Opinion Magazine
Number of visits: 9576573
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખેતીપ્રધાન દેશની સરકારે ખેડૂતોનાં સર્વાંગી પ્રશ્નોને ગણતરીમાં લેવા રહ્યા

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 December 2019

યોજનાઓ જાહેર કરવાથી ખેડૂતોનાં પ્રશ્નો નહીં ઉકેલાય પણ વૈચારિક માળખાકીય રોકાણ કરીને ખેતીનાં અર્થતંત્રને મજબૂત બનાવી શકાશે

દેશ આખામાં ડુંગળીની કિંમતે માઝા મૂકી છે. ૯૦ રૂપિયે કિલોથી માંડીને ૨૦૦ રૂપિયે કિલોના ભાવે ડુંગળી વેચાઇ રહી છે. દૂરંદેશી યોજનાના અભાવને કારણે સપ્લાયમાં નિયમિતતા, કોલ્ડ સ્ટોરેજની અછત, ડુંગળી મેળવવા માટે બેફામ પ્રક્રિયાઓને અનુસરવી અને ડુંગળીનાં મર્યાદિત ઉત્પાદન જેવા પ્રશ્નો ખડા થયા અને આપણે આ સ્થિતિમાં મુકાયા છીએ. માત્ર ડુંગળીના ઉત્પાદનને ધ્યાનમાં લઇએ તો ભારત વર્ષે અંદાજે ૨૩૦ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન કરે છે અને માંગ લગભગ ૨૦૦ લાખ ટન ડુંગળીની હોય છે. કેન્દ્ર સરકારની સબસીડીથી મળતી સ્ટોરેજ ક્ષમતામાં માંડ ૪.૩૦ લાખ ટન ડુંગળીનો જ સંગ્રહ થઇ શકે છે. ૨૦૧૭ની સાલમાં મધ્યપ્રદેશ સરકારે ડુંગળીનો પાક મેળવવામાં તથા તેનાં સસ્તા દરે થયેલા વેચાણને પગલે ૨૦૧૭ની સાલમાં ૭૮૫ કરોડની ખોટ વેઠવી પડી હતી. સ્ટોરેજ કૅપેસિટી વધારવામાં જો રોકાણ થાય તો દર વર્ષે વરસાદ પછી વેઠવી પડતી ખોટ ઘટાડી શકાય.

લાંબા ગાળાના પડકારો સામે લડત આપવા માટે નિકાસની કિંમતો લઘુતમ રાખવી, નિકાસ પર પ્રતિબંધ મૂકવો, પુરવઠાની મર્યાદા નિયત કરવી જેવા રસ્તાઓ કામ ન કરી શકે. આ વર્ષે વરસાદની અનિયમિતતા અને અણધાર્યા વરસાદને કારણે સંઘરેલા રવિ પાક અને ખેતરમાં ઊભેલા ખરીફ પાકને પણ નુકસાન થયું છે. એમ કહેવામાં વાંધો નથી કે કુદરતી સંજોગોને કારણે ભાવ વધારો થાય તો સરકારનો વાંક ન કાઢી શકાય પણ કુદરતી સંજોગો માટે પૂર્વ તૈયારીઓ કરવામાં સરકાર પાછી પડી છે એ તો સ્વીકારવું જ રહ્યું. ગ્રાહક અને ખેડૂતની વાત આવે ત્યારે ગ્રાહક જો કશું પણ ખરીદવા માટે વધારે ભાવ ચૂકવતો હોય તો તેનો તસુભાર લાભ પણ ખેડૂતો સુધી તો પહોંચતો જ નથી. વચેટિયાઓ અને વેપારીઓનાં ગજવા ચોક્કસ ભરાઇ જાય છે. ડુંગળીનાં ભાવ અધધધ વધ્યાં હોય તેવી પરિસ્થિતિ દર ત્રણ-ચાર વર્ષે ખડી થાય છે, છતાં ય તે માટેની કોઇ પૂર્વતૈયારીઓ માટે કવાયત થતી હોય તેવું સાંભળવા નથી મળ્યું.

આ તો થઇ ડુંગળીની વાત પણ, આપણા ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત દિવસે દિવસે કફોડી થતી જાય છે. ખેતી અને ખેડૂતોની જે પણ સ્થિતિ છે તેમાં ખેતી સાથે સંકળાયેલા રાજકારણ અને અર્થતંત્રનો સહિયારો ફાળો છે. ૨૦૧૯માં કરેલી જાહેરાત અનુસાર સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઇઝ – એમ.એસ.પી. દ્વારા અમુક ચોક્કસ પાક માટે તેના ઉત્પાદન ખર્ચ કરતાં દોઢ ગણી કિંમત આપશે જેમાં બિયારણ, ખાતર અને મજૂરીની કિંમત પણ ગણાશે. એમ.એસ.પી. મારફતે ખેડૂતોના કલ્યાણ માટે ૧.૩૮ લાખ ખર્ચ્યા હોવા છતાં ય ખેડૂતોની આત્મહત્યાનો આંકડો નથી ઘટ્યો. એમ.એસ.પી. જેવી વ્યવસ્થા દ્વારા સરકાર ખેત ઉત્પાદનોની કિંમતને વધારી રહી છે અને તે ખેડૂતો માટે તો નહીં જ પણ એગ્રીટેકની ઇકોસિસ્ટમ માટે પણ ગેરફાયદો જ કરે છે. આપણી સરકાર ખેત ઉત્પાદનોની કિંમતોનાં મિકેનિઝમનો ઉપયોગ ખેડૂતોના કલ્યાણ માટે કરવા માંગે છે.

મિનિમમ સપોર્ટ પ્રાઇઝ વધારીને બીજી ચીજોને સબ્સિડાઇઝ કરી દેવાય ત્યારે કૃત્રિમ રીતે જ ઉત્પાદનનો ભાવ વધે છે પણ નિવિષ્ટની કિંમતો ઘટે છે. આ સંજોગોમાં નિવિષ્ટ વધે છે અને અતિ-ઉત્પાદન થાય છે જે અંતે ભાવ વધુ પડતા જ ઉપર જાય છે. સરકારે જાહેર કરેલી નીતિઓ, યોજનાઓથી ચકાચોંધ થયેલા ખેડૂતોને બજારનાં સંકેત સમજવાનો મોકો નથી મળતો. સરકારી યોજનાઓ ખેડૂતો સુધી ચોક્કસ પહોંચે છે પણ તેનો ફાયદો ખેડૂતોને નથી મળતો કારણ કે સરકાર કિંમત અને બજારનો વહેવાર પોતાના જ હાથમાં રાખે છે. આપણે ત્યાં ખેત ઉત્પાદનમાં વધારો થતો હોય પણ ખેતીની આવક ઘટતી હોય તેવી સ્થિતિ કેટલાંક વર્ષોથી યથાવત્ છે. ખાધ્ય પદાર્થોમાં થયેલા ફુગાવો, બિન-ખાદ્ય ફુગાવામાં વધારો થવાને કારણે બિન-અસરકારક સાબિત થયો છે.  એમ.એસ.પી. પ્રોક્યોરમેન્ટ નીતિ નિષ્ફળ રહી છે તે તો છે જ પણ રવિ પાક આગલા વર્ષનાં એપ્રિલ મહિના પહેલાં મળવા મુશ્કેલ છે અને તે ભાવ વધારામાં કોઇ ફાળો આપશે તેવું લાગતું નથી. આમ થવાનું એક મહત્ત્વનું કારણ એ પણ છે ખેત ઉત્પાદનોની કિંમતોનાં ઘટાડા પાછળ ગ્રામીણ અર્થતંત્રમાં માંગનો ઘટાડો કામ કરે છે, નહીં કે ખેત-ઉત્પાદનોનો વધુ પડતો પુરવઠો. ગ્રામીણ અર્થતંત્રમાં ખેત-ઉત્પાદનો કે ખાદ્ય ઉત્પાદનોની માંગ ઘટવા પાછળ મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન અને સર્વિસિઝી જેવાં ક્ષેત્રોનું પતન કારણભૂત છે. આવા બિન-ખેતી ક્ષેત્રોમાં રોજગારીની ઘટતી તકો ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવે છે કારણ કે બેરોજગારીને પગલે ખેત-ઉત્પાદનોની માંગ આપમેળે ઘટતી જાય છે. આ રીતે ગરીબીનો પ્રશ્ન પણ વધુ ઘુંટાય છે.

નોટબંધી અને જી.એસ.ટી.નું ઉતાવળિયું અમલીકરણ આ કટોકટીનાં પાયામાં ચોક્કસ છે પણ ખેતીમાં અનિવાર્ય રોકાણને મામલે જે બેદરકારી રાખવામાં આવી છે તેને કારણે પણ ખેડૂતો અને ખેતી બજારમાં સંજોગો તંગ બન્યા છે. મોસમનાં બદલાવ અણધાર્યા હોવા છતાં, વરસાદની અનિયમિતતા છતાં પણ ખેત ઉત્પાદનોમાં કોઇ ઘટાડો નથી થયો. ધાર્યા કરતાં વધુ ઉત્પાદનની જાળવણી, નિકાસ, વેચાણ વગેરેને મામલે યોગ્ય પ્લાનિંગ કરવામાં સરકાર પાછી પડી છે જેને કારણે ખેતીમાંથી પૂરતી આવક નથી થઇ શકી. સરકારે ખેડૂતોનાં ભલા માટે અઢળક યોજનાઓ ચોક્કસ જાહેર કરી છે પણ તેનાં અમલીકરણની સાથે બજાર ભાવ અને ફુગાવા પરનાં નિયંત્રણમાં સંતુલન ન રહી શક્યું હોવાને કારણે ખેડૂતો હાથ ઘસતા રહી ગયા છે.

ભારતમાં ૫૮ ટકા વસ્તી ખેતીમાંથી આવક મેળવે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્ઝ, બ્લોક ચેઇન અને રોબોટિક્સ જેવી ટેક્નોલોજી આખા તંત્ર પર અસર કરે છે. ભારતમાં ખેતી લક્ષી ટેક્નોલોજીકલ (એગ્રીટેક) સ્ટાર્ટઅપ્સ પણ શરૂ થયા છે જે ખેતીનાં અર્થતંત્રને મજબૂત બનાવવા માગે છે પરંતુ આ માટે તેમણે છેવાડાનાં ખેડૂત સુધી પહોંચવું રહ્યું. અત્યારે તેઓ માત્ર મધ્યમ અને મોટા કદના ખેડૂતો સુધી પહોંચી શકે છે અને નાના ખેડૂતો ટેક્નોલોજીનો ફાયદો ઉપાડી નથી શકતા. જે હાંસિયામાં ધકેલાઇ રહ્યા છે તેને પણ ગણતરીમાં લેવાય તેવી તકેદારી સરકારે રાખવી રહી. એગ્રીટેકને કારણે ખેડૂતો સુધી માહિતી મોટા પ્રમાણમાં અને ઝડપથી પહોંચે છે તે ખરું પણ ઘટી રહેલાં પાણીનાં સ્રોત, ખેતીલાયક જમીનનું ઘટતું પ્રમાણ, ભૂગર્ભ જળનાં તળિયા વધારે ઊંડા જેવા જેવી સમસ્યાઓનો ઉકેલ પણ હજી શોધવાનો છે. માત્ર યોજનાઓનાં અમલીકરણથી સમસ્યાનો સર્વાંગી ઉકેલ નથી મળી શકતો, પરંતુ ટેક્નોલોજી, પરંપરા, બજારભાવ, ખેડૂતોની ક્ષમતા અને માંગ તથા પુરવઠા જેવી સમાન બાબતોને ગણતરીમાં લઇને પછી ઘડાતી નીતિઓને પગલે જ ખેતીનું રાજકારણ તેનાં અર્થતંત્રને મજબૂત બનાવનારું સાબિત થઇ શકશે.

બાય ધી વેઃ

સરકારને મોટાં પરિવર્તનો કરવામાં બહુ રસ છે, એ કેબ હોય કે પછી ૩૭૦ કે કંઇક બીજું. મોટાં પરિવર્તનોનાં ઘોંઘાટમાં જે સાચી સમસ્યાઓ છે તે દબાઇ જાય છે. ખેતી પ્રધાન દેશમાં કૃષિનું અર્થતંત્ર સંભાળવામાં સારા લાગતા રાજકારણને પગલે પાંગળું બની રહ્યું છે. ખેતરોમાં પાક લહેરાતો જોઇને ય ખેડૂતોનાં ખિસ્સા ખાલી રહે છે. સરકારે માળખાકીય રોકાણ કરીને એવી સવલત ઊભી કરવી જોઇએ જ્યાં ખેડૂતો લણેલા પાકનો સંગ્રહ કરીને તેને બજારમાં ફરી મૂકી શકે. વધારાની ડુંગળી બગડે છે તો ઘઉં ઊગાડવા માટે ભૂગર્ભજળ ઘટી ગયું છે. દરેક પ્રદેશ, દરેક પાકની જરૂરિયાતો જુદી છે એ સમજીને એ પ્રમાણે નીતિઓ ઘડાશે તો ખેડૂતની પણ આવક થશે અને તેને બળબળતા તાપમાં લાંબી રેલીઓ નહીં કાઢવી પડે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 ડિસેમ્બર 2019 

Loading

ચલ મન મુંબઈ નગરી — 22

દીપક મહેતા|Opinion - Opinion|14 December 2019

ટ્રામ, ભાંગ વાડી, એડવર્ડ થિયેટર, કે ખાદી ભંડાર,

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી

આજે આપણે એક સગાને ઘરે જવાનું છે. કોના સગા? તમારા, મારા, આપણા સૌના. પણ આજકાલના નહિ હોં, લગભગ ૭૦-૮૦ વર્ષ પહેલાંના મુંબઈમાં વસતા ભગવાનદાસ કાકાને ત્યાં જઈએ. કાલબાદેવી રોડ પરના ગોવિંદ નિવાસ નામના ચાર માળના મકાનમાં ચોથે માળે રહે છે ભગવાનદાસ કાકા અને તેમનું ૮ જણનું કુટુંબ. પણ જશું કઈ રીતે? બસમાં ય જવાય, પણ બસ તો મોંઘી, પૈસાદારને પોસાય એવી. આપણું કામ નહિ. સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાતરા એવું કરવું હોય તો ટ્રામમાં જ જઈએ.

મુંબઈની ટ્રામ

ટ્રામ એ મુંબઈનું પહેલવહેલું લોકશાહી વાહન. ૧૮૭૪ના મે મહિનાની નવમી તારીખે મુંબઈમાં પહેલવહેલી ટ્રામ દોડતી થઈ. જો કે એને ઘોડા ખેંચતા હતા. એ વખતે તેના માત્ર બે જ રૂટ હતા : એક, કોલાબાથી પાયધૂની, અને બીજો, બોરીબંદરથી પાયધૂની. પછી આવ્યું ૧૯૦૭નું વરસ. ઘોડાની ટ્રામ બંધ થઈ અને દોડવા લાગી ઇલેક્ટ્રિક ટ્રામ, એ વર્ષના મે મહિનાની સાતમી તારીખથી. પહેલાં તો એક માળવાળી અને એક ડબ્બાની જ ટ્રામ હતી. પછી બે ડબ્બાની ટ્રામ આવી. અને પછી ૧૯૨૦ના સપ્ટેમ્બરમાં આવી બે માળવાળી ટ્રામ. તો આપણે આવી બે માળવાળી ટ્રામમાં જ જઈએ, ઉપલે માળે સૌથી આગલી સીટ પર બેસીને. આ આવ્યો ખાખી યુનિફોર્મ પહેરેલો કંડક્ટર પંચિંગ મશીન ખખડાવતો. ટ્રામની ટિકિટને ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં એ ન્યાય લાગુ પડે. કોલાબાથી કિંગ્સ સર્કલ જવું હોય તો ટિકિટ એક આનો, બે સ્ટેન્ડ પછી ઊતરી જવાના હો તો પણ ટિકિટ એક આનો. બાર વરસથી ઓછી ઉંમરના માટે અડધો આનો, એટલે કે બે પૈસા, એટલે કે એક ઢબુ. ૧૬ આનાનો એક રૂપિયો. એક આનાના ચાર પૈસા. એક પૈસાની ૧૨ પાઈ. લો, ખિસ્સામાંથી કાઢીને હું જ આપી દઉં છુ ભાડું. બદલામાં મળી સફેદ રંગની નાનકડી ટિકિટ. ક્યાં જવું છે એ કહ્યું એટલે ટિકિટના બે આંકડા પર પંચ વડે કાણાં પાડ્યાં. પહેલું, ક્યાંથી બેઠા, બીજું ક્યા ઊતરવાના એ બતાવવા માટે. ટ્રામનાં કુલ ૪૦ સ્ટેન્ડનાં નામ પણ ટિકિટ પર છાપેલાં છે. વળી એક બીજી સગવડ પણ છે, ટ્રાન્સફર ટિકિટની. અમુક અમુક જગ્યાએ ટ્રામના બે રૂટ ભેગા થતા હોય. ત્યાં તમે એક રૂટની ટ્રામમાંથી ઊતરીને બીજા રૂટની ટ્રામમાં બેસી શકો, નવી ટિકિટ લીધા વગર. બે માળવાળી ટ્રામના બંને માળ પર એક એક કંડક્ટર. પાછલા ભાગમાં ઉપર ચડવા માટેનાં પગથિયાં. ટ્રામની બંને બાજુ ડ્રાઈવર માટેની જગ્યા. તેની બાજુમાં જ ચડવા-ઊતરવાની જગ્યા. ખાખી કપડાં અને લાંબા લાલ ફૂમતાવાળો સાફો પહેરેલો ડ્રાઈવર. સામે બે જુદી જુદી જાતનાં હેન્ડલ. જરૂર પ્રમાણે ઘૂમાવતો જાય. ઝડપની વધ-ઘટ કરે, વળાંક હોય ત્યાં ટ્રામને ધીમેથી વાળે. આગળ પાટા પર કોઈ માણસ કે બીજું કોઈ વાહન દેખાય તો પગથી ઘંટડી વગાડી તેને ચેતવે. પેસેન્જરને ચડવા-ઊતરવા સ્ટેન્ડ પર ટ્રામ થોભાવે. કંડક્ટર બે ઘંટડી મારે પછી જ ડ્રાઈવર ટ્રામ ચાલુ કરી શકે. ચાલતી ટ્રામે પણ ગમે ત્યારે કંડક્ટર એક ઘંટડી મારે તો તરત ટ્રામ ઊભી રાખે. દિવાળી અને બીજા કેટલાક તહેવારોમાં વીજળીના દીવાઓથી શણગારેલી ટ્રામ પણ સાંજ પછી ફરે, પણ ખાલી. તેમાં પેસેન્જર ન બેસી શકે. માત્ર રોશની જોઇને રાજી થવાનું.

એક આનાની ટ્રામની ટિકિટ

ટ્રામમાં બેસીને બંને બાજુનો નઝારો જોવાની મજા પડી ને? આ આવ્યું આપણે ઊતરવાનું સ્ટેન્ડ, ધોબી તળાવ. પહેલાં અહીં મોટું તળાવ હતું જ્યાં ધોબીઓ કપડાં ધોવા આવતા. એટલે એવું નામ પડેલું. વખત જતાં તળાવ પૂરાઈ ગયું, પણ નામ રહી ગયું, ધોબી તળાવ. ટ્રામમાંથી ઊતરીને આપણે કાલબાદેવી રોડ પર જવાનું છે. અહીં આવેલા કાલબાદેવીના મંદિર પરથી આ રોડનું નામ પડ્યું છે. કહે છે કે પહેલાં આ મંદિર માહિમ ખાતે હતું. પણ ૫૦૦ વર્ષ સુધી તેની મૂર્તિનાં દર્શન કોઈને કરવા દેતા નહોતા. પછી ત્યાંથી મંદિર અહીં આવ્યું. પણ પછી જ્યારે ટ્રામ શરૂ થઈ ત્યારે તેના પાટા નાખવા માટે થઈને એ મંદિર સરકારે તોડ્યું, પણ તેના બદલામાં નવું મંદિર બાંધવાનો બધો ખર્ચ સરકારે આપ્યો. ટ્રામના પાટા રસ્તાની વચ્ચોવચ. એટલે ઊતરતી વખતે જરા ધ્યાન રાખવાનું. બીજા કોઈ વાહનની હડફેટે ચડી ન જઈએ તેનું. જો કે હજી મોટરો તો બહુ ઓછી. વિક્ટોરિયા કહેતાં ઘોડાગાડી ખરી. તો ય થોડું ધ્યાન રાખવું સારું.

એડવર્ડ થિયેટર

ભાંગવાડી – હાથી રહ્યો, થિયેટર ગયું

ચાલો, હેમખેમ ફૂટપાથ પર આવી ગયા. જરા આગળ જુઓ : ફુર્તાડો મ્યુઝિકની દુકાન. છેક ૧૮૬૫માં શરૂ થયેલી. ભગવાનદાસ કાકાનો મોટો દીકરો શિવલાલ ઘણી વાર આ દુકાનની બહાર ઊભો રહી અંદરના મોટા મોટા પિયાનો જોયા કરે અને મનમાં વિમાસે : આવું મસ મોટું વાજિંત્ર વગાડતા કઈ રીતે હશે? હવે જુઓ, આ એડવર્ડ થિયેટર. ૧૯૧૪માં બંધાયેલું. મુંબઈનાં પાંચ જૂનામાં જૂનાં થિયેટરમાંનું એક. જરા આગળ ચાલીએ એટલે આવે ભાંગવાડી થિયેટર. મુંબઈની ગુજરાતી રંગભૂમિનું પિયર. દર શનિ-રવિવારે સાંજે નાટકનો ખેલ શરૂ થાય તે સવારે ત્રણ-ચાર વાગ્યે પૂરો થાય. નાટકમાં દસ-બાર ગીત, અને દરેક ગીતને બે-પાંચ વન્સ મોર તો મળે જ. ભગવાનદાસ કાકા  અવારનવાર અહીં નાટકો જોવા આવે. ઈન્ટરવલમાં ફેરિયા થિયેટરની અંદર આવી ખારા કાજુ ને પિસ્તાંનાં પડીકાં ચાર-ચાર આને વેચે તેમાંથી બે પડીકાં લે. એક પોતે ખાય, બીજું ઘરે લઈ જાય. જયશંકર સુંદરી, માસ્ટર કાસમભાઈ, અશરફખાન, વગેરે નટના ચાહક. પણ ભગવાનદાસ કાકા  ઓળઘોળ થઈ જાય તે તો ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા’વાળાં મોતીબાઈ પર.

કાલબાદેવી મંદિર

કાલબાદેવી એટલે એક મોટું બજાર. રસ્તાની બંને બાજુ જાતભાતની દુકાનો. આ જ રસ્તા પર આવ્યો છે શુદ્ધ સ્વદેશી ભંડાર. ૧૯૧૯ના જૂનની ૧૮મી તારીખે મહાત્મા ગાંધીએ તેનું ઉદ્ઘાટન કરેલું. અને ગોકુલદાસ મોરારજી માર્કેટ પણ અહીં જ આવેલી છે. ગાંધીજીએ સ્વદેશીની લડત ઉપાડી ત્યારે અહીંની બધી દુકાનોએ વિલાયતી કાપડ વેચવાનું બંધ કર્યું અને ફક્ત સ્વદેશી કાપડ જ વેચવાનું શરૂ કર્યું. આથી તે ‘સ્વદેશી માર્કેટ’ બની. કહે છે કે અહીં કાપડની માર્કેટ બની તે પહેલાં ભોંયતળિયે ઘોડાના તબેલા હતા. આ ગોકુળદાસ તે મુંબઈની ગોકુળદાસ મોરારજી સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલ નંબર એક અને નંબર બેના માલિક. આ મિલની શરૂઆત છેક ૧૮૭૧માં થયેલી. આપણે જેમને મળવા જઈએ છીએ તે ભગવાનદાસ કાકાની આ સ્વદેશી માર્કેટમાં દુકાન છે, ધોતિયાં અને પાંચ વારી સાડી વેચે છે. બંને કોટન. મોટો દીકરો શિવલાલ પણ આ જ માર્કેટમાં આડતિયાનો ધંધો કરે છે. ઉજળિયાત વર્ગના લોકો બહારનું ખાવાનું પસંદ કરે નહિ. એટલે એ બંને માટે રોજ બપોરે ઘરેથી ટિફિન લઈને ઘરઘાટી સોનું દુકાને આવે. હા, દિવસમાં બે-ત્રણ વાર થોડે દૂરની શંકર વિલાસ હિંદુ હોટેલમાંથી ચા મગાવીને દુકાનના બધા માણસો પીએ ખરા. પણ તે માટે મોટા અને નાના શેઠે ઘરેથી આણીને પિત્તળના કપ-રકાબી દુકાનમાં રાખ્યા હતા અને તે બંને તેમાં જ ચા પીએ, કારણ કાચનાં વાસણ તો ભ્રષ્ટ, અપવિત્ર.

ખાદી ભંડારના ઉદ્ઘાટનની જાહેર ખબર

સ્વદેશી માર્કેટ જૂનું મકાન

આઠ જણના કુટુંબ માટે ગોવિંદ નિવાસની જગ્યા થોડી સાંકડી તો પડતી હતી, પણ ત્યાંથી ચાલીને દુકાને પહોંચતાં માંડ દસ મિનિટ થતી એટલે ભગવાનદાસ કાકા ઘર બદલતા નહોતા. વળી પહેલાં કરતાં હવે તો ભાડાં અને પાઘડી પણ વધી ગયાં છે. (નોકરોના) પરસેવાની કમાણી પાઘડીમાં નાખી દેવા કરતાં એટલા પૈસા ધંધામાં નાખ્યા હોય તો વધુ બરકત આવે એમ ભગવાનદાસ કાકા માને છે. એમનાં પત્ની વિલાસબહેનને પણ અડોશપડોશ સાથે ગોઠી ગયું છે અને રોજિંદા જીવનની બધી જરૂરિયાતો આસપાસમાં જ મળી રહે એટલે એમને પણ આ ઘર છોડવું નથી. જો કે સૌથી નાનો દીકરો રમેશ ઘણી વાર કહે છે કે સાંતાક્રુઝ કે પાર્લામાં ઘર લઈએ તો ઘણી મોટી જગ્યા મળે અને વળી હવા-પાણી પણ ચોક્ખાં. પણ આ વાત નીકળે કે તરત ભગવાનદાસ કાકા પોતાનો ‘વિટો’ વાપરે. ભગવાનદાસ કાકા મૂળ ધરમપુરના વતની. પિતા ગોરધનભાઈ ખિસ્સામાં સાત રૂપિયા લઈને ૧૬ વરસની ઉંમરે મુંબઈ આવેલા. એક ઓળખીતાની મદદથી ખિસ્સા રૂમાલ, નેપકીન, અને ટુવાલની ફેરી શરૂ કરેલી. આખો દિવસ અનેક ઘરના દાદરા ચડી-ઊતરીને થાકીને ઠેં થઈ જાય. પણ ‘લગે રહો.’ દીકરો પોતાની દુકાન કરી શકે એટલું કમાયા. મોટા દીકરાને દુકાન સોંપીને ભગવાનદાસ કાકા દર વરસે એક વાર ‘ગામ’ જાય છે અને હાશકારો અનુભવે છે. ધરમપુરનાં કુંવરીબા – જે પછીથી ગોડળનાં મહારાણી બનેલાં – નંદકુંવરબાએ આખી દુનિયાની પ્રદક્ષિણા કરેલી અને તેને વિષે ચોપડી પણ લખેલી એ વાતનું અભિમાન ધરમપુર જાય ત્યારે ભગવાનદાસ કાકા  પ્રગટ કરે છે. વાંચવાની વાત તો દૂર રહી, એ પુસ્તક એમણે જોયું પણ નથી એ જુદી વાત. ભગવાનદાસભાઈ મોજમાં હોય ત્યારે ‘માલવપતિ મુંજ’ નાટકનું પ્રભુલાલ દ્વિવેદીનું એક ગીત ગણગણતા હોય :

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી,
એથી જ શાણા સાહ્યબીથી લેશ ફૂલાતા નથી.
ખીલે તે કરમાય છે, સરજાય તે લોપાય છે,
જે ચઢે, તે તે પડે એ નિયમ પલટાતા નથી.

આજે તો હવે મોડું થઇ ગયું. એટલે આ અને આવાં બીજાં ગીતો ગણગણવાનો શોખ ધરાવતા ભગવાનદાસ કાકાને ઘરે જઈને મળશું હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com    

XXX XXX XXX

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 14 ડિસેમ્બર 2019 

Loading

આપણે ધ્યાને લઈએ કે બળાત્કારનો ભોગ બનતી સ્ત્રીઓમાં ગરીબ, દલિત અને આદિવાસી સ્ત્રીઓનું પ્રમાણ વધુ છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|13 December 2019

કર્મશીલ માર્ટિન મૅકવાન સંપાદિત ‘ભેદભારત’ પુસ્તકમાંથી સમજાય છે કે પુરુષોની વાસનાનો ભોગ બનતી ગામડાંની ખૂબ ગરીબ શ્રમજીવી સ્ત્રીઓનાં જીવતર સ્થળ, કાળ, વ્યક્તિઓ, વ્યવસ્થાઓ એવી કોઈ પણ દૃષ્ટિએ સલામત નથી. મહિલાઓને શહેરમાં પણ આ સ્થિતિમાં થોડોક જ ફેર જણાતો હોય તેમ બને.

બળાત્કાર પીડિતા માટેની સમાજની સંવેદના એ સ્ત્રીનાં ધર્મ, જાતિ, શહેર, ગામ, પૈસો, પદ, પ્રતિષ્ઠા જેવી બાબતોથી પર હોવી જોઈએ, એ વાતનો ઇન્કાર હોઈ ન શકે. સાથે એ હકીકત પણ છે કે યૌન અત્યાચારનો ભોગ બનતી સ્ત્રીઓમાં બિનશહેરી ગરીબ સ્ત્રીઓનું પ્રમાણ ઘણું મોટું છે. વળી આપણા દેશમાં મોટા ભાગના ગરીબો દલિત, આદિવાસી, વિચરતા કે લઘુમતી સમૂહોના છે. એટલે પીડિતાઓમાંથી મોટા ભાગની આ વર્ગોની હોય છે. માધ્યમોમાં આપણી સામે એકંદરે શહેરમાં થતાં અત્યાચારો અને લોકોનો રોષ આવે છે. પણ વાસ્તવમાં ગામડાં કે કસબામાં કરવામાં આવતાં, અને વિવિધ કારણોસર નજરે આવ્યાં વિના ધરબાઈ જતાં દુષ્ક્રૃત્યોની ઘાતકતા તેમ જ સંખ્યા ઘણી વધારે છે. આવા જુલમોની ઝાંકી  ‘ભેદભારત’ પુસ્તકમાંથી મળે છે.

જાણીતા કર્મશીલ માર્ટિન મૅકવાને સંપાદિત કરેલાં આ પુસ્તકનું આખું નામ છે ‘2014થી 2018 : દલિત-આદિવાસી માટે ભેદભારત’. તેમાં ચાર વર્ષના ગાળામાં આખા દેશના બધાં રાજ્યોમાં  અનુસૂચિત જાતિ-જનજાતિઓ પર થયેલા લાખો અત્યાચારોમાંથી જૂજ બનાવોના અખબારી અહેવાલ વિગતવાર સ્રોત સાથે મૂકવામાં આવ્યા છે. લોકોના ધ્યાનમાં ઓછા આવ્યા હોય તેવા આ કિસ્સા દૂરનાં ગામડાંનાં વાસ-વસ્તી કે જંગલના કે ડુંગરિયાળ વિસ્તારોનાં પરાં-પાડાના છે. એમાં આભડછેટ, જમીન અધિકાર અને આર્થિક શોષણને લગતાં જુલમોનો સમાવેશ થાય છે. ચોથા ભાગના બનાવો મહિલાઓ પરના અત્યાચારોના છે. તેમાંથી સમજાય છે કે પુરુષોની વાસનાનો ભોગ બનતી ગામડાંની ખૂબ ગરીબ શ્રમજીવી સ્ત્રીઓનાં જીવતર સ્થળ, કાળ, વ્યક્તિઓ, વ્યવસ્થાઓ એવી કોઈ પણ દૃષ્ટિએ સલામત નથી (મહિલાઓને શહેરમાં પણ આ સ્થિતિમાં થોડોક જ ફેર જણાતો હોય તેમ બને).

‘ભેદભારત’ પુસ્તકમાં જે પીડિતાઓને લગતા સમાચાર છે તેમનાં આખાં કુટુંબ વૈતરાં કરે ત્યારે માંડ ગુજરાન ચાલે. બિહાર અને ઝારખંડની આદિવાસી મહિલાઓ દિલ્હીમાં ઘરઘાટી કે છૂટક મજૂર હોય છે અને અત્યાચારનો ભોગ બનતી રહે છે. મૂળ ઓરિસ્સાની દિલ્હીમાં ઘરઘાટી એવી સગર્ભા બનેલી પીડિતાની વિધવા માતા પશ્ચિમ બંગાળના જલપાઈગુરીમાં ચાના બગીચામાં દિવસના સિત્તેર રૂપિયામાં મજૂરી કરે છે. જમશેદપુરમાં મજૂરી કરીને છ બાળકોને ઉછેરતી મહિલાની ઇજ્જ્ત લૂંટીને તેને મારી નાખવામાં આવે છે. બિહારનાં ભોજપુર જિલ્લાના દુમરિયા ગામની બે પ્રૌઢાઓ અને ચાર કિશોરીઓ આખો દિવસ ભંગાર ભેગો કરીને સાંજે વેચે છે. તે ખરીદનાર કારખાનાવાળો અને તેના સાથીદારો આ સ્ત્રીઓ પર ગોડાઉનમાં અત્યાચાર કરે છે. રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાનાં ઝાલરપાટણ કસબાના છેડે આવેલાં ઔદ્યોગિક વિસ્તારની સગીર વયની બે બાંધકામ મજૂર સ્ત્રીઓ વાસનાનો ભોગ બને છે. કેરાલાના કસગોડે જિલ્લાના બલાલ ગામમાં છૂટક મજૂરી કરતી સ્ત્રી અને તેલંગણાના બુરગમપડુ તાલુકાના કૃષ્ણસાગર ગામની ઇંધણા વીણવા ગયેલી સ્ત્રી પર દુષ્કર્મ થાય છે. તામિલનાડુમાં થેની નજીક કુમઘુમ જંગલમાં રખડીને મધ અને ઔષધીય વનસ્પતિ એકઠી કરતી આદિવાસી પલિયાર કોમની સ્ત્રીઓને જંગલખાતાના સુરક્ષાકર્મીઓ હંમેશાં કનડે છે. પશ્ચિમ બંગાળમાં સાલબરીના ચાના બગીચામાં કામ કરતી સગીર વયની બાળાની લાશ મળે છે, તેના પિતા સફાઈ કામદાર છે. જમ્મુ અને કાશ્મીરનાં કથૂઆની આઠ વર્ષની બાળા માલધારી સમૂહની હતી. એ જ ઉંમરની બાળાની લાશ જુલમની અનેક નિશાનીઓ સાથે રાજસ્થાનનાં બુંદીના પાતપતિયાડા ગામમાં કચરામાંથી મળે છે, તેની મા ખાણ મજૂરી કરતી વિધવા છે. હિમાચલનાં કાંગલ ગામની પ્રજ્ઞાચક્ષૂ, તામિલનાડુના દેનકાઈકોટ્ટાની સાંભળી-બોલી નહીં શકતી, પશ્ચિમ બંગાળના કુસુમાંડીની કે ઝારખંડના જમશેદપુરની મંદબુદ્ધિ બાળાઓ પણ ભોગ બની છે. જેમને  સારાં જીવન માટે તેમનાં મા-બાપ મજૂરી કરીને ભણાવતાં હોય. તેવી સંખ્યાબંધ વિદ્યાર્થિનીઓ હવસનો શિકાર બને છે.

પીડિતાઓ કેટલાં અંતરિયાળ વિસ્તારની હોય છે તેનો અંદાજ આપવા માટે અત્યાર સુધી ગામોનાં નામો મૂકવામાં આવ્યાં હતાં. પણ સ્ત્રીની અસલામતી સાર્વત્રિક છે. ગરીબ દલિત કે આદિવાસી સ્ત્રીઓ પોતાનાં ઘરમાં સલામત નથી. હેવાનોએ સ્ત્રીઓનાં ઝૂંપડાંમાં પેસીને, તેમાંથી તેમને ઊઠાવી જઈને, સાસરીના ગામે જઈને ઘરમાંથી ઊઠાવીને, ઘરનાં વાડામાં સ્નાન કરતી કન્યાના ફોટા પાડી બ્લૅકમેઇલિંગની ધમકી આપીને, ઘરની પછવાડે વાસણ ઘસતી છોકરીને ઊઠાવી જઈને શિયળ લૂંટ્યાં છે.

ઘરની બહાર પણ સલામતી નથી જ. દેવગઢ બારિયામાં કરિયાણાની દુકાને પિતા અને સાથે બેઠેલી કિશોરીઓને એસ.યુ.વી.માં ઊઠાવી જઈને ચાલુ ગાડીએ પિતાની સામે આઠેક જણે જુલમ કર્યો છે. બજારમાં જઈને પાછા આવતાં બસ ચૂકી ગયેલી અંધ કન્યા કે પિતાને ખેતરે ભાત આપીને પાછી ઘરે જતી બહેરી-મૂંગી દીકરી ભોગ બને છે. શાળા કે ટ્યૂશન પરથી પાછી ફરતી અનેક છોકરીઓ સૉફ્ટ ટાર્ગેટ રહી છે. રાજસ્થાનમાં ગરબા કે લગ્નની જાન જોઈ પાછી આવતી મહિલાઓ માટે રસ્તો વેરી બને છે. ચૂલા માટે જંગલમાં લાકડાં લેવાં જતી મહિલા કે સોળમી વર્ષગાંઠ માટે નાનાં ગામનાં બજારમાં ચૉકલેટ લેવા જતી દીકરી ભોગ બને છે.

હરવા-ફરવાનું તો પછી, પણ કુદરતી હાજતે જવું ય જોખમકારક બને છે. ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડ્યું હોય અને બળાત્કાર થયો હોય તેવા આઠ કિસ્સા ‘ભેદભારત’ પુસ્તકમાં છે. તેમાંથી હરયાણાનાં ભગાના ગામની ચાર છોકરીઓ પર થયેલા રેઇપ વિશે ઘણું લખાયું. એક અખબારી અહેવાલ મુજબ તો ઉત્તર પ્રદેશમાં સેંકડો સ્ત્રીઓની આ બદકિસ્મતી છે.

સરકારી નિવાસી શાળાઓમાં સંખ્યાબંધ દલિત અને આદિવાસી વિદ્યાર્થિનીઓનાં સતામણી અને બળાત્કાર અનેક બનાવો છે. તેમાં ચોકીદાર, પટાવાળા, શિક્ષકો કે આચાર્ય સુદ્ધા દૈત્યો  સાબિત થયા હતા. સોળ વર્ષથી નીચેની આદિવાસી વિદ્યાર્થિનીઓ શાળાનાં દિવસોમાં ગર્ભવતી થઈ હોય, શાળા છોડીને જતી રહી હોય કે મોતને ભેટી હોય, બાળકને જન્મ આપીને ઉછેરતી હોય એમ પણ વાંચવા મળે.

લઘુતમ વિકૃતિ એટલે હેવાનને ઉંમરનો બાધ ન હોય. ઘરઘાટી સ્ત્રીની ઉંમર 20 વર્ષ અને મર્ચન્ટ નેવીના જુલમી અધિકારીની 60 વર્ષ, 13 વર્ષ અને 55 વર્ષ, 14 અને 45, 14 અને 76 વર્ષ. વધુ વિકૃતિના કિસ્સા – બીજી કોમના છોકરીને પ્રેમ કરવા માટે છોકરાને મારઝૂડ, પછી તેને પ્રેમિકા પર જાહેરમાં બળાત્કાર કરાવ્યો અને ત્યાર બાદ બીજા પુરુષોએ કર્યો. પરજ્ઞાતિના પુરુષ સાથે લગ્નની સજા એટલે સ્ત્રી પર ધોળે દિવસે જુદી જુદી ઉંમરનાં મરદો દ્વારા જાહેરમાં બળાત્કાર. સ્ત્રીઓને થાંભલે બાંધીને, મોંમાં દારૂ રેડી રેડીને તેમની સાથેના કિશોરો સામે જ જુલમ. જમીનના મામલે પતિની સામેલગીરીથી સ્ત્રીને નિર્વસ્ત્ર કરી જાહેરમાં ફેરવી, પેશાબ પીવાની ફરજ પાડી અને તેના દીકરાની સામે અત્યાચાર. એકલદોકલ સુરક્ષાકર્મીએ કે તેમની આખી ટુકડીઓએ છત્તીસગઢ તેમ જ અન્યત્ર કરેલા નારીઅત્યાચારો અહીં નોંધાયા છે, જે અલગ લેખનો વિષય છે.

એક કિસ્સામાં સ્ત્રી જુલમીઓને ઇજ્જત લૂટવા નથી દેતી એટલે તેઓ એને સળગાવી દે છે. એક સ્ત્રી ધાકધમકીની વચ્ચે પણ બળાત્કારીથી રહેલો ચાર મહિનાનો ગર્ભ પડાવીને થેલીમાં લઈને પોલીસમાં ફરિયાદ લખાવે છે. ત્રણ કિસ્સામાં પીડિતાને ન્યાય માટે દલિત કે આદિવાસી સમૂહો રસ્તાઓ પર ઊતરી આવે છે. આજકાલ પણ બધા સમૂહોના આવી રહ્યા છે. શું એ લોકો સાંસદ  જયાબહેન બચ્ચને કહ્યું છે તેમ લિન્ચિન્ગ  કરશે ?   

**********

05 ડિસેમ્બર 2019

[“નવગુજરાત સમય”, શુક્રવાર, 13 ડિસેમ્બર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની રજૂઆત] 

Loading

...102030...2,5962,5972,5982,599...2,6102,6202,630...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved