Opinion Magazine
Number of visits: 9456462
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકન ડોલરના સ્વપ્નને દુ:સ્વપ્ન બનાવતો ડંકી રુટ 

સોનલ પરીખ|Opinion - Opinion|9 March 2025

‘ડંકી રુટ’ (ડોન્કી રુટ) એટલે વિશ્વના કોઇ દેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવતા માર્ગો. પહેલા તેનો ઉપયોગ ખતરનાક ગુનેગારો દેશ છોડીને ભાગી જવા માટે કરતા હતા, હવે વિદેશ જવાનું સ્વપ્ન જોતા હજારો લોકો આ માર્ગ દ્વારા પોતાના પ્રિય દેશમાં પ્રવેશવાનું જોખમ ખેડી રહ્યા છે

પંજાબના પાંચ યુવાનો પોતપોતાનાં કારણોસર લંડન જવા તલપાપડ છે પણ તેમની પાસે પૂરતું ક્વોલિફિકેશન નથી. તેઓ વિવિધ પદ્ધતિઓ અજમાવે છે પરંતુ વિઝા મેળવવામાં નિષ્ફળ જાય છે. એક એજન્ટ ઘણાબધા પૈસા લઈ તેમને ગેરકાયદેસર રસ્તાઓ દ્વારા ઇંગ્લેન્ડ લઈ જવા તૈયારી બતાવે છે. યાત્રા જોખમી છે, જેમાં રણ, પર્વતો અને 27 દિવસની ગૂંગળામણભરી કાર્ગો કન્ટેનર સફરનો સમાવેશ થાય છે. આ વાર્તા 2023માં રિલિઝ થયેલી, શાહરુખ ખાન, તપસી પન્નુ અને વિકી કૌશલ જેવા કલાકારો ધરાવતી રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી રુટ’ની છે. તેમાં ગેરકાયદેસર સ્થળાંતરની દુ:ખદ વાસ્તવિકતાઓ એક ઉદાસ ઉપસંહાર સાથે બતાવવામાં આવી છે. 

દર વર્ષે દસ લાખથી વધુ લોકો ગેરકાયદેસર રીતે સરહદો પાર કરે છે, ઘણા અજ્ઞાત મૃત્યુ પામે છે. પરિવારોને તેમના સમાચાર પણ મળતા નથી. ઘણા પહોંચે તો છે, પછી નાનામોટા વ્યર્થ કામોમાં અટવાય છે. થોડા પકડાય છે અને પાછા ફરે છે. 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે શપથવિધિ પછી તરત જ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત કરતાં એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. ચૂંટણીપ્રચારમાં ટ્રમ્પે દેશમાંથી ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવાનું વચન આપ્યું હતું. ટ્રમ્પ અને ઘણાખરા અમેરિકનો માને છે કે અન્ય દેશોના લોકો ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસીને ગુના કરે છે. ઇમિગ્રન્ટ્સના કારણે અમેરિકનોને નોકરી મળવી મુશ્કેલ થાય છે. અમેરિકાની સેનાનું C-17 ગ્લોબમાસ્ટર વિમાન પાંચમી ફેબ્રુઆરીએ 104 ભારતીય નાગરિકોને લઈને અમૃતસર શહેરમાં ઊતર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે પ્રવાસીને દેશની બહાર મોકલવા માટે અમેરિકન સેનાની મદદ લીધી હતી. 16 ફેબ્રુઆરી સુધીમાં બીજાં બે વિમાન ભરીને અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા છે. તેમાંના મોટાભાગના 18થી 30 વર્ષની વયના છે. આ બધા ડંકી રુટ દ્વારા ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યા હતા અને એ માટે તેમણે એજન્ટોને લાખો રૂપિયા આપ્યા હતા. પ્યૂ રિસર્ચ સેન્ટર અનુસાર, 2023 સુધીમાં અમેરિકામાં 7 લાખથી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ ભારતીયો છે. અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સાથે કામ કરતી સરકારી એજન્સી (ICE) અનુસાર, છેલ્લાં 3 વર્ષમાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરતા 90 હજાર ભારતીય નાગરિકો ઝડપાયા છે. 

‘ડંકી રુટ’ (ડોન્કી રુટ) એટલે વિશ્વના કોઇ દેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી. ડંકી પંજાબી શબ્દ છે જેનો અર્થ એકથી બીજા સ્થળે કૂદાકૂદ કરવી એવો થાય છે. ડંકી રુટથી જનારા લોકો ઘણાબધા દેશોમાં થઈને, જીવના જોખમે અનેક હાડમારીઓ વેઠી ગંતવ્ય દેશમાં પહોંચે છે. પોલીસ અને સેનાની નજરથી બચી પોતાની જાતને છુપાવી એક સ્થળેથી બીજા સ્થળે ઘૂસવાનું હોય છે. ઘણીવાર નદી કે જંગલમાંથી પસાર થવું પડે છે કે પછી બરફ આચ્છાદિત વિસ્તાર પસાર કરવો પડે છે. પહેલા આ માર્ગનો ઉપયોગ ખતરનાક ગુનેગારો દેશ છોડીને ભાગી જવા માટે કરતા હતા, પરંતુ હવે વિદેશ જવાનું સ્વપ્ન જોતા હજારો લોકો આ માર્ગ દ્વારા પોતાના પ્રિય દેશમાં પ્રવેશ કરી રહ્યા છે

યુ.એસ. અધિકારીઓએ ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ને જણાવ્યું હતું કે નકલી શેંગેન વિઝા ધરાવતા પ્રવાસીઓને અઝરબૈજાન અથવા કઝાકિસ્તાન જેવા પ્રમાણમાં સુલભ યુરોપિયન દેશોમાં અને ત્યાંથી મધ્ય અમેરિકન અથવા કેરેબિયન દેશો જેવા કે ગ્વાટેમાલા અને કોસ્ટા રિકા દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં મોકલવામાં આવે છે.

અન્ય માર્ગમાં પ્રવાસી વિઝા પર તુર્કસ્તાન જવું અથવા વિઝા-ઓન-અરાઇવલ પર કઝાકિસ્તાન જવું અને ત્યાંથી રશિયાનો માર્ગ લેવાનો હોય છે. કેટલાક કિસ્સાઓમાં, પ્રવાસીઓ મેક્સિકો જતા પહેલા નકલી શેંગેન વિઝા મેળવે છે અને સરહદી પ્રદેશોમાં અનેક કિલોમીટરની મુસાફરી કરીને અમેરિકા પહોંચે છે.

ઇક્વાડોર, બોલિવિયા અને ગુયાના જેવા વિઝા-ઓન-અરાઇવલ દેશો ડંકી રૂટ માટે પ્રથમ પસંદગી છે. ભારતમાંથી સૌથી લોકપ્રિય ડંકી રૂટ લેટિન અમેરિકન દેશમાંથી પસાર થાય છે. બ્રાઝિલ અને વેનેઝુએલા સહિત કેટલાક દેશો ભારતીયોને સરળતાથી પ્રવાસી વિઝા આપે છે. પણ લેટિન અમેરિકન દેશો સુધી પહોંચતાં મહિનાઓ લાગી શકે છે.

કેટલાક એજન્ટો દુબઈથી મેક્સિકો સીધા વિઝાની વ્યવસ્થા કરે છે. જો કે સીધા મેક્સિકોમાં ઉતરાણ કરવું વધુ જોખમી છે. તેથી, મોટા ભાગના એજન્ટો તેમના ગ્રાહકોને લેટિન અમેરિકન દેશમાં લેન્ડ કરે છે અને પછી તેમને કોલંબિયા લઈ જાય છે. જેટલો દેશ યુ.એસ. બોર્ડરની નજીક, તેટલો ભારતથી વિઝા મેળવવો મુશ્કેલ. કોલંબિયાથી પનામામાં પ્રવેશવા માટે ખતરનાક જંગલો પાર કરવા પડે છે, જેમાં ડેરિયન ગેપનો સમાવેશ થાય છે. સ્વચ્છ પાણીનો અભાવ ઉપરાંત જંગલી પ્રાણીઓ અને ગુનાહિત ટોળકીના હુમલાનો ભય હોય છે. અહીં આચરવામાં આવતા ગુનાઓ નોંધાતા નથી, કોઈ સજા થતી નથી. જો બધું બરાબર ચાલે, તો પ્રવાસમાં આઠથી દસ દિવસ લાગે છે, જો કોઈનું મૃત્યુ થાય તો અંતિમ સંસ્કાર કરવાનો કોઈ રસ્તો નથી.

કોલંબિયાથી બીજો રસ્તો છે જે પનામાના જંગલથી બચવા માટે સાન એન્ડ્રેસથી શરૂ થાય છે. સાન એન્ડ્રેસથી સ્થળાંતર કરનારાઓ મધ્ય અમેરિકાના દેશ નિકારાગુઆમાં બોટ લઈને જાય છે. ગેરકાયદેસર વસાહતીઓથી ભરેલી માછીમારી બોટ સાન એન્ડ્રેસથી લગભગ 150 કિલોમીટર દૂર ફિશરમેન કેમાં જાય છે. ત્યાંથી, માઇગ્રન્ટ્સને મેક્સિકો જવા માટે બીજી બોટમાં મોકલવામાં આવે છે. અમેરિકા અને મેક્સિકોને અલગ કરતી 3,140 કિલોમીટર લાંબી વાડ છે. પ્રવાસીઓએ તેને કૂદીને પાર કરવી પડે છે. ઘણા લોકો જોખમી રિયો ગ્રાન્ડે નદી પાર કરવાનું પસંદ કરે છે.

સરહદ પાર કર્યા પછી, સ્થળાંતર કરનારાઓને કેમ્પમાં રાખવામાં આવે છે. હવે, યુ.એસ. અધિકારીઓ તેમને આશ્રય માટે યોગ્ય માને છે કે કેમ તેના પર તેમનું ભાવિ નિર્ભર છે. આજકાલ, યુ.એસ. જવા માટેનો બીજો આસાન રસ્તો છે, જેમાં ઘણા માઇગ્રન્ટ્સ પહેલા યુરોપ જાય છે અને ત્યાંથી સીધા મેક્સિકો જાય છે. ડંકી માર્ગ પર મુસાફરીનો સરેરાશ ખર્ચ 15 લાખથી 70 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. કેટલાક એજન્ટો વધુ પૈસાના બદલામાં ઓછી મુશ્કેલ મુસાફરીનું વચન આપે છે. ભારતના એજન્ટોનાં અમેરિકા સુધીના દાણચોરો અને માનવ-તસ્કરો સાથે જોડાણ છે. 

ગેરકાયદેસર માર્ગો અપનાવીને વિદેશ જનારા ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. અમેરિકી સરકારના આંકડા મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં બે લાખથી વધુ ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પકડાયા છે. તેમાંથી કેટલાકને પાછા મોકલવામાં આવ્યા હતા અથવા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ આંકડા મુજબ ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે 96,1917 ભારતીયો ડોક્યુમેન્ટ વિના અમેરિકામાં પ્રવેશતા પકડાયા હતા. તેમાંથી કેટલાકને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, કેટલાકને પાછા મોકલવામાં આવ્યા હતા અને કેટલાકને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. કોવિડ પછી સરહદો ફરી ખૂલી. ત્યાર પછી માન્ય ડોક્યુમેન્ટ વિના અમેરિકા આવતા ભારતીયોની સંખ્યામાં અનેકગણો વધારો થયો. 

ડંકી રુટ ખૂબ જોખમી છે. જાન્યુઆરી 2022માં ગુજરાતી પરિવારના ચાર સભ્યોના મૃતદેહો અમેરિકા-કેનેડા બોર્ડરથી 10 મીટર દૂર મળી આવ્યા હતા. આ લોકો બરફના તોફાનમાં ફસાઈ ગયા હતા. 2023 એપ્રિલમાં વધુ એક ગુજરાતી પરિવારનું મોત થયું હતું. અમેરિકામાં પ્રવેશતા પહેલા જ તેમની બોટ સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી ગઈ હતી. મૃતકોમાં પતિ-પત્ની અને તેમનાં બે બાળકો હતાં. અગાઉ જાન્યુઆરીમાં પણ અમદાવાદથી એજન્ટ મારફતે અમેરિકા જવા નીકળેલા 9 ગુજરાતીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો અત્યારે ક્યાં છે તે કોઈને ખબર નથી.

સાહિર લુધિયાનવીએ બીજા સંદર્ભમાં કહેલો શેર ડંકી રુટના મુસાફરો માટે પણ સાચો છે :

કિસ મંઝિલ-એ-મુરાદ કી જાનિબ રવાં હૈં હમ, 

કલ જિસ ચૌરાહે પર થે, આજ ભી વહીં હૈ…’       

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 23 ફેબ્રુઆરી  2025

Loading

महाजनो येन गत: स पन्था:

રમેશ ઓઝા|Opinion - Opinion|9 March 2025

રમેશ ઓઝા

જેના નામે ઘરઆંગણે રાષ્ટ્રદ્રોહનું રાજકારણ કરીને પોતાનું જ નાક કપાવ્યું એ યુ.એસ.એઈડ ૧૯૬૧ની સાલથી આપવામાં આવે છે. અમેરિકા જગતનો માત્ર સૌથી શક્તિશાળી દેશ નથી, વડીલ સમાન આદરપાત્ર દેશ છે એમ અમેરિકનો માનતા હતા અને એ મુજબ વર્તતા હતા. તેમણે અલગ અલગ ગજ વાપરીને જગતને બે ભાગમાં વહેંચ્યું હતું. એક ખુલ્લો સમાજ જ્યાં લોકશાહી છે, નાગરિકોને અધિકાર આપવામાં આવ્યા છે, એ અધિકારોને બંધારણ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા છે, જવાબદાર શાસન છે અને બીજો બંધિયાર સમાજ જ્યાં તાનાશાહી છે, નિયંત્રણો છે અને નાગરિક શ્વાસ લેતા પણ ડરે છે. વિશ્વપ્રજાને બંધિયારપણાથી મુક્ત કરવાનો તેણે પોતાનો ધર્મ સમજ્યો હતો. તેમણે જગતને વિકસિત અને અવિકસિત અથવા વિકાસશીલ એમ બે ભાગમાં વહેંચ્યું હતું અને જેનો વિકાસ નથી થયો તેનો વિકાસ કરવાનો અથવા વિકાસની પ્રક્રિયામાં મદદરૂપ થવાનો પોતાનો ધર્મ સમજ્યો હતો. તેમણે જગતને પર્યાવરણીય અને પર્યાવરણદૂષિત એમ બે ભાગમાં વહેંચ્યું હતું અને જ્યાં પર્યાવરણના ગંભીર પ્રશ્નો છે ત્યાં પર્યાવરણ સુધારવા માટેની વિશેષ જવાબદારી સ્વીકારી હતી. તેઓ એ વાતનો પણ સ્વીકાર કરતા હતા કે તેનો વિકાસ ગરીબ દેશોના પર્યાવરણકીય શોષણ દ્વારા થયો છે એટલે તેને સુધારવાની તેમની વિશેષ જવાબદારી બને છે. 

આ એક પ્રકારની વૈશ્વિક સ્તરની મહાજન સંસ્કૃતિ હતી. ભારતમાં એક સમયે મહાજન વર્ગ ગામનાં કલ્યાણની જવાબદારી સ્વેચ્છાએ ઉઠાવતો હતો. એટલે તો એ મહા+જન તરીકે ઓળખાતા હતા. આખી વીસમી સદીમાં અમેરિકા અને યુરોપના દેશો વિશ્વના મહાજન હતા. महाजनो येन गत: स पन्थाः એમ મહાભારતમાં કહ્યું છે. વચલી જ્ઞાતિઓ અને મધ્યમવર્ગની માફક ઉપર બતાવ્યા એવા વિભાજીત જગતમાં વિકાસશીલ લોકતાંત્રિક દેશો અમેરિકા અને યુરોપના મહાજનોનું અનુકરણ કરતા હતા. આમાં ભારત સૌથી મોખરે અને સૌથી પ્રતિષ્ઠિત દેશ હતો. ભારત પણ પોતાને મહાજન સમજતું હતું અને એટલે તો વાઘાની સરહદ ઓળંગીને પાકિસ્તાનથી ભારતમાં પ્રવેશનારને અહેસાસ કરાવવામાં આવતો હતો કે તમે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં પ્રવેશી રહ્યા છે. યુ.એસ.એઇડ આપીને અમેરિકા વિકાસશીલ ભારતનો હાથ ઝાલતું હતું, ભારત હાથ પકડતું પણ હતું, પરંતુ એ સાથે વાઘા સરહદે પાકિસ્તાનીને ટોણો મારવાનું નહોતું ચૂકતું. અમારે ત્યાં લોકશાહી છે. અમારો સમાજ બંધિયાર નથી. 

ટૂંકમાં અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશો મહાજન દેશો હતા. ચીન અને રશિયા અને બીજા સામ્યવાદી દેશોનો નઠારા દેશોમાં સમાવેશ થતો હતો. મુસ્લિમ દેશોનો પછાત દેશોમાં સમાવેશ થતો હતો અને જગતના બીજા કેટલાક દેશોનો આર્થિક અને સાંસ્કૃતિક રીતે કંગાળ દેશોમાં સમાવેશ થતો હતો. ભારતનું સ્થાન આમાં વચ્ચે હતું. ભારત પોતાને મહાજન સમજતું હતું, પરંતુ મહાજનો હજુ થોડી વાર છે એમ કહીને તેને નજીક છતાં ય બહાર રાખતા હતા. 

અંગ્રેજીમાં કહીએ તો એ હેન્ડ હોલ્ડીંગનો યુગ હતો. પણ એનો અર્થ એવો નહોતો કે તેમાં સંપૂર્ણ ઈમાનદારી હતી. અમેરિકાએ કથની અને કરણીમાં જે વિરોધાભાસ બતાવ્યો છે તેની લાંબી ગાથા છે. યુરોપના દેશોએ કેટલાક દેશોને ગુલામ બનાવીને તેનું શોષણ કર્યું હતું. એમ છતાં ય જ્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે ગુલામ દેશોમાં કેટલાક લોકોએ આગ્રહ કર્યો હતો કે આપણે લોકશાહી દેશોને મદદ કરવી જોઈએ. તેમણે એ યુદ્ધને  લોકશાહી દેશો અને ફાસીવાદી દેશો વચ્ચેનાં યુદ્ધ તરીકે ઓળખાવ્યું હતું. કપડાં ફગાવી દીધેલા બેશરમ નાગા કરતાં સભ્યતાની મર્યાદામાં રહીને ઢોંગ કરતો ઢોંગી સારો. અને ઢોંગી તો આપણે ત્યાં મહાજનો પણ ક્યાં ઓછા હતા! 

પણ હવે?

હવે અમેરિકા કહે છે કે ‘ગર્વ સે કહો હમ નંગે હૈ’ સભ્યતા, ઉદારતા, મર્યાદાનો શું અમે ઠેકો લીધો છે? નઠારું ચીન નઠારાપણા દ્વારા આગળ નીકળી ગયું અને આપણે માણસાઈ બતાવવામાં પાછળ રહી ગયા. ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો વાળો ધંધો નહીં જોઈએ. આમ પણ જગતમાં નીચતાપર્વ બેઠું છે. એક પછી એક દેશના શાસકો મૂલ્યો અને માણસાઈ છોડી રહ્યા છે. રાષ્ટ્રવાદ, દેશપ્રેમ અને દેશહિતના નામે નર્યો સ્વાર્થ, એ પણ તાત્કાલિક સ્વાર્થ, દાદાગીરી, રંજાડ વગેરે અવગુણો ગર્વ સાથે અપનાવવામાં આવી રહ્યા છે. આ જોઇને અમેરિકનોને પણ લાગ્યું કે ખૂંટિયાયુગમાં આપણો પણ એક ખૂંટ હોવો જોઈએ, જે છીંકોટા મારે, શિંગડાં મારે અને લાત પણ મારે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને નથી બદલી રહ્યા, અમેરિકનો અમેરિકાને બદલી રહ્યા છે જેમ ભારતીયો ભારતને બદલી રહ્યા છે. શાસકો તો લાભાર્થી છે. નીચતા રાષ્ટ્રવાદનો વરખ ચડાવીને પ્રસરી રહી છે. 

આ રાષ્ટ્રવાદ પણ એવો રાષ્ટ્રવાદ છે જે આખા રાષ્ટ્રની દરેક પ્રજાને બાથમાં નથી લેતો, પણ માત્ર બહુમતી પ્રજાને બાથમાં લે છે. પોતાનાં દેશનાં વતનીઓ હોવા છતાં કેટલાકને બાકાત રાખવા માગે છે. જો આવતીકાલે સીધો-સામાન ઓછો પડશે અથવા સ્વાર્થવૃત્તિ હજુ વધુ વિકૃત બનશે તો બહુમતી સમાજના માથાભારે લોકો પોતાનાંમાંથી જ નબળાઓને વંચિત રાખશે. દુર્બળતા રાષ્ટ્રધર્મમાં બાધારૂપ છે એટલે દુર્બળને તેનાં નસીબ પર છોડી દેવો જોઈએ એવી પણ એક થીયરી છે. રાષ્ટ્રવાદ એક બીમારી છે, એવી બીમારી જે શરીરના પસંદ કરેલા અંગને પોષણથી વંચિત રાખે છે. કોઈને વંચિત રાખવા માટે ધર્મ, સંપ્રદાય, પેટા-સંપ્રદાય, ભાષા, જ્ઞાતિ વગેરે હાથવગાં છે. લેબલ લગાડો, અનુકૂળ ઇતિહાસ ઘડો, દોષી ઠેરવો અને લાત મારો. અંગો પણ શરીરનો જ હિસ્સો છે એ રાષ્ટ્રવાદ નથી સમજતો. 

અમેરિકાએ બેશરમ બનીને સત્તાવારપણે નઠારાપણું અપનાવી લીધું છે એ જોઇને કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પશ્ચિમ યુરોપના મહાજનો ડઘાઈ ગયા છે. આ બધા દેશોની મહાજની મુખ્યત્વે અમેરિકા પર નિર્ભર હતી. આમાં સૌથી મોટું સંકટ ભારત સામે પેદા થયું છે. વિદેશી રોકાણકારો ભારત છોડીને ચીનમાં રોકાણ કરી રહ્યા છે. શેરબજારમાં ભુક્કા બોલી રહ્યા છે. કારણ? કારણ બહુ સ્પષ્ટ છે : તમે હજુ સુધી મહાજનો(મુખ્યત્વે અમેરિકા)ના હેન્ડ-હોલ્ડીંગથી મુક્ત નથી થયા અને જો મહાજન હાથ છોડી દે તો તમારું ભવિષ્ય શું? બીજું સભ્યતાની બાબતે તમે દહીંદૂધમાં પગ રાખો છો. જગત સભ્ય અને અસભ્યમાં વહેંચાઇ રહ્યું છે ત્યારે ભારત પોતાનું સ્થાન નક્કી કરી શકતું નથી. 

ચીન અને ભારતે લગભગ સાથે યાત્રા શરૂ કરી હતી. ચીન ત્યારે ભારત કરતાં ઘણું પાછળ હતું. પણ આજે ચીન કોઈ હાથ પકડે એનું મોહતાજ નથી. ભારત એ કરી શક્યું નથી અને હવે અચાનક નવા શરૂ થયેલા નીચતાના યુગમાં સપડાઈ ગયું છે. ભારત અવસર ચૂકી ગયેલો દેશ છે અને હવે તો જમીન પરની વાસ્તવિકતા બદલાઈ રહી છે. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 માર્ચ 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—279

દીપક મહેતા|Opinion - Opinion|8 March 2025

પૂતળીબાઈ : આપણી ભાષાનાં પહેલાં સ્ત્રી પત્રકાર, તંત્રી, અનુવાદક           

સૌથી પહેલાં તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની લાખ લાખ વધાઈ. અને એ દિવસના ઉજવણાના ભાગ રૂપે આજે વાત માંડીએ આપણી ભાષાનાં સૌથી પહેલાં સ્ત્રી પત્રકાર, તંત્રી, અનુવાદક, એવાં પૂતળીબાઈની. અસલ નામ તે પૂતળીબાઈ ધનજીભાઈ હોરમસજી વાડીઆ. અદરાયા પછી બન્યાં પૂતળીબાઈ જાંગીરજી કાબરાજી. પિતા ધનજીભાઈ પહેલાં પૂનામાં અને પછી મુંબઈમાં શાળા-શિક્ષક. પછી બન્યા મુંબઈની મઝગાંવ મિલના સેક્રેટરી. એલ્ફિન્સ્ટન નાટક મંડળી શેક્સપિયરનાં નાટકો અંગ્રેજીમાં ભજવતી ત્યારે તેમાં ભાગ લેતા અને અભિનેતા તરીકે જાણીતા થયેલા. ‘ગુલીવરની મુસાફરી’ નામનું અનુવાદિત પુસ્તક ૧૮૭૩માં પ્રગટ કરેલું. આ ધનજીભાઈને ઘરે ૧૮૬૪ના સપ્ટેમ્બરની પહેલી તારીખે પૂનામાં પૂતળીબાઈનો જન્મ. 

પૂતળીબાઈ કાબરાજી

જરા નવાઈ લાગે એવી એક વાત એ કે શાળાનો અભ્યાસ કર્યા પછી ૧૮૮૦માં મેટ્રિકની પરીક્ષા વખતે ફક્ત અંગ્રેજીના પેપરમાં જ બેઠાં. બાકીના પેપરમાં જાણીજોઈને ગેરહાજર. કેમ? કારણ અંગ્રેજીની આવડત અંગે જ પુરાવો જોઈતો હતો, બાકીના વિષયો વિષે નહિ! ૧૮૮૧માં ‘સ્ત્રીબોધ’ માસિકમાં તેમનું પહેલું લખાણ છપાયું. ત્યારે તેમની ઉંમર ૧૭ વર્ષની. ૧૮૫૭માં શરૂ થયેલા ‘સ્ત્રીબોધ’માં કોઈ સ્ત્રીએ લખેલું આ પહેલવહેલું લખાણ. ત્યાં સુધી નામ ભલે ‘સ્ત્રીબોધ’ હતું, પણ તેમાં લખનારા હતા બધા પુરુષો. પછી ૧૮૮૩માં પ્રગટ થયો ‘ટૂંકી કહાણીઓ’ પુસ્તકનો બીજો ભાગ. મહીપતરામ રૂપરામ નીલકંઠ તરફથી ૬૦ રૂપિયાનું ઇનામ મળ્યું. એ જમાનામાં એ સમાચાર લંડનના ‘ઇન્ડિયન મેગેઝીન’માં છપાયા. સર રીચર્ડ કર્નાક ટેમ્પ્લ, બીજા બેરોનેટે (૧૮૫૦-૧૯૩૧) વાંચ્યા. ડો. જેમ્સ બર્જેસે ૧૮૭૨માં શરૂ કરેલ ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’નામના પ્રતિષ્ઠિત સામસિકના ડો. જે.એસ. ફ્લીટ સાથે ટેમ્પલ એ વખતે જોડિયા તંત્રી. 

પૂતળીબાઈનું પહેલું પુસ્તક

ટેમ્પલને પૂતળીબાઈને મળવાની ઈચ્છા થઈ. સર જ્યોર્જ કોટન(૧૮૪૨-૧૯૦૫)ની મદદથી ધનજીભાઈને બંગલે જઈ મળ્યા. આ કોટનસાહેબ ૧૮૬૩માં ઇસ્ટ ઇન્ડિયા કોટન એજન્સીના મેનેજર તરીકે મુંબઈ આવેલા. પછી મિત્ર જેમ્સ ગ્રીવ્ઝ સાથે મળીને પોતાની કંપની શરૂ કરી, ગ્રીવ્ઝ કોટન એન્ડ કંપની. ઉપરાંત તેઓ યુનિવર્સિટી ઓફ બોમ્બેના ફેલો, બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન, અને બોમ્બેના શેરીફ પણ નિમાયા હતા. ટેમ્પલ અને પૂતળીબાઈ મળ્યાં. તે વખતે ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’ માટે લખવાનું ટેમ્પલે આમંત્રણ આપ્યું. આવી તક કાંઈ જતી ન કરાય એટલે તરત હા તો પાડી દીધી પૂતળીબાઈએ. પણ પછી વિમાસણ : લખવું તો લખવું શું? બાળપણમાં દાદા-દાદી અને બીજાં મોટેરાંઓ પાસેથી સાંભળેલી વાર્તાઓ યાદ આવી. પૂતળીબાઈએ એવી વીસ વાર્તાઓ અંગ્રેજીમાં લખી નાખી. ‘ફોકલોર ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા’ મથાળા હેઠળ ૧૮૮૫થી તે ઇન્ડિયન એન્ટીક્વેરીમાં હપ્તાવાર છપાઈ. જેનું લખાણ આ પ્રતિષ્ઠિત સામયિકમાં છપાયું હોય તેવાં સૌથી પહેલાં બિન-યુરોપિયન બાનુ હતાં પૂતળીબાઈ. એટલું જ નહિ, ૧૯૨૨ સુધીનાં પહેલાં પચાસ વરસમાં હિન્દુસ્તાનની બીજી કોઈ સ્ત્રીનું લખાણ આ માસિકમાં છપાયું નહોતું. પૂતળીબાઈની આ બધી જ વાર્તાઓ પછીથી ‘બેસ્ટ શોર્ટ સ્ટોરીઝ ઓફ ઇન્ડિયા’ નામના પુસ્તકમાં છપાઈ હતી. 

ઇન્ડિયન એન્ટીક્વેરીનાં બારણાં એક વાર ખૂલી ગયાં એટલે પૂતળીબાઈની કલમ અંગ્રેજીમાં દોડવા લાગી. પારસીઓ અને હિન્દુઓનાં ગુજરાતી લગ્નગીતોના અંગ્રેજી અનુવાદ કર્યા જે ‘પારસી એન્ડ ગુજરાતી હિંદુ ન્યુપિટલ સોંગ્સ’ નામથી હપ્તાવાર પ્રગટ થયાં. તેની સાથે ગીતોનો ગુજરાતી પાઠ પણ દેવનાગરીમાં છાપ્યો હતો. ગુજરાતી લગ્નગીતોનો આ પહેલવહેલો અંગ્રેજી અનુવાદ. જાણીતા ઇટાલિયન કવિ પ્રોફેસર માર્કો એન્ટોનિયોના જોવામાં આ અનુવાદો આવ્યા અને તેમણે હિન્દુસ્તાનની જુદી જુદી ભાષાનાં લગ્નગીતો અને પ્રેમગીતોના અનુવાદ માટે પૂતળીબાઈને આમંત્રણ આપ્યું. એન્ટોનિયોએ આ અનુવાદોને ૧૪૦ ભાષાઓનાં ત્રણ હજાર જેટલાં ગીતો સમાવતા પોતાના પુસ્તકના પાંચ ભાગમાં સમાવ્યાં એટલું જ નહિ, તેને આખા સંગ્રહના ‘સૌથી સુંદર આભૂષણ’ તરીકે ઓળખાવ્યા. 

પ્રેમાનંદનાં આખ્યાન ‘મામેરું’નો પુતળીબાઈએ કરેલો અંગ્રેજી અનુવાદ

પણ પૂતળીબાઈનો સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી અનુવાદ તે તો કવિ પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાનનો અંગ્રેજી અનુવાદ. તે પણ આ જ માસિકમાં ૧૮૯૫ અને ૧૮૯૬ દરમ્યાન ચાર અંકોમાં હપ્તાવાર છપાયો હતો અને તે અનુવાદની સાથે આખ્યાનનો ગુજરાતી પાઠ દેવનાગરીમાં છાપ્યો હતો. પ્રાસ્તાવિક લખાણમાં પૂતળીબાઈએ નરસિંહ મહેતાના જીવન અને કવનનો પરિચય આપ્યો છે. અનુવાદમાં પણ અનેક સ્થળે જરૂરી પાદટીપો ઉમેરી છે. મધ્યકાલીન ગુજરાતી કવિતાના કોઈ પણ અભ્યાસી-સંશોધકને છાજે તેવો આ અનુવાદ છે. ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં પ્રેમાનંદના એક મહત્ત્વના આખ્યાનનો અનુવાદ અંગ્રેજીમાં થાય, અને તે પણ એક પારસી સ્ત્રીને હાથે થાય, એ એક અસાધારણ ઘટના ગણાય. ઇન્ડિયન એન્ટીક્વેરી જેવા પ્રતિષ્ઠિત સામયિકમાં તે છપાય એ પણ મહત્ત્વની ઘટના ગણાય. પણ આજ સુધી તેના તરફ આપણા અભ્યાસીઓનું ભાગ્યે જ ધ્યાન ગયું છે. એક કારણ એ કે પૂતળીબાઈએ પોતાના અનુવાદો ક્યારે ય ગ્રંથસ્થ કર્યા નહિ. છેક ૨૦૨૨માં મામેરુંનો અંગ્રેજી અનુવાદ જૂનાગઢની રૂપાયતન સંસ્થાએ પુસ્તક રૂપે પ્રગટ કર્યો છે. પણ આપણા જાણકાર અભ્યાસીઓનું પણ તેના તરફ ભાગ્યે જ ધ્યાન ગયું છે.

ટૂંકી કહાણીઓ માટે પૂતળીબાઈને મળેલા ઇનામની નોંધ પરદેશમાં લેવાય તો ‘સ્ત્રીબોધ’ માસિકમાં ન લેવાય એવું તો ન જ બને. વળી પૂતળીબાઈ તો આ માસિકનાં લેખિકા હતાં. ૧૮૮૩ના મે અંકમાં નોંધ લેતાં સ્ત્રીબોધે લખ્યું : “પુતળીબાઈની સહી હેઠળ સ્ત્રીબોધના વાંચનારાઓનું મનરંજન કરનારી અમારી ચંચળ લખનારી બાઈને વાંચનારી બાનુઓ સારી પેઠે પિછાને છે.” મહીપતરામ રૂપરામે જાહેર કરેલું ૬૦ રૂપિયાનું ઇનામ “અમારી એ ચંચળ મદદગાર બહેનીને મળ્યું છે તેથી અમે મગરૂરી માની લઈએ છીએ અને અમારી મગરૂરીમાં વાંચનારી બાનુઓ ભાગ લેશે એવી આશા રાખીયે છીએ.” (ભાષા-જોડણી મૂળ પ્રમાણે) નોંધ સાથે પૂતળીબાઈના પુસ્તકમાંથી એક વાર્તા ‘ભોળાનો ભરમ ભાંગ્યો’ પણ સ્ત્રીબોધે છાપી હતી. જેને સ્ત્રીબોધે ‘એક મદદગાર બહેની’ તરીકે ઓળખાવ્યાં હતાં તે પૂતળીબાઈ ૧૮૯૪ના ડિસેમ્બરની ૧૬મી તારીખે જાંગીરજી કાબરાજી સાથે અદરાયાં અને ‘સ્ત્રીબોધ’ના તંત્રી કેખુશરૂ કાબરાજીનાં પુત્રવધૂ બન્યાં. જાંગીરજી મુંબઈ સરકારના સ્ટેટ્યુટરી સિવિસ સર્વન્ટ હતા અને અમદાવાદ, સુરત, નાશિક, મુંબઈ, બીજાપુર, ખંભાત, ખાનદેશ વગેરે જગ્યાએ તેમની બદલી થતી રહી. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં પૂતળીબાઈએ સમાજસેવાનાં કામો ઊલટભેર શરૂ કર્યાં. સતત થતી બદલીઓને કારણે કે પછી સમાજસેવામાં મન પરોવાયું તેથી, પણ પૂતળીબાઈનું અનુવાદનું કામ લગભગ થંભી ગયું. કેખુશરુ કાબરાજીના અવસાન પછી ‘સ્ત્રીબોધ’ના સંપાદનની જવાબદારી તેમનાં દીકરી શીરીનબાનુએ ઉપાડી લીધી, પણ ૧૯૧૨માં તેમણે એ જવાબદારી પૂતળીબાઈને સોંપી દીધી. ત્યારથી પૂતળીબાઈ ‘સ્ત્રીબોધ’માં લગભગ નિયમિત રીતે લખતાં રહ્યાં. જો કે છેવટનાં વર્ષોમાં કથળતી જતી તબિયતને કારણે સંપાદનનો ઘણો ભાર તેમણે જોડિયા તંત્રી કેશવપ્રસાદ સી. દેસાઈ પર નાખ્યો હતો.

મન થાક્યું નહોતું, પણ હવે શરીર સાથ આપતાં આનાકાની કરતુ હતું. પતિ જાંગીરજી સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા તે પછી  તેઓ અને પૂતળીબાઈ અમદાવાદ રહેતાં થયાં. ત્યાં પણ લોકોનું ભલું થાય એવાં કાર્યોમાં બંનેનો બને તેટલો સાથ રહેતો. બંને હવાફેર માટે પાંચગણી ગયાં હતાં ત્યાં જ ત્રણ દિવસની ટૂંકી માંદગી પછી ૧૯૪૨ના જુલાઈની ૧૯મી તારીખે પૂતળીબાઈ બેહસ્તનશીન થયાં. 

ફક્ત પારસી બાનુંઓનાં લખાણો પ્રગટ કરતું માસિક ‘સ્ત્રી મિત્ર’ 

હવે બીજી એક વાત. ‘સ્ત્રીબોધ’ આપણા દેશની બધી ભાષામાં પહેલવહેલું સ્ત્રીઓ માટેનું સામયિક ખરું, પણ તેમાં ફક્ત સ્ત્રીઓનાં જ લખાણો છપાય એવું નહોતું. પહેલેથી છેવટ સુધી પુરુષોનાં લખાણ પણ છપાતાં. પણ માત્ર સ્ત્રીઓ, અને તેમાં ય પારસી સ્ત્રીઓનાં જ લખાણો છાપતું એક સામયિક પણ મુંબઈથી જ શરૂ થયું હતું, છેક ૧૮૮૯માં. એનું નામ ‘સ્ત્રી મિત્ર’. તેના દરેક અંકના ટાઈટલ પેજ પર છપાતું : ‘લખનારાં : પારસી બાનુઓ.’ મુંબઈના કૈસરે હિન્દ સ્ટીમ પ્રેસમાં છપાતું. વાર્ષિક લવાજમ તો ‘સ્ત્રીબોધ’ની જેમ વરસનો એક રૂપિયો! હા. અહીં ‘લખનારા’માં અનુવાદ, રૂપાંતર, સારલેખન કરનારાં બાનુઓ પણ આવી જાય. અંકો ઉથલાવવાથી છાપ એવી પડે કે તેમાં મૌલિક લખાણો પ્રમાણમાં ઓછાં. અનુવાદ-રૂપાંતર વધારે. અનુવાદ મોટે ભાગે અંગ્રેજીમાંથી. આ ‘સ્ત્રી મિત્ર’ના ૧૮૮૯થી ૧૮૯૪ સુધીના અંકો જોવા મળ્યા છે. એટલે ઓછામાં ઓછું છ વરસ તો એ ચાલેલું. જેમાં માત્ર સ્ત્રીઓનાં જ લખાણો છપાતાં હોય એવાં આજે આપણી પાસે બે ત્રૈમાસિક છે: મુંબઈથી પ્રગટ થતું ‘લેખિની’ (શરૂઆત સપ્ટેમ્બર ૧૯૯૯) અને અમદાવાદથી પ્રગટ થતું ‘વિશ્વા.’ (શરૂઆત ૨૦૨૩). બંનેની પાછળ મુખ્ય પ્રેરણા સન્માન્ય લેખક ધીરુબહેન પટેલની. પણ છેક ૧૮૮૯માં ‘સ્ત્રી મિત્ર’, અને તે પણ માસિક! 

ગુજરાતી સ્ત્રીશક્તિને સલામ!

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 08 માર્ચ 2025

Loading

...102030...223224225226...230240250...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved