Opinion Magazine
Number of visits: 10,229,036
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 23

દીપક મહેતા|Opinion - Opinion|22 December 2019

થાળીવાજું ને લોલકવાળું ઘડિયાળ, બંબો ને પાટલા:

સાપ તો ગયા, પણ લિસોટાય ના રહ્યા

ગયે શનિવારે આપણે કાલબાદેવી રોડ પર લટાર મારવામાં રોકાયા એટલે ભગવાનદાસકાકાને ઘરે જઈ ન શક્યા. પણ આજે તો જવું જ છે. આ આવ્યું ગોવિંદ નિવાસ. ભોંય તળિયે બે દુકાન છે, એક મોટી, એક નાની. મોટીનું નામ કાકાફોન. અજાયબ નામ લાગે છે નહિ? એ જમાનો હતો થાળીવાજું કહેતાં ગ્રામોફોનનો. દરેક ભાષાને પોતાની તાસીર હોય છે. નવી વસ્તુઓ માટે એ તાસીર પ્રમાણે તે નવાં નામ ઉપજાવી કાઢે છે. આવી બે નવી વસ્તુ તે રેકર્ડ અને ગ્રામોફોન. ગોળમટોળ રેકર્ડનું આપણે નામ પાડ્યું થાળી, અને તે વગાડવા માટેનું જે મશીન તે થાળીવાજું. સંસ્કૃતના હઠાગ્રહીઓએ જો કે ‘ધ્વનિમુદ્રિકા’ એવું જડબાતોડ નામ પાડેલું, પણ ઓલ ઇન્ડિયા રેડિયો સિવાય બીજે ક્યાં ય તે વપરાતું નહિ. પહેલાં તો ૭૮ આર.પી.એમ.ની જ રેકર્ડ આવતી. સાડા ત્રણ મિનિટમાં ખેલ ખતમ. એટલે જ શરૂઆતનાં ઘણાં વર્ષો ઘણીખરી હિન્દી ફિલ્મમાં દરેક ગીત સાડા ત્રણ મિનિટમાં પૂરું થઈ જતું. પછી ૪૫ અને ૩૩ આર.પી.એમ.ની રેકર્ડ આવી. થાળીવાજું પણ હાથ વડે ચાવી દઈને ચલાવવાનું. પછી ટર્ન ટેબલ પર રેકર્ડ મૂકી ગ્રામોફોન ચાલુ કરવાનું. હળવે હાથે રેકર્ડ પર સાઉન્ડ બોક્સ મૂકવાનું, એવી રીતે કે તેમાંની પીન ફરતી રેકર્ડની બહારની ધાર પર આવે. અને ગ્રામોફોનના ભૂંગળામાંથી સૂરો વહેવા લાગે: ‘બીના મધુર મધુર કછુ બોલ.’ આ કાકાફોનની દુકાનમાં થાળી અને થાળીવાજાં વેચાય, સાઉન્ડ બોક્સ અને તેમાં ભરાવવાની પીનની ડબ્બીઓ વેચાય, સ્પ્રિંગ, હેન્ડલ, ભૂંગળાં વેચાય. મોટા ભાગની રેકર્ડ એચ.એમ.વી. કંપનીની. ગ્રામોફોન સાંભળતા વફાદાર કૂતરાનું ચિત્ર ત્યારે વાઈરલ. થોડી રેકર્ડ કોલમ્બિયા કંપનીની. બંને વિદેશી. દેશી કંપની એક યંગ ઇન્ડિયા. આ દુકાનમાં કાચ જડેલી ત્રણ કેબિન. ખરીદતાં પહેલાં તમે એમાં બેસીને રેકર્ડ સાંભળી શકો. ગમે તો લેવાની. કેટલાક આ રીતે માત્ર સાંભળવા પણ જાય.

થાળીવાજું

બાજુમાં નાની દુકાન છે આપ્ટે કોલ્ડ ડ્રિંક હાઉસની. હજી ફ્રિજ આવ્યાં નથી એટલે લાકડાની મોટી મોટી પેટીઓમાં બરફ વચ્ચે મૂકીને બાટલીઓ ઠંડી રાખે. ૧૯૫૦ પહેલાં કોઈએ કોકા કોલાનું નામ નહોતું સાંભળ્યું. રોજર્સ, ડ્યુક, કાતરક, અને એવી બીજી થોડી કંપનીઓ. બાટલીઓ પણ ગોટી કે લખોટીવાળી. લાકડાના ડટ્ટાથી ગોટી ખોલીને આઈસક્રીમ સોડા કે રાઝબેરી, કે લેમન ગ્લાસમાં રેડે. ઉપરથી બરફના ગાંગડા નાખે. એક બાટલીની કિંમત એક આનો, કે બહુ બહુ તો બે આના. ૧૯૫૦માં કોકા કોલા પહેલી વાર આવ્યું ત્યારે એ સૌથી મોંઘું, એક બાટલીના ચાર આના. ‘બઝાર આઈસ’ ખવાય નહિ એવું એ વખતે કોઈ જાણે-માને નહિ. ઘણીખરી દુકાનો તાજું શરબત પણ વેચે. તેના રંગબેરંગી બાટલા એક છાજલી પર ગોઠવ્યા હોય. રોઝ, કાચી કેરી, ખસ, નારંગી, જે માગો તે શરબતનો એક ચમચો પાણીમાં ભેળવી, ઉપરથી બરફ નાખીને આપે. બે પૈસામાં અડધો ગ્લાસ શરબત પણ મળે! ફ્રિજ નહોતાં એટલે ઘરમાં કોલ્ડ ડ્રિંકની બાટલીઓ ભાગ્યે જ રખાય. જરૂર પડે ત્યારે આવી દુકાનમાંથી મગાવી લેવાય. આસપાસની દુકાનો કે ઓફિસો પણ ક્યારેક મગાવે. રાહદારીઓ દુકાનમાં આવી, લાકડાની પાટલી પર બેસી ગટગટાવી જાય. ઉનાળામાં ગિરદી, શિયાળા-ચોમાસામાં કાગડા ઊડે.

દીવાનખાનાનો દેખાવ

આ બે દુકાનની વચ્ચે મકાનનો દરવાજો છે. ચાલો ઉપર ચડીએ. શું? લિફ્ટ? નથી. હજી રહેણાકનાં મકાનોમાં લિફ્ટ આવી નથી. મોટી મોટી ઓફિસોવાળાં મકાનોમાં હોય. પણ એનો ઉપયોગ પણ સાહેબલોકો જ કરે. કારકૂન કે પટાવાળાએ તો પગથિયાં જ ઘસવાનાં. અને જો કોઈ ગોરો લિફ્ટમાં હોય તો તો બાકીના બધા ‘દેશી’ઓ બહાર જ અદબ વાળીને ઊભા રહી જાય. જરા સંભાળીને ચડજો. લાકડાનાં પગથિયાં બહુ વપરાવાને લીધે વચમાંના ભાગે થોડાં ઘસાઈ ગયાં છે. બાજુમાં લાકડાનો કઠેડો છે તે પકડીને ચડવા માંડીએ. અહીં દિવસે પણ ઝાઝું અજવાળું આવતું નથી એટલે ચોવીસ કલાક દરેક માળના લેન્ડિંગ પર ઝીરો વોટનો બલ્બ બળતો હોય. આ આવ્યો ચોથો માળ. એ વખતે બધી ઈલેક્ટ્રિકલ સ્વીચ ગોળ આકારની અને કાળા રંગની. લાઈટ-પંખા માટેની સ્વિચમાં વચ્ચે લિવર હોય, બેલ માટેની સ્વિચમાં લાલ પુશ બટન. બેલ વાગી પછી એકાદ મિનિટે સોનુ ઘરઘાટીએ મલપતી ચાલે આવી બારણું થોડું ખોલ્યું. ‘કોણ પાહિજે?’ ‘ભગવાનદાસ શેઠ.’ એ વખતે માન આપવા માટે નામ પછી શેઠ લગાડવું લગભગ અનિવાર્ય, ગુજરાતીઓમાં તો ખાસ. મોઢાં જોઇને લાગ્યું હશે કે ચોર કે માગવાવાળા નથી, એટલે સોનુએ બારણું પૂરું ઉઘાડ્યું. ઉઘડતે બારણે નીચે ‘ભલે પધાર્યા’ લખેલું કાથાનું પગ-લુછણિયું મૂક્યું છે. ફર્શ સફેદ કપચી(મોઝેઇક)ની છે. તેમાં વચ્ચે વચ્ચે લાલ, લીલી, ભૂરી કપચીથી ફૂલ-પાંદડાંની ડિઝાઈન બનાવી છે.

લોલકવાળી ઘડિયાળ

ભગવાનદાસકાકા ચાર રૂમના ઘરમાં રહે છે. ‘ફ્લેટ’ કે ‘અપાર્ટમેન્ટ’ શબ્દ હજી અજાણ્યો છે. બી.એચ.કે. કે સ્ક્વેર ફીટની ભાષા કોઈએ સાંભળી નથી. ડ્રોઈંગ રૂમ દીવાનખાનું કે બેઠકના ઓરડા તરીકે ઓળખાય છે. તેમાં બેસવાની વ્યવસ્થા પણ આજના કરતાં અલગ છે. રૂમની વચમાં મોટું ગોળ લાકડાનું ટેબલ અને તેને ફરતી ચાર કે છ લાકડાની ખુરસી. ભીંત સરસાં કાં કબાટ, કાં ટેબલ, કાં લાંબા કોચ – આજના સોફાના પૂર્વજ. જુઓ: બારીઓ પર કાચની ભૂંગળીઓના બનાવેલા ચક (પડદા) લગાડ્યા છે – કશું ઢાંકવા માટે નહિ, શોભા માટે. ઉપર વિલાયતી નળિયાંવાળું ઢળતું છાપરું છે એટલે સિલિંગ બહુ ઊંચી છે. તેથી સિલિંગ ફેનને બદલે એક નાના સ્ટૂલ પર ટેબલ ફેન ગોઠવ્યો છે. ચાર ભીંત પર ચાર લાઈટ છે, કાચના સફેદ શેડવાળી. દરેકમાં ૪૦ વોલ્ટના બલ્બ. એક દિવાલ પર મોટું કેલેન્ડર લટકે છે, વિષ્ણુ ભગવાનના ચિત્રવાળું. પૈસા ખરચીને ભગવાનદાસકાકા આ કેલેન્ડર નથી લાવ્યા. દાણાવાળાએ મફત આપ્યું છે. કેલેન્ડર પર એક સાબુની જાહેર ખબર છાપી છે એટલે દુકાનદારને આવાં કેલેન્ડર ઘરાકોમાં વહેંચવા માટે મફતમાં મળ્યાં છે. તેની નીચે લાકડાના ટેબલ પર એક ગ્રામોફોન અને એક રેડિયો મૂક્યાં છે. બીજી દીવાલ પર મોટું, લાંબું, લાકડાનું, લોલકવાળું ઘડિયાળ લટકે છે. દર શનિવારે સોનુ તેને ચાવી આપે છે. ત્રીજી દિવાલ પર ભગવાનદાસકાકાનાં મા-બાપનો જૂનો થઇ ગયેલો, ડાર્ક બ્રાઉન કલરની લાકડાની ફ્રેમમાં મઢેલો સેપિયા રંગનો ફોટો છે. ખોટાં લાલ ગુલાબના ફૂલનો હાર દર બે-ત્રણ વરસે બદલાય છે.

તારીખિયું

અને ચોથી દિવાલ પર છે ભગવાનદાસકાકા અને તેમનાં પહેલી વારનાં પત્નીનો ફોટો. લગ્ન પછી ત્રણ વર્ષે સુમનકાકી ટીબીમાં ગુજરી ગયાં. તેમની સાથે પડાવેલો એકમાત્ર ફોટો ભગવાનદાસકાકાના આગ્રહથી અહીં લટકાવ્યો છે. પહેલી પત્ની પાછી થઈ તે પછી ત્રીજે મહિને ભગવાનદાસકાકાએ બીજાં લગ્ન કર્યાં, ઉંમરમાં ૧૩ વરસ નાનાં વિલાસકાકી સાથે. ઘરમાં એકલાં હોય ત્યારે ઘણી વાર વિલાસકાકી ‘સુમન’ના ફોટા સામે તાકી રહે છે. મનમાં સવાલ ઊઠે છે: વિલાસ, તારી સાથેનો ફોટો ભીંત પર કેમ નહિ? તરત એ જ મન જવાબ આપે છે: ફોટો લટકાવવો હોય તો સુમનની જેમ મરવું પડે. અને એ તો આ ઉંમરે પણ ત્રીજીને ઘરમાં લાવે એવા છે. એના કરતાં છીએ તે જ ઠીક. વિલાસકાકી ચોવીસે કલાક ગુજરાતી ઢબે સાડી પહેરે છે અને માથું ઢાંકેલું રાખે છે. બંને હાથમાં સોનાની જાડી બંગડી. ગળામાં મંગળસૂત્ર. કમરે ચાંદીના ઝૂડામાં ભરાવેલી ઘરના કબાટોની ચાવીઓ. મોટા દીકરા શિવલાલની વહુ રમીલા સાથે વિલાસકાકીને બહુ નથી બનતું, પણ ઘર હોય ત્યાં બે વાસણ ખખડે પણ ખરાં એમ વિચારી મન વાળી લે છે. વિલાસકાકી માંડ માંડ ગુજરાતીમાં સહી કરી શકે છે, જ્યારે રમીલા સાત ચોપડી ભણેલી છે. સસરાજી દુકાને જાય પછી ગુજરાતી છાપું લઈને વાંચે છે. વિલાસકાકીને પાક્કી ખાતરી છે કે રોજ છાપું વાંચવાથી જ આ વહુ ‘બગડી’ ગઈ છે. શિવલાલ અને રમીલાને ત્રણ છોકરાં – બે બાબા અને એક બેબી. સૌથી નાની બેબી, ચૌદેક વરસની થઈ છતાં હજી ઘરમાં ફરાક પહેરે છે તે વિલાસકાકીને જરા ય ગમતું નથી. ભગવાનદાસકાકાનો નાનો દીકરો રમેશ ‘ઇન્ટર પાસ’ છે. તેનું મન શેર બજારના લિયા-દિયા તરફ વળેલું છે. ભગવાનદાસકાકાની દીકરી સુશીલાને ધરમપુરમાં ‘મોટે ઘરે’ પરણાવી છે. સુખી છે. વરસે દહાડે પિયર આવે ત્યારે વિલાસકાકી તેને ભાવતી જાયફળ નાખેલી વેડમી ખાસ બનાવે છે. સુશીલા આવે ત્યારે ઘરનાં બધાં એડવર્ડ થિયેટરમાં એક-બે ફિલ્લમ જોવા જરૂર જાય છે. તે રહે એટલા દિવસ રમીલાનો તોબરો ચડેલો રહે છે કારણ સુશીલાને જ્યાં હરવુંફરવું હોય, જે ખાવુંપીવું હોય તેની છૂટ હોય છે. અને હા, તે તો ‘બંગાળી ઢબે’ જ સાડી પહેરે છે. અને માથે ઓઢતી નથી. સુશીલા આટલી બધી ‘સુધરેલી’ છે તેનું કારણ એ કે તેનાં સાસુ-સસરા અગાઉ ઘણાં વરસ આફ્રિકા અને પછી ઇંગ્લન્ડમાં રહ્યાં હતાં. થોડાં વર્ષો પહેલાં જ તેઓ ધરમપુર પાછાં આવ્યાં હતાં. એટલે જૂનવાણી રિવાજોમાં માનતાં નહોતાં.

પાણી ગરમ કરવા માટેનો બંબો

આપણે ભગવાનદાસકાકાના દીવાનખાનામાં નજર ફેરવતા બેઠા હતા ત્યારે વિલાસકાકી ધીમેથી રસોડામાં સરકી ગયાં હતાં. ના, રસોડામાં નથી ગેસના ચૂલા, નથી ફ્રિજ, નથી ડાઈનિંગ ટેબલ અને ખુરસીઓ. રસોડાની એક બાજુએ દસ-બાર લાલ રંગના લાકડાના પાટલા ખડકેલા છે. રોજની રસોઈ કોલસાની ભઠ્ઠી પર થાય છે. એટલે બદામી કોલસાની ગુણ રસોડાના એક ખૂણામાં પડી છે. ચા-કોફી કરવા માટે એક પ્રાઈમસ છે. પ્રેશર કૂકર કે મિક્સર હજી આવ્યાં નથી. આદુ-મરચાં-કોથમીર પથ્થર પર વાટી રોજ તાજી ચટણી બને છે. વાસણો ઘણાંખરાં પિત્તળનાં છે. દર બે-ત્રણ મહિને તેને કલાઈ કરવા માણસ આવે છે. બે અભરાઈઓ ઉપર પિત્તળનાં ચળકતાં વાસણ હારબંધ ગોઠવ્યાં છે. બીજી એક અભરાઈ પર મેથિયું, છૂંદો, ગોળકેરી, ગરમર-ગુંદાં, જેવાં અથાણાંના મોઢું બાંધેલા સફેદ બાટલા ગોઠવ્યા છે. આખું વરસ ચાલે એટલાં અથાણાં ઉપરાંત વડી-પાપડ વગેરે દર ઉનાળે ઘરમાં જ બને છે. એ વખતે અડોશપડોશની સ્ત્રીઓ મદદ કરવા આવે છે અને કેટલાંક ટાબરિયાં વણેલા પાપડ અગાસીમાં સૂકવવા માટે દોડાદોડ કરે છે. હજી વોટર ફિલ્ટરનો જમાનો આવ્યો નથી. નળ ઉપર માદરપાટના કટકાનું ગરણું બાંધી દીધું એટલે પત્યું. બે માટલાં અને એક નળવાળી કોઠીમાં રોજ તાજું પાણી ભરવાનું કામ રમીલાને માથે છે. ઘરઘાટી સોનુ માટે એક નાની માટલીમાં અલગથી પાણી ભરાય છે. નહાવાની ઓરડી(બાથ રૂમ)માં ગરમ પાણી માટે તાંબાનો મોટો બંબો છે. રોજ સવારે કોલસા પેટાવી તેમાં પાણી ગરમ થાય છે. હજી ભાગ્યે જ કોઈ ઘરોમાં શાવર હોય છે. નહાવા માટે તાંબા કે પિત્તળનાં બાલદી-લોટો વપરાય છે.

ચાલો પાછા દિવાનખાનામાં. જર્મન સિલ્વરનાં કપ-રકાબીમાં ગરમાગરમ અને ઘરમાં બનાવેલા  મસાલાવાળી ચા અને પિત્તળની રકાબીમાં ચેવડો અને શંકરપારાનો નાસ્તો લઈને રમીલા આવી ગઈ છે. આજે હવે જર્મન-સિલ્વર વપરાતું બંધ થયું છે. તેમાં સિલ્વર કહેતાં ચાંદી તો તલભાર હોતી નથી એટલે એ નામ વાપરવા પર પણ કાયદાથી પ્રતિબંધ મૂકાયો છે. પણ એ વખતે જર્મન સિલ્વરનાં વાસણ સ્ટેટસ સિમ્બલ ગણાતાં. ચા-નાસ્તાને ન્યાય આપીને ચાલો, ‘આવજો’ કહીને દાદરા ઊતરી જઈએ. એ વખતે કવિ ‘કાન્ત’નું એક ગીત લોકોમાં સારું એવું પ્રચલિત થયું હતું:

મહેમાનો ઓ વહાલાં પુનઃ પધારજો,
તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો.

પણ ગોવિંદ નિવાસનાં પગથિયાં ઊતર્યા પછી ક્યાં જવાનું છે? રાહ જુઓ આવતા શનિવાર સુધી.

e.mail : deepakbmehta@gmail.com   

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 21 ડિસેમ્બર 2019

Loading

ડૉ. બાબાસાહેબ આંબેડકર સંપૂર્ણ અક્ષરદેહ; અનુવાદ અને પરામર્શન અંગે

રાજુ સોલંકી|Opinion - Opinion|21 December 2019

મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગે ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર : રાઇટિંગ્સ ઍન્ડ સ્પીચીઝ’ના નામથી બાબાસાહેબ આંબેડકર પ્રગટ-અપ્રગટ અંગ્રેજી લખાણોને બહાર પાડવાના કરેલા નિર્ણય અંતર્ગત ૧૪ એપ્રિલ, ૧૯૭૯ના રોજ વૉલ્યુમ વન બહાર પડ્યું હતું. આ વૉલ્યુમનાં કુલ ૪૯૬ પાનાંમાંથી ૨૪૦ પાનાંનું ગુજરાતી કરાવડાવીને ચૌદ વર્ષ પછી ગુજરાત સરકારે બાબાસાહેબ ડૉ. આંબેડકર સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ – ૧ બહાર પાડ્યો હતો. ગુજરાતી ગ્રંથ – ૧ના પ્રબંધ સંપાદક  દિનકર પંડ્યા, અનુવાદક ડૉ. રવીન્દ્ર ઠાકોર હતા અને પરામર્શકો ડૉ. ચંદ્રકાંત મહેતા તથા શ્રી નિરંજન ત્રિપાઠી હતા.

આ ગુજરાતી ગ્રંથનાં સંપાદન, અનુવાદ અને પરામર્શન ત્રણેય તબક્કાઓમાં ભયાનક વેઠ ઉતારવામાં આવી છે અને તેના પાને પાને અક્ષમ્ય ક્ષતિઓ જોવા મળી છે.

૧. અંગ્રેજી વૉલ્યુમમાં પાના નંબર પાંચ પર ૨૩-૨૪મી લીટીઓમાં મૂળ લખાણ આ પ્રમાણે છે, “but unfortunately it still remains in the domain of the ‘unexplained’…” (પરિશિષ્ટ એક) જેનું ગુજરાતી સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ – ૧માં પાંચ નંબરના પાના પર ૨૨-૨૩મી લીટીઓમાં આ પ્રમાણે છે, “…પણ હજી તે ‘અસ્પષ્ટતા’ના રિસ્લેના જ રહ્યા છે…” (પરિશિષ્ટ બે) ખરેખર સાચો અનુવાદ આ પ્રમાણે છે, “…પણ હજી તે ‘અસ્પષ્ટતા’ના ક્ષેત્રમાં જ રહ્યા છે…” હવે અહીં રિસ્લે શબ્દ ક્યાંથી આવ્યો? અંગ્રેજી વૉલ્યુમના સાતમા પાના પર અગિયારમી લીટીમાં “According to Sir H. Risley…” (પરિશિષ્ટ ત્રણ) લખ્યું છે, જેનો ગુજરાતી અનુવાદ ગુજરાતી ગ્રંથના સાતમા પાના પર પચીસમી લીટીમાં “સર એચ.ના મત પ્રમાણે…” એમ છે, જેમાંથી રિસ્લે શબ્દ ઉડાડી મુકાયો છે અને તેને પાંચમા પાના પર ચોંટાડી દીધો છે. (પરિશિષ્ટ ચાર) આ તો માત્ર એક ઉદાહરણ છે, આવી તો અસંખ્ય ક્ષતિઓ ગુજરાતી અનુવાદના પાને પાને જોવા મળે છે.

૨. ગુજરાતી અનુવાદક ડૉ. રવીન્દ્ર ઠાકોર અંગ્રેજીના પ્રાધ્યાપક હતા, પરંતુ તેમને જાતિ (race) અને વંશ(caste)માં શું તફાવત છે તેની ક્યાં તો ખબર નહોતી, અથવા તો તેમણે ફરક કરવાની કાળજી લીધી નથી. જેમ કે, અંગ્રેજી વૉલ્યુમના પાના નંબર આઠની આડત્રીસમી લીટી આ પ્રમાણે છે, “The various races of India occupying definite territories have more or less fused into one another….” (પરિશિષ્ટ પાંચ) આ વાક્યનો ગુજરાતી અનુવાદ ગુજરાતી ગ્રંથ – ૧ના પાના દસની ચૌદમી લીટીમાં આ પ્રમાણે છે, “નિશ્ચિત પ્રદેશોમાં વસતી હિંદની વિવિધ જાતિઓ વત્તાઓછા અંશે એકમેકમાં ભળી ગઈ છે…..” (પરિશિષ્ટ છ). આ ભૂલ પ્રૂફરીડિંગની નથી, અનુવાદકથી માંડીને પરામર્શક અને છેલ્લે મુખ્ય સંપાદક, કોઈએ આ અનુવાદનું કામ ગંભીરતાથી લીધું નથી, એ સ્પષ્ટ જણાય છે. જેણે બાબાસાહેબનું મૂળ અંગ્રેજી વાંચ્યું નથી, તેવો સામાન્ય વાચક આવો અનુવાદ સાચો છે, એવું માનીને એવો અભિપ્રાય આપે કે બાબાસાહેબને જાતિ (caste) અને વંશ (race) વચ્ચે શું ફરક હતો, તેની ખબર નહોતી, તો આવા પુસ્તકના પ્રકાશનનો મૂળ હેતુ જ માર્યો જશે.

૩. અત્રે દર્શાવેલી ભૂલો હાલના ગ્રંથમાં કે હવે પછીના પ્રકાશનમાં ‘શુદ્ધિપત્રક’ મૂકીને દૂર કરી શકાય એમ નથી. સમગ્ર ગ્રંથનો ફરી અનુવાદ અને પરામર્શન થાય તો જ આ ભૂલો સુધરી શકે.

૪.  બાબાસાહેબના ગ્રંથોના પ્રકાશનમાં ગુજરાતમાં એક અત્યંત મહત્ત્વની બાબત ઉવેખવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રમાં બાબાસાહેબના ગ્રંથોનું પ્રકાશન કરવાનું નક્કી થયું. ત્યારે સરકારે આંબેડકરવાદી અગ્રણીઓ, નામાંકિત કવિ-લેખકો સહિતની અઠ્યાવીસ વ્યક્તિઓની બનેલી ‘ડૉ. બાબાસાહેબ આઁબેડકર સોર્સ મટીરિયલ પબ્લિકેશન કમિટી, મહારાષ્ટ્ર સ્ટેટ’ની રચના કરી હતી. (પરિશિષ્ટ સાત). આવી કોઈ જવાબદાર સમિતિના અભાવમાં ગુજરાતમાં બાબાસાહેબની ગરિમાને લાંછન લાગે તેવા અનુવાદો થયા છે અને સમગ્રપણે અક્ષરદેહની કામગીરી ટીકાપાત્ર બની છે. ગુજરાતમાં મહારાષ્ટ્રની પૅટર્ન પ્રમાણે આવી કોઈ સમિતિની રચના થાય અને તે સમિતિ પૂરતી જવાબદારી સાથે આ ભગીરથ કામ ઉપાડી લે, તો સરકારની પ્રતિષ્ઠા વધશે, ઓછી નહીં થાય. બાબાસાહેબના ગ્રંથોના પ્રકાશન અંગે સરકારે કોઈ નિયમો બનાવ્યા જ નથી, તમામ કાર્ય ઉભડક રીતે થયું છે. એક અત્યંત મહત્ત્વનું કાર્ય ચોક્કસ ધારાધોરણો મુજબ થવું જોઈએ જે નથી થયું.

બાબાસાહેબ જેવી વિદ્વાન વ્યક્તિના વિચારોને લાંછન લગાવે એવાં કૃત્ય કરનારા ગુજરાતી લેખકોએ એ સમજી લેવું જોઈએ કે હવે કલમમાં કસાઈઓની કલમ દ્વારા ઠંડા કલેજે કરવામાં આવતી વૈચારિક હત્યા પકડી પાડે તેટલી જાગૃતિ તો લોકોમાં આવી ગઈ છે. લોકોને ફક્ત મહાપુરુષોનો જયજયકાર કરતા જ નહીં પણ તેમના વિચાર-વારસાને ભવિષ્યની પેઢી માટે સંરક્ષિત કરતા પણ આવડે છે.

આંબેડકરવાદીઓની સરકારમાં આ રજૂઆત અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે બાબાસાહેબના વૉલ્યુમના અનુવાદમાં થયેલી ભૂલો સુધારવામાં આવશે. જો કે, મંત્રીએ અનુવાદમાં અક્ષમ્ય વેઠ ઉતારનારા અનુવાદક, પરામર્શકો અને સંપાદકનો બચાવ કર્યો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2019; પૃ. 06-07 

Loading

રેંટિયા ઉપર ટોપો?

સિતાંશુ યશશ્ચન્દ્ર|Opinion - Opinion|21 December 2019

કોઈ પણ પ્રશ્ન પરથી પ્રજાનું ધ્યાન હટાવવું હોય તો સહેલો રસ્તો એ પ્રશ્નને અઘરો કરવાનો, ગૂંચવી મારવાનો છે. સાહિત્યિક સંસ્થાઓની સ્વાયત્તતાના પ્રશ્નને એ રીતે ગૂંચવી મારવાની યુક્તિઓ કાબિલેદાદ છે, પણ પ્રજાવિઘાતક છે. તો સ્વાયતત્તા અંગે થોડીક સીધી વાત કરીએ.

સવાલ સરકાર અને સાહિત્ય વચ્ચેના સમ્બન્ધનો છે. (ન કે કોઈ બે સાહિત્યિક સંસ્થાઓ વચ્ચેના કોઈ વિખવાદનો.) સવાલ એ છે કે પોતાની પ્રજામાં જે સાહિત્યકારો છે, સાહિત્યના લેખકો, વાચકો, વગેરે, એમના ઉપર સરકારે ભરોસો રાખવો જોઈએ કે નહીં ? પોતપોતાના લોકશાહી બંધારણ અનુસાર ચૂંટણી દ્વારા રચાયેલા કાર્યકારી મંડળો (પ્રમુખ, મંત્રીઓ, કારોબારી, મધ્યસ્થ આદિના સભ્યો) જે-તે સાહિત્યિક મંડળનું સંચાલન કરે, એ એક રીત થઈ. સ્ટાલિનના સોવિએટ યૂનિયનમાં, અને પાકિસ્તાન જેવા ધર્મ-આધારિત રાષ્ટ્રમાં કે અર્થકારણ વડે નિયંત્રિત સમૂહમાધ્યમોમાં એ લોકશાહી રીત ન ચાલે. સવાલ એ છે કે ગુજરાતમાં શુ ચાલે ? ગુજરાતની હાલની સરકારને પોતાની પ્રજામાં રહેલા સાહિત્યકારો (લેખકો-ભાવકો) ઉપર વિશ્વાસ છે ? કે પછી એ સરકાર એમ માને છે કે સાહિત્યકારો હજી એને લાયક નથી ? હાલ તો સરકારે નીમેલા પ્રમુખ-મંત્રી (હવે તો પોતે નીમેલા સલાહકાર કે સંચાલક મંડળને પણ રુખસદ આપી દેવાઈ છે), એવી સરકાર નિયુક્ત કોઈ બેલડી દ્વારા સાહિત્યિક સંસ્થા ચલાવવી?

અંગ્રેજોએ ૧૯મી સદીમાં આવું વલણ અપનાવેલું. ‘વ્હાઈટ મેન્સ બર્ડન’ના સુશોભિત નામે એ વલણ એમણે ઓળખાવેલું. એવી કોલોનિયલ સત્તા કહેતી કે આ ભારતીયોને પોતાનું રાજય ચલાવતાં, પોતાની અન્ય સંસ્થાઓ ચલાવતાં આવડતું નથી. એટલે એ બોજો, એમના લાભાર્થે, અમે ઉંચકીએ છીએ. ભારતની શી દુર્દશા એ કોલોનિયલ પાવરે કરી, એ આજના આપણા લોકશાહી ઢબે ચૂંટાઈ આવેલા દરેક પક્ષના અગ્રણીઓ જાણે છે.

પ્રજાની કલ્પનાશીલતાને, સંવેદનશીલતાને, વિચારશીલતાને પોતાની પકડમાં રાખવાનું વલણ ગમે તે નામે હોય, ગમે તે એને ‘માય બર્ડન’ ગણતું હોય, પણ એ વલણ પ્રજાની અને રાષ્ટ્રની, સમાજની અને રાજ્યની પાયમાલી તરફ જ દોરી જાય.

ભારતીય સંસ્કૃતિ ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધઃ’ એમ માને છે. છ દર્શનોને, ઉપરાંત ત્રણ એથી અલગ દર્શનોને પોષનારી ભારતીય સંસ્કૃતિમાં કોલોનિયલ કલ્ચર ઘુસી ન જાય, એકવીસમી સદીમાં, એની તાકીદ સહુ કોઈ વિચારવંત રાખે.

રાજાને પણ ટપારનાર તેજસ્વી ચારણી કવિઓમાં કેટલાક કઢીદાનજીઓ પણ પાક્યા. રાજ્યાશ્રયી, ધર્માશ્રયી, વિત્તાશ્રયી લેખન કરવું છે કે આપમહેનતે આપસૂઝથી, પોતાની રીતે આગળ વધવું છે ? ગુજરાતી લેખક નક્કી કરે. આજની રાજ્યસરકાર શું ચાહે છે ? પ્રજાની, પોતાના સાહિત્યકારોની, સ્વતંત્ર ચેતનાનું પ્રફુલ્લન કે પછી નિયંત્રણ?

નક્કી કરીએ. કોલોનિયલ પાવર સામે, જીતવી અશક્ય લાગે એવી લડાઈ, એવા સ્વાતંત્ર્યસંગ્રામો, ભારતીય પ્રજા લડી જાણે છે. હસતી હસતી. અંગ્રેજો સામેની લડાઈમાં એક ગીત હતું : ‘રેંટિયા રૂપી તોપો સરકાર મેલે પોકો.’ – હસી હસીને લડત જારી રાખી શકતા ગુજરાતે એમાં રમૂજી ફેરફાર કર્યો હતો ‘રેંટિયા ઉપર ટોપો’ – મૂકી તો જોયો પણ તો ય – ‘સરકાર મેલે પોકો’.

મારા ભાઈઓ, સ્વાયત્તતા લેવી સ્હેલ છે – જો કઢીદાનજી તમે ન હો અને કોલિનિયલ સરકાર ગાંધીનગરમાં ન હોય તો તો તરત …

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2019; પૃ. 08

Loading

...102030...2,7642,7652,7662,767...2,7702,7802,790...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved