી હા કર્યા કરતી. પપ્પા ભલે માનતા કે, નીલુને કશું ભાન નથી એટલે એનામાં કોઈ પ્રકારની લાગણી નથી પણ એને ગમતું થાય ત્યારે એ જે રીતે હાથ-પગ હલાવવા લાગતી કે, દુ:ખી થાય ત્યારે ઉં ઉં કરીને ગળામાંથી રડવા જેવો અવાજ કાઢતી એના પરથી સુનિલને પાક્કી ખાતરી હતી કે, એ બધું જ અનુભવી શકે છે.
નાનપણનો એક પ્રસંગ તો સુનિલ જિંદગીભર નહીં ભૂલી શકે. રક્ષાબંધનને દિવસે ફોઈ આવેલાં. એમણે પર્સમાંથી કેડબરી કાઢીને સુનિલના હાથમાં મૂકી. પપ્પાને જ નીલુ માટે લાગણી નહોતી તેથી આવનારાંઓ માટે પણ જાણે નીલુનું અસ્તિત્વ જ નહોતું. કેડબરી ખરીદતી વખતે ફોઈને નીલુ યાદ નહીં આવી હોય? સુનિલનું મન ખાટું થઈ ગયેલું. એટલામાં તો નીલુએ રિસાઈને રડવા માંડેલું. ફોઈ ભોંઠાં પડીને નીલુને મનાવવા લાગેલાં. “સોરી, હું તને ભૂલી ગઈ, પણ ભાઈ કરતાં ય મોટ્ટી કેડબરી તારે માટે લઈ આવીશ હોં!”
સુનિલની કેડબરીમાંથી કટકો કરીને ફોઈ એને ખવડાવવા ગયાં તો નીલુએ મોં ફેરવી લીધેલું. ગમે તેટલું સમજાવવા છતાં એણે તે દિવસે ચોકલેટ ન ખાધી તે ન જ ખાધી. તો પછી બધાંએ શી રીતે માની લીધું કે, એ કંઈ સમજતી નથી?
એક દિવસ અચાનક પપ્પાના દોસ્ત ડેવિડ અંકલે આવીને પૂછેલું, “થઈ ગઈ બધી તૈયારી?” માએ ફક્ત ડોકું હલાવીને રડતી આંખે હા પાડેલી. ગાડીમાં નીલુની બેગ મૂકીને મમ્મી, પપ્પા અને અંકલ નીલુને લઈને કશે ચાલ્યાં ગયેલાં. પાછાં આવ્યાં ત્યારે સાથે નીલુ નહોતી.
“નીલુ ક્યાં ગઈ?” એવા સુનિલના સવાલના જવાબમાં મા દિવસો સુધી માત્ર રડતી જ રહી. પપ્પા ગુસ્સે થઈને કહેતા, “એમ વેવલાં નહીં થવાનું. બી પ્રેક્ટીકલ. ત્યાં એના જેવાં છોકરાંઓ સાથે એને મજા પડશે.”
સુનિલ વિચારતો કે, આમ તો તમે કહો છો કે, એનામાં કંઈ સમજ નથી તો પછી મજા કેવી રીતે પડશે? ધીમે સાદે થતી મમ્મી-પપ્પાની વાતો પરથી સુનિલને સમજાયું હતું કે, નીલુને અનાથ બાળકી પુરવાર કરવામાં ડેવિડ અંકલે મદદ કરેલી અને ખોટું બોલીને એને મધર ટેરેસાના અનાથ આશ્રમમાં મૂકી આવેલાં – ફરી કદી એને ન મળવાની શરતે.
પછી તો સુનિલના દિશા સાથે લગ્ન થયાં. દિશા મમ્મી-પપ્પાની દીકરીની જેમ કાળજી રાખતી, પણ સુનિલને કદી એવો ઉમળકો જાગ્યો નહીં. પપ્પાને પાર્કીંસંસ થયો ત્યારે દિશા કહેતી, થોડી વાર તો એમની પાસે બેસો! એમને સારું લાગશે, પણ સુનિલનું મન હંમેશાં બળવો પોકારતું- ‘એમણે કોઈ દિવસ મારી અબોલ બહેનને સારું લગાડ્યું? છતે મા-બાપે બિચારીએ અનાથ હોવાના સિક્કા સાથે જગતમાંથી વિદાય લીધી.’ જો કે, દિશાને એણે કદી પણ આ બધી ખબર નહોતી પડવા દીધી.
એ જાણતો હતો કે, માનું હૃદય તો હંમેશાં નીલુ માટે ઝૂરતું રહેલું, છતાં મૂંગા પશુ જેવી દીકરીની મમતા કરતાં એણે પતિના ગમા-અણગમાને મહત્ત્વ આપ્યું એ માટે એ માને પણ માફ નહોતો કરી શકતો. તો ય ભલે અનિચ્છાએ પણ આજે એ પિતૃતર્પણ કરી રહ્યો હતો. પૂજા વિધિ સમાપ્ત થઈ ગઈ હતી. પંડિતજી અંતમાં સંતાનની માતા-પિતા પ્રત્યેની ફરજ સમજાવી રહ્યા હતા. એમણે કહ્યું, “મા-બાપ દેવતા સમાન ગણાય છે. એમના આપણી ઉપર એટલા ઉપકારો હોય છે જેમાંથી કેટલા ય જન્મો સુધી આપણે ઋણમુક્ત થઈ નથી શકતા. હવે હું તમને સમજાવું કે, આપણાં જન્મદાતા પ્રત્યે આપણી શું શું ફરજ છે?”
આટલું કહીને એમણે સંતાનોની ફરજની યાદી રજૂ કરવા માંડી. સુનિલ નિર્વિકારપણે આંખો મીંચીને સાંભળતો હતો. એને થયું, શું કોઈ ધર્મગ્રંથમાં માતા-પિતાની ફરજો નહીં લખવામાં આવી હોય? શું દોષ હતો મારી બહેનનો જેને બધાંએ મળીને હડસેલી દીધી? અચાનક એની બંધ આંખો સામે નીલુ આવીને ઊભી રહી ગઈ. એનો પોતાની જાત સાથે સંવાદ ચાલુ થયો.
“મને માફ કરજે મારી બહેન, હું પણ ક્યાં તારે માટે કશું કરી શક્યો? ભગવાન તારા આત્માને શાંતિ બક્ષે.” એની આંખોમાંથી ટપ ટપ આંસું વહેવા લાગ્યાં અને દિશા એની પીઠ પસવારી રહી.
(સુમતિ સક્સેના લાલની હિંદી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 માર્ચ 2025; પૃ. 24