Opinion Magazine
Number of visits: 9969071
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિત્તેરમા પ્રજાસત્તાક વર્ષમાં પ્રવેશતાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 March 2019

સિત્તેરમા પ્રજાસત્તાક વરસમાં પ્રવેશી રહ્યા છીએ અને ગાંધી શ્રાદ્ધ પર્વ તરતમાં બેસવામાં છે ત્યારે રાષ્ટ્રનું ચિત્ર કેવુંક દીસે છે? નમૂના દાખલ, આ દિવસોની એક જ ઘટના લઉં તો સરદારની સ્વયંઊંચી પ્રતિભાને એક હુકમરાનના તરંગબુટ્ટા પ્રમાણે પ્રતિમાએ કરીને ઊંચકવાની જે ચેષ્ટા થઈ એ સાથે આસપાસના આદિવાસી પંથકની ડૂસકાં અને ડુમાની જે દુઃખલાગણી રોકી રોકાઈ નહીં એ આપણી એટલે કે કથિત મધ્યધારા(અને મુખ્યધારા)ના લોકોની નિસબત જ જાણે કે નથી. નાગપુરના પ્લાન બી મુજબનાં નીતિન ગડકરીનાં ઉચ્ચારણો પહેલે પાને, ઊંચે મથાળે કે આગવી ચોકઠા શૈલીએ સતત સુરખીઓમાં માલૂમ પડે છે, એની સામે આવા કંઈકેટલાં ડુમા અને ડુસકાં નાખી નજરે વણનોંધ્યાં વરતાય છે નહીં કે નીતિન ગડકરીની સંઘચાલ કોઈ ચોંપની બાબત નથી; પરંતુ રાજકારી ગણતરીસરની આ બધી હિલચાલોથી દેશજનતાની મૂળ સમસ્યા દબાઈ જાય તે કેમ ચાલે ?

આ પ્રજાસત્તાક દિવસ, આમ તો, એક ઇતિહાસસુવાસે ભારઝલ્લો છે. જવાહરલાલ નેહરુના પ્રમુખપદે કૉંગ્રેસે મુકમ્મલ આઝાદી કહેતાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ કીધો ત્યારે દેશભરમાં ૨૬મી જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસ મનાવવાનું એલાન થયું હતું. ત્યાર પછી, સ્વતંત્રતાની સિદ્ધિ ભણી એક નિર્ણાયક સોપાન રૂપ દાંડીકૂચનું આયોજન આપણી સામે આવ્યું હતું. ગાંધીએ નાતજાતકોમ સંધું વટી જતો જે મુદ્દો હાથમાં લીધો, મીઠાનો, એ આમ આદમીની અહમિયત અને અગ્રતા અંકિત કરતા ઢંઢેરાથી કમ નથી. લોકે પણ લવણ વાસ્તે લડી જાણ્યું અને એ પ્રક્રિયામાં લોકશક્તિનું લાવણ્ય પણ શતદલ કમલ પેઠે ફોરી રહ્યું.

લડાકુ ગાંધીનું લોકગણિત સાદું, બિલકુલ સાફસુથરું હતું : છેલ્લામાં છેલ્લા માણસનાં સુખદુઃખની ફરતે તમારા વિચારો ગોઠવો અને પ્રશ્ન ઉકલી જશે. જતી આવતી રાજવટો ક્યાં ઊભી છે આ કસોટીએ? વરસો પર એક આબાદ કાર્ટૂન જોયું હતું, અમેરિકી લોકશાહી પર બોલતી ટીકા રૂપે, કે સ્વાતંત્ર્યદેવીના પુતળાનો પડછાયો કાળો છે! અશ્વેત અમેરિકીજનોના દુર્દૈવ વાસ્તવ પરની એ એક મર્મવેધી ટિપ્પણી હતી. સરદાર પ્રતિમાનો પડછાયો કેટલા બધા વંચિતોની વિષમ અવસ્થા અંગેની વાસ્તવિકતા ઢાંકીધરબી દેતો હશે, ન જાણે.

જે એક આઈડિયા ઑફ ઇન્ડિયા સ્વરાજલડતની મુખ્યધારા વાટે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં અને ૨૦મી સદીના પૂર્વાર્ધમાં વિકસી બંધારણગત થયો એમાં કાળક્રમે નાનકડા અગ્રવર્ગ સિવાયના કંઈ કેટલા ફિરકા કંઈક સંઘર્ષથી, કંઈક વળતાં સમાવેશી વલણોથી ભળતા ગયા અને એમ કરતે કરતે આપણી બધી મર્યાદાઓ સાથે અને છતાં આપણે એશિયા અને આફ્રિકાની લોકશાહી શાળા રૂપે નિખર્યા છીએ – અથવા, ખરું કહો તો, હજુ નિખરી રહ્યા છીએ. જેમ પ્રેમ તેમ રાષ્ટ્રવત્સલ પ્રજાભાવ અને ઐક્યલાગણી સતત સિધ્ધ અને નવસાધ્ય કરવાપણું છે.

એક સતત ચાલતી પ્રક્રિયા આ તો છે. ઠીક જ કહ્યું હતું આંબેડકરે કે હવે બંધારણ અમલમાં તો આવે છે પણ તે સાથે આપણે એક વિષમ એવા પડકારભર્યા તબક્કામાં પ્રવેશીએ છીએ. રાજકીય અધિકારો તો મળ્યા પણ આર્થિક અને સામાજિક વાસ્તવિકતાનું શું તે સિંહસવાલ છે. અલબત્ત, ગાંધીએ તો આમ આદમીના મીઠાને લડતનો મુદ્દો કીધો તે સાથે એને જડી રહેલ જવાબ સાફ હતો અને છે. મીઠાની લડત, પુણે કરાર, મૂળભૂત અધિકારોનો ઠરાવ ‘૩૦’-૩૧-૩૨નો એ ગાળો એક રીતે પછી આવનારા પ્રજાસત્તાક બંધારણની નાન્દી ઘટના હતી.

સવાલ બંધારણીય ધોરણે આપણા અગ્રવર્ગે બાકી સૌની બાલાશ જાણવાનો અને એમને સારુ હકભેર સમાવેશી મોકળાશ કરવાનો છે. તમે એને નાગરિક રાષ્ટ્રવાદ કહો કે બંધારણીય રાષ્ટ્રવાદ, રસ્તો તો એ અને એ જ છે – નહીં કે વૈકલ્પિક વિમર્શરૂપે છેલ્લાં પંદરવીસ વરસમાં ઉછાળાઈ રહેલ વંશીય (ઍથ્નિક) રાષ્ટ્રવાદ. એ રીતે તીસ જાનેવારીની ઘટના શ્રાદ્ધ પર્વે ચાલવા જોઈતા આત્મમંથન અને વિચારયજ્ઞનું પુણ્યનિમિત્ત બની રહે છે. કવિએ તો એનો મહિમા કીધો કે એ એક સાંજને કેવું વીત્યું હશે જ્યારે એક સાથે બબ્બે સૂરજ આથમ્યા હશે. આ સાચુકલી પણ નકરી સેન્ટી સેન્ટી બની બેસે એવી ઉક્તિથી ઉફરાટે જોઈએ તો શું સમજાય છે? જેની હોંશ તરતના મહિનામાં વિના પાસપોર્ટ પાકિસ્તાનના સંત્રસ્ત બાંધવોની રૂબરૂ ખબર પૂછવા જવાની હતી એનો એક અતિવાદી ગોળીએ ભોગ લીધો. સીમિત અર્થમાં, લઘુમતીની બાલાશ જાણતી પ્રતિભાનો ભોગ લેવાયો – કહો કે, લઘુમતી સારુ રાષ્ટ્રપતિએ પ્રાણ દીધો; જેમ કાળા હમવતનીની દાઝ જાણતે લિંકને જીવ દીધો.

જાન્યુઆરી ૧૯૪૮ અધવચ્ચે ગાંધીએ એના જીવનનાં અંતિમ અનશન કર્યા હતા. આ અનશન પાકિસ્તાનને એના કાયદેસરના હિસ્સાની રકમ આપી દેવા માટે જ માત્ર કરાયા હતા એવી ઉપરચોટિયા સમજે આપણને બહુ પજવ્યા છે. આ ઉપરછલ્લી સમજવશ ગોડસેઘટનાને ઔચિત્યનો માંજો પણ ખાસો પવાતો રહ્યો છે. પણ પાકિસ્તાનને બાકી હિસ્સો આપી દેવાયા પછી પણ અનશન ચાલુ રહ્યા હતા એનું શું. ભાઈ, વાત એમ છે કે ઉપખંડ આખાના અંતરાત્માને ઢંઢોળવા વાસ્તે ગાંધીની આ આત્મબલિદાની ચેષ્ટા હતી. પાક પંજાબની ધારાસભામાં એથી સ્તો કહેવાયું હતું કે ગાંધીએ અમને અમારે ત્યાંની લઘુમતીઓની ચિંતા જાણવા સારુ જગાડ્યા અને ઝંઝેડ્યા છે. બલકે, શહાદતને વળતે દહાડે પાકિસ્તાન ટાઈમ્સે લખેલો એ અગ્રલેખ પણ વાંચવાવાગોળવા જેવો છે કે અમારે મિ. ગાંધીની ટીકા કરવાના પ્રસંગો એકથી વધુ વાર આવ્યા છે, પણ ત્યારે અને અત્યારે અમે એક વાત પર કાયમ છીએ કે આપણી વચ્ચે આ એક માણસ એવો છે (અને હતો) જેને સરહદની બંને બાજુએ એકોએક જણની ચિંતા હતી.

વસ્તુતઃ જે રાષ્ટ્રપિતા હશે તો હશે પણ ‘રાષ્ટ્રવાદી’ નિઃશંક નહોતો એની વિશેષતા એ હતી કે એણે રાષ્ટ્ર અને રાજનીતિને પરંપરાગત કેદચોકઠાની બહાર કાઢી જાણ્યાં. રાષ્ટ્ર નામની અમૂર્ત ખયાલાતને બદલે દરિદ્રનારાયણને એણે કેન્દ્રમાં આણ્યો અને આવા ચક્ષુપ્રત્યક્ષ અભિગમ સાથે એણે રાજનીતિને મહેલાતી કોચલાની બહાર કાઢી લોકમોઝાર આણી.

નવા ચુકાદા વાસ્તે દેશજનતા તરતમાં તડેપેંગડે થશે. (થનગનભૂષણો તો કે’દીના પૈણું પૈણું છે) પણ પ્રશ્ન આ છે : શ્રાદ્ધ પર્વનું આ મંથનભાથું પાધરું સમજાય છે?

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2019; પૃ. 01-02 

Loading

કારુણિકા એક જ્યોર્જ નામે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 March 2019

જ્યોર્જસાહેબ ગયા … એક ઝંઝાવાત સ્મૃતિમાં સમેટાઈ ગયો! એમનાં છેલ્લાં પથારીવશ નહીં  તો પણ ઘરબંધ વર્ષો જોતાં જીવનનાં જે ઉત્તમ વર્ષોમાં એમણે સંકલ્પ અને સાહસનો સક્રિય હિસાબ આપ્યો એનો ભાગ્યે જ ખયાલ આવે.

દેશના રાજકીય આકાશમાં કટોકટીની કાળરાત્રિમાં બરોડા ડાઈનેમાઈટ કેસ સાથે એ એક સિતારાની પેઠે ચમક્યા અને જનમાનસમાં છવાઈ ગયા. ૧૯૭૫-૭૭નાં એ વર્ષો પહેલાં જો કે આપણી રાજનીતિમાં કંઈક સાક્ષાત્કાર કહેવાય એ રીતે ૧૯૬૭માં એમનું નામ ચમક્યું હતું. મુંબઈના બેતાજ બાદશાહ કહેવાતા દેશના ધુરંધર રાજકારણીઓ પૈકી મુઠ્ઠીભર માંહેલા એક સદોબા પાટિલને લોકસભાની ચૂંટણીમાં દક્ષિણ મુંબઈની બેઠક પર હરાવીને એ જાયન્ટકિલરનું ધુવાંધાર બિરૂદ રળ્યા હતા.

એ દિવસોમાં એમની ઓળખ એક અનોખા, આગ્રહી (અને આક્રમક તેવરના) ટ્રેડ યુનિયનિસ્ટની હતી. રામ મનોહર લોહિયાની દૃઢ મુદ્રાથી અંકિત સમાજવાદી રુઝાન ત્યારે હતું અને આજીવન રહ્યું. સાહસી એટલી જ ચિકિત્સક પ્રકૃતિના આ જીવે એમનાં આરંભિક વર્ષોમાં (મેંગલોર-કર્ણાટકમાં) પકડેલો પહેલો રાહ પાદરી થવા માટેના પ્રશિક્ષણનો હતો. પણ એમની જિજ્ઞાસા અને કૌતુક કોઈ બદ્ધમત એવા ધર્મનાં બંદી રહી શકે એમ નહોતાં, અને એ બહુ ઝડપથી સમાજવાદી વિચારો તરફ વળી ગયા. ધાર્મિક શિક્ષણનાં ‘સેમિનારી’ વર્ષોમાંથી જો કે એ એક વાત પાક્કી કરી લાવ્યા, અને તે લૅટિન ભાષા. વિવિધ ભાષાઓમાં પ્રવેશ અને પકડ એમને આજીવન રહ્યાં, અંગ્રેજી-હિંદી બેઉમાં રવાની ઉપરાંત લૅટિન, મરાઠી, ઉર્દૂ, મલયાલમ પણ.

કટોકટી પછી બનેલી જનતા સરકારમાં ઉદ્યોગ પ્રધાન તરીકે એમનું એક વિશેષ વલણ મલ્ટિનેશનલ કંપનીઓ સામેની ઝીંકનું હતું. મોરારજી દેસાઈની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત આવી ત્યારે બચાવમાં થયેલાં જોરદાર ભાષણોમાં એમનું મોખરે હતું, પરંતુ આખરી નિર્ણયમાં તે સરકાર સાથે રહ્યા નહોતા. આ સરકાર અસ્થિર થઈ એમાં મહત્ત્વનો મુદ્દો જનતા પક્ષના અંગભૂત જનસંઘની બેવડી વફાદારીનો હતો. તેઓ જનતા પક્ષને વફાદાર છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને, એવો મુદ્દો એ ગાળામાં સતત ઉપસ્થિત થતો રહેતો હતો.

૧૯૭૭-૧૯૭૯ના, રાજકીય સત્તાના એક ટૂંકા ગાળા પછી સંસદમાં અને સંસદ બહાર વિપક્ષી સક્રિયતાના એક દોર બાદ ૧૯૮૯માં વિશ્વનાથ પ્રતાપસિંહની જનતાદળની સરકારમાં અને તે પછી ૧૯૯૮-૨૦૦૪ની વાજપેયીના વડપણ હેઠળની એન.ડી.એ. સરકારોમાં એક મંત્રી તરીકેની એમની કામગીરી રહી. આ વર્ષોમાં કોંકણ રેલવે સહિત એમનું મહત્ત્વનું યોગદાન રહ્યું. તહલકા કેસમાં, સંરક્ષણ સોદામાં થતા ભ્રષ્ટાચાર સબબ એ વિવાદનો વિષય રહ્યા. પણ આ વર્ષોમાં એમની રાજકીય પ્રતિભા મુખ્યત્વે વાજપેયી સરકારના એક સંકટ મોચક (ટ્રબલ શુટર) તરીકે તેમ એન.ડી.એ.ના સંયોજક તરીકે ખાસી ઉભરી. ઉલટ પક્ષે, એમના જેવા ઝુઝારુ સમાજવાદી ભારતીય જનતા પક્ષનાં કોમી વલણો ઢાંકનારા ફિગ-લીફ(અંજીરપાંદ)ની ગરજ સારતા હોવાની છાપને કારણે ચાહકોના એક વર્ગમાં ટીકાભાજન પણ બન્યા. એમની દલીલ કદાચ એ હતી કે મારું ભા.જ.પ. સમવાય સાથે હોવું એ જૂના બિનકૉંગ્રેસવાદનું જ એક રૂપ છે. સામી બાજુએ મુદ્દો એ હતો કે બિનકૉંગ્રેસવાદ જે જયપ્રકાશની પ્રેરણાથી જનતા પક્ષ રૂપે ઉભર્યો એમાં જનસંઘ એક ઘટક તરીકે પોતાની કોમવાદી ભૂમિકાને સંયમમાં રાખવાને કંઈક પણ બાધ્ય હતો. એથી ઊલટું, ભારતીય જનતા પક્ષ પર એવું કોઈ નિયમન નથી.

વાજપેયી સરકારના પતન પછીનાં ફર્નાન્ડીઝનાં વર્ષો એક પ્રકારે બિયાબાંના રહ્યાં. સમતા પાર્ટી, વળી જનતા દળ (યુનાઈટેડ) વગેરે ઉધામા એમની શક્તિ અને પ્રતિભાને જેબ આપી શક્યા નહીં. એકંદરે, ઘણી શક્યતાઓ સામે ઓછી ને પાછી પડેલી એક કારુણિકા જેવી કહાણી એમની રહી.

જે ફાંટેબાજ મિજાજ એમનો હતો, લકીરના ફકીર નહીં બની રહેવાનો જે અંદાજ એમનો હતો તે અલબત્ત વખતોવખત પ્રગટ થતો રહ્યો. કોંકણી, અંગ્રેજી, હિંદી પત્રકારિતાના એમના પ્રયાસોમાં એક મૌલિક ઉન્મેષ જણાય છે, પછી તે ‘ધ અધર સાઈડ’ હોય કે ‘પ્રતિપક્ષ’. ચાલુ રાજપ્રકરણી વહેવાર વચ્ચે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને પિ.યુ.સિ.એલ. જેવી સ્વતંત્ર સંસ્થાઓ તરફે સક્રિય સંડોવણી, મ્યાંમારના સ્વાતંત્ર્ય સૈનિકો સાથેની દિલી દોસ્તી ને ઉઘાડાં બારણાંનો વહેવાર, પુનર્જન્મ હોય તો અમેરિકા-ફ્રાન્સ-ચીનથી આક્રાન્ત વિયેટનામી રૂપે જન્મ લઈ સંઘર્ષ કરવાનો પુણ્યઆક્રોશ, પહેલપ્રથમ સાંસદ થયા ત્યારે જનતાના પ્રત્યક્ષ સંધાનના મુદ્દે સભ્યપદ છોડવાની ધખના, પાદરીબાવામાં નહીં બંધાઈ જતો જીવ આ બધું અનિરૂધ્ધપણે ક્યાંથી ક્યાં લઈ ગયું હોત એમને!

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2019; પૃ. 02 અને 15

Loading

ઘડીકનો રાજીપો અને કાયમી ઉકેલ

રમેશ ઓઝા|Opinion - Opinion|28 February 2019

દીવા જેવું ઉઘાડું સત્ય નજરે પડતું હોય અને એ સત્ય છે એની ખાતરી હોય તો વારંવાર થાક્યા વિના એને કહેતા રહેવું જોઈએ. સત્ય એ છે કે બાલાકોટની આગળ ડૅડ એન્ડ છે. એવો ડૅડ એન્ડ નથી કે આગળ જઈ જ ન શકાય, પણ આગળ વધવામાં દોજખ સિવાય કાંઈ હાથ આવવાનું નથી. જે સમજે છે, વિચારે છે અને વિવેકી છે તેમણે મોટે મોટેથી ચેતવણી આપવી જોઈએ. શાસકોને નહીં, શાસકો કરતાં વધુ પ્રજાને. માટે ભારતે બે કામ કરવાં જોઈએ. એક એ કે ભારતે જે હુમલો કર્યો હતો એ સ્વરક્ષણ માટેનો હતો, એ તેનો અધિકાર છે અને બીજા દેશોએ પણ આવા આધિકારનો ઉપયોગ કર્યો છે; એટલે નવું કાંઈ કર્યું નથી એવું વિશ્વદેશોને સમજાવવું જોઈએ. બીજું એ કે પાકિસ્તાન કોઈ સાહસ ન કરે એ માટે વિશ્વદેશો પાકિસ્તાન પર દબાણ લાવે એ માટે પ્રયાસ કરવો જોઈએ. ભારત આ પહેલાં જ આવા પ્રયાસ કરતું હશે એમ માનવાને કારણ છે. ભારત માટે આના કરતાં બીજો કોઈ વહેવારુ માર્ગ નથી.

૨૦૦૮માં મુંબઈ પર ત્રાસવાદીઓએ હુમલો કર્યો ત્યારે પાકિસ્તાન પર હુમલો કરવા માટે ભારત પાસે વધારે મોટું કારણ હતું, પરંતુ ત્યારે વિશ્વદેશોએ, ખાસ કરીને અમેરિકાએ ભારત પર દબાણ કર્યું હતું કે ભારત કોઈ ઉતાવળું પગલું ન લે. ૨૦૦૮ પછીથી વારંવાર માગણી કરવામાં આવતી હતી કે ભારતે નોન મિલિટરી પ્રી-એમ્પ્ટીવ હુમલાનો માર્ગ અપનાવવો જોઈએ. જો અમેરિકા અને બીજા દબંગ દેશો આ માર્ગ અપનાવે તો ભારત શા માટે નહીં? પરિસ્થિતિમાં ગુણાત્મક ફરક ભલે ન પડે પણ આપણે પથ્થરનો જવાબ ઈંટથી આપી શકીએ એવા દબંગ છે એ તો દેખાડી આપવું જોઈએ.

દેખાડી આપવાની લાલચ ઘણી મોટી છે અને તેનાથી બચવા માટે ખૂબ સંયમની જરૂર પડતી હોય છે. આ સિવાય વાસ્તવિકતાનો પણ વિચાર કરવો જોઈએ અને વાસ્તવિકતા એ છે કે આના દ્વારા વેર લેવાના માનસિક સમાધાનથી વધુ કાંઈ જ હાથમાં આવવાનું નથી. આ હું નથી કહેતો, ત્રાસવાદ સામેની લડતનો જગતનો ઇતિહાસ કહે છે. ભારતે આજે જે કર્યું છે એ અમેરિકા અને અમેરિકાની સાથે મળીને યુરોપના કેટલાક દેશો ત્રણ દાયકાથી કરતા આવ્યા છે અને છતાં જગતને ત્રાસવાદથી મુક્તિ નથી મળી. ઈરાન, ઈરાક, લીબિયા, સીરિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન જેવા મુસ્લિમ દેશો અને ઇઝરાયલ દ્વારા લેબેનોન જેવા દેશોમાં અમેરિકા અને બીજા દેશો સીધી લશ્કરી દરમિયાનગીરી કરતા આવ્યા છે. આ ઉપરાંત આર્થિક તેમ જ લશ્કરી નાકાબંધીનો માર્ગ અપનાવવામાં આવ્યા છે.

કેટલાક દેશોમાં તો પસંદ કરેલા આગળિયાતોની સરકાર રચીને આમ આડકતરું પણ વ્યવહારમાં સીધું શાસન કરવાનો પણ પ્રયાસ કરાયો છે, પણ પરિણામ? પરિણામ શૂન્ય. આનો ખૂબ લાંબો ઇતિહાસ છે અને એ ઇતિહાસ એટલો જ વાંઝિયો છે. જે દેશો ભારત કરતાં ત્રણ દાયકા પહેલાં દબંગગીરી કરીને નઠારાઓને સુધારવા નીકળ્યા હતા એ જ દેશો હવે કહે છે કે અમે શું કામ અમારા સૈનિકોને ખુવાર કરીએ? પહેલા અમેરિકાના મિત્ર દેશોમાં આવી માગણી ઊઠી. એ દેશોમાં લશ્કર મોકલવા સામે વિરોધ થવા લાગ્યો. અમેરિકાને ફોજદારી કરવી હોય તો કરે આપણા સૈનિકો શું કામ ખુવાર થાય? આજે સ્થિતિ એવી છે અમેરિકા પોતે જ સૈનિકો પાછા ખેંચી રહ્યું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ તો કહે છે કે અમેરિકા હવે પછી તેના સૈનિકોને બીજા દેશમાં નહીં મોકલે. અમને હાથ નહીં લગાડવાનો, બાકી જગતનો અમે કોઈ ઠેકો નથી લીધો.

સમસ્યા અહીં છે. પાકિસ્તાન કે પાકિસ્તાન પુરસ્કૃત ત્રાસવાદીઓ સીધો ભારતને હાથ લગાડી રહ્યા છે અને ભારત તેનાથી ત્રસ્ત છે. ૧૯૮૦માં પંજાબમાં ખાલિસ્તાન માટેની માગણી સાથે ત્રાસવાદી પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારથી ભારત તેનો અનુભવ કરી રહ્યો છે. અમેરિકાને હાથ લગાડવો અનેક કારણે અઘરો છે, જ્યારે ભારત માટે એ રોજિંદી ઘટના છે.

સવાલ એ છે કે ઉપાય શું છે? યુદ્ધ એ ઉપાય નથી. જો એનાથી પરિણામ મળવાનું હોત તો મળી ચૂક્યું હોત. આત્મરક્ષણ કે પાઠ ભણાવવાના નામે હુમલાઓ કરવનો પણ કોઈ અર્થ નથી, કારણ કે અમેરિકાએ ૪૧૫ ડ્રોન એટેક અને બીજા હુમલાઓ કર્યા પછી પણ કોઈ પરિણામ આવ્યું નથી. અમેરિકાએ ઈરાક અને અફઘાનિસ્તાન પર બે વરસ પ્રોક્સી દ્વારા રાજ કર્યું હતું અને છેવટે ખાલી હાથે નાક કપાવીને પાછુ આવવું પડ્યું હતું.

અહીં વિચારવું જોઈએ કે શા માટે પરિણામ નથી આવતું? શા માટે ત્રાસવાદનો અંત નથી આવતો? કઈ ચીજ ત્રાસવાદને પોષે છે? પાકિસ્તાન ત્રાસવાદને પોષે છે એ સાચો જવાબ નથી. એ સમસ્યાનું સરળીકરણ થયું, એમાં સાંગોપાંગ સમજનો અભાવ છે. પાકિસ્તાન અને બીજા મુસ્લિમ દેશોના શાસકો જો ત્રાસવાદને અને ત્રાસવાદીઓને પોષે છે તો શા માટે પોષે છે? સરવાળે એ દેશોને કોઈ લાભ થાય છે કે પછી તે પણ ત્રાસવાદથી ગ્રસ્ત અને ત્રસ્ત છે? અને હજુ એક મહત્ત્વનો સવાલ. ત્રાસવાદ શું મુસ્લિમ દેશોમાં જ છે કે બાકીની દુનિયામાં પણ ત્રાસવાદ અનેક ચહેરા ધારણ કરીને મોજૂદ છે? એ ચહેરાઓનું સ્વરૂપ શું છે અને તેનાં કારણો શું છે? આ પ્રશ્નોના જવાબ શોધવા જ પડશે. તેનાથી બચી શકાય એમ નથી. જ્યાં સુધી પ્રમાણિક ઉત્તર શોધવામાં નહીં આવે અને પ્રામાણિક ઈલાજ કરવામાં નહીં આવે ત્યાં સુધી દબંગગીરીનું સુખ મળશે, કાયમ માટેની શાંતિનું સુખ મળવાનું નથી. ગમે ત્યારે હુમલો થઈ શકે છે અને એ બાલાકોટ પછીની પણ વાસ્તવિકતા હશે. અમેરિકા પણ હવે દબંગગીરીના છેતરામણા સુખથી કંટાળી ગયું છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 28 ફેબ્રુઆરી 2019

Loading

...102030...2,9832,9842,9852,986...2,9903,0003,010...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved