Opinion Magazine
Number of visits: 9576027
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રશસ્તિસભર રચનાઓ અધિકૃત ઇતિહાસલેખન ન ગણાય !

રમેશ ઓઝા|Opinion - Opinion|8 December 2019

આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ત્રણ ચીજ હિંદુઓ માટે સાવ અજાણી છે. એક પોતાના વિષે વાત કરવાનો સંકોચ અથવા આત્મકથાલેખન, બીજી દસ્તાવેજીકરણ અને અને ત્રીજી ઇતિહાસલેખન. આ ત્રણેય પરસ્પર પૂરક છે. જો ઇતિહાસમાં થયેલા સારા-નરસા માણસોના જીવનકથાઓ કે ચરિત્રો ન હોય અને દસ્તાવેજો ન હોય ત્યાં ઇતિહાસલેખન અસંભવ છે. પ્રાચીન ભારતનો એકમાત્ર ઇતિહાસગ્રંથ ૧૨મી સદીમાં કલહણે લખેલો ‘રાજતરંગીણી’ નામનો કાશ્મીરનો ઇતિહાસ છે. આ સિવાય ચંદ બારોટે કે બરડાઈએ એ જ અરસામાં ૧૨મી સદીમાં લખેલા ‘પૃથ્વીરાજરાસો’ જેવા થોડાક પ્રશસ્તિગ્રંથો છે જેને ઇતિહાસલેખન માટે આધાર તરીકે ખાસ વાપરી ન શકાય. ‘રાજતરંગીણી’ સંસ્કૃતમાં લખાયેલો ગ્રંથ છે અને પૃથ્વીરાજ રાસો’ બ્રજ ભાષામાં લખાયેલો ગ્રંથ છે.

ભારતમાં મુસલમાનો આવ્યા એ પછીથી તવારીખો લખવાની શરૂઆત થઈ અને એ દ્વારા હિંદુઓને ઇતિહાસલેખનનો થોડોક પરિચય થયો હતો. ભારતનો પ્રાચીનયુગથી લઈને આધુનિકયુગ સુધીનો ઇતિહાસ અંગ્રેજોએ લખ્યો હતો જે તેમની જરૂરિયાત મુજબનો હતો. આ ઉપરાંત તેમનાં તેમાં પૂર્વગ્રહો પણ હતા જેની વાત આગળ ઉપર આવશે.

જીવનચરિત્રો, દસ્તાવેજો અને ઇતિહાસલેખનના અભાવને કારણે ભારતનાં સમાજજીવનનાં કેટલાંક છેડાં મળતાં નથી. દાખલા તરીકે ભારતમાં હિંદુઓમાં જ્ઞાતિભેદ કઈ રીતે શરૂ થયા એ આપણે જાણતા નથી. અસ્પૃશ્યતાનાં મૂળ ક્યાં છે એ આપણે ચોક્કસપણે કહી શકતા નથી. આર્યો અને દ્રવિડો વચ્ચેના સંબંધો વિષે કહેવું મુશ્કેલ છે. આદિવાસીઓ ભારતના મૂળ વતનીઓ હતા એમ આપણે માનીએ છીએ, પરંતુ તેમના વિષે પણ ચોક્કસપણે આપણે કાંઈ કહેવાની સ્થિતિમાં નથી. ભાષાઓ કઈ રીતે વિકસી અને તેણે ભારતના જે તે પ્રદેશોને કઈ રીતે સાંસ્કૃતિક ઘાટ આપ્યો એ ચોક્કસપણે જાણવા મળતું નથી. મુસલમાનો પહેલાં ભારતમાં આવેલા યવનો અથવા વિદેશીઓ કઈ રીતે ભારતમાં ઓગળી ગયા એ આપણે જાણતા નથી.

શ્રમણો અને બ્રાહ્મણોના સંઘર્ષો અને સમન્વય વિષે સિલસિલાબંધ માહિતી મળતી નથી. જેમ કે સામાજિક સમાનતામાં માનનારા અને નિરર્થક કર્મકાંડોનો વિરોધ કરનારા બૌદ્ધોનો ભારતમાં સદીઓ સુધી પ્રભાવ હતો. જો એમ હોય તો એ પ્રભાવ આજે જોવા કેમ મળતો નથી? સદીઓ સુધી વ્યાપક રહેલો પ્રભાવ સાવ લુપ્ત થાય એવું બને? જ્ઞાતિઓ અને અસ્પૃશ્યતા એના એ સ્વરૂપમાં કાયમ રહી છે અને કર્મકાંડો પણ હિંદુઓમાં પ્રચુર માત્રામાં છે. બીજું બૌદ્ધ ધર્મ લુપ્ત કઈ રીતે થયો? આ કોઈ વિદેશી આક્રમણકારો નથી કે તેને તગેડી મૂકી શકાય. ભારતમાં બૌદ્ધોનો પ્રભાવ કેવી રીતે ક્ષીણ થયો એ આપણે જાણતા નથી. મુસલમાન શાસકોની ભારતમાં વંશાવળી (ડાયનાસ્ટી) શરૂ થઈ એ પહેલાં ભારતના હિંદુ શાસકોનો સરખો રાજકીય ઇતિહાસ પણ આપણી પાસે નથી. જેમ કે વિક્રમ સંવતની શરૂઆત કયા વિક્રમ સાથે થઈ એની આપણને ચોક્કસ જાણ નથી.

ટૂંકમાં ઇતિહાસલેખનના અભાવને કારણે મુસલમાનો ભારતમાં શાસકો તરીકે આવ્યા એ પહેલાંના આપણા ઇતિહાસમાં મોટાં ગાબડાંઓ છે. માત્ર રાજકીય નહીં, સાંસ્કૃતિક પણ. જો આ હકીકત હોય અને એ હકીકત છે જ ત્યારે એક પ્રજા તરીકે આધુનિક યુગમાં આપણી કેટલીક ફરજ બને છે. એ ફરજ એ છે કે આપણે ઇતિહાસને નામે જે કથનો કરવામાં આવે છે તેને શંકા સાથે જોવાં જોઈએ. જે કહેવામાં આવે છે એમ ન પણ બન્યું હોય એમ કબૂલ કરવા જેટલું ખુલ્લાપણું દાખવવું જોઈએ. આપણા અતીત વિષે આપણે જે માહિતી ધરાવીએ છીએ એ સંદિગ્ધ છે. સંદિગ્ધ માહિતીના આધારે વર્તમાનમાં અસંદિગ્ધ વલણ અપનાવવું એ નરી મૂર્ખાઈ છે. આટલું તો તમે સ્વીકારશો એવી અપેક્ષા વધારે પડતી તો નથી જ.

ભારતમાં આજે સામાજિક હિતો ધરાવનારાઓ દસ્તાવેજો તેમ જ ઇતિહાસના શૂન્યાવકાશનો કે પછી ઇતિહાસમાં જોવાં મળતાં ગાબડાંઓનો લાભ લે છે. તેઓ તેમને માફક આવે એ રીતે ઇતિહાસ લખે છે અને ખરું પૂછો તો ઇતિહાસ રચે છે, કન્સ્ટ્રક્ટ કરે છે. ઇતિહાસલેખન અને ઇતિહાસરચના એ બે જૂદી વસ્તુ છે. જગતમાં ખૂબ લાંબો ઇતિહાસ ધરાવનારા દેશોમાં એક ભારત છે. જગતમાં ખૂબ સંકુલ સમાજ ધરાવનારો દેશ ભારત છે. આવા દેશમાં વર્ગીય હિતો ધરાવનારાઓ ઇતિહાસ પોતાને માફક આવે એ રીતે રચે, કન્સ્ટ્રક્ટ કરે અને એ વર્ગના લોકો તેને જ સાચો આધારભૂત ઇતિહાસ માનીને એકબીજા સાથે હિસાબ કરે ત્યારે સહઅસ્તિત્વ સામે જોખમ પેદા થાય છે.

ભારતમાં અત્યારે આવું જ બની રહ્યું છે. અંગ્રેજોએ લખેલો ઇતિહાસ એક સમસ્યા છે અને પોતાનાં વર્ગીયહિતોને ધ્યાનમાં રાખીને બીજાઓને આરોપીના પીંજરામાં ખડો કરનારો ખાસ રચવામાં આવતો ઇતિહાસ બીજી સમસ્યા છે. હકીકતમાં બીજી સમસ્યા વધારે મોટી સમસ્યા છે. સનાતની હિંદુઓ પોતાની રીતે ઇતિહાસ રચે છે. દલિતો પોતાની રીતનો ઇતિહાસ રચે છે. આર્યાવર્તના અભિમાનીઓ પોતાને માફક આવે એ રીતે ઇતિહાસ રચે છે અને દ્રવિડો તેમને માફક આવે એ રીતે ઇતિહાસ રચે છે. ટૂંકમાં ભારતની સમસ્યા ઇતિહાસના અભાવની છે અને તેના અભાવના પરિણામે ઇતિહાસ રચવાના (કન્સ્ટ્રક્ટેડ હિસ્ટરી) વલણની છે. ભારતમાં દરેક કોમ મહાન છે અને દરેક કોમ બીજા દ્વારા હિજરાયેલી છે. એક જ સમયે વિજેતા અને પરાજીત બંને છે. અંગ્રેજીમાં કહીએ તો વિક્ટર અને વિકટીમ બંને છે.

તો સુજ્ઞ વાચક, આવી સ્થિતિમાં તારી શી ફરજ બને છે? જવાબ છે વિવેક. ઇતિહાસનાં નામે જે કાંઈ કહેવામાં આવે છે તે સત્ય જ છે એમ માની લેવાની જરૂર નથી. જો ખાતરી કરવી હોય તો ઇતિહાસને નામે કહેવામાં આવતા પ્રત્યેક કહેવાતા ઐતિહાસિક કથનને ચકાસવાનો પ્રયત્ન કરી જો. એક સ્થળે ચોક્કસ અટકી પડવાનો પ્રસંગ આવશે. કાં તો પ્રમાણ ખોટું હશે અને કાં સંદિગ્ધ હશે. ગેરંટી. ભારતના આજના પ્રશ્નોને તપાસતી વખતે અને અભિપ્રાય બનાવતી વખતે ઇતિહાસનો કેટલો આશરો લેવો એનો વિવેક કરવો જરૂરી છે. ટૂંકમાં ભારતના ઇતિહાસનો આશ્રય લેવા જેવું નથી. તે ખાસ રચવામાં આવેલો અને ખાસ જરૂરિયાત મુજબ રંગ પૂરેલો ઇતિહાસ છે. આ શ્રેણીમાં કહેવામાં આવતાં અનેક કથનો કેટલાક વાચકોને ગ્રાહ્ય લાગતા નથી, કારણ કે તે તેમનાં ગૃહિતો કરતાં જુદાં પડે છે. વાચકે મારા કથનને પણ અંતિમ માનવાની જરૂર નથી અને પોતાના ગૃહિતોને પણ અંતિમ માનવાની જરૂર નથી. આપણે બધા આધારભૂત ઇતિહાસના અભાવ અને ન સમજી શકાય એવા ગાબડાંઓની વચ્ચે આપણને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સલાહ માત્ર એટલી જ છે કે ગૃહિતોને એમને એમ ગ્રહણ કરવાની જગ્યાએ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો. 

તો શું કરવું છે? રંગ પૂરેલા ઇતિહાસને સાચો માનીને ખપી જવું છે કે પછી ઇતિહાસને વિવેકની એરણે ચકાસીને અસ્તિત્વ ટકાવવું છે? વિચારી જો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 ડિસેમ્બર 2019

Loading

એક અજાણ્યા ગાંધીની આત્મકથા : નટવર ગાંધી

બકુલા ઘાસવાલા|Opinion - Literature|8 December 2019

 

Soloman Grundy,
Born on a Monday,
Christened on a Tuesday,
Married on Wednesday,
Took ill on Thursday,
Grew worse on Friday,
Died on Saturday,
Buried on Sunday ,
That was the end,
Of Solomon Grundy.

                                  − James Orchard Halliwell

નટવર ગાંધીકૃત એક અજાણ્યા ગાંધીની આત્મકથાના પાન ૨૬ પરે આ કાવ્ય મુકાયું છે.

આ મુક્તક વાંચતાં મને યાદ આવ્યું –

‘पुनरपि जननम् ,पुनरपि मरणम्, पुनरपि जननी जठरे शयनम्।
कृपया, पारे, पाहि मुरारी …….

આ જગતમાં ગણ્યા ગણાય નહીં એટલા માનવો જનમ્યા,જીવ્યા, પોતાનું કાર્ય કર્યું અને વિદાય થયા. પોતપોતાના જીવનકાર્ય દરમિયાન કેવું જીવાયું, કેમ કેમ જવાયું, નામદામ કમાયા, સફળનિષ્ફળ થયા એનો હિસાબ કેટલાકે આત્મકથા દ્વારા આપ્યો. કેટલાકનું જીવન ચરિત્ર લખાયું. સરવાળે તો ઉપર લખ્યું તે જ પરિણામ દેખાયું એમ કહીએ તો ખોટું નથી, છતાં જેમને આત્મકથા વાંચવી ગમે તેમને માટે નટવર ગાંધીની એક અજાણ્યા ગાંધીની સંઘર્ષ અને સિદ્ધિની કથા રસપ્રદ તો લાગે.

ગુજરાતના સાવરકુંડલા નામે ગામમાં જન્મેલો એક બાળક બાળપણની મધુર સ્મૃતિઓ વગર બહોળા પરિવારમાં મોટો થઈ, ડાહ્યાડમરો વિદ્યાર્થી બની મુંબઈ પહોંચે, ત્યાં અથડાઈકુટાઈને આગળ કોલેજમાં ભણે, તક મળે તો આગળ વધવામાં પાછી પાની ન કરવી એ તકિયાકલામ સાથે જીવે, લગ્નની વય થઈ એટલે પરણે, અમેરિકા જઈને ત્યાં પણ ભણે, સંઘર્ષ કરે અને જેમ જેમ તક મળે તેમ આગળ ને આગળ વધે. આમાં નવું શું? અંતે એવો પ્રશ્ન થાય તેવી આ કથા નથી.

આ આત્મકથા આઝાદી આંદોલનના અંતિમ તબક્કામાં જન્મેલા, ગુલામી મુક્ત થયેલા દેશની શરૂઆતની પરિસ્થિતિમાં જીવનસંઘર્ષ કરતી પેઢીની વાસ્તવિકતા, ગાંધીવિચાર પ્રભાવમાં રહેવું અને એ પ્રભાવના ઓસરવાનો અનુભવ કરતા કરતા પણ એ શાશ્વત મૂલ્યો આત્મસાત્ કરી જીવનપથ પર આગળ વધનારા યુવાનની વૃદ્ધાવસ્થા સુધીની દડમજલની વાસ્તવિકતાનું નિરૂપણ કરે છે. બાળપણના એ સમયખંડમાં શાળામાં ગાંધીવિચારના પ્રભાવના કારણે પોતાનું સત્ય અને અનુભૂતિનું આકલન નટવરભાઈએ પૂરી ઈમાનદારીથી કર્યું છે. મને તો આ કથા વાંચવામાં એટલે જ રસ પડ્યો છે. એમણે ક્યાં ય પણ આભાસી ચિત્ર ઊભું કરવાનો પ્રયત્ન કર્યો નથી.

ભારતીય પરંપરામાં પરિવાર પ્રેમની દુહાઈ ખૂબ કરવામાં આવે. વતનવછોયાં અને વતનઝૂરાપાની બોલબાલા પણ ભારે. નટવરભાઈ તટસ્થ રહી પોતાની વાસ્તવિકતા વર્ણવે છે. એમને અમેરિકામાં થયેલા સારાનરસા બન્ને અનુભવોનું વર્ણન કરે છે તો દેશમાં હતા ત્યારની ખાટીમીઠી યાદો છે તે પણ વાગોળે છે. એમને માતાપિતા માટે એવો ધ્યાનાકર્ષક અહોભાવ નથી પરંતુ એમની વાસ્તવિકતા સમજ્યા પછી એમનું ગુણદર્શન કરી શકે છે. સંયુક્ત પરિવારની તેઓ દુહાઈ કરતા જ નથી છતાં જે ફરજ બજાવવાની છે તે એમણે યથા શક્તિ બજાવી છે તેનો અછડતો જ ખ્યાલ આપવા છતાં વાચક તરીકે સમજી શકાય છે કે જીવનસંગિની નલિનીબહેનના કારણે તેઓ એમાં સફળ થયા છે.

બાકી પોતાની કારકિર્દી બનાવવા પાછળ તનમન ને સમયથી પ્રતિબદ્ધ વ્યક્તિ એમાં તો સિદ્ધિ મેળવે જ છે તે આલેખ અહીં પૂરો મળે છે. અમેરિકાનું એમનું વાસ્તવ દર્શન, રંગભેદ, ભારતીય પરંપરામાં જાતિભેદ, ત્યાં મળતી તક, ત્યાં સફળનિષ્ફળ થતા ભારતીયો કે અન્ય વિદેશીઓ વિશે વિશ્લેષણ એવાં અનેક પાસાં પર એમણે પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રકાશ પાડ્યો છે. જો કે એમણે પોતાની કારકિર્દીલક્ષી વાતો વિગતે દર્શાવી છે. શિક્ષણ કેન્દ્રિત મહેનત, કાર્યસ્થળના વહીવટી પડકારો, પોતાની મક્કમતા અને વખત આવે સંબંધિત વર્ગને કડવી દવા પાવાનો ઉદ્યમ જેવી વાતો એમણે લાંબી લેખણે કરી છે. અમેરિકાની પ્રજાલક્ષી સેવાઓ, વહીવટી ખૂબી ખામીઓ સાથે મળતો સહકાર, મુશ્કેલીની વાતો પણ કરી છે. તે રીતે મુંબઈના અનુભવોની વિશદ છણાવટ સાથે પોતે કેમ અમેરિકા જવા ઉત્સુક હતા તેનું વર્ણન પણ પારદર્શકતાથી કર્યું છે. પોતાની મહત્ત્વાકાંક્ષાઓની પૂર્તિ છતાં ‘હજી કંઈક બાકી રહે છે’ની અતૃપ્ત ઝંખના અને અજંપો તેઓ છુપાવતા નથી. પોતાની સાહિત્ય પ્રીતિ, પ્રવૃત્તિઓની વાત પણ કરી છે. જ્યાં રહો તેના થઈને રહો પછી દેશ હોય કે પરદેશ આ મુદ્દો એમણે સુપેરે સ્પષ્ટ કર્યો છે. દેશમાં એમનો સીધો પરિચય દર્શક, ઉમાશંકર જોષી અને સુરેશ દલાલ જેવા સાહિત્યકારો – કવિઓ સાથે છે. એમને વિશે એમણે લખ્યું છે. પન્નાબહેન નાયક સાથેની સાહિત્યિક પ્રવૃત્તિઓ અને સંબંધોની વાતો પણ કરી છે.

આ પ્રકારની વ્યક્તિઓ વિશે હું સારી રીતે કલ્પના કરી શકું છું અથવા સ્પષ્ટ કહી શકું કે મારી આસપાસ તો મેં મોટાભાગે આ પ્રકારની હસ્તિઓ જ જોઈ છે. પોતાનો કોશેટો તોડે જ નહીં, આમ સૌના અને પછી કોઈના નહીં, એમની દિશાથી બીજે ન હટે, અર્જુનની જેમ જ એક લક્ષ્ય. જનહિત સામે કુટુંબ કે પોતાની જાતની ઐસીતૈસી. નામકમાણીની સાથે આર્થિક રીતે સંપન્ન થયા પછી પણ સતત કર્મણ્યતા એ એમનો સ્વભાવ છે એટલે એમને ખાલીપો ન લાગે. આ સમગ્ર આત્મકથામાં નલિનીબહેન હાંસિયામાં રહી ગયાં છે. હાંસિયામાં રહી જવું એ સ્ત્રીઓની ખાસ કરીને પત્નીની નિયતિ હોઈ છે પછી એ કસ્તૂરબા હોઈ કે નલિનીબહેન. નટવરભાઈની જીવનયાત્રાના છેલ્લા પડાવે એમને પન્ના નાયકનો સહવાસ મળે છે અને એ સાહચર્ય માટે તેઓ ભારતીય સમાજની દ્રષ્ટિએ ક્રાન્તિકારી નિર્ણય લે છે તે પગલું મારા જેવાને ગમે એમાં નવાઈ નથી. અલબત્ત, એમાં પન્નાબહેનની હિંમતને સલામ કરીશ કારણ કે આ અવસ્થામાં કોઈ બાળકને સાચવવાની જવાબદારી લેવા જેવી જ વાત મને તો લાગી. જો કે અહીં કોણ કોને સાચવે છે તે ખબર નથી પરંતુ નટવરભાઈએ પારિવારિક જીવનના આ પાસાંનું દર્શન કરાવવું રહ્યું.

નટવરભાઈ જે સમયખંડમાંથી પસાર થયા તેમાં સ્ત્રી વિષયક અમુક ટીપ્પણી સહજ છે છતાં હું એવી બાબતો પ્રત્યે સજાગ છું એટલે એમણે બોડી બામણીનું ખેતર (પાનું;૧૦) કે પોતાની મૂલ્ય નિસબત દર્શાવવા કરેલી સરખામણીમાં વેશ્યાગીરી જેવો શબ્દપ્રયોગ કઠે છે. (પાનું:૩૦૧) પુરુષો દરેક સમયે પુરુષ જ રહે છે તેનો ચિતાર પણ એમની લેખિનીમાં મળે છે. ખાસ કરીને સ્ત્રીઓ પર થતી ગંદી કમેન્ટનો ઉલ્લેખ એમના ગામ વિશેના વર્ણનમાં છે (પાનું:૩૯). જો કે તેઓ સ્ત્રીઓની મૈત્રીમાં ઝાઝો રસ ધરાવતા હોય તેવું એમના લખાણમાં દેખાતું નથી કારણ સ્પષ્ટ છે એમનું લક્ષ્ય જ કારકિર્દી બનાવવાનું છે. એટલા વ્યસ્ત કે વિચારવાનો સમય જ ન મળે પછી તે બાબત કુટુંબ સાથે રહેવાની હોય કે અન્ય. એમણે પોતાના સંતાનોને રતન તરીકે ઓળખાવવાથી વિશેષ લખ્યું નથી એટલે એ પાસું પણ અજાણ્યું રહી જાઈ છે. એક રીતે જોઈએ તો એ આ પ્રકારની સરેરાશ ભારતીય સફળ વ્યક્તિઓની માનસિકતા અને લાક્ષણિકતા છે.

મહેશભાઈ દલાલે ભેટ આપ્યું એટલે આ પુસ્તક વાંચવા મળ્યું. પન્નાબહેનના સ્ત્રી કેન્દ્રિત કાવ્યો મને ગમે છે. નટવરભાઈનાં કાવ્યસર્જનથી હું પરિચિત નથી. જો કે એમણે પોતાની સાહિત્યયાત્રા વિશે અને ખાસ કરીને છંદોબદ્ધ કૃતિઓની સર્જન પ્રક્રિયાની વાત કરી છે એ પ્રભાવિત તો કરે છે. આ આત્મકથા વાચક તરીકે ૧૯૪૫-૨૦૧૬(એમનો જન્મ તો ૧૯૪૦માં)નો સમયખંડ જીવિત કરી આપે છે, ખાસ કરીને ગામ, મુંબઈ અને અમેરિકાના ફલક પર. થોડી મર્યાદાઓ છે પરંતુ નટવરભાઈની અભિવ્યક્તિ રસપ્રદ છે. મને તો વાચનક્ષમ લાગી.

પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા.લિ., ૧૯૯/૧,ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ:૪૦૦ ૦૦૨; ટેલિફોન : ૦૨૨ – ૨૨૦૦ ૨૬૯૧, ૦૨૨ – ૨૬૪૪ ૨૮૩૬; મૂલ્ય:₹ ૪૦૦/-; $15 એરમેલ સાથે.

૮/૧૨/૨૦૧૯

Loading

ઉન્નાવ 1.0 અને ઉન્નાવ 2.0 બંનેમાં સમાન છે પીડિતાઓની નીડરતા અને તંત્રની નિંભરતા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|7 December 2019

દુનિયામાં Gen 2.0 કે Web 2.0 કહેવાય છે, ભારત દેશમાં NDA 2.0 કે Modi 2.0 એવું ય  કહેવાય છે. પણ અત્યારે આપણાં દેશમાં બહુ વક્રતાપૂર્ણ રીતે ઉન્નાવ 2.0 કહેવાનો વખત આવ્યો છે.

ભા.જ.પ.ના યોગી આદિત્યનાથ જેના મુખ્યમંત્રી છે એવાં ઉત્તર પ્રદેશનો ઉન્નાવ જિલ્લો બળાત્કાર માટે બીજી વખત સમાચારમાં આવ્યો છે. પહેલો અત્યાચાર છેક જૂન 2017માં માંખી ગામની 17 વર્ષની કન્યા પર કરવામાં આવ્યો હતો. તેમાં ભા.જ.પ.નો સ્થાનિક ધારાસભ્ય સેંગર મુખ્ય આરોપી છે. ફરિયાદ કરનારી અને ન્યાય માટે ઝઝૂમનાર યુવતી(સર્વાવર)ને નમાવવા માટે પોલીસ થકી થયેલા હિચકારી કોશિશો પછી તેણે લડત ચાલુ રાખી છે. તેને ન્યાય હજુ સુધી ન્યાય મળ્યો નથી તે અંગે કૉન્ગ્રેસનાં અગ્રણી પ્રિયંકા વાદ્રા-ગાંધી હજુ તો ચોથી ડિસેમ્બરના બુધવારે મોડી સવારે ટ્વિટ કરે છે. ત્યાં તો પાંચમી ડિસેમ્બરના ગુરુવારે વહેલી સવારે ઉન્નાવના સિંદુપુર ગામમાં બળાત્કારની ફરિયાદ કરનાર યુવતીને આરોપીઓએ લાકડીઓથી ફટકારીને, સ્ટૅબ કરીને પછી જલાવી દેવાની કોશિશ કરે છે. તે બહાદુર યુવતી દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી હતી. ગઈકાલે એટલે કે શુક્રવારે આ પીડિતાએ પ્રાણ છોડ્યા છે. 

ઉન્નાવના બંને બનાવોમાં જે કેટલાંક સામ્યો છે તેમાં સર્વાઇવર યુવતીઓની બહાદુરી અને ઉત્તર પ્રદેશની પોલીસની નિંભરતા છે તે સહુથી વધે ધ્યાનપાત્ર છે. પોલીસે એવા વિલંબ અને ચાલાકીથી કામગીરી કરી કે જેથી આરોપીઓ પર અદાલતમાં કેસ ઊભો થવાનું લંબાતું ગયું, આરોપીઓને જામીન મળતા રહ્યા, તેઓ મુક્ત ફરતા રહ્યા, પીડિતાઓને ધાકમાં રાખતા રહ્યા અને અંતે હિચકારા હુમલા પણ કર્યા. તદુપરાંત બંને કિસ્સામાં હવસખોરો બળિયા છે. એક સેંગર ધારાસભ્ય છે, જ્યારે બીજા કિસ્સાના પહેલાનો બાપ ગામનો ‘પ્રધાન’ એટલે કે સરપંચ છે. જ્યારે બંને પીડિતાઓ કોઈ પણ જાતનું પીઠબળ ધરાવતી નથી. પહેલા કિસ્સાની પીડિતાનો પરિવાર ગરીબ છે, ઘર ઝૂંપડા જેવું છે. બીજા કિસ્સાની યુવતી સંપન્ન હોય એવા કોઈ નિર્દેશો અહેવાલોમાંથી મળતા નથી. 

બીજા એટલે કે આ 5 ડિસેમ્બરના આ ગુરુવારના કિસ્સામાં એમ છે કે યુવતીએ ગયાં વર્ષે છેક 13 ડિસેમ્બર 2018ના રોજ લાલગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી પણ પોલીસે એફ.આઈ.આર. ન કરી. 20 ડિસેમ્બરે યુવતીએ રાયબરેલીના પોલીસ સુપરિન્ટેન્ડન્ટને રજિસ્ટર ટપાલથી ફરિયાદ મોકલી, છતાં ય એફ.આઈ.આર. ન થઈ. આખરે રાયબરેલીની અદાલતના હુકમથી પોલીસે છેક 4 માર્ચ 2019ના રોજ આરોપીઓ શિવમ અને શુભમ સામે એફ.આઈ.આર. કરી. એફ.આઈ.આર. મુજબ શિવમે યુવતીને ફોસલાવીને તેની સાથે સંબંધ બાંધ્યો, રાયબરેલીમાં તેની પર બળાત્કાર કરીને વીડિયો ઊતારીને તેને બ્લૅકમેઇલિન્ગની ધમકી અને બીજી બાજુ લગ્નની ખાતરી બંને આપીને તેની પર બળાત્કાર કરતો રહ્યો. યુવતીએ જ્યારે લગ્ન માટે ખૂબ દબાણ કર્યું ત્યારે શિવમે તેને રાયબરેલી લાવીને ભાડાના ઓરડામાં રાખી. પછી જાન્યુઆરી 2018માં તેણે લગ્નનાં દસ્તાવેજો કર્યાં, પણ લગ્ન ન કર્યા. ડિસેમ્બરમાં શિવમ અને તેના મિત્ર શુભમ યુવતીને રાયબરેલી પાસેના એક ખેતરમાં લઈ ગયા અને બંદૂકની અણીએ તેની પર બળાત્કાર કર્યો.

ઉન્નાવના પહેલા બનાવમાં 11 જૂન 2017ના રોજ કન્યાના માતાપિતાએ એમની દીકરી લાપતા હોવાની પોલીસ ફરિયાદ માંખી ગામમાં કરી. 17 જૂને આદિત્યનાથના ભા.જ.પ.ના ધારાસભ્ય કુલદીપ સિંહ, તેના ભાઈ અતુલ સિંહ અને સાગરિતોએ એ વખતે સગીર એટલે કે સત્તર વર્ષની છોકરી પર અત્યાચાર કર્યો. અત્યારના કિસ્સામાં લગ્નની લાલચ હતી, જ્યારે સેંગર અને તેના સાથીઓએ ખૂબ ગરીબ ઘરની છોકરીને નોકરીની લાલચ આપી અત્યાચાર કર્યો. 20 જૂને છોકરી પાછી આવી ત્યારે પોલીસે અપહરણને લગતી કલમ 363 અને અપહરણ કરીને લગ્નની બળજબરી માટેની કલમ 366 હેઠળ ફરિયાદ લીધી હોવાનું જણાવ્યું, વળી તેમાં સેંગરનું નામ ન હતું. કન્યાના પરિવારે સેંગરના નામ માટે જીદ કરી ત્યારે તેમને પોલીસ સ્ટેશનમાંથી બહાર તગેડી મૂકવામાં આવ્યા.

પોલીસની નિષ્ક્રિયતા જોઈને પીડિતાએ 3 જુલાઈ 2017ના રોજ સેંગરને આરોપી બનાવીને બળાત્કારની ફરિયાદ નોંધવા અંગે મુખ્યમંત્રી તેમ જ સંખ્યાબંધ અધિકારીઓને પત્રો લખવાની શરૂઆત કરી. આખરે 24 ફેબ્રુઆરી 2018ના રોજ ચીફ જ્યુડિશ્યલ મૅજિસ્ટ્રેટે પીડિતાની માગણી મુજબની એફ.આઈ.આર. લીધી. એ પછી પણ સેંગર અને સાગરિતો પર કોઈ પગલાં ન લેવાયાં અને પરિવારને સખત ધમકીઓ મળવા લાગી. 3 એપ્રિલ 2018ના રોજ કેસની એક સુનાવણી માટે પીડિતા અને એનો પરિવાર રાયબરેલી જઈ રહ્યા હતા ત્યારે અતુલ સિંહ અને તેના સાગરિતોએ પીડિતાના પિતા સુરેન્દ્ર  પર હુમલો કરીને તેમને ખૂબ માર્યા. તે અંગે પાછી પોલીસે અતુલ સિંહને બાકાત રાખીને ચાર જણ સામે ફરિયાદ પણ લીધી અને બીજા જ દિવસે સર્વાઇવરે પિતાને ગેરકાયદેસર હથિયાર રાખવા માટે ઘાયલ હાલતમાં  ગિરફ્તાર કરીને કસ્ટડીમાં પૂર્યા.

સર્વાઇવર યુવતીએ 8 એપ્રિલે લખનૌમાં આદિત્યનાથના નિવાસસ્થાન બહાર આત્મદહનની કોશિશ કરી. 9 એપ્રિલે સુરેન્દ્રનાથ કસ્ટડીમાં મૃત્ય પામ્યા. માધ્યમોમાં વારંવાર લખાયા પછી અંતે 12 એપ્રિલ 2018 રોજ સરકારે કેસ સી.બી.આઈ.ને સોંપ્યો. પણ ચાર વખતથી ધારાસભ્ય એવા સેંગરની ધરપકડ તો 18 એપ્રિલ 2018ના દિવસે વડી અદાલતના કડક આદેશ બાદ થઈ. અદાલતે નોંધ્યું : ‘કાયદો અને વ્યવસ્થાનું તંત્ર સીધું જ સેંગરની સાંઠગાંઠમાં અને તેના પ્રભાવમાં હતું.’ સેંગરની પોલીસે ધરપકડ કરી, પણ ઉન્નાવ 2ના બનાવમાં તો એ પણ ન થયું. 19 સપ્ટેમ્બર 2019ના રોજ શિવમ રાય બરેલી કોર્ટમાં શરણે થયો. 25 નવેમ્બરે તેને જામીન મળ્યો. પણ શુભમ જે તેની સાથે ગુરુવાર પરોઢના હુમલામાં સામેલ છે તે પોલીસના ચોપડે હજુ ભાગેડુ જ છે !

સેંગરની ધરપકડ આ પછી પણ પીડિતા અને તેના પરિવારના સભ્યોને  જુલમીઓના સાથીઓ ડરાવતા રહ્યા, પોલીસ કનડતી જ રહી. અનેક રજૂઆતોને અંતે જુલાઈના વચગાળાના દિવસોમાં પીડિતાએ દેશના સર્વોચ્ચ ન્યાયાધીશને પત્ર લખ્યો. તેના થોડા દિવસ અગાઉ સેંગરની સામેની લડતમાં યુવતીની  સાથે રહેનાર તેના કાકાને 2000ની સાલની એક હત્યાના કેસમાં દસ વર્ષની સજા મળી. 28 જુલાઈ 2019ના રોજ તેમને મળવા જઈ રહેલી છોકરીની કારને એક ભૂસાઈ ગયેલી નંબરપ્લેટવાળી એક ટ્રકે ઠોકર મારી જેમાં પીડિતાનાં બે કાકીનું અવસાન થયું, વકીલ ગંભીર રીતે ઘવાયા અને છોકરી અતિગંભીર રીતે ઘવાઈ. આ અકસ્માતને પગલે સેંગર સામે ખૂન અને ખૂનની કોશિશનો આરોપ દાખલ કરવામાં આવ્યો.

સામ્ય નોંધીએ તો એ છે કે તાજેતરના ઉન્નાવના કેસમાં આરોપીઓએ પીડિતાને મારી નાખવાની પૂરતી કોશિશ કરી જ છે. ઉન્નાવના પહેલા કેસમાં સર્વોચ્ચ અદાલતે 1 ઓગસ્ટે સરકારને અનેક કડક આદેશો આપ્યા. તેમાં સહુથી આદેશ આ બનાવને લગતા તમામ મુકદમાને 45 દિવસમાં પૂરા કરવાનો હતો. આ આદેશ અપાયો તે વખતે પીડિતા દિલ્હીની એઇમ્સમાં મોત સામે ઝઝૂમી રહી હતી. ગઈકાલે એટલે કે શુક્રવારે આ પીડિતાએ પ્રાણ છોડ્યા છે. આદેશ આજે પછી 125 દિવસ થયા, પણ એને ન્યાય મળ્યો નથી. અને ઉન્નાવની બીજી એક પીડિતા મોત સામે ઝઝૂમી રહી છે.

પ્રગટ : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કતાર, નવગુજરાત સમય”, 07 ડિસેમ્બર 2019 

Loading

...102030...2,5992,6002,6012,602...2,6102,6202,630...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved