Opinion Magazine
Number of visits: 9967154
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતના ભદ્રવર્ગનો ચડિયાતા દેખાવાનો મોહ અંગ્રેજોને શાસન કરવા ઉપયોગી બન્યો

રમેશ ઓઝા|Opinion - Opinion|15 March 2020

વિડંબના જુઓ! છ હજાર માઈલ દૂર બેસીને અંગ્રેજો બસો-ત્રણસો નોકરો દ્વારા ભારતમાં સામ્રાજ્યની રચના કરી રહ્યા હતા, ત્યારે ભારતમાં પેશ્વાઓ ચોથાઈ લઈને તાગડધિન્ના કરતા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક પણ સંચાલકે ભારતમાં પગ નહોતો મુક્યો. કંપનીનો રાજ કરવાનો આ અજીબ પ્રકાર ભારતીયોને ધ્યાનમાં જ નહોતો આવ્યો. બીજું, સૈનિક કે સેનાપતિ લડીને, કોઈ પ્રદેશ જીતીને રાજા બનીને રાજ કરે એવા તો સેંકડો દાખલા મળી આવશે, પણ ધંધો કરતી કંપની રાજ કરે એવું તો પહેલીવાર જોવા મળ્યું. કોઈ ભારતીયે આ જોણું જોવામાં અને સમજવામાં રસ નહોતો દાખવ્યો.

બીજું, અપભ્રંશ ભાષામાંથી વિકસેલી અને વિકસી રહેલી પ્રાદેશિક ભારતીય ભાષાઓને હજુ વધુ વિકસાવવામાં અંગ્રેજોએ, ખાસ કરીને મિશનરીઓએ ખૂબ રસ લીધો હતો. આની પાછળનો ઉદ્દેશ ખ્રિસ્તી ધર્મના પ્રચારનો હતો. જે તે પ્રાદેશિક ભાષામાં બાયબલ અને અન્ય સાહિત્ય ઉપલબ્ધ કરી આપવા માટે તેમણે દરેક ભાષાનું વ્યાકરણ, લિપિ અને છાપખાનાં માટે બીબાં વિકસાવ્યાં હતાં. શબ્દકોશ તૈયાર કર્યા હતા કે જેથી હવે પછી આવનારા મિશનરીઓ સહેલાઇથી ભારતીય પ્રાદેશિક ભાષા આત્મસાત કરી શકે. તેમણે ખ્રિસ્તી બાયબલ અને ઇસુની સ્તુતિ કરતું સાહિત્ય જે તે ભાષામાં લખ્યું હતું કે લખાવ્યું હતું. આને કારણે ભારતીય પ્રાદેશિક ભાષાઓ સમૃદ્ધ થઈ છે અને તેને માટે આપણે યુરોપિયનોના ઓશિંગણ છીએ એની ના પાડી શકાય એમ નથી.

પણ આ જ અંગ્રેજો હિંદુ અને મુસલમાનને, ઉત્તર અને દક્ષિણને, પૂર્વ અને પશ્ચિમને, વેપારી અને ફકીરને જોડતી હિંદુસ્તાની ભાષા વિકસવા દેતા નથી. ફોર્ટ વિલિયમ કોલેજમાં તેઓ પંડિત લલ્લુ લાલજી અને મૌલવીઓને એકબીજાને નકારતા ભાળી ગયા હતા. અંગ્રેજોને સમજાઈ ગયું હતું કે હિંદુઓને ફારસી અને અરબી શબ્દોને નકારી સંસ્કૃતપ્રચૂર હિંદી ભાષા વિકસાવવામાં રસ છે અને મુસલમાનોને સંસ્કૃત શબ્દો નકારીને અરબી-ફારસીપ્રચૂર ઉર્દૂ વિકસાવવામાં રસ છે. અંગ્રેજોએ એ તક ઝડપી લીધી હતી.

આ તો બેવડો લાભ! સમૃદ્ધ પ્રાદેશિક ભાષાઓ દ્વારા પ્રાદેશિક અસ્મિતાઓ બળવત્તર બનશે અને આખા દેશને જોડતી હિંદુસ્તાનીનો છેદ ઉડાડવા માટે હિન્દી-ઉર્દૂની તિરાડ પાડીને રાષ્ટ્રીય અસ્મિતાને વિકસતી અટકાવી શકાશે. સરવાળે બનશે એવું કે એક દિવસ પ્રબળ પ્રાદેશિક અસ્મિતાઓ રાષ્ટ્રીય અસ્મિતાની આડે ઊભી રહી જશે. જ્યાં સુધી પ્રાદેશિક અસ્મિતાઓ પ્રબળ છે ત્યાં સુધી અંગ્રેજોને ડરવાની જરૂર નથી. જે દિવસે રાષ્ટ્રીય અસ્મિતા આકાર પામશે અને પ્રબળ બનશે એ દિવસે આપણે ઉચાળા ભરવા પડશે એ કંપની સરકારના હાકેમો અને બ્રિટિશ સરકારના શાસકો જાણતા હતા.

પંડિત લલ્લુ લાલજી અને બીજા હિંદુઓને અને બીજે છેડે મુસલમાન મૌલવીઓને એ ધ્યાનમાં નહોતું આવ્યું કે અનુક્રમે હિન્દી અને ઉર્દૂને વિકસાવવામાં અને હિંદુસ્તાનીને નકારવામાં એમ બંને દિશામાં અંગ્રેજો શા માટે બંનેને કેમ મદદ કરી રહ્યા છે? અત્યારે સામાન્ય લાગતા આ સવાલો ત્યારે કોઈના મનમાં પેદા જ નહોતા થયા. અંગ્રેજોએ એ પણ માપી લીધું હતું કે ભારતીય માનસને પ્રશ્નો કરવાની અને તેનાં મૂળ સુધી ઊંડા ઉતરવાની આદત નથી. તેઓ શંકા પણ કરતા નથી.

આમ દરેક રીતે સારાં વાનાં હતાં, પણ સાર્વત્રિક શિક્ષણ વિના રાજ કરવું શક્ય નહોતું. આવડા મોટા દેશમાં મોટી સંખ્યામાં નોકરો જોઈએ, કાયદાઓ જોઈએ, વહીવટી નીતિ-નિયમો જોઈએ, અદાલતો જોઈએ, વકીલો જોઈએ અને જે કોઈ ભાષામાં રાજ ચાલવાનું હોય એ ભાષા સમજનારી રૈયત જોઈએ. તો પછી એ ભાષા કઈ હોવી જોઈએ? અંગ્રેજી કે ભારતીય? અંગ્રેજી પ્લસ ભારતમાં બોલાતી પ્રાદેશિક કે પછી ભારતીય પ્લસ પ્રાદેશિક?

અંગ્રેજોએ ભારતમાં અને લંડનમાં આ વિશે ખૂબ ઊંડી મલ્લીનાથી કરી હતી. બન્ને વિકલ્પોમાં લાભ અને ગેરલાભ બંને હતા. એક દલીલ એવી હતી કે અંગ્રેજી ભાષા નવોથ્થાનની ભાષા છે. અંગ્રેજી દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી ભારતમાં પહોંચશે અને અંગ્રેજી ભાષા દ્વારા નવજાગરણના પરિણામે જે આધુનિક વિચાર અને માનવીય મૂલ્યો વિકસ્યાં છે તે ભારતમાં પહોંચશે. આ સાથે ભારતીય પ્રજા શંકા કરતી થશે, પ્રશ્નો પૂછતી થશે, રસ્તાઓ શોધતી થશે એ જોખમ હતું. આને પરિણામે એક દિવસ અંગ્રેજોએ ઉચાળા ભરવા પડશે. બીજી બાજુ ભારતીય ભાષાઓ માત્ર વ્યવહારની અને પોતાની સામાજિક પરંપરાને ટકાવી રાખવાની ભાષા છે. લોકો એવાને એવા રહેશે અને આપણે યાવદ્ચન્દ્ર દીવાકરૌ રાજ કરી શકીશું.

જો અંગ્રેજી દાખલ કરીશું તો લોકોમાં જાગૃતિ આવશે અને તેઓ ગુલામી અને આઝાદીનો ફરક સમજતા થઈ જશે અને વહેલા ઉચાળા ભરવા પડશે; પણ જો ભારતીય ભાષાઓને યથાવત્ રહેવા દઈશું તો લાંબો સમય શોષણ કરી શકીશું. આ બાબતે મતભેદનો પાર નહોતો અને તેમની વચ્ચે વ્યાપક ચર્ચા થઈ હતી. માનવતાવાદીઓને એમ લાગતું હતું કે વિજ્ઞાન, ટેકનોલોજી અને આધુનિક મૂલ્યોથી ભારતીય પ્રજાને પરિચિત કરવી એ શાસનધર્મ છે પછી એ ભારતીય ભાષામાં આપવામાં આવે કે અંગ્રેજીમાં. જો ભારતીય ભાષાઓ સમર્થ ન હોય તો અંગ્રેજીમાં આપવામાં આવે. આપવું એ મુખ્ય છે, ભાષા મુખ્ય નથી. પાશ્ચાત્ય અને ખ્રિસ્તી સભ્યતાની સર્વોપરિતામાં માનનારાઓ એમ કહેતા હતા કે બ્રિટિશ સરકારનું કામ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હિતોનું રક્ષણ કરવાનું નથી, પણ ભારત અંગ્રેજોનાં કબજામાં આવ્યું એ દૈવી અકસ્માતનો ઉપયોગ કરીને અજ્ઞાની ભારતીય પ્રજાનો હાથ ઝાલવાનું છે. તેમને નવા યુગમાં પ્રવેશ આપવાનું છે. આ દૈવીકર્તવ્ય છે. બીજી બાજુ કેટલાક લોકોને એમ લાગતું હતું કે મૂલ્યો અને સભ્યતા ગઈ ભાડમાં, ભારતીય પ્રજાના અજ્ઞાનનો લાભ લઈને ભારતને લૂંટી શકાય એટલું લૂંટો.

એક વર્ગ વ્યવહારવાદીઓનો પણ હતો. તેમને એમ લાગતું હતું કે લૂંટવા માટે પણ ભારતીય ભાષા કરતાં અંગ્રેજી ભાષા વધારે કારગર નીવડી શકે એમ છે. આનું કારણ એ હતું કે આખા દેશને જોડતી હોય એવી વિકસિત ભારતીય ભાષા છે જ નહીં. હિંદુસ્તાની નામની જે ભાષા છે એ હજુ જોઈએ એટલી વિકસિત નથી અને તેને અપનાવામાં અને વિકસાવવામાં હિંદુઓને મુસલમાનોને એમ બેમાંથી કોઈને રસ નથી. તેઓ તો પોતપોતાની ભાષા વિકસાવવા માગે છે જે દેશ ભરના હિંદુઓને અને મુસલમાનોને જોડે. તેમને દેશને જોડવામાં રસ નથી, તેમને પોતપોતાની કોમને એટલે હિંદુઓને અને મુસલમાનો દ્વારા તેમની પોતીકી ભાષામાં જોડવામાં રસ છે. આવા શૂન્યાવકાશમાં અંગ્રેજી ભાષા પણ સ્વીકાર્ય બની શકે એમ છે.

બીજું ભારતનો ભદ્ર વર્ગ અંગ્રેજોની નજીક જવાનો, તેમના જેવા દેખાવાનો અને બીજાં કરતાં અનોખા કે ચડિયાતા દેખાવાનો મોહ ધરાવે છે. આવું ચડિયાતાપણું તેમને અંગ્રેજી ભાષા આપી શકે એમ છે. આનો એક અનુભવ તેમને બ્રાહ્મણોએ કરેલા ધર્માંતર પછી થઈ ગયો હતો. આ સિવાય મુખ્યત્વે કલકત્તામાં અને મદ્રાસમાં જે ભારતીયો અંગ્રેજોના સંપર્કમાં આવ્યા હતા અને થોડું ઘણું અંગ્રેજી બોલી લેતા હતા તેમના તેવર પરથી પણ ખ્યાલ આવવા લાગ્યો હતો.

આ તો ભલે ભદ્રવર્ગની પણ આમ જનતાની વાત થઈ. બંગાળમાં રાજા રામમોહન રાય જેવા ભારતીય નવજાગરણના પિતામહે અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવાની માગણી કરી હતી. તેમનું કહેવું એમ હતું કે ભારતીય ભાષાઓ આધુનિક જ્ઞાન શાખાઓનું અને નવજાગરણનું વહન કરી શકે એવી સક્ષમ નથી અને ભારતને જરૂર નવજાગૃતિની છે. તેમણે અંગ્રેજી ભાષા માટે મજબૂત વકીલાત કરી હતી અને અંગ્રેજો ભાષાના માધ્યમ વિશે નિર્ણય લેવામાં વિલંબ કરી રહ્યા છે તેની ટીકા પણ કરી હતી.

આખરે ઈ.સ. ૧૮૩૫માં લૉર્ડ મૅકોલેની સલાહથી કંપની સરકારના ભારત ખાતેના ગવર્નર લૉર્ડ વિલિયમ બૅન્ટિકે અંગ્રેજી ભાષા ભારતમાં આપનારા આધુનિક શિક્ષણનું માધ્યમ હશે એવી જાહેરાત કરી હતી.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 માર્ચ 2020

Loading

સમજદારીનું નિર્મળ ઝરણું અને અશ્મિભૂત મરુભૂમિની રેત

રોહિત શુક્લ|Opinion - Opinion|14 March 2020

ગયા મહિનાના (ફેબ્રુઆરી, ર૦ર૦) ‘અભિદૃષ્ટિ’ના પ્રથમ પાને કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું હૃદયંગમ કાવ્ય ‘Where the mind is without fear’ મૂક્યું છે. હમણાં ભુજમાં એક હૉસ્ટેલમાં સમગ્ર નારીજાતિની જે નાલેશી કરવામાં આવી છે તેના સંદર્ભમાં આ કાવ્યની બે પંક્તિઓ નોંધીએઃ

 

“Where the clear stream of reason has not lost its way,

Into the dreary desert sand of dead habit.”

કવિવરના આ કાવ્યના શબ્દો, ‘clear stream, reason’ અને ‘dreary desert sand of dead habit’ ઉપર ધ્યાન આપવા જેવું છે. આઝાદી પૂર્વે રચાયેલા આ કાવ્ય ભારતના ભાવિની કલ્પના છે. આઝાદી માટે તન, મનમાં ધનથી કુરબાન થવા તત્પર એવા સૌ માટે આ એક પ્રકારનું ‘કરારનામું’ છે. કવિ જાણે કે કહે છે – આઝાદીનું સુપ્રભાત ઊગવાની સાથે પુરાતન અને જડ વિચારોમાંથી તમે મુક્ત થશો. ભયમુક્ત થશો, જ્ઞાનવાન થશો, ગૌરવપૂર્વ જીવી શકશો … અને ભુજના કન્યા છાત્રાલયમાં શું બન્યું ?

સમજણ અને વિવેકના નિર્મળ ઝરણાની અપેક્ષાએ આ દેશ ચાલતો હતો … બધું જ વિસરાઈ ગયું ! શેની આડશ નડી? પેલી અશ્મિભૂત વિચારોની અનુભૂતિના રેતાળ પટની જ ને !

આ સમગ્ર બનાવ માત્ર કહેવાતી શુદ્ધતા કે પવિત્રતાનો જ નથી તેથી; પણ બહુ વિશેષ તેમાં છૂપાયેલું છે.

(૧) નારીના સન્માનને મિટાવી દેવાનો પ્રયાસ છે.

(ર) છાત્રાઓનાં સાવ કુદરતી દેહચક્રોનાં હલકાં અને અપવિત્ર ગણાવી પુરુષલક્ષી અને પુરુષકેન્દ્રી સમાજની ધાક બેસાડવાનો પ્રયાસ છે.

(૩) માતાપિતા દીકરીઓને ભણાવતા બંધ થાય, એટલું જ પૂરતું નથી ગણાયું; કદાચ ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ સૂત્રની અત્યંત હલકી મજાક પર ઉડાવાઈ છે.

(૪) આ કન્યાઓને તેમના સમગ્ર જીવનકાળ સુધી પીછો ન છોડે તેવો માનસિક આઘાત- ટ્રોમા આપવામાં આવ્યો છે.

(પ) પવિત્રતા અને શુદ્ધતાના અંચળા હેઠળ બર્બરતા આચરવામાં આવી છે.

(૬) જે વ્યક્તિઓ આવું કૃત્ય કરી શકી હોય, તેમની પાસે તલભાર પણ માણસાઈની સંવેદના નથી.

આખો મુદ્દો સમગ્ર સમાજની કથળી ગયેલી માનસિકતાનો છે. માણસાઈ અને તર્કવિવેકવાળો વિચાર કોઈ પણ માનવસમાજની પ્રગતિ માટે આધારરૂપ છે. વળી, ધર્મ પોતે કોઈ ઓઢી લેવાનો કે ફેંકી દેવાનો ધાબળો કે અંચળો નથી. શાસ્ત્રવચન પ્રમાણે ‘ધારયતે ઇતિ ધર્મમ્‌’ સંસારને ધારણ કરી રાખે, વિકૃત કે પાખંડી બનવા ન દે તે ધર્મ ગણાય. અલબત્ત, ધર્મમાં સમયના વહેવા સાથે વિકૃતિઓ પ્રવેશી ન જાય તેની તકેદારી રાખવી પડે.

બીજી બાજુ યુનિવર્સિટી પોતે આ ઘટનાને પૂરી ગંભીરતાથી લક્ષમાં લે (હિંદીમાં કહે છે તેમ સંજ્ઞાનમાં) તે જરૂરી છે. કચ્છ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પોતે જ એક મહિલા છે અને તેમને નારીજગતના ઉપરના આવા ગંદા વ્યવહારની સંવેદનશીલતા હોય જ. હવે સવાલ એ છે કે જ્ઞાનની ઉપાસના કરાતી હોય તેવી યુનિવર્સિટી આવી હલકટ માનસિકતા સામે પોતાની જ્ઞાનશક્તિ દાખવી શકશે કે યુક્તિપૂર્વકનાં સમાધાન કરીને આ કેસની ગંભીરતાને રોળી-ટોળી નાંખશે. વાતને ભુલાવી દેવાની કે ખોરંભે પાડવાની વૃત્તિ અથવા સમાધાનની વાર્તાને રાજકીય દાવપેચના શરણે લઈ ન જવાય તે જોવાની જવાબદારી માત્ર યુનિવર્સિટીના કુલપતિની જ નથી, સેનેટ, સિન્ડિકેટ વગેરે સત્તાજૂથોની પણ આ જવાબદારી છે. અહીં એક ખાસ મુદ્દો નોંધવો ઘટે. જે ધાર્મિક સંપ્રદાય આ છાત્રાલય ચલાવે છે તેના એક સાધુ(?!)એ એક પ્રવચનમાં કહ્યું કે રજસ્વાલ સ્ત્રીના હાથનો રોટલો ખાવો તે પુરુષ નવા જન્મમાં બળદ બને છે. અને આ રસોઈ કરનાર સ્ત્રી કૂતરી બને છે. અમદાવાદના સમાચાર પત્રમાં અનેક સ્ત્રીઓએ આની સામે આક્રોશ વ્યક્ત કરતાં લખ્યું – ‘હા હું કૂતરી છું.’

છેલ્લે, સરકાર પોતે પણ આ ઘટનામાંથી પોતાના હાથ સંકોરીને બહાર નીકળી ન જાય તો સારું. રાજ્યનું કામ જો ‘વિકાસ’ અને ‘સબકા સાથ-સબકા વિકાસ-સબકા વિશ્વાસ’નું હોય, તો રાજ્યની કામગીરીની દિશા પણ સ્પષ્ટ જ બને તેમ છે. વારંવાર ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ના નારા બોલી-બોલાવીને લોકોનાં ગળાં સૂકવી દેવાયાં છે. રાજ્ય જો ધાર્મિકતાના આવા ઉન્માદની સામે નતમસ્તક બની રહેશે, તો તેને આધુનિક રાજ્ય ગણાવાનો કોઈ જ અધિકાર રહેશે નહીં.

આશ્ચર્ય અને આઘાત પણ એ વાતે છે કે ગુજરાતનો બૃહદ્દ સમાજ આ મામલે લગભગ મૌન છે. આ મૌન પોતે જ એક અચંબાભરી ઘટના છે. ગુજરાતનો શિક્ષિત સમાજ કોઈ સામાજિક સંવેદના ધરાવે છે ખરો ? તેને આ બાબતે કાંઈ પણ કહેવાપણું લાગે છે ખરું ?

દુઃખી માનસિકતા સાથે આ લખાણ પૂરું કર્યું. ત્યાં સુરતની એક હૉસ્પિટલના આથી ય વધુ દુઃખદ સમાચાર આવ્યા. ૧૦૦ છોકરીઓને દસ-દસનાં જૂથમાં, નિર્વસ્ત્ર કરીને શારીરિક તપાસ કરાઈ. આ બર્બરતાની વાત ઓછી પડતી હોય તેવું ઉમેરણ રૂપે એમ પણ કહેવાયું કે આ તો રાબેતા મુજબનું હતું !

આ બનાવ હલકી માનસિકતાની વળી ઓર પરતો ખોલી આપે છે. નોકરીમાં માંડ માંડ ગોઠવાવા મથતા પરિવારની કન્યાઓની લાચારીનો આ નતીજો ? જો આ રાબેતા મુજબ હોય, તો વિમાસણ એ કે અત્યાર સુધી આવી બર્બરતાનો ભોગ બનતી અનેક કન્યાઓએ આ અંગે એક હરફ પણ જાહેરમાં ઉચ્ચાર્યા કેમ નહીં ? સજ્જનતા અને સાલુકાઈભર્યો આપસી વ્યવહાર પણ માત્ર પૈસાદારો માટે જ છે? એક દવાખાનું આવો નિર્લજ્જ વ્યવહાર વર્ષોથી આચરતું હોય, ત્યારે તંત્રને કશી ખબર જ ન પડી ? ગમે તેને માત્ર સાચા-ખોટા માણસોને આતંકી ઠરાવી દેવા માટે જાસૂસી ખાતું કામ કરે તેવું તો કેમ બને ? નાનોમોટો કર ભરનારા નાગરિકોના કોઈ જ અધિકાર નથી ? સાથોસાથ જે લોકોએ આવી તપાસમાં સાથ આપ્યો તેમની સંવેદનશીલતાને શું થયું ? તે પણ કાંઈ બહુ ઊંચા ધનવાન ઘરાનાના નહીં હોય ! મતલબ કે થોડાક ગરીબોએ જ અન્યની ઇજ્જત ઉપર હાથ નાખ્યો. રાજકારણીઓ અને ધનવાનો એક છે, પણ ગરીબો એકબીજાના સન્માન તરફ બેદરકાર છે.

ખરેખર તો આ બંને ઘટનાઓમાં એક અત્યંત આછી પણ આશાસ્પદ ભેદરેખા દોરી આપી છે. બંને બાબતો અત્યાર સુધી ‘વ્યવસ્થા’ના ભાગ રૂપે હતી. પણ બંનેમાંથી આછો-પાતળો-જરાક ખમચાતો પણ તીવ્ર નારીવાદ ગુંજ્યો છે. જેમણે પણ પોતપોતાની પરેશાનીઓ છતાં આ ગંદી માનસિકતાને પિછાની અને તેની સામે અવાજ ઉઠાવ્યો, તેમને સલામ ! આ અવાજ કરસનદાસ મૂળજીનો છે. કરસનદાસ મૂળજી એક પત્રકાર હતા છે અને ૧૮પપમાં ‘સત્યપ્રકાશ’ નામનું એક ગુજરાતી સાપ્તાહિક તેમણે શરૂ કર્યું હતું. આ સાપ્તાહિકમાં ૧૮૬રમાં, તેમણે ‘હિંદુઓનો અસલ ધર્મ અને હાલનાં પાખંડ’ એ મથાળા હેઠળ એક લેખ લખી વૈષ્ણવ મહારાજાના વ્યવહારોની ટીકા કરી હતી. આ બદલ ‘મહારાજ લાયબલ કેસ’ થયો હતો. જે એ સમયની સુપ્રીમ કોર્ટ ગણાય તેવી પ્રિવી કાઉન્સિલ સુધી લડાયો હતો અને કરસનદાસનો તેમાં વિજય થયો હતો.

આ ઉલ્લેખ જરૂરી હતો, કારણ કે વૈષ્ણવ મહારાજોના પાપાચારને ૧૮૬ર પહેલાનો સમાજ ઓળખી જ શક્યો ન હતો. તે પણ એક સ્વીકૃત ધાર્મિક પરંપરા જ હતી. જેમણે પણ ભુજ અને સુરતની આવી ગંદી અને બિભત્સ પ્રણાલી સામે અવાજ ઉઠાવ્યો છે, તેમણે કરસનદાસની મશાલને જીવતી રાખી છે. તેમને ફરી એક વાર સલામ!

થોડું દુઃખ અને ગ્લાનિ એ બાબતે કે ૧૮૬રના કરસનદાસના સમયના ગુજરાતી સમાજની નારી પ્રત્યેની માનસિકતા ર૦ર૦માં પણ ખાસ બદલાઈ નથી! હા, એ સમયે શિક્ષણ માંડ દસ ટકા વર્ગ સુધી પહોંચ્યું હતું; અત્યારે લગભગ સિત્તેર ટકાએ પહોંચ્યું છે. ‘શિક્ષણની નારીજગત ઉપર’ અથવા ‘સામાજિક મૂલ્યોનાં પરિવર્તન’ ઉપર નિબંધ લખવા માંગનારાઓએ કામે લાગી જવું જોઈએ! શિક્ષણ લેવાથી નારી સશક્ત બને છે તેવો ભય પાળનારાઓએ પણ સાંપ્રત સમસ્યા વિશે વિચાર તો કરવો પડશે ને ! શિક્ષણ માત્રને કારણે કોઈનું પણ સશક્તિકરણ થઈ શકે નહીં !

[‘સંપાદક’, અભિદૃષ્ટિ]

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, માર્ચ 2020; પૃ. 02-04 

Loading

સિંધિયા, ‘રાષ્ટ્રીય પ્રવાહ’માં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 March 2020

શું કહીશું, છોરો કે’દીનું પૈણું પૈણું કરતો’તો, એમ જ ને? કૉંગ્રેસના અગ્રણી યુવા નેતા, ટીમ રાહુલના સભ્ય તરીકે એક તબક્કે મધ્ય પ્રદેશના વરાયેલા મુખ્યમંત્રી લેખે પોતાની અને બીજા કેટલાકની નજરે જોવાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાનું પક્ષ છોડવું અને ભા.જ.પ.માં પ્રવેશવું એ તો, માનો કે, એમણે કલમ ૩૭૦ની નાબૂદીને ધરાર ટેકો કીધો ત્યારથી સામી ભીંતે લખાયા બરોબર હતું. પણ જે સરળતાથી આ આખી ઘટનાને કેટલાંક વર્તુળોએ ‘ઘરવાપસી’માં ખતવી દીધી એ વાનું કેવી રીતે ઘટાવીશું એ એક સવાલ છે. ખરું જોતાં, બીજે છેડેથી જોઈએ તો છેલ્લાં અઢાર અઢાર વરસથી એમનું કૉંગ્રેસમાં હોવું પણ, એમ તો, કોઈક તબક્કે ‘ઘરવાપસી’ જ હતું ને? જનસંઘ-ભા.જ.પ.માં લાંબો સમય શીર્ષ નેતૃત્વમાં રહેલાં રાજમાતા સિંધિયા ક્યારેક કૉંગ્રેસવાસી હતાં, અને પછી જનસંઘભેગાં થયાં હતાં. પણ આજે રાજમાતા નથી અને ભા.જ.પ.માં યશોધરા તેમ જ વસુંધરા બેઉ પોતપોતાની રીતે ઓછાંવત્તાં તિલકાયત રહ્યાં છે એટલે એ ભત્રીજા જ્યોતિરાદિત્યને એક તિલકાયત પેઠે આવકારે એ સ્વાભાવિક છે.

અહીં તિલકાયત સરખો પ્રયોગ સાભિપ્રાય કર્યો છે. એમાંથી વંશાનુગત સામંતી રાજવટની બૂ આવે છે. આમ જુઓ તો, ક્યારેક ટીમ રાહુલના સન્માન્ય સહભાગી લેખે ઊંચક્યા નહીં ઊંચકાતા જ્યોતિરાદિત્યનો કૉંગ્રેસ માંહેલો દબદબો બીજા એક ‘ફર્સ્ટ ફેમિલી’ગત તિલકાયતને કારણે સ્તો હતો. પરબારું તિલકાયત હોવું અને ઊંચી પાયરીએ બેસવું (બાપની ગાદી પેઠે) એ લોકશાહી પ્રક્રિયાની અને મૂલ્યોની રીતે બેલાશક અણછાજતું છે.

જ્યોતિરાદિત્યે પક્ષ છોડતાં એકબે વિગતમુદ્દા ચોક્કસ જ સાચા કીધા છે કે ચૂંટણીઝુંબેશમાં આપેલાં વચનો – ખાસ કરીને ખેડૂતોની દેવાનાબૂદી – બાબતે સત્તારૂઢ થયા પછી મુખ્યમંત્રી કમલનાથે કરેલી જાહેરાતો ખાલી ખાલી ખખડે છે. પોતે આ મુદ્દે બેચેન છે અને પક્ષ છોડી રહ્યા છે એવી એક ખુદસચ્ચાઈની ભૂમિકા એમણે લીધી છે. પણ ચંદ્રશેખર કે કૃષ્ણકાન્ત અગર મોહન ધારિયાની જેમ કૉંગ્રેસની અંદર ‘યંગ ટર્ક’ની રીતે સક્રિય હોવાનું દૈવત આ તિલકાયત કને કદાચ નથી. સત્તા, જે જન્મગત હોવી જ જોઈએ, એના વગરના એક બેચેનબહાદુર હાલ તો જણાય છે.

એમની બેચેનીની એક સમજૂત, જોગાનુજોગ કૉંગ્રેસની હાલની અનવસ્થા (નેતૃત્વવિષયક અનિર્ણયવશ અમથા અમથા ‘ડ્રિફ્ટિંગ’ની પરિસ્થિતિ) રૂપે જરૂર આપી શકાય. પણ એનો ઉગાર એમણે પક્ષની હારણ (ડિફિટિસ્ટ) મનોદશાને પલટવા અને પડકારવાને બદલે કથિત ઘરવાપસીમાં શોધ્યો એમાંથી ઊઠતી બૂ કેવળ ને કેવળ સત્તાકાંક્ષી તકસાધુતાની છે. ભા.જ.પ. શ્રેષ્ઠીઓએ એમનામાં વિભીષણનાં દર્શન કર્યા તે આ પક્ષની પોતીકી તરેહની રામનિષ્ઠા દર્શાવે છે. ખરું જોતાં એમણે વ્યાસ કને જઈ આવે વખતે વિકર્ણ (અને કદાચ યુયુત્સુને પણ) ખોજવા જેવું હતું અને છે.

એક વાત રાહુલ ગાંધીએ ભોગજોગે ઠીક કહી કે જ્યોતિરાદિત્યને એમના નવા મુકામમાં સુકૂન નહીં મળે. ભાઈ, સુકૂન જો દિલનો બલકે અંતરાત્માનો મામલો હોય તો એમાં જરૂર તમે કઈ વિચારધારાને વરેલા છો અને કઈ વિચારધારાને વળગવા જઈ રહેલા છો એવી કોઈ કસોટી હોય. અહીં તો જે છે તે કેરિયરની શોધ છે.

ભા.જ.પે. દેશને કૉંગ્રેસમુક્ત કરવાનો અને પોતે કૉંગ્રેસયુક્ત થવાનો જે ધોરી ઉર્ફે ભેલાણકારી રાહ લીધો છે એ અને નાનામોટા કૉંગ્રેસમેનોની આઘાપાછી બેઉ વસ્તુતઃ એક જ તરજ પરની બીના છે, અને બંને પોતપોતાને છેડેથી ઉદાત્ત રાજકારણની ભૂમિકા કઈ હદે છોડી ચૂક્યા છે એનું નિદર્શન છે. ઉચ્ચાકાંક્ષી વિચારધારાનું રાજકારણ ક્યારેક હશે તો હશે, અત્યારે તો એ બહુધા સત્તાકાંક્ષી બજારવાદની મર્યાદામાં રમે છે એમ જ કહેવું રહ્યું.

તેમ છતાં, એક વસ્તુ અવશ્ય વિચારણીય છે કે જેવો છે તેવો વિચારધારાવાદનો એક ખરોખોટો પણ ખૂંટો હાલ ભા.જ.પે. ખોડેલ છે. જવાહરલાલ નેહરુએ લોકશાહી સમાજવાદને ધોરણે સ્વતંત્રતા-અને-સમાનતા-લક્ષી એવી એક માનવીય અપીલ ક્યારેક જરૂર જગવી હતી. પ્રકારાન્તરે, બંધારણના આમુખમાં એ પડેલી છે. બધું રાજ્ય હસ્તક નહીં તો બધું બજારહસ્તક નહીં એવું જે એક લચીલું ને વહેવારુ વ્યાકરણ (મિશ્ર અર્થતંત્ર) આપણે ત્યાં કંઈક વિકસી રહ્યું હતું એમાં રાષ્ટ્રવાદ / સામ્યવાદની મૂર્છામોહિની નહીં પણ એક ભાવનામય અપીલસરની વહેવારડાહી સમજ જરૂર હતી. ભા.જ.પ.ના રાષ્ટ્રવાદે જગવેલ અફીણી ખેંચાણમાં બધો વખત હોશકોશને અવકાશ નયે હોય.

આ પ્રકારના વિચારધારાવાદ સામે ટકી જતો એક વ્યૂહ હમણાં આપણે આપ અને અરવિંદ કેજરીવાલના રાજકારણમાં જોયો છે. રાજકારણીઓના સ્પોઈલ્સ અને પેટ્રોનેજને મુકાબલે પ્રજાની સુવિધાલ્હાણ જરૂર આવકાર્ય છે. પણ આવી સુવિધાના કરવૈયા અને લાભાર્થી બેઉને બાંધતી કોઈ ભાવનાત્મક એટલી જ વૈચારિક અપીલ તો હોવી જોઈશે ને ? અન્યથા, પાટનગરી દિલ્હીના સરેરાશ મતદારને સારુ ઉપર મોદી અને નીચે કેજરીવાલ જેવા સરળમુગ્ધ અભિગમનો દબદબો કાયમ રહેશે. જેમાં નથી રીનેસાંસ, નથી રેફર્મેશન.

ચર્ચા જરી લાંબી ખેંચાઈ ગઈ – જો કે એ પ્રસ્તુત હતી અને છે – પણ પાછા સિંધિયા પ્રકરણ તરફ જઈએ તો સચીન પાઈલટની એ ટિપ્પણીમાં કંઈક દમ જરૂર છે કે આ પ્રશ્ન અમે પક્ષમાં અરસપરસ મળીને ઉકેલી શક્યા હોત એ ઇચ્છવાજોગ થાત. આ પ્રશ્ન એકબીજાને યથાસંભવ એકોમોડેટ કરવાનો છે, અને કૉંગ્રેસ જ કેમ ભા.જ.પ. ને બીજા પક્ષોમાં પણ તે જરૂરી હોય છે. પણ સત્તાકાંક્ષા ને મહત્ત્વાકાંક્ષાનું રાજકારણ ઉચ્ચાકાંક્ષાઓને ધરબીને ક્યાં સુધી ચાલી શકે ? જવાહરલાલના વારામાં પક્ષને (એના સેન્ટરિસ્ટ અને કંઈક ધર્મશાળારૂપ છતાં) બાંધતી જે એક ભાવનાત્મક અપીલ હતી એ ન હોય તો રાજકારણ ને જાહેર જીવન નકરાં અલૂણાં બની રહે છે.

પાટલીબદલુઓની નવાઈ નથી. પક્ષાન્તર થકી સત્તાંતરનો રવૈયો થોડોક ગાળો બાદ કરતાં કેવળ રાબેતો બની રહેલ છે. ઑપરેશન રંગપંચમી અગર ઑપરેશન કમલ (કે કમલનાથ?) મધ્યપ્રદેશમાં આ દિવસોમાં મત્ત મહાલવામાં છે. આવો દરેક પ્રસંગ (જે લગભગ રોજિંદા જેવો છે) હરિયાણા-કર્ણાટક રિસોર્ટકારણ કે ભોપાલમાં ફ્લોરાફ્લોરી, બધું ચાલશે પણ અત્યંત તીવ્રપણે જયપ્રકાશનાં એ આર્ત અને આર્ષ વચનો ડસ્યાં કરશે કે સાપનાથના સ્થાને નાગનાથ આવે તોપણ શું અને નાગનાથને સ્થાને સાપનાથ આવે તોપણ શું.

E-mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 03

Loading

...102030...2,6292,6302,6312,632...2,6402,6502,660...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved