Opinion Magazine
Number of visits: 10,228,618
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના વચ્ચે ‘ધ પ્લેગ’, ‘એનિમલ ફાર્મ’ અને ‘ઓલ્ડ મૅન એન્ડ ધ સી’નું સ્મરણ

ગણેશ દેવી|Opinion - Literature|12 April 2020

નિ:શંકપણે, વર્ષ ૨૦૨૦ કોરોના વાઇરસનું છે. તેનો આશય માનવજાતનું નિકંદન કાઢી નાખવાનો હોવાનો સત્તાવાર સ્વીકાર થઈ ચૂક્યો છે. ગયા વર્ષે વૈજ્ઞાનિકોએ ઔપચારિક રીતે ‘એન્થ્રોપોસેન’ યુગની, એટલે કે જેમાં માનવજાત કુદરતનું નિકંદન કાઢી રહી છે તેવા સમયની, શરૂઆતની જાહેરાત કરી. તેના એક વર્ષ પછીનું આ વર્ષ છે. આ બે અંતભણીનાં યુદ્ધોના મુખ્ય કથાનકમાં બીજાં અનેક નાનાં કથાનકો પણ છે. જેમ કે, અનેક દેશોમાં જમણેરીઓ અને લોકશાહી-તરફી પરિબળો વચ્ચે ચાલી રહેલું યુદ્ધ, નાગરિક એટલે એક તરફ ઘરબાર સાથે સ્થાપિત લોકો જ હોય અને બીજી તરફ વિચરતી અને સ્થળાંતરિત પ્રજાનો પણ સમાવેશ થાય એ બે વિચાર વિશેનું યુદ્ધ, રાજ્ય વિશેના ધર્મઆધારિત ખયાલ અને ધર્મ સિવાયના ખયાલ વચ્ચેનું યુદ્ધ. બીજી પણ પેટાકથાઓ છે, જે લિંગ, વર્ગ, ઓળખ, ભાષા અને ઇતિહાસની ફરતે ઘૂમી રહી છે. આપણી વચ્ચે અને આપણી આજુબાજી એટલું બધું બની રહ્યું છે કે કોઈ પણ ભાવિ ઇતિહાસકાર માટે ૨૦૨૦ના વર્ષનું સંપૂર્ણ વર્ણન કરવું એ બહુ મોટો પડકાર બની રહેશે. વર્તમાન ક્ષણના ખભે, એ જે ઇતિહાસ ઘડી રહી છે તેનો ભારે બોજો આવી પડ્યો છે, માટે તેની પાસે ભૂતકાળ યાદ કરવાનો સમય ના હોય તે સમજી શકાય. નવેસરથી મળેલી સ્મૃતિ ઘણી વાર વર્તમાનમાં ઘડવામાં આવતાં કથાનકોને વેરવિખેર કરી નાખતી હોય છે, અને કોરાણે કરવામાં આવેલી સ્મૃતિ આવાં કથાનકોની વિશ્વસનીયતા પર શંકા ઊભી કરી શકે છે.

દુનિયા પાસે અત્યારે કદાચ સમય નથી એ યાદ કરવાનો કે આજથી બરાબર 75 વર્ષ પહેલાં સાથી રાષ્ટ્રો દ્વિતીય વિશ્વ યુદ્ધમાં વિજયી થયાં હતાં અને 75 વર્ષ પહેલાં 30મી એપ્રિલે હિટલરે પોતાના જીવનનો અંત આણ્યો હતો. આપણે આપણા કામકાજમાં એટલા વ્યસ્ત છીએ કે આપણને એ યાદ ના આવે કે બ્રિટિશ સિપાહી પિટર કૂમ્બ્ઝે બર્જન-બેલ્સેનના કૉન્સન્ટ્રેશન કેમ્પમાં ગોંધી રાખવામાં આવેલા લોકોને મુક્ત કર્યા હતા, ત્યારે તેને ખબર પડી હતી કે ત્યાંના યહૂદીઓ અને બીજા કેદીઓ ટાઈફોઈડના મોટા રોગચાળાનો ભોગ બન્યા હતા. કૂમ્બ્ઝે નોંધેલું કે દરરોજ કમ-સે-કમ 300 લોકો મૃત્યુ પામતા હતા અને અંદર 10,000થી વધુ શબ એકઠાં થઈ ગયાં હતાં. જે સિપાહીઓએ શબને દફનાવ્યાં તેમની પાસે હાથમોજાંનું રક્ષણ પણ નહોતું. જે દિવસે ભારતને તાળું દેવાનાં ત્રણ અઠવાડિયાં ટેકનિકલી પૂરાં થાય છે, તેના બરાબર 75 વર્ષ પહેલાં એ બન્યું હતું.

યાદ કરવા લાયક બે-એક સાહિત્યિક કૃતિઓ પણ છે – એ કારણે નહિ કે અન્યથા તે કદાચ ભૂલાઈ જશે, પણ એ કારણે કે અન્યથા આપણે કદાચ ભૂલી જઈશું કે આપણા સમયમાં આપણે ક્યાં ઊભા છીએ. તેમાંથી એક કૃતિ ફ્રેન્ચ નવલકથાકાર અને વિચારક આલ્બેર કામુની છે. 1947માં પેરિસની ગાઈમાર પ્રકાશન સંસ્થાએ ‘લા પેસ્ત’ તરીકે પ્રકાશિત કરી અને 1948માં સ્ટુઅર્ટ ગિલ્બર્ટે ‘ધ પ્લેગ’ નામે અંગ્રેજી અનુવાદમાં રજૂ કરી, તે આ નાની એવી નવલકથાની વિશ્વભરમાં ચર્ચા થઈ. કામુ 29 વર્ષની ઉંમરથી તેના પર કામ કરી રહ્યા હતા. તેમને ‘પ્લેગને રીડીમ કરવા’ (એટલે કે પ્લેગની બિહામણી બાજુની સામે કંઈક શુભ સર્જન કરી પરત આપવા, કહો કે પ્લેગનું શોધન કરવા) એક નવલકથા લખવાનો વિચાર હતો. આમ તો તેમણે નવલકથામાં તેમના વતન અલ્જિરિયામાં રોગચાળાના લાંબા ઇતિહાસને આશરો લીધો હતો, પણ તેમના સમયના વાચકોને અને પછીની પેઢીઓના વાચકોને એ સમજવામાં વાર ના લાગી કે કામુ જે પ્લેગ વિશે લખી રહ્યા હતા તે મરકી હતી ફાસીવાદની. નવલકથાને નાની સફળતા મળી તે 1957માં માત્ર 44 વર્ષના કામુને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મળ્યું તેમાં જોવા મળી, અને વધુ ઝળહળતી સફળતા મળી તે એ કે પોતપોતાના સમયે અસ્તિત્વની કટોકટીમાં ફસાયેલી દુનિયાભરમાં એક પછી એક યુવા પેઢી દાર્શનિક પોષણ માટે તેના તરફ વળતી રહી. ‘ધ પ્લેગ’નું મુખ્ય પાત્ર છે ઓરોં શહેરનો બેર્નાર રિય, જે અવિસ્મરણીય અસ્તિત્વવાદી વલણ લે છે, “હું જ્યાં હોઉં ત્યાં અને જે થઈ શકે તે કરવું”. 75 વર્ષ પહેલાં યુરોપ પર બર્જન-બેલ્સેનની ગંધ છવાયેલી હશે, ત્યારે કામુ તેના વાચકોને કહેવા માગતા હતા : મહેરબાની કરીને પલાયન થવાની વાત કરશો નહિ, બસ, લડત ચાલુ રાખો.

બીજું પુસ્તક જે મને સાદ દે છે તે એરિક બ્લેરની રાજકીય દૃષ્ટાન્તકથા છે. ભલે બહુ થોડા અંશે, પણ તેઓ આપણા પોતાના બિહારીબાબુ હતા. બિહારના મોતિહારીમાં તેમનો જન્મ થયો. પિતા અંગ્રેજ અને માતા ફ્રેન્ચ-બર્મિઝ હતા. નાનપણમાં બ્લેરને ભણતર માટે ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા. જેમતેમ શાળાજીવન પૂરું થયું ત્યારે ૧૯ વર્ષની ઉંમરે તેમણે ઈન્ડિયન ઈમ્પિરિયલ પોલીસ સર્વિસમાં જોડાવાનું પસંદ કર્યું અને બર્મામાં નોકરી માગી. તેમણે પોલીસની નોકરી ચાલુ રાખી હોત, પણ વણસતી તબિયતના કારણે તેમણે બ્રિટિશ ઈન્ડિયા છોડીને બ્રિટન પરત થઈ પત્રકાર અને લેખક તરીકેની કારકિર્દી અજમાવી. તેમણે લેખક તરીકે તખલ્લુસ અપનાવ્યું, ‘જ્યોર્જ ઓર્વેલ’. પછી તો એ ઉપનામ તેમને જ નહિ, વિશ્વ સાહિત્યને પણ વળગેલું રહ્યું. તેમની લઘુનવલ ‘એનિમલ ફાર્મ’ 1945માં પ્રકાશિત થઈ હતી, આજથી 75 વર્ષ પહેલાં. તેનો ફ્રેન્ચ અનુવાદ પ્રસિદ્ધ થયો 1947માં, જે વર્ષે કામુની ‘ધ પ્લેગ’ પ્રકાશિત થઈ.

કામુનો વિષય પશ્ચિમી યુરોપનો ફાસીવાદ હતો, તો ઓર્વેલનો વિષય હતો સોવિયેત સંઘનો એકહથ્થુ સત્તાધારી સામ્યવાદ. તેમની વાર્તામાં તેમણે હેતુપૂર્વક વિવિધ પશુ પાત્રોના સંઘને ‘યુનિયોં દ રિપ્યુબ્લિક સોસિયાલિસ્ત એનિમાલ’ નામ આપ્યું, જેને મિતાક્ષરીમાં યુ.આર.એસ.એ. એટલે કે ‘ઉર્સા’ કહેવાય. લેટિનમાં ‘ઉર્સા’ એટલે રીંછ, જે સાંસ્કૃતિક પરિભાષામાં રશિયાનું પ્રતીક છે. તેમણે તો આર્થર કોસ્લરને લખ્યું પણ હતું કે ફ્રેન્ચ અનુવાદ “રાજકીય કારણોસર” વિલંબ પડ્યો છે. (કોસ્લરને પણ ઓર્વેલની જેમ જ આપખુદ શાસનોમાં ઔચિત્ય અને માનવીય સન્માન પર થતા હુમલાઓ માટે ભારે ધિક્કાર હતો.) ઓર્વેલ 1903માં જન્મ્યા હતા અને 1950 સુધી જીવ્યા. કામુ બરાબર દસ વર્ષ પછી, 1913માં જન્મ્યા હતા, અને ઓર્વેલના ગયા પછી બીજાં દસ વર્ષ જીવ્યાં. માત્ર યોગાનુયોગ, બીજું શું! પણ એ યોગાનુયોગ નથી કે બંનેને સાથે મેળવીએ તો ફાસીવાદ અને કોઈ પણ પ્રકારના આપખુદ શાસનનો સામનો કરવાની એક સંપૂર્ણ કાર્યપદ્ધતિ મળે છે. કામુએ પ્રતિકાર માટેનો એક દાર્શનિક આધાર આપ્યો છે, જે તેમણે ‘ધ મિથ ઓફ સિસિફસ’ (1942) નામના નિબંધમાં ઘણી પ્રભાવશાળી રીતે રજૂ કર્યો છે. ઓર્વેલે આપણને આપખુદ શાસનોને ખુલ્લા પાડવા પૂરી શબ્દાવલિ આપી છે : બિગ બ્રધર, થૉટ પોલીસ, થૉટ ક્રાઈમ, મિનિસ્ટ્રી ઓફ ટ્રુથ-લવ-પીસ-પ્લેન્ટી, મૅમરી હોલ, ડબલ થિન્ક અને ન્યૂસ્પીક જેવા શબ્દો તેમણે જ પ્રયોગમાં લીધા અને હવે તે સૌ અંગ્રેજી ભાષાનો ભાગ બની ગયા છે.

આ વસંતે જ્યારે આપણો દેશ અને દુનિયા ‘પેન્ડેમિક’ સ્તરના વૈશ્વિક રોગચાળાનો સામનો કરી રહ્યા છે, જ્યારે સાહિત્યે રાજકારણનું શ્રેષ્ઠ ફોરેન્સિક એનાલિસીસ (અપરાધવિજ્ઞાની પૃથક્કરણ!) રજૂ કર્યાને 75 વર્ષ થયાં છે, ત્યારે વિશ્વભરમાં લોકશાહીની મંજૂરી લઈને આવેલી સરમુખત્યારશાહીઓનાં વાદળ છવાયાં છે. આ વસંતે કદાચ આપણી પાસે એ યાદ કરવાનો સમય નહિ હોય કે માત્ર પોણી સદી પહેલાં દુનિયાએ આ બધું જોયેલું જ હતું. વર્ષ ૨૦૨૦ની આપણી દુનિયા જ્યારે વિચારના વિષાણુઓનો અને તેના ચેપમાંથી બહાર આવતી હિંસાનો સામનો કરી રહી છે, ત્યારે સમય છે એ યાદ કરવાનો કે કામુ અને ઓર્વેલની પેઢીને એ જ વસ્તુનો વધુ કઠોર સ્વરૂપમાં સામનો કરવો પડ્યો હતો અને છતાં તેમણે હિમ્મતપૂર્વક કલમ પકડીને માનવવિચારને વધુ સમૃદ્ધ કર્યો હતો.

ફ્રેન્ચ કામુ અને અંગ્રેજ ઓર્વેલની પેઢીના વધુ એક વિશિષ્ટ લેખક હતા અમેરિકન હૅમિંગ્વે. તેમની લઘુનવલ ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ (1952) પણ  ‘એનિમલ ફાર્મ’ અને ‘ધ પ્લેગ’ પછી ગણતરીનાં વર્ષોમાં પ્રકાશિત થઈ. અર્નેસ્ટ હૅમિંગ્વેને કામુ કરતાં થોડાં વર્ષો પહેલાં નોબેલ પારિતોષિક મળ્યું. ૨૦૨૦માં આપણે પારાવાર આર્થિક સંકડામણ અને ઇતિહાસમાં અભૂતપૂર્વ એવા વાઇરસના ફેલાવાથી ત્રસ્ત છીએ, જ્યારે આપણે એવી દુનિયા જોઈ રહ્યા છીએ જેમાં રાષ્ટ્રીય સીમાઓ કારાવાસની દીવાલો જેવી બની રહી છે, જ્યારે આપણે દરેક ‘અન્ય’ને વાઇરસવાહક અને સંભવિત જોખમ તરીકે જોતા શીખી રહ્યા છીએ, ત્યારે આપણે બે ઘડી સમય કાઢીને યાદ કરવું જોઈએ કે ૩૦મી એપ્રિલ ૧૯૪૫ના રોજ હિટલરે આત્મહત્યા કરી ત્યારથી ૧૯૫૨ વચ્ચે ઓર્વેલ, કામુ અને હેમિંગ્વે જેવા લેખકોએ દુનિયાને નવી સંવેદનશીલતા, અસીમ આશા અને તેમના સમયના રોગચાળાઓનો સામનો કરવાના નવા રસ્તા બતાવ્યા હતા. એક વાર સુનિશ્ચય કરી લો, તો પછી બુઢ્ઢો માણસ, ધ ઓલ્ડ મૅન, પણ અશક્ય જણાતું કામ કરી શકે છે. એક વાર સુનિશ્ચય થઈ જાય, તો પછી ભલે થાકેલી હોય, પણ પ્રાચીન સંસ્કૃતિ અશક્યને શક્ય બનાવી શકશે, ભલે વાઇરસ ઘાતક રહ્યો તો રહ્યો!

(“ધ ટેલિગ્રાફ” 09 એપ્રિલ 2020)

https://www.telegraphindia.com/opinion/albert-camus-george-orwell-ernest-hemingway-and-the-novel-coronavirus/cid/1763286?ref=opinion_opinion-page

અનુવાદઃ આશિષ ઉપેન્દ્ર મહેતા 

e.mail : ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 12 ઍપ્રિલ 2020

Loading

બહુજનની પીડાનું આભ ફાટ્યું છે

રાજુ સોલંકી|Opinion - Opinion|12 April 2020

અમદાવાદ, રામાપીરના ટેકરાથી એડવોકેટ સુરેશ પરમાર જણાવે છે કે, જૂના વાડજમાં નારણકાકાનો વાડો, ચંદ્રભાગાનો ખાડો વિસ્તારમાં અંદાજે 45 દેવીપૂજક પરિવારો હાલ મુશ્કેલીમાં છે. જૂનાં કપડાંના બદલામાં વાસણ વેચતાં લોકો લૉક ડાઉનમાં ભૂખે મરી રહ્યાં છે. આ ઉપરાંત, ભાવસાર હોસ્ટેલની સામે, રબારી વસાહતમાં વાલ્મીકિ વસાહતમાં 55 વાલ્મીકિ પરિવારો ભૂખે મરે છે. એ વિસ્તારના કોર્પોરેટરો મુકેશ મિસ્ત્રી, પ્રદીપ દવે ફોન ઉઠાવતા નથી. મકરબા રોડ, હુસૈની બેકરી પાસે, અદાણી સ્કૂલની બાજુમાં સૈયદ સાહેબની વાડી, તલાવડીના વિસ્તારમાં મજૂરી કરતા, રીક્ષા ચલાવતા, ટ્રાન્સપોર્ટમાં લોડિંગ-અનલોંડિગનું કામ કરતા અંદાજે પચાસ પરિવારો સુધી કોઈ પહોંચ્યું નથી, એમ ઝોમેટો કંપનીમાં ડિલિવરીનું કામ કરતા મોહમદ યાસીનભાઈ જણાવે છે.

શાહપુરમાં પ્રાઇવેટ ટ્યુશન કરતા જાવેદ મલિક જણાવે છે કે દૂધેશ્વર ધોબીઘાટ ચાર રસ્તા પાસે આવેલા જૂના મ્યુનિસિપલ સ્ટાફ ક્વાટર્સમાં ધોબી, મારવાડી સમુદાયોના પરિવારોને હાલ ખાવાનાં સાંસાં છે. ઇસ્ત્રી કરીને કપડાં ધોઇને ગુજરાન ચલાવતા લોકો લૉક ડાઉનમાં હાથે પગે થઈ ગયા છે. સાબરમતી ટોલનાકા પાસે રહેતા ધવલ પરમાર જણાવે છે કે મોટેરા ગાંધીવાસમાં વીસેક ચાલીઓમા અંદાજે પંદર હજાર પરિવારો પૈકીના મોટા ભાગના લોકો હાલ સંકટમાં છે. મોટા ભાગના છૂટક મજૂરી કરે છે. એમને બી.પી.એલ. કાર્ડ હોવા છતાં અનાજ મળ્યું નથી. વાસણા બેરેજ પાસે, સ્મશાનની બાજુમાં દેવીપૂજકોના અંદાજે 60-70 છાપરાં છે. તેઓ વાસણા કડિયા નાકે કડિયાકામે જતાં હતાં અને કેટલાંક શાકભાજી વેચતાં હતાં. ધંધા ઠપ્પ છે. હાલ બધા બેકાર છે. રેશનકાર્ડ પર અનાજ મળતું નથી. કેટલાક લોકો એક-બે વાર ખીચડી લઇને આવેલા, પછી કોઈ ડોકાયું નથી. તેમના વિસ્તારના કોર્પોરેટર ફોન ઉપાડતા નથી, એમ અનિલ રામજીભાઈ ધાનેચાએ જણાવ્યું છે.

મોટેરા, એન્જિનિયરિંગ કોલેજની સામેથી વિશ્વ હિન્દુ પરિષદના સેવાપ્રમુખ રમેશપુરી ગોસ્વામી જણાવે છે કે, એમના વિસ્તારમાં પીજી તરીકે રહેતા બીજા રાજ્યોના અંદાજે 25 જેટલા યુવક-યુવતીઓ મુશ્કેલીમાં છે. તેઓ હિન્દીભાષી છે અને પોતાના વતનમાં જઈ શકે તેમ નથી. એમને મદદ કરવા ગોસ્વામીભાઈએ વિનંતી કરી છે. કાલુપુરમાં હંજર સિનેમા પાસે નાગોરી પટેલની ચાલીમાં રહેતા અબ્દુલ કુદ્દુસ જણાવે છે કે એમના વિસ્તારમાં સરવે કરવા ટીચરો આવ્યા નથી. એલ્યુમિનિયમ સેક્શનનું કામ કરતા અબ્દુલભાઈ ગઈ કાલ સુધી 200 જણા માટે રસોડું ચલાવતા હતા. હવે બંધ કર્યું છે. જમવાનું વહેંચવા માટે બહાર જઈ શકતા નથી. એમણે એમના ઝોનના એસ્ટેટ અધિકારી કિશોર પટેલને અસંખ્ય વાર ફોન કર્યા છે, પરંતુ તેઓ ફોન ઉપાડતા નથી.

પિરાણા રોડ પર ચેપી રોગની હોસ્પિટલ સામે આવેલી દૂધાભાઈની ચાલીના રામજીભાઈ ઝાંખેશરા જણાવે છે કે આ ચાલીમાં અંદાજે પચાસ પરિવારો ભયંકર સંકટમાં છે. છૂટક મજૂરી પર નભતા લોકોને હાલ ખાવાના ફાંફા છે. અમરાઈવાડીમાં જોગણીમાતાના મંદિર પાસે ચામુંડાનગર ખાતે રહેતા સુનીલભાઈ સાધુ જણાવે છે કે એમને કાર્ડ પર અનાજ મળ્યું નથી. ટોરન્ટમાં ખાડા ખોદવા જતા સુનીલ સાધુનો પરિવાર હાલ સંકટમાં છે. વેજલપુરમાં ટોરન્ટ પાવરની પાછળ ઉવેશ પાર્કમાં રહેતા માજિદભાઈ જણાવે છે કે એમના વિસ્તારમાં કેટલાક પરિવારોની હાલત અત્યંત ખરાબ છે. એમને કોઈપણ પ્રકારની સરકારી સહાય મળતી નથી. અસારવામાં ઓમનગર પાસે રૂપસિંગની ચાલીમાં રહેતા ભેરુભાઈ પવાર જણાવે છે કે એમની ચાલીમાં ગરીબ પરિવારો ભૂખે મરે છે. ‘તમારા ધારાસભ્ય પ્રદીપ પરમારને જણાવો’ એવું મેં એમને કહ્યું, તો કહે છે એમની કોઈ મદદ મળતી નથી.

ઓઢવમાં સી.એમ.સી. ગળીના કારખાના સામે, ક્રિષ્ણા એપાર્ટમેન્ટની બાજુમાં આવેલી વાલ્મીકિ વસાહતમાં છાપરામાં રહેતાં 40 પરિવારો હાલ ભૂખે મરે છે. એમની પાસે એ.પી.એલ. કાર્ડ છે. રાશનનું અનાજ મળતું નથી. એમને મદદની જરૂર છે, એમ ત્યાં રહેતા સુરેશભાઈ વાલ્મીકિ જણાવે છે. કઠવાડા, એસ.પી. રિંગ રોડ પર, જી.આઈ.ડી.સી. પાસે AUDA(ઔડા)નાં મકાનો છે, મધુમાલતી. અહીં 574 પરિવારો રહે છે. મોટા ભાગનાં ફેક્ટરી મજૂર છે. હાલ લૉક ડાઉનમાં ખાવાના ફાંફા છે, એમ સ્થાનિક રહીશ અને ભાજપના કાર્યકર રમેશભાઈએ જણાવ્યું છે. અહીં વરસાદનાં પાણી ભરાઈ ગયેલાં અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આવેલા, એવું એમને યાદ છે.

‘તમારા કોર્પોરેટર કોણ છે?’

‘હિનાબેન પટેલ’.

‘તો એમને કેમ વાત નથી કરતા? સસ્તા અનાજની દુકાન ખોલાવીને બધાને રાશનપાણી અપાવી દો.’

જવાબમાં રમેશભાઈ હેં હે કરીને લાચારી વ્યક્ત કરે છે.

ઠક્કરનગર, નરેશ ટ્રેડર્સની પાસે વસંતનગરનાં છાપરા છે. ત્યાંથી કિશન પટણીનો ફોન આવ્યો. ત્રીસેક પટણી(દેવીપૂજક)નાં ઘર છે. કોઈ છૂટક મજૂરી કરતા હતા, તો કોઈ હીરાના કારખાનામાં જતા હતા, તો કોઈ કડિયાકામે જતા હતા. બધાં હવે ઘરે બેઠાં છે. રેશનકાર્ડ હોવા છતાં અનાજ મળ્યું નથી. ખાવાના ફાંફા પડી ગયા છે. ખોડિયાર માતાના મંદિર પાસે પાર્શ્વનાથ ટાઉનશિપમાંથી રાજુ ખુલ્ટે જણાવે છે કે અહીં કરિયાણું મળતું નથી. લોકો પરેશાન છે. કોર્પોરેટર હીરાબહેન પટેલ છે. સરસપુર, બોમ્બે હાઉસિંગ કોલોની પાસે પુષ્પજીત એસ્ટેટમાં વીસ લોકો લૉક ડાઉનમાં ફસાઈ ગયા છે. અત્યાર સુધી સીતારામ મઢુલીવાળા ખાવાનું આપતા હતા, હવે એ પણ બંધ થઈ ગયું છે, એમ ભા.જ.પ.ના કાર્યકર વિનોદ વર્માએ જણાવ્યું હતું. અહીં કોર્પોરેટરો કિરીટ પરમાર, તૌફિકખાન અને શાંતાબહેન પંચાલ છે, એમ તેમણે જણાવ્યું હતું. ઓઢવ સોનીની ચાલીમાં રહેતા તેજસ પ્રજાપતિ લૉક ડાઉનમાં પરેશાન છે. એમની પાસે હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાનું કાર્ડ છે. આ કાર્ડ એસ.જી. હાઇવે પર રહેતા કોઈ શૈલેષ તિવારીએ એમને આપ્યું છે. ‘તિવારી માનવ અધિકાર અપાવી રહ્યા છે. ખાવાનું નથી અપાવતા?’ એમ પૂછતાં તેજસભાઈ મુંઝાઈ ગયા હતા.

નિકોલ ગામમાં નીલકંઠ મહાદેવના મંદિર પાસે મહાદેવવાસમાં લોકો ભારે તકલીફમાં છે. મોચીકામ કરતા દિલીપભાઈ રવજીભાઈ, ઇડલીની લારી ચલાવતા અમૃતભાઈ પ્રજાપતિ, નાસ્તાની લારી ચલાવતા કૌશિક ચાવડા, ટૂંકમાં બધાના નાના-મોટા ધંધા લૉક ડાઉનમાં બંધ થઈ ગયા છે. આ બધાં ભાડાનાં ઘરોમાં રહે છે. મહિના પછી ભાડુ કઈ રીતે ભરીશું એની ચિંતા એમને સતાવી રહી છે. બહેરામપુરા, જી.આઈ.ડી.સી. સામે, આંબેડકરબ્રિજની બાજુમાં આશાપુરા નગરથી દેવશીભાઈ મોહનભાઈ જણાવે છે કે ત્યાં છૂટક મજૂરી કરતા વીસ પરિવાર તકલીફમાં છે. મૂળ તેઓ વીરમગામના છે. રોજીરોટી માટે અમદાવાદ આવીને વસેલા છે. ‘સ્થાનિક કોર્પોરેટર કમળાબહેન કૉન્ગ્રેસનાં છે. એમને કેમ કહેતા નથી?’, તો કહે છે, ‘હું ભા.જ.પ.નો કાર્યકર છું’. આમને શું કહેવું?

ગોતા હાઉસિંગ, મહાત્મા ગાંધી વસાહતથી ધર્મેન્દ્ર સુથાર જણાવે છે કે, ત્યાં લીલાબહેન પંચાલ નામનાં એક વિધવા માજી છે, એમનો દીકરો અંધ છે. તે ભૂખે મરી રહ્યાં છે. એમના માટે ફુડ પેકેટની વ્યવસ્થા કરો. ‘તમે પડોશીધર્મ બજાવો’ એવું ધર્મેન્દ્ર સુથારને હું કહી ના શક્યો, એનો વસવસો છે. શાહપુર ફાયરબ્રિગેડ પાસે રહેતા મયૂર સોલંકીની બાજુમાં 85 પરિવારો મુશ્કેલીમાં છે. છૂટક મજૂરી કરીને જીવનવ્યાપન કરતા આ લોકો પાસે કરિયાણું ખરીદવાના પણ પૈસા નથી, એમ મયૂરે જણાવ્યું છે. શાંતિવન સોસાયટી, ગેરતપુરથી મનોજ કુરીલ જણાવે છે કે ત્યાં 60 મકાનો છે. અમે ભા.જ.પ.ના જ કાર્યકર્તા છીએ. અમારા કોર્પોરેટર અતુલ પટેલ છે. પહેલા કૉન્ગ્રેસમાં હતા. હવે ભા.જ.પ.માં જોડાયા છે. પ્રદીપસિંહ જાડેજાના ખાસ મિત્ર છે. અતુલભાઈ સંકટ મોચન હનુમાન પાસે રસોડું ચલાવે છે, પણ હવે અમે ત્યાં જઈ શકીએ એમ નથી. ‘અતુલભાઈને કહો કે તમને બધાને સસ્તા અનાજની દુકાન ખોલાવીને ઘર દીઠ રાશન અપાવે. કોર્પોરેટર છે. આટલું કામ તો કરી શકે છે.’ મનોજ કહે છે કે, એવું થઈ શકે એમ નથી.

સ્વૈચ્છિક રીતે ગરીબો, જરૂરિયાતમંદ લોકોને જમાડતા સેવાભાવી લોકોનાં રસોડાં સરકારે બંધ કરી દીધાં. ‘તમારું બનાવેલું અમને આપો. અમે પહોંચાડી દઇશું’ એવી સરકારે જાહેરાત કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાત ઝોનના એસ્ટેટ અધિકારીઓનાં નામ, મોબાઇલ નંબર સાથે જાહેરાત કરી હતી. કોઈ અધિકારી ફોન ઉપાડતા નથી. લોકોની મુશ્કેલીઓ વધતી જાય છે. ભા.જ.પ.ના સામાન્ય, ગરીબ કાર્યકરો મુંઝાઈ ગયા છે. છપ્પનિયા દુકાળ જેવો ભયાનક સમય છે. કોરોના મારશે એ પહેલાં ગરીબો-બહુજનો ભૂખથી મરી જશે, એવી બીક લાગે છે. મને ફોન કરતા લોકોની વિગતો નોંધીને અહીં ટૂંકમાં મૂકી છે. આ તો હિમશીલાનું ટોચકું છે. બહુજનોની પીડાનું આભ ફાટ્યું છે.

સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 11 ઍપ્રિલ 2020

Loading

ચલ મન મુંબઈ નગરી — 39

દીપક મહેતા|Opinion - Opinion|11 April 2020

ઇસ્ટરના પવિત્ર દિવસોમાં પવન પાવડીને સથવારે મુલાકાત મુંબઈનાં કેટલાંક ચર્ચની

અને પ્રાર્થના કે અમારા શહેરને જલદીથી સાજુંસારું, હસતું-રમતું, હરતું-ફરતું કરી દેજો

‘મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા

ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે’

કવિ મનોજ ખંડેરિયાની આ પંક્તિઓ આજે યાદ કરવા પાછળ ખાસ કારણ છે. ઈસ્ટરના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. એટલે વિચાર આવ્યો કે મુંબઈનાં કેટલાંક ચર્ચની મુલાકાત લેવી જોઈએ. પણ અત્યારે તો લોકડાઉન ચાલે છે. ચર્ચનાં બારણાં પણ બંધ છે. પણ આપણી પાસે તો પવન પાવડી છે ને, શબ્દોની પવન પાવડી. એ આપણને ઘડીના છઠ્ઠા ભાગમાં ગમે ત્યાં લઈ જશે, ગમે તે સમયમાં લઈ જશે. તો ચાલો, તૈયાર થઈ જાવ, વાચક મિત્ર.

‘પવન પાવડી!’

‘હુકમ માલિક.’

‘ચાલ.’

‘ક્યાં જવાનું છે?’

‘પહેલાં ચાલ માઉન્ટ પોઈસર.’

‘જેવો આપનો હુકમ, માલિક.’

માઉન્ટ પોઈસરનું ચર્ચ

તો આ છે બોરીવલી નજીક આવેલું માઉન્ટ પોઈસર, અને અહીં આવેલું છે મુંબઈનું જૂનામાં જૂનું ચર્ચ. જો કે એ વખતે આ વિસ્તાર મુંબઈનો ભાગ નહોતો. અહીં ખંભાતના સુલતાન બહાદુરશાહનું રાજ ચાલતું. પણ તેના રાજ્ય પર મોગલ બાદશાહ હુમાયુએ આક્રમણ કર્યું એટલે ખંભાતનો સુલતાન પોર્તુગીઝોની મદદ માટે દોડ્યો. પોર્તુગીઝો આવી તક જવા દે? તેમણે સેન્ટ મેથ્યુ નામના પોતાના વહાણ પર સુલતાનને વાટાઘાટ માટે બોલાવ્યો. એ વહાણ પર ૧૫૩૪ના ડિસેમ્બરની ૨૩મી તારીખે વસઈના કરાર પર સહીસિક્કા થયા. વસઈ અને તેની આસપાસનો પ્રદેશ, દમણ, મુંબઈના ટાપુઓ, વગેરે પ્રદેશ સુલતાને પોર્તુગીઝોને હવાલે કર્યો. ૧૫૪૭માં ફ્રાન્સિસ્કન પાદરી એન્ટોનિયો દ પોર્તો અહીં આવ્યા અને તેમણે જે ચર્ચની સ્થાપના કરી તે આજે અવર લેડી ઇમેક્યુલેટ કનસેપ્શન તરીકે ઓળખાય છે. પરંપરાગત માન્યતા પ્રમાણે આ ચર્ચની સ્થાપના ૧૫૪૪માં થઈ હતી. પણ ઇતિહાસકારો કહે છે કે આ પાદરી ૧૫૪૭માં જ આ વિસ્તારમાં પહેલી વાર આવ્યા હતા એટલે આ ચર્ચની સ્થાપના ૧૫૪૭ પછી જ થઈ હોવી જોઈએ. થોડાં વર્ષો પછી પોર્તુગીઝ ગવર્નરે આ ચર્ચના નિભાવ માટે અને ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે માઉન્ટ પોઈસર ગામ એ પાદરીને ભેટ આપ્યું.  પછી ૧૫૫૬ અને ૧૫૫૯ વચ્ચે ગોરેગાંવ અને આરંગલ એ બે ગામો એ પાદરીએ ખરીદી લીધાં. ચર્ચની બાજુમાં ‘રોયલ કોલેજ’ અને મોનાસ્ટ્રી શરૂ કરી. પણ પછી મરાઠા આક્રમણને કારણે આ ચર્ચની માઠી દશા બેઠી. તે છેક ૧૮૮૮માં વાંદરાના ભાવિકોએ ચર્ચનું મકાન નવેસરથી બંધાવ્યું. ત્યાર બાદ ૧૯૧૨ અને ૧૯૬૦માં પણ તેનું સમારકામ અને નવીનીકરણ કરવામાં આવ્યું. દર વર્ષે ૮મી ડિસેમ્બરે અહીં ‘ફીસ્ટ’ની ઉજવણી થાય છે ત્યારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે.

ખંભાતના સુલતાન અને હુમાયુના લશ્કરો વચ્ચેનું યુદ્ધ

‘ચલો પવન પાવડી આગળ વધો.’

‘હવે ક્યાં જવાનું છે, માલિક?’

‘હવે લઈ જા અમને વાંદરા.’

‘માલિક, ઇસ્ટ કે વેસ્ટ?’

‘વેસ્ટમાં આવેલ સેન્ટ એન્ડ્રુઝ ચર્ચ.’

‘જેવો આપનો હુકમ, આકા.’

સેન્ટ એન્ડ્રુઝ ચર્ચ

તો કદરદાન મહેરબાન વાચક! આ છે મુંબઈનું બીજા નંબરનું સૌથી જૂનું ચર્ચ. મુંબઈના ટાપુઓ પોર્તુગીઝોના હાથમાં આવ્યા તે પછી વાંદરાનો વિસ્તાર જેસુઈટ પાદરીઓને સોંપવામાં આવ્યો. બ્રધર મેનોએલ ગોમ્સ, જે ‘એપોસ્ટલ ઓફ સાલસેટ’ તરીકે ઓળખાય છે તે અહીં આવીને વસ્યા. તેઓ ‘દેશી’ લોકોની ભાષા જાણતા હતા એટલે સહેલાઈથી તેમની સાથે ભળી શકતા હતા. એ વખતની એક ધનવાન સ્ત્રીએ વાંદરામાં ચર્ચ બાંધવા માટે મોટી રકમનું દાન આપ્યું. એટલે ૧૫૭૫માં આ ચર્ચ બાંધવાનું કામ શરૂ થયું. એ વખતે આખા સાલસેટ(આજના મુંબઈ)માં એ સૌથી મોટું અને સુંદર ચર્ચ ગણાતું હતું. પણ છેલ્લાં ૪૦૦ વર્ષમાં આ ચર્ચને ઘણી આસમાની-સુલતાની જોવી પડી છે. ચર્ચનું બાંધકામ શરૂ થયું તે પછી કલકત્તાના બિશપે અને મુંબઈની સરકારે તે સામે વાંધો લીધો હતો. કારણ એ વખતે હિન્દુસ્તાનમાં નવાં ધર્મસ્થાનકો બાંધવાની તેઓ વિરુદ્ધ હતા. આના જવાબમાં જણાવાયું હતું કે બીજા ધર્મના લોકો મુંબઈમાં પોતાનાં ધર્મસ્થાનકો સરકારની પરવાનગી લીધા વગર અને કશી રોકટોક વગર બાંધી શકે છે, તો ખ્રિસ્તી ધર્મ સામે જ આવો ભેદભાવ શા માટે? ૧૬૧૮માં આવેલા મોટા વાવાઝોડામાં આ ચર્ચનું આખું છાપરું ઊડી ગયું! પછી ૧૭૩૯માં સાલસેટ ઉપર મરાઠાઓએ આક્રમણ કર્યું ત્યારે આ ચર્ચ તેમના હાથમાં ન આવે એટલા ખાતર પોર્ટુગીઝોએ જ તેને ધરાશાયી કર્યું હતું! લાકડાનો બનેલો ચર્ચનો પોર્ટિકો (આગલો ભાગ) જર્જરિત થયો હોવાથી ૧૯૬૬માં તેને તોડીને નવું બાંધકામ થયું હતું. આ ચર્ચના આંગણામાં જે મોટો ક્રોસ આવેલો છે તે એક જ પથ્થરમાંથી કોતરવામાં આવ્યો છે. ચર્ચના બે મિનારા પણ તોડીને નવેસરથી બાંધવામાં આવ્યા છે. આ ચર્ચમાં ‘મધર ઓફ પર્લ’ તરીકે ઓળખાતું મધર મેરીનું પૂતળું પણ એક બાજુ જોવા મળે છે. તેને અંગે એવી દંતકથા છે કે વાંદરાના માછીમારોને આ પૂતળું દરિયામાંથી મળ્યું હતું અને તેઓ એને ચર્ચમાં લઈ આવ્યા હતા. તેનું અહીં સ્થાપન કરવામાં આવ્યું હતું. આજે પણ ખ્રિસ્તીઓ ઉપરાંત હિંદુ, મુસ્લિમ અને પારસી લોકો પણ આ પૂતળાને પૂજે છે.

‘ચાલ, પવન પાવડી, હવે આગળ જઈએ.’

‘પણ ક્યાં, બોસ?’

‘હોર્નીમેન સર્કલ.’

‘ખબર છે, બોસ? આ જગ્યા પહેલાં એલ્ફિન્સ્ટન સર્કલ તરીકે ઓળખાતી, અને તેની પહેલાં કોટન ગ્રીન તરીકે. એ વખતે અહીં રૂનો વેપાર થતો.’

‘અરે, પવન પાવડી! તને આ બધી ખબર ક્યાંથી?’

‘કેમ, ભૂલી ગયા બોસ, હું માત્ર સ્થળમાં જ નહિ, કાળમાં પણ ભમી શકું છુ.’

સેન્ટ થોમસ કથીડ્રલ

તો વાચક રાજ્જા! આ છે સેન્ટ થોમસ કેથીડ્રલ. એની કથા જરા લાંબી છે. અગાઉ આપણે જે બે ચર્ચની મુલાકાત લીધી તે મુંબઈ પર પોર્તુગીઝોનું રાજ હતું ત્યારે બંધાયેલાં.

જ્યારે આ ચર્ચ બ્રિટિશ રાજ દરમ્યાન બંધાયું છે. જેને બ્રિટિશ મુંબઈના પિતા તરીકે ઓળખી શકાય તે ગવર્નર ગેરાલ્ડ ઓન્ગીઆરને આ ચર્ચ બાંધવાનો વિચાર આવ્યો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના નોકરો પાસેથી તેમણે ૫૦ હજાર રૂપિયાનો ફાળો ભેગો કર્યો. ૧૬૭૬માં ચર્ચના મકાનનો પાયો નખાયો. ત્રણ વરસ સુધી તો અહી બાંધકામ ચાલ્યું, પણ પછી ઠપ થઈ ગયું. તે ત્રીસ વરસ સુધી એ કામ આગળ વધ્યું જ નહિ. ત્યાર બાદ મુંબઈ સરકાર અને તેના ગવર્નરે મોટી રકમ દાનમાં આપી એટલે ૧૭૧૫ના નવેમ્બરની ૧૮મી તારીખે ફરી એક વાર પાયો નાખવાનો વિધિ થયો. ૧૭૧૮માં મકાન બંધાઈ રહ્યું અને તે વરસના ક્રિસમસના દિવસે મુંબઈના ગવર્નર ચાર્લ્સ બૂનને હાથે તેનું ઉદ્ઘાટન થયું. એ વખતે હજી મુંબઈ શહેર ફરતે ફોર્ટ કહેતાં કોટ ઊભો હતો. તેને ત્રણ દરવાજા હતા. તેમાંના એક દરવાજાથી શરૂ થતો રસ્તો સેન્ટ થોમસ કેથીડ્રલ સુધી જતો હતો તેથી એ દરવાજો ચર્ચગેટ તરીકે ઓળખાતો. પછી જ્યારે કોલાબા સુધી જતી રેલવે લાઈન શરૂ થઈ ત્યારે કોટ વિસ્તારના એક સ્ટેશન સાથે આ ગેટને જોડતો રસ્તો બન્યો, તે ચર્ચગેટ સ્ટ્રીટ તરીકે ઓળખાયો અને તે સ્ટેશન ચર્ચગેટ સ્ટેશન બન્યું. આઝાદી પછી ચર્ચગેટ સ્ટ્રીટનું નામ બદલીને વીર નરીમાન રોડ કરવામાં આવ્યું, પણ એ સ્ટેશનનું નામ તો આજ સુધી ચર્ચગેટ જ રહ્યું છે. આજે જ્યાં ફ્લોરા ફાઉન્ટન છે ત્યાં આ ચર્ચગેટ નામનો દરવાજો ઊભો હતો. ૧૮૬૨માં જ્યારે કિલ્લો તોડી પડાયો ત્યારે એ દરવાજો તોડીને ત્યાં ફાઉન્ટન કહેતાં ફુવારો બાંધવામાં આવ્યો. એક જમાનામાં આ સેન્ટ થોમસ કેથીડ્રલને મુંબઈનું મધ્યબિંદુ માનવામાં આવતું અને આખા શહેરમાં તેનાથી અંતર બતાવતા ૧૬ માઈલ સ્ટોન મૂકવામાં આવ્યા હતા. કાળક્રમે તે દટાઈ કે તૂટી ગયા. પણ ઘણી મહેનત પછી તેમાંથી ૧૧ માઈલ સ્ટોન ફરી શોધી કાઢવામાં આવ્યા છે.

કોટનો દરવાજો, ચર્ચ ગેટ

‘પવન પાવડી, હવે ચાલો કુલાબા.’

‘જી હજૂર. મૂળ તો આ ટાપુ પર કોળીઓની જ વસ્તી. તેના પરથી નામ પડ્યું કુલાબા કે કોલાબા. ખરું ને હજૂર?’

‘હા સાવ સાચી વાત.’

૧૯મી સદીમાં દોરાયેલો અફઘાન ચર્ચનો સ્કેચ

તો કદરદાન મહેરબાન, આ છે કોલાબામાં આવેલું અફઘાન ચર્ચ. હકીકતમાં તો આ ચર્ચ સાથે સેન્ટ જોનનું નામ જોડાયેલું છે, પણ ઓળખાય છે અફઘાન ચર્ચ તરીકે જ. કારણ પહેલા અફઘાન યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની યાદમાં તે બંધાયું હતું. એ સૈનિકોમાંના ઘણા આ ચર્ચની આસપાસના વિસ્તારના રહેવાસી હતા. માર્યા ગયેલા બધા સૈનિકોનાં નામ ચર્ચની એક દિવાલ પર કોતરવામાં આવ્યા છે. ૧૮૪૭ના ડિસેમ્બરની ચોથી તારીખે તે વખતના ગવર્નર સર જ્યોર્જ રસેલ કલાર્કે આ ચર્ચનો પાયો નાખ્યો. ૧૮૫૮ના જાન્યુઆરીની સાતમી તારીખે મુંબઈના બીશપ જોન હાર્ડિંગે તેનું ઉદ્ઘાટન કર્યું. પણ તે વખતે કેટલુંક બાંધકામ અધૂરું રહ્યું હતું. તે પૂરું કરવા માટે સર કાવસજી જહાંગીરે સાડા સાત હજાર રૂપિયાનું દાન આપ્યું હતું.  

‘ચાલો પવન પાવડી, પાછા બાંદોરા જઈએ.’

‘કેમ માલિક? તમારું પાકીટ-બાકિટ પડી ગયું કે શું?’

‘ના, ના, દર્શન કરવાં છે.’

‘માલિક, દર્શન કરવા તો મંદિરમાં જવાય, ચર્ચમાં નહિ.’

‘મને ખબર છે, ચાંપલા! પણ આ ચર્ચમાં માત્ર ખ્રિસ્તીઓ જ નથી જતા, હિંદુ, મુસલમાન, પારસી જેવા બીજા અનેક સંપ્રદાયના લોકો પણ જાય છે.’

‘ત્યારે એમ કહોને માલિક, કે મોત માવલીનાં દર્શને જવું છે. ચાલો.’

માઉન્ટ મેરી ઉર્ફે મોત માવલી

વાચક રાજ્જા! મુંબઈનું આ એક જૂનું અને છતાં નવું, નવું અને છતાં જૂનું ચર્ચ છે. નામ છે માઉન્ટ મેરી ચર્ચ. દરિયા કિનારે આવેલી ૮૦ મીટર ઊંચી ટેકરી પર આ ચર્ચ બંધાયેલું છે. હાલના મકાનનું બાંધકામ ઈ.સ. ૧૯૦૪માં પૂરું થયું હતું, પણ આ ચર્ચનો ઇતિહાસ ખાસ્સો જૂનો છે. પોર્તુગાલથી આવેલા જેસુઇટ પાદરીઓ મધર મેરીની લાકડાની મૂર્તિ પોતાની સાથે લેતા આવેલા અને તેને માટે આ જગ્યાએ એક ચેપલ (નાનું ચર્ચ) બાંધેલું. પણ ઈ.સ. ૧૭૦૦માં આરબ ચાંચિયાઓએ અહીં આક્રમણ કર્યું હતું. તેમણે આ મૂર્તિનો જમણો હાથ કાપી નાખ્યો હતો અને ચેપલ તોડી નાખ્યું હતું. ૧૭૬૦માં ફરી ચર્ચ બંધાયું અને તેમાં નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. જો કે હાલના ચર્ચમાં ફરી મૂળ મૂર્તિ સ્થાપવામાં આવી છે. ઘણી ચડતી પડતી આ ચર્ચે જોઈ છે, પણ બહુ બહોળા વર્ગની શ્રદ્ધા કાયમ રહી છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અહીં મોટો મેળો ભરાય છે જેમાં લાખો ભાવિકો ઉમટે છે. વર્ષ દરમ્યાન પણ ઘણા લોકો બાધા-આખડી રાખે છે અને તે ફળતાં મીણનાં નાનાં પૂતળાં, શરીરનાં અંગો કે એવી બીજી વસ્તુઓ ચડાવવા અહીં આવે છે. અનેક સંપ્રદાયના લોકો અહીં આવી ‘મોત માવલી’નાં દર્શન કરે છે.   

વાચક મિત્રો, આજની આપણી સફર અહીં પૂરી થાય છે. પણ જતાં જતાં બાળપણની એક યાદ કહી દઉં. ગિરગામ રોડ પરના એક મકાનમાં જિંદગીનાં પહેલાં ત્રીસેક વર્ષ વીત્યાં. વર્ષો સુધી એ મકાનની સામે રોજ એક ભિખારી ઊભો રહેતો. બટકો, આંધળો, આખે મોઢે શીળીના ગોબા ભરેલો. રોજ સવારે વહુ તેને મૂકી જાય અને સાંજે ઘરે લઈ જાય. આખો દિવસ ઊભો ઊભો એ ભિખારી ખૂબ ઉત્કટતાથી માત્ર એક જ વાક્ય સતત બોલ્યા કરે : ‘પોટાલા ભૂખ લાગલી, મોત માવલી દ્યા.’ આજે તેના જેટલી જ ઉત્કટતાથી પ્રાર્થના કરવાનું મન થાય છે : ‘હે મોત માવલી, અમારા શહેરને જલદીથી કોરોનામુક્ત, સાજુંસારું, હસતું-રમતું, હરતું-ફરતું કરી દેજો.’

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 11 ઍપ્રિલ 2020

Loading

...102030...2,6532,6542,6552,656...2,6602,6702,680...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved