
courtesy : "The Daily Telegraph", 16 January 2019
![]()

courtesy : "The Daily Telegraph", 16 January 2019
![]()
સબરીમાલા શાંત થવાનું નામ લેતું નથી. વિવાદે હિંસક વળાંક લઈ લીધો છે. દક્ષિણ ભારત શિસ્ત અને સ્ત્રી-સન્માન માટે જાણીતું છે. વર્ષો પહેલાંનો અનુભવ છે. દક્ષિણના એક શહેરની સિટીબસમાં હતો. બસ પૅસેન્જરોથી ભરચક હતી, પણ ચાર સીટ ખાલી હતી. કેમ ખબર પડી કે મહિલાઓ માટે અનામત છે!
બે કે ત્રણ બહેનોએ ભગવાન અયપ્પાના મંદિરમાં પ્રવેશ કરવાના સમાચાર છે. સંતોષ જરૂર થાય પણ આનંદ તો નહીં. મંદિરનું શુદ્ધીકરણ થયું લાગે છે. એકવીસમી સદી ઉપર અઢારમી સદી હાવી થઈ ગઈ છે. આપણે બુદ્ધ અને ગાંધી … તમામ સમાજસુધારકો સામે જાણે યુદ્ધ જાહેર કર્યું છે.
એક નવા સમાચાર ઉમેરાયા. મંદિરમાં વ્યંઢળોને પ્રવેશ કરતાં અટકાવ્યા. હવે વ્યંઢળોને તો બહેનો જેવી કોઈ સમસ્યા નથી. પ્રવેશ માટે તેઓ સૌથી વધુ પવિત્ર ગણાવા જોઈએ.
ખેર, સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી બધા જ રાજકીય પક્ષોનું કામ હતું કે કેરળની બધી જ સામાજિક, મહિલા-સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓને, શાણા આગેવાનોને બોલાવીને આ સમસ્યાઓનો સકારાત્મક ઉકેલ લાવે. કેરળ સહિત દેશના સેમિનારપ્રિય સંવેદનશીલ બૌદ્ધિકોની પણ ફરજ બને છે કે તેઓ આ મુદ્દે ભેગા થઈ દિશાસૂચન કરે. ગુજરાતમાં સદ્ભાવના ક્ષેત્રે કાર્યરત કર્મશીલોએ પણ આ અંગે પહેલ કરવી જોઈએ. ગાંધીવાદી સંસ્થાઓ પણ આગળ આવે.
કથાકારો સૌથી વધુ પ્રભાવી હોય છે, પરંતુ કથાકારોને શ્રોતાઓની ચિંતા હોય છે અને રાજકીય પક્ષોને વોટની ચિંતા હોય છે, ત્યારે તમામ રાજકીય પક્ષોથી અલિપ્ત પૂર્વગ્રહમુક્ત થોડાંક જણ સમાજમાં આગળ આવે એ જરૂરી છે. સામાજિક સંવાદિતા અને તેના તાણાવાણા છિન્નભિન્ન થઈ જતા હોય, ત્યારે એવી સમસ્યાઓને રાજકીય પક્ષોને ભરોસે છોડી શકાય નહીં.
દરેક ધર્મ અને દરેક સમાજે પૂર્વગ્રહમુક્ત અને દુરાગ્રહમુક્ત થવાની જરૂર છે. માત્ર ભારત જ નહીં સમગ્ર પૃથ્વી દુરાગ્રહો અને પૂર્વગ્રહોથી મુક્ત થાય એ જરૂરી છે, કારણ નાના નાના વિવાદો, નાની કટુતાઓ, નાના સંઘર્ષો સમય જતાં ‘વિકરાળ રૂપ ધારણ કરે છે.’ સમાજ અને ધર્મનાં સ્થાપિત હિતો, રાજકીય પક્ષોના ક્ષુદ્ર સ્વાર્થ અને પ્રજાની અજ્ઞાનતાના કારણે પોષાતા હોય છે.
માત્ર હિંદુની જ વાત કરીએ, તો હિંદુસમાજ સમયની સાથે બદલાતો રહ્યો છે. હિંદુદર્શનના ‘અદ્વૈત’માં શુદ્ધને સ્થાન છે કે નહીં એ સવાલ હિંદુ-સમાજમાંથી જ પુછાયો હતો. આ સવાલ આજે સબરીમાલા માટે પૂછી શકાય.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિચારો અને આઇડિયાના ભંડાર છે. સ્વામી વિવેકાનંદથી પ્રભાવિત નરેન્દ્ર મોદી કોઈ મંદિરમાં મહિલા-પ્રવેશના ‘પરંપરાના’ નામે વિરોધી હોય એમ હું માનતો નથી. એ મુખ્યમંત્રી હતા ત્યારે એક શાળાના મેદાનમાં તેમને સાંભળ્યા હતા. જાહેરસભા કરતાં એ વિચારસભા વધુ હતી. તેમની સાથે મનન આશ્રમના સ્વામી તદ્રુપાનંદજી પણ હતા. હિન્દુ કઈ રીતે સમયની સાથે તાલ મિલાવે છે, તેનું ઉદાહરણ નરેન્દ્ર મોદીએ આપતાં જણાવ્યું હતું કે, ‘હિંદુઓ પહેલાં શબને ચંદનનાં લાકડાંથી બાળતા. પછી સાદાં લાકડાંથી અને હવે વીજળી સ્મશાન-ગૃહમાં અગ્નિસંસ્કાર અપાય છે. (અલબત્ત, હવે તો ગૅસનો ઉપયોગ થાય છે.) કોઈ હોહા કે વિરોધ વિના હિન્દુએ સ્વીકાર કરી લીધો.’
મોદીની વાત સાચી છે. મને લાગે છે હવે નરેન્દ્ર મોદી પરંપરાનું સમર્થન આપતી વખતે ખૂબ પીડાયા હશે. એ જ રીતે આર.એસ.એસ. કે ભા.જ.પ.માં હિંદુધર્મના ઉદારવાદી પ્રગતિશીલ ચહેરો ધરાવતાં અનેક સજ્જનો અંદરથી સંકટ અને દુઃખ અનુભવતાં હશે, પરંતુ રાજકીય મજબૂરીએ તેઓ મૂક હશે. બધે ધર્મસંકટ છે.
ઉત્તર ભારતના મંદિર માટે સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું સન્માન અને દક્ષિણ ભારતના મંદિર મામલે સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે વિરોધ. આ આંતરવિરોધ વચ્ચે મોદીજી સ્વયં દુઃખી હશે, ‘અજીબ દાસ્તાં’ હૈ.
સમાજસુધારાની ચાર રીત હોઈ શકે, પહેલી, સામાન્ય રોગો નિર્દોષ દવા – ટીકડીથી ઠીક થઈ શકે. બીજા પ્રકારની સારવારમાં ડૉક્ટર કંઈ નહીં થાય, એમ કહીને ઇન્જેક્શન આપી દે છે. ત્રીજા પ્રકારની સારવાર શલ્ય – ચિકિત્સાની છે અને ચોથા પ્રકારમાં ઉપર્યુક્ત ત્રણે ય સારવારનો સમન્વય હોય છે. ગાંધીજીની ‘હિંદ છોડો’ હાકલ શલ્યચિકિત્સા જેવી હતી.
સબરીમાલા મુદ્દે સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો તે શલ્યચિકિત્સા છે, પરંતુ તેમાં પછીની સારવારનું ખૂબ મહત્ત્વ છે.
શબરી શબ્દ સાથે ભગવાન રામ યાદ આવે. અયોધ્યાના ત્યાગ પછી વનવાસી રામનું સ્વરૂપ કરુણાનિધાન અને સેતુનિર્માણનું છે. પ્રજા પ્રજા વચ્ચે, પ્રદેશ પ્રદેશ વચ્ચે સેતુ સ્થપાયા. ઉત્તરના સામે દક્ષિણમાં રામેશ્વરની સ્થાપના કરી; પછી તો ઉત્તરનું ગંગાજળ રામેશ્વરમાં ચઢતું રહ્યું. આ સંવાદપ્રેમ અને કરુણાનું પરિણામ હતું. આ શાશ્વત હતું અને આ શાશ્વત અખંડિત રહે, એ જરૂરી છે.
ભલે, દક્ષિણમાં ‘રામરાજ્ય’ સ્થપાયું, પરંતુ એ રામરાજ્ય કરુણા, પ્રેમ, સદ્ભાવ અને સંવાદથી સ્થપાય એવું આપણે ઇચ્છીએ. અબ દક્ષિણ કી બારી હૈ, એવું આક્રમણ સ્વરૂપ ન હોય. ભલે ૨૦મી સદીમાં પણ શબરી (સબરીમાલા) અને અયોધ્યાના શ્રીરામનું મિલન દિવ્ય રીતે થાય, ગરિમામુક્ત થાય.
ગુરુકુળ રોડ, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 09 તેમ જ 14
![]()
અમેરિકાના My Book Reviewના ૨૮ જૂન, ૨૦૧૮ના અંકમાં હિટલરના સમયનાં ત્રણ જર્મન પુસ્તકોના અંગ્રેજી અનુવાદની સમાલોચના આપવામાં આવી છે. તેમાનાં મિલટન મેયરના They Thought they were free : The Germans, 1933-45 પુસ્તક વિશેની નોંધનો અનુવાદ રજૂ કર્યો છે. એ વર્ષોમાં અમે મુક્ત જ હતા ને!
મેયર જર્મન વંશના અમેરિકન પત્રકાર છે. તેમણે તો ૧૯૫૩માં હિટલરને મળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે મુલાકાત થઈ શકી નહોતી. મેયરને હિટલર વિશે વધુ જાણવામાં રસ એટલો નહોતો, જેટલો સામાન્ય નાગરિકો જે કાંઈ પરિસ્થિતિ હતી, તે વિશે શું વિચારતા કે સમજતા હતા તે જાણવું હતું. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી છ વર્ષે ૧૯૫૧માં તેઓ ફરી જર્મની ગયા અને તેમણે ધારેલી માહિતી મેળવવા પ્રયત્ન કર્યો હતો.
સામાન્ય નાગરિક, રોજ-બ-રોજ જીવી જનારાઓની દૃષ્ટિએ ત્યારે, એટલે કે ૧૯૩૩ની સાલથી ૧૯૩૯ની સાલ દરમિયાન જે બધું જર્મનીમાં થઈ રહ્યું તે વિશે શો અભિપ્રાય કે સમજણ ધરાવતા હતા તે તેમને જાણવું હતું. પહેલો તો એક જ જબરો આંચકો જે મેયરે અનુભવ્યો – ‘જર્મનીમાં દેખીતો કોઈ ‘વિરોધ’ ક્યાં ય હતો જ નહીં. ત્યારની સરકાર વિશે વિરોધ તો બહુ કાંઈ હતો જ નહીં. અમે, કોઈ એવા વિરોધ કરનારા હતા, એવું ક્યાંથી જાણીએ? કોઈ કરતા હોય તે કાંઈ જણાવે, પોતે વિચારે ને ભોગવે! જેના જેવા સંજોગ! એવા કોઈ હોય તો તે શા માટે તેમ કરે છે, તે જાહેર જ હતું ને! આપણે તો સમજી જ જઈએ ને!’ આવું તેમને કહેવાયું હતું. એક શિક્ષક ભાઈ સિવાય નવ મિત્રોએ ૧૯૩૩-૧૯૩૯ની સાલનો ગાળો એક સુવર્ણકાળ જેવો જ ભાસ્યો હતો!
૧૯૫૧માં તેમણે નાઝી પાર્ટીના દસ સભ્યો સાથે એક વર્ષ વિતાવીને, આત્મીયતા કેળવીને સૌને શું સમજાતું હતું, કેવા કેવા વિચારો ધરાવતા રહ્યા છે વગેરે જાણવાનો જે પ્રયત્ન કર્યો, તેની વાતો પુસ્તકમાં કરી છે.
કોઈ મોટી ઇમારતના રખેવાળ ભાઈ; એક સૈનિક; એક સુથાર દફતરમાં કામ કરતો મૅનેજર; બૅકરી ચલાવનારો; ઉઘરાણી કરનાર, બિલની રકમ મેળવનાર; એક ઇન્સ્પેક્ટર; એક હાઈસ્કૂલનો શિક્ષક, એક વિદ્યાર્થી બધી જ વ્યક્તિઓ સાથેના સંપર્કથી જે વાત સ્પષ્ટ થઈ, તેની રજૂઆત મેયરે કરી છે. તેઓ તમામ અલબત્ત, પોતાને એક સામાન્ય જન જણાવતા હતા, ફ્રેન્કફર્ટ શહેરથી થોડાક અંતરે આવેલા ‘મારબર્ગ’ નામના એક યુનિવર્સિટી ધરાવતા ગામના એઓ નાગરિકો હતા.
મેયર, આ મિત્રો સાથે હળીમળી ગયા. ક્યારેક કૉફી પીવા કે શહેરના કોઈ કાર્યક્રમમાં એવા મુક્ત ને સહજા કે આયોજન કરેલી બેઠકો, મિલનો, ભોજનો, ગપ્પાં મારવાં જેવા કાર્યક્રમો દ્વારા એ મિત્રોનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો. એ વાત એણે જરૂર સમજાવી હતી કે એનો ઉદ્દેશ દુનિયાના લોકોને સામાન્ય જર્મન નાગરિક ત્યારની જે ઘટનાઓ હતી તે વિશેનો તમારો સાચો મત જાણે તો ગેરઅર્થભરી વાતો થતી અટકાવી શકાય. એક જ વાત મેયરે નહીં જણાવેલી કે મૂળે યહૂદી હતા, અને પોતાના દાદા બહુ વહેલા અમેરિકા જઈને વસેલા હતા.
‘મારી સાથે સહજભાવે – મૈત્રીભાવે એટલી સારી રીતે તેઓ બધાએ વાતો કરી કે મને એમ જ લાગે છે કે તે વર્ષોમાં જો હું જર્મનીમાં હોત, તો હું તેમના જેવા જ વિચારો ધરાવતો હોત! સાચું કહું, માણસને બધી વાતોની શી જરૂર? જીવતા રહીએ અને રોટલો રળી ખાઈએ’ – આ ભાવ મેયર અમેરિકા પાછો ફર્યો ત્યારેય અનુભવતો રહ્યો. ‘હું કેવળ જર્મનોને નહોતો મળ્યો, જગતભરના માણસોને જે રીતે જીવે જાય છે, તે જોઈને આવ્યો હતો.’
જ્યારે જ્યારે આપખુદ સરકારો જોહુકમી એવાં કૃત્યો કરે ત્યારે તે દેશની બહારના, ત્યાંની વાતોને ચગાવીને જ જોવાનું કરતા હોય છે. ત્યાં જાતે રહેનારા તો રોજિંદા જીવનને નભાવતા રહેવામાં વ્યસ્ત રહી શકે છે. નાઝી સત્તાએ અલબત્ત, એ ૧૯૩૩થી ૧૯૩૯ સુધીનાં વર્ષોમાં સામાન્યજનનું જીવન સરળતાથી ચાલતું રહે તે પ્રયોજતા રહેવાનો પ્રયત્ન કર્યો હતો. ક્યાંક ગર્વ કરી શકાય એવી વાતો પણ ફેલાવાઈ રહી હતી. નોકરી કે કામ સહજ મળી રહેતાં, રહેણાકની પણ તકલીફ રહી નહીં. ‘નૉર્વે કે સ્પેન જેવા દેશની સહેલાણી તરીકે ફરવા જવાની પણ સગવડ અમને મળી હતી.’ આ જર્મનીનો ‘નવો યુગ’ નાગરિક માત્રને પ્રોત્સાહિત કરવા માટે જ ચાલી રહ્યો છે એ વિચાર પૂરો, પકડાયેલો હતો.
દસેદસ જણાંને હિટલર વિશે ઘણી સદ્ભાવભરી લાગણી હતી. કારણ? ‘એ તો! જનસામાન્ય માટે જ જીવનારો અમારો આગેવાન હતો. પહેલા વિશ્વયુદ્ધના શાંતિ-સમાધાનમાં જે આકરાં બંધનો જર્મની ઉપર બંધાયાં હતાં. તે તો એણે ક્યારનાયે નકારી કાઢ્યાં! અને રાષ્ટ્રને નવજીવન આપ્યું હતું. અહીંની પાર્લામેન્ટના નઠારા અને સ્વાર્થી સભ્યોને ક્યાં ય ભગાડી દીધા હતા. આખી સરકાર સ્વચ્છતાથી અને જનહિત માટે ચાલી રહી હતી. હિટલરે જે જાહેરજીવનની સફાઈ કરી એ તો ગર્વ કરવા જેવી જ સિદ્ધિ હતી!’
એક બૅંકના ક્લાર્કે કહ્યું હતું, “એમનાં વ્યાખ્યાનો અમને પૂરેપૂરાં જચી જતાં હતાં. તેઓને કુદરતની જે દેણ હતી તે સહજ વ્યક્ત થતી રહેતી હતી. એવું ક્યારેક બને કે તે સત્યથી વેગળી વાત કરી દેવાય. અરે સત્ય ‘ના’ પણ હોય! પરંતુ એક વાત પાકી, તેઓ જે કાંઈ કહેતા, તે બધી વાતો જાતે માનતા હતા તે જ કહેતા હતા!”
એક વાર આ મિત્રોને ૧૯૩૮ના છાપાંની એક કતરણ બતાવીને મેયરે પૂછ્યું હતું. નવેમ્બર, ૧૯૩૮ એક યહૂદીઓનું દેવળ નષ્ટ કર્યાના સમાચાર તેમાં છપાયેલા હતા. ‘ના ભાઈ ના ! અમે કોઈએ આવી વાત ત્યારે જાણી જ નથી. કેટલા ય યહૂદીઓને તેમની સલામતી માટે ક્યાં ય દૂર મોકલી દેવાયા હતા એ વાત હતી ખરી. અરે જેમને દૂર મોકલ્યાને તેમની મિલકતની વ્યાજબી કિંમત આપીને તેમનું ભવિષ્ય જળવાય એવી રીતે વિદાય કરવામાં આવ્યા હતા!’
જ્યારે મેયરે ૬૦ લાખ યહૂદીઓની હત્યાની વાત મૂકી, ત્યારે તે વાત તો એકેયને માન્યમાં આવતી જ ન હતી.
‘જુઓ ! દેશના કોઈ દુશ્મન હોય, તો તેને સહન કરવાનું આવે એ બન્યું હશે. બાકી ખોપરીઓનાં હાડપિંજરોના ફોટાઓ વગર જે આવે છે તેવું કાંઈ જ સાચું નથી’. બિલઉઘરાણી કરનારા મિત્રે ‘હિટલરને, પોતાને, તો તેની સાથે કશી લેવાદેવા હોઈ જ ના શકે. જેણે કહ્યું હોય કે ન હોય! થયું હોય તો ખોટું છે જ. પણ થયું નથી.’ દરજીએ કહ્યું, ‘એવું થયું હોય તો તે ખોટું છે પણ એ વાત હું તો માનતો જ નથી.’ બૅકરીવાળા ભાઈએ કહ્યું, ‘ત્યારે તો રોજ એટલી બધી વાતો આવતી રહેતી કે તેવી બધી વાતો વિશે વિચારવાનો અમારી પાસે સમય જ રહેતો નહોતો.’
જર્મનીમાં કોઈ ષડ્યંત્ર કરીને ‘નાઝીવાદ’ થોડો સર્જ્યો હતો. લોકોએ હોંશે હોંશે અપનાવ્યો હતો અને આનંદ-ઉત્સાહથી આવકાર્યો હતો. આપણે એવું વિચારીએ છીએ કે નાઝીવાદ ક્રૂરતાભર્યાં કદમોથી આગળ વધીને સ્થપાયો હતો, પરંતુ મેયરે જે સામાન્ય જનની ધરતી સમજવાનો પ્રયત્ન કર્યો. તેમને નાઝીવાદ કુદૃષ્ટિવાળો માન્યો જ નહોતો. આજે પણ તેઓ તે દુષ્કૃત્યો કરનારો વિચાર ગણવા તેઓ તૈયાર નથી.
મેયરને ત્યાંના એક ભાષાશાસ્ત્રીએ સમજાવ્યું હતું કે ‘જેમ જેમ દેશ આતંક તરફ ઢળતો ગયો અને તે બધું સાથે ચાલતું પણ જતું હોય છતાં તેને વિશે વિચાર કરવાને સવિનય કરવાનો સમય મળે જ નહીં તો એટલી ઝડપથી નવું નવતર કાંઈ આવીને ઊભું જ કરી દેવાનું રહેતું નથી. સત્તાધારીઓ કાંઈક નવાં નવાં નાટકો ને તમાશાઓ યોજતા રહેતા હતા. અને સાચા કે ખોટા દુશ્મનો વિશેની વાતો ફેલાવવાનું ચાલ્યા જ કરતું હતું. આવું આવું કરીને સમગ્ર પ્રજાને ધીમી ગતિએ પરંતુ ચોક્કસ દિશાની સમજણો પીરસાતી રહેતી હતી. દરેકે દરેક પગલું, નાનું કે મોટું સુનિશ્ચિત દિશાનું જ ભરાતું ગયું હતું. ખેડૂત મકાઈ વાવે, છોડ ક્યારે મોટો થયો, ક્યારે ડૂંડાં બેઠાં અને ક્યારે એને રોગ લાગ્યો એ જુએ ક્યારે ? એ તો ક્યારનો ય એને માથેથી ઉપર નીકળી જ ગયો હોયને !’
વેડછી / વડોદરા
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 10 તેમ જ 14
![]()

