Opinion Magazine
Number of visits: 9843420
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|18 June 2025

આ તો ગામ પોતે જ જાણે કે શાળા! ને હવે નવસ્થાપિત લોકભારતી યુનિવર્સિટી ને નવપલ્લવિત માઈધાર અભિગમ આગળ ચાલતાં પોતાની વાત કહેશે

પ્રકાશ ન. શાહ

એક રૂડો પ્રયોગ આપણી પરંપરામાં પેઢાનપેઢી ઊતરી આવ્યો છે … ગંગાપૂજા ગંગાજલે! હવે તરતના દિવસોમાં, તેવીસમી જૂને, દર્શક ફાઉન્ડેશન માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયનું અભિવાદન કરી રહ્યું છે. કુદરતની કૃપા જુઓ કે માઈધારથી માંડી મણાર, સણોસરા, આંબલા સરખાં પ્રમાણમાં અજાણ્યાં જેવાં ગામનામ ગુજરાતના વિદ્યાનકશે મુકાયાં તે નાનાભાઈ-મનુભાઈ અને અન્ય આરંભસાથીઓના ઋષિકાર્યને કારણે … માટે સ્તો કહ્યું કે ગંગાપૂજા ગંગાજલે.

માઈધારની વાત પર આવું તે પહેલાં પાછળ જાઉં જરી? 1977-78માં, મુગ્ધતાથી કહેતા તેમ જનતા પર્વ ઉર્ફે બીજા સ્વરાજની વાસંતી હવાના એ દિવસોમાં એક વાર વાત વાતમાં મનુભાઈએ કહ્યું કે એક ન્યૂઝચેનલે લોકભારતી આવવા સારુ પૂછાવ્યું છે. પછી એમણે ફોડ પાડ્યો કે મૂળે તો એ ન્યૂઝચેનલની ટીમ વડા પ્રધાન મોરારજી દેસાઈ પર દસ્તાવેજી કામ કરી રહી હતી. એણે એમને શિક્ષણ પ્રશ્ને પૂછ્યું ત્યારે મોરારજીભાઈએ લાંબા વહીવટી ઉજાસમાં કેટલીક વાતો કરી હશે, પણ પછી સહજ ક્રમે કહી નાખ્યું હતું કે ભારતની નવરચનાને લગતા શિક્ષણ વિશે મારા વિચારો સમજવા હોય તો લોકભારતીની મુલાકાત લેજો.

નાનભાઈ ભટ્ટ

બીજા સ્વરાજના આરંભકાળની આ વાત સંભારું છું ત્યારે મન ઇતિહાસમાં ઓર પાછળ જવા કરે છે. નાનાભાઈ તો પછી થયા : બાકી, પ્રોફેરસ નૃસિંહ પ્રસાદ ભટ્ટનો એક દબદબો ને રુતબો હતો. બીલખા આશ્રમ અને શ્રીમન્‌ નથુરામ શર્માનો સુવર્ણકાળ કહી શકાય એ દિવસોમાં પ્રસાદજી એમની ગાદીએ પણ આવી શક્યા હોત. અમસ્તાં પણ કેવું વ્યક્તિત્વ હશે એમનું, એનો એક સંકેત રણજિતરામની અધૂરી નવલકથા માંહેલા પ્રોફેસર સાહેબરામના પાત્ર પરથીયે મળી રહે છે. વારુ. લાંબી દાસ્તાંમાં નહીં જતાં, એમણે ભાવનગરમાં છાત્રો સાથે સહજીવન શરૂ કર્યું એનો એક પ્રસંગ ટાંકું. ગુરુપૂર્ણિમાએ એ શ્રીમન્‌ નથુરામ શર્માના સ્મરણપૂર્વક છાત્રો કને વંદન કરાવતા હશે ત્યાં ડંગોરાભેર કવિ કાન્ત સહસા પ્રગટ થયા : લ્યા, તારો ગુરુ હશે તો હશે એમાં તારા વિદ્યાર્થીઓને શેના જોતરે છે? દેખીતી રીતે જ, ગુરુડમના કોચલા કે કોશેટામાંથી બહાર નીકળવા સારુ ઠમઠોરતી એ અર્ધપરિભાષિત પણ સ્વરાજલેરખી હતી.

કાળક્રમે, અંતરઅજવાળે દક્ષિણામૂર્તિનો સ્વતંત્ર વિકાસ, એમાં નાનાભાઈ સાથે ગિજુભાઈ-હરભાઈ સરખી પ્રતિભાઓનું હોવું, એ સામાન્ય વાત અલબત્ત નહોતી. જેમ અંતરઅજવાળે તેમ ગાંધીપ્રતાપે નાનાભાઈને ઊગી રહ્યું કે અમે નવી ભોં ભાંગી રહ્યા હોઈએ તો પણ બહુજન ભારતને, કહો કે ગ્રામભારતને જે શિક્ષણની જરૂર છે તે ક્યાં છે? નગરવર્ચસ્ છાંડી એ આંબલા સરખા ગામડે જઈ બેઠા. એક વેળાના પ્રોફેસર હવે ધૂળી નિશાળના મહેતાજી હતા. દર્શક અને સાથીઓ સંગાથે 1938થી જે વાત નવી બની રહી હતી તે તો એ કે હાલો ને ગામડે જાઈં એ સ્વરાજસાદ સુણી કોઈએ ગામડામાં નિશાળ ચલાવી હોય તો ભલે, પણ ગામડાંની નિશાળ-ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો આ પહેલો પહેલો પ્રયોગ હતો. 

એ નિરંતર વિકસતો રહ્યો અને વર્ધા યોજના સાથે સંકળાયેલા ડૉ. ઝાકિર હુસેન સ્વરાજ પછી એક કાળે નઈ તાલીમ વિશે ક્યાં ય કશું નથી એવા અવસાદમાંથી અનિલભાઈ ભટ્ટના વારામાં આંબલાની મુલાકાત સાથે બહાર આવી ગયા હતા.

હું જાણું છું, વાત કંઈક લંબાઈ રહી છે પણ શાલેય શિક્ષણ પછી સ્વાભાવિક જ ઉચ્ચ શિક્ષણ અને અધ્યાપન મંદિર સરખી ખરી દૂંટીની માંગમાંથી લોકભારતીનો ઉદય થયો જે ઢેબરભાઈના અર્ધ્ય ઉદ્દગારોમાં ‘એક અકિંચન બ્રાહ્મણ’ની ભેટ હતી. કૃષિ ગોપાલન તો બરાબર, પણ પ્લેટોથી માર્ક્સનુંયે શિક્ષણ. કેમ વારુ. તો કહે, ઉત્પાદક છે તે નાગરિક નથી અને નાગરિક છે તે ઉત્પાદક નથી. આ જુવારાં ન ભાંગે જ્યાં સુધી, સમાજ આખો કડેધડે કેમ થાય ત્યાં સુધી? મોટ્ટી વાત હતી આ, પછીથી સી.પી. સ્તો સરખા જેને ‘ટુ કલ્ચર્સ’ના કોયડા તરીકે ઓળખાવવાના હતા.

સરસ. પૂરા કદની ગ્રામ વિદ્યાપીઠનો તો સોજ્જો દાખલો બેઠો. 1977-78ના જનતા પર્વમાં જ ટાંકણે લોકભારતીનાં પચીસ વરસ થયાં. એક રીતે એની ટોચ તેમ ગલનબિંદુ બેઉ આવી ગયાં હતાં – અને એક વાત પૂર્વે રવિશંકર મહારાજે નાનાભાઈ-મનુભાઈને કહી હશે એ તો સ્મૃતિમાં સતત ટકોરા દેતી જ હતી કે છોકરાંનાં મા-બાપને ય શીખવવાનું ન ભૂલશો. બહોળા અર્થમાં એ હતી તો લોકશાહી નાગરિકતાની ચિંતા જ. જે ગ્રામસમાજમાં લોકભારતી પરિવારે કામ કીધું ત્યાં નવી પેઢી તો બની આવી સંસ્થાકીય કામોમાં, વિકાસ પ્રવૃત્તિમાં, પોતીકાં મહેનતમજૂરીનાં કામોમાં સમગ્ર વિસ્તારમાં એની હાજરી પણ ઉભરી આવી, પંચાયત ને સહકારીથી માંડી ધારાસભામાંયે તે બિંબિત થવા લાગી. પણ તરુણો ને વૃદ્ધો વચ્ચે આખી એક-બે પેઢી એવી હતી જેને માટે હવે વૈધિક શિક્ષણનો સવાલ કે શક્યતા કશું નહોતું. એમની વચ્ચૈ અવૈધિક શિક્ષણનું કંઈ ગોઠવ્યું હોય તો? પોતપોતાનાં કામમાં, પછી તે કૃષિ ગોપાલન હોય કે ગ્રામ ઈજનેરી, એને કંઈક નવું જાણવા ને શીખવા મળે અને સાથે સાથે બદલાતી દુનિયા ને પલટાતા સમાજના પ્રવાહો ને પરિબળોની સમજ પણ.

ખેતી ને આનુષંગિક કામોના ટૂંકી મુદ્દતના ઓપ વર્ગો, સાસુ-વહુની સહિયારી સામેલગીરીવાળા સ્વચ્છતા શિક્ષણ ને બાળઉછેરના વર્ગો, આસપાસની દુનિયામાં શું ચાલે છે તેના વર્ગો … ગામ પોતે જ જાણે કે શાળા!

હવે નવસ્થાપિત લોકભારતી યુનિવર્સિટી ને નવપલ્લવિત માઈધાર અભિગમ આગળ ચાલતાં પોતાની વાત કહેશે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 18 જૂન 2025

Loading

વિમાન લઇને બેઠા …

નારણ મકવાણા|Poetry|17 June 2025

કાચા પાકા સપનાઓની દુકાન લઇને બેઠા.
મોટી મોટી આશાઓની જમાત લઇને બેઠા.

પરદેશી સાથે સંબંધી સુવાણ લઇને બેઠા.
મોંઘી ટિકિટે ગોઝારું આ વિમાન લઇને બેઠા.

ઉન્માદ અને ઉત્સાહોની ધમાલ લઇને બેઠા.
લાંબી સુખરૂપ સફરનું બસ નિશાન લઇને બેઠા.

ભૂલ ભરેલી અફવાઓનું બજાર લઇને બેઠા.
જીવન કે મોત? અગણિત ઘણા સવાલ લઇને બેઠા.

ઘર છોડ્યું, છોડ્યા સંબંધો બધાય હસતા હસતા,
નવલાં દેશે નવ જીવન થાય, આશ લઇને બેઠા.

પળ બે પળમાં થ્યો એક્સીડન્ટ, કાળ લઇને બેઠા.
ફૂટ્યા ભાગ્ય બધાના જે એકી સાથ લઇને બેઠા.

મૃતદેહો કાઢો સંભાળી, બળીને ખાક બન્યા છે,
ભડથા કાયાના થૈ ગ્યા, ઓળખાણ લઇને બેઠા.

વાગ્યું કાળ તણું ખંજર, ખૂન લાશ બનીને બેઠા.
યાદોમાં રાખો, જન્મોજન્મ શ્વાસ લઇને બેઠા.

સમજાતું ના કારણ સાચું, વરાળ ઠલવીશુ ક્યાં?
સત્તાધીશો શોધે સત્યો, તથ્ય નાશ લઇને બેઠા.

શ્રદ્ધાંજલિ અર્પણ સૌને, થાવ સ્વર્ગ માં સહુ વાસી,
ભીની આંખે ઝાઝી કરુણા ધરાર લઇને બેઠા.

૧૭/૦૬/૨૦૨૫

Loading

બગડી જૈયે – ગઝલાવલોકન  

સુરેશ જાની|Opinion - Opinion|17 June 2025

બગડી જૈયે 

હારા થૈને થાક્યા જીવલા, હેંડ્ય્ હવે તો બગડી જૈયે!

ઊંચા ભાવે ખૂબ ઠગાણા, હેંડ્ય્ હવે તો ગગડી જૈયે!

ચાખડીઓ થૈ ચરમ દલાર્યા

પંચામ્રત થૈ તરપ્યા,

દીપ – ફૂલ- ચંદન ઓવાર્યાં

તોય સરગ ના ધરપ્યાં,

ગાડી નરકની ચૂકશું ટણપા, હેંડ્ય ચડપ ને પકડી લૈયે!

–હારા કર્યા હોજરાં ખાતર, જીવલા!

પેટ વલોયાં ઊણાં,

પાડ્યાં તનનાં તેલ બાપલા!

કરમ પડ્યાં ન કૂણાં,

પત્યું! હવે તો ફોલ્લા થૈ ને હેંડ્ય અલ્યા તતડી જૈયે!

હારા હાલ્લાં થ્યાં, ને ફૂટ્યાં, લલવા!

નળિયાં થ્યાં, ને ચૂયાં,

કદી કોડિયાં થયાં કજળવા,

ઈંટ્યો થૈ રૂંધાયા,

હેંડ્ય્ હવે તો પકવનાર પાકે એવું  ભભડી  જૈયે….  

                                                      — ભાનુપ્રસાદ ત્રિવેદી  

તળપદી બોલીમાં લખાયેલ આ કવિતા હમણાં વાંચવા મળી, અને મન વિચારે ચઢી ગયું.   સ્વર્ગલોકનો, ઈશ્વર પૂજાનો, સાત્ત્વિક જીવનનો મહિમા ગાતાં અનેક કાવ્યો / સ્તુતિઓ / ભજનો આપણા સાહિત્યમાં છે. પણ એનાથી સાવ વિરુદ્ધ દિશાની વાત કરતું આ કદાચ એકમાત્ર કાવ્ય છે. દેખીતી રીતે એ સાવ અવળો અનુરોધ કરે છે. અહીં એનું વિશ્લેષણ / વિવેચન કરવા પ્રયાસ નથી. પણ એના થકી ઉપજેલા વિચાર વંટોળને વાચા આપવી છે.

લાખ વાતો સત્સંગ અને સદાચારની  કરીએ – પણ, એ વાસ્તવિકતા છે જ કે, આપણા હોવાપણામાં એક કાળો ખૂણો જરૂર હોય છે. આપણે દુર્જન ન હોઈએ, પણ ‘थोडी सी बेवफाई ‘ તો એમાં હોય, હોય અને હોય જ. આપણે મોટા ગુના કરવાથી દૂર રહેતા હોઈએ, પણ માનસિક હિંસા કે વ્યભિચારથી મુક્ત નથી હોતા. આપણામાં ‘Jakyll  and Hyde’ બન્ને વસે જ છે. કદીક હાઈડપણું કરવા મનમાં એષણા પણ જાગી જતી હોય છે. પણ એને સંસ્કાર અને કેળવણીના બળે દબાવી દેવા આપણે પ્રયત્નો કરતા રહીએ છીએ. એ પ્રયત્નો યથાર્થ છે – કરવા જ જોઈએ. પણ ‘ઓલ્યો કાળો ખૂણો નથી, નથી અને નથી જ …. ‘ એમ આપણે છાતી ઠોકીને, પ્રામાણિકતાથી કહી શકીએ એમ છીએ?

પ્રેક્ષાધ્યાન અને વર્તમાનમાં જીવવાના ઉપદેશોમાં ‘જે છે‘ તેનું અવલોકન અને સ્વીકાર કરવાનું કહેવામાં આવે છે. કવિએ એ અવલોકન બહુ બળૂકતાથી કર્યું છે. કદાચ કવિ પ્રત્યક્ષ રીતે આવી મનોકામના વ્યક્ત કરે છે – પણ પરોક્ષ રીતે ‘આમ ન કરાય’ એવો ગર્ભિત વિચાર પણ ધરાવે છે.  આપણને પણ કાવ્ય વાંચતાં ‘આમ તો ન જ કરાય‘ એવો આક્રોશ પણ મોટા ભાગે ઊભો થઈ જાય છે.  સામાન્ય, ગામડિયા માણસની બોલીમાં કવિ એ વાસ્તવિકતાનો પ્રામાણિક સ્વીકાર કરે છે. એ હિમ્મત માટે, એ પ્રછ્છ્ન્ન એષણાઓની અભિવ્યક્તિ કરવા માટે અને એ નૈસર્ગિક આક્રોશ, આકસ્મિક જન્માવવા માટે  કવિશ્રી. ભાનુપ્રસાદ ત્રિવેદીને સો સલામ.

આપણા હોવાપણામાં એક નહીં પણ અનેક મહોરાં અચૂક હાજર હોય છે. અરીસામાં દેખાતો જણ યાદ આવી ગયો. દરરોજ એની સામે આપણે જોઈએ છીએ. બહુ વહાલો ચહેરો છે. કુરુપમાં કુરુપ વ્યક્તિને પણ એ સૌથી વહાલો લાગે છે. અને છતાં કદી, પાંચ મિનિટ પણ, ટીકી ટીકીને, આંખમાં આંખ મીલાવીને, એને આપણે નિહાળ્યો છે ખરો?  આપણો પોતાનો ચહેરો છે છતાં? કહે છે કે, બીજાને દેખાઈએ છીએ, તેવા આપણને પોતાને કદી આપણે જોઈ શકતા નથી. આયનો સાવ ઊંધું પ્રતિબિંબ જ આપણને બતાવતો હોય છે! અરે! સીધું પ્રતિબિંબ બતાવતું હોય એવો અરીસો કદાચ હોય; તો પણ આપણે એ જણને ખરેખર ઓળખીએ છીએ ખરા?

કોણ છે એ જણ? – જેને આપણે ‘હું’ કહીએ છીએ? એનું એક નામ છે. કોઈ જાતિ છે. એના કોઈ મા ને બાપ છે. એનો કોઈ રંગ, ઊંચાઈ, વજન, અને ભાષા છે. કદાચ કોઈ તખલ્લુસ છે. પણ એ અરીસામાં દેખાય છે તેવો બધાંને દેખાતો નથી. કુટમ્બીજનોને દેખાતો ચહેરો અને મહોરું અલગ. મિત્રોને બીજો ચહેરો. નોકરી ધંધામાં વળી ત્રીજો. ટોળામાં ભળ્યા હોઈએ તો વળી કોક ચોથો જ જણ ઊભરી આવે. એકાંતમાં જે જણ હોય છે; એને તો કોઈ ઓળખી પણ ન શકે – પતિ કે પત્ની પણ નહીં.  અને કવિ કહે છે – એવો કાળો ચહેરો પણ ખરો … ખરો … ને ખરો જ!

બધાં મહોરાં અને મહોરાં જ.

મ્હાંલીપા બીરાજતો એ અસલી જણ કોણ છે? અરીસો તો શું? આપણે પોતે પણ એને ઓળખીએ છીએ ખરા? એ આપણું અસલી હોવાપણું છે. એ કંઈક, કશુંક બનતું હોય છે; બદલાતું હોય છે. પણ જે બદલાતું હોય છે; તે જ આપણે જોઈ શકતા હોઈએ છીએ. અરીસામાં દેખાતા એ આભાસી પ્રતિબિંબની સામે, આપણી આંખોની પાછળથી ડોકિયું કરતો, એ જણ કોણ છે? હરક્ષણે એના બહારના શરીરમાં કંઈક અસંખ્ય કોષ નાશ પામતા હોય છે અને નવા બનતા હોય છે. કાલે હતો એ જણ આજે નખશીશ એવો ને એવો નથી રહેતો. અને એનું સૂક્ષ્મ શરીર ? એ તો હર ક્ષણ બદલાતું જ રહે છે – કાચંડાની જેમ. એનો માનસિક ઘોંઘાટ કદી બંધ નથી થતો. અરે! ઊંઘમાં ય સહેજ જંપ્યો, ન જંપ્યો અને સપનાં શરૂ. અરેરે! એ તો જાગતાં ય સપનાં જોયાં કરે છે! સતત જાગતો હોવાનો ડોળ કરતો એ ખરેખર તો ઊંઘતો જ રહે છે. એ ક્યાંથી અરીસાની અંદર દેખાતા ચહેરાની પાછળના જણને ઓળખી શકે?

  ‘બેદાર‘ લાજપુરી ની આ ગઝલ સાથે સમાપન.

શબ્દના એવા ગુના પણ હોય છે.
મૌન રહેવામાં ડહાપણ હોય છે.

વહેંચવાનો થાય જ્યારે વારસો
વારસોના દૂર સગપણ હોય છે.

હર સમય કર્ફ્યુના ટાણે શહેરમાં
માર ખાતી એ ભિખારણ હોય છે.

હોય છે માઠી દશામાં દૂર સૌ
લાગણીને કેવી સમઝણ હોય છે.

હોય છે બેદાર ક્યારે એકલા
‘
આપણી અંદર ઘણા જણ હોય છે’.

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...296297298299...310320330...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved