Opinion Magazine
Number of visits: 10,229,691
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દંભના ચહેરા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 July 2019

ઉત્તર પ્રદેશના ભા.જ.પ.ના ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પુ ભરતૌલની ૨૩ વર્ષની દીકરી, સાક્ષી મિશ્રા, ‘આર્ટીકલ-૧૫’ ફિલ્મની અસલી હિરોઈન જેવી છે. અજીતેષ કુમાર નામના દલિત યુવાન સાથેના તેના પ્રેમવિવાહથી ભડકેલા તેના તાકાતવર પિતાની ગુંડાગર્દીની વાકેફ, સાક્ષીએ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને, પિતાની તાકાત હરી લીધી છે. બ્રાહ્મણ જ્ઞાતિની સાક્ષીએ તેના મોબાઇલ પર બે વીડિયો શૂટ કરીને વાઈરલ કરી દીધા છે. વીડિયોમાં તેણે કહ્યું છે કે તેના પિતાએ તેની પાછળ ગુંડાઓ છોડી મુક્યા છે અને તેના જીવને જોખમ છે.

પતિ અજીતેષ સાથે કારમાં બેસીને શૂટ કરેલા વીડિયોમાં સાક્ષીએ એવી પણ ચેતવણી ઉચ્ચારી છે કે તેને કે તેના પતિને કંઈપણ થશે, તો તેના માટે તેના પિતા જવાબદાર હશે. સાક્ષી તેના પિતાને પૂછે છે, “'તમે બેટી બચાવો, બેટી પઢાવો’નું અભિયાન ચલાવો છો, તો પછી ખુદની બેટી સાથે આવો વ્યવહાર શા માટે કરો છો? તમે તમારા વિચાર બદલો, બેટા, જેટલું જ મહત્ત્વ મારી બહેનને આપો અને શાંતિથી રાજનીતિ કરો."

સાક્ષીનો આ વીડિયો અને હવે તેના ટી.વી. ઇન્ટરવ્યુથી તહલકો મચી ગયો છે. તેના પિતા બચાવની ભૂમિકામાં આવી ગયા છે, અને ખુલાસા કરી રહ્યા છે. અપેક્ષા પ્રમાણે જ રાજનીતિ પણ શરૂ થઇ ગઈ છે અને આરોપ-પ્રત્યારોપ ચાલુ થયા છે. કેટલાંક મીડિયાએ તો હવે અજીતેષ કુમારને બદનામ કરતા સમાચારો ચાલુ કર્યા છે, અને સાક્ષીના બયાનો પાછળ કોઈક સાજીશ છે, તેવી સ્ટોરીઓ શરૂ કરી છે. પિતા કદાવર નેતા છે, એટલે તેના પક્ષમાં લોકો હોય, તે સમજી શકાય તેમ છે. તેની સૌથી પહેલી જાણ તો સાક્ષીને જ હતી ને, એટલે તો તેણે વીડિયો રેકોર્ડ કરીને બધું સત્તાવાર કરી દીધું.

સાક્ષી મિશ્રાએ આમ કરવા જેવું હતું અને તેમ કરવાની જરૂર ન હતી, એવી સલાહો અપાઈ રહી છે, તેનું એકમાત્ર કારણ એ છે કે સાક્ષી જીવતી છે. દલિત મનના માણીગર સાથે વિવાહ કરવા બદલ, તેના પિતા અને ઉત્તર પ્રદેશમાં ભા.જ.પ.ના ધારાસભ્ય રાજેશ મિશ્રાના ગુંડાઓના હાથે તે મરી ગઈ હોત, તો આપણી સલાહ કેવી હોત?

જાત-પાતના ભેદભાવ દૂર કરવા માટે દલિતો સાથે રોટીનો વ્યવહાર કરવાનો મહાત્મા ગાંધીનો પ્રયોગ સફળ ના રહ્યો, ત્યારે બાબા સાહેબ આંબેડકરે બેટીના વ્યવહારની ભલામણ કરી હતી. તેમણે કહ્યું હતું, "લોહીનો સંગમ થશે તો જ પરિવાર જેવી ભાવના આવશે." સાક્ષીની આપવીતી આપણે પહેરી રાખેલા દંભના ચહેરાને ઉઘાડા તો કરે જ છે, સાથે પિતાઓ અને સમાજના હાથે કચડાતી બેટીઓને એક રસ્તો બતાવે છે કે સોશ્યલ મીડિયા આમાં કેટલું ઉપયોગી થઇ શકે છે.

Loading

‘બાતન કી એક બાત’

રમેશ કોઠારી|Opinion - Opinion|15 July 2019

આશ્ચર્ય, આઘાત અને રમૂજમિશ્રિત સમાચારો મળતા રહે છે, જેમાં આપણા શાસકો અને અમલદારોના બૌદ્ધિક સ્તર, ઇરાદાઓ, માનસિકતાનો પડઘો પડતો જોવા મળે છે.

આવકવેરા અધિકારીઓએ કોઈ શાળામાં જઈને ત્યાંનાં બાળકોને, તે મોટી વયનાં થાય ત્યારે, કરચોરી ન કરવાના શપથ લેવડાવ્યા. અરે મારા સાહેબો! ભવિષ્યની ચિંતા છોડો, અત્યારે આ પ્રકારના શપથ કોની પાસે લેવડાવવા તે આપ જાણો જ છો. નેતાઓ, ઉચ્ચ પદાધિકારીઓ, રમતવીરો, અભિનેતાઓ વગેરે પાસે જતાં આપ મહાનુભાવોને કોણ રોકે છે ? દેખીતો આવકનો કોઈ સ્રોત ન હોવા છતાં છાશવારે પોતાની પાસે અમુક કરોડોની સંપત્તિ હોવાનું ગર્વભેર જાહેર કરનાર કદાવર વ્યક્તિને પૂછો તો ખરા કે ‘ભાઈ, આટલી સંપત્તિ આવી ક્યાંથી ?’ અને બિચારાં નિર્દોષ બાળકો … કે પછી નબળો ધણી બૈરી પર શૂરો? (જો કે હવે બૈરીને શૂરાતન બતાવવાના દિવસો ગયાં.)

હમણાં વડીલ મહેન્દ્ર મેઘાણીએ પોતાના સાર્થક જીવતરનાં સત્તાણું વર્ષ પૂરાં કરી અઠ્ઠાણુંમાં વર્ષમાં પ્રવેશ કર્યો, ત્યારે one man institute જેવા મહેન્દ્રભાઈના પ્રદાનની નોંધ લેવાનું, આપણાં વર્તમાનપત્રો અને વિશ્વવિદ્યાલયો તથા વિવિધ જાહેર સંસ્થાઓ કેમ ચૂકી ગયાં હશે ? પણ એ નથી કોઈ રાજકીય હસ્તી, કોઈ ઉદ્યોપગતિ, કોઈ અમલદાર – પછી આમ જ થાયને? આપણી પાસે કોઈ શપથ લેવડાવ્યા વિના તેમણે આપણાં બાળકોને ઉમદા વાચન મળે તે માટે જાત ઘસી નાખી છે. એમનાં નામ અને કામથી અજાણ નાગરિકો અને અધ્યાપકો પણ મળી રહેવાની પૂરી સંભાવના.

ભૂતપૂર્વ ધારાસભ્યો પેન્શનની માગણી લઈ મેદાનમાં આવ્યા છે. સહેજે પચીસ-ત્રીસ લાખ ખર્ચીને વિજેતા થયેલા અને તે પછી વિવિધ આર્થિક લાભ મેળવનારા આ સેવકોની (!) કફોડી હાલત માટે દયા ખાવી રહી. નોકરીમાં નવાસવા જોડાયેલા યુવાનોને વિદ્યાસહાયક / અધ્યાપક-સહાયકના રૂપાળા નામે, ‘સમાન કામ, સમાન વેતન’ના નિયમને અવગણી પાંચ વર્ષ શોષણ કરવાનું અને પછી નિવૃત્તિકાળે ‘પેન્શન’થી વંચિત રાખવાના. એમના વતી કોણ બોલશે?

ખલેલ પહોંચાડે એવા ઘટનાઓ બનતી જ રહે છે. આકાશ વિજયવર્ગીય જેલમાંથી બહાર આવે તો તેને આવકારવા તેના સમર્થકો પહોંચી જાય. મીઠાઈ વહેંચવામાં આવે. There are many to bat for him. આપણી સહાનુભૂતિ તો જેના પર આકાશ તૂટી પડ્યું, એ સહાયક અમલદાર માટે જ હોય.

કેટકેટલાની ચિંતા કરવાની? સ્વામી આનંદે તેમના પુસ્તક ‘બાહ્યાન્તર યાત્રા’માં તુલસીદાસના એક પદનો ઉલ્લેખ કર્યો છે, જેમાં આ સંતકવિ કહે છે. આયખું અલ્પ છે, વેદ, પુરાણ, કાવ્યકલાનો વ્યાપ મોટો છે, ચિત્ત ક્યાં ક્યાં પરોવવું? ‘બાતન કી એક બાત’ જન્મ સુધારવો હોય, તો રામનામ લેવું.

આપણે ય સો વાતની એક વાત – બાતન કી એક બાત – સાક્ષીભાવે બધું નિહાળ્યા કરવું. ન મૂંગા રહેવાય, ન બોલાય. ભલા લોકો પર સિતમ ગુજારાય ત્યારે જે.પી., લોહિયા, ઉમાશંકર, માવળંકર વગેરેની ખોટ ખૂબ સાલે છે. ક્યારેક એમના બરની કોઈ પ્રતિભા મળી રહેશે, એ શ્રદ્ધાના બળે ટકી જવાશે.

ગાંધીનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2019; પૃ. 15

Loading

હવે એ દિવસો દૂર નથી

તન્મય તિમિર|Opinion - Opinion|15 July 2019

હવે એ દિવસો દૂર નથી કે સવારે ઊઠીને છાપું વાંચીએ તો એવા સમાચાર વાંચવા મળે કે આજથી ગાંધી આશ્રમમાં ૧૦ રૂપિયા એન્ટ્રી ફી લેવામાં આવશે. હૃદયકુંજ જોવાના ૧૦ રૂપિયા એકસ્ટ્રા, મ્યુઝિયમના ૨૦ રૂપિયા અને મગનનિવાસના ૨૫ રૂ., જેમાં દિવસના ત્રણ ભાગમાં ફિલ્મ બતાવવામાં આવશે. ૭ઃ૩૦ વાગ્યે રિવરફ્રન્ટની સીડી પર બેસી જવાનું ‘સર્વધર્મ વૉટર શો’, જેના ૫૦ રૂ.. પ્રાર્થના થાય છે ત્યાં લાઈવ બેન્ડ અને વિનોબાજી જ્યાં રહેતા ત્યાં ફુડકોર્ટ, પાણીની બોટલ એમ.આર.પી. મુજબ અને શોપિંગમાં  up to 50% Off વડા પ્રધાન રેંટિયો ફક્ત ૯૯૯ રૂ.

થોડા દિવસ પછી વળી પાછું છાપામાં આવે કે કોચરબ આશ્રમમાં ઉપરના માળે જવાની સીડી તૂટી જતા આશ્રમની મુલાકાતે આવેલ દંપતીનું નીચે પડી જતાં મૃત્યુ. આશ્રમનાં સંચાલક ફરાર. હાલ આશ્રમ સરકારી કબજા હેઠળ.

એક વિશિષ્ટ સમાચાર ૨૦૨૦ કોર્પોરેશન ઇલેક્શન નિમિત્તે, અમદાવાદ શહેરની તમામ મ્યુનિસિપલ શાળાઓને ઇન્ટરનેશનલ કક્ષાની બનાવવામાં આવશે. તેનું સંચાલન કોઈ વિશિષ્ટ દંપતીને સોંપવામાં આવેલ છે. જેમની પાસેથી વર્ષે ૧૦૦૦ રૂપિયા ભાડા પેટે લેવામાં આવશે. શાળાઓના નામ બદલીને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ ૧, ૨, ૩ … કરવામાં આવશે. ભલે પછી શાળામાં પ્રાથમિક શિક્ષણ મફત ન હોય (સૌથી મોંઘું હોય), ભલે બાળકોને માતૃભાષા શિખવવામાં પણ ન આવે. જેમાં નાના-મોટા ઉદ્યોગ કે કૃષિ વિશે માહિતી પણ આપવામાં ન આવે. જ્યાં શિક્ષણમાં સ્વાવલંબન ન હોય પણ આ મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ અને નેતાઓનાં દીકરા-દીકરીઓને એડમિશન માટે લાઈનમાં ન ઊભા રહેવું પડે તેના માટે ખાસ વેઇટિંગ લોજ્જ જરૂર હશે.

આથી પણ સંતોષ ન થયો હોય તો ૨૦૨૨માં સરકાર તેમના છેલ્લામાં છેલ્લા વિરોધીઓને મનાવવા અને ન માને તેમને ચૂપ કરવા એવો પણ ફતવો બહાર પાડે કે ‘ગૂજરાત વિદ્યાપીઠના આધુનિકરણ માટે રૂપિયા ૨૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે.’ વિદ્યાપીઠને સેન્ટ્રલી એસી બનાવવામાં આવશે. રેસ્ટોરન્ટ બનાવાશે, ખાસ મહેમાનો માટે એસી ગેસ્ટ હાઉસ, ઇન્ટરનેશનલ કક્ષાના માસ્ટર કોર્સિસ શરૂ કરશે ઓપન થિયેયર બનાવશે વગેરે વગેરે … ખેર, આપણે સહુ જાણીએ છીએ તેમ ૫૦ કરોડ રૂપિયા વિરોધીઓને મનાવવામાં અને ચૂપ કરાવવા, અને ૫૦ કરોડ ઉપરી અધિકારીઓનાં પેટમાં જશે. બાકી રહ્યા ૧૦૦ કરોડમાં અંગત કોન્ટ્રાક્ટરો અને ડિઝાઈનરો પાસે સસ્તામાં ઉપર ઉપરથી બધું બંધાવી દેવામાં આવશે.

હવે એ દિવસો સુધી નથી કે ‘નવજીવન પ્રેસ’માં ગોડ્‌સેની આત્મકથા છપાય અને પ્રજ્ઞાબહેન ઠાકુરના હસ્તે તેનું વિમોચન થાય. વિમોચન સ્થળ ‘અહિંસા શોધ ભવન, ગૂજરાત વિદ્યાપીઠ’ અને કદાચ એવું પણ બને કે આત્મકથામાં ગોડસેના શબ્દો હોય કે ગાંધીને ગોળી મારવા તેમને નેહરુએ મોકલ્યા હતા કારણ કે ગાંધીએ આઝાદી બાદ કૉંગ્રેસને વિભાજિત કરવા કહ્યું હતું, જે નેહરુ નહોતા ઇચ્છતા.

છેલ્લે, ખાસ ગુજરાતી રવીશકુમાર પ્રેસન્ટસ, મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ઇવેન્ટ દરમિયાન ટેરેસ પર વિદેશી મહેમાનો માટે ખાસ વાઇન, વ્હીસ્કી અને સ્કોચ પાર્ટી રાખવામાં આવશે, ડિનર પ્લેટ ફક્ત ૭૦૦૦ રૂપિયા. પોરબંદરને ડ્રાય ‘સ્ટેટ’ ડિક્લેર કરવામાં આવશે.

૨૦૨૪ ઇલેક્શન ન પણ થાય. સરકાર જરૂરી નથી સમજી રહી. ખોટો આટલો મોટો ઇલેક્શન ખર્ચ સરકારને ખબર જ છે કે ૫૪૩ સીટ્‌સ તેમની જ છે. કદાચ એકાદ સીટ્‌સ પર ગાંધીજી પોતે ઊભા રહે તો તેમના માનમાં સામે કોઈ ઉમેદવાર ઊભો રાખવામાં આવશે નહીં. ૨૦૨૫માં સમાચાર મળે કે “રાજઘાટમાં ગાંધી સમાધિ ચારે ય બાજુથી નેતાઓની સમાધિઓથી ઘેરાઈ જતા બાપુએ બહાર જવા રજા માંગી છે. જે મંજૂર કરવામાં આવેલ છે.’

જય હિન્દ, જય જગત.

આંબાવાડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2019; પૃ. 15

Loading

...102030...2,9162,9172,9182,919...2,9302,9402,950...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved