Opinion Magazine
Number of visits: 10081145
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોણ સર્વોપરિ સંસદ કે સર્વોચ્ચ અદાલત? 

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|4 October 2025

હિતેશ રાઠોડ

ત્રિપાઈના ત્રણ પાયામાંથી ક્યો પાયો સૌથી અગત્યનો ગણાય? ક્યો પાયો ડગમગે કે તૂટી જાય તો ત્રિપાઈ સરખી રીતે ઊભી ના રહી શકે? ક્યા પાયા પર ત્રિપાઈનું વજન સૌથી વધારે હોય છે? તમને થશે કે આવા તે કાંઈ પ્રશ્નો હોય! આ બધા પ્રશ્નોનો જવાબ એક જ હોય અને તે એ કે ત્રિપાઈનો દરેક પાયો સરખું મહત્ત્વ ધરાવે છે, દરેક પાયા પર ત્રિપાઈનું વજન એકસરખું હોય છે અને ત્રણમાંથી એક પણ પાયો તૂટી જાય એટલે નિશ્ચિતપણે ત્રિપાઈનું સમતોલન બગડે અને ત્રિપાઈ સરખી રીતે ઊભી રહી શકે નહીં. ત્રિપાઈની સંરચના જેવી ભારતની લોકશાહી શાસનપ્રણાલિના ત્રણ પાયા કે આધાર સ્તંભ એટલે ન્યાયસભા (The Judiciary), ધારાસભા (The Legislature) અને કારોબારી સભા (The Executive) અને આ ત્રણેય સંસ્થાઓને એકસૂત્રમાં બાંધી રાખતી સર્વોચ્ચ વ્યવસ્થા એટલે ભારતનું બંધારણ. ભારતનું બંધારણ એ શાસનની ધરી છે. લોકશાહી શાસનની ત્રણેય પાંખો બંધારણે તેમના માટે આંકેલ લક્ષ્મણરેખાની અંદર રહી પોતપોતાનાં કાર્યો કરે છે. એટલે કે કાર્ય કરવાની બાબતે આ ત્રણેય સંસ્થાઓ પોતાની મનમાની કરી શકતી નથી કે બંધારણીય મર્યાદાની બહાર જઈ વર્તી શકતી નથી. બંધારણની જોગવાઈ વિરુદ્ધનું કોઈપણ કૃત્ય આ ત્રણે ય સંસ્થાઓ માટે વર્જિત છે.  

ઉપરોક્ત સ્થિતિ જોતા એમ કહી શકાય કે આ ત્રણેય સંસ્થાના સુભગ સમન્વય વિના લોકશાહી શાસન વ્યવસ્થા સુચારુ રૂપે ચાલી શકે નહીં કે કાર્ય કરી શકે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો વ્યવસ્થા રગશિયા ગાડાની જેમ અથવા ખોડંગાતી ગતિએ ચાલે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ત્રણ પૈકીની ઉપલી બે સંસ્થાઓ ન્યાયસભા એટલે કે ન્યાયિક વ્યવસ્થા અને ધારાસભા એટલે કે સંસદ, આ બંનેમાં કોણ સર્વોપરિ અને કોણ તાબેદાર એ વિષય પર વિદ્વાનો અને રાજનીતિજ્ઞો વખતોવખત કુનેહપૂર્વક પોતાના મોઘમ વિચારો રજૂ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકશાહીની ત્રીજી પાંખ કારોબારી એટલે કે નોકરશાહી દેખીતી રીતે પ્રથમ બે સંસ્થાના નિર્દેશો મુજબ કામ કરતી હોવા છતાં બંધારણીય જોગવાઈઓ, પ્રશાસકીય કાર્યરીતિ, કાયદા-કાનૂન, નિયમો, નિયમનો વગેરેના પાલનની બાબતમાં તે સ્વાયત્તતા ભોગવે છે એમ કહેવામાં હરકત નથી. 

મુખ્ય ચર્ચા ન્યાયસભા એટલે કે ન્યાયિક વ્યવસ્થા અને ધારાસભા એટલે કે સંસદ આ બંનેમાં સર્વોપરિ કોણ અને કોણ કોના પર આધિપત્ય ધરાવે છે એના પર કેન્દ્રિત છે. ભારતની ન્યાયિક વ્યવસ્થાની ટોચ પર બિરાજમાન સર્વોચ્ચ અદાલત એ ભારતના બંધારણની તેમ જ લોક-અધિકારોની રખેવાળ સંસ્થા ગણાય છે એટલે કે બંધારણીય જોગવાઈઓ મુજબ લોકોના જીવન, ન્યાય, હકો, અધિકારો, સ્વતંત્રતાઓ, વિશેષાધિકારો, જીવનનિર્વાહ, આદર, સન્માન, ગરિમા, અભિવ્યક્તિ વગેરે સંબંધિત મૂળભૂત બંધારણીય જોગવાઈઓનું યથાયોગ્ય પાલન થાય છે કે નહિ તેમ જ બંધારણની મૂળભૂત વિભાવના અને હાર્દ જળવાઈ રહે એ રીતે કાયદા-કાનૂન ઘડતર અને ઉચિત અમલીકરણ કરવામાં આવે છે કે નહિ એ જોવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી ન્યાયિક વ્યવસ્થાની છે. સામાન્ય રીતે ન્યાયિક વ્યવસ્થા ધારાસભા અને કારોબારીના રોજિંદા કાર્યોમાં માથું મારતી નથી કે એમાં દરમિયાનગીરી કરતી નથી, સિવાય કે એ કાર્યોથી કોઈ બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય અથવા એમનાં કાર્યો બંધારણીય જોગવાઈઓથી વિરુદ્ધ દિશાના હોય. ન્યાયિક વ્યવસ્થા એ બંધારણથી લોકોને પ્રદાન કરવામાં આવેલ હકો, અધિકારો, સ્વતંત્રતાઓ, વિશેષાધિકારો, ન્યાય, અભિવ્યક્તિ, જીવનનિર્વાહ, આદર, સન્માન, ગરિમા વગેરે સંબંધિત સુરક્ષા સુનિશ્ચિત કરે છે. આમ, વાત જ્યારે બંધારણીય જોગવાઈઓ તેમ જ કાયદાના અર્થઘટન અને અનુપાલનની હોય ત્યારે ન્યાયિક વ્યવસ્થા સર્વોપરિ છે એમાં કોઈ મીનમેખ હોઈ શકે નહીં. લોકોના બંધારણીય હક્કોની અવગણના કરતા કોઈપણ કાયદા કે યોજનાને રદ્દ કરવાના અધિકારો ન્યાયિક વ્યવસ્થાને છે. ચૂંટણી બોન્ડ એનું એક ઉદાહરણ છે. ભારતની સર્વોચ્ચ અદાલતે એમ કહીને ચૂંટણી બોન્ડ સ્કીમને ગેરબંધારણીય ઠેરવી હતી કે આનાથી મતદાતાના માહિતી અધિકારનો ભંગ થાય છે. 

ચૂંટાયેલ લોકપ્રતિનિધિઓથી બનેલ સંસદ કે ધારાસભાનું કાર્ય બંધારણની મર્યાદામાં રહી લોકોના હિતો, અધિકારો, હકો, ન્યાયિક અધિકારો, વિશેષાધિકારો, જીવનનિર્વાહ, આદર, સન્માન, ગરિમા, સ્વતંત્રતા, અભિવ્યક્તિ વગેરેની સુરક્ષા માટે કાયદા-કાનૂન ઘડવાનું, નીતિ-નિર્ધારણ કરવાનું અને એ માટે જરૂરી નાણાંકીય સંસાધનો ઉપલબ્ધ કરાવી આપવાનું છે. એટલે કે વ્યાપક જનહિત અને જનસુરક્ષાને લાગે વળગે છે ત્યાં સુધી ધારાસભા પાસે કાયદા, નીતિ-નિયમો-કાનૂનો-વિનિયમો-નિયમનો ઘડવાની અને જરૂરી નાણાંકીય સંસાધનો ઉપલબ્ધ કરાવવાની અબાધિત સત્તા પ્રાપ્ય છે. સંસદ દ્વારા ઘડવામાં આવેલ કાયદાઓ-નીતિ-નિયમો વગેરેનો અમલ સરકાર દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે ધારાસભાની રૂટિન કાર્યવાહીમાં ન્યાયપ્રણાલિ કોઈ દરમિયાનગીરી કરતી નથી સિવાય કે એમાં કોઈ બંધારણીય વિસંગતતા જણાય.

લોકશાહી શાસનપ્રણાલિની ત્રણેય પાંખો સુચારુ રીતે પોતપોતાનાં કાર્યો કરી શકે એ માટે બંધારણ દ્વારા ત્રણેય પાંખો વચ્ચે સત્તાની વહેંચણી એવી ધારણા સાથે કરવામાં આવી છે કે પ્રત્યેક પાંખ પોતપોતાના બંધારણ નિર્દિષ્ટ સત્તાધિકારોની મર્યાદામાં રહીને પોતાની પૂર્ણ ક્ષમતા અને સદ્દભાવપૂર્વક કરશે, કોઈ પાંખ અન્ય પાંખની કામગીરીમાં અનાવશ્યક દખલગીરી કરશે નહીં. જેમ કે, સંસદ કાયદા ઘડે છે, ન્યાયસભા એ કાયદાનું અર્થઘટન કરે છે અને કારોબારી સભા એ કાયદાનો અમલ કરે છે. કાયદો ઘડવાની બાબતે સંસદ સર્વોપરિ છે, બંધારણીય દૃષ્ટિકોણથી કાયદાના અર્થઘટનની બાબતે ન્યાયસભા સર્વોપરિ છે તો અમલવારીની દૃષ્ટિએ કારોબારી સભા સર્વોપરિ છે.

જો સત્તાધિકાર સ્પષ્ટ છે તો પછી વિવાદ શા માટે? 

છેલ્લા કેટલાક સમયથી શાસન વ્યવસ્થાની ચૂંટાયેલી પાંખ અને ન્યાયિક વ્યવસ્થા વચ્ચે અમુક મુદ્દે તણખા ઝરતા જોવા મળે છે. સંસદમાં અમુક વિવાદાસ્પદ નિર્ણયો થઈ રહ્યા છે જે બંધારણીય જોગવાઈથી વિપરીત હોવાના અને જેનાથી લોકહિત જોખમાશે એવા સંદેહ અને દહેશત સંબંધિત હિતધારક પક્ષો દ્વારા બંધારણની રખેવાળ સંસ્થા સમક્ષ વખતોવખત વ્યક્ત કરવામાં આવે છે. આવા સંજોગોમાં સરકારના નિર્ણયથી લોકહિત કે લોકોના અધિકારોને થનાર સંભવિત અસરો અંગે બંને પક્ષોની વાત સાંભળી કોઈ યથાર્થ નિર્ણય પર આવવા ન્યાયિક દરમિયાનગીરી આવશ્યક બને છે. આવે વખતે પ્રલંબ સુનાવણીઓ દરમિયાન બંને પક્ષો દ્વારા પોતપોતાનો પક્ષ યથાર્થ ઠેરવવા મહિનાઓ અને અમુક કિસ્સાઓમાં તો વર્ષો સુધી સામસામી દલીલબાજી અને સમીક્ષા ચાલ્યા કરે છે. સરકાર પક્ષે લોકહિતાર્થે નિમાયેલ પણ સરકારના કહ્યાગરા એવા સરકારી વકીલો પણ ઘણીવાર લોકહિતને નજરઅંદાજ કરી સરકારની નજરમાં ઠાવકા દેખાવા સરકારી નિર્ણયની યથાર્થતા ઠેરવવામાં અને મારીમચડીને બંધારણીય જોગવાઈઓ સાથે સરકારના નિર્ણયની સુસંગતતા સ્થાપિત કરવામાં પોતાના વાકચાતુર્ય અને બુદ્ધિનો ઉપયોગ વધુ કરે છે. આ તકે ન્યાયસભાની નિસબત સરકાર પક્ષની ધારદાર દલીલો અને તથ્યો સાથે નહિ પણ લોકોના અધિકારો કે લોકહિત જોખમાય નહિ એની સાથે વધુ હોય છે. લોકોની સામાન્ય સુખાકારી કે રોજિંદા જીવન પર વિપરીત અસર કરતી સાવ નજીવી બાબતને પણ ન્યાયપાલિકા નજર અંદાજ કરતી નથી અને એ કારણથી જ સરકાર પક્ષે લેવાયેલ નિર્ણયના દરેક પાસાની બંધારણીય દૃષ્ટિકોણથી સમીક્ષા કરવામાં આવે છે. અહીંથી જ બંને પક્ષો વચ્ચે સત્તાધિકાર બાબતે ગજગ્રાહ શરૂ થાય છે. સંસદના પક્ષે લોકહિતને રૂપાળા શબ્દોના વાઘા પહેરાવી ન્યાયિક વ્યવસ્થાને પોતાની વાત ગળે ઉતરાવવા એડી ચોટીનું જોર લગાવવામાં આવે છે તો ન્યાયિક વ્યવસ્થા લોક-અધિકારના રક્ષકની ભૂમિકામાં આવી જઈ સામો પ્રતિકાર કરે છે. આ જદ્દોજહદમાં ખાસ કરીને ન્યાયિક વ્યવસ્થાને ઘણી વાર સરકારના કામગીરીમાં દરમિયાનગીરી કરવાની ફરજ પડે છે. અહીં ન્યાયતંત્રની દલીલ એવી હોય છે કે સરકાર જો લોકોના અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડે તો ન્યાયતંત્ર હાથ જોડીને બેસી રહી શકે નહીં. એકની નિષ્ક્રિયતા સામે બીજાએ સક્રિય થવું જ પડે અને તો જ સત્તાનું સમતોલન જળવાય. સંસદ અને ન્યાયસભા પોતપોતાના અધિકારક્ષેત્રમાં કાર્ય કરે ત્યાં સુધી વાંધો નથી આવતો પણ બંને એકબીજાના અધિકારક્ષેત્રમાં દખલ શરૂ કરે ત્યારે વિવાદની સ્થિતિ પેદા થાય છે. આ સંજોગોમાં બંને એકબીજા પર હાવી થવા પ્રયાસ કરે છે અને પછી એના પર ચર્ચાઓ શરૂ થઈ જાય છે કે કોણ સર્વોપરિ અને કોણ તાબેદાર. 

અહીં તરફેણમાં અને વિરુદ્ધમાં અનેક દલીલો અને તર્ક-વિતર્કો થઈ શકે છે, પણ લોકશાહીના આધારસ્તંભ સમાન સંસ્થાઓએ આખરે તો લોકહિતને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે, નહિ કે વ્યક્તિગત હિતો, પક્ષીય હિતો કે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને. વિવાદની સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે કોઈ વ્યક્તિગતહિતો કે પક્ષીય હિતો કે પછી કોઈની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા એમાં આડે આવતી હોય. લોકશાહીમાં પ્રજાહિત માટે વાદ-વિવાદ થવા એ સારી બાબત છે, પણ પ્રજાહિતના ઓઠા હેઠળ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ,  વ્યક્તિગત કે પક્ષીય હિતોને પોષવા અવનવા પેંતરા અજમાવી લોકશાહીને જ જોખમમાં મૂકવામાં આવે એ સ્થિતિ સહેજેય હિતાવહ નથી. લોકશાહીમાં વ્યક્તિ કે પક્ષ નહિ પણ લોકો મહાન છે. પક્ષ અને વ્યક્તિને સત્તા સોંપનાર લોકો છે અને તેથી લોકોનો અવાજ સૌથી ઉપર હોવો જોઈએ. એક વ્યક્તિની બૌદ્ધિકતા ગમે તેટલી હોય તો પણ લોકવાચા કે લોકલાગણીથી ઉપર તો તે નથી જ નથી. અને તેથી જ લોકશાહી શાસનમાં સત્તાની પાંખોએ એક વાત સમજવી રહી કે તેમણે પોતાના કાર્યક્ષેત્રની અંદર રહીને પણ આખરે તો લોકહિતને ધ્યાનમાં રાખીને જ કામ કરવાનું છે જે તમામ મતભેદો અને વ્યક્તિગત વિચારસરણી અને પક્ષીય મૂલ્યોથી ઉપર છે.  સત્તાની કોઈ એક પાંખ જ્યારે અનાવશ્યક રીતે બીજી પાંખ પર હાવી થવા પ્રયાસ કરે ત્યારે બીજી પાંખ પોતાને મળેલ સત્તાની રૂએ પોતાના અધિકારક્ષેત્રની અંદર રહીને બીજી પાંખને અંકુશમાં રાખી સત્તાની સ્થિતિને સમતોલ કરવા પ્રયાસ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો લોકશાહી શાસન પ્રણાલિના મુખ્ય ત્રણેય આધારસ્તંભો નિયંત્રણ અને સંતુલન(Checks and Balances)ના સિદ્ધાંતથી કાર્ય કરે છે. એટલે કે આમાંનો કોઈ એક સ્તંભ સમય સંજોગો અનુસાર બીજા પર આધિપત્ય જમાવે છે અને તદ અંતર્ગત મળેલ સત્તાથી અન્ય સંસ્થાના કાર્યને નિયંત્રિત કરે છે. અને આમ થવાથી સત્તાનું સંતુલન જળવાઈ રહે છે.

ભારતીય શાસનપ્રણાલિમાં સામાન્ય રીતે બંધારણ સર્વોપરિ છે, અલબત્ત બંધારણમાં સુધારા-વધારા કે આવશ્યક સંશોધન કરવાનો અધિકાર સંસદને પ્રાપ્ય છે. તો વળી, સંસદ દ્વારા કરવામાં આવતા બંધારણીય સુધારા-વધારા મૂળભૂત બંધારણીય જોગવાઈઓ અને શાસનપ્રણાલિના મૂળભૂત ઢાંચાને નુકસાન તો પહોંચાડી રહ્યા નથી કે વ્યાપક જનહિતને કોઈ વિપરીત અસર તો કરતા નથી ને એ જોવાની જવાબદારી સર્વોચ્ચ અદાલતની છે. અહીં સર્વોચ્ચ અદાલત બંધારણના રખેવાળની ભૂમિકામાં આવી જાય છે. સંસદ દ્વારા પારિત બંધારણીય સુધારા કે અન્ય કોઈ કાયદાઓ પણ મૂળભૂત બંધારણીય જોગવાઈઓ, શાસનપ્રણાલિના મૂળભૂત ઢાંચા તેમ જ બંધારણની અન્ય કોઈ જોગવાઈઓનું ઉલ્લંઘન કરતા નથી એ જોવાનું કામ સર્વોચ્ચ અદાલતનું છે. જો એમ હોય તો સર્વોચ્ચ અદાલત એવા સંશોધનો અથવા કાયદા રદબાતલ ઠેરવી શકે છે. 

બીજી બાજુ સત્તાની દૃષ્ટિએ સંસદ શક્તિશાળી હોવા છતાં બંધારણથી ઉપરવટ જઈને વર્તી શકે નહીં. સંસદ પણ બંધારણીય જોગવાઈઓની મર્યાદામાં રહીને બંધારણીય સુધારાઓ અને કાયદાઓ સંસદમાં પસાર કરવા બંધાયેલ છે. સંસદ કે સાંસદો ગેરબંધારણીય રીતે વર્તી શકતા નથી. જો એમ થાય તો સર્વોચ્ચ અદાલત એમને એમ કરતા રોકી શકે છે.

આ બધું છતાં નિર્વિવાદિત હકીકત એ છે કે ભારતીય શાસનપ્રણાલિમાં બંધારણ હંમેશાં સર્વોપરિ છે. બંધારણને સર્વોપરિ ગણાવવા પાછળ બંધારણના ઘડવૈયાઓએ ખૂબ ઊંડો વિચાર કર્યો છે. વ્યક્તિ હંમેશાં ભૂલને પાત્ર હોય છે એ ન્યાયે વ્યક્તિથી ભૂલ થઈ શકે અથવા તો કહો કે પોતાના કોઈ ગર્ભિત હેતુઓ સાધવા વ્યક્તિ જાણી જોઈને ભૂલ કરી શકે કે કોઈ ખોટું કૃત્ય કરી શકે છે, જો વ્યક્તિ એમ કરવા ઇચ્છે. બંધારણ સિવાયના ત્રણ સ્તંભો ન્યાયસભા, સંસદસભા અને કારોબારીસભા વ્યક્તિઓની બનેલી સંસ્થાઓ છે, અને તેથી એમાં વ્યક્તિની સીધી સામેલગીરી છે. વ્યક્તિથી બનેલ સંસ્થાઓમાં ભૂલ કે કંઈક ખોટું થવાને અવકાશ છે. જો સંસદ કે સુપ્રીમને સર્વોચ્ચ દરજ્જો પ્રાપ્ય હોત તો શક્ય છે કે આ સંસ્થાઓ અમુક વ્યક્તિ કે વ્યક્તિઓની આપખુદશાહીથી નિરંકુશ બની જાય તો રાષ્ટ્રહિતને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે. બંધારણ એક નિષ્પ્રાણ અને રાષ્ટ્ર પ્રત્યે સંનિષ્ઠ સંસ્થા છે, અર્થાત બંધારણમાં કોઈ વ્યક્તિની સામેલગીરી નથી. એટલે તેની નિષ્ઠા પર ક્યારે ય શંકા કરી શકાય નહીં. વ્યક્તિની સામેલગીરીના અભાવે બંધારણ સ્વયં ક્યારે ય ખોટું કરી શકે નહીં. એમ કરવા માટે વ્યક્તિની સામેલગીરી અનિવાર્ય છે જે બંધારણમાં નથી. આમ ન થાય એટલા માટે જ કદાચ બંધારણને સર્વોપરિ ગણવામાં આવે છે, અને શાસનની ત્રણેય પાંખોએ બંધારણને જ સર્વોપરિ ગણી પોતપોતાના કાર્યો કરવાના છે.       

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

લડાખનો સંવેદનશીલ પ્રશ્ન

નેહા શાહ|Opinion - Opinion|4 October 2025

નેહા શાહ

૨૦૧૯માં ૩૭૦મી કલમ દૂર કરવામાં આવી. એ સાથે લડાખ ને કાશ્મીરથી અલગ થયું. ત્યારથી લડાખનાં લોકો રાજ્યનો દરજ્જો અને  બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ રક્ષણ માંગી રહ્યા છે. બંધારણની આ જોગવાઈ અનુસૂચિત જનજાતિ બહુમતી ધરાવતા પ્રદેશોને અમુક અંશે સ્વ-શાસનની મંજૂરી આપે છે. આ પાંચ વર્ષોમાં અનેકવાર ઉપવાસ પર ઉતરીને સરકારનું ધ્યાન તેમની માંગ તરફ દોરવાનો પ્રયત્ન કરતા સોનમ વાંગચુક લદ્દાખમાં વધતા જતા આંદોલનનો સૌથી અગ્રણી ચહેરો બની ગયા છે. લડાખની કાતિલ ઠંડીમાં અનેક ટેકેદારોની સાથે જાહેરમાં ધારણા કરતા વાંગચુક સોશ્યલ મીડિયા થકી અન્ય દેશવાસીઓ સુધી લડાખી નાગરિકોના બંધારણીય હક, તેમની આજીવિકા તેમ જ પર્યાવરણ અંગેની ચિંતા વ્યક્ત કરતા રહ્યા છે. 

આજે, સમગ્ર હિમાલયના પર્યાવરણ સામે અભૂતપૂર્વ પડકાર ઊભા થયા છે. હિમાલય આખો જ ખતરામાં છે એવું વૈજ્ઞાનિકો તો ઘણા સમયથી કહે છે જે વાતની  સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ટકોર કરી. આપણે આ વર્ષે સમગ્ર હિમાલય વિસ્તારમાં અભૂતપૂર્વ વરસાદ પડ્યો એ જોયું. લડાખમાં પણ ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં ૯૩૦% વધારે વરસાદ પડ્યો જેને કારણે સમગ્ર લડાખમાં અચાનક પૂર આવ્યું, જમીનનું ધોવાણ થયું અને માળખાગત સુવિધાઓને નુકસાન થયું. ગ્લેશિઅર પીગળી રહ્યા છે, બરફનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે. જૈવ વિવિધતા સામે પણ ખતરો ઊભો થયો છે. પર્યાવરણવિદોના મત અનુસાર ગ્લોબલ વોર્મિંગને કારણે આવનારાં વર્ષોમાં આવી ઘટનાની સંભાવના વધશે. ‘વિકાસ’નું વર્તમાન મોડેલ ટકાઉ નથી, એ વાત હવે સમગ્ર વિશ્વ ચીસો પાડીને કહી રહ્યું છે. જો વિકાસની ગાડી નફાખોરીના સ્ટિયરીંગ દ્વારા ચાલશે તો પ્રકૃતિનું સંતુલન સામે જોખમ છે. લડાખમાં મેગા પ્રોજેક્ટ્સ શરૂ કરવા અંગે સક્રિય નીતિગત નિર્ણય લેવાઈ રહ્યા છે અને આ માટે જમીન અને સંસાધનો ‘વિકાસ’ માટે સોંપાઈ રહ્યા છે, ત્યારે લડાખના લોકોની ચિંતા વાજબી છે. એટલે જ તેઓ છઠ્ઠી અનુસૂચિની માંગ કરી રહ્યા છે જેના અંતર્ગત સ્થાનિક જમીન, ખનીજ અને અન્ય સંસાધનોના ઉપયોગનો નિર્ણય જિલ્લા પરિષદના હાથમાં રહે. 

બંધારણની જોગવાઈ પ્રમાણે આદિવાસી બહુમત વિસ્તારને તેમની સંસ્કૃતિ અને સંસાધનોને જાળવવા માટે છઠ્ઠી અનુસૂચિમાં સમાવવામાં આવે છે. 2019માં અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગ એ લદ્દાખને છઠ્ઠી અનુસૂચિ હેઠળ સામેલ કરવાનું સૂચન કર્યું હતું, કારણ કે લદ્દાખની 97%થી વધુ વસ્તી આદિવાસી છે તેમ જ આ પ્રદેશની અનન્ય સંસ્કૃતિ અને પર્યાવરણને ખાસ સલામતીની જરૂર છે. આના વિરોધમાં એવી દલીલ કરવામાં આવી રહી છે કે જે વિસ્તાર છઠ્ઠા શિડ્યુલમાં હોય ત્યાં રસ્તા બાંધવા માટે પણ સ્થાનિક કાઉન્સિલની મંજૂરી લેવી પડે છે. લડાખ ચીનને અડીને આવેલું હોવાથી ત્યાં સંરક્ષણનો ખતરો વધારે છે એટલે છઠ્ઠા શિડ્યુલની માંગ યોગ્ય નથી. આ દલીલ એક મુદ્દો ચાતરી જાય છે કે લશ્કરી બાબત સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારના હાથમાં છે, એટલે લશ્કર માટે રસ્તો બનવવાનો હોય તો એ નિર્ણય કેન્દ્રમાં લેવાય છે; અલબત્ત લોકોને વિશ્વાસમાં લઈને. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ જેવા ઇશાન ખૂણાના રાજ્યોને  છઠ્ઠી અનુસૂચિમાં સ્થાન મળેલું છે. આ બધા જ સરહદી રાજ્યો છે, અને સરક્ષણ મંત્રાલય લશ્કર માટે જરૂરી સગવડો ઊભી કરે છે. 

૨૦૧૯માં કેન્દ્રીય આદિવાસી મંત્રીએ લડાખને છઠ્ઠી અનુસૂચિમાં સમાવવાની વાત કેન્દ્ર સરકાર વતી કરી હતી. આ વાતને છ વર્ષ થઇ ગયા. સોનમ વાંગચુકે અનેક વાર ઉપવાસ કર્યા, લડાખી લોકોએ લેહથી દિલ્લીની પદયાત્રા કરી, જંતરમંતર પર પણ ધારણા કર્યા. પણ વાટાઘાટો કોઈ નિષ્કર્ષ પર નથી પહોંચી શકી. ૧૦ સપ્ટેમ્બરથી ફરી ઉપવાસ શરૂ થયા. લેહ અપેક્સ બોડી અને કારગીલ ડેમોક્રેટિક અલાયન્સના ટેકા સાથે સરકાર સાથે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો માટે દબાણ ઊભું કર્યું.  ઉપવાસ પર બેઠેલી બે વ્યક્તિની તબિયત લથડતા, લડાખી યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ પ્રદર્શન હિંસક બન્યા. શાંતિપૂર્ણ જીવન માટે જાણીતા સમુદાય ટોળું બની આગ ચાંપી જાહેર માલ મિલકતને નુકસાન પહોંચાડ્યું. પોલીસના ગોળીબારમાં ચાર લોકો મૃત્યુ પામ્યા. આ સઘળી ઘટના માટે સોનમ વાંગચુકને જવાબદાર ગણી રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ એમની ધરપકડ થઇ, જ્યારે તેમણે હિંસાની સ્પષ્ટપણે નિંદા કરી હતી અને 15મા દિવસે ઉપવાસ પાછો ખેંચી લીધો હતો, કોઈપણ પ્રકારની હિંસા સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો

વાંગચુક ટેકનોલોજીના નવીન પ્રયોગો દ્વારા લડાખની આબોહવાને માફક આવે એવા ઘર, લશ્કર માટે ટેન્ટ, આઈસ સ્તૂપ દ્વારા પાણીનો સંગ્રહ, નવીનતા દ્વારા રોજગારલક્ષી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવા માટે જાણીતા છે. આ આપણા દેશની લોકશાહીની બદનસીબી છે – પોતાના નાગરિકી હક માટે અવાજ ઉઠાવનાર લોકોને રાષ્ટ્ર સુરક્ષા સામે ખતરો માની તેમનો અવાજ કચડવાની નીતિ અપનાવાય છે. આ આજનું નથી. સત્તામાં રહેલી દરેક સરકારે આ જ કર્યું છે. હાલમાં લડાખની સ્થિતિ તનાવપૂર્ણ છે ત્યારે વાંગચુક જેવા અગ્રણી નાગરિક (એમને હજુ સુધી રાજકીય નેતા ગણી ન શકાય) સામે મન ઘડન આક્ષેપો કરી તેમની ધરપકડ કરી સરકાર  લોકોમાં રહેલા આક્રોશને વધુ ઉત્તેજન આપી રહી છે અને ગોદી મીડિયા બળતામાં ઘી હોમી રહી છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સંઘ શતાબ્દીએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 October 2025

રવીન્દ્ર પારેખ

આ લખાય છે ત્યારે દશેરો છે. વિજયાદશમી. એ પર્વ આવ્યું ગાંધી જયંતીએ. 2 ઓક્ટોબરે. એ પણ કેવો સંયોગ કે રામ અને ‘મોહન’ સાથે થયા, તે તો ઠીક, રાવણ અને મોહન પણ સંકળાયા. અરે ! સંઘ અને મહાત્મા પણ સાથે થયા. દશેરા બે ઓક્ટોબરે આવ્યો. આ દશેરાએ સંઘને 100 વર્ષ ને ગાંધીજીને 156 વર્ષ થયાં. એ જ 2 ઓક્ટોબર પૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પણ જન્મ તારીખ છે. એમણે જવાન અને કિસાનને સાથે કર્યા. બીજા પણ સંયોગો હશે જ ! સમયનો આ પ્રભાવ છે. તે ઘણાંને સાથે કરે છે, એટલું જ નહીં, ઘણાં વિરોધી પરિબળોને પણ ભેગાં કરી આપે છે,  એટલે જ કદાચ ગાંધી અને સંઘ સાથે ને સમાંતરે છે.

આજથી બરાબર 100 વર્ષ પહેલાંના દશેરાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડો. કેશવ બલિરામ હેડગેવારે કરી. વિનાયક દામોદર સાવરકરનાં ‘હિન્દુત્વ : હુ ઈઝ અ હિંદુ’ પુસ્તકે હેડગેવારને હિન્દુઓનું સંગઠન બનાવવાની પ્રેરણા આપી. 27 સપ્ટેમ્બર, 1925ને દશેરાએ સંઘનો પ્રારંભ થયો. 17 એપ્રિલ, 1926ને રોજ નામકરણ થયું – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – RSS. આજે સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહન ભાગવત છે. આ જ સંઘના સ્વયંસેવક નરેન્દ્ર મોદી પણ ખરા. સંઘમાંથી જ મોદી સ્વયંસેવકથી પ્રધાનસેવક સુધી પહોંચ્યા છે. સંઘે એક વડા પ્રધાન આપ્યા છે એ મોટી ઉપલબ્ધિ છે. સંઘ આજે તો અનેક શાખાઓમાં વિસ્તર્યો છે. સંઘ સાથે મત મતાંતરો હોઈ શકે છે, પણ તેની સેવાકીય પ્રવૃત્તિઓ સામે કોઈથી આંગળી ચીંધી શકાય એમ નથી.

સંઘની સરકારમાં સીધી દખલ નથી, પણ સંઘમાંથી વિકસેલા ‘કમળ’નું પ્રભુત્વ સરકારમાં 2014થી સીધું વર્તાય છે. કેન્દ્ર સરકારે સંઘની શતાબ્દીએ ટપાલ ટિકિટ અને 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યાં છે. 100 રૂપિયાના સિક્કા પર ‘રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘ કે સો વર્ષ’ હિન્દી અને અંગ્રેજીમાં ઉપસાવાયું છે. સાથે જ 1925 અને 2025ની સાલ પણ ઉપસાવાઈ છે. એક તરફ સંઘી કાર્યકરો વંદના કરતા બતાવાયા છે. એ વંદના ભારતમાતાની છે. ભારતનું માતૃરૂપ સંઘને સ્વીકાર્ય છે, તો આવનારા સમયમાં અડધી વસ્તી જેની છે, એ ભારતીય સ્ત્રીઓનું પણ પ્રતિનિધિત્વ જણાય એમ બને. સંઘે શિક્ષણ, સમાજ, સંસ્કૃતિ, કૃષિ, નારી કલ્યાણ …. એમ અનેક ક્ષેત્રોમાં ઘણું કાઠું કાઢ્યું છે, પણ તેનું મુખ્ય લક્ષ્ય છે, રાષ્ટ્ર પ્રથમ. રાષ્ટ્ર નિર્માણ સંઘનું લક્ષ્ય રહ્યું છે. રાષ્ટ્ર નિર્માણ, વ્યક્તિત્વ વિકાસ અને સેવાકીય પ્રવૃત્તિઓ પર સંઘની શતાબ્દી આવીને ઊભી છે. એમાં લાખો સ્વયંસેવકો ઊછર્યા છે ને એ રીતે સંઘ પણ અનેક શાખાઓમાં વિકસ્યો છે.

સ્વાતંત્ર્ય સંગ્રામમાં ડો. હેડગેવારથી માંડીને અનેક કાર્યકરોએ સક્રિય રીતે ભાગ લીધો છે. હેડગેવારે તો જેલવાસ પણ ભોગવ્યો છે. શતાબ્દી સુધીનો સંઘનો માર્ગ સરળ રહ્યો નથી. સંઘને પ્રતિબંધો, તિરસ્કાર, અપમાનના અનેક કડવા ઘૂંટડા ગળવાના આવ્યા છે, પણ તેની સેવાકીય પ્રવૃત્તિઓમાં ઓછપ કે કડવાશ આવી નથી. સંઘની રાષ્ટ્રભક્તિ અને સેવાકીય પ્રવૃત્તિઓ આજે પણ અજોડ અને અજેય છે. રાષ્ટ્રીય કે રાજકીય આફતો સંઘને નડી નથી. સંઘ, વેઠીને વેઠતાં રોકે છે. સંઘ પાસે સાધનો મર્યાદિત છે, પણ તે દુર્ગમ વિસ્તારોમાં પણ પહોંચે છે. આદિવાસી કલ્યાણનું જે કામ સંઘે કર્યું છે, તે કેટલી ય સરકારો માટે આજે પણ દુર્લભ રહ્યું છે. સરસંઘચાલકો પણ એવા આવ્યા કે પડકારો અને સંઘર્ષો બહુ પ્રભાવ ન પાડી શક્યા. ટૂંકમાં, સંઘ રોડ મેપ વિકસાવવામાં સફળ રહ્યો છે. સ્વયંસેવકો એટલા સક્ષમ તો છે જ કે પડકારોને પહોંચી વળે. સંઘીય શિસ્ત હંમેશ અનુકરણીય રહ્યું છે.

હવેની યાત્રામાં સંઘ ભાવિ પેઢીનાં ભવિષ્ય પર અને પર્યાવરણીય પડકારો પર ધ્યાન કેદ્રિત કરે તે અપેક્ષિત છે. સંઘ વિશ્વનું સૌથી મોટું ગેર સરકારી સંગઠન છે. સંઘના સ્વયંસેવકો સ્વાર્થરહિત અને સમર્પિત છે. આ સમર્પણ ભાવ અને સેવાકીય દાયિત્વ સંઘની આગવી ઓળખ છે, જે સંઘને અન્ય સંગઠનોથી અલગ તારવે છે. સંઘની વિચારધારાથી ઘણાં સંમત ન હોય તો પણ, સંઘની રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે કોઈ સંમત ન હોય એવું ભાગ્યે જ બને. સંઘ સાથે ઘણાં અસંમત છે, પણ સંઘ ઘણાં વિરોધીઓને પણ સાથે લઈને ચાલે છે, તે એટલે કે સંઘ પોતાની વિચારધારામાં સ્પષ્ટ છે. ભા.જ.પ.માં સગવડિયું ઘણું હોઈ શકે, સંઘમાં નથી.

ભારતીય જનતા પક્ષ સંઘની પેદાશ છે. સંઘ રાજકીય પક્ષ નથી, પણ ભા.જ.પ. સંઘથી પ્રભાવિત છે. જો કે, ભા.જ.પ. સંઘથી જુદું વિચારતો હોય એવું પણ લાગે છે. પક્ષ પ્રમુખ જે.પી. નડ્ડાએ તો કહ્યું પણ હતું કે ભા.જ.પ. એવો મોટો પક્ષ છે કે તેને સંઘની જરૂર નથી. એ જ કારણે રાષ્ટ્રીય સરસંઘચાલક મોહન ભાગવત પણ ભા.જ.પ.ને સંભળાવતા રહ્યા છે. ભા.જ.પી. ગર્વ ગાળવા ભાગવતે કહ્યું હતું કે એ જ વ્યક્તિ સાચો સેવક ગણાય જે અભિમાનથી પર હોય. ભાગવતનાં બીજા કેટલાંક નિવેદનો પણ ચર્ચામાં રહ્યાં છે. ભાગવતે કહ્યું હતું કે માણસ પહેલાં સુપરમેન અને પછી ભગવાન બનવા માંગે છે, પણ એમ ન વિચારતાં માણસે કામ કરતા રહેવું જોઈએ, કારણ કે વિકાસનો કોઈ અંત નથી. આ નિવેદનને કાઁગ્રેસે મોદી સાથે જોડીને ભા.જ.પ. અને સંઘ વચ્ચેની તડને મોટી કરવાની કોશિશ કરી હતી.

સંઘે વારંવાર પોતાની ભૂમિકાઓ સ્પષ્ટ કરી છે. જેમ કે, સંઘ ચૂંટણી પરિણામોનું એનાલીસીસ કરતો નથી કે સંઘ અનામતની વિરુદ્ધ નથી કે દરેક વ્યક્તિને ઓછામાં ઓછાં ત્રણ બાળકો હોવાં જોઈએ કે 75 વર્ષે માણસે અટકી જવું જોઈએ …. 75 વર્ષે કોઈ શાલ ઓઢાડી સન્માન કરે તો વ્યક્તિએ સમજીને ખસી જવું જોઈએ, જેથી બીજાને આગળ આવવાની તક મળે. આ વાતને પણ મોદી સાથે જોડવામાં આવી હતી. એ જાણીને ભાગવતે સ્પષ્ટતા કરી હતી કે કામ કરતો માણસ કોઈ પણ ઉંમર સુધી કામ કરી શકે છે. હું પણ 75 પછી કામ કરતો રહેવાનો છું. આ નીતિ પણ ઠીક નથી. પોતે 75 પછી કામ કરી શકે તેનો વાંધો નથી, પણ જે કામ કરી શકતા હતા તે અડવાણી કે મુરલી મનોહર જોશી જેવાને રોકવામાં આવ્યા તે ઠીક ન હતું. એની સામે 1 ઓક્ટોબરે વડા પ્રધાને ટિકિટ અને સિક્કો બહાર પાડતાં એમ પણ કહ્યું કે સંઘ એ ભૂમિ છે, જ્યાં અહમથી સ્વયમ તરફની યાત્રા શરૂ થાય છે. ભાગવતને કોઈકે પૂછ્યું કે ભા.જ.પ.ના અધ્યક્ષ સંઘ નક્કી કરે છે? તો, ભાગવતે કહ્યું કે અધ્યક્ષ, સંઘ નક્કી નથી કરતો. સંઘે નક્કી કરવાના હોત તો આટલી વાર થઈ હોત? ભા.જ.પ.ને સંભળાવવા ભાગવત ભલે આવું કહે, પણ ભા.જ.પ.ના અધ્યક્ષ સંઘ સાથે નાતો ન ધરાવતા હોય એવા આવ્યા નથી તે હકીકત છે.

આવી નાનીમોટી ચડભડને બાદ કરતાં ભા.જ.પ. અને સંઘનો નાતો આજ સુધી મજબૂત રહ્યો છે. ભા.જ.પ. વિદેશમાં નથી, પણ સંઘની 39 દેશોમાં શાખાઓ છે. સંઘ પર વીત્યું પણ ઘણું છે. ગાંધીજીની હત્યા પછી સંઘ ઘણો વગોવાયો. તેના પર પહેલો પ્રતિબંધ 1948માં મુકાયો, તો બીજો પ્રતિબંધ મુકાયો, કટોકટી વખતે, 1975માં.

સંઘથી પ્રેરાઈને શ્યામા પ્રસાદ મુખરજીએ જનસંઘની સ્થાપના 1951માં કરી. 1966માં હિંદુ સમાજને અનુલક્ષીને વિશ્વ હિંદુ પરિષદની સ્થાપના પણ થઈ. 1980માં જનસંઘનું ભારતીય જનતા પક્ષમાં વિલીનીકરણ થયું. રામ જન્મભૂમિ આંદોલનમાં સંઘ અને ભા.જ.પ.નો વિસ્તાર થયો અને મોદી 2014માં વડા પ્રધાન થતા સંઘનો પડઘો રાષ્ટ્રીય રાજનીતિમાં પણ પડ્યો. સંઘની પ્રભાવક કામગીરી તો 2020થી 2023 સુધીમાં કોરોના મહામારીમાં જોવા મળી.

એટલું છે કે સંઘની શતાબ્દી એ અકસ્માત નથી. સો વર્ષની લોક કલ્યાણની પ્રવૃત્તિઓ અનેક વિરોધ અને પ્રતિબંધો વચ્ચે ટકી રહે ને ભા.જ.પ. જેવો રાષ્ટ્રીય પક્ષ તેમાંથી બેઠો થાય એ અકસ્માત ન હોય. અકસ્માત હોય તો પણ કોઈ સંસ્થા શતાયુના આશીર્વાદ ન પામે. રાષ્ટ્ર પ્રથમનો ધર્મ સંઘે નિભાવ્યો છે. શતાબ્દી નિમિત્તે સંઘ 2 ઓક્ટોબર, 2025થી 20 ઓક્ટોબર, 2026 સુધીમાં ગૃહ સંપર્ક અભિયાન, જન સંવાદ, હિંદુ સંમેલન,  યુવા સંમેલન ….જેવા સાત મોટા કાર્યક્રમોનું આયોજન કરશે. એ દરમિયાન સંઘના વડા ભાગવત અમેરિકા ને યુરોપીય દેશોના કાર્યક્રમોમાં ભાગ લે એમ બને.

સંઘને શતાબ્દી ટાણે અઢળક અભિનંદનો અને શુભેચ્છાઓ …..

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ઑક્ટોબર 2025

Loading

...102030...232233234235...240250260...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved