Opinion Magazine
Number of visits: 10081059
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વર્તમાનથી તો બચી શકાય, ઇતિહાસથી કેમ બચવું ?

રમેશ ઓઝા|Opinion - Opinion|5 October 2025

રમેશ ઓઝા

દેશના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડનું પુસ્તક પ્રકાશિત થયું છે જેનું શીર્ષક છે; ‘વ્હાઈ ધ કોન્સ્ટિટ્યૂશન મેટર્સ’. બંધારણ શા માટે ખપનું છે? એ પુસ્તકમાં તેમનાં ભાષણો છે. ભાષણોનું એક સુખ છે. દુનિયાનું બધું જ ડહાપણ તેમાં ઠાલવી શકાય છે. કેટલાક લોકોના મોંનો કોળિયો છીનવી લેનાર સબકા સાથ સબકા વિકાસની વાતો કરે. લોકો જોતા રહી જાય એવી આંજી દેનારી વાતો ભાષણોમાં કહી શકાય. ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડે બંધારણનો મહિમા કરનારાં જેટલાં ભાષણો કર્યાં છે એ બધાં એમાં સમાવવામાં આવ્યાં છે. 

આજકાલ પ્રકાશન ઉદ્યોગમાં માર્કેટિંગનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. પ્રકાશકો મીડિયાને પ્રકાશન પહેલાં પ્રકાશિત થનારાં પુસ્તકની એડવાન્સ કોપી મોકલે અને વિનંતી કરે કે આ પુસ્તક પર લેખક સાથે ચર્ચા કરો તો સારું. હવે જો લેખક ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ હોય, પુસ્તક બંધારણનો મહિમા કરનારું હોય અને સામે ન્યાયમૂર્તિ અને પછી મુખ્ય ન્યાયમૂર્તિનો જજ તરીકેની કામગીરીનો ઇતિહાસ હોય તો કોણ ના પાડે! મીડિયા તરફથી ચર્ચા માટે આમંત્રણ આવવા લાગ્યાં. જો કોઈ બીજો સાવ બેશરમ માણસ હોત તો માત્ર ગોદી મીડિયામાં જ ગયો હોત અથવા આવું પુસ્તક જ ન કર્યું હોત, પણ ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ તો પ્રજાના બંધારણીય અધિકારો માટે સરોકાર ધરાવનારા અને બંધારણીય મiલ્યોને વરેલા ન્યાયમૂર્તિ છે એમ દેખાડવા માગે છે એટલે તેમણે પુસ્તક કર્યું અને એમાં સોંસરવા પ્રશ્નો પૂછનારા પત્રકારો પાસે જવું પડ્યું. 

અને પછી જે હાલ થયા એ તમારામાંથી કેટલાક વાચકોએ જોયું હશે. પરસેવો છૂટી ગયો. એટલે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કરતા નથી. આ યુગ મોનિટરીંગનો છે. જવાબદાર જગ્યાએ બિરાજમાન લોકો શું બોલે છે અને કરે છે એની રજેરજ વિગતોની ચકાસણી કરવામાં આવે છે અને તેનું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછી પહેલા વરસે એક સંસ્થાએ તેમની કથની અને કરણીમાં જે અંતર હતું એની તારીખવાર વિગતો આપતો લગભગ ત્રણસો પાનાંનો અહેવાલ તૈયાર કર્યો હતો. બીજા વરસે તેમણે એવો અહેવાલ આપવાનું બંધ કર્યું, કારણ કે એક કરતાં વધુ ખંડ પ્રકાશિત કરવા પડે અને ઉત્તરોત્તર તેમાં વધારો થતો જાય. પણ દસ્તાવેજીકરણ અનેક લોકો જડબેસલાક કરે છે કે જેથી આવનારી પેઢીને ખબર પડે કે એક સમયે દેશમાં શું બન્યું હતું! વર્તમાનથી તો બચી શકાય, ઇતિહાસથી કેમ બચવું? બધું જ અંકે કરવામાં આવી રહ્યું છે. 

ઇતિહાસથી બચવાના હવાતિયાં મારવા કેટલાક લોકો મોટીમોટી આદર્શની વાતો કરે છે. તેમને એમ લાગે છે કે આવી આદર્શની વાતો પણ ઇતિહાસમાં મારાં ખાતામાં જમા થશે અને ઉધાર સામે જમા બાજુ મોટી થઈ જશે. બીજું લોકોને આદર્શની વાતો સાંભળવી ગમે છે. મારી નાની બહેન ૧૯૮૦નાં દાયકામાં જાણીતા ચિંતક ગુણવંત શાહનાં મહાન કથનોને અંડરલાઈન કરતી અને આખું પુસ્તક અંદરલાઈનોથી ભરાઈ જતું. એ મુગ્ધતા અત્યારે મટી ગઈ છે અને તે આઘાત અવસ્થામાં છે. મોટી વાતો કરીશું તો મહાન થઈ જશું અથવા જે ભૂલાવવા માગીએ છીએ એ લોકો ભૂલી જશે એવી એક ભોળી સમજ કેટલાક લોકો ધરાવે છે. એક અર્થમાં ચાલાક લોકો પણ ભોળા જ હોય છે. ભોળપણ ચાલાકી કરવાનું બળ આપે છે. 

ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ બંધારણનો મહિમા કરનારાં તેમનાં ભાષણોનું પુસ્તક પ્રકાશિત કરે એ પહેલાં ‘ધ કેરાવાન’ નામનાં અંગ્રેજી સામયિકમાં તેઓ જ્યારે નિવૃત્ત થયા એ પછીના ઓક્ટોબર ૨૦૨૪માં યુવા બંધારણવિદ સૌરવ દાસે ૮૦ પાનાંનો લેખ લખ્યો હતો અને ન્યાયમૂર્તિ તરીકેની તેમની શાબ્દિક ચાલાકીઓ ઊઘાડી પાડી હતી. ચાલાક લોકોની બીજી તરકીબ ગોળ ગોળ આડીઅવળી ભાષામાં જલેબી રચીને લોકોને ચકરાવામાં નાખવાની હોય છે. શબ્દજાળમાં લોકો આવી જશે અને સત્ય કોઈ પકડી નહીં શકે એવી તેમની ધારણા હોય છે. સૌરવ દાસના અંગ્રેજી લેખનું મથાળું જ ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડની શબ્દજાળ હતું. (The Equivocations of D. Y. Chandrachud) એ લેખનો અનુવાદ હિન્દીમાં પણ થયો છે અને લોકતાંત્રિક ભારત જેમને વહાલું છે તેમના સુધી એ લેખ અને અથવા એનો સાર પહોંચ્યો છે. સૌરવ દાસે ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડના જજમેન્ટોના છોડિયાં ઉતાર્યાં એ પછી ચન્દ્રચૂડ માટે પ્રમાણિક પત્રકારોનો સામનો કરવો વધારે મુશ્કેલ બની ગયો હતો.  

ઘેરાઈ ગયેલા ચન્દ્રચૂડે શ્રીનિવાસ જૈનને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે બાબરી મસ્જિદ કોઈ ઈમારતની જગ્યાએ બાંધવામાં આવી હતી એ તમને કેમ નથી સમજાતું? શ્રીનિવાસે ચાર સવાલ પૂછ્યા હતા. એક. શું એ ઈમારત મંદિર હતી? ચન્દ્રચૂડ કહે છે કે હિંદુ આર્કીટેક્ચર ધરાવનારી કોઈ ઈમારત હતી એમ પુરાતત્વ સર્વેક્ષણનો અહેવાલ કહે છે. પણ એ મંદિર હતું? કોઈ જવાબ નહીં. બીજો સવાલ. તમે તમારા ચુકાદામાં તો કહ્યું છે કે મંદિર તોડીને એ જગ્યાએ મસ્જિદ બાંધવામાં આવી એના કોઈ પૂરાવાઓ મળતા નથી અને એ સાબિત થતું નથી. તો પછી હિંદુ ઈમારતના હવાલાનો શું મતલબ? ત્રીજો સવાલ. તમે તો તમારા ચુકાદામાં કહ્યું છે કે બાબરી મસ્જિદ તોડવામાં આવી એ દેશને કલંકિત કરનારી ઘટના હતી અને શરમજનક ગુનો હતો. જો એ શરમજનક ગુનો હતો તો મસ્જિદની જમીન આપીને ગુનાને પુરસ્કૃત કરવાનું શું તાત્પર્ય? ગુનાને સ્વીકૃતિની મહોર અને ઉપરથી શિરપાવ! ચોથો સવાલ. ઇતિહાસના હિસાબકિતાબ કરવાનું અને ભૂતકાળમાં સંભવત: થયેલા ખોટા કામને વર્તમાનમાં દુરુસ્ત કરવાનું કામ પણ અદાલતના કાર્યક્ષેત્રમાં આવે છે? એ મુલાકાત જોશો તો ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડની અકળામણ જોવા મળશે. 

મારો એવો અનુભવ છે કે નાગા લોકો એટલી ભોંઠપ નથી અનુભવતા જેટલા નાગા થઈને વસ્ત્રધારી હોવાનો દેખાવ કરનારા ભોંઠપ અનુભવે છે. ભય અથવા લાલચમાં આવીને વિવેક અને અંતરાત્મા સાથે સમાધાનો પણ કરવા છે અને પ્રતિષ્ઠા પણ ગુમાવવી નથી એ બન્ને સાથે ન ચાલી શકે. બીજું એવા લોકોએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે નજર રાખનારા અને ભવિષ્ય માટે દસ્તાવેજીકરણ કરનારા લોકો વધારે બુદ્ધિમાન છે, વધારે પ્રતિબદ્ધ છે અને વધારે હિંમતવાળા છે. તેમને વિરોધાભાસ સમજાય છે અને શાબ્દિક રમત પણ સમજાય છે. દરેક પ્રકારની ચાલાકી તેઓ પકડી પાડે છે. 

ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ સાથે એક બેલા ત્રિવેદી નામનાં ગુજરાતી જજ સર્વોચ્ચ અદાલતમાં હતાં. તેમને જેવા છે એવા દેખાવામાં કોઈ સંકોચ નહોતો. કોઈ શીર્ષાસન નહીં, કોઈ શાબ્દિક ચાલાકી નહીં, મૂલ્યોની કોઈ મોટી ફિસિયારી નહીં. ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે એવા કેસ ન્યાયમૂર્તિ બેલા ત્રિવેદીને મોકલે જેમાં સરકારના ઇશારે જામીન નકારવાના હોય અને જેમાં જામીન આપવાના હોય એ પોતાની પાસે રાખે અથવા બીજાને આપે. બેલાબહેન દે ધનાધન જામીન નકારે. સૌરવ દાસે આની પણ સિલસિલાબંધ વિગતો આપી છે. 

પ્રમાણિકતા વિના સાચી પ્રતિષ્ઠા ન મળે અને મેળવવાનો પ્રયાસ કરો તો કોઈ ફાંકા પાડીને ઉઘાડા પડી દે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 ઑક્ટોબર 2025

Loading

દુર્ગંધયુક્ત / ઘૃણાસ્પદ વિચારધારાને RSSએ ગળે લગાડી !

રમેશ સવાણી|Opinion - Opinion|4 October 2025

RSS – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની શતાબ્દી ઉજવી રહ્યું છે. પરંતુ તેની સ્થાપનાની પૃષ્ઠભૂમિ શું હતી? તેના વિચારોનો સ્રોત શું છે? આ જાણવું જરૂરી છે તો જ તેની 100 વરસની યાત્રા સમજી શકાય.

1924માં, ગાંધી કાઁગ્રેસના પ્રમુખ બન્યા.

1906માં મુસ્લિમ લીગની રચના થઈ હતી. અને હવે, કાઁગ્રેસ પણ બદલાઈ રહી હતી.

કાઁગ્રેસ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલ સંસ્થા હતી, તેનું નેતૃત્વ ગોખલે, રાનડે અને તિલક જેવી વ્યક્તિઓના હાથમાં આવી ગયું હતું. કાઁગ્રેસ હવે નરમ રહી ન હતી; તે વધુ આક્રમક બની રહી હતી. તે અંગ્રેજો સામે બળવો કરવા લાગી હતી.

આ નેતાઓ ભારતીય રાષ્ટ્રવાદની વ્યાખ્યા ગૂંથી રહ્યા હતા. યુરોપ અને અન્ય ઘણી સંસ્કૃતિઓની જેમ, તે ધર્મ અને વંશીય ઓળખ પર આધારિત હતું.

પરંતુ ભારતમાં, ઓળખની આ રેખા હિન્દુ-મુસ્લિમ રેખા છે. મુસ્લિમ લીગ મુસ્લિમ ચળવળ બની જતાં, કાઁગ્રેસ હિન્દુ ચળવળ તરફ આગળ વધી. બાલ, પાલ અને લાલ હિન્દુ પ્રતીકો પર હિન્દુઓને સંગઠિત કરી રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં બાલ(તિળક)ના ગણેશ પંડાલો, બંગાળમાં પાલ(બિપિન ચંદ્ર)ના દુર્ગા પંડાલો અને પંજાબમાં લાલ(લજપત રાય)ની પ્રાદેશિક હિન્દુ સભાઓ …

1910માં કાઁગ્રેસના અધિવેશનમાં મદન મોહન માલવીયએ આ પ્રાદેશિક હિન્દુ સભાઓની જેમ રાષ્ટ્રવ્યાપી ‘હિન્દુ મહાસભા’ બનાવવાની દરખાસ્ત કરી. આ દરખાસ્ત નિષ્ફળ ગઈ.

ગાંધી 1915માં ભારત આવ્યા. અને તેમણે જે કર્યું તેનાથી આ હિન્દુત્વ ચળવળ સંપૂર્ણપણે બદલી નાખી.

તેમણે રાષ્ટ્રીય ચળવળને, કામદારો (અમદાવાદ મિલ ચળવળ), ખેડૂતો (ચંપારણ), લઘુમતીઓ (ખિલાફત ચળવળ) અને બ્રિટિશ વિરોધી ચળવળ(અસહકાર ચળવળ)ના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરી.

તેઓ આ બધું સહન કરી લેત. પરંતુ મુસ્લિમોને સ્થાન આપવું તે ખરાબ બાબત હતી. વધુમાં, સંગઠન દેશસ્થ અને ચિતપાવનીઓ(ગોખલે, રાનડે, તિલક)ના હાથમાંથી સરકી ગયું હતું.

તેથી, આ અસંતુષ્ટ વ્યક્તિઓ કાઁગ્રેસ છોડવાનું વિચારવા લાગ્યા. કાંગ્રેસના રાજ્ય સચિવ અને પશુ ચિકિત્સક હેડગેવારે પોતાના વર્તુળમાં ચર્ચા શરૂ કરી.

આ સમય સુધીમાં, સાવરકર જેલમાંથી મુક્ત થઈ ગયા હતા. તિલકના શિષ્ય મુંજે બંને વચ્ચે સેતુ બન્યા. એક નવા સંગઠનની રૂપરેખા બનવા લાગી. પરંતુ બધું ધીમી ગતિમાં હતું.

1924માં, ગાંધી પ્રમુખ બન્યા. હવે, કાઁગ્રેસ તેમની નીતિઓનું સંપૂર્ણ પાલન કરી રહી હતી. અને હિન્દુ-મુસ્લિમ એકતા, બંધારણ અને પ્રતિનિધિત્વ વિશે મજબૂત રીતે વાતો કરી રહી હતી. 

1924માં RSSની રચના થઈ ન હતી. માત્ર એક બેઠક હતી. બે વર્ષની નિષ્ક્રિયતા પછી, તેઓ ફરી મળ્યા. નામ આપવામાં આવ્યું. ઘણાં નામો સામે આવ્યાં – જરી પતાકા મંડળ, હિન્દુ સેવક સંઘ, ભારત ઉદ્ધારક મંડળ, વગેરે. 1926માં, તેનું નામ બદલીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાખવામાં આવ્યું.

સંગઠનનું નામ તો નક્કી થઈ ગયું. હવે તેની વિચારધારા વિકસાવવાની હતી. તો, પ્રેરણા ક્યાંથી મેળવવી? તેથી, વિકસિત દેશો તરફ નજર કરવામાં આવી. યુરોપ તરફ.

RSSની વિચારધારા મુખ્યત્વે 1924 અને 1940ની વચ્ચે લખાયેલાં પુસ્તકોમાં સમાયેલી છે. આ સમયગાળા દરમિયાન, ફાસીવાદ ઉભરતી વિશ્વ શક્તિ હતી, અને ઇટાલી તેની મક્કા, મુસોલિની તેનો મસીહા.

ઘણા દેશો તેની સફળતાથી આશ્ચર્યચકિત થયા હતા. ઘણા દેશોમાં ફાસીવાદી ચળવળો ઉભરી રહી હતી. ભારતમાં, સુભાષ, સાવરકર અને ગોલવલકર પણ ખૂબ પ્રભાવિત થયા હતા.

તેથી, જે કોઈ વૈચારિક પુસ્તકોની રચના કરવામાં આવી તેનું મૂળભૂત માળખું આ રીતે રચાયું હતું : ઇટાલિયન ફાસીવાદની નકલ કરી. ઇટાલી જગ્યાએ ભારત મૂક્યું. યહૂદીઓની જગ્યાએ મુસ્લિમો રાખ્યા ! ભારતીય ફાસીવાદી વિચારધારા મેગી નૂડલ્સ કરતાં વધુ ઝડપથી બનાવવામાં આવી હતી. કૃષ્ણ, ગીતા, ચાણક્ય, નીચતા, કપટ, અપ્રમાણિકતા, દ્વેષ અને સંસ્કૃત શ્લોકો વગેરે તેમાં સ્વાદ મુજબ છાંટવામાં આવ્યા હતા અને હિન્દુત્વ તરીકે રજૂ કરવામાં આવ્યા !

તે સમયે, યુરોપમાં, મધર લિબર્ટી, મધર જર્મનિકા, મધર ઇટાલી, મધર બ્રિટાનિકા, વગેરે રાષ્ટ્રીય પ્રતીકો તરીકે લોકપ્રિય હતા. તે બધી સિંહ પર સવારી કરતી હતી, તીક્ષ્ણ હથિયારો લહેરાવતી હતી અને અન્ય રાષ્ટ્રોને ડરાવી રહી હતી.

અહીં ભારતમાં, Abanindranath Tagore – અવનીન્દ્રનાથ ટાગોરે ભારત માતાનું નિર્માણ કર્યું. તે ગરીબ, નિરાધાર દેખાતી હતી, એક જ સૂતરાઉ ડ્રેસ પહેરેલી હતી, તેના ચાર હાથમાં પુસ્તક હતું, ડાંગરનો પૂળો હતો, સફેદ કપડું હતું અને ધાર્મિક માળા હતી. આ માતા બિલકુલ ડરામણી લાગતી ન હતી. તેથી તેને નકારી કાઢવામાં આવી.

ભયાનક બ્રિટાનિયા માતાને સાડી પહેરાવવામાં આવી, તલવારની જગ્યાએ ત્રિશૂળ ગોઠવી દીધું. તેમને સિંહ પર બેસાડવામાં આવી. પાછળ ભારતનો નકશો ચોંટાડવામાં આવ્યો ! ભારત માતા પણ તૈયાર હતી. 

હવે, સંગઠન માટે ગણવેશની જરૂર હતી. ફાસીવાદીઓનો બ્રાઉન શર્ટ સફેદ રંગમાં બદલી નાખવામાં આવ્યો હતો (કારણ કે તે અહીં પોલીસ ગણવેશ હતો).

હાફ પેન્ટ, કાળી ટોપી અને પટ્ટો એ જ રહ્યો. ફાસીવાદીઓ પહેલા બંદૂકો રાખતા હતા. અહીં લાકડીઓથી કામ ચલાવ્યું. મૂંજેજી આ બધું જાણવા ઇટાલી ગયા હતા. તેણે મુસોલિનીને સલામ કરી અને તેમને ઇટાલીના શિવાજી કહીને પાછા ફર્યા.

મિત્રો, આ રીતે RSSની સ્થાપના થઈ. આ સિક્કાઓમાં સમાન મુસોલિની શૈલીનો પોશાક, મુસોલિની ટોપી પહેરેલા ત્રણ અંધભક્તો માતા બ્રિટનને મજબૂત ફાસીવાદી સલામ આપતા દર્શાવવામાં આવ્યા છે.

માતાના હાથમાં ત્રિરંગો પણ નથી.

આ બતાવે છે કે તેમનું સોફ્ટવેર 1940 પછી અપડેટ કરવામાં આવ્યું નથી. 1945માં બદનામ થયેલ આ વિચારને વૈશ્વિક કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યો છે. તે સડી ગયો છે, દુર્ગંધયુક્ત અને ઘૃણાસ્પદ બની ગયો છે.

વૈચારિક રીતે જડ, અને સાવરકર – ગોલવલકરના પાનાઓમાં ફસાયેલા લોકો, એ વિચાર, એ પ્રતીકો અને પોતાના અજ્ઞાનની ઉજવણી કરી રહ્યા છે.

તેઓ તેને સિક્કાઓ પર છાપી રહ્યા છે.

હે રામ ! 

સૌજન્ય : મનીષ સિંહ, ‘X’ 
2 ઓક્ટોબર 2025. 
કાર્ટૂન સૌજન્ય : મન્સૂર નકવી
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—309 

દીપક મહેતા|Opinion - Opinion|4 October 2025

અમદાવાદના લેખક, અમદાવાદી પાત્ર ભદ્રંભદ્ર, અને વાત મુંબઈની     

શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.

સું બકેચ? આય તો તીકીટ ઓફિસ છે.

યવન! તેથી હું અજ્ઞ નથી. મારે મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે. તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.

સોરાબજી, એને ગ્રાન્ટ રોડની બે ટિકિટ આપો.

સાલો કંઈ મેદ થયેલોચ. હું તો સમજતો જ નહિ, કે એ સુ બકેચ.

દુષ્ટ યવન! તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે. મૂર્ખ …

અમદાવાદથી મુંબઈ જવા નીકળેલા ભદ્રંભદ્ર અને બી.બી.સી.આઇ. રેલવેની અમદાવાદની ટિકિટ બારી પરના પારસી સોરાબજી વચ્ચેના ‘સંવાદ’ના આ શબ્દો લખાયા છે ‘ભદ્રંભદ્ર’ નામની નવલકથાની શરૂઆતમાં. લેખક રમણભાઈ મહીપતરામ નીલકંઠ. આ શબ્દો પુસ્તક રૂપે છપાયા એને આ વરસે સવા સો વરસ થયાં છે. રમણભાઈ અને ભદ્રંભદ્ર ભલે અમદાવાદના, પણ આ નવલકથાના કેન્દ્રમાં જે શહેર છે તે તો છે મોહમયી મુંબઈ.

કોલાબા સ્ટેશન ઈ.સ. ૧૯૦૦માં

ચતુર સુજાણ વાચકોના મનમાં જરૂર સવાલ થયો હશે : અમદાવાદથી મુંબઈ આવતી ટ્રેનમાં ગ્રાન્ટ રોડ સ્ટેશન વળી કઈ રીતે આવે? એ ટ્રેનો તો બોમ્બે સેન્ટ્રલ પૂરી થઈ જાય. હા, જી. આજે એમ જ થાય છે. પણ બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન તો છેક ૧૯૩૦ના ડિસેમ્બરની ૧૮મી તારીખે ખુલ્લું મૂકાયું. બી.બી.સી.આઈ. (આજની વેસ્ટર્ન) રેલવેની બહારગામની તેમ જ લોકલ ટ્રેનોનું ટર્મિનસ અગાઉ કોલાબા હતું. પણ બહાર ગામની ટ્રેનો સુધાં ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ સ્ટેશને ઊભી રહેતી. ૧૯૦૭ની શરૂઆતમાં કનૈયાલાલ મુનશી એલ.એલ.બી.નો અભ્યાસ કરવા ભરૂચથી મુંબઈ આવ્યા ત્યારે ચર્ની રોડ સ્ટેશને ઊતર્યા હતા. પીપલ વાડીમાંની એક ચાલની ડબલ રૂમમાં રહેતા સાવકા મામાઓને ત્યાં જવાના વિક્ટોરિયા(ઘોડા ગાડી)ના બાર આના ખરચવાનું પોસાય તેમ નહોતું એટલે એક મજૂરને માથે સામાન ઉપડાવીને ચાલતા તેમને ઘરે ગયા હતા. એ જ રીતે ભદ્રંભદ્ર ગ્રાન્ટ રોડ સ્ટેશને ઊતર્યા હતા.

ગ્રાન્ટ રોડ સ્ટેશન ૧૮૭૦માં

૧૮૩૫થી ૧૮૩૯ સુધી મુંબઈના ગવર્નર રહેલા સર રોબર્ટ ગ્રાન્ટના નામ પરથી જેનું નામ પડ્યું છે તે આ સ્ટેશન તો બોમ્બે સેન્ટ્રલ અને કોલાબા કરતાં ય વધુ જૂનું. ૧૮૫૯માં એ કામ કરતું થયું. પણ ત્યારે એનું નામ હતું ‘બોમ્બે ટર્મિનસ.’ કોલાબા અને બોમ્બે સેન્ટ્રલ પહેલાં ગુજરાત આવતી-જતી ટ્રેનોનું ટર્મિનસ હતું આ બોમ્બે ટર્મિનસ ઉર્ફે ગ્રાન્ટ રોડ. ૧૮૬૪ના નવેમ્બરની ૨૮મી તારીખે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર આ બોમ્બે ટર્મિનસ ઉર્ફે ગ્રાન્ટ રોડ સ્ટેશનેથી જ શરૂ થયેલો. પણ બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન શરૂ થયા પછી ગ્રાન્ટ રોડ ગરીબડું બની ગયું. બહાર ગામની ટ્રેનો માટે જે જગ્યા હતી ત્યાં બન્યું માલ-સામાન માટેનું ગુડ્ઝ યાર્ડ.

કોલાબા સ્ટેશન શરૂ થયું હતું ૧૮૭૩માં. ૧૮૯૬માં આ સ્ટેશનનું મકાન નવેસરથી બંધાયું. આ સ્ટેશન બાંધવા માટેની જગ્યા સરકારે બી.બી.સી.આઈ. રેલવેને આપી ત્યારે જ શરત મૂકી હતી કે ભવિષ્યમાં સરકારને આ જગ્યાની જરૂર પડે તો રેલવે કંપની તે પાછી આપી દેશે. વખત જતાં મુંબઈનો વિકાસ થતો ગયો. જમીનની ખેંચ વર્તાવા લાગી. એટલે મુંબઈ સરકારે રેલવે કંપની પાસે કોલાબા સ્ટેશનની જમીન પાછી માગી. એટલું જ નહિ, ચર્ચ ગેટ અને કોલાબા વચ્ચેની રેલવે લાઈન બંધ કરીને તેના પાટા ઉખેડી નાખવા જણાવ્યું. સરકાર સાથે વાટાઘાટમાં અને નવા સ્ટેશન માટેની જમીન શોધવામાં થોડાં વરસ લાગ્યાં. પછી આજના બોમ્બે સેન્ટ્રલ સ્ટેશનનું બાંધકામ શરૂ થયું. ૧૯૨૮ના માર્ચની ૧૧મી તારીખે બી.બી.સી.આઈ. રેલવે કંપનીના જનરલ મેનેજર સર અર્નેસ્ટ જેકસને તેનો પાયો નાખ્યો. સ્ટેશનનો પ્લાન બ્રિટિશ સ્થપતિ ક્લોડ બેટ્ટીએ બનાવ્યો હતો અને એ પ્રમાણેનું બાંધકામ માત્ર ૨૧ મહિનામાં પૂરું કર્યું હતું શાપુરજી પાલનજીની કંપનીએ. ૧૯૩૦ના ડિસેમ્બરની ૧૮મી તારીખે આ નવા સ્ટેશનનું ઉદ્ઘાટન થયું. 

આ સ્ટેશન બંધાતું હતું ત્યારે મરાઠીભાષીઓ કહે તેમ ‘એક ગમ્મત ઝાલી.’ મુંબઈનાં ઘણાં રેલવે સ્ટેશનનાં નામ આસપાસના કોઈ વિસ્તાર પરથી પાડવામાં આવ્યાં છે. એટલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ જાહેરમાં સૂચન કર્યું કે આ નવા સ્ટેશનનું નામ ‘ફોરાસ રોડ સ્ટેશન’ પાડવું જોઈએ. અને તરત જ એ સૂચનનો ઉગ્ર વિરોધ થયો. કેમ? કારણ એ વખતે પણ ફોરાસ રોડ  red light area તરીકે કુખ્યાત હતો. ટાઈમ્સને પત્રો લખીને લોકોએ પૂછ્યું : ‘કોઈ અમને પૂછે કે ક્યાં જાવ છો, તો અમારે શું કહેવું? ફોરાસ રોડ જઈએ છીએ એમ કહેવું? અને આવા સવાલનો જવાબ સારા ઘરનાં બૈરાં (એ વખતે સ્ત્રીઓ માટે વપરાતો શબ્દ) તો આપી જ કઈ રીતે શકે?’ એટલે પછી એ નામ પડતું મૂકાયું અને નામ પડ્યું ‘બોમ્બે સેન્ટ્રલ.’ 

આજે પણ હકીકતમાં બે બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન છે. એક બહારગામની ટ્રેનો માટેનું અને બીજું ‘બોમ્બે સેન્ટ્રલ, લોકલ.’ આ લોકલ માટેનું સ્ટેશન ઘણું વધારે જૂનું. પણ પહેલાં તેનું નામ હતું બેલાસિસ રોડ સ્ટેશન. પરેલ રોડથી બેલાસિસ બ્રિજ સુધીના રસ્તાનું નામ હતું બેલાસિસ રોડ. ગયે વરસે તોડી પાડવામાં આવેલા બેલાસિસ બ્રિજનું નવું નામ હજી જાહેર થયું નથી. બેલાસિસ બ્રિજના એક છેડે લગાવેલી તકતીમાં જણાવ્યા પ્રમાણે આ બેલાસિસ રોડ ઈ.સ. ૧૭૯૩માં (હા, જી. આ છાપભૂલ નથી) બંધાયો હતો. એ અરસામાં આજના દક્ષિણ ગુજરાતમાં જબરો દુકાળ પડ્યો હતો. એટલે સુરતના ઘણા ગરીબ લોકો મજૂરીની શોધમાં મુંબઈ આવ્યા હતા. તેમને રોજગાર મળી રહે એવા ઉદ્દેશથી આ બેલાસિસ રોડ બંધાયો હતો. પણ આ રસ્તો બાંધવાના ખર્ચના પૈસા સરકારે નહોતા આપ્યા. પણ લોકોએ જાહેર ભરણું કરીને જરૂરી રકમ ભેગી કરી હતી. આ જોન બેલાસિસ હતા મુંબઈમાંના કંપની સરકારના લશ્કરના કમાન્ડિંગ ઓફિસર. તેમનો જન્મ ૧૭૪૩ના જુલાઈની ૧૬મી તારીખે. ૧૭૬૩માં હિન્દુસ્તાન આવ્યા. ૧૭૬૯માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરમાં જોડાયા. અવસાન થયું મુંબઈમાં ૧૮૦૮ના ફેબ્રુઆરીની ૧૧મી તારીખે.       

અઢારમી સદીની શરૂઆતમાં આપણે ત્યાં છાપકામ આવ્યું, સાથે પુસ્તકો, અખબારો, સામયિકો લાવ્યું. અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલ અને પછી કોલેજ મુંબઈમાં ખૂલી. અને પછી એ પ્રકારનું શિક્ષણ આપતી સ્કૂલ-કોલેજ આજના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ફેલાઈ. આ નવા યુગનાં કિરણો જોઇને કવિ નર્મદે ગાયું : ‘દીપે અરુણું પરભાત.’ આ ‘પરભાત’ હકીકતમાં હતું નવી જાગૃતિનું, નવા જીવનનું, નવાં સપનાંઓનું. પણ આપણે ત્યાં એ જમાનાને ‘સુધારક યુગ’ તરીકે ઓળખાવવાનો ચાલ પડી ગયો છે. સમાજ સુધારો એ આ નવા યુગનું મુખ્ય પરિબળ ખરું, પણ એ એકમાત્ર પરિબળ નહિ. આંખો સામે પહેલી વાર ઊઘડતા નવા જગત માટે નવો માનવ સર્જવાનું ધ્યેય હતું આ જમાના પાસે. ફરી કવિ નર્મદ યાદ આવે. તેણે કહેલું : ‘ઝટ્ટ ડોળી નાખો રે, મન-જળ થંભ થયેલું.’ હકીકતમાં ‘સુધારો’ એ થંભી ગયેલાં અને તેથી વાસી બની ગયેલાં મન-જળને ડહોળી નાખવા માટેનું એક સાધન હતો. 

‘જ્ઞાનસુધા’ સામયિકમાં પહેલો હપતો, પહેલું પાનું

તો આ મન-જળ ડહોળી નાખવા સામેના પ્રત્યાઘાત રૂપે વિપક્ષી જૂથ ઊભું થયું, જેનો મંત્ર હતો : ‘પ્રભુ! જેવું હતું તેવું ફરી ભારત બનાવી દો!’ એ જૂથના લોકો થંભ થયેળાં મન-જળને યથાતથ રાખવા માગતા હતા. કોઈ તેને ડહોળી નાખે એ માટે તૈયાર નહોતા. એ જળને દિવ્ય, પવિત્ર માનીને આંખે અડાડવામાં અને માથે ચડાવવામાં માનતા હતા. આપણે ત્યાં, ખાસ કરીને ગુજરાતમાં, ૧૯મી સદીની છેલ્લી પચ્ચીસી દરમ્યાન આ બે વિચારધારાઓ વચ્ચેનો વિવાદ-વિખવાદ ચરમ સીમાએ પહોંચ્યો હતો. અને એ જ વખતે રમણભાઈએ ભદ્રંભદ્ર નવલકથા દ્વારા ‘જૈસે થે’ની સ્થિતિના સમર્થકો પર ઠઠ્ઠા, મશ્કરી, ઉપહાસનાં જીવલેણ બાણ છોડ્યાં હતાં. રૂઢિવાદી આચાર-વિચાર-વ્યવહારના સમર્થકોનાં વાણી અને વર્તન પર ભદ્રંભદ્રના લેખકે જનોઈવઢ ઘા કર્યા છે. સળંગ હાસ્ય રસની આપણી ભાષાની પહેલી નવલકથા છે આ ભદ્રંભદ્ર. 

એ પુસ્તક રૂપે પહેલી વાર પ્રગટ થઈ ઈ.સ. ૧૯૦૦ના સપ્ટેમ્બરમાં. પણ તેનું હપ્તાવાર પ્રકાશન તો શરૂ થયું હતું છેક ૧૮૯૨માં. રમણભાઈ જેના તંત્રી હતા એ ‘જ્ઞાનસુધા’ સામયિકના એપ્રિલ ૧૮૯૨ના અંકમાં છપાયો હતો ભદ્રંભદ્રનો પહેલો હપતો. સાથે નહોતું છાપ્યું લેખકનું નામ કે નહોતું જણાવ્યું કે આ નવલકથા છે. અને છેલ્લો હપતો છપાયો એ જ સામયિકના ૧૯૦૦ના જાન્યુઆરી-જૂનના સંયુક્ત અંકમાં! પુસ્તક જુઓ તો છે ૩૨૭ પાનાંનું. તો પછી આટલો લાંબો સમય કેમ લાગ્યો હપ્તાવાર પ્રકાશનને? કારણ એક તો ‘જ્ઞાનસુધા’નું પ્રકાશન બહુ જ અનિયમિત હતું. તો કેટલાક અંકમાં આ નવલકથાનો હપતો છપાયો જ ન હોય એવું પણ બનતું. એ વખતે પ્રકરણો પાડ્યાં નહોતાં. લખાણ સળંગ પ્રગટ થતું. કેટલીક વાર દોઢ-બે પાનાંનો જ હપતો છપાતો. લખાણ સાથે નામ ભલે છપાતું નહોતું, પણ તેના લેખકનું નામ ઝાઝો વખત છૂપું રહ્યું નહોતું. ભાષા-શૈલી, હાસ્ય રમૂજ, અને ખાસ તો સુધારાના વિરોધીઓ પરના આકરા – ક્યારેક કડવા પણ – પ્રહારોને કારણે સમજુ વાચકો સમજી ગયા હતા કે આ કલમ છે રમણભાઈ નીલકંઠની. અને એટલે હપ્તાવાર પ્રકાશન દરમ્યાન જ તેની પ્રશંસા અને તેનો વિરોધ શરૂ થઈ ગયાં હતાં. 

રમણભાઈ નીલકંઠ

આ કથાના મુખ્ય પાત્રનું મૂળ નામ તો દોલતશંકર. પણ પછી એક વાર સપનામાં આવીને ભગવાન શંકરે ઉધડો લીધો : ‘મારા પવિત્ર નામ સાથે ‘દોલત’ જેવો યાવની ભાષાનો શબ્દ જોડીને તેં મહાપાતક વહોરી લીધું છે.’ અને એટલે દોલતશંકરે એ નામ ત્યજીને નવું નામ રાખ્યું ભદ્રંભદ્ર. પણ ભદ્રંભદ્ર અમદાવાદથી મુંબઈ ગયા શા માટે? કારણ તેમને ખબર મળેલા કે મુંબઈમાં સુધારા વિરોધી મોટી સભા ભરાવાની છે. અને આવી સભામાં ભદ્રંભદ્ર જેવા સનાતની હાજર ન રહે એ તો બને જ કેમ? અને આ સભા ભરાવાની હતી મુંબઈના માધવબાગમાં. ઘણો રોમાંચક અને રસિક ઇતિહાસ છે, આ માધવબાગનો. હવે પછી ગ્રાન્ટ રોડ સ્ટેશને ઊતરીને આપણે પણ ભદ્રંભદ્ર સાથે જશું માધવ બાગ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 04 ઓક્ટોબર 2025

Loading

...102030...231232233234...240250260...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved