Opinion Magazine
Number of visits: 9843517
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઝૂફાર્માકોગ્નોસી : પ્રાણીઓ કેવી રીતે પ્લાન્ટ્સને દવાખાનું બનાવે છે!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 June 2025

રાજ ગોસ્વામી

મોટાભાગના લોકો એવું માને છે રોગને ઠીક કરવા માટે દવા અથવા ઉપચારની પદ્ધતિ માત્ર મનુષ્યોએ જ વિકસાવી છે, અને બાકીના જીવો રામ ભરોસે જીવે છે. પરંતુ એવું નથી. પ્રાચીન સમયથી અમુક આદિવાસી જાતિઓને ખબર હતી કે જંગલી પશુ-પ્રાણીઓ પણ રોગમુક્ત રહેવાનું જાણતાં હોય છે. 

તેના પરથી મેડિકલની દુનિયામાં, ઝૂફાર્માકોગ્નોસી (Zoopharmacognosy) નામની એક નવી વિદ્યા વિકસી છે – તેમાં પ્રાણીઓ કેવી રીતે ઔષધીય ગુણવત્તાવાળી વનસ્પતિ, માટી અને જીવજંતુઓને ખાઈને કે શરીર પર લગાવીને રોગમુક્ત રહેવાનો પ્રયાસ કરે છે, તેનો અભ્યાસ કરવામાં આવે છે. ઝૂફાર્માકોગ્નોસી ત્રણ ગ્રીક શબ્દો પરથી બન્યો છે; ઝૂ (પ્રાણી), ફાર્માકોન (દવા) અને ગ્નોસી (જ્ઞાન).

ભુવા-ઓઝાઓ પ્રાણીઓનું જોઇને જ નવી દવાઓ બનાવતા હતા. ઉત્તર અમેરિકાના દેશી લોકોમાં ‘બેર મેડિસિન’ પ્રચલિત છે, જે રીંછ પ્રજાતિના નિરીક્ષણ પરથી આવી છે. તેનો ઉપયોગ શરદી, ખાંસી, શ્વાસનળીના સોજા અને તાવને ઠીક કરવા માટે થાય છે. તેનો અર્થ એવો થયો કે એસ્પિરિનની સૌથી પહેલી ‘શોધ’ રીંછ જમાતમાં થઇ હતી.

ઉત્તરીય ગોળાર્ધના દેશી ઉપચારકોએ એવું જોયેલું કે રીંછ શીતનિંદ્રામાંથી બહાર આવીને પાણી નજીક ઊગતાં નેતર જેવા ‘વિલો’ નામનાં ઝાડવાંની છાલ ખાતાં હતાં. તેની છાલમાં સાલિસિન નામનું સમૃદ્ધ કેમિકલ હોય છે, જે મહિનાઓ સુધી ઠંડીમાં રહેવાથી રીંછના શરીરમાં પેદા થતી અક્કડ અને દુ:ખાવો દૂર કરતું  હતું.

ઉપચારકોએ શરીરમાં બળતરા શાંત કરવા માટે અને સંધિવાને ઠીક કરવા માટે રીંછના આ વર્તનની નકલ કરી હતી. પાછળથી વૈજ્ઞાનિકોએ નેતરમાંથી સાલિસીલિક એસિડ છૂટો પાડીને એસ્પિરિન બનાવી હતી.

1853માં, ચાર્લ્સ ફ્રેડરિક ગેરહાર્ડ નામના એક જર્મન કેમિસ્ટે પહેલીવાર સોડિયમ સાલિસીલિક અને એસેટાયલ ક્લોરાઈડ ભેળવીને એસેટાયલસાલિસીલિક એસિડ બનવ્યો હતો. તે પછી પચાસ વર્ષ સુધી બીજા કેમિસ્ટો તેના કેમિકલ માળખામાં ફેરફાર કરતા રહ્યા હતા. 1897માં, ફેલિક્સ હોફમેન નામના એક કેમિસ્ટ સંધિવાથી પીડાતા તેમના પિતાનો ઉપચાર શોધતા હતા. તેમના પિતા દવાની ગોળીઓ ગળવાના વિરોધી હતા. આ હોફમેને 10 ઓગસ્ટ 1997ના રોજ સફળતાપૂર્વક શુદ્ધ એસેટાયલસાલિસીલિક એસિડ બનાવ્યો હતો. અંતત: તે એસ્પિરિન બની હતી.

ભારતમાં બળતરાને શાંત કરવા માટે દેશી ઉપચાર તરીકે લીચ (જળો) થેરાપી પ્રચલિત છે, જે ખૂન ચૂસીને શરીર શાંત કરે છે. સૌથી પહેલાં અમુક પ્રાણીઓને આવો ઉપચાર કરતાં જોવામાં આવ્યાં હતાં. ભારતમાં આજે પણ ખેડૂતો તેમનાં ઢોર-ઢાંખરના રોગ મટાડવા માટે અમુક પ્લાન્ટ્સનો ઉપયોગ કરતા હોય છે.

પ્લાન્ટ્સમાં ઔષધીય તત્ત્વો હોય છે તે વાત નવી નથી. ભારતીય આયુર્વેદ પરંપરામાં હર્બલ દવાઓ કેન્દ્રમાં છે, જે ચોક્કસ પ્રકારની વનસ્પતિનાં મૂળિયાંમાંથી બને છે. પરંતુ પ્રાણીઓ હજારો વર્ષોથી આવી રીતે ઉપચાર કરતાં આવ્યાં છે, તે હકીકત હજુ પચાસ વર્ષથી જ ગંભીર અધ્યયનનો વિષય બની છે.

તમે ઘાસ ખાઈને ઊલટી કરતા કૂતરા જોયા છે? તે ઝૂફાર્માકોગ્નોસીનું ઉદાહરણ છે. તેવી રીતે વાંદરાઓ ઘણીવાર ખોરાકને ચાવ્યા વગર પેટમાં ઉતારી દે છે, પતંગિયાં તેમનાં બચ્ચાંમાં પરજીવીઓ ન વિકસે તે માટે ઝેરી પ્લાન્ટ્સ પર ઈંડાં મૂકે છે. અમુક પ્રાણીઓ તેમના શરીરમાં પરજીવીઓ કે ઝેરને રોકવા માટે માટી, કોલસો કે ઝેરી પ્લાન્ટ્સ ખાઈ જાય છે.

આવી પ્રવૃત્તિથી પ્રાણીઓનો સાચે ઉપચાર થાય છે કે કેમ તેનો ઝૂફાર્માકોગ્નોસીમાં અભ્યાસ થાય છે. પશ્ચિમમાં, 80ના દાયકાથી આ વિદ્યામાં રસ લેવાનું શરૂ થયું હતું. તે પછી તો આ દિશામાં ઘણું કામ થયું છે, અને તાજેતરમાં અમેરિકામાં આ વિષય પર એક રસપ્રદ પુસ્તક પ્રગટ થયું છે; Doctors by Nature : How Ants, Apes, and Other Animals Heal Themselves. 

તેના લેખક, જાપ ડે રૂડે, અમેરિકાના જ્યોર્જિયામાં એમોરી નામની એક ખાનગી યુનિવર્સિટીમાં બાયોલોજીના પ્રોફેસર છે. તેઓ વર્ષોથી વિવિધ પ્રજાતિઓની ઉત્ક્રાંતિ પર કામ કરી રહ્યા છે. તેમણે વિવિધ દેશોના અગ્રણી વૈજ્ઞાનિકો સાથે વાત કરીને અને પતંગિયાં પર તેમના ખુદના સંશોધનના આધારે આ પુસ્તકમાં દાવો કર્યો છે કે કીડીઓથી લઈને બંદર સુધી, મધમાખીથી લઈને રીંછ સુધી અને ઈયળથી લઈને બિલાડી સુધીનાં તમામ પ્રાણીઓ પોતાના અને પરિવારજનોના ઉપચાર માટે પ્લાન્ટ્સનો ઉપયોગ કરે છે.

રૂડે રસપ્રદ દાખલા આપે છે. વાનર તેના પેટમાં ગયેલા કીડાઓને મળ વાટે બહાર કાઢવા માટે લીલાં પાંદડાં ચાવ્યા વગર પેટમાં ઉતારી દે છે. ચકલીઓ પરજીવી જંતુઓને દૂર રાખવા સિગારેટનાં ઠૂંઠાનો ઉપયોગ કરે છે, અને મધમાખીઓ રોગનાં જંતુઓને મારવા માટે ગુંદરને મધપૂડામાં ગોઠવે છે.

તેમણે તાન્ઝાનિયામાં એક રસપ્રદ નિરીક્ષણ કર્યું હતું. ત્યાં તેમણે ચાઉસિકુ નામની એક માદા ચિમ્પાન્ઝીને શિથિલ અવસ્થામાં જોઈ હતી. તેને ડાયેરિયા થઇ ગયો હતો અને આખો દિવસ ઊંઘ્યા કરતી હતી. રૂડે અને બીજા એક સ્થાનિક વિજ્ઞાનીએ જોયું કે ચાઉસિકુ વેર્નોનિયા નામના એક કડવા પ્લાન્ટ પાસે જતી અને તેનીં છાલ કાઢીને તેમાં ઝરતા રસને ચૂસતી. બંને વૈજ્ઞાનિકોને ખબર હતી કે આ પ્લાન્ટ તેનું ડાયેટ નહોતો. તે ઉપચાર માટે તેની પાસે જતી હતી.

આ પુસ્તક વિશે રૂડે એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે, “મને બહુ નાની ઉંમરથી પ્રાણીઓમાં રસ હતો, એટલે પ્રાણીઓના ઉપચાર અંગે લખવાની મજા આવી હતી. મેં ચેપી રોગો અને પરજીવીઓ અંગે પણ અભ્યાસ કરેલો હતો. 2005માં મેં અમેરિકામાં મોનાર્ક બટરફ્લાયનાં પરજીવોનો અભ્યાસ શરૂ કર્યો હતો. તેની ઈયળો દૂધિયાં છોડને ચૂસતી હોય છે, જે આમ ઝેરી પ્લાન્ટ છે. મને અભ્યાસમાં ખબર પડી કે ઈયળો બીમાર હોય ત્યારે આવું ખાસ કરે છે. તેના પરથી મને પ્રશ્ન થયો કે બીજાં જીવો પણ આવું કરતાં હશે?”

એક પ્રશ્ન એવો થાય કે પ્રાણીઓને ખુદનો ઉપચાર કરતાં કેવી રીતે આવડતું હશે? મજાની વાત એ છે કે તેમનામાં પણ ‘કોઠાસૂઝ’ હોય છે. અર્થાત, તેમનામાં ઔષધીય પ્લાન્ટ્સ ખાવાની જન્મજાત વૃત્તિ હોય છે, અને મનુષ્યોની જેમ, તેઓ એકબીજાનું જોઇને અને અનુભવો પરથી પણ આ વૃત્તિ કેળવે છે. જંગલી પ્રાણીઓ કેમ વધુ તંદુરસ્ત હોય છે અને પાલતું પ્રાણીઓને કેમ માણસોની જેમ ડોકટરોની જરૂર પડે છે, તેનું કારણ એ જ છે કે પાલતું પ્રાણીઓ પ્લાન્ટ્સના ઉપયોગથી ખુદનો ઉપચાર કરવાનું ભૂલી ગયાં છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “ સંદેશ”, 08 જૂન 2025
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પ્રાકૃતિક ખેતી નાના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 June 2025

ચંદુ મહેરિયા

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીના પ્રેરક, સમર્થક અને હિમાયતી છે. તેમના પ્રયાસોથી ગુજરાતમાં કેટલાક ખેડૂતો અને ગાંધી સંસ્થાઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. જ્યારે ખેતી અને ખેડૂત બેઉ સંકટમાં છે, ત્યારે પ્રાકૃતિક ખેતી તેમનો ઉગારો છે અને રાસાયણિક ખેતીનો આશાવાદી વિકલ્પ છે. 

દેશ આઝાદ થયો ત્યારે આપણે ખાધ્યાન્નની બાબતમાં સાવ જ પરાવલંબી હતા. લગભગ બધું જ અનાજ બીજા દેશોમાંથી આયાત કરવામાં આવતું હતું. હરિયાળી ક્રાંતિ અને ખેતીના યાંત્રિકીકરણે આપણે અન્નની બાબતમાં ન માત્ર સ્વાવલંબી થયા પણ વધારાનું અનાજ પણ પકવતા થયા છીએ. પરંતુ તેના કારણે અનેક સમસ્યાઓ પણ પેદા થઈ છે. રાસાયણિક ખાતરો,  હાઈબ્રીડ બિયારણો અને  જંતુનાશકોને કારણે ખેતીની જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. રાસાયણિક ખેતીથી કૃષિ ઉત્પાદન વધ્યું છે, પરંતુ ખર્ચ પણ વધ્યો છે અને સિંચાઈ માટે પાણીનો વપરાશ વધતાં જમીનનાં તળ ઊંડા ગયાં છે. ખાદ્યસામગ્રી જંતુનાશકોને કારણે નુકસાનકર્તા બની છે. એટલે પર્યાવરણ, જમીન અને પાણીને બચાવવા તથા રસાયણમુક્ત ખોરાકની ચીજો માટે હવે પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ અપનાવાઈ રહ્યો છે. 

સજીવ ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતી, વૈદિક ખેતી અને શૂન્ય બજેટ ખેતી જેવાં વિવિધ નામે ઓળખાતી કૃષિ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ થતો નથી. પશુઓનાં છાણનું દેશી ખાતર, ગૌમુત્ર, પંચદ્રવ્ય, મશીનોને બદલે હાથથી ચલાવી શકાય તેવા કૃષિ ઓજારોના ઉપયોગથી આ ખેતી થાય છે. પ્રાકૃતિક ખેતી ફાયદાકારક છે, સરળ છે તેમ મહેનત અને સતત દેખભાળ માંગી લેતી ખેતી પદ્ધતિ છે. તેમાં સ્વદેશી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. 

રસાયણ મુક્ત પારંપારિક એવી આ ખેતીના જનક એક જાપાની અને એક ભારતીય કિસાન હતા. માનવ, જમીન, છોડ અને પશુ આધારિત આ ખેતીના ઘણા ફાયદા છે.  પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ નહિવત આવે છે. નાના અને સીમાંત ખેડૂતો માટે તે આશીર્વાદરૂપ છે. કુદરત કે વરસાદ આધારિત ખેતીમાં પાક નિષ્ફળ જાય ત્યારે ખેડૂતોને રોવા વારો આવે છે, જ્યારે ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો હોઈ પ્રતિકૂળ સંજોગોમાં નુકસાન પણ ઓછું થાય છે. કૃષિ ખર્ચ ઘટાડવા અને આવક વધારવા માટે આ ખેતી લાભદાયી છે. જમીનની ફળદ્રુપતા વધે છે. ખેતરોમાં ખેતી માટે ઉપકારક અળસિયા વધુ જોવા મળે છે. રસાયણો અનેક જંતુનાશકોથી મુક્ત હોઈ આરોગ્ય માટે ફાયદાકારક છે. અળસિયા જેવા જીવો જમીનમાં વધવાથી જમીન ભેજવાળી રહે છે. માટીનાં ઢેફાં બને છે, જેનાથી હવાપાણી સહેલાઈથી જમીનમાં ઉતરી શકે છે. પાણીનો વપરાશ ઓછો થાય છે. 

જમીન, પાણી અને પર્યાવરણ સુધરે છે તે મોટો લાભ છે. રસાયણિક ખેતીથી થયેલા ભૂમિક્ષરણને તે અટકાવે છે. વાવાઝોડાં જેવી કુદરતી આફતોમાં રાસાયણિકની તુલનામાં પ્રાકૃતિક ખેતીના પાકો ટકી રહે છે તેવું અનુભવે જણાયું છે. દેશમાં ૧૬.૬ ટકા લોકો કુપોષિત હોય અને ૭૪.૧ ટકા લોકો જો પોષક આહારનો ખર્ચ વહન કરી શકે તેમ ન હોય તેવા ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન ઓફ યુનાઈટેડ નેશન્સ(FAO)ના રિપોર્ટને સાચો માનીએ તો પ્રાકૃતિક ખેતીથી તેમને પોષક આહાર મળી શકે છે. જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે છે તેમને બહારથી કોઈ ચીજ ખરીદવી પડતી નથી. યોગ્ય ટેકનિકનો ઉપયોગ કરીને જમીનમાંથી જ પાકને જરૂરી પોષક્તત્ત્વો મળી રહે છે. પાણી અને વીજળીની જરૂરિયાતમાં મોટો ઘટાડો થાય છે. રાસાયણિક ખેતીથી ખેતરોમાં જે ઝેર વાવવામાં આવતું હતું તેનાથી છૂટકારો મળે છે. 

ભારતમાં ખેતી પર નભતી વસ્તીનો પંચ્યાસી ટકા હિસ્સો નાના ને સીમાંત ખેડૂતોનો છે. જે બેથી ચાર એકર જમીન ધરાવે છે. તે પ્રાકૃતિક ખેતી અપનાવે અને જીવન ગુજારા માટે જ ખેતી કરતા હોય તો તેમને ખર્ચ ઓછો આવે છે અને દેવાથી બચી શકે છે. સરકાર અને સમાજના સાર્થક પ્રયાસોના લીધે નાના અને સીમાંત ખેડૂતોને સંતોષજનક આવક અને રોજી મળી શકે છે. ઘરના ગુજરાન ઉપરાંત થોડી બીજી આવક પણ થાય છે. પ્રાકૃતિક ખેતીથી ઊગાડેલાં શાકભાજી અને ફળોની બજારમાં વધુ માંગ છે, એટલે જો બજાર અને વેચાણની યોગ્ય વ્યવસ્થા થઈ શકે તો તે વરદાન સમાન છે. નાના ખેડૂતો સ્વપ્રયત્નોથી અને થોડી કૃષિ નિષ્ણાતોની મદદથી રાસાયણિક ખેતીથી બિનઉપજાઉ થયેલી જમીનને પ્રાકૃતિક ખેતીના એક બે પાકથી વધુ ઉપજાઉ બનાવી શકે છે. 

કેન્દ્ર અને કેટલીક રાજ્ય સરકારો પ્રાકૃતિક ખેતી માટે ખાસ સવલતો આપે છે. ડિસેમ્બર ૨૦૨૪થી ભારત સરકારે નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ( NMNF)નો આરંભ કર્યો છે. આગામી બે વરસોમાં તેનું લક્ષ્યાંક છે કે પંદર હજાર સમૂહોને અને એક કરોડ ખેડૂતોને આવરી લઈને ૭.૫ લાખ હેકટર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવી. આ માટે એક હજાર બાયો રિસર્ચ  સેન્ટર શરૂ કરવામાં આવશે. રાસયણિક ખેતી માટે સરકારને વરસે પાંચ કરોડ ટન ખાતરની આયાત કરવી પડે છે. વળી ખાતર પર સરકાર ખેડૂતોને રૂપિયા એક લાખ કરોડની સબસિડી ચૂકવે છે. જો છાણિયા ખાતરનો ઉપયોગ વધે તો મોંઘું વિદેશી હુંડિયામણ બચે, આયાત ઘટે અનેક ખાતર સબસિડી પણ ઓછી થાય.

પ્રાકૃતિક ખેતીની સૌથી મોટી મર્યાદા કે ખામી તેમાં ખેત ઉત્પાદન રાસાયણિક ખેતીને મુકાબલે ઓછું હોય છે તે છે. અલબત્ત તેની સામે બીજા અનેક ફાયદા છે જ. પણ જ્યારે સમગ્ર ખેતી બજાર આધારિત હોય ત્યારે ઓછું ઉત્પાદન ખેડૂતોને તેના તરફ આકર્ષતા રોકે છે. કૃષિ નિષ્ણાત દેવિંદર શર્માના મતે રાસાયણિક પદ્ધતિથી પકવેલા અનાજના આહારમાં કિલોએ પર્યાવરણને ત્રણ ગણું નુકસાન થાય છે તે પ્રાકૃતિક ખેતીથી અટકે છે. એટલે આ બાબતે ખેડૂતોમાં જાગ્રતિ જરૂરી છે. 

દુનિયાની માત્ર ૦.૯ ટકા ખેતીની જમીનની પર જ પ્રાકૃતિક ખેતી થાય છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કેરળ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં જ પ્રાકૃતિક ખેતી થાય છે. ભારત સરકારના મિશન હેઠળ પણ બહુ ઓછી કૃષિ ભૂમિને પ્રાકૃતિક ખેતી તળે લાવી શકાઈ છે. જેમ ઉત્પાદન ઓછું તેમ પ્રાકૃતિક ખેતીનાં શાકભાજી, ફળો અને અનાજ મોંઘાં છે તે પણ મોટી મર્યાદા છે. એટલે પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલા અનાજના ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમ. એસ.પી.) અલગથી જાહેર કરવાની ખેડૂતોની માંગ છે. જો મધ્યાન્હ ભોજન યોજના અને આંગણવાડીઓને ભોજન અને નાસ્તામાં માત્ર પ્રાકૃતિક ખેતીથી પકવેલી ચીજો જ વાપરવાનો નિયમ થઈ શકે તો આ ખેતીને ટકવાનું બળ મળી રહે. 

દેશની ૬૦ થી ૭૫ ટકા વસ્તી ખેતી પર આધારિત છે અને જી.ડી.પી.માં કૃષિનું યોગદાન ૧૩.૬ ટકા છે ત્યારે આપણી અંદાજપત્રની જોગવાઈઓ તેને અનુરૂપ છે ખરી? ભારત સરકારના ગત ૨૦૨૪-૨૫ના બજેટમાં ખેતી માટે ૧.૫૨ લાખ કરોડની જોગવાઈ હતી જે કુલ બજેટન માંડ ૩ ટકા હતી. જ્યારે નીતિનિર્માતાઓ માટે કૃષિ ક્ષેત્રની આવી ઉપેક્ષા હોય ત્યારે પ્રાકૃતિક ખેતીની પ્રગતિ બહુ ધીમી રહેવાની તે નક્કી.

e.mail : maheriyachandu@gmail.com  

Loading

અસમાન લડાઈ લડતાં ઇંદિરા અને જયપ્રકાશ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 June 2025

ઇંદિરા ગાંધી એમના રાજકીય અસ્તિત્વ સારુ જો આરપારની લડાઈના મિજાજમાં હતાં તો જયપ્રકાશ સ્વરાજની બીજી લડાઈના મિજાજમાં હતા. દેખીતી અલબત્ત આ એક અસમાન લડાઈ હતી …

પ્રકાશ ન. શાહ

ખબર નથી, 1975ની 12મી જૂનની એ વિજયસાંજે અમે સાથીઓ ભોજનનો આનંદ લઈ રહ્યા હતા ત્યારે ભોગીભાઈ ગાંધીને 1969માં કાઁગ્રેસના ભાગલા વખતનાં એમનાં આ વચનો સાંભર્યાં હશે કે કેમ, ઇંદિરાજીએ જે લપસણો રાહ અખત્યાર કર્યો તે રાહે પોતે નહીં વાંછેલું અશુભ દેશના માથે પોતાને હાથે લદાઈ ચૂક્યું હશે.

પચાસીની સ્મરણપગથીએ ચાલતાં જૂન 1975ની જયપ્રકાશની ગુજરાત યાત્રાની વાત માંડી જ છે તો બીજી પણ થોડી ટિટાઈબિટાઈ ઉર્ફે ખાટીમીઠી સંભારી લઉં. પાંચમી જૂન શો સંપૂર્ણ ક્રાંતિ દિવસ હોય અને પોતે પટણા ક્ષેત્રે ધર્મ ક્ષેત્રે ન હોય એ લોકનાયકને સારુ કંઈક વસમુંયે હશે. પણ માર્ચ 1974માં, નવનિર્માણોત્તર દિવસોમાં પોતે બિહારની છાત્રયુવા ચળવળનું નેતૃત્વ સ્વીકાર્યું ત્યારે એમનો હાડનો પ્રતિસાદ એ હતો કે સન બયાલીસ સરખો અધિનાયકવાદ સામેનો એક વાસંતી સંઘર્ષ દોર દેશભરમાં શરૂ થઈ ચૂક્યો છે.

નવેમ્બર 1974માં નવી દિલ્હીમાં જુદાં જુદાં રાજ્યોમાં આ પ્રકારની ગતિવિધિ સાથે સંકળાયેલા અમે સહુ જે.પી. ફરતા એકત્ર થયા ત્યારે સમજાઈ રહ્યું હતું કે આ લડત હવે ન તો કોઈક એક રાજ્ય પૂરતી મર્યાદિત હોવાની છે, ન તો કોઈ વિધાનસભાની ચૂંટણી પૂરતીયે સીમિત હોવાની છે.

આ દિલ્હી બેઠકને પગલે અમે માર્ચ 1975માં ગુજરાત લોકસંઘર્ષ સમિતિની રચના કરી હતી – અને એટલે સ્તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જનતા મોરચો રચવામાં અગ્રનિમિત્ત બની હતી. એથી કોઈ રાબેતાશાઈ ચૂંટણી જંગ સારુ નહીં પણ લોકલડતના એક હિસ્સા રૂપે અહીં જયપ્રકાશની સામેલગીરી અપેક્ષિત હતી.

પ્રશ્નો અલબત્ત હતા, કેમ કે, ગુજરાતમાં પક્ષ-અપક્ષ સૌ એકત્ર થઈ રહ્યા હોય તો પણ ચૂંટણીમાં એકનિશાન થવા પોતપોતાનાં કારણસર એકંદરમતી નહોતી. સૌથી મોટો પ્રશ્ન સ્વાભાવિક જ સત્તા કાઁગ્રેસથી છૂટા થયા પછીની સંસ્થા કાઁગ્રેસનો કે ગુજરાતના સંદર્ભમાં નામજોગ કહીએ તો મોરારજી દેસાઈનો હતો. હજુ આખા દેશનું ન ગોઠવાય ત્યાં સુધી પક્ષ તરીકેની માન્યતા જાળવવા માટે ગુજરાતના મતદાનમાં પોતાના નિશાન પર હાજરી એમને જરૂરી લાગતી હતી. વળી, જનસંઘ જોડે પરબારા ભળી ગયા જેવી વિરોધ લાગણી બાબતે પણ એ સચિંત હતા.

જયપ્રકાશ નારાયણ

એ દિવસોમાં જનસંઘના વસંત ગજેન્દ્ર ગડકર સાથે થયેલી ચર્ચા સાંભરે છે: 1956માં જ્યાંથી ગોળીબાર થયો હતો એ સરદાર કાઁગ્રેસ હાઉસમાં અમે પગ શા સારુ મૂકીએ – એવી ભૂમિકાએથી એ હટી રહ્યા હતા, પણ અમે ગુજરાતમાં વિવિધ પક્ષો વચ્ચે બેઠક વહેંચણી જયપ્રકાશજી કરી આપે એટલી હદે આગળ ગયા છીએ અને સંસ્થા કાઁગ્રેસ હજુ આવી વાતોને વળગી રહે છે, એવું કેમ. અમે કહ્યું કે જે.પી. પહેલ અને પ્રવેશ કેવળ બેઠક વહેંચણીના અંકગણિતને ધોરણે નથી. લોકલડત અને તેનાં મૂલ્યોના રાસાયણિક ધોરણે અમે પરિચાલિત થયા છીએ.

આમ, ગુજરાતના જે.પી. પરિબળ સામેનો પ્રશ્ન આંદોલનની રાસાયણિક પ્રક્રિયામાં પોતપોતાની રીતેભાતે આગળ-પાછળ સૌને એકત્ર રાખીને ચાલવાનો હતો અને જૂના જોગી જયપ્રકાશને એનો અંદાજે અહેસાસ પણ હતો. આ લખું છું ત્યારે સાંભરે છે કે અકળાઈ ઉઠેલા ઉમાશંકર જોશીએ જનતા મોરચાની સંકલન સમિતિમાં સૌનાં અલગ અલગ નિશાનના અભિગમમાં રહેલી અપૂર્ણતા વિશે આકરી પ્રતિક્રિયા આપી ત્યારે સંસ્થા કાઁગ્રેસના મંત્રી (પછીથી કેટલોક વખત ગુજરાતના નાણાં મંત્રી) દિનેશ શાહે ચર્ચામાં કવિની ખુદની પંક્તિઓ સાભિપ્રાય ટાંકી હતી:

‘સંપૂર્ણતા હુંથી પરી રહો સદા, આનંદ માગું હું અપૂર્ણતાનો, 

દમે દમે કૈંક થવા મથી રહું, મથામણોની ન મણા હજો મને.’

જ્યારે ચૂંટણી પ્રચાર શરૂ થયો ત્યારે ઉમાશંકરને અપૂર્ણતાનો આનંદ ભલે ન હોય પણ પોતાની પસંદગીનાં ક્ષેત્રોમાં પ્રચાર સારુ ચહીને જવા બાબતે એમની પ્રતિબદ્ધતા ‘મથામણોની ન મણા હજો મને’ને આંબી જતી હતી.

ઇંદિરા ગાંધી એમના રાજકીય અસ્તિત્વ સારુ જો આરપારની લડાઈના મિજાજમાં હતાં તો જયપ્રકાશ સ્વરાજની બીજી લડાઈના મિજાજમાં હતા. દેખીતી અલબત્ત આ એક અસમાન લડાઈ હતી, કેમ કે સત્તા ને સંપત્તિનું પ્રભુત્વ એક પા હતું, અને બીજી પા … ગમે તેમ પણ મને યાદ છે કે ત્યારે હેલિકોપ્ટરની સુલભતા એકમાત્ર ઇંદિરા કને હતી એટલે સત્તા ને સંપત્તિનાં સહિયારાંના પ્રતીક રૂપે લોકમાનસમાં હેલિકોપ્ટર જડબેસલાક ગોઠવાઈ ગયું હતું. સત્તાવનનાં ઇંદિરા એકલાં આ સુવિધા સાથે ઘૂમી રહ્યાં હતાં તો એંશીના મોરારજી એમની સાદી મોટરગાડીમાં ગુજરાતના એક છેડેથી બીજે છેડે!

એક પા સત્તા ને બીજી પા જનતાનું આ ઓઠું લોકમાનસમાં કેવું ગયું હશે એનો અણચિંતવ્યો અંદાજ અમને ખાનપુર-અમદાવાદની વિરાટ સભામાં આવ્યો હતો. (પછી તો એ જગ્યાનું નામ જ જયપ્રકાશ ચોક થઈ ગયું!) સભા પતાવી અમારે અમદાવાદથી રાજકોટ માટે નીકળવાનું હતું. વીરગામથી ટ્રેન પકડવાની હતી. વક્તવ્ય સમેટતાં સૌની રજા લેતા જયપ્રકાશે કહ્યું કે ગાડી પકડવાની છે એટલે નીકળ‌વું પડશે. એમના વક્તવ્યને છેડે એ એક અણધાર્યો છગ્ગો હતો … હેલિકોપ્ટરમાં નહીં પણ ગાડીમાં : લોકોએ કેમ જાણે એકદમ વધાવી લીધું તે ક્ષણાર્ધ સારુ જયપ્રકાશને ય પકડાયું નહીં હોય. (રાધેશ્યામ શર્માની, વી. શાંતારામની સાખે ત્વરિત ટિપ્પણી હતી – યે લડાઈ હૈ દિયે કી ઔર તુફાન કી!)

ખેર, 1975ના 12મી જૂનની બપોર સુધીમાં જનતા મોરચા તરફી રુઝાન સાફ વરતાવા લાગી હતી અને અલાહાબાદ હાઈકોર્ટે ઇંદિરા ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠરાવતો ચુકાદો પણ આપી દીધો હતો.

એ વિજયસાંજ અમે ગાંધીનગરમાં જ એક સંઘર્ષ સાથીના જન્મદિવસ નિમિત્તે પ્રીતિભોજન સાથે મનાવી હતી. જે.પી. આંદોલનના જોગંદર ભોગીભાઈ સાથે હોઈ ઓર ઉમંગ હતો. આ લખું છું ત્યારે પચાસ વરસને અંતરેથી મને કૌતુક અને જિજ્ઞાસા જાગે છે કે આનંદની એ ક્ષણોમાં ભોગીલાલ ગાંધીને એમની આશંકા સાચી પડવામાં છે એવો થડકો સુદ્ધાં હશે ખરો? 1969માં કાઁગ્રેસના ભાગલા વખતે એ ‘ઇંદિરાજી કયે માર્ગે?’ લઈને આવ્યા જેની પ્રસ્તાવનામાં એમણે લખ્યું હતું કે ઈંદિરાજીએ જે લપસણો રાહ અખત્યાર કર્યો તે રાહે પોતે નહીં વાંછેલું અશુભ દેશના માથે પોતાને હાથ લડાઈ ચૂક્યું હશે …

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 11 જૂન 2025

Loading

...102030...305306307308...320330340...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved