Opinion Magazine
Number of visits: 9685300
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાશ્મીરના બહાદુર કિશોર ઇરફાનને શૌર્ય ચક્ર અને સ્વીડનની પાણીદાર કિશોરી ગ્રેટાને નોબેલ નૉમિનેશન

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|29 March 2019

આપણી ચૂંટણીનો એક મુદ્દો આતંકવાદ છે, સ્વીડનની ચૂંટણી પર્યાવરણના મુદ્દે લડાઈ છે ત્યારે બંને કિશોરોની પ્રેરક કામગીરી નોંધપાત્ર બને છે…..

પુલવામામાં આતંકવાદી હુમલા બાદ દેશમાં કેટલીક જગ્યાએ કાશ્મીરીઓ પર હુમલા થયા. દેશને નફરત અને હિંસા સિવાય કશું ન આપી શકનારા કેટલાક ‘દેશભક્તો’એ પોતાના ઘૃણાસ્પદ રાષ્ટ્રપ્રેમના કશ લગાવવાનો વધુ એક દોર ચલાવ્યો. તેની ટીકા કરતાં ય આપણા વડાપ્રધાનને છ દિવસ લાગ્યા. કાશ્મીરી વિદ્યાર્થીઓ પરના હુમલાઓની બાબતમાં તો ખુદ સર્વોચ્ચ અદાલતે અગિયાર રાજ્યોને ટકોર કરવી પડી. ‘આતંકવાદીઓને આશરો આપનાર કાશ્મીરીઓ’ને કચડવાનો ઉપરોક્ત ‘રાષ્ટ્રપ્રેમીઓ’નો કેફ હજુ ઊતર્યો નહીં હોય, ત્યાં તો વળી રાષ્ટ્રપતિએ ઇરફાન શેખ નામના કાશ્મીરી કિશોરનું આતંકવાદીઓનો સામનો કરવા બદલ શૌર્યચક્ર આપીને સન્માન કર્યું. સોળ વર્ષના ઇરફાને બે વર્ષ પહેલાં એક આતંકવાદીને મારી નાખ્યો, પણ પોતાના પિતા ગુમાવ્યા. માતા અને ભાંડરાંને તે બચાવી શક્યો, પણ તેનું ઘર નાશ પામ્યું. ઇરફાનનાં સન્માનની નોંધ હોળીના રંગના અને દેશભક્તિભરી ચૂંટણીના જંગના સમાચારોની વચ્ચેથી શોધીને પણ લેવી ઘટે.

ઓગણીસમી માર્ચે શોપિયાનના રહેવાસી ઇરફાન રમઝાન શેખને જે શૌર્યચક્રથી નવાજવામાં આવ્યો, તે અશોક ચક્ર અને કીર્તિ ચક્ર પછીના ક્રમે આવતું શાંતિ સમયનું વીરતા સન્માન છે. ઇરફાનને તે ડિફેન્સ ઇન્વેસ્ટિચર સેરિમની એટલે કે રક્ષા અલંકરણ સમારોહમાં આપવામાં આવ્યું. શહીદ જવાનોનાં માતા કે પત્ની, વિશેષ કામગીરી બતાવનારા સેના અધિકારીઓ અને સૈનિકોનું ગૌરવ કરવા માટે આ વાર્ષિક સમારંભ યોજાતો હોય છે. તેમાં લશ્કરની ત્રણેય પાંખોના વડાઓ ઉપરાંત વડાપ્રધાન સહિત અનેક અગ્રણીઓ હાજર રહેતા હોય છે. તેમાં આ વર્ષનાં પચાસ સન્માનિતોમાં  ઇરફાન શેખ એક માત્ર  બિનલશ્કરી નાગરિક છે.

ઇરફાનના પિતા કાશ્મીરની પિપલ્સ ડેમૉક્રટિક પાર્ટીના શોપિયાન ખાતેના આગેવાન અને માજી સરપંચ હતા. આતંકવાદીઓએ 16 ઑક્ટોબર 2017ની મધરાતે તેમના ઘરને ઘેરી લીધું. ચૌદ વર્ષના ઇરફાને બારણું ખોલ્યું એટલે ઘરના વાડામાં બંદૂકો અને ગ્રેનેડ લઈને ઊભેલા આતંકવાદીઓ તેને  દેખાયા. તેઓ ઘરનાં બારણાં તરફ આવી રહ્યા હતા એટલે  ઇરફાને તેમને રોકવાની કોશિશ કરી. એ મૂઠભેડ દરમિયાન ઘરની બહાર નીકળી રહેલા ઇમરાનના પિતા રમઝાન પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. પિતા લોહીનાં ખાબોચિયામાં તરફડી રહ્યા હતા,  છતાં ઇરફાન હિમ્મત ન હાર્યો. હાથમાં જે કંઈ આવ્યું એ લઈને તે ગોળી ચલાવનાર આતંકી પર તૂટી પડ્યો અને તેને ખતમ કરી દીધો. તે જોઈને બાકીના બે આતંકીઓ ભાગી છૂટ્યા. ઇરફાનના પિતા હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ પામ્યા. પછીની ભયંકર  ઘટના તો એ પણ કે હુમલાના બીજા દિવસે આતંકવાદ તરફી જૂથોએ ઇરફાનના ઘરને સળગાવી દીધું.

હવે એનો પરિવાર અન્યત્ર રહે છે. તેના માતા જમ્મુ-કાશ્મીરમાં સરકારી નોકરીમાં છે. ઇરફાન અત્યારે દસમામાં છે અને સનદી અધિકારી બનવા માગે છે. જો કે હમણાં જાન્યુઆરીમાં કાશ્મીરના યુવા સનદી અધિકારી શાહ ફેઝલે કેન્દ્ર સરકારના વિરોધમાં રાજીનામું આપ્યું છે અને તાજેતરમાં તેમણે રાજકીય પક્ષ સ્થાપ્યો છે. કુપવારાના વતની ફેઝલ 2010માં સનદી પરીક્ષામાં આખા ભારતમાં પહેલાં ક્રમે હતા. તેમણે વિરોધના કારણો આ મુજબ જણાવ્યા છે :‘કાશ્મીરમાં સતતની હત્યાઓ, કેન્દ્ર સરકારમાં કાશ્મીરીઓ સુધી પહોંચવામાં નિષ્ઠાનો સદંતર અભાવ, હિન્દુત્વવાદી પરિબળો દ્વારા વીસ કરોડ ભારતીય મુસ્લિમોને હાસિયા બહાર મૂકવાની અને તેમને નજરબહાર કરી દેવાની પ્રક્રિયા.’ ઇરફાન આ જાણતો હોય કે ન હોય, પણ તેણે સનદી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સપનું સેવ્યું છે.

સ્વીડનની પંદર વર્ષની છોકરી ગ્રેટા થુનબર્ગ પ્રદૂષણમુક્ત દુનિયાનું સ્વપ્ન સેવી રહી છે. ચૌદમી માર્ચે તેના નામની ભલામણ વિશ્વમાં શાંતિકાર્ય માટેનાં નોબલ સન્માન માટે કરવામાં આવી. નવમા ધોરણમાં ભણી રહેલી ગ્રેટાએ પર્યાવરણ બચાવવા માટેની માગણી સાથે ગયાં વર્ષે 20 ઑગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી સ્વીડનનાં પાટનગર સ્ટૉકહોમમાં સંસદના દરવાજે ધરણાં કર્યાં. તેનું પોસ્ટર હતું ‘સ્કૂલ સ્ટ્રાઇક ફૉર ધ ક્લાઇમેટ’. વળી તેણે પોતાની સાથે પર્યાવરણને લગતી પત્રિકાઓ અને ભણવાનાં પુસ્તકો રાખ્યાં હતાં. ગ્રેટા શાળાના સમય દરમિયાન હડતાળ પર બેસતી અને શાળાનો સમય પૂરો થતાં ઘરે જતી. શાળા તેની સામે પગલાં લે તો તેના માટે ગ્રેટા તૈયાર હતી. ગ્રેટાની હડતાળમાં તેના એક શિક્ષક બેન્જામિન વૅગનર પણ ‘કપાતા પગારે અને પરિણામો માટેની તૈયારી સાથે’ જોડાયા હતા. ગ્રેટાનાં માતાપિતા હડતાળના વિરોધમાં હતાં. પણ તેમણે કહ્યું, ‘અમે એના મંતવ્યને માન આપીએ છીએ.’ નોંધવું જોઈએ કે સ્વીડન માત્ર આર્થિક સમૃદ્ધિમાં જ નહીં, પણ એકંદર માનવઅધિકાર તેમ જ સ્ત્રીઓ અને બાળકોના અધિકારોની જાળવણીની બાબતમાં પણ દુનિયામાં અગ્રતાક્રમે છે.

શાંતિપ્રિય સ્વીડને 1814 બાદ યુદ્ધ કર્યું નથી. મબલખ પાણી, ખનિજો અને 65% જેટલો વનવિસ્તાર ધરાવતા આ દેશમાં શસ્ત્રો, મોટરો અને અનેક ઉદ્યોગોને કારણે માથાદીઠ આવક બહુ ઊંચી છે. પણ ગયાં એકાદ દાયકામાં ઐયાશી અને વિનાશકારી વિકાસ વધતાં રહ્યાં છે. તેને પગલે દાવાનળ, પ્રદૂષણ અને ગરમીમાં વધારા જેવી માઠી અસરો દેખાઈ રહી છે. ડિસેમ્બર 2015ની  પેરિસ ક્લાઇમેટ ચેઇન્જ કૉન્ફરન્સ બાદ સ્વીડનની સરકારે પર્યાવરણની જાળવણી માટે કડક કાયદા ઘડ્યા, પણ તેની ખાસ અસર દેખાઈ નથી. આ ચિંતાજનક પરિસ્થિતિ તરફ ગ્રેટા દેશના રાજકીય વર્ગોનું ધ્યાન દોરવા માગતી હતી એ વાત તેણે હડતાળ માટે પસંદ કરેલાં વ્યૂહાત્મક સમય પરથી સમજાય છે. તેની હડતાળનો છેલ્લો દિવસ સ્વીડનની સંસદીય ચૂંટણી માટેનો દિવસ હતો ! તે કહે છે : ‘શાળામાં પર્યાવરણ જાળવવા માટે કોશિશ કરવાનું શીખવવામાં આવે છે. પણ એમાંથી કંઈ નક્કર ન થતું હોય તો શાળાએ શા માટે જવું એમ પણ મને થાય છે. એટલા માટે એક વિદ્યાર્થી તરીકે હડતાળ પાડીને આ સમસ્યા તરફ દેશ ચલવનારાઓનું ધ્યાન દોરવું એ મને નૈતિક ફરજ લાગે છે.’

ગયાં કેટલાંક વર્ષોથી દુનિયાભરમાં પર્યાવરણ વિશે ચાલી રહેલાં ઍકેડેમિક- બૌદ્ધિક ઉપક્ર્મો તેમ જ પરિષદો-સંમેલનો અંગે વાત કરતાં ગ્રેટા ‘ટાઇટેનિક’ ફિલ્મનો દાખલો આપે છે. જહાજ હિમશીલા પર અથડાવાની ખબર હોય ત્યારે એમાં બેસીને દુર્ઘટના બાદ પ્રવાસીઓને બચાવવાની ચર્ચા કરવાને બદલે સત્વરે તેનો રસ્તો બદલવાની કોશિશ કરવાની જરૂર હોય છે. સ્વીડનના સાંસદોએ નોબેલ સન્માન માટે ગ્રેટાનાં નામની ભલામણ કરી તેના બીજા દિવસે એટલે કે 15 માર્ચે ‘ક્લાયમેટ સ્ટ્રાઇક’ દિવસ હતો. દુનિયાના કેટલાક દેશોમાં 2015થી શાળાનાં બાળકો થકી યોજવામાં આવતા આ દિવસને ગ્રેટાની હડતાળને પગલે આ વર્ષે જબરદસ્ત પ્રતિભાવ મળ્યો. વિશ્વના 105 દેશોના સોળસોથી વધુ શહેરોની શાળાઓની વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ તેમાં જોડાયાં.

સ્વીડનની જાણીતી ઓળખ ઓગણીસમી સદીના આલ્ફ્રેડ નોબેલ અને વીસમી સદીની ગ્રેટા ગાર્બો છે. એકવીસમી સદીમાં સ્વીડન કદાચ ગ્રેટા થુનબર્ગના નામે ઓળખાશે.

+++++

26 માર્ચ 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 29 માર્ચ 2019  

Loading

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|28 March 2019

હૈયાને દરબાર

તાજેતરમાં મારી પહાડી (એટલે કે ગઢવાલની લીલીછમ વાદીઓ વચ્ચે જેનું વતન છે એ) પત્રકાર મિત્ર કમલા બડૌનીએ વસંતના એક ખુશ્બોદાર, મજેદાર પર્વ તથા એની સાથે સંકળાયેલાં ગીતોની વાત કરી. ઉત્તરાખંડ તેની ખૂબસૂરત ખીણો, ઊંચા ઊંચા પહાડ, પર્વતો, નદીઓ, ઝરણાં અને શાનદાર હિમાલય દર્શન માટે પ્રખ્યાત છે. પ્રકૃતિએ આ પ્રદેશને ભરપૂર કુદરતી સૌંદર્ય આપ્યું છે એ બદલ કુદરતનો આભાર માનવા માટે ફાગણ અને ચૈત્ર વચ્ચેના સંક્રાંતિકાળ સમયે આવતો ‘ફૂલ દેઈ’ તહેવાર ત્યાંની પ્રજા રંગેચંગે મનાવે છે.

ફૂલ દેઈ, છમ્મા દેઈ, દેણી દ્વાર, ભર ભકાર
યે દેલી સ બારમ્બાર નમસ્કાર, ફૂલે દ્વાર …!

ઉત્તરાખંડી લોકપર્વ ફૂલ દેઈ બહુ ઈન્ટરેસ્ટિંગ તહેવાર છે. રંગ પર્વ ધુળેટીએ સમાપ્ત થતા આ તહેવારમાં ઉત્તરાખંડનાં બાળકો જંગલમાં જઈ અને જાત-ભાતનાં ફૂલો લઈ આવે. ત્યારબાદ ટોકરી લઈને ગામના દરેક ઘરે જઈને આંગણું પૂજે, પરિવારજનોને ફૂલ આપે, આશીર્વાદ આપે (હા, બાળકો જ સુગંધિત જીવનના આશિષ આપે). એની સામે ઘરના લોકો બાળકોને મીઠાઈ અને પૈસા આપે.

આ દિવસોમાં લોકગીતોના ગાયનનો અંદાજ બદલાઈ જાય છે. હોળીના ફાગની ખુમારીમાં ડૂબેલા લોકો આ દિવસોમાં હોરી અને ચૈતી ગાયનમાં ડૂબવા લાગે છે. ઢોલક વગાડનારા પણ દરેક આંગણામાં જઈ ગીતો ગાય છે. બાળકો ઘરને આંગણે જઈને રંગબેરંગી ફૂલોથી આંગણાંની પૂજા કરે અને ઘરના વડીલ આ બાળકોને અનાજ, દક્ષિણા કે એ દિવસોમાં ખાસ ચોખાના લોટમાંથી બનાવાતી સઈ નામની મીઠાઈ આપે છે. આપણા તહેવારોનો મિજાજ અને મસ્તી જ અલગ છે. હોળી ભલે ઊજવાઈ ગઈ પણ વાસંતી પમરાટ હજુ ય હવામાં ભળેલો છે. વિશ્વ આખામાં ફાગણ-ચૈત્ર એટલે કે સ્પ્રિંગનું આગવું મહત્ત્વ છે. વસંતઋતુ વિશ્વભરમાં અત્યારે ફૂલોની સેજ બિછાવી રહી છે.

આપણી માતૃભાષા ગુજરાતીમાં ફાગણનો મહિમા તહેવાર સ્વરૂપે તો છે જ પરંતુ એ અનેક ગીતોમાં પણ ગવાયો છે. ફાગણ ફોરમતો આયો, રસિયો ફાગણ આયો, ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ, ફાગણની કાળઝાળ સૂક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું … જેવાં ઉત્તમોત્તમ ગીતોની પંગતમાં બેસી શકે એવું આજનું આ ગીત આજ મારા હૈયામાં … કાવ્ય અને સંગીત બંને દૃષ્ટિએ અદ્ભુત છે. પ્રથમ પંક્તિ છે, આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે, પિચકારી મારો નહિ ગિરીધારી લાલ રે …!

સુરેશ દલાલનો કૃષ્ણપ્રેમ આપણાથી અજાણ્યો નથી. જલસાના જ્યોતિર્ધર એવા સુરેશ દલાલ એક તરફ,

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો ઘનશ્યામ;
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકળિયું ગામ!

લખે છે તો બીજા એક અંદાજમાં સુરેશ દલાલ કૃષ્ણને એમ પણ સંભળાવે છે કે :

શ્યામ તમને ડિસ્કોમાં જોયાનું યાદ છે;
યમુનાનો ઘાટ શું વિસાત છે?

આજ મારા હૈયામાં … જેવી પારંપરિક રચનાઓથી માંડીને સુરેશભાઈ તેમની આધુનિક કવિતા દ્વારા એક ડોસી એક ડોસાને હજી વ્હાલ કરે છે … જેવી હળવીફૂલ વાત પણ ગીતોમાં લખી શકે છે. શિયાળામાં એ શ્યામને મોરપીંછની રજાઈ ઓઢાડે છે અને ફાગણમાં રાધા-ગોપી સંગ ફાગ ખેલાવે છે.

સુરેશ દલાલનું કાવ્ય હોય અને ક્ષેમુ દિવેટિયા જેવા સંગીતકારે એ સંગીતબદ્ધ કર્યું હોય પછી ગીતનો મહિમા અપરંપાર જ હોય ને! રાધા-કૃષ્ણના પ્રેમની નાજુક અભિવ્યક્તિ દર્શાવતા આ ગીતમાં રાધા કહે છે કે હે ગિરિધારી, મારા હૈયામાં તો ફાગણ બારેમાસ મહેકતો-ચહેકતો રહે છે. એટલે મને રંગવાની કોઈ જરૂર નથી. તારા કાળજાના કેસૂડે મારા અંતરની ડાળ ઝૂલે છે અને તારી આંખના ઉડતા ગુલાલમાં મારો રોમેરોમ રંગાય છે. મારે ક્યાં દુન્યવી રંગથી રંગાવું છે? મને તો ફક્ત એક જ રંગ પ્રિય છે, એ છે પ્રેમનો ગુલાબી રંગ. એટલે જ એ કહે છે કે રાધિકાનો એક રંગ, તારું તે વહાલ, પિચકારી મારો નહિ ગિરિધારી લાલ …!

સંગીતની દૃષ્ટિએ વિચારીએ તો આ ગીત ગાવું અઘરું છે પણ સાંભળવામાં અત્યંત કર્ણપ્રિય-સહજ છે. સુગમ સંગીતમાં સંપૂર્ણપણે શાસ્ત્રીય રાગ આધારિત રચનાઓ પ્રમાણમાં ઓછી છે. ક્ષેમુ દિવેટિયાએ બે-ત્રણ રાગોના મધુર સંયોજનથી આ રચનાનું સ્વરાંકન કર્યું છે. આ ગીતમાં સિંધુરા રાગથી શરૂ થતું મુખડું પછીથી દેસી, ચંદ્રકૌંસ, નટ ભૈરવ જેવા કંઇ કેટલાયે સુમધુર રાગોમાં આગળ વધી ગીતને કર્ણમંજુલ બનાવે છે. ક્ષેમુ દિવેટિયા હંમેશાં કહેતા કે શ્રોતાને ગમે એ ગીત ખરું. પરંતુ કેટલા શ્રોતા કે પ્રેક્ષકો સંગીત, નૃત્ય અને નાટક જેવી ઊંડી સમજ માંગી લે એવી કલાને એ દૃષ્ટિકોણથી સમજીને એની મધુરતા માણે છે? આને માટે તેઓ ‘રિયાઝી’ શ્રોતા શબ્દ વાપરતા. શ્રોતા માનસિક રીતે તૈયાર હોય, અભ્યાસુ હોય તો દરેક કલા માણવાનો આનંદ જુદો જ તરી આવે અને કલાકારની કદર કરવાની શક્તિ આપોઆપ કેળવાય. મૂર્ધન્ય સંગીતકાર ક્ષેમુ દિવેટિયાએ ‘સંગીત સુધા’ નામની ગુજરાતના ૩૫ કવિઓનાં ગીતો ૨૬ જુદા જુદા કલાકારોના કંઠે ગવડાવીને સુગમ સંગીતના ગીતો, ગરબા, ગઝલ અને ભજનની અનોખી ૧૦ કેસેટ્સ પ્રસ્તુત કરી ગુજરાતનું અને ગુજરાતી ગીતોનું ગૌરવ વધાર્યું છે. ક્ષેમેન્દ્ર વીરમિત્ર દિવેટિયા અર્થાત્ ક્ષેમુભાઈ, જેમને સંગીત જગતની વ્યક્તિઓ ક્ષેમુકાકા તરીકે સંબોધે છે, તેઓ ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કારના અધિષ્ઠાતા અને ગુજરાતી ફિલ્મ કાશીનો દીકરોના શ્રેષ્ઠ સંગીતકાર. ક્ષેમુભાઈના દીકરા માલવ દિવેટિયા કહે છે કે આ કમ્પોઝિશન બહુ જૂનું છે. ૧૯૬૬માં મુંબઈના પાટકર હોલમાં કૌમુદી મુનશીએ આ ગીત સૌ પ્રથમ ગાયું હતું. એ પછી તો ઘણા કલાકારોએ ગાયું હતું.

ક્ષેમુ દિવેટિયાને પિતાતુલ્ય માનતા જાણીતા સંગીતકાર અમર ભટ્ટ ક્ષેમુભાઈની ખાસિયતો વિશે કહે છે કે, "ક્ષેમુકાકાનું સમગ્ર જીવન સંગીતને સમર્પિત હતું. એમનું ઘર એટલે કલાકારો માટેનું આશ્રયસ્થાન. આપણા જાણીતા શાયર શેખાદમ આબુવાલા એમના ઘરને ‘આઠમો સૂર’ કહેતા. એ આઠમા સૂરમાં સંગીતની નાની-મોટી મહેફિલો, બેઠકો સજ્યા કરે. તેઓ ક્રિકેટના જબરા શોખીન હતા એમણે ગુજરાતીમાં રેડિયો પર ક્રિકેટ કોમેન્ટ્રી આપી છે અને ગુજરાત કૉલેજમાં ઓપનિંગ બેટ્સમેન રહી ચૂક્યા છે. આજ મારા હૈયામાં … ગીત વિશે વાત કરું તો આ ગીત ખરેખર ખૂબ કર્ણપ્રિય અને એમનાં લોકપ્રિય ગીતોમાંનું એક છે. એક જ ગીતમાં ત્રણ રાગો પ્રયોજાયા હોવા છતાં એનું સાતત્ય એવું જળવાઈ રહે છે કે જાણે સળંગ ગીત જ ન હોય! ક્ષેમુકાકા ન્હાનાલાલના ‘વિરાટનો હિંડોળો’થી ઘણા પ્રભાવિત હતા. એનો અંતરો, પુણ્યપાપ દોર ને ત્રિલોકનો હિંડોળો ફરતી ફૂમતડાંની ફોર … સાંભળો તો આ ગીતનાં મૂળિયાં મળી આવે. બીજું, રૂપક તાલ એમનો મનગમતો તાલ. સામાન્ય રીતે મોટા ભાગનાં ગુજરાતી ગીતોમાં ખેમટા કે કહેરવા તાલનો પ્રયોગ થતો હોય છે કારણ કે એ પ્રમાણમાં સહેલા છે. ક્ષેમુકાકાએ એમનાં ઘણાં ગીતો જેવાં કે, સાવ રે અધૂરું મારું આયખું, કેવા રે મળેલા મનના મેળ, મૈયા મારો મનવો હુઓ રે બૈરાગી તથા આજ મારા હૈયામાં … રૂપક તાલમાં જ સ્વરબદ્ધ કર્યા છે. જમ્પ નોટ્સ પણ એમનાં ગીતોની ખાસિયત છે. જેમ કે, સા પરથી સીધા પ,ધ,ની સ્વરોનો પ્રયોગ. જો કે, ગીતનું મૂળભૂત માળખું તૈયાર થઈ જાય પછી એ ગાયક કલાકારને ફ્રી હેન્ડ આપી દે. એ પછી કલાકારો ગાયનમાં પોતાના રંગ પૂરે.

આ ગીતમાં સરસ રંગ પૂરનાર વરિષ્ઠ ગાયિકા માલિની પંડિત નાયક કહે છે, " ‘સંગીત સુધા’માં આ ગીત ગાવાનો મને મોકો મળ્યો એ મારા માટે ગર્વની વાત છે. હું ‘શ્રુતિ વૃંદ’ સાથે જોડાયેલી હતી એટલે ક્ષેમુભાઈ પાસે આ ગીત થોડું ઘણું તો શીખી જ હતી. એ વખતનાં ગાયિકા મૃદુલા પરીખ પણ આ ગીત ગાતાં. એટલે ગીતનો ટ્રેક તો તૈયાર જ હતો. ક્ષેમુકાકાએ મને મોકલી આપ્યો. નાની મોટી બારીકીઓ સાથે ગીતની તૈયારી મારે જ કરવાની હતી. એ સમય દરમિયાન સંગીતકાર પરેશ નાયક સાથે પરણીને હું મુંબઈમાં સ્થાયી થઇ હતી. તેથી ગીત તૈયાર કરવામાં એમના માર્ગદર્શનનો મને ખાસ્સો લાભ મળ્યો. ગૌરાંગ વ્યાસની મ્યુઝિક અરેન્જમેન્ટ પણ એટલી સરસ હતી કે ટ્રેક પર ગાવાની મને ખૂબ મજા આવી હતી. મારી ઓળખ સમાન ગીત બની ગયું હતું. શાસ્ત્રીય રાગ આધારિત ગીત તૈયાર કરવામાં ક્ષેમુકાકાની માસ્ટરી હતી. એમના ગરબા પણ એ વખતે ખૂબ વખણાતા. ગરબામાં પણ એવા પ્રયોગો કરે કે એ નિત્યનૂતન લાગે. એક પ્રયોગ તો બહુ વિશિષ્ટ હતો જેમાં એક લોકઢાળ સામે એક શાસ્ત્રીયતા ધરાવતો ગરબો હોય અને બે લીડ સિંગરો આ બંને પ્રકાર ગાય તથા કોરસ એ ઝીલે. મહામૂલો વારસો એ મૂકી ગ  યા છે.

————————-

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે
પિચકારી મારો નહીં ગિરિધારી લાલ રે

તારા તે કાળજાને કેસૂડે લાલ લાલ
ઝુલે મારા અંતરની ડાળ
રોમ આ રંગાય મારું તારી તે આંખના
ઉડતા અણસાર ને ગુલાલ

રાધિકાનો રંગ એક, તારું તે વ્હાલ રે
પિચકારી મારો નહીં ગિરીધારી લાલ રે

મીઠેરી મુરલીના સૂર તણી ધાર થકી
ભીનું મારા આયખાનું પોત
અંતર ને આંખના અબીલ ગુલાલની
આજ લગી વ્હાલી મુને ચોટ

રાધિકાનો રંગ એક, તારું તે વ્હાલ રે
પિચકારી મારો નહીં ગિરીધારી લાલ રે

• કવિ : સુરેશ દલાલ  • સંગીતકાર : ક્ષેમુ દિવેટિયા  • ગાયિકા : માલિની પંડિત-નાયક

http://tahuko.com/?p=638

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 28 માર્ચ 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=472884

Loading

રાહુલ ગાંધીની યોજના કેટલી સફળ થશે એ તો સમય જ કહેશે

રમેશ ઓઝા|Opinion - Opinion|28 March 2019

મૂળમાં રાહુલ ગાંધીએ જે જાહેરાત કરી એ મોદી સરકાર બજેટના ભાગરૂપે લોકસભામાં કરવાની હતી. એવું અનુમાન કરવામાં આવતું હતું અને તેના વિષે ઘણી ચર્ચા પણ ત્યારે ચાલી રહી હતી. ચૂંટણી જીતવા માટેની એ આર્થિક મોરચે સર્જીકલ સ્ટ્રાઈક હશે એમ પણ કહેવામાં આવતું હતું. પુલવામાં પ્લસ દરેકને અને દરેકને નહીં તો ગરીબીની રેખા નીચે જીવનારાઓને લઘુતમ આવકની ખાતરી આ બે મળીને બી.જે.પી.ને ત્રણસો બેઠકો અપાવશે.

બન્યું એવું કે બજેટના બે દિવસ પહેલાં રાહુલ ગાંધીએ દરેકને લઘુતમ આવકની જાહેરાત કરી દીધી. અંગ્રેજીમાં આને યુનિવર્સલ બેઝીક ઇન્કમ કહેવામાં આવે છે. તમને રોજગારી મળે કે ન મળે, જો માગશો તો આટલા રૂપિયા તો સરકાર પાસેથી મળશે જ. માગશો તો મળશે અને માગવું કે ન માગવું એ તમારી ખુદ્દારી પર નિર્ભર છે. જગતના અર્થશાસ્ત્રીઓ કહે છે કે હવે આને ખુદ્દારી સાથે સંબંધ નથી, આયખું વિતાવવાની અનિવાર્યતા સાથે સંબંધ છે. ગયા રવિવારે મેં મારી કોલમમાં કહ્યું હતું એમ ચોથી ઔદ્યોગિક ક્રાંતિએ બેરોજગારી પેદા કરી છે અને તેમાં ઉત્તરોત્તર વધારો જ થવાનો છે. આ સ્થિતિએ જે હતાશા પેદા કરી છે તેનો લાભ જાદુગરી ધરાવતા નેતાઓ, પોઝિટિવ થિંકીંગ શીખવાડનારા બાવાઓ, સફળતાની ખાતરી આપનારા કોચિંગ ક્લાસના માલિકો, તાંત્રિકો, જ્યોતિષીઓ અને બીજા ઠગ લે છે.

તેઓ ઉપરથી નીચે પડે તો પણ યુવાનને રોજગારી આપી શકે એમ નથી એ આ યુગની વાસ્તવિકતા છે. આ ઉપરાંત ગીધડાં અને બાજ મળીને આકાશને આંચકી ગયા છે. શાસકો તેમની પાંખમાં છે અને તેમનાથી ડરેલા છે. આમ નવા અર્થતંત્રનો ઢાંચો રોજગારી પેદા કરતો નથી અને મલાઈ થોડા લોકો આંચકી ગયા છે. શાસકો તેમના કબજામાં છે એ સ્થિતિમાં શાસકો પાસે બાકીનાં પંખીડાંઓને ચણ આપવા સિવાય કોઈ વિકલ્પ નથી. આકાશ અમારું. પંખીડાંઓને અમે મરવા નહીં દઈએ, તેને માટે અમે ચણ કાઢતા રહીશું. તમારું એટલે કે શાસકોનું કામ ચણનું વિતરણ કરવાનું છે. પંખીડાંઓને કહી દો કે હવે તેમણે આકાશ તરફ જોવાનું નથી, અમે તેને મરવા નહીં દઈએ. ગેરંટી.

આ જે ગેરંટી આપવામાં આવી રહી છે એની પાછળની પ્રેરણા માનવતા નથી, જરૂરિયાત છે. જો ન આપે તો ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગે અને એ બધું ધ્વસ્ત કરી નાખે. ભૂખ્યાંજનો પણ મજબૂરીના કારણે વાયા સરકાર લૂંટારાઓ તરફથી મળનારી લઘુતમ આર્થિક સહાય સ્વીકારતા થઈ જશે. આ બધું ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી નવસંસ્થાનવાદનાં સ્વરૂપનો અને સામાન્ય માણસની અંદર રહેલ ચેતનાની તાકાતનો પરિચય કરાવનારો ગાંધી પાછો નહીં આવે. જગત જે દિશામાં જઈ રહ્યું છે એ ઝડપથી ગાંધીને પ્રાસંગિક બનાવી રહ્યું છે, પણ ચર્ચાનો મુદ્દો ગાંધીની આવતીકાલની અનિવાર્ય પ્રાસંગિકતા નથી; આજની ઉપાધિ છે.

બેરોજગારી એ આજના યુગની વાસ્તવિકતા છે એટલે સાર્વત્રિક લઘુતમ આવક પણ આજના યુગની અનિવાર્યતા છે. જો નરેન્દ્ર મોદીએ સપનાંઓ વેચવાની જગ્યાએ અને રોજગારીનાં ખોટાં અને પરસ્પર વિરોધી આંકડા ફેંકવાની જગ્યાએ વાસ્તવિકતાને કબૂલી હોત અને તેમાં રાહત આપનારી યોજનાઓ હાથ ધરી હોત તો મેદાન મારી ગયા હોત. તમે ગમે એટલા આંકડા ફેંકો, યુવાનના ખિસ્સામાં ફદિયું નથી આવતું એ યુવાન નથી જાણતો? એક યુવાન બીજા યુવાનને પૂછે છે તો એ પણ ફદિયા વિનાનો બેકાર જ હોય છે. વડા પ્રધાનને ચાર વરસ સપનાં વેચ્યાં પછી, નોટબંધી જેવાં સાહસો કર્યાં પછી, દેશપ્રેમનો નશો પેદા કર્યા પછી ખાતરી થઈ ગઈ હતી કે આમ છતાં ય હતાશાનો અંત આવતો નથી એટલે કાંઈક તો નક્કર આપવું જ પડશે. તેમણે સાર્વત્રિક લઘુતમ આવકનું છેલ્લું રામબાણ પોતાના બાથમાં રાખ્યું હતું જે તેઓ બજેટમાં આપવાના હતા, પરંતુ એ પહેલાં રાહુલ ગાંધીએ તેની જાહેરાત કરી દીધી.

રાહુલ ગાંધીને ગમાર તરીકે ચિતરવાના મીડિયાને પૈસા મળે છે, બાકી એ રાહુલ ગાંધીનો માસ્ટર સ્ટ્રોક હતો. જો કૉન્ગ્રેસ પક્ષ નેતાઓની રણનીતિનો લાભ લેવાની સ્થિતિમાં હોત તો બાજી પલટાઈ ગઈ હોત. રાહુલ ગાંધીને એટલું હવે સમજાઈ ગયું હશે કે સંસદીય રાજકારણમાં પક્ષ અને કાર્યકર્તા કેટલાં મહત્ત્વનાં છે, જેની અત્યાર સુધી ઉપેક્ષા કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ બજેટના બે દિવસ પહેલાં સાર્વત્રિક લઘુતમ આવકનો ફૂગો ફોડી નાખ્યો એ પછી સરકારે છેલ્લી ઘડીએ નાના ખેડૂત પરિવારને વરસે છ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી. રકમ એટલી નાની હતી કે તેનાં વખાણ થવાની જગ્યાએ ઠેકડી ઉડાડવામાં આવી.

હવે રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે કૉન્ગ્રેસ જો સત્તામાં આવશે તો છની જગ્યાએ વરસે ૭૨ હજાર રૂપિયા ગરીબીની રેખા નીચે જીવનારા પ્રત્યેક પરિવારની મહિલાના ખાતામાં જમા થશે. બી.જે.પી. આનો વિરોધ કરી શકે એમ નથી એટલે તમે શાસન કરતા હતા ત્યારે શું કામ નહોતું કર્યું એવા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. આ પ્રશ્ન પૂછવાનો કોઈ અર્થ નથી, કારણ કે ત્યારે આકાશ ગીધડાઓએ આંચકી નહોતું લીધું અને શાસકો ગીધડાંઓની પાંખમાં નહોતા. ત્યારે આકાશમાં જગ્યા બનાવવાની અને બનાવવામાં મદદ કરવાની આશાઓ અકબંધ હતી. આ આજના યુગની વાસ્તવિકતા છે એટલે અત્યારે જાહેરાત કરવામાં આવે એ પ્રસ્તુત છે.

રાહુલ ગાંધીએ જાહેરાત કરી એ પછી એ યોજનાની પ્રાસંગિકતા તેમ જ વ્યવહારુતા વિષે જે ચર્ચા કરવામાં આવી રહી છે તેના પર નજર રાખજો. રાજકીય લાભાલાભ ગૌણ છે, પ્રાસંગિકતા અને વ્યવહારુતા મુખ્ય છે. પ્રાસંગિકતા વિષે તો મારા મનમાં શંકા જ નથી. હું તો ત્યાં સુધી કહું છું કે માની લો કે કૉનગ્રેસ સત્તામાં આવે, ડૉ. મનમોહન સિંહ પાછા વડા પ્રધાન બને અને રીઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર અને વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી ડૉ. રઘુરામ રાજનને નાણા પ્રધાન બનાવવામાં આવે તો પણ રોજગારી પેદા થઈ શકે એમ નથી. આકાશ છીનવાઈ ગયું છે અને નજીકના ભવિષ્યમાં આકાશને ભેદી શકાય એવી કોઈ શક્યતા નથી. સવાલ બચે છે વ્યવહારુતાનો. એના ઉપાયો શોધવા પડશે, બાકી રાહત વિકાસની જગ્યા ન લઈ શકે એવી જૂની દલિલો અત્યારે અપ્રાસંગિક છે.

આમ નરેન્દ્ર મોદીએ વાસ્તવિકતાઓને હાથ ધરવાની જગ્યાએ સપનાંઓ વેચ્યાં એ દિવસના અંતે તેમની વિડંબના છે અને રાહુલ ગાંધી વાસ્તવિકતાઓને હાથ ધરતા હોવા છતાં તેઓ તેનો બહુ રાજકીય લાભ લેવાની સ્થિતિમાં નથી એ તેમની વિડંબના છે.

26 માર્ચ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 માર્ચ 2019

Loading

...102030...2,8732,8742,8752,876...2,8802,8902,900...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved