Opinion Magazine
Number of visits: 9969650
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બા : મહાત્માનાં અર્ધાંગિની

ઉત્તમ ગજ્જર|Gandhiana|13 October 2018

બા : મહાત્માનાં અર્ધાંગિની : (પુસ્તકના લેખક : અરુણ ગાંધી; અનુવાદ – સોનલ પરીખ : sonalparikh1000@gmail.com મૂલ્ય : બસો રૂપિયા; પાન સંખ્યા–270; પ્રથમ આવૃત્તિ : ઓક્ટોબર, 2016; પ્રકાશક અને મુદ્રક : વિવેક જીતેન્દ્ર દેસાઈ, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ–380 014; ફોન : 079-2754 0635 અને 079-2754 2634;  eMail : sales@navajivantrust.org Website : www.navajivantrust.org )

હમણાં એક સુંદર પુસ્તક વાંચવાનું થયું. તેનું નામ છે: ‘બા : મહાત્માનાં અર્ધાંગિની.’ શીર્ષક સૂચવે છે તેમ, તેમાં ભારતની એક માતૃમૂર્તિ કસ્તૂરબાની જીવનકથા છે. આ પુસ્તકને ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ તરફથી વર્ષ 2016ના શ્રેષ્ઠ અનુવાદ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે.

કસ્તૂરબા વિશે મોટા ભાગના લોકોની છાપ એવી છે કે તેઓ આદર્શ ભારતીય નારી હતાં. પતિના પગલાંમાં પગ મૂકીને ચાલનારા હતાં. પ્રેમાળ માતા હતાં. એથી વિશેષ કોઈ પ્રતિભા એમનામાં હતી નહીં.

પણ તેમ ન હતું. તેઓ એક મહાત્માનાં અર્ધાંગિની હતાં જરૂર; અંધ અનુગામિની નહીં, સમજદાર સંગિની હતાં. મહાત્માનાં અર્ધાંગિની બનવાની સાધનાએ તેમનામાં રહેલી સ્ત્રીને અને માતાને અનેક નવાં પરિમાણો આપ્યાં હતાં. તેમનામાં રહેલી સહજ સૂઝ અને દૃઢતાએ મહાત્માને પણ અનેકવાર દોર્યા હતા. તેથી જ બાપુ બાને પોતાનું ‘શુભતર અર્ધાંગ’ કહેતા.

‘બા : મહાત્માનાં અર્ધાંગિની' પુસ્તકની વિશેષતા એ છે કે તેને મૂળ અંગ્રેજીમાં લખનાર અરુણ ગાંધી કસ્તૂરબાના પૌત્ર છે અને તેનો અનુવાદ કરનાર સોનલ પરીખ કસ્તૂરબાનાં પૌત્રીનાં પૌત્રી છે.

અહીં હું આ બન્નેનો થોડો પરિચય તેમ જ પુસ્તક પર કામ કરતી વખતના તેમના મનોભાવોના અંશો આપું છું :

ડૉ. અરુણ મણિલાલ ગાંધી કસ્તૂરબા અને બાપુના પાંચમા પૌત્ર. તેમનો જન્મ 14 એપ્રિલ, 1934માં દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં થયો હતો. માતા–પિતા સુશીલા અને મણિલાલે પોતાનાં સન્તાનોને બાપુ–ચિંધ્યા માર્ગે ઉછેર્યાં હતાં.

બાળપણના અને તરુણાવસ્થાના ઘણા મહિના તેમણે બા–બાપુ સાથે વર્ધાના સેવાગ્રામ આશ્રમમાં ગાળ્યા. દક્ષિણ આફ્રિકાનો રંગભેદ અને ત્યાંનું હિંસાથી ખદબદતું વાતાવરણ જોઈ, અરુણનું યુવાન લોહી ઊકળી ઊઠતું. બાએ તેને, તેના આક્રોશને વિધ્વંસક માર્ગે ન લઈ જતાં, પરિવર્તન માટેની શક્તિ બનાવતાં શીખવ્યું હતું.

કેટલોક સમય ભારતમાં ગ્રામીણો માટે કામ કર્યા બાદ, અરુણ ગાંધી અને તેમનાં પત્ની સુનંદા, શાન્તિ અને અહિંસાની વાત વિશ્વફલક પર મુકવાનું સ્વપ્ન લઈ અમેરિકામાં સ્થીર થયાં. 2007માં સુનંદાએ ચીરવિદાય લીધી.

શાન્તિ અને અહિંસાનાં બીજ દૂર દૂર સુધી ફેલાવવા લાંબા પ્રવાસો કરતા રહેતાં અરુણ ગાંધી, પોતાને ‘શાન્તખેડૂત’(પીસ ફાર્મર) ગણાવે છે અને એક દિવસ શાન્તિનાં આ બીજ, હરિયાળો પાક બની, માનવજાતને અર્પણ કરી શકાશે તેવી આશા સેવે છે..

સોનલ પરીખના પિતા ડૉ. પ્રબોધ પારેખનાં મા રામીબહેન, મહાત્મા ગાંધીના મોટા પુત્ર હરીલાલનાં પુત્રી. માતા–પિતા માધવી અને પ્રબોધે પોતાનાં સંતાનોને મહાત્માના વંશજ હોવાની સભાનતા આપ્યા વિના, સાદાઈ અને સહજતાથી ઉછેર્યાં છે.

પત્રકારત્વ અને સર્જનાત્મક લેખનને પોતાની કારકિર્દી બનાવનાર સોનલ પરીખે, મુમ્બઈના ભારતીય વિદ્યાભવન, ગાંધી સ્મારકનિધિ (મણિભવન) તેમ જ મુમ્બઈ સર્વોદય મંડળ જેવી સંસ્થાઓમાં લેખન, સંશોધન અને વહીવટી કાર્યોનો અનુભવ લીધો છે અને ‘જન્મભૂમિ'નાં તંત્રીવિભાગમાં કામ કર્યું છે. હાલ બેંગલોર રહી ‘જન્મભૂમિ’, ‘જન્મભૂમિ પ્રવાસી', ‘પ્રબુદ્ધ જીવન', ‘નવચેતન', ‘કવિતા', ‘વિચારવલોણું'માં કૉલમો લખવા ઉપરાંત અનુવાદો કરે છે અને સ્વતંત્ર પુસ્તકો લખે છે.

હવે આ બન્ને, કસ્તૂરબા વિશે લખવા કેમ પ્રેરાયાં? એમના જ શબ્દોમાં જોઈએ :

લેખક અરુણ ગાંધી કહે છે :

‘મોહનદાસ કરમચંદ ગાંધી’નું વ્યક્તિત્વ એવું વિરાટ હતું કે તેની નજીકનું બીજું કોઈ દેખાય નહીં. મારાં દાદી કસ્તૂરબા અને મારા પિતા મણિલાલ–આ બન્નેએ મારા દાદા મહાત્મા ગાંધીના વિચારો અને વ્યક્તિત્વમાં પોતાને ઓગાળી દીધાં હતાં.

આધુનિક, પશ્ચિમી મૂલ્યોમાં માનનારાઓ મોહનદાસ પર આરોપ પણ મૂકે છે કે એમની છાયામાં બીજા બધાંનો વિકાસ રુંધાઈ ગયો. પણ બાપુ પાસે મહાન ધ્યેય હતું, આદર્શો હતા, તેમની એક દૃષ્ટિ હતી, વ્યક્તિને પરિવર્તિત કરવાની શક્તિ પણ હતી. તેનાં પરિણામે કસ્તૂરબા અને મણિલાલે અને બીજા અનેકે પોતાની વ્યક્તિગત પ્રાપ્તિ વિશે વિચારવા કરતાં પોતાનાં જીવન બાપુને સમર્પિત કરવાનું વધુ પસંદ કર્યું હતું.

જેમણે કસ્તૂરબાને જોયાં છે તેમને ‘બા’ શબ્દનો, માતૃત્વનો સાચો અર્થ સમજાયો છે. મને હંમેશાં એક પસ્તાવો રહ્યો કે હું બાને પૂરાં જાણી ન શક્યો. મેં છેલ્લે તેમને જોયાં ત્યારે હું પાંચ વરસનો હતો. 1939ની એ સાલ હતી. મારા પિતા મણિલાલે ત્યારે દક્ષિણ આફ્રિકામાં રહી બાપુએ 1873માં શરૂ કરેલા આંદોલનને આગળ ધપાવતાં અહિંસક માર્ગે સામાજિક અને રાજકીય પરિવર્તનોની દિશામાં કામ ઉપાડેલું હતું. દર ચાર વર્ષે એક વાર તેઓ ભારત આવીને પરિવારને મળતા. દાદા–દાદીનું હૂંફભર્યું, સતત વરસતું હેત મારી બાલ્યવયની સ્મૃિતઓનું ધન છે.

બા પ્રત્યેના પ્રેમ ઉપરાંત બીજી એક વાતે પણ મને બા વિશે જાણવા પ્રેર્યો. તે એ કે બાને જે થોડા લોકો ઓળખે છે તે સિવાય બાકીના મોટા ભાગના લોકો એવું માને છે કે બા એક અલ્પશિક્ષિત, સાધારણ અને સુશીલ સન્નારી હતાં. પતિને અનુસરતાં; પણ પતિ જે વિરાટ કાર્યો કરતા તેના વિશે ભાગ્યે જ કંઈ સમજતાં.

હું આવું માનવા તૈયાર ન હતો. મારા અને મારાં માતાપિતાના અનુભવો જુદું કહેતા હતા. બાએ ઔપચારિક શિક્ષણ ખૂબ ઓછું લીધું હોવા છતાં; તેઓ અજ્ઞાન કે અલ્પમતિ ન હતાં. ઇતિહાસ મારાં દાદીને અવગણે તે હું સાંખી ન શકું. ઘણી જહેમતોને અન્તે અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં બાની એક અગત્યની ભૂમિકા હતી. બાપુને મહાત્મા બનાવવામાં તેમનો મોટો ફાળો હતો. બાનું સમર્પણ, તેમની પોતાની એ પ્રતિતીને લીધે પણ હતું કે આ જ રસ્તો સાચો છે. ગુલામી કે અંધ અનુકરણ કદી બાના સ્વભાવમાં ન હતું.

‘સત્યના પ્રયોગો’માં બાપુએ લખ્યું છે કે અહિંસાની મૂળભૂત તાલીમ તેઓ બા પાસેથી પામ્યા છે. બા નિષ્ક્રિય ન હતાં. આક્રમક પણ ન હતાં. તેમને જે સાચું લાગતું, યોગ્ય લાગતું, તે મક્કમતાથી કરતાં. પતિની કોઈ વાત ગળે ન ઊતરે ત્યારે બા દલીલો ન કરતાં; પણ શાન્તિથી મક્કમતાથી તેને યોગ્ય માર્ગે વાળતાં, સત્ય તરફ પ્રેરતાં, અહિંસાના તત્ત્વજ્ઞાનનો આ જ અર્ક છે તેમ બાપુ હમ્મેશાં કહેતા.

પણ બા વિશે જાણવાનું બહુ જ મુશ્કેલ હતું. તેમણે પોતે કશું લખ્યું નથી અને તેમના જીવનના સન્દર્ભો ખોવાઈ ગયા છે. પોરબન્દરના પૂરમાં તમામ દસ્તાવેજી પુરાવાઓ ધોવાઈ ગયા છે. બાનાં માતાપિતા અને ભાઈઓ વહેલી વયે મૃત્યુ પામ્યાં. બાપુએ પોતાનાં લખાણોમાં આપેલા સન્દર્ભો સિવાય બાના પરિવારના ઇતિહાસ વિશે જાણવાનો કોઈ આધાર નથી.

એટલે મારા અને મારાં પત્ની સુનન્દાના સંશોધનનો મુખ્ત સ્રોત રહ્યો, મૌખિક ઇતિહાસ. આ ઇતિહાસ આપનારા તમામની દૃષ્ટિ બાપુની પ્રેરક સ્મૃિતઓથી અંજાયેલી હતી. બાને કેન્દ્રમાં રાખી વાતો કઢાવવામાં અમારે ધીરજ અને ખંતની ભરપૂર જરૂર પડતી. 1960થી અમે મુલાકાતો લેવા માંડી, રેકૉર્ડિંગ કરવા માંડ્યાં. બાની સાથે થોડુંયે રહ્યા હોય તેવા લોકોને અમે શોધતા રહેતાં.

છેવટે પુસ્તક તો તૈયાર થયું; પણ યુરોપ–અમેરિકાના કોઈ પ્રકાશક તેને છાપવા તૈયાર નહીં ! ‘કસ્તૂરબામાં કોને રસ પડે? તમે તમારા દાદા મહાત્મા ગાંધી વિશે કેમ નથી લખતા ?’ – એવા પ્રતિભાવ મળતા.

અમને આશ્ચર્ય થતું. મહિલાઓના અધિકાર માટે અમે જાગ્રત, તેથી બાનાં જીવન અને કાર્યો વિશે ઊતરતો મત સ્વીકારીએ નહીં. સહેલાઈથી હાર માનીએ નહીં. છેવટે 1979માં એક જર્મન પ્રકાશક વેલાખ હિન્દા ઉન્દ દિલ્માએ તેની જર્મન આવૃત્તિ પ્રગટ કરી. 1983માં મેક્સિકો યુનિવર્સિટીએ તેનું સ્પૅનિશ ભાષાન્તર પ્રગટ કર્યું.

પુસ્તકની અંગ્રેજી આવૃત્તિના પ્રકાશનમાં હજુ વિઘ્નો આવ્યાં જ કરતાં હતાં. તેની વાત ન કરીએ તેટલું જ સારું. અમે આશા છોડી દેવાની તૈયારીમાં જ હતાં, એ વખતે ઓઝાર્ક માઉન્ટન નામે એક પ્રકાશકે છેવટે પુસ્તક છાપ્યું.

બા–બાપુ અભિન્ન છે એટલે એક રીતે આ બા–બાપુની સહિયારી જીવનકથા છે. બાની કહાણી, બાપુના જીવન જેવી નાટ્યાત્મક નથી; પણ છતાં એ કહાણી અલગ છે, અજોડ છે, પ્રેરક છે. મને આશા છે કે પ્રેમપૂર્વક કરેલો અમારો આ પરિશ્રમ સાર્થક થશે.

– અરુણ ગાંધી

અને પ્રાસ્તાવિક ‘કિંચીત્’માં અનુવાદિકા સોનલ પરીખ લખે છે :

‘કસ્તૂરબા મારાં દાદીનાં દાદી.’

લોહીનો આ સમ્બન્ધ ન હોત તો પણ કસ્તૂરબાને સમજવાની ઝંખના, એક સ્ત્રી તરીકે, એક સર્જક તરીકે, મારામાં જાગી જ હોત એમ હું ચોક્કસ માનું છું.

તેર વરસની ઉમ્મરે પોતાનાથી થોડા મહિના નાના મોહનદાસ સાથે તેમનાં લગ્ન થયાં. બાસઠ વર્ષના દામ્પત્ય દરમિયાન મોહનદાસ મહાત્મા બન્યા, અંગત અને જાહેરજીવનનાં શીખરો સર કરતા ગયા, સત્યાગ્રહની અત્યન્ત મૌલિક પદ્ધતિ શોધી, દક્ષિણ આફ્રિકામાં અને હિન્દમાં વિરાટ કાર્યો કર્યાં, દેશને બ્રિટિશ શાસનથી મુક્ત કર્યો, સમગ્ર વિશ્વની ગરીબ, શોષિત માનવજાતને પાંખમાં લેવા ધાર્યું. આવા નિત્ય પરિવર્તનશીલ અને સત્યશોધક, આદર્શો અને સિદ્ધાન્તો માટે મોટા ભોગ આપવા અને અપાવવા કટિબદ્ધ મહાત્માનાં અર્ધાંગિની બનવું એ બહુ કપરું, ગજું માંગી લે તેવું કામ છે.

બાપુનાં જીવનકાર્યો અને દેશના ઇતિહાસનાં મહાપરિવર્તનો સાથે, બાનું જીવન અભિન્નપણે વણાયેલું છે. બાપુની પડખે રહી, બાએ પણ વિરાટ ઐતિહાસિક ઘટનાઓનાં મૂળમાં, પોતાની પ્રાણશક્તિ સિંચી છે. કાઠિયાવાડની એક સંસ્કારી પણ નિરક્ષર કન્યામાંથી રાષ્ટ્રમાતા બનતાં સુધીની બાની યાત્રાના વળાંકો અને પડાવો કેવા હશે? તેમણે કેવાં સમાધાનો કર્યાં હશે, શું છોડ્યું હશે, શું અપનાવ્યું હશે, પોતાને કેવી રીતે સજ્જ કરતાં રહ્યાં હશે, તેની કલ્પના કરું, ત્યારે મારા મનમાં જે રોમાંચ જાગે છે, જે ઊથલપાથલ થાય છે, તેનું વર્ણન કરવું મુશ્કેલ છે.

ડૉ. અરુણ ગાંધી – મારા અરુણમામા –નું પુસ્તક ‘ધ ફરગોટન વુમન’ વાંચ્યું ત્યારે એક પૌત્ર તરીકે કસ્તૂરબાને સમજવાની અને તેમના વ્યક્તિત્વને વિશ્વ સમક્ષ રજૂ કરવાની અરુણમામાની તાલાવેલી મને ઊંડે સુધી સ્પર્શી ગઈ. તેમણે અને સુનંદામામીએ બાના જીવનચરિત્રના આલેખન માટે પુષ્કળ જહેમત ઊઠાવી છે અને ઉપલબ્ધ માહિતી સાથે કલ્પનાનું સંયમિત સંતુલન સાધતા જઈ, અત્યન્ત સુન્દર રીતે, પ્રેમપૂર્ણ નજાકત સાથે, બાનું અનોખું જીવન શબ્દબદ્ધ કર્યું છે. પુસ્તકમાંથી પસાર થતાં આપણે જાણવા પામીએ છીએ કે બા અંધ અનુગામીની ન હતાં, સમજદાર અને પ્રેમાળ જીવનસંગિની હતાં. તેમનું માતૃત્વ તેમનાં સન્તાનો અને સન્તાનોનાં સન્તાનોથી વિસ્તરી હજારો–લાખો દેશવાસીઓ સુધી પહોંચ્યું હતું.

અનુવાદમાં ‘જીવ’ આવે તે અનુવાદની પહેલી શરત છે. સુરેશ દલાલ ‘અનુવાદ’ માટે ‘અનુસર્જન’ શબ્દ વાપરતા. પુસ્તક સાથે સર્જનાત્મક રીતે સંકળાઈ શકાય તો જ અનુસર્જન બની શકે. મેં પૂરી મહેનત કરી છે, મહિનાઓ સુધી બા સાથે તદાકાર બની છું, તેમના સમયમાં – તેમના ફલક પર જીવી છું તેમની સાથે વલોવાઈ પણ છું. આશા છે કે અમારાં, આપણાં સૌનાં બાની આ રસપૂર્ણ અને પ્રેરક જીવનકથા ગુજરાતી વાચકોની નવી પેઢીને પણ ગમશે.

– સોનલ પરીખ

(લેખક અને અનુવાદિકાનાં લખાણો સહેસાજ સાભાર ટૂંકાવીને ..)

નોંધ : તો આમ વાત છે. અવકાશે પુસ્તકના અંશ પણ આપવા ધારીએ છીએ. કારણ કે આમાં કસ્તૂરબા વિશે પુસ્તકમાંનું કશું જ મૂકી શકાયું નથી!

♦●♦

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 411 –October 14, 2018

Loading

ધીરે ધીરે રાફેલનું સત્ય બહાર આવી રહ્યું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|13 October 2018

રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર નથી થયો, એમ હવે બે જ જમાત માને છે; એક બી.જે.પી.ના નેતાઓ (કાર્યકર્તાઓ નહીં, માત્ર નેતાઓ) અને બીજા ભક્તો. આમાંથી નેતાઓને સત્યની જાણ છે, પરંતુ તેઓ નેતાઓ છે એટલે ભ્રષ્ટાચારનો ઇન્કાર કરે છે અને ભક્તો તો એક હાલરડાના હકદાર હોય છે. હાલરડાનો મીઠો સૂર રેલાયો નહીં અને ભક્તો પોઢ્યા નહીં.

ત્રણ ઘટનાઓ એવી બની છે જેણે સરકારને હજુ વધુ મૂંઝવણમાં મૂકી દીધી છે. એક ઘટના ફ્રાન્સમાં બની છે. જેની સાથે રાફેલ વિમાનનો સોદો થયો છે એ ડાસ્સોલ્ટ એવિયેશન કંપનીમાં નંબર ટુની પોઝિશન ધરાવતા લોઈક સિલેગન નામના અધિકારીએ ગયા વરસે ૧૧મી મેના રોજ કંપનીની આંતરિક મિટિંગમાં કહ્યું હતું કે ભારત સાથે વિમાનનો સોદો કરવા માટે રિલાયન્સને ઓફ શોર પાર્ટનર તરીકે સ્વીકારવી પડી છે. ભારત સાથેનો વિમાની સોદો મહિના પહેલાં ૧૦મી એપ્રિલે થયો હતો. એ અધિકારીએ કહ્યું હતું: “It was imperative and obligatory for Dassault Aviation to accept this compensation in order to obtain the Rafale India export contract.” અર્થાત્‌ જો ભારત સાથે રાફેલ વિમાનનો સોદો કરવો હોય તો રિલાયન્સને ભાગીદાર બનાવવામાં આવે એ ભારત સરકારની પૂર્વશરત હતી અને એના સિવાય કોઈ છૂટકો નહોતો.

આ કંપનીમાં નબંર ટુનું સ્થાન ધરાવનારા માણસે કંપનીના સર્વોચ્ચ અધિકારીઓને આપેલી સત્તાવાર માહિતી છે અને એ માહિતી કોર્પોરેટ કંપનીઓમાં બને છે એમ મિનિટ્સમાં નોંધાઈ છે. કંપનીની એ મિટિંગની મિનિટ્સ ફ્રાંસની ‘મીડિયાપાર્ટ’ નામની સ્વતંત્ર ન્યુઝ એજન્સીએ બહાર પાડી છે અને અત્યાર સુધી ડેસ્સોલ્ટના સી.ઈ.ઓ.એ કે બીજા કોઈએ કહ્યું નથી કે કંપનીની મિનિટ્સ તરીકે જે દસ્તાવેજ બહાર આવ્યો છે એ બનાવટી છે. હા, સી.ઈ.ઓ.એ એટલું કહ્યું છે કે ડેસ્સોલ્ટે રિલાયન્સની પસંદગી પોતાની જાતે કરી છે. એ પણ નિવેદન બહાર પાડીને, પત્રકારોની સામે આવીને નથી કહ્યું. આપણા વડા પ્રધાન અને ડેસ્સોલ્ટના સી.ઈ.ઓ. કેમેરાની સામે આવતા નથી. ફ્રાંસના ભૂતપૂર્વ પ્રમુખ હોલાંડેની કબૂલાત પછી આ બીજો મોટો ધડાકો છે. ભારત સરાકરે આજ સુધી નથી કહ્યું કે હોલાંડે જૂઠું બોલે છે અને ડેસ્સોલ્ટે હજુ સુધી નથી કહ્યું કે કંપની બેઠકની મિનિટ્સ ખોટી બનાવતી છે.

બીજી ઘટના સર્વોચ્ચ અદાલતમાં બની છે. એક જાહેર હિતની યાચિકામાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને માત્ર એટલું જ કહ્યું છે કે એક બંધ પરબીડિયામાં રાફેલ સોદાની આરંભથી લઈને અંત સુધીની પ્રક્રિયાની વિગતો આપો. ભાવ-તાલની વિગતો આપવાની જરૂર નથી અને વિમાનોની લડાયક ક્ષમતાની ટેકનિકલ વિગતો પણ આપવાની જરૂર નથી. માત્ર સોદાની પ્રક્રિયા બતાવો.

કેન્દ્ર સરકારના એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતની આમ તો નિર્દોષ લાગતી નાનકડી, પણ દૂરગામી અસર કરનારી માગણીનો અર્થ સમજી ગયા હતા. તેમણે ગલ્લાતલ્લા કરતા કહ્યું હતું કે બધું ઉઘાડું તો છે જ એટલે એવી કોઈ વિગતો બચતી નથી જે અદાલતને અલગથી કહેવી પડે. સર્વોચ્ચ અદાલતના જજોએ કહ્યું હતું કે કાંઈ વાંધો નહીં ઉઘાડી હકીકતો બંધ પરબીડિયામાં આપો.

આ અદાલત છે અને એ પણ સર્વોચ્ચ અદાલત. આ કોઈ અર્નબ ગોસ્વામીનો સ્ટુડિયો નથી જ્યાં ફેંકાફેંકી કરી શકાય અને જો કોઈ શંકા કરે તો અર્નબ ગોસ્વામી સરકારની મદદે આવે. સોદાની પ્રક્રિયાની વિગતો આપવાનો અર્થ થાય અક્ષરસઃ શ્વેતપત્ર રજૂ કરવો. એમાં સત્તાવારપણે કહેવું પડે કે રિલાયન્સનો પ્રવેશ ક્યારે થયો અને હિન્દુસ્તાન ઍરૉનેટિક્સ લિમિટેડ(એચ.એ.એલ.)નો કાંકરો ક્યારે નીકળી ગયો અને એને માટે શું કારણો આપવામાં આવ્યાં છે? કારણ બે જ હોઈ શકે; કાં તો ક્ષમતા અને કાં ભાવ. કેન્દ્ર સરકારે પ્રક્રિયાપત્ર (વાસ્તવમાં શ્વેતપત્ર)માં બતાવવું પડે કે રિલાયન્સ એચ.એ.એલ. કરતાં કઈ રીતે વધુ ક્ષમતા ધરાવે અને અને એચ.એ.એલ.ની જગ્યાએ રિલાયન્સને ડોસ્સોલ્ટનો પાર્ટનર બનાવવામાં ભારતને કઈ રીતનો આર્થિક ફાયદો છે. બન્ને એરણે ભારત સરકારે રિલાયન્સના પ્રવેશને વાજબી ઠેરવવો પડે.

સૌથી હેરાન કરનારો સવાલ છે રિલાયન્સનો એક્ઝેક્ટલી ક્યારે પ્રવેશ થયો? કારણ કે વડા પ્રધાન ફ્રાંસ જવાની તૈયારી કરતા હતા એના પખવાડિયા પહેલાં ડોસ્સોલ્ટના સી.ઈ.ઓ.એ કહ્યું હતું કે એચ.એ.એલ. સાથેની ભાગીદારીની સમજૂતીની વિગતોને આખરી ઓપ અપાઈ ગયો છે  અને એ વાતે તેઓ ખૂબ ખુશ છે. વડા પ્રધાનની ફ્રાંસ મુલાકાતના અઠવાડિયા પહેલા ભારતના વિદેશ સચિવે કહ્યું હતું કે ભારત અને ફ્રાંસના નેતાઓની મુલાકાતના એજન્ડામાં ડોસ્સોલ્ટ અને એચ.એ.એલ. વચ્ચે રાફેલ વિમાનોનો સોદો મુખ્ય બાબત છે. રિલાયન્સના પ્રવેશ વિશે નહોતી ડોસ્સોલ્ટના સી.ઈ.ઓ.ને જાણ કે નહોતી વિદેશ સચિવને જાણ. વડા પ્રધાનની ફ્રાસની મુલાકાતની પૂર્વસંધ્યાએ અમે આવું બોલ્યા નથી એવો રદિયો આજ સુધી તેમણે બન્નેએ આપ્યો નથી.

તો રિલાયન્સનો પ્રવેશ એક્ઝેક્ટલી થયો ક્યારે અને કોના કહેવાથી થયો? કઈ લાયકાતને કારણે થયો? પ્રક્રિયાપત્ર અર્થાત્‌ શ્વેતપત્રમાં આ બધું કહેવું પડે. ભારત સરકારના એટર્ની જનરલ કહે છે એમ બધું ઉઘાડું છે તો આપવામાં વાંધો શું છે? જે ઉઘાડું છે એ બંધ પરબીડિયામાં માંગવામાં આવે છે એ જોઇને તો ઊલટું હરખાવું જોઈએ. બધું ઉઘાડું નથી. યુ.પી.એ. સરકારે નક્કી કરેલો સોદો ઉઘાડો હતો, પણ વાસ્તવમાં થયેલો સોદો ઉઘાડો નથી. એક સોદાની વિગતો ઉઘાડી હોય અને બીજા સોદાની વિગતો ઉઘાડી ન હોય ત્યારે આગળનું ઉઘાડાપણું કઠતું હોય છે. આદેશ સર્વોચ્ચ અદાલતનો છે એટલે ભારત સરકાર વિગતો આપવાથી બચી શકે એમ નથી. એ વિગતો ભલે બંધ પરબીડિયામાં આવી હોય, એ વિગતો સર્વોચ્ચ અદાલતે ઉઘાડી કરવી જોઈએ.

ત્રીજી મૂંઝવણ અરુણ શૌરી, યશવંત સિન્હા અને પ્રશાંત ભૂષણે પેદા કરી છે. સરકાર તરફથી ઈંગિત કરવામાં આવે છે કે એચ.એ.એલ. સરકારી માલિકીની છે, વિમાન બનાવવાનો દાયકાઓ જૂનો અનુભવ છે એ વાત સાચી; પરંતુ તે સરકારી કંપની હોવાથી હંમેશ બને છે એમ તેની ક્ષમતા ઓછી પડે છે. સરકારી કંપનીઓનું રગશિયું ગાંડું નિર્ધારિત સમયે ડિલિવરી કરી શકતું નથી. ભલે આઠ દિવસ પહેલા રિલાયન્સ ડિફેન્સ કંપની કાગળ પર સ્થપાઈ હોય, પરંતુ રિલાયન્સને પસંદ કરવા પાછળનો ઈરાદો નિર્ધારિત સમયે ભારતના હવાઈ દળને વિમાનો પૂરાં પાડવાનો છે. નફા પર નજર રાખનારી બન્ને (ડોસ્સોલ્ટ અને રિલાયન્સ) ખાનગી કંપનીઓ છે એટલે સમયે વિમાનો મળશે. દેશના સંરક્ષણની બાબતમાં ખાનગી અને સરકારીની વાતો કરીને ભાવુક બનવાની જરૂર નથી. દેશની રક્ષા પહેલી.  

ઘણાં ભક્તોને આ દલીલ ગળે ઊતરતી હતી, પણ હવે અરુણ શૌરીએ અને મીડિયાપાર્ટે એ ફુગ્ગો પણ ફોડી નાખ્યો છે. ૧૦મી ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ફ્રાંસના સંરક્ષણ પ્રધાનના હસ્તે ડોસ્સોલ્ટ રિલાયન્સ ઍરોસ્પેસ લિમિટેડ નામની કંપનીના પ્લાન્ટનું નાગપુર નજીક ખાતમુહૂર્ત થયું હતું. બરાબર એક વરસ પછી ૧૦મી ઓક્ટોબરે પ્લાન્ટની હવાઈ તસ્વીર લેવામાં આવી તો ત્યાં એક વેરહાઉસ જેવા મકાન અને સિક્યોરિટી કેબિન સિવાય કાંઈ જ નથી. કાંઈ નથી એટલે કાંઈ જ નથી. તમે પોતે યુ ટ્યુબ પર એ તસ્વીર જોઈ શકો છે. દેશના રક્ષણ જેવી બધાં કામ પડતાં મૂકીને હાથ ધરવી પડે એવી બાબત અને એમાં દેશપ્રેમીઓની સરકાર અને એ છતાં ય આવી હાલત? પ્લાન્ટના સ્થળે એક વરસે એક શેડ બંધાયો છે તો વિમાન ક્યારે બનશે? અરુણ શૌરી અને બીજાઓએ વિધિવત કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલને આની માહિતી આપી છે અને વિધિવત સી.બી.આઈ.માં ફરિયાદ દાખલ કરી છે.

દરમ્યાન સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન મારતા વિમાને પેરિસ ગયાં છે. તેમની આ અનશેડ્યુલ વિઝીટ છે. તેઓ ત્યાં ફ્રાંસના શાસકો સમક્ષ અને ડોસ્સોલ્ટના અધિકારીઓ સમક્ષ ખોળો પાથરશે અને કહેશે કે દેશપ્રેમીઓનો દેશપ્રેમ એરણ પર છે એટલે પ્લીઝ કાંઈક કરો. જો જો દેશપ્રેમ ઉઘાડો ન પડી જાય. માથે ચૂંટણી છે. તમારી એવી તે કેવી કંપની કે તમે સત્તાવાર મિનિટ્સ પણ સુરક્ષિત નથી રાખી શકતાં? સંરક્ષણ પ્રધાન ડોસ્સોલ્ટના સી.ઈ.ઓ.ને ઠપકો પણ આપશે.

ધીરે ધીરે સત્ય બહાર આવી રહ્યું છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 13 અૉક્ટોબર 2018

Loading

‘પ્રો-ચૉઇસ’ તરફ વધી રહેલું વલણ, કૉર્ટે કરેલી સમલૈંગિક સમ્બન્ધોની તેમ જ વ્યભિચારની પુષ્ટિ, એ ત્રણેય બાબતે વ્યક્તિને હવે મૉકળાશ જ મૉકળાશ છે

સુમન શાહ|Opinion - Opinion|13 October 2018

સ્ત્રી સંઘર્ષ કરે પણ બેફામ રોષને કાબૂમાં ન લઇ શકે, થાકી જાય. કેમ કે બળ તો, સત્તા છે

ગયા મહિને મેં લખેલું કે ગર્ભપાત અંગે ઘણા લોકો હવે 'પ્રો-ચૉઈસ' થઇ ગયા છે. એ અરસામાં આપણી સુપ્રીમ કૉર્ટે બે કલમો નાબૂદ કરી અને ક્રાન્તિકારી ચુકાદા આપ્યા. 377-સંદર્ભનો ચુકાદો કહે છે, સમલૈંગિક સમ્બન્ધો હવેથી અપરાધ નથી. 497-સંદર્ભનો ચુકાદો કહે છે, વ્યભિચાર હવેથી ગુનો નથી. મને થાય, 'પ્રો-ચૉઇસ' તરફ વધી રહેલું વલણ, કૉર્ટે કરેલી સમલૈંગિક સમ્બન્ધોની તેમ જ વ્યભિચારની પુષ્ટિ, એ ત્રણનો સરવાળો એમ દર્શાવે છે કે એ દરેક બાબતે વ્યક્તિને હવે મૉકળાશ જ મૉકળાશ છે. કેમ કે મોટી વસ્તુ વ્યક્તિસ્વાતન્ત્ર્ય છે. મને મૂંઝવણ થવા લાગેલી. હું વ્યક્તિસ્વાતન્ત્ર્યને તાકીને જોતો'તો ને એ મને ઘડીએ ઘડીએ દાંતિયાં કરતું'તું.

મને થતું, વ્યક્તિ ભારતીય હશે તો પણ આ નવતર કાયદા એને ગમી જવાના. સામાન્ય નાગરિક સરકારને શુંયે પૂછશે. પણ બૌદ્ધિકો પૂછી રહ્યા છે : આ સુદૃઢ કરાયેલું વ્યક્તિસ્વાતન્ત્ર્ય પરિવારમાં વિસંવાદ ઊભો કરનારું ને વિધ્વંસક નથી? દેશમાં રાજનૈતિકથી માંડીને પ્રકાર પ્રકારનાં ગુનાઇત કૃત્યો થાય છે તેનું શું? હું જે છાપું જોઉં છું એ ‘નવગુજરાત સમય'-ના ઍડિટર-ઇન-ચીફ અજય ઉમટે આ અને બીજા અનેક ચુકાદાઓ ટાંકીને એ સમસામયિક 'જ્યુડિશિયલ એક્ટિવિઝમ'-ને 'સલામ' તો ભરી, પરન્તુ સાથોસાથ, 'સુપ્રીમ' સવાલ એ કર્યો કે ભ્રષ્ટ અધિકારીઓ અને રાજકારણીઓ પર લગામ ક્યારે ખૅંચાશે -? વિદ્યુત જોશીએ 'સમુદ્રમંથન'-માં કહ્યું કે LGBTQ હવે કાનૂની અને કુદરતી છે, છતાં સમાજમાં તે હજુ એની ચર્ચા માગે છે. યાદ અપાવી કે સગીરો પશુઓ અને સમ્મતિ વિનાના વયસ્કો સાથેનો સમ્બન્ધ હજી પણ ભારતીય દણ્ડસંહિતા મુજબ ગેરકાનૂની જ છે. સંજય છેલે 'સુપ્રીમ કૉર્ટને 100 – 100 સલામ'-માં ચેતવણી ઉચ્ચારી કે માત્ર કાનૂન બદલવાથી સમાજ નહીં બદલાય. ઉમેર્યું કે એ લોકોને આપણે સ્વીકારીશું કે નહીં એ હવે આપણી અફલાતૂન કસોટી ગણાશે. લતા હિરાણીએ FB પેજ પર પૂછ્યું કે જેમનાં માબાપ વ્યભિચારી હશે એમનાં બાળકોની સ્થિતિ કેવી બનશે? જો કે, ચિન્તા ન કરીએ, કૉર્ટે આ કાયદાને સિવિલિયન નિયમોની અન્તર્ગત રાખ્યો છે. આત્મહત્યા કે છૂટાછેડા સરજાય તો વ્યભિચાર ગુનો બનશે.

બન્ને સરખાં હોય તો નભી જાય. પણ સ્ત્રી 'પ્રો-ચૉઇસ' હોય ને પુરુષ 'પ્રો-લાઈફ' -કે એથી ઊલટું- તો મુશ્કેલીઓ જરૂર સરજાય. પોતામાં વિકસી રહેલા જીવને સ્ત્રી બચાવી લેવા ચાહે પણ સંલગ્ન પુુરુષ માને નહીં ત્યારે સ્ત્રી મક્કમ રહે, રોષ કરે, તો જીતી જાય. પુરુષ 'પ્રો-લાઈફ' રહેવા માગે ત્યારે પણ રોષ તો સ્ત્રીએ જ દાખવવો પડે, ભલે હારી જાય. બન્ને વખતે લડાઇ તો ગર્ભવતીએ જ લડવાની હોય છે. અને, જીત કે હાર પાસે વાત પૂરી નથી થતી. પ્રેમભંગ કે લગ્નભંગ થાય છે, છૂટાછેડા લેવા પડે છે. વ્યભિચારના મામલામાં પણ એવું જ છે. પુરુષ વ્યભિચારે ચડે ત્યારે સ્ત્રી મક્કમતાથી રોષ કરે, તો જીતી જાય. પણ ત્યારે સ્ત્રી પાસે સ્વાતન્ત્ર્ય હોવું જોઇશે. વ્યભિચાર પોતે કરવા જાય ત્યારે પણ એની પાસે સ્વાતન્ત્ર્ય હોવું જોઇશે. સવાલ એ છે કે – સ્ત્રી પાસે સ્વાતન્ત્ર્ય હોય છે ખરું? – એની પાસે એવું આત્મબળ ખરું કે રોષ કરી શકે?

આમ, વ્યક્તિસ્વાતન્ત્ર્ય પ્રશ્નાર્થ નીચે બેસી પડ્યું. દાંતિયાં બંધ થઇ ગયાં. એટલે હું સ્ત્રીરોષની આશામાં જંપી ગયેલો. પણ બીજે દિવસે એને જ વિશેનો એક લેખ "ધ ન્યૂ રીપબ્લિક"-માં મારા વાંચવામાં આવ્યો – "ઑલ ધ રેજ". 'રેજ' એટલે 'રોષ'. એની અમેરિકન સ્ત્રી-લેખક રેબેકા સોલ્નીત (1961- ) કહે છે : નારીરોષ-ને વાચા આપતું સાહિત્ય આ મામલામાં ઘણી સહાય કરી શકે એમ છે : સાહિત્ય સહાય કરે છે સાંભળીને મને બહુ સારું લાગેલું.

સોલ્નીતે ચર્ચામાં ત્રણ સ્ત્રી-લેખકોનાં એક એક પુસ્તકનો હવાલો આપ્યો છે – રેબેકા ટ્રેઇસ્ટર, સોરાયા કેમાલિ, બ્રિટની કૂપર. વાસ્તવિક બનાવોની પાર્શ્વભૂમાં નારીરોષ વિશે લખાયેલાં ત્રણેય પુસ્તકો બિનસર્જનાત્મક છે. ગુજરાતીમાં એવાં ભાગ્યે જ છે એ વાતના ચચરાટ સાથે જણાવું કે આ વિષય પરત્વે ત્રણેય પુસ્તકો ઘણા ચિન્ત્ય વિચારો પૂરા પાડી શકે એમ છે.

પુસ્તકોમાં, મુખ્ય છે : નારીરોષનાં કારણોની પૃચ્છા-પરીક્ષા. પ્રસરીને નારીરોષ ફૅમિનિસ્ટ ઍક્શનમાં ને છેલ્લે #MeToo આંદોલનમાં શક્તિ-સ્વરૂપે આકારિત થયો એ વાત. સવિશેષે અમેરિકન લાઇફમાં, સ્ત્રીઓની ભાવનાઓને શી રીતે મૅનેજ કરાય જજ કરાય એનું મૂલ્ય કરાય એ વાત. અને, ઐક્ય સખ્ય વંશ કે જાતિ વગેરે ભેદોને કારણે નારીજીવનમાં થતી કાપાકાપીની વાત. એમાં, આવા આકર્ષક વિચારો છે : આજે ઘણી બધી સ્ત્રીઓ બદલાઇ ગઇ છે પણ અનેકાનેક પુરુષો નથી બદલાયા : નારીરોષને માન નહીં આપનારો સમાજ સ્ત્રીને વિચારક કર્મશીલ કે મનુષ્ય તરીકેનું માન નથી જ આપવાનો : સ્ત્રી હવે અંગત તેમ જ બિનંગત સંદર્ભોમાં ય રોષ વ્યક્ત કરી શકે છે.

પણ મુશ્કેલી આ છે : સ્ત્રી જ્યારે જેન્ડર વાયોલન્સ સામે રોષ કરે છે ત્યારે એનાથી 'સ્ત્રી' નથી રહેવાતું. લડાયક, ન-ગમતી અને ઉશ્કેરક દીસે છે. કેમ કે સમાજે તો એને હરેક પ્રકારનો આનન્દ આપનારી અને પરમ આજ્ઞાંકિત સમજી રાખી છે ! આમ, રોષ ન કરે તો વેઠે, કરે તો લડાયક દીસે.

તો શું રોષ અનિચ્છનીય છે? સોલ્નીતના વિચારો ક્રમે ક્રમે એ દિશામાં સંચરે છે. એને ઝેનકથાને યાદ આવે છે : સાધુને સમુરાઇ પૂછતો હોય છે : સ્વર્ગ અને નર્ક શું છે, મને સમજાવો : તારા જેવા મૂર્ખને મારે કંઇપણ શું કામ સમજાવવું જોઇએ? : સમુરાઇ સાધુને હણી નાખવાને તલવાર ઉગામી રહ્યો. ધાર અડવામાં હતી, ત્યારે સાધુએ કહ્યું – આ નર્ક છે. સમુરાઇ ખંચકાયો. એના મગજમાં સમજદારી અવતરતી'તી. ત્યારે સાધુએ કહ્યું – આ સ્વર્ગ છે. સોલ્નીત કહે છે : અહીં, પશ્ચિમમાં, અમે લોકો સમુરાઇ જેવાં છીએ. રાજકારણમાં, સામાજિક ચળવળોમાં, ઘરેલુ કે સામૂહિક હિંસાચારમાં, દુ:ખમાત્રના ઉપચાર રૂપે પુરુષ-ક્રોધને અમે અનિવાર્ય ગણી લીધો છે.

પણ ઝેનકથા અવળું સૂચવે છે કે ઉચિત વસ્તુ સમજદારી છે, ક્રોધ દયાપાત્ર છે. સોલ્નીતે બુદ્ધને યાદ કરી લખ્યું છે કે રોષ, વિષ છે. સ્ત્રી સંઘર્ષ કરે પણ બેફામ રોષને કાબૂમાં ન લઇ શકે, થાકી જાય. કેમ કે બળ તો, સત્તા છે. સ્ત્રીએ સાધુને જો એ જ પ્રશ્ન કર્યો હોત ને સાધુએ એને મૂર્ખ કહી હોત, તો એ પણ સમુરાઇની જેમ ક્રોધે ભરાઈ હોત. પણ એણે એમ ન કર્યું હોત કેમ કે એમ કરવા જતાં એને 'મૂર્ખ' ઉપરાન્તનાં બીજાં અપમાન સાંભળવાનો વારો આવ્યો હોત. અથવા એણે અવમાનના કરવાના સાધુના અધિકારને સ્વીકારી લીધો હોત, તો તો એને પોતાને જ થાત કે પોતે દયાપાત્ર છે.

ચર્ચામાં, રોષનું સ્થાન પ્રેમ લે છે. કૂપરનું પુસ્તક રોષવિષયક છે પણ પ્રેમવિષયક પણ છે – ન્યાય અને સમાનતાને માટેનો પ્રેમ -જૂઠને ઉઘાડું પાડવા માટેનો પ્રેમ. મારે પણ એ કહેવું છે વ્યભિચાર LGBTQ ચૉઇસ કે લાઈફ પરત્વે રોષમુક્ત રહેવું બહુ અઘરું છે, છતાં 'પ્રો-લવ' રહેવું. એ મુશ્કેલ નથી. સોલ્નીતે ઉપસંહારમાં એ જ કહ્યું છે : રોષ વૈકલ્પિક છે. જરૂરી છે, પ્રેમ.

= = =

https://www.facebook.com/suman.shah.94/posts/2156755024355399

તારીખ ૧૩/૧૦/૨૦૧૮ના ‘નવગુજરાત સમય'માં પ્રકાશિત આ લેખ સૌજન્યસહ અહીં મૂક્યો છે:

Loading

...102030...3,0873,0883,0893,090...3,1003,1103,120...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved