Opinion Magazine
Number of visits: 9969650
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાહુલ ગાંધીના મંદિરોના આંટાફેરા નકામા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|24 November 2018

કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મંદિરે મંદિરે ભટકે છે, ધોતિયું પહેરીને પૂજા-પ્રક્ષાલન કરે છે, કપાળે તિલક લગાવડાવે છે અને કદાચ દક્ષિણા પણ આપતા હશે. આમ કરીને તેઓ એમ બતાવવા માગે છે કે તેઓ ધાર્મિક હિન્દુ છે. એ દ્વારા તેઓ એમ સાબિત કરવા માંગે છે કે તેઓ હિન્દુ ધર્મ વિરોધી નથી. એના દ્વારા તેઓ એમ કહેવા માંગે છે કે કૉન્ગ્રેસ હિન્દુ કે હિન્દુ ધર્મ વિરોધી નથી. આના દ્વારા તેઓ એમ પણ સિદ્ધ કરવા માંગે છે કે કૉન્ગ્રેસ મુસ્લિમ તરફી સેક્યુલર પક્ષ નથી. હા, તેનો અર્થ કોઈ એવો કરે કે કૉન્ગ્રેસ સહેજ હિન્દુ પક્ષપાત ધરાવનાર સેક્યુલર પક્ષ છે તો રાહુલ ગાંધી તેનો સ્વીકાર કે અસ્વીકાર કર્યા વિના મૂંગા રહેવાનું પસંદ કરશે. આ બધું ચૂંટણી ટાણે જોવા મળે છે.

ચૂંટણી ન હોય ત્યારે રાહુલ ગાંધી મંદિરોમાં જાય છે કે નહીં એ આપણે જાણતા નથી. જતા હોય અને મીડિયા તેની નોંધ ન લેતા હોય એવું બને અને કદાચ રાજકીય જરૂરત નહીં રહેતા નહીં પણ જતા હોય. રાહુલ ગાંધી કેટલા ઈશ્વરપરાયણ છે એની પણ આપણને ખબર નથી. રાહુલ ગાંધીએ તેમની અંગત ધાર્મિકતાના સ્વરૂપ વિશે ખુલાસો કર્યો નથી, ત્યાં તેમની ધર્મવિભાવના તો બહુ દૂરની વાત છે.

બીજી બાજુ નરેન્દ્ર મોદી છે જે ભાગ્યે જ મંદિરોમાં જાય છે. આનો અર્થ એવો નથી કે તેઓ નખશીખ સેક્યુલર છે અને ધર્મને રાજકારણથી દૂર રાખે છે. તેમને મંદિરોમાં જઇને પોતાના હિન્દુ હોવાપણાના પ્રમાણપત્રની જરૂર નથી, કારણ કે તેઓ હિન્દુ હિતના અને હિન્દુ ધર્મના ઠેકેદાર છે. ઠેકેદારોની પ્રતિષ્ઠા ઠેકેદારીમાં છે. હું તમારી વતી અને તમારે માટે બોલું છું એટલું પૂરતું છે. એનાથી વધુ કાંઈ પૂરવાર કરવાનું રહેતું નથી. તમે અટલ બિહારી વાજપેયીને, લાલકૃષ્ણ અડવાણીને, મુરલી મનોહર જોશીને, મોહન ભાગવતને, તેમના પુરોગામી સરસંઘચાલકોને મંદિરમાં જતા કેટલી વાર જોયા છે? રાહુલ ગાંધીની માથાં ટેકવતી તસ્વીરો જોવા મળશે એટલી આ બધા લોકોની નહીં જોવા મળે. એકલા રાહુલની સો તસ્વીરો મળશે અને આ બધા લોકોની મળીને સો નહીં મળે. ગેરંટી.

જરૂર શું છે જ્યારે ઠેકેદારી હાથમાં છે? હિન્દુત્વના પુરસ્કર્તા વી.ડી. સાવરકર તો નાસ્તિક હતા અને તેમણે પોતાની નાસ્તિકતા છૂપાવી પણ નહોતી. મહમ્મદ અલી જિન્નાહે જાહેરમાં નાસ્તિકતાનો સ્વીકાર કર્યો નહોતો, પણ આખી દુનિયા જાણે છે કે તેઓ નાસ્તિક નહીં તો પણ અ-ધાર્મિક હતા. હિન્દુ હિતના બીજા એક ઠેકેદાર ડૉ. સુબ્રમણ્યમ સ્વામી પારસીને પરણ્યા છે અને તેમની દીકરી મુસલમાનને પરણી છે. આમ ઠેકેદારોને હિન્દુ હોવાનાં કોઈ પ્રમાણપત્રોની જરૂર નથી હોતી, કારણ કે તેઓ ઠેકેદાર છે.

કોમવાદી રાજકારણનું આ સ્વરૂપ છે. કોમવાદી હોવા માટે ધર્મિક હોવાની જરૂર હોતી નથી. જગતના ૯૯ ટકા કોમવાદીઓ રૂઢ અર્થમાં મંદિરોમાં જનારાં અને ટીલાં-ટપકાં કરનારાં ધાર્મિક નથી હોતા. તેઓ ઈશ્વરપરાયણ નથી હોતાં, ધર્મપરાયણ પણ નથી હોતાં; તેઓ સંખ્યાપરાયણ હોય છે. આપણી આટલી સંખ્યા છે અને છતાં આપણને અન્યાય થઈ રહ્યો છે અથવા આટલો આપણો હક છે જે મળવો જોઈએ કે મળતો નથી, વગેરે. તેમનું રાજકારણ ભયના પાયા પર ઊભેલું હોય છે. અન્યોને લલકારવા અને પોતાનાને હંમેશાં ડરાવીને રાખવા. ‘જો જો હોં, જરાક પણ અસંગઠિત થશો ને તો દુ:શ્મનો આપણને ખતમ કરી નાખશે.’ દુ:શ્મન, દુ:શ્મનનો ભય અને સંગઠિત સંખ્યા તેમના રાજકારણના પદાર્થો છે.

આમ જે મોકળાશ નરેન્દ્ર મોદીને છે એ રાહુલ ગાંધીને નથી. રાહુલ ગાંધીએ હિન્દુ હોવાના પ્રમાણપત્રો ઉઘરાવવા પડે છે, જે મંદિરોમાં મળે છે. રાહુલ ગાંધીને અને કૉન્ગ્રેસના નેતાઓને એક વાત સમજાતી નથી કે જે હિન્દુઓ કોમવાદી માનસ ધરાવે છે એ ઠેકેદારોના બની ચુક્યા છે અને તેઓ નજીકના ભવિષ્યમાં પાછા ફરવાના નથી. ઠેકેદારોનાં પાપ જ્યારે ઠેકેદારી કરતાં વધારે મોટાં નજરે પડશે અને એ છાપરે ચડીને પોકારશે ત્યારે કોમવાદી માનસ ધરાવનારાઓની આંખ ઉઘડશે, જેમ જર્મની અને ઈટાલીમાં બન્યું હતું. ત્યારે તેમને સમજાશે કે આપણને બીવડાવી બીવડાવીને બેવકૂફ બનાવવામાં આવતા હતા. આમ મંદિરોમાં આંટા મારવાથી વાડે બંધાયેલાં ઘેટાં મુક્ત થવાનાં નથી. એટ લીસ્ટ, આવતા થોડાં વર્ષો તો નહીં. લગભગ એક-દોઢ હજાર જેટલા બીવડાવનારાઓની ફોજ તૈયાર કરવામાં આવી છે જે અખબારોની કોલમોમાં અને રાતના પ્રાઈમ ટાઈમમાં ટી.વી.-ચેનલો પર બીવડાવવાનું કામ કરે છે. બીનારાઓને પણ બીવાનો આનંદ આવે છે અને તેઓ પાછા એકબીજાને બીવડાવીને રાહત મેળવે છે.

કેવો યુગ આવ્યો છે નહીં! ડરનું ગૌરવ કરવામાં આવી રહ્યું છે. ડરેલાઓ પોતાને શાણાઓ તો સમજે જ છે, પરંતુ બહાદુર પણ સમજે છે. ડરેલો ને વળી બહાદુર? હા, માનસિક જ્વર જ્યારે સામૂહિક બની જાય ત્યારે આવું પણ જોવા મળે. ૧૯૧૬માં બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારંભમાં બોલતા ગાંધીજીએ કમાન્ડોઝની વચ્ચે ફરતા ભારતમાંના બ્રિટિશ ગવર્નરને કહ્યું હતું કે ભારતમાં રહેવામાં જો ડર લાગતો હોય તો તેમણે વતન પાછા જતા રહેવું જોઈએ, કારણ કે ડરીને રહેવા જેટલું દોજખ બીજું એકે નથી. તેમણે ભારતની પ્રજાને કહ્યું હતું કે જો આપણા કારણે ગવર્નર સાહેબ ડરતા હોય તો આપણે કાયર છીએ. ડર્યા વિના અને દુ:શ્મનને ડરાવ્યા વિના આંખમાં આંખ પરોવીને વાત કરતા આવડવું જોઈએ. ખરી મર્દાનગી આવી હોય છે. ગાંધીજીનું એ કથન સાંભળીને ગુજરાત ક્લબમાં બ્રીજ રમતા વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે દેશમાં મરદનો દીકરો પાક્યો છે જે જરૂર આઝાદી અપાવશે. આજે સરદારના નામના રાસડા લેનારાઓ પોતાનાઓને ડરવાનું કામ કરી રહ્યા છે. ૫૬ ઈંચની છાતી ગાંધીજીની હતી જેણે ભારતની પ્રજાના મનમાંથી ભય દૂર કર્યો હતો. કોઈ બીવડાવે અને પાછા ૫૬ ઈંચની છાતીનો દાવો પણ કરે? આગળ કહ્યું એમ જ્યારે સામૂહિક માનસિક જ્વર પેદા થાય ત્યારે આવું પણ બને.

તો રાહુલ ગાંધીએ શું કરવું જોઈએ? રસ્તો છે પણ એ સાચા મરદનો છે. રાહુલ ગાંધી એ કરી શકાશે? તેની વાત આવતીકાલે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 24 નવેમ્બર 2018

Loading

ફ્રૅન્ચ કવિ શાર્લ બૉદ્લેરે પોતાની પ્રેમિકાને લખેલો પત્ર ૪ નવેમ્બર ૨૦૧૮-ના રોજ €2,34,000માં વેચાયો છે

સુમન શાહ|Opinion - Literature|24 November 2018

બૉદ્લેરની એક પંક્તિ છે : પ્રેમમાં ગાફેલ નિદ્રાને મેં શોધી લીધી; પણ પ્રેમ તો કંટકોની શય્યા છે

શેક્સપીયર પછી બહુ થોડા સાહિત્યકારોનો વિશ્વ આખામાં પ્રભાવ પ્રસર્યો છે પણ એ સૌમાં બૉદ્લેરનું નામ હંમેશાં લેવાય છે

ગુજરાત સાહિત્ય અકાદમીના સામયિક "શબ્દસૃષ્ટિ"-નો દીપોત્સવી અંક (૨૦૧૮) તાજેતરમાં પ્રકાશિત થયો છે. એ, પત્ર-વિશેષાંક છે. અંક મને "વ્હૉટ્સઍપ" પર મળ્યો છે. બધા સાહિત્યકારોએ મુખ્યત્વે એ દર્શાવ્યું છે કે પત્રોનો પોતા પર કેવો પ્રભાવ પડ્યો અને એથી સાહિત્યલેખનની પોતાને કેવી તો પ્રેરણાઓ મળી. પંચાવનેક લેખોમાં રજૂ થયેલી સર્વસામાન્ય વાત એટલી જ છે પણ સૌએ દિલ ખોલીને માંડીને કરી છે. પ્રશસ્ય છે. જહેમત અને કાળજીથી થયેલા આ સમ્પાદનથી આપણે ત્યાંના દીપોત્સવી અંકોની પરમ્પરામાં એક સુન્દર મણકો ઉમેરાયો છે. અકાદમીને અભિનન્દન ઘટે છે. તેમ છતાં, એક વસ્તુ મારા ધ્યાનમાં ખાસ આવી કે મારા વ્હાલા એક પણ લેખકે પ્રેમપત્રની તો વાત જ નથી કરી ! અંક દળદાર પણ એમાં દિલ્લગી અને દિલદારીની વાત જ નથી ! મેં જવાબદાર વ્યક્તિને પૂછીને ખાતરી કરી; સાચો પડ્યો. કહે કે બે અપવાદ છે : એક તો, સુમન શાહે – મેં – લખેલા કાફ્કાના પત્રો વિશેના લેખમાં બે પ્રેમિકાઓ સાથેના કાફ્કાના પ્રેમની વાતો છે. અને, સુભાષ ભટ્ટના જિબ્રાનના પત્રો વિશેના લેખમાં કોઇ સન્નારીના પત્રની વાત છે.

શું એમાંના કોઇ લેખકને કોઇ જોડે પ્રેમ નહીં થયો હોય? એણે કોઇને પ્રેમપત્ર લખ્યો હોય કે કોઇએ એને લખ્યો હોય એવું નહીં બન્યું હોય? પ્રેમ નહીં તો પ્રેમ – જેવું સદ્ભાગ્ય તો હર કોઇને સાંપડતું હોય છે. શું એને ડર હશે કે પ્રેમની વાત કરવા જતાં સારસ્વત તરીકેની પોતાની છબિ અભડાઈ જશે? હા, જેમાં વ્યવહારુ વાતોનાં પિલ્લાં લપેટ્યાં હોય ને ભાષિક – સાહિત્યિક કશું સૌન્દર્ય ન હોય તો એવા રસહીન પત્રો પ્રેમપત્રો હોય તો પણ પત્રસાહિત્યમાં નકામા છે. એવા કારણે કોઇએ મૌન સેવ્યું હોય તો એ સમજદારીનું કામ છે. બીજું, પ્રેમપત્ર જેવી અત્યંત અંગત વસ્તુની જાહેરમાં વાત કરવાનું કોઇને ન ગમ્યું હોય તો એ પણ સમજદારીનું કામ છે. ભલે. જે હશે તે. પ્રેમપત્ર અંગેના એક રોમાંચક સમાચાર સાંભળો :

ફ્રૅન્ચ કવિ ચાર્લ્સ બૉદ્લેરે પોતાની પ્રેમિકાને લખેલો પત્ર ૪ નવેમ્બર ૨૦૧૮ના રોજ એક હરાજીમાં €2,34,000માં વેચાયો છે ! Rs.19,339,466.94 ! પત્ર ૧૮૪૫ની ૩૦મી જૂને લખાયો છે. ત્યારે બૉદ્લેરની ઉમ્મર ૨૪ હતી. પ્રેમિકા હતી, Jeanne Duval -જિઅન્ન ડ્યુવૉલ.

બૉદ્લેરે લખ્યું છે : આ પત્ર તને મળશે ત્યારે હું મૃત્યુ પામ્યો હોઇશ. મારું જીવવું મને આકરું થઇ પડ્યું છે. ઊંઘ નથી આવતી. ઉજાગરાની પરેશાની મારાથી વેઠાતી નથી. હું આપઘાત કરું છું : તે દિવસે બૉદ્લેરે છાતીમાં કટાર હુલાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલો પણ સફળતા નહીં મળેલી. ત્યારે એમને એક સર્જક તરીકેની પોતાની શી ગુંજાઈશ છે તેની પણ ખબર ન્હૉતી. દેવું પણ થઇ ગયેલું. જન્મ ૧૮૨૧માં; માત્ર ૪૬-ની વયે ૧૮૬૭-માં મૃત્યુ. એમની એક પંક્તિ છે : પ્રેમમાં ગાફેલ નિદ્રાને મેં શોધી લીધી; પણ પ્રેમ તો કંટકોની શય્યા છે : બૉદ્લેર લૉ-નું ભણેલા. પણ કવિતાના 'લૉ' ભણીને અવતર્યા હશે ! વરણાગિયા હતા. દેવું કરીને ઘી પીતાં ખચકાતા નહીં. જાતને આશ્વાસન આપતા કે જોજે ને, કાલે – પરમદા'ડે તો પુરસ્કાર આવી જશે, વાંધો નહીં આવે. એમને ક્યાં ખબર હતી કે ભવિષ્યમાં સાહિત્યજગત તરફથી માન-સમ્માનનો અઢળક પુરસ્કાર મળવાનો'તો !

સાહિત્યકારોના પત્રોનો મહિમા સાહિત્યકારોના મહિમાને કારણે હોય છે. વિશ્વસાહિત્યના ભાવકોને ખબર છે, કવિ બૉદ્લેર કેવા તો મહાન હતા. અધ્યેતાઓ કહેતા હોય છે, સાહિત્યકલામાં આધુનિક સંવેદના અને દર્શનનાં કેટલાં ય મૂળ ખરેખર તો બૉદ્લેરમાં અનુભવાય છે. દેખીતું છે કે સામાન્ય લેખકનો પત્ર પણ સામાન્યપણે સામાન્ય જ હોય. એ મહિમામાં પ્રિયતમ કે પ્રિયા હોય એ વાતનો પણ મહિમા છે. આછીપાતળી ઓળખાણ થઇ હોય ને જાતે ને જાતે પ્રેરણામૂર્તિ ગણી લઇને લવારા કર્યા હોય તો એવા પત્રને તો સમજુ પ્રિયજન પોતે જ ફગાવી દે છે ! જિઅન્ન, બૉદ્લેરની કાવ્યસૃષ્ટિની જબરી મોટી પ્રેરણા હતી. હેઈતી છોડીને એ ફ્રાન્સ આવી ત્યારે ૧૮૪૨માં પહેલી વાર મળેલાં. ત્યારે બૉદ્લેર ૨૧-ના હતા. પછીના બે દાયકાનો સહવાસ તોફાની છતાં આનન્દમય હતો. જિઅન્નનું ફ્રૅન્ચ અને બ્લૅક-આફ્રિકન એમ મિશ્ર લોહી હતું. નૃત્યાંગના હતી. અભિનેત્રી હતી. એના મારફાડ પ્રેમથી ઘાયલ બૉદ્લેરને જિઅન્ન કામુક ભયાનકસુન્દર અને રહસ્યમયી નારીરત્ન લાગેલી. એને 'બ્લૅક વીનસ' કહેતા. બૉદ્લેરે જાતે જિઅન્નનું વ્યક્તિચિત્ર દોરેલું. પોતાનું પણ દોરેલું. પોતાનાં અનેક કાવ્યો જિઅન્નને અર્પણ કરેલાં – "ધ બાલ્કની" – "ઍક્ઝોટિક પરફ્યુમ" – "ધ હૅઅર" – "ડાન્સિન્ગ સર્પેન્ટ", વગેરે.

બૉદ્લેરે દોરેલું પોતાનું વ્યક્તિચિત્ર

જિઅન્નનું બૉદ્લેરે દોરેલું વ્યક્તિચિત્ર

૧૯-મી સદીના ઉત્તરાર્ધ લગીમાં ઔદ્યોગિક ક્રાન્તિ એની ચરમ સીમાએ પ્હૉંચી હતી. એના મહત્તમ પરિણામ રૂપે મહાનગરો પ્રગટેલાં. આધુનિક નગરસભ્યતાનો આવિષ્કાર થયેલો. બૉદ્લેર માનતા કે મહાનગરના જીવનઅનુભવો કલામાં જવાબદારીપૂર્વક વ્યક્ત થવા જોઇએ. એ દાયિત્વભાવ સંદર્ભે એમણે 'મૉડર્નિટી' શબ્દ ઘડી કાઢેલો. નીતિ-સદાચાર અને સભ્ય સમાજનાં ધોરણો ન સાચવતી સ્ત્રીઓ demi-monde વર્ગની ગણાતી, એટલે કે પૅરીસની વેશ્યાઓ. બૉદ્લેર પૅરીસના એ વિસ્તારોમાં જતા વિચરતા ને રોગ લઇ બેઠા'તા, છતાંપણ, તેમની વ્યથાઓ વિશે લખતા. બૉદ્લેરે પૅરીસને કવિતાનો વિષય બનાવીને ઘણું લખ્યું. એમનો જગવિખ્યાત કાવ્યસંગ્રહ છે, "ધ ફ્લાવર્સ ઑફ ઈવિલ". ફ્રૅન્ચ શીર્ષક છે, "Les Fleurs du Mal". (1853). mal એટલે દુરિત, fleurs એટલે ફ્લાવર્સ, પુષ્પો. ગુજરાતીમાં કહેવાય, "દુરિતનાં પુષ્પો". દુરિત એટલે ઘાતક દુષ્ટતા. એનાં તે કંઇ પુષ્પ હોય? બૉદ્લેરે એ બે સાવ ભિન્ન પદાર્થોને સાથેસાથે મૂકીને – જક્સ્ટાપોઝ કરીને – પોતાની લાક્ષણિક સર્જકતાનો પરચો આપેલો. રોમાન્ટિક કવિઓ પ્રકૃતિ-માં સૌન્દર્ય શોધતા'તા પણ બૉદ્લેરની સર્જકતાએ દર્શાવ્યું કે 'દુરિત' પણ સુન્દર છે. નગરનું સઘળું રુગ્ણ અને કદર્ય પણ સુન્દર છે. ત્યારથી, સૌન્દર્યની ચીલાચાલુ પરિભાષા જ બદલાઈ ગઈ.

શેક્સપીયર પછી બહુ થોડા સાહિત્યકારોનો વિશ્વ આખામાં પ્રભાવ પ્રસર્યો છે પણ એ સૌમાં બૉદ્લેરનું નામ હંમેશાં લેવાય છે. આપણે ત્યાં નિરંજન ભગતે બૉદ્લેરના પ્રભાવ હેઠળ "પ્રવાલદ્વીપ" રચ્યું, જેમાં વિષયવસ્તુ મુમ્બઇ છે. વરસો પર મેં "સુજોસાફો"ના ઉપક્રમે બૉદ્લેર વિશે બે-દિવસીય પરિસંવાદ યોજેલો. નિરંજન ભગત સહિતના સૌ વિદ્વાનોએ વ્યાખ્યાનો આપેલાં. એ મૂલ્યવાન વ્યાખ્યાનો પ્રકાશિત થઇ શક્યાં નહીં એ વાતનો અફસોસ છે.

૧ : પ્રેમ થયો હોય તો મિલનનાં સુખ કે વિરહની પીડા વ્યક્ત કરતા પ્રેમપત્રો પ્રગટે, ને તો એનો સાહિત્યલેખન પર નિર્ણાયક પ્રભાવ પણ પ્રગટે, ને તો એવા પત્રોનું જાહેરમાં પ્રકાશન અને વાચન લેખે પણ લાગે : ૨ : સર્જનમાં જીવનના મહાન પરિબળ પ્રેમની સમજપૂર્વકની સ્થાપના થઇ હોય તો એની આજુબાજુ, સત્ય સહિષ્ણુતા સમાનતા સમરસતા કરુણા કે ન-નિવાર્ય મૃત્યુ જેવાં બીજાં પરિબળો આવીને આપોઆપ ગોઠવાઈ જાય છે : ૩ : રતિ હશે તો એની સાથે ઉત્સાહ ઈર્ષા ક્રોધ શોક વગેરે ભાવો પણ ખીલી ઊઠશે. પ્રેમ ગેરહાજર હોય એવા સાહિત્યમાં કશો દમ નથી હોતો. એમાં, રસરાજ શૃંગાર સિદ્ધ કરનારી સર્જકતાની તો વાત જ કેવી ! : ૪ : જીવનની સપાટી પર છબછબિયાં કરતું સહેલુંસટ સાહિત્ય સાવ પ્રાથમિક હોય છે. જરૂરી છે કે આ ૪ સત્યોને ઝટ આત્મસાત્ કરીએ.

= = =

"સાહિત્ય સાહિત્ય" : (સળંગ) લેખ ક્રમાંક : 221 : તારીખ ૨૪/૧૧/૨૦૧૮

https://www.facebook.com/suman.shah.94/posts/2219516998079201

Loading

રામચન્દ્ર ગુહા, ટી.એમ. કૃષ્ણા, કાન્ચા ઇલૈયા : વ્યક્તિ ત્રણ અવરોધ એક – સાંપ્રદાયિકતાનું રાજકારણ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|23 November 2018

ચાર દિવસ પહેલાં ભારતીય જનતા પક્ષ અને કૉન્ગ્રેસ સાથે જોડાણ ધરાવતાં બે વિદ્યાર્થી આગેવાનોએ ગુજરાત યુનિવર્સિટીના એક પ્રોફેસર પર તેમના કાર્યાલયમાં હુમલો કર્યો. આ પહેલાં જૂનની આખરમાં ભા.જ.પ.ના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ ભૂજમાં ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસરનું મોં તેમના વર્ગમાં ઘૂસીને કાળું કર્યું હતું. કાયદો અને વ્યવસ્થાનો બેબાક ભંગ કરતાં આ બંને ગુનાઈત કૃત્યો છે. તેની વચ્ચે ઓગણીસમી ઑક્ટોબરે પરિષદે એક વિદ્યાકીય પરાક્રમ કર્યું. તેમાં તેણે અમદાવાદ યુનિવર્સિટીમાં એક અભ્યાસક્રમ ભણાવવા માટે નિમંત્રિત જાણીતા ઇતિહાસકાર રામચન્દ્ર ગુહાની વિરુદ્ધમાં રજૂઆત કરી. ભા.જ.પ.ના પ્રખર ટીકાકાર, પર્યાવરણ અને ક્રિકેટના અભ્યાસી, બે બહુ દળદાર ગ્રંથોમાં ગાંધીનું જીવન આલેખનાર ગુહા વિશ્વવિખ્યાત વિદ્વાન છે. પણ તેમણે આ સેલ્ફ-ફાઇનાન્સ્ડ યુનિવર્સિટીમાં આવવાનો ઇન્કાર કર્યો તે પરિષદના વિરોધની સફળતા. ગુહાએ પહેલી નવેમ્બરે રહસ્ય અને સ્નેહમિશ્રિત ટ્વિટ કર્યું કે તેમણે તેમના ‘કાબૂ બહારના સંજોગોને કારણે’ આ ઇન્કાર કર્યો છે. એ સંજોગોની જાણ તેમણે હમણાં ગયા શનિવારે તેમના એક લેખમાં આડ વાત તરીકે કરી. એમાં એમણે એમના અટકાવ માટે ‘હિન્દુત્વવાદીઓને’, ‘સ્થાનિક ગુંડાઓને’ અને ‘દિલ્હીના શક્તિશાળી રાજકારણીઓને’ જવાબદાર ગણાવ્યા.

પરિષદે ગુહા વિરુદ્ધ આપેલાં આવેદનપત્રમાં એમ જણાવ્યું છે કે ગુહાનાં ‘પુસ્તકો તેમ જ લેખો ભારતીય હિન્દુ સંસ્કૃિતનું ખંડન કરતાં તેમ જ રાષ્ટ્રનું વિઘટન કરનાર પ્રવૃત્તિઓને પ્રેરણા આપનાર સાબિત થયાં છે’. આવેદનપત્રમાં જે લખાણોનાં અંશો મૂકવામાં આવ્યા છે તેમાંથી મોટા ભાગના  ગુહાના ‘મેકર્સ ઑફ મૉડર્ન ઇન્ડિયા’ ગ્રંથનાં છે. આવેદનપત્રમાં અવતરણોની બહુ સગવડિયા અને સંકુચિત પસંદગી કરવામાં આવી છે. આ ગ્રંથ યુવાનને છાજે તેવા વધુ ખુલ્લા મનથી, હિન્દુ ધર્મ અને સંસ્કૃિતની સંકુચિત સમજથી બહાર નીકળી વંચાવો જોઈએ. સાડા પાંચસો પાનાંના આ સંપાદન-સંકલનમાં, અત્યારનાં લોકશાહી ભારતનું ઘડતર જેમના થકી થયું છે, તેવા જાહેર જીવનના ઓગણીસ પ્રબુદ્ધજનોનાં જીવનકાર્ય અંગેની સરસ નોંધ અને તેમનાં લખાણોનાં મહત્ત્વનાં અંશો વાંચવા મળે. તેમાં દેશના જાણીતા ઘડવૈયાઓ ઉપરાંત, મુસ્લિમ લીગના મોહમ્મદ અલી જિન્હા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાદેવ સદાશિવ ગોળવલકર પણ છે. તારાબાઈ શિંદે અને કમલાદેવી ચટ્ટોપાધ્યાય છે, સૈયદ અહમદ ખાન, વેરિયર એલ્વિન અને હમીદ દલવાઈ જેવાં ઓછાં જાણીતાં નામ છે. આ મહાનુભવોને કારણે દેશને સમાનતાવાદી બંધારણ, સ્ત્રી-દલિત-આદિવાસી-લઘુમતીના અધિકાર, સાર્વત્રિક શિક્ષણ અને લોકશાહી વિમર્શ મળ્યાં છે. જો કે શાસક ભા.જ.પ.ને આધુનિક ભારતનું આ જ સંવિત્ત જોઈતું નથી, અને એટલે તેને છિનવવા તે જે અનેક હથિયારોનો ઉપયોગ કરે છે, તેમાંથી એક વિદ્યાર્થી સંગઠન છે. તેની સામે બૌદ્ધિક, આર્થિક અને વિદ્યાકીય બળ ધરાવતી અમદાવાદ યુનિવર્સિટીએ સીધી જ શરણાગતિ સ્વીકારી. સંગઠને પત્રની નકલ મુખ્યમંત્રી અને રાજ્યપાલને મોકલી હોવા છતાં, આખા ય પ્રકરણમાં રાજ્યના પેટનું પાણી ય ન હલ્યું.

બીજી બાજુ, દિલ્હીની આમ આદમી પાર્ટીની રાજ્ય સરકાર સંગીતકાર ટી.એમ. કૃષ્ણાના ટેકામાં ઊભી રહી. વાત એમ હતી કે ભા.જ.પ.ના કડક આલોચક અને રૅડિકલ કર્ણાટક સંગીતકાર કૃષ્ણાનો એક કાર્યક્રમ એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ, સ્પિક-મૅકે નામની સંગીત પ્રસાર સંસ્થાના ઉપક્રમે, ગયા શનિવારે યોજ્યો હતો. તેને ઑથોરિટીએ ગુરુવારે એકાએક ‘સમ એક્સિજન્સી’ એટલે કે કોઈક તાકીદની જરૂરિયાત એવું અસ્પષ્ટ કારણ આપીને પડતો મૂક્યો. ખરું કારણ એ હતું કે આ મહેફિલની જાહેરાત થતાં સોશ્યલ મીડિયામાં કટ્ટર હિન્દુત્વવાદી ટ્રોલસેના મેદાને ચડી. તેણે કૃષ્ણા ‘જિસસ અને અલ્લા’નાં ગીતો ગાય છે, એ ‘ઍન્ટિ-નૅશનલ’, ‘કન્વર્ટેડ બાયગૉટ’ એટલે કે વટલાયેલો ધર્મઝનૂની અને ‘અર્બન નક્સલ’ છે એવી બૂમરાણથી જે દબાણ ઊભું કર્યું તેની સામે ઑથોરિટી ઝૂકી ગઈ. પણ દિલ્હીની સરકારે એ જ મહેફિલનું નિયત દિવસે વિના મૂલ્ય સફળ આયોજન કર્યું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે  જાહેર કર્યું કે ‘બધા ધર્મ અને બધા વર્ણને સમાવતા વૈવિધ્યસભર સમાવેશક દેશ’ને ટકાવી રાખવા માટે તેમની સરકારે આ પહેલ કરી છે.

પાટનગરનાં ગાર્ડન ઑફ ફાઇવ સેન્સેસમાં અર્ધચન્દ્રના ઉજાસમાં કૃષ્ણાએ બેઠકની શરૂઆત આશ્રમ ભજનાવલીના ‘ઓમ તત્સત્‌શ્રી નારાયણ તું’થી કરી. પછી તેમણે તુકારામની મરાઠી રચના અને આભડછેટનો ભોગ બનેલા કવિ કનક દાસની કન્નડ રચના ગાઈ. ઇસુ પરના એક મલયાલમ ગીત પછી કટ્ટરવાદીઓથી પીડિત લેખક પેરુમલ મુરુગનની તમિળ રચના સંભળાવી. નગુર સિદ્દિકીના સૂફી ગીત બાદ તેણે ‘વૈષ્ણવ જન’ ગાયું જેમાં પ્રક્ષકો જોડાયા. તમિળ ભાષામાં અદના આદમીના ગીત અને બંગાળી અમર જન્મભૂમિ ગીતો બાદ પછી ‘રઘુપતિ રાઘવ રાજા રામ’થી મહેફિલ પૂરી થઈ. યુ-ટ્યૂબ પર જોવા મળતી આ મહેફિલમાં સમન્વયવાદી કલાકાર કૃષ્ણા મળે છે. તે કર્મશીલ પણ છે. સંગીતમાં કહેવાતા ઉજળિયાત વર્ગની સદીઓ જૂની ઇજારાશાહી તોડીને તેમાં દલિત તેમ જ લઘુમતી વર્ગોને સ્થાન આપવાની તેમની મથામણ છે. પશ્ચિમ ઘાટ બચાવવાની કે આધાર કાર્ડ હઠાવવાની ઝુંબેશમાં કૃષ્ણાએ તેની કલાને જોડી છે. શ્રીલંકાના આંતરવિગ્રહથી પરેશાન લોકોને દિલાસો આપવા તેમણે જાફનામાં દિવસો સુધી મહેફિલો કરી છે. અલબત્ત, ધર્મઝનૂનીઓ દ્વારા તેમની મહેફિલો રદ્દ કરાવવામાં આવી  હોય અને ચાહકોના ટેકે તે ફરીથી થઈ હોય એવું પણ બન્યું છે. 

વિચાર સ્વાતંત્ર્યના દમનનો તાજેતરમાં બનેલો ત્રીજો કિસ્સો ઓછો જાણીતો કિસ્સો તે દિલ્હી યુનિવર્સિટીમાં કાન્ચા ઇલૈયાનાં પુસ્તકો પરનાં પ્રતિબંધના પ્રયત્નનો છે. ઇલૈયા રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને સબૉલ્ટરન સ્ટડીઝ એટલે કચડાયેલા વર્ગોના અભ્યાસ જેવાં ક્ષેત્રોના વિદ્વાન અધ્યાપક છે, તેમ જ તમિળ અને અંગ્રેજી લેખક છે. તેમનાં ત્રણ પુસ્તકો દિલ્હી યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક સ્તરે ઘણાં વર્ષોથી અભ્યાસક્રમમાં છે. તેમનાં નામ છે : ‘ગૉડ ઍઝ અ પૉલિટિકલ ફિલૉસૉફર : બુદ્ધાઝ ચૅલેન્જ ટુ બ્ર્રાહ્મિનિઝમ’, ‘વ્હાય આઇ ઍમ નૉટ અ હિન્દુ: અ શૂદ્ર ક્રિટિક ઑફ હિન્દુત્વ ફિલૉસૉફી’, અને ‘પોસ્ટ-હિન્દુ ઇન્ડિયા : અ ડિસ્કોર્સ ઑન દલિત બહુજન સોશિયો-સ્પિરિચ્યુઅલ ઍન્ડ સાયન્ટિફિક રેવોલ્યૂશન’. આ પુસ્તકોનાં નામ અને પેટાનામ પણ ઇલૈયાના અભિગમનો અંદાજ આપે છે. યુનિવર્સિટીની સ્ટૅંડિન્ગ કમિટીએ આ પુસ્તકોની ‘વિવાદાસ્પદ સામગ્રી’ને લઈને તેમને અભ્યાસક્રમમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો. તેમાં ‘હિન્દુ ધર્મનું અપમાન છે’ એમ પણ કહેવાયું. જો કે રાજ્યશાસ્ત્ર વિભાગે પોતે સ્ટૅન્ડિન્ગ કમિટીના નિર્ણયનો અસ્વીકાર કરીને પુસ્તકો અભ્યાસક્રમમાં ચાલુ રાખવામાં આવશે એમ જણાવ્યું છે. જો કે અંતિમ નિર્ણયની સત્તા ઍકેડેમિક કાઉન્સિલ પાસે રહે છે. બરાબર એક વર્ષ પહેલાં સર્વોચ્ચ અદાલતે ઇલૈયાના એક પુસ્તક પર પ્રતિબંધ મૂકવા માટેની અરજી ફગાવી દીધી હતી.

ઉપર્યુક્ત ત્રણેય કિસ્સા જેવા બનાવો ભા.જ.પ.ના શાસન દરમિયાન સતત બનતા રહ્યા છે. આ પહેલાંની સરકારો દૂધે ધોયેલી હતી એમ કહેવાનું નથી. પણ તટસ્થ કે મોદી તરફી અભ્યાસીઓ પણ એ સ્વીકારશે એ દમનનું પ્રમાણ ચોક્કસ ઓછું હતું. હિન્દુત્વવાદીઓમાંના સંકુચિત લોકોને પણ લોકશાહીમાં પોતાનો મત ધરાવવાનો, અભિવ્યક્ત કરવાનો, તેના વિશે ચર્ચા-વિમર્શ કરવાનો અધિકાર હોય જ. પણ તેનો અમલ ટોળાંશાહી દ્વારા ન હોય અને શાસનવ્યવસ્થાના સીધા કે આડકતરા ટેકે તો  નહીં જ . 

*******

22 નવેમ્બર 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 23 નવેમ્બર 2018 

Loading

...102030...3,0463,0473,0483,049...3,0603,0703,080...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved