Opinion Magazine
Number of visits: 9969266
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતનું શિયાળુ ભોજન સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને રંગીન

વિશાલ શાહ|Opinion - Opinion|9 January 2019

આપણા દેશના ખૂણેખૂણામાં ઋતુ પ્રમાણે રોજિંદા ભોજનમાં પણ ૩૬૦ ડિગ્રી પરિવર્તન આવે છે અને એમાં ય ગુજરાતની વાત નિરાળી છે. હરિયાણા અને રાજસ્થાન પછી સૌથી વધારે શાકાહારીઓ ગુજરાતમાં છે, પરંતુ એક એકથી ચડિયાતી પૌષ્ટિક અને રંગબેરંગી શાકાહારી વાનગીઓની વાત કરીએ તો ગુજરાતની તોલે આખી દુનિયામાં કોઈ ના આવે. જૈન ધર્મ અને બીજા સંપ્રદાયોના જબરદસ્ત પ્રભાવના કારણે ગુજરાતમાં જાતભાતની શાકાહારી વાનગીઓ અસ્તિત્વમાં આવી છે. ગુજરાત પાસે ૧,૬૬૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો હોવા છતાં દરિયાઈ ફૂડ મોટા પાયે ખવાતું નથી, એનું કારણ પણ આ જ. ગુજરાત વિશે પૂરતું જ્ઞાન નહીં ધરાવતા અનેક લોકો ગુજરાતી ભોજનને ઘાસફૂસ, પોષક દ્રવ્યો વિનાનું, વધારે પડતું ગળ્યું અને ફિક્કું તેમ જ શરીરને ગરમી પ્રદાન કરવાના ગુણ વિનાનું સમજતા હોય છે, જે એક ગેરમાન્યતા છે. જો કે, અહીં આપણે ગુજરાતીઓનાં ફક્ત શિયાળુ ભોજનની વાત કરીશું.

કદાચ ભારતભરમાં શિયાળુ શાકભાજીનો સૌથી ક્રિએટિવ ઉપયોગ ગુજરાતીઓ કરે છે. જેમ કે, ઊંધિયું. ભગવદ્ગોમંડળમાં ઊંધિયાની રસપ્રદ વ્યાખ્યાઓ અપાઈ છેઃ 'જુદાં જુદાં કંદ અને લીલોતરીનું શાક … રીંગણાં, પાપડી, બટાટાં, મરચાં, રતાળુ વગેરે લીલોતરી શાકને આખાં ને આખાં એક માટીના વાસણમાં મસાલા સહિત ભરી તેને જમીનમાં ઊંધું મૂકી ઉપર અગ્નિ કરી ચોડવેલું બફાણું’.

બોલે તો, બફાણું ઉર્ફ ઊંધિયું

મસાલેદાર ઉબડિયું


આ રીતે શાકભાજી પકવતી વખતે માટલાં ઊંધાં કરી દેવાતાં. એટલે તેનું નામ પડ્યું, ઊંધિયું. ગુજરાત મૂળભૂત રીતે કૃષિ સંસ્કૃતિ ધરાવતો પ્રદેશ હોવાથી એક સમયે ખેતરોમાં આખાં ને આખાં શાકભાજીને જુદાં જુદાં માટલાંમાં ધીમા તાપે બાફીને, મરીમસાલામાં રગદોળીને, લસણ-કોઠાની ચટણીથી ભીંજવીને અને તલના ગરમ તેલની ધાર કરીને ઊંધિયું તૈયાર કરાતું. હવે એવો સમય નથી એટલે ઊંધિયું બનાવવાની પ્રક્રિયામાં થોડો ઘટાડો થયો છે. આજના જમાનામાં અઠવાડિયામાં ત્રણ વાર આ રીતે ઊંધિયું બનાવીને ખાવું શક્ય નથી, એટલે પ્રેશર કૂકર કે ચૂલા પર બધાં જ શાકભાજી જુદા જુદા રાંધીને અને પછી ભેગાં કરીને ઊંધિયું બનાવાય છે. એટ લિસ્ટ, આ રીતે ઊંધિયું બનાવીને ખાવાથી અસલી ઊંધિયું ખાવાનો આનંદ મળે છે.

ભાષા કે પહેરવેશની જેમ ખાણીપીણીમાં પણ સાંસ્કૃતિક આદાનપ્રદાનથી ફેરફારો થતાં હોય છે. આવા ફેરફાર ઊંધિયા જેવી વાનગીમાં ના થાય તો જ નવાઈ. આજકાલ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ખવાતાં ઊંધિયામાં તુવેર, વટાણા, કાચાં કેળાં અને તળેલાં મૂઠિયાં પણ નાંખવામાં આવે છે, પરંતુ ઊંધિયાની જ્યાં શોધ થઈ હતી, એ દક્ષિણ ગુજરાતનાં ઊંધિયામાં સુરતી પાપડી અને રીંગણાંની સાથે બટાટાં, શક્કરિયા, રતાળુ અને સૂરણ જેવાં કંદમૂળ મુખ્ય હોય છે. ઊંધિયા સાથે પૂરીઓ કે રોટલી જે ફાવે એ લઈ શકાય. ઊંધિયાની બહેન જેવી બીજી વાનગી એટલે ઉબડિયું. આ વાનગીનું જન્મદાતા પણ દક્ષિણ ગુજરાત. ભગવદ્ગોમંડળમાં દક્ષિણ ગુજરાતમાં ઊંધિયા માટે પણ ઉબડિયું શબ્દપ્રયોગ કરાતો હતો એવો ઉલ્લેખ છે. જો કે, આજે આ બંને વાનગી જુદી છે. ઉબડિયામાં પણ શાકભાજીને માટલામાં ધીમી આંચે બાફીને તૈયાર કરાય છે, પરંતુ તેમાં ઊંધિયા જેવી ગ્રેવી કે તેલ નથી હોતું. ઉંબડિયું  કોઠા કે લસણની ચટણી સાથે ખવાય છે. ઉબડિયામાં પણ સમયની સાથે પરિવર્તન આવ્યું છે. આજકાલ કેટલાક લોકો ઉબડિયામાં એકાદ વાટકી મગફળીના દાણા અને તુવેર પણ નાંખે છે.

બાજરાના રોટલા અને ટોઠા

રંગબેરંગી સલાડ

તુવેર પરથી યાદ આવ્યું. આ સૂકી તુવેર ઉર્ફ ટોઠાનો ગુજરાતીઓથી વધુ સારો ઉપયોગ કોણ કરતું હશે! ગુજરાતીને સમજાવવાની જરૂર નથી કે, ટોઠા પાર્ટી એટલે શું? ટોઠાનું જન્મસ્થળ ઉત્તર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો હોવાનું મનાય છે. ટોઠાને મરીમસાલા અને તેલમાં રાંધ્યા પછી કોથમીર છિકરીને પીરસવામાં આવે છે. કેટલાક લોકો ટોઠાના શાકને થોડું ક્રિસ્પી બનાવવા તેમાં થોડી સેવ પણ ભભરાવે છે. સૂકી તુવેરની જેમ લીલા તુવેર ઉર્ફ લીલવામાંથી ગુજરાતમાં એક સ્વાદિષ્ટ ફરસાણ પણ બને છે, લીલવાની કચોરી. ઊંધિયા-પૂરી સાથે જીભનો સ્વાદ બદલવા આનાથી વધારે સારું ફરસાણ શું હોઈ શકે! ગરમાગરમ અને થોડા તીખા-મસાલેદાર ઉંધિયા અને ફરસાણ સાથે ગળ્યું ના ખાય એ અસલી ગુજરાતી નહીં. એ માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં એક રસઝરતી વાનગી ખાવાની પ્રથા શરૂ થઈ છે. હા, જલેબી. શિયાળામાં અડદની જલેબીનો પણ વિકલ્પ છે, જે શરીરને શક્તિ અને ગરમી પ્રદાન કરે છે. ખાસ કરીને ઉત્તરાયણમાં ધાબા પર જ ઊંધિયું-પૂરી અને જલેબીથી પેટ ભરી લેવાય છે, જેથી પતંગ ચગાવવાનો સમય કપાઈ ના જાય.

ઊંધિયાની સાથે સંભારાની (સલાડ) પણ ગુજરાતીઓએ સારી એવી વ્યવસ્થા કરી છે. ગુજરાતમાં લીલી હળદળને સમારીને મીઠું અને લીંબુ નાંખીને ડબ્બામાં ભરી દેવાય છે. લીલી હળદળમાં બીજી પણ એક વેરાયટી છે, આંબા હળદળ. આ હળદળનો સ્વાદ થોડો કેરી જેવો આવે છે. એટલે કે, ઊનાળુ ફળનો સ્વાદ શિયાળામાં. સવાર કે સાંજનાં ખાણાં સાથે હળદળ ના હોય તો ગુજરાતનું શિયાળુ ભોજન અધૂરું છે. આજના રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશેલું લીલી હળદળનું ઘીથી લથબથ શાક પણ હવે ગુજરાતની યુનિક ડિશ બની ગયું છે. જો કે, સંભારામાં એકલી હળદળથી સંતોષ કેવી રીતે મળે! એટલે તેની સાથે બીટ, મૂળા, ગાજર, કાકડી અને કોબીજની કતરણને પણ ન્યાય અપાય છે. આટલાથી પણ જીભનો સળવળાટ શાંત ના થતો હોય, તો જીભને થોડો ચેન્જ આપવા માટે આથેલાં મરચાં, કોથમીરની ચટણી અને ઘીમાં સાંતળેલું લીલું લસણ પણ હાજર છે. આ આખી થાળીમાં જે કંઈ છે એ બધું જ પોષક દ્રવ્યોથી ભરપૂર છે. જરા વિચારો. ઊંધિયુ-પૂરી અને સંભારા સાથે સજાવેલી આ થાળીમાં રંગ પણ કેટકેટલા છે!

તીખો અને ગળ્યો ખીચડો અને મોગરીનું રાયતુ

કોબીજનો સલાડની જેમ ઉપયોગ કરાય અને મિક્સ સબ્જીમાં પણ તે ઉત્તમ. હા, ફૂલાવર પણ. ગુજરાતીઓ શિયાળામાં પાંદડાવાળાં શાકભાજીનો પણ અનેક રીતે ઉપયોગ કરે છે. જેમ કે, ગુજરાતમાં શિયાળુ ભોજન તરીકે બાજરાના રોટલા અને ખાટી-મીઠી કઢી સાથે મેથી, પાલક, સૂવા કે મૂળાની ભાજીનું શાક ભરપૂર ખવાય. મેથીના તો થેપલાં અને ગોટા પણ બને! સાંધ્ય ભોજનમાં ગુજરાતીને ગોટા અને ચટણી મળી જાય તો ચલાવી લે, અને હા, પ્રવાસમાં થેપલાં સાથે હોય તો ભયો ભયો. મેથી, પાલક અને કોબીજનાં મૂઠિયાં પણ ગુજરાતી ગૃહિણીઓની પસંદગીની વાનગી છે કારણ કે, એ ઝડપથી બની જાય. એવી જ રીતે, શિયાળામાં ગુજરાતીઓ પાલક અને મૂળાના પરોઠા ખાઈને પણ ઓડકાર બોલાવી લે. ગુજરાતીઓ એક શિયાળુ શાકનો પણ અનોખો ઉપગોય કરે છે, મોગરી. તેનું શાક બને, સાંતળીને પણ ખવાય અને મોગરીનું સ્વાદિષ્ટ રાયતું પણ બને. અત્યાર સુધી ના ખાધું હોય તો યૂટ્યૂબ પર જોઈને પણ બનાવીને ખાઈ લેજો.

ગુજરાતનું ભોજન એટલે ઢોકળાં કે દાળઢોકળી જ નહીં. બીજું ઘણું બધું. દાળઢોકળી સાદી પણ હોય અને મૂળાની ભાજીની, ગવારની અને પાપડીની પણ હોય. ટૂંકમાં, ઋતુ પ્રમાણે વાનગી બનાવવાની રીત પણ બદલાઈ જાય. પ્રોટીનયુક્ત દાળ અને વિટામિનથી સમૃદ્ધ પચવામાં હલકી ગણાતી સંપૂર્ણ ડિશ એટલે દાળઢોકળી. ગુજરાતમાં શિયાળામાં ખવાતી આવી જ એક બીજી પૌષ્ટિક વાનગી એટલે ખીચડો. ખીચડો ઘઉં, ચોખા અને બધી જ દાળ ભેગી કરીને બનાવાય છે. ખીચડામાં તીખો અને ગળ્યો એમ બે વિકલ્પ હોય છે. તેમાં ઘઉં, ચોખા, તુવેર-મગ અને ચણાની દાળ, મઠ, જુવાર એમ સાત પ્રકારના અનાજ-કઠોળ હોય છે, એટલે તે સાત ધાનનો ખીચડો પણ કહેવાય છે. ખીચડાનું મુખ્ય તત્ત્વ ઘઉં હોય છે, જ્યારે ખીચડીનું ચોખા. ગળ્યા ખીચડામાં તો કાજુ, બદામ, સૂકી દ્રાક્ષ અને અંજીરને પણ પીસીને નાંખવામાં આવે છે. ગુજરાતમાં આજે ય મકરસંક્રાંતિના તહેવારમાં ખીચડો ખાવાનું અનોખું મહત્ત્વ છે. આ પરંપરા ઉત્તર ભારતીયો સાથેના સાંસ્કૃતિક આદાનપ્રદાનમાંથી આવી છે!

ગુજરાતીઓની શિયાળિ સ્વિટ ડિશ

આ બધાં જ અનાજ અને શાકભાજીમાં શરીરને ગરમ રાખવાનો ગુણ છે. આ ભોજન સહેલાઈથી પચી જાય એ માટે ગુજરાતીઓની શિયાળુ થાળીમાં થોડા શુદ્ધ દેશી ગોળ પણ હોય છે. એવું નથી કે, ગુજરાતીઓ પાસે સારી સ્વિટ ડિશ નથી. શીંગ, તલ, ચણાની ચીકી, મેથી પાક, અડદિયા પાક અને ગુંદર પાક શું છે? મેથી અને અડદને શેકીને-દળીને લાડુ કે ચોસલાના રૂપમાં બનાવાતો મેથી પાક અને અડદિયા પાક પણ શરીરને શક્તિ અને ગરમી આપવા ઉત્તમ છે. સફેદ-કાળા તલ પેટમાં નાંખવા આપણી પાસે કચરિયું છે. ગાજર જેવા શિયાળુ કંદમૂળનો ઉપયોગ હલવો બનાવવા પણ થાય છે. ગાજરના હલવાની શોધ મુગલો અને પંજાબીઓ વચ્ચેના સાંસ્કૃતિક આદાનપ્રદાનમાંથી થઈ હતી, પરંતુ વર્ષોના ફેરફારો પછી ગાજરનો હલવો ગુજરાતની પણ પોતીકી વાનગી બની ગઈ છે.

આ બધું હજમ કરવા ગુજરાતીઓ ભોજન લીધાં પછી છાશ પીવે છે, પરંતુ શિયાળામાં તમારા ગળાને છાશ કદાચ માફક ના આવે તો વઘારેલી છાશનો પણ વિકલ્પ છે. આ તો ગુજરાતના શિયાળુ ભોજનની નાનકડી ઝલક છે. વર્ષોના સાંસ્કૃતિક આદાનપ્રદાન પછી માણસો નવું નવું ખાવા-પીવાનું બનાવતા શીખતા હોય છે. ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં તો નાનાં-નાનાં સ્થળો પણ પોતાની આગવી અને સમૃદ્ધ ખાણીપીણી સંસ્કૃતિ જાળવીને બેઠા છે. આ જ તો ભારતની શાન છે.

હવે ગુજરાતીઓના શાકાહારી ભોજન વિશે કોઈ ગેરસમજ કરે તો વિગતવાર જવાબ આપજો.

——

http://vishnubharatiya.blogspot.com/2019/01/blog-post.html

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”ની શતદલ પૂર્તિમાં 02 જાન્યુઆરી2019નો ‘ફ્રેન્કલી સ્પીકિંગ’ કોલમનો લેખ

Loading

The Exam Warrior

Sandeep Adhwaryu|Opinion - Cartoon|9 January 2019

courtesy : "The Times of India", 09 January 2019

Loading

મરાઠી સાહિત્ય સંમેલન અને અપશુકન. નાના માણસોએ મોટાં સાહસો નહીં કરવાં જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|8 January 2019

યવતમાલમાં મળનારાં ૯૨માં મરાઠી સાહિત્ય સંમેલનનાં નિમંત્રિત ઉદ્ઘાટક નયનતારા સેહગલને આયોજકોએ જાણાવ્યું છે કે તેમની સામે એવા કેટલાક સંજોગો પેદા થયા છે કે જેથી તેમણે આપેલું આમંત્રણ રદ્દ કરવું પડે એમ છે. નયનતારા સેહગલે અત્યંત ઋજુતાપૂર્વક ખાનદાની બતાવીને પ્રત્યુત્તર આપ્યો છે કે કાંઈ વાંધો નહીં, તમે પોતાનું ધ્યાન રાખજો! ‘તમે પોતાનું  ધ્યાન રાખજો’, એ ત્રણ શબ્દોમાં એક વિદુષી નારીએ આજના યુગનું ભાષ્ય કર્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે સંમેલનમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હાજર રહેવાના છે અને તેમને મારું ભાષણ નહીં ગમે અને નારાજ થશે એવું આયોજકોને લાગ્યું હશે. નયનતારા સેહગલે પોતાનું ભાષણ લખીને આયોજકોને મોકલી આપ્યું હતું.

મરાઠી સાહિત્ય સંમેલન અને વિવાદો વચ્ચે નાભીનાળ સંબંધ છે. મને યાદ નથી કે છેલ્લાં  ચાર દાયકા દરમિયાન એક પણ સંમેલન વિવાદ વિના યોજાયું હોય. આનું કારણ ગાંધીજીએ કહ્યું હતું એમ વિતંડાનો મરાઠી સ્વભાવ છે. આ સિવાય મરાઠી સાહિત્ય સંમેલનનું આયોજન કરનાર મરાઠી સાહિત્ય મહામંડળ અને જ્યાં સંમેલન ભરાવાનું હોય એ ગામની હંગામી ધોરણે રચવામાં આવેલી સ્વાગત સમિતિના અધિકારો વિશેનો ગુંચવાડો અનેક દાયકાથી વણઉકલ્યો છે. સ્વાગત સમિતિમાં રાજકારણીઓ હોય છે, સ્થાપિત હિત ધરાવનારા સ્થાનિક શેઠિયાઓ હોય છે, શિક્ષણનો ધંધો કરનારા શિક્ષણસમ્રાટો હોય છે અને સ્થાનિક ગુંડાઓ પણ હોય છે. તેમના પોતાના એજન્ડા હોય છે, હિતસંબંધો હોય છે, ભય પણ હોય છે અને આપસમાં ટકરાવ હોય છે. આવી સ્થિતિમાં સાહિત્યકારો થોડી સાહિત્યચર્ચા કરીને અને શીરો આરોગીને પાછા ફરે છે, અને જ્યારે નયનતારા સેહગલ જેવી ઘટના બને છે ત્યારે નાક કપાવીને પણ આવે છે.

૧૯૭૫માં મરાઠી વિદુષી સાહિત્યકાર દુર્ગા ભાગવતની અધ્યક્ષતામાં કરાડમાં ૫૧મું સાહિત્ય સંમેલન મળ્યું હતું. કરાડ એટલે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવાણનું વતન. યશવંતરાવ ચવાણ એ સમયે કેન્દ્રના વિદેશ પ્રધાન હતા અને જ્યારે તેમના વતનના ગામમાં સંમેલન મળવાનું હતું એટલે તેમને સ્વાગત સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. યશવંતરાવ ચવાણ આજ જેવા અભણ અને અસંસ્કારી રાજકારણી નહોતા. મરાઠી સાહિત્યની ઊંડી સમજ ધરાવતા હતા. ગ.દી. માડગુલકરનું ‘ગીત રામાયણ’ તેમને કંઠસ્થ હતું અને જાહેરમાં તેનું પઠન કરતા. મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય સાંસ્કૃતિક મંડળ જેવી સંસ્થાઓ તેમણે સ્થાપીને તેમણે મહારાષ્ટ્રનું સાંસ્કૃતિક સંવર્ધન કર્યું હતું. રાજકારણી હોવા છતાં સ્વાગત સમિતિના અધ્યક્ષ બનવાની તેઓ તમામ લાયકાત ધરાવતા હતા.

એક લાયકાતમાં તેઓ ઊણા ઉતર્યા હતા. દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી હોય અને  વ્યક્તિગત સ્વાતંત્ર્યનું ગળું ઘોંટવામાં આવતું હોય ત્યારે સાહિત્ય સંમેલનના અધ્યક્ષપદે એવા માણસને કેમ સાંખી લેવાય જે તાનાશાહી સામે ચુપકીદી સેવે અને તાનાશાહના પ્રધાનમંડળમાં બની પણ રહે. દુર્ગા ભાગવતે મંચ પરથી યશવંતરાવ ચવાણની હાજરીમાં આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો અને કેન્દ્રના વિદેશ પ્રધાનને મંચ પરથી ઊતરી જવા કહ્યું. બોમ્બ વિસ્ફોટ જેવી એ ઘટના હતી, પરંતુ એ દુર્ગાબાઈ હતાં. સામે પક્ષે યશવંતરાવ ચવાણની ખાનદાની જુઓ. તેઓ ચૂપચાપ મંચ પરથી નીચે ઊતરી ગયા હતા. ગુસ્સો કરીને જતા નહોતા રહ્યા, પરંતુ સામે સભાગૃહમાં બેસીને દુર્ગાબાઈનું સંપૂર્ણ અધ્યક્ષીય ભાષણ સાંભળ્યું હતું. તેઓ તેમની સાથે ‘ચવાણ, ચવાણ’ કરનારા ભાડૂતી સમર્થકોને પણ નહોતા લાવ્યા કે કૉન્ગ્રેસીઓએ કોઈ દેખાવો કર્યા.

મહારાષ્ટ્રના સર્વોચ્ચ નેતાનું અપમાન થવા છતાં સંમેલન કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના પાર પાડ્યું હતું. જો કે દુર્ગાબાઈ ભાગવતની ઈમરજન્સીમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મને ગળા સુધી ખાતરી છે કે એમાં યશવંતરાવ ચવાણનો હાથ નહીં હોય. યશવંતરાવ ચવાણે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી કે નહોતી ક્યારે દુર્ગાબાઈની નિંદા કરી. એ ઘટના પછી લોકોની અને સાહિત્યકારોની નજરમાં સુદ્ધાં યશવંતરાવ ચવાણ પ્રત્યેના આદરમાં ઉમેરો થયો હતો. યશવંતરાવની માણસાઈ સામે દુર્ગા ભાગવત થોડાં ઝંખવાયાં હતા એમ કહી શકાય. અહીં દુર્ગા ભાગવતની હિંમતને અને યશવંતરાવ ચવાણની માણસાઈને નમન કરવા પડે.

આજનો યુગ જુદો છે અને આજના માણસો જુદા છે. નાના માણસોએ મોટાં સાહસો નહીં કરવાં જોઈએ. સ્વાગત સમિતિના સભ્યોએ અંગ્રેજી ભાષામાં લખનારા નયનતારા સેહગલ કોણ છે એ કોઈકને પૂછી લેવું જોઈતું હતું. સનાતની હિન્દુત્વવાદીઓએ કન્નડ સાહિત્યકાર ક્લ્બુર્ગીની હત્યા કરી અને આપણા મહાન વડા પ્રધાને મોઢું ખોલવાની પણ નિસ્બત નહીં દાખવી, ત્યારે નયનતારા સેહગલે વ્યથિત થઈને સાહિત્ય અકાદમીનો એવોર્ડ પાછો કર્યો હતો. એ પછી તો આપણી ભાષાના કવિ અનિલ જોશી સહિત ચાળીસ જેટલાં સાહિત્યકારોએ એવોર્ડ પાછા કર્યા હતા. આ એ નયનતારા સેહગલ છે જેમણે ઈમરજન્સીનો પણ વિરોધ કર્યો હતો. મામા (જવાહરલાલ નેહરુ) પાસેથી મૂળભૂત માનવીય મૂલ્યોનું શિક્ષણ મળ્યું હતું. એ શિક્ષણ તો ઇન્દિરા ગાંધીને પણ મળ્યું હતું, પરંતુ પુત્રી કરતાં ભાણીએ એ વધારે પચાવ્યું હતું. નયનતારા સેહગલ મામાની દીકરી ઇન્દિરા ગાંધી સામે બાખડ્યાં હતાં.

આયોજકોએ કે સ્વાગત સમિતિના સભ્યોએ નયનતારા સેહગલને આમંત્રણ આપતાં પહેલાં આ બધું જાણી લેવું જોઈતું હતું. તેઓ કયા યુગમાં જીવી રહ્યા છે એ પણ ધ્યાનમાં રાખવું જોઈતું હતું. કોઈ બે બદામનો માણસ આવીને કહે કે મરાઠી ભાષાના સંમેલનમાં અંગ્રેજીમાં લખનારાને બોલાવશો તો અમે સંમેલનને રોળી નાખશું અને આયોજકો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આમંત્રણ રદ્દ કરે એવું આ યુગમાં બની રહ્યું છે. કેટલાક લોકો કહે છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો વિરોધ તો એક બહાનું છે, બાકી સાચું કારણ નયનતારા સેહગલનું સ્વાતંત્ર્યની હિમાયત કરનારું પ્રવચન છે. લખેલું પ્રવચન મળ્યું અને ગાત્રો ઢીલાં થવાં લાગ્યાં. આ ત્રિશૂળધારી, તિલકધારી, ભગવાધારી, શિખાધારી, ધનુષધારી અને ગદાધારીઓનો યુગ છે.

આયોજકોના નિર્ણય સામે મહારાષ્ટ્રમાં પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. અનેક લોકોએ સંમેલનનો બહિષ્કાર કરવાનો કોલ આપ્યો છે. દુ:ખની વાત એ છે કે આ વખતે સંમેલનના અધ્યક્ષા અરુણા ઢેરે છે, જે તેમનાં પિતા રા.ચિ. ઢેરેની પરંપરાના વિદ્વાન સંશોધક છે. ટકોરાબંધ અસ્સલ વિદ્વાન. સંમેલનને ઘણાં વરસ પછી આદર થાય એવા માંડ સાહિત્યકાર વિદ્વાન અધ્યક્ષ મળ્યાં ત્યારે અપશુકન થયું.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 08 જાન્યુઆરી 2019

Loading

...102030...2,9962,9972,9982,999...3,0103,0203,030...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved