Opinion Magazine
Number of visits: 9969139
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આવી મુલાકાતો ઉઘાડી પત્રકાર પરિષદની જગ્યા ન લઈ શકે સાહેબ! પત્રકાર પ્રજા વતી સવાલ કરે છે. તેના જવાબ આપવાની હિંમત પણ હોવી જોઈએ અને ફરજપરસ્તી પણ હોવી જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|1 January 2019

વડા પ્રધાન પાસેથી પત્રકાર પરિષદની અપેક્ષા છે. પત્રકાર પરિષદમાં અને એક પત્રકારને આપવામાં આવતી મુલાકાતમાં જમીન-આસમાનનો ફેર છે. મુલાકાત પઢાવેલી હોઈ શકે છે અને આવી એક મુલાકાત તેમણે અર્નબ ગોસ્વામીને આપી પણ હતી. એ મુલાકાત અર્નબ ગોસ્વામીએ નરેન્દ્ર મોદીના ખોળામાં બેસીને દૂધ પીતાં પીતાં લીધી હોય, એવી હતી એટલે આ વખતે મુલાકાતી પત્રકારને થોડે છેટેથી અઘરાં પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી હતી. આમાં પાછી ધારદાર પેટા પ્રશ્નો પૂછવાની છૂટ નહોતી. પ્રશ્ન પૂછવાનો અને જે જવાબ મળે એ સ્વીકારી લેવાનો. આનો અર્થ એ થયો કે જવાબના સ્વરૂપમાં નિવેદનો કરવામાં આવ્યાં હતાં, જે રીતે ‘મન કી બાત’માં કરવામાં આવે છે. ‘મન કી બાત'માં સામે અરીસો હશે અહીં પત્રકાર હતો, એટલો ફરક.

પત્રકાર પરિષદમાં આવી મોકળાશ હોતી નથી. ત્યાં કોઈ પણ પત્રકાર કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે અને પેટા પ્રશ્ન પણ પૂછે છે. એક પત્રકાર કોઈ કારણસર પ્રશ્નની પૂંઠ પકડવાનું છોડી દે તો બીજો પત્રકાર એને પકડી લે. શાસકોને મૂંઝવણમાં મૂકવા, તેમને ઘેરવા, માહિતી કઢાવવી, વિરોધાભાસો અને વિસંગતિઓ ઉઘાડાં પાડવાં એ પત્રકારનો ધર્મ છે. બાહોશ પત્રકાર એને કહેવાય જે આ કરી શકે.

મારા પત્રકારત્વકીય અનુભવ મુજબ પત્રકાર પરિષદના ચાર પ્રકાર છે. સર્વોચ્ચ સ્થાનેથી એટલે કે મુખ્યત્વે વડા પ્રધાન અને રાજ્યના મુખ્ય પ્રધાનો સમયાંતરે ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરે છે. દેશમાં કે રાજ્યમાં શું ચાલી રહ્યું છે અને શું યોજનાઓ કે અવરોધો છે તેનાથી પ્રજાને માહિતગાર કરવા માટે આવી પત્રકાર પરિષદ યોજવામાં આવે છે. આમ તો પ્રશ્નોની અને મુદ્દાઓની લોકોને જાણ હોય જ છે, પરંતુ સર્વોચ્ચ સ્થાનેથી તેનો ખુલાસો કરવામાં આવે તેનું મહત્ત્વ વિશેષ હોય છે. લોકશાહી દેશમાં દેશનો ચૂંટાયેલો શાસક પત્રકાર પરિષદ દ્વારા પ્રજા સાથે સંવાદ કરે છે. આ વડા પ્રધાનનો અને રાજ્યોનાં મુખ્ય પ્રધાનોનો રાજધર્મ છે.

બીજો પ્રકાર કોઈ મોટો નિર્ણય લેવાયો હોય અથવા કોઈ મોટી ઘટના બની હોય ત્યારે બોલાવવામાં આવતી પત્રકાર પરિષદ. પ્રજાના મનમાં સ્વાભાવિકપણે અનેક પ્રશ્નો હોય, કદાચ ભય પણ હોય, ખોટી ભ્રમણા હોય કે જોખમનું ભાન ન હોય ત્યારે શાસકો શંકાઓનું સમાધાન કરવા, ભય દૂર કરવા કે પછી સંભવિત જોખમો સામે સાવધ કરવા ખાસ પત્રકાર પરિષદ બોલાવે છે.

ત્રીજો પ્રકાર જાહેર સ્થળે પત્રકારો સાથે કરવામાં આવતી વાત. શાસક કોઈ સ્થળે કોઈ કાર્યક્રમ માટે આવ્યો હોય કે કોઈને મળવા ગયો હોય, અથવા વિદેશ મુલાકાતેથી પાછો ફર્યો હોય ત્યારે જે તે સ્થળે પત્રકારો તેમને આંતરે છે અને સવાલો પૂછે છે. એ સવાલો મુખ્યત્વે એ ઘટના અંગેના જ હોય છે, પણ આયોજિત નથી હોતા. જેમ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને મળવા જાય કે આર.એસ.એસ.ના સરસંઘચાલક મોહન ભાગવતને મળવા જાય તો સ્વાભાવિકપણે લોકોના મનમાં ઉદ્દેશ વિષે પ્રશ્નો થશે. નરેન્દ્ર મોદી મળીને જ્યારે બહાર આવે ત્યારે પત્રકારો પ્રશ્ન પૂછતા હોય છે. જો કોઈ કારણસર જવાબ ન આપવો હોય તો ‘નો કમેન્ટ્સ’ કહીને હાથ જોડીને જતા રહે, પણ પત્રકારોનો સામનો કર્યા વિના બારોબાર જતા ન રહે. તમે આવાં ઘણાં દૃશ્યો જોયાં હશે.

ચોથો પ્રકાર પત્રકાર સંઘ દ્વારા બોલાવવામાં આવતી પત્રકાર પરિષદ. દરેક શહેરમાં પત્રકાર સંઘો વરસમાં એકકાદ બે વાર રાજકારણીઓને બોલાવતા હોય છે. આવી પત્રકાર પરિષદ સાધારણ રીતે શરદ પવાર જેવા પીઢ નેતાઓ સાથે યોજાતી હોય અને તેઓ પણ વિશાળ કેનવાસ પર વાત કરતા હોય છે. એમાં તાત્કાલિક પ્રશ્નો પણ હોય છે અને અતીત તેમ જ ભવિષ્યની પણ વાત થતી હોય છે.

નેતાઓ સાથેના વાર્તાલાપનો એક પાંચમો પ્રકાર પણ છે. એમાં જાહેર જનતાની હાજરીમાં વિશાળ હોલ કે મેદાનમાં પ્રશ્નકર્તાઓની પેનલ શાસકને સવાલ પૂછતી હોય છે. કેટલાક પ્રશ્નો જાહેર જનતા પાસેથી પણ લેવામાં આવે છે. પ્રશ્નકર્તાઓની પેનલમાં પ્રતિસ્પર્ધી પક્ષના નેતાઓને પણ લેવામાં આવ્યા હોય એવું પણ બને છે. આ છેલ્લો પ્રકાર બહુ સમાન્ય નથી, પણ મહારાષ્ટ્રમાં એ વધારે પ્રચલિત છે.

અહીં પત્રકારો સાથેની વાતચીતના જે ચાર પ્રકાર ગણાવ્યા છે એ અત્યંત રાબેતાના છે. ઘરે જેમ દૂધવાળો આવે એમ નેતાને પત્રકાર મળે, કારણ કે એ નેતા છે. જેને કાંઈક કહેવાનું હોય એને જ પૂછવાનું હોય! પ્રણવ મુખર્જી બહુ મોટા નેતા છે, પરંતુ પત્રકારો તેમને મળવા ટળવળતા નથી કારણ કે એક નિવૃત્ત શાસક તરીકે અત્યારે તેમણે કાંઈ જ કહેવાનું જ નથી. બહુ બહુ તો તેઓ અતીત વાગોળશે. આમ નેતાનો અને પત્રકારનો સંબંધ આર્ટિસ્ટ અને મેકઅપ મેન જેવો છે. પત્રકાર મોટાભાગે મેકઅપ ઉતારતો હોય છે. નેતાનો મેકઅપ ઉતારવો એ પત્રકારનો ધર્મ છે તો બીજી બાજુ પ્રજાનો, પ્રશ્નોનો અને લોકપ્રતિનિધિગૃહનો સામનો કરવો એમાં શાસકની ખરી મર્દાનગી છે.

મને યાદ નથી કે જગતના કોઈ નેતાએ પત્રકારને પીઠ બતાવી હોય. મને તો એક પણ નામ યાદ નથી આવતું. સામાન્ય કદ ધરાવનારા, કોઈ વાતે કુખ્યાતિ ધરાવનારા, હાસ્યાસ્પદ મેનરીઝમ ધરાવનારા શાસકો પણ પત્રકારોને મળતા રહ્યા છે. નરેન્દ્ર મોદી આધુનિક વિશ્વના કદાચ પહેલા શાસક છે જેઓ પત્રકારોના ઉપર વર્ણવ્યા એવા ચારે ય પ્રકારથી દૂર ભાગે છે. છેલ્લા કેટલાક સમયથી માગણી થઈ રહી છે કે નરેન્દ્ર મોદીએ પત્રકાર પરિષદ બોલાવવી જોઈએ. જેમને પપ્પુ તરીકે ઠેકડી ઉડાડવામાં આવતી હતી, એ રાહુલ ગાંધી ઉપર ગણાવ્યા એવા ચારે ય પ્રકારે પત્રકારોને મળે છે. તેમણે પોતાની પત્રકાર પરિષદનો ફોટો લઈને વડા પ્રધાનને ટ્વીટ કર્યો હતો અને વડા પ્રધાનને પત્રકારોને મળવાનો પડકાર ફેંક્યો હતો. એ પછી ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે વડા પ્રધાનને પત્રકારોથી દૂર ભાગવાના વલણ વિષે ટોણો મારતા કહ્યું હતું કે તેઓ ઓછું બોલતા હતા એ ખરું, પણ પત્રકારોના સવાલોથી ડરતા નહોતા કે ભાગતા નહોતા. હવે જ્યારે મુદ્દત પૂરી થવામાં છે, ત્યારે કમસેકમ એક વાર પત્રકારોનો સામનો કરવાની માગણી મોટેથી થવા લાગી છે.

ન્યુઝ એજન્સીને આપવામાં આવતી મુલાકાત ઉઘાડી પત્રકાર પરિષદની જગ્યા ન લઈ શકે! પત્રકાર પ્રજા વતી સવાલ કરે છે. તેના જબાવ આપવાની હિંમત પણ હોવી જોઈએ અને ફરજપરસ્તી પણ હોવી જોઈએ. બાકી દૂર ઊભા રહીને કોઈ પડકારે નહીં એમ હાકલા પડકારા તો બધા જ કરી શકે છે. જે દેવગૌડા કરી શકે, એ નેહરુ કરતાં પણ પોતાને મોટા માનનારા વિરાટપુરુષ ન કરી શકે?

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 04 જાન્યુઆરી 2019

કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય

Loading

લોકશાહી ધોરણે ચૂંટણી લડવામાં આવતી હોવા છતાં બંગલાદેશમાં સેક્યુલર બંગાળી અસ્મિતાવાદી ડિક્ટેટરશિપ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|1 January 2019

બંગલાદેશમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામ અપેક્ષા મુજબનાં છે. મેં બે મહિના પહેલાં બંગલાદેશનો પ્રવાસ કર્યો ત્યારે જ સર્વત્ર નજરે પડતું હતું કે બંગલાદેશમાં શાસક પક્ષ અવામી લીગ સામે વિપક્ષ કોઈ અસ્તિત્વ જ નથી ધરાવતો. અસ્તિત્વ નથી ધરાવતો એનો અર્થ એ નથી કે બંગલાદેશમાં વડાં પ્રધાન શેખ હસીના લોકપ્રિયતાની ટોચે છે અને ભૂતપૂર્વ વડાં પ્રધાન અને બંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટીનાં નેતા બેગમ ખાલેદા ઝિયાનો પક્ષ લોકોની નજરમાં સાવ ઊતરી ગયો છે. આનું કારણ એ છે કે શાસક પક્ષે બંગલાદેશમાં વિરોધ પક્ષોને અને મુખ્યત્વે ખાલેદા ઝિયાને તેમ જ તેમનાં પક્ષને કચડી નાખ્યો છે. આને કારણે બંગલાદેશનું રાજકારણ એકપક્ષીય બની ગયું છે. શાસક મોરચો કહેવા પૂરતો છે, રાજ હસીના વાજેદ એકહથ્થુપણે ભોગવી રહ્યાં છે. લગભગ આવી જ સ્થિતિ બે દાયકા પહેલાં પણ હતી જ્યારે બેગમ ખાલેદા ઝિયા વડાં પ્રધાન હતાં.

બંગલાદેશમાં દરેક કિશોરે તરુણાવસ્થામાં પહોંચતાં પહેલાં એક નિર્ણય લેવો પડતો હોય છે; મુસ્લિમ ફર્સ્ટ કે બંગાળી ફર્સ્ટ. જ્યાં મુસ્લિમ હોવાની ઓળખ અને બંગાળી હોવાની ઓળખ વચ્ચે સમાન સ્તરે સહઅસ્તિત્વ શક્ય નથી, ત્યાં પૂરક હોવાનો તો સવાલ જ નથી. ઇસ્લામિસ્ટો મુસ્લિમપણા સિવાયની બીજી ઓળખો ભૂંસી નાખવાનો આગ્રહ રાખે છે, એટલે તેમને મન હિંદુ-મુસ્લિમ-પહાડી બૌદ્ધોની સંયુક્ત બંગાળી અસ્મિતા ઇસ્લામિક અસ્મિતાને વિકસાવવામાં તેમ જ ઘનીભૂત કરવામાં અવરોધરૂપ લાગે છે. બીજી બાજુ બંગલાદેશીઓનો ભાષાપ્રેમ પણ એટલો જ તીવ્ર છે. રવીન્દ્રનાથના ભોગે તેઓ મૌલવીની આંગળી પકડવા તૈયાર નથી, પછી રવીન્દ્રનાથ ભલે ભારતીય હિંદુ રહ્યા. આમ પરસ્પર બે દિશાના વિરોધભાસી ખેંચાણને કારણે બંગલાદેશી કિશોરે નિર્ણય લેવો પડે છે કે તે પહેલાં ઇસ્લામપરસ્ત મુસલમાન છે કે બંગાળીપરસ્ત બંગાળી છે.

બહુ ઓછા બંગલાદેશી સ્પષ્ટ નિર્ણય લઈ શકે છે. સરેરાશ બંગલદેશી બે અંતિમો વચ્ચે ફંગોળાય છે. જેનો જુવાળ તીવ્ર હોય તેની પાછળ સામાન્ય લોકો જાય એને કારણે ઘડિયાળના લોલકની માફક બંગલાદેશનું રાજકારણ એક અંતિમેથી બીજા અંતિમે જાય છે. છેલ્લાં કેટલાક સમયથી જુવાળ બંગાળી અસ્મિતાની તરફેણમાં છે. પરંતુ એનો અર્થ એવો નથી કે વિરુદ્ધ દિશાનો પ્રવાહ સાવ થંભી ગયો છે. સપાટીની નીચે ઇસ્લામિક અસ્મિતાનો પ્રવાહ મજબૂત છે અને તે વધુને વધુ મજબૂત થતો જાય છે. જાણકારો કહે છે કે બંગલાદેશ આઝાદ થયો ત્યારે જેટલો ઇસ્લામિક મુસ્લિમ હતો એનાં કરતાં આજ વધુ છે. મૂળભૂતવાદી આક્રમક ઇસ્લામીકરણના પ્રભાવથી બંગલાદેશ પણ મુક્ત નથી. બંગાળી અસ્મિતા જમીન ગુમાવી રહી છે એનો સ્વીકાર બંગાળી અસ્મિતાપરસ્ત લોકો પણ કરે છે.

વિડંબના એવી છે કે સેક્યુલર લિબરલ બંગલાદેશીઓએ સેક્યુલર લિબરલ બંગાળી બંગલાદેશને બચાવવા માટે શેખ હસીના વાજેદની નખશીખ સરમુખત્યારશાહી, એક પક્ષીય શાસન અને ખાનદાની શાસનવ્યવસ્થાને ટેકો આપવો પડે છે. તેઓ એ હોંશેહોંશે કરે છે, કારણ કે તેમને તેમના દેશને ઇસ્લામિક મૂળભૂતવાદીઓના જડબામાં જતો બચાવવો છે. એકવાર તાનાશાહી પરવડશે, પણ ઇસ્લામિક રાજ્ય નહીં પરવડે. બીજું ઇસ્લામિક રાજ્યમાં પણ ક્યાં લોકતંત્ર હોવાનું. તેઓ આટલેથી અટકતા નથી, શેખ હસીનાની એકાધિકારશાહીને તેઓ અનિવાર્ય અનિષ્ટ તરીકે જુએ છે, તેનો બચાવ કરે છે અને શેખ મુજીબુર રહેમાનને આધુનિક બંગલાદેશના જનક અને પોષક તેમ જ શેખ હસીનાને આધુનિક બંગલાદેશના રક્ષક તરીકે જુએ છે. શેખ મુજીબુર રહેમાનને ગાંધીજીની સાથે સરખાવવામાં આવે છે.

આવું થોડું ક એક સમયે પાકિસ્તાનમાં પણ બનતું હતું. પાકિસ્તાનના સેક્યુલર લિબરલ મુસલમાનો લશ્કરી સરમુખત્યારોને ટેકો આપતા હતા અને લોકતંત્રનો આગ્રહ જતો કરતા હતા. એક ઝિયા-ઉલ-હક્કનો અપવાદ બાદ કરતાં પાકિસ્તાનના તમામ લશ્કરી સરમુખત્યારો પ્રમાણમાં સેક્યુલર-લિબરલ હતા. આને કારણે અમેરિકા અને પાશ્ચાત્ય દેશો પણ સરમુખત્યારોને ટેકો આપતા હતા. લોકતંત્ર ઇસ્લામનું રાજકારણ કરનારા ધર્મઝનૂની શાસકો માટે રસ્તો કંડારી આપે એનાં કરતાં સરમુખત્યારી સારી. ૧૯૭૯માં સોવિયેત રશિયાએ અફઘાનિસ્તાનનો કબજો કર્યા પછી અમેરિકાએ પાકિસ્તાનના પહેલા ધર્મઝનૂની સરમુખત્યાર ઝિયા-ઉલ-હક્ક સાથે મળીને ઇસ્લામિક મૂળભૂતવાદને ખાતર-પાણી આપ્યાં અને ત્રાસવાદીઓ પેદા કર્યા એ જુદી વાત છે. વાતનો સાર એટલો કે ઇસ્લામનો સીધો કે આડકતરો સહારો લેનારા રાજકીય પક્ષોને કોઈ પણ ભોગે, બિનલોકશાહી ધોરણે સુધ્ધાં, કચડી નાખવામાં આવે તેને ઉદારમતવાદી બંગાળીઓ ટેકો આપી રહ્યા છે. ડેમોક્રસી કેન વેઇટ.

એક સમયની પાકિસ્તાનની અને અત્યારની બંગલાદેશની સ્થિતિ ભારતનાં સંદર્ભમાં પણ સમજવા જેવી છે. ૧૯૪૭માં દેશને આઝાદી મળી એ પછી પહેલીવાર ભારતમાં હિન્દુત્વવાદી જુવાળ પ્રગટપણે તીવ્ર બન્યો છે. આને કારણે જે સેક્યુલર લિબરલો એક સમયે કોંગ્રેસની એકાધિકારશાહી સામે લડતા હતા તે  અત્યારે ફાસીવાદીઓ સામે લડી રહ્યા છે. જો બંગલાદેશ જેવી પરસ્પર વિરોધી બે અંતિમોની સ્થિતિ પેદા થાય અને તેમાં જો હિન્દુત્વવાદીઓ સરસાઈ મેળવે તો ભારતમાં પણ સેક્યુલર-લિબરલ સેક્યુલર ડીકટેટરશીપને સમર્થન આપવા સુધી જાય એવી પૂરી શક્યતા છે. ધર્મઝનૂની રાજકારણ કેટલું ખતરનાક છે એની તો એને જ ખબર હોય જેણે તે ભોગવ્યું હોય.

આમ બંગલાદેશના ભણેલા-ગણેલા, પ્રગતિશીલ, સેક્યુલર લિબરલોની સમંતિ સાથે તેમ જ બંગાળી હોવાનો ગર્વ ધરાવનારા બંગાળી અસ્મિતાવાદીઓના ટેકા સાથે શેખ હસીનાની એકાધિકારશાહીને વિજયની મહોર મારવામાં આવે છે. કચડી નાખો ઇસ્લામિસ્ટોને, પછી એક પક્ષનું શાસન હશે તો પણ ચાલશે. આનો અર્થ એ થયો કે બંગલાદેશમાં લોકશાહી ધોરણે ચૂંટણી લડવામાં આવતી હોવા છતાં સેક્યુલર બંગાળી અસ્મિતાવાદી ડિક્ટેટરશિપ છે. બંગલાદેશને ઇસ્લામિસ્ટોના જડબામાં જતું રોકવાનું છે.

બંગલાદેશની લોકસભાની ચૂંટણીમાં શાસક પક્ષને ૮૦ ટકા મત મળ્યા છે અને કુલ ૨૯૮ બેઠકોમાંથી ૨૮૭ બેઠકો મળી છે. કોઈ ત્રીજી મુદ્દત માટે ચૂંટણી લડતું હોય એને આટલાં મત અને આટલી બેઠકો મળે? આ બંગાળી સેક્યુલર ડિક્ટેટરશિપનું પરિણામ છે. સામે બંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીનાં નેતા બેગમ ખાલેદા ઝિયાએ પણ કુકર્મો ઓછાં નથી કર્યાં. તેઓ ભ્રષ્ટ છે. તેમનો પુત્ર પણ ભ્રષ્ટાચારના આરોપમાં સજા પામેલો છે. તેમણે ૧૯૭૧ની બંગલાદેશની મુક્તિ માટેની લડાઈ વખતે પાકિસ્તાનને ટેકો આપનારા બંગલાદેશ જમાત એ ઇસ્લામીનો ટેકો લીધો હતો અને તેમને મદદ કરી હતી. બંગલાદેશનું ઇસ્લામીકરણ કરવામાં ખાલેદા ઝિયાનો હાથ હતો અને અત્યારે લોલક જ્યારે બીજા અંતિમે છે ત્યારે ખાલેદા ઝિયાને તેની કિંમત ચૂકવવી પડે છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 01 જાન્યુઆરી 2019

Loading

ડો. અભય બંગ અને ડો. રાની બંગ

આશા બૂચ|Opinion - Opinion|1 January 2019

ગાંધી – એક વિશ્વ માનવ શ્રેણી : મણકો – 4

ગાંધીજીના અવસાન બાદ, યુનાઇટેડ નેશન્સની કચેરી પર ભારતનો ત્રિરંગો અર્ધી કાઠીએ લહેરાવવામાં આવેલો, ત્યારે જોનારાને વિમાસણ થયેલી અને હોદ્દેદારોને પૂછેલું પણ ખરું કે આ એમ.કે. ગાંધી શું કોઈ દેશના વડા  પ્રધાન અથવા પ્રેસિડેન્ટ હતા, કે કોઈ ધર્મના સર્વોચ્ચ વડા હતા? જવાબ ‘ના’માં હતો, અને તેથી તો અચરજ ઑર વધ્યું અને સહુને સવાલ થયો, તો એ કેવી હસ્તી હતી જેનું આંતરરાષ્ટ્રીય મહત્ત્વ હોઈ શકે અને તે પણ કોઈ ઔપચારિક હોદ્દો ધારણ ન કર્યો હોય તેમ છતાં?  

હકીકત એ છે કે ઓછામાં ઓછું બોલવું અને વધુમાં વધુ આચરણ કરવું એ જેનો મંત્ર હતો તેવા ગાંધીજીએ પોતાના સીધા સંસર્ગમાં આવ્યા હોય તેમના જીવનનું સૂકાન તો બદલ્યું જ પણ જેમણે કદી ગાંધીજીને જોયા ન હોય કે તેમના પછીની પેઢીમાં જન્મ લીધો હોય તેવા નર-નારીઓ પણ એક યા બીજી રીતે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને સમાજની સેવા કરી ગયા અને કેટલાક હજુ આજે પણ આપણી વચ્ચે કાર્ય કરી રહ્યા છે. આજે તેમાંનાં એક એવાં દંપતીની વાત માંડવી છે, જેમનું નામ અને કાર્ય કદાચ ઘણા વાચકોને પરિચિત હોઈ શકે.

ડો.અભય બંગનો પરિચય મેળવતા પહેલાં તેમના પિતાશ્રીનો એક કિસ્સો જાણીએ. કોલેજના અર્થશાસ્ત્રના અધ્યાપક ઠાકુરદાસ બંગ, કે જેમણે આઝાદીની લડતમાં ભાગ લીધેલો. સ્વાતંત્ર્ય એક હાથ છેટું આવી પહોંચ્યાનો અણસાર થયો એટલે અમેરિકાની ઓહાયો યુનિવર્સિટીમાં આગળ અભ્યાસ કરવા તેમણે પરિયાણ આદર્યું. ગાંધીજીના આશીર્વાદ લેવા ઠાકુરદાસ વર્ધા ગયા. હંમેશની જેમ ચશ્માંમાંથી નજર ઊઠાવી ગાંધીજી માત્ર એક વાક્ય બોલ્યા, “તારે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો અમેરિકા જવાની કોઈ જરૂર નથી. ભારતનાં ગામડાંઓમાં જા.”

એક વાક્યના સંવાદનો અહીં અંત આવ્યો, પણ ગ્રામ્ય પ્રજાના આર્થિક અને સામાજિક ઉત્થાનની એક લાંબી યાત્રાનો પ્રારંભ થયો. ઠાકુરદાસ બંગ ભૂદાન અને ગ્રામદાન જેવી અનેક ચળવળો અને રચનાત્મક કાર્યોમાં આજીવન રત રહ્યા. ગાંધીજી તો ભારતમાં રહી ગ્રામ્ય પ્રજા પાસેથી અર્થશાસ્ત્રના પાઠ ભણવાનો અભિપ્રાય આપે, પણ તેનું પાલન કરનાર પણ કેવા વિદેશી ભણતરના વ્યામોહથી મુક્ત અને દેશદાઝથી રસાયેલા હશે એ સમજાય તો ઘણું.

ઠાકુરદાસ અને સુમન બંગને ઘેર બે પુત્ર રત્ન જન્મ્યા, અને તે પણ ગાંધીજીના અવસાન બાદ. પણ માતા-પિતાનાં મૂલ્યો અને વિચારધારાનો વારસો લઈને વર્ધામાં ઉછરેલા આ બંને ભાઈઓએ પોતાના જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ છેવાડાના લોકોના ઉત્થાન માટે કર્યો. અશોક અને અભય બંગ વર્ધામાં આચાર્ય વિનોબાજીની નિગરાની હેઠળ નઈ તાલીમ પદ્ધતિનું શિક્ષણ પામ્યા અને હૈયું, હાથ અને મસ્તકનો ઉપયોગ કરવા સજ્જ થયા. ભારતની પ્રજાની બે મૂળભૂત જરૂરિયાત અન્ન અને સ્વાસ્થ્યની છે એ આ બન્ને તરુણો સમજતા હતા. આથી 16 વર્ષના અશોકે ખેતીના ક્ષેત્રમાં અને અભયે મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરીને ગ્રામવાસીઓની સેવા માટે જ ભેખ લેવાનો નિર્ણય કર્યો.

ડો. અભય બંગને તેમના જેવા જ કુશળ ડોક્ટરનો ભેટો થયો – ડો. રાની અને તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં.  ડો. અભય બંગે મેડિસિનમાં એમ.ડી.ની ઉપાધિ મેળવી અને ડો. રાની બંગે ઓબ્સ્ટ્રેટિક્સ અને ગાયનેકોલોજીમાં એમ.ડી.ની ઉપાધિ મેળવી. બંને ડોક્ટર્સ જેમ અન્ય ડોક્ટર્સ કરતાં હોય છે તેમ જ અમેરિકાની કોઈ મોટી યુનિવર્સિટીમાં વધુ અભ્યાસાર્થે જઈ શક્યાં હોત અને વિદેશમાં જ સ્થાયી થઇ શક્યાં હોત, પણ તેમના માંહ્યલાએ તેમના પગ આદિવાસી વિસ્તાર તરફ વાળ્યા. મધ્યપ્રદેશના ગઢચિરોલી જિલ્લામાં સંશોધન સાથેનું ચેતના વિકાસ નામનું આરોગ્ય કેન્દ્ર શરૂ કર્યું. તેમણે લઘુતમ વેતન વધારવા માટે સરકારને ફરજ પાડી અને સ્વાસ્થ્યની સમસ્યાઓ સુધારવા પબ્લિક હેલ્થ વિષે વધુ સંશોધન જરૂરી છે તેમ સમજયાં. પરિણામે બૉલ્ટીમોર – અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાંથી બંનેએ પબ્લિક હેલ્થ વિષય સાથે માસ્ટર્સની ઉપાધિ મેળવી.

મહારાષ્ટ્ર્નો ગઢચિરોલી વિસ્તાર પ્રાથમિક સુવિધાઓ જેવી કે શિક્ષણ, સ્વાસ્થ્ય અને આવાસ વેગેરથી ખાસ્સો વંચિત. આથી જ બંગ દંપતીએ તેને પોતાનાં કાર્યક્ષેત્રનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું. વર્ષોની જહેમત બાદ એ વિસ્તારના ગરીબ લોકોનાં સ્વાસ્થ્યની જાળવણીમાં ક્રાંતિ લાવ્યાં. સંશોધન આધારિત નિદાન અને સારવારના અવિરત પ્રયાસોને પરિણામે બાળમરણનું પ્રમાણ ઘણું ઓછું થયું. World Health Organization (WHO) અને UNICEF આ બંને સંગઠનોએ ડો. અભય અને ડો. રાની બંગના આ પ્રયાસોને માન્યતા આપી અને ભારતભરમાં તથા આફ્રિકાના કેટલાક દેશોમાં નવજાત શિશુઓ માટેનો તેમનો આ નિદાન તથા સારવારનો અભિગમ અમલમાં મુકવામાં આવ્યો છે. આ દંપતીએ 'Society For Education, Action and Research in Community Health' (SEARCH) નામક એક નફા ઉપર આધારિત નહીં તેવું સંગઠન સ્થાપ્યું જે ગ્રામ્ય પ્રદેશના લોકોના  સ્વાસ્થ્યની જાળવણી અને સંશોધનમાં કાર્યરત રહે છે.

પાંચ પાંચ પંચવર્ષીય યોજનાઓને અંતે હજુ ભારતના અંતરિયાળ ગામડાંઓની સ્થિતિ જોઈએ તેવી સુધરી નહોતી, એની પ્રતીતિ આ ડોક્ટર દંપતીને તેમના કાર્યકાળના આરંભ દરમ્યાન થઇ. એક ગરીબ વિધવા પોતાની મજૂરીમાંથી મોટાં ત્રણ બાળકોને પોષે કે ચોથા બિમાર બાળકને દૂરના ગામમાં સારવાર માટે લઇ જાય એવા વિકલ્પો વચ્ચે જીવતી મહિલાનો કિસ્સો જોઈ-સાંભળીને ડો. રાની બંગ અત્યંત વ્યથિત થયાં અને એ વિષે વધુ અભ્યાસ કરતાં તારણ નીકળ્યું કે એ ગામડાંઓમાં 92% જેટલી મહિલાઓ સ્ત્રીઓને થતા રોગો અને તેમાં ય જાતીય સંસર્ગથી થતી બિમારીઓથી પીડાતી હતી. આથી એ વિસ્તારમાં પ્રથમ ગાઈનોકોલિસ્ટ તરીકે રાની બંગ સેવા આપવા લાગ્યાં. તેમનાં સંશોધનનું એવું તારણ આવ્યું કે ઝાડા-ઊલટી નહીં પણ ન્યુમોનિયા એ પાંચ વર્ષથી નીચેનાં બાળકોના મરણ માટે જવાબદાર છે. આ હકીકતથી WHOની માન્યતાઓ હલબલી ગઈ અને તેમને દવાઓ બનાવવાની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી.

નોંધનીય બાબત એ છે કે પા સદીથી વધુ વર્ષોથી બંગ દંપતી મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારમાં બાળમરણનું પ્રમાણ ઘટાડવામાં સફળ થયાં તેની પાછળ પશ્ચિમી તબીબી વિજ્ઞાનની તાલીમ અને એ ઊસૂલોનો અમલ કારણભૂત હશે તેમ માનવાનું સહેજે મન થાય, પરંતુ હકીકત એ છે કે એ સિદ્ધિનો યશ ગ્રામ્ય મહિલાઓ કે જેમને તેઓએ નવજાત શિશુઓની સંભાળ રાખવા તાલીમબદ્ધ કરી તેમને વિશેષ કરીને જાય છે. આવું ઉદાહરણ સ્વરૂપ કાર્ય કરનારાઓ પણ ટીકાને પાત્ર બનતા હોય છે. અશિક્ષિત મહિલાઓને આધુનિક સારવાર આપવાની જટિલ પ્રક્રિયાઓની જવાબદારી સોંપવા વિશેના તેમના નિર્ણય વિષે ટીકા થયેલી. એ અલ્પશિક્ષિત ગણાતા કાર્યકરોએ 15,000 ઇન્જેક્શન આપ્યાં જેનાથી કોઈ વિપરીત અસર થવાનો એક પણ બનાવ નથી બન્યો, એ હકીકત જાણ્યા બાદ ટીકાકારોનો વિરોધ શમ્યો. જ્યાં તમામ પ્રકારની અતિ આધુનિક સગવડો હોય તેવાં શહેરોમાં સારવાર લેવા જવાનું ગ્રામવાસીઓ માટે સંભવ નથી, કેમ કે ત્યાં યાતાયાતનાં સાધનો જૂજ છે જેથી બિમાર વ્યક્તિ લાચારીથી સારવાર મેળવવાથી દૂર રહેતી હોય છે. જે વ્યવસ્થા ઇંગ્લેન્ડ કે અમેરિકામાં લોકોને મેળવવી સુલભ હોય છે, તે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં પૂરી પાડવી શક્ય નથી. દરેક સમાજની જરૂરિયાતો જુદી હોય છે તો તેને પૂરી પાડવાની રીતો પણ અલગ હોવાની જ એ વાસ્તવિકતા સમજી અને સ્વીકારીને બંગ દંપતીએ સુવિધાઓને આમ જનતા સુધી લઇ જવાનું કામ કર્યું.

ગાંધીજીના ‘સ્વ-રાજ’ના ખ્યાલોથી ડો. અભય બંગ ઘણા પ્રભાવિત છે. ગાંધીનાં સ્વપ્નના ભારતમાં દરેક નાગરિક કઈ રીતે સ્વ-રાજ ભોગવશે એ વાત તેઓ સુપેરે સમજ્યા હોવાથી આદિવાસી કોમ અને તેમની દરેક વ્યક્તિને પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે સ્વતંત્ર અને સ્વનિર્ભર બનાવવાનો મહાયજ્ઞ તેમણે આદર્યો. આથી જ તો લંડનમાં ‘સેવ ધ ચિલ્ડ્રન’ના નેજા હેઠળ ‘No Child Born to Die’ પરિકલ્પના લોકાર્પણ સમયે ડો. અભય બંગે કહેલું કે “આપણે આપણા સમાજના અભિન્ન અંગ છીએ.” તેમને પોતાને જેમને માટે તેઓ કાર્ય કરે છે તે સમુદાય અને પોતાની વચ્ચે કોઈ ભેદરેખા નથી જણાતી. તેઓ સ્પષ્ટપણે માને છે કે એ સંશોધનો આદિવાસી પ્રજાની સાથે મળીને થાય છે, તેમના ઉપર નહીં. અહીં એ યાદ અપાવવું ઊચિત થશે કે ગાંધીજી પોતે જેમની સેવા કરવા માગતા હતા તેમની વચ્ચે તેમના જેવા ઘરોમાં રહીને, તેમના જેવાં કપડાં પહેરીને તેમના જેવો જ ખોરાક લઈને જ એ કાર્ય પાર પાડી શકેલા.

આ અજોડ યુગલ ડો. અભય અને રાની બંગને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ મળ્યો છે. સંજય ગાંધી પોસ્ટગ્રેડયુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા બંને પતિ-પત્નીને માનદ્દ ડોક્ટરેટની પદવી મળી ચૂકી છે. એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીએ ડો. રાની બંગને Honoris Causaનું માન એનાયત કર્યું, તો The Lancet (બ્રિટનમાંથી પ્રકાશિત થતું મેડિકલ વિજ્ઞાનનું ગણમાન્ય સામયિક) દ્વારા આ દંપતીને ‘ભારતના ગ્રામ્ય પ્રદેશમાં સ્વાસ્થ્યનો પાયો નાખનાર’ તરીકે બિરદાવવામાં આવ્યાં, એ પણ એક નોંધનીય સિદ્ધિ છે. આ સઘળાં માન અકરામના તેઓ અધિકારી છે.

ડો. અભય બંગ 1950માં ગાંધીજીની હત્યા બાદ જન્મ્યા, આમ છતાં ગાંધીજીને પ્રત્યક્ષ જોયા હોવાની તેમને લાગણી થાય અને ગાંધીજીના વંશમાં પેદા થયા ન હોવા છતાં તેમની રગોમાં ગાંધીનું લોહો દોડતું હોય એવી પ્રતીતિ થાય છે તેની પાછળ ગાંધી વિચારનાં મૂલ્યોનું સિંચન તેમના માતા-પિતા દ્વારા થયું અને વિનોબાજી જેવા આજીવન શિક્ષકની કેળવણીએ તેમને સેવાકીય પ્રવૃત્તિઓ માટે કટિબદ્ધ કર્યા એ બે પરિબળોને કારણભૂત ગણાવી શકાય. વિદેશમાં જઈને આગળ અભ્યાસ કરીને ત્યાં સ્થાયી થવાને બદલે આદિવાસી વિસ્તારમાં ધૂણી ધખાવીને બેસવાની પ્રેરણા પણ ગાંધીજીએ જ તેમને આપી તેવું ડો. અભય બંગને લાગે છે. ડો. અભય અને રાની બંગને પોતાની કારકિર્દી દરમ્યાન જ્યારે જ્યારે નાની-મોટી સમસ્યાઓનો સામનો કરવાનું આવ્યું ત્યારે તેઓ ગાંધીજી પાસે પહોંચી જાય છે. તેમના સમાજ નવનિર્માણના કાર્યક્રમોની રૂપરેખામાંથી માર્ગદર્શન મેળવીને પોતાની સંભાળ હેઠળ જીવતી પ્રજાનો  હળવે હળવે ઉદ્ધાર કરતાં જાય છે.

ગાંધીજીની ઉક્તિ, “ઈશ્વર એ કોઈ વ્યક્તિ નથી, એ તો એક સિદ્ધાંત છે.” તેને ગાંઠે બાંધીને આ બંગ દંપતી સેવાના માર્ગે આગળ ધપ્યે જાય છે અને માને છે કે ગાંધીજી હજુ ક્યાં ય ગયા જ નથી, આપણે ચાહીએ તો ગમે ત્યારે મળતા જ રહે.

નીચે આપેલ લિંક પરથી વધુ માહિતી મળી શકશે :

https://youtu.be/lzdlHRNG_eQ

[સ્રોત : “શાશ્વત ગાંધી”; પુસ્તક 57, ‘વિકિપીડિયા’ અને “ભૂમિપુત્ર”]

e.mail : 71abuch@gmail.com   

Loading

...102030...3,0023,0033,0043,005...3,0103,0203,030...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved