આ એવો પ્રશ્ન છે જેની ફિકર આખા વિશ્વએ ધર્મશાસ્ત્રીય જિજ્ઞાસાની દ્રષ્ટિએ નહીં, પણ સાંસ્કૃતિક પ્રભાવ અને રાજકીય નિયંત્રણ વચ્ચે શ્રધ્ધાના અધિકારો અને સરમુખત્યારશાહી સત્તાની પહોંચ વચ્ચેની નિર્ણાયક સ્પર્ધાના પ્રતીક તરીકે કરવી જ જોઇશે

ચિરંતના ભટ્ટ
14મા દલાઇ લામા 90 વર્ષના થવાના છે અને એક મહત્ત્વનો યુગ પરિવર્તનનાં પડખાં ફેરવી રહ્યો છે. આ માત્ર અધ્યાત્મની વાત નથી બલકે આ જિઓ-પોલિટિક્સ એટલે ભૌગોલિક રાજકારણનો મુદ્દો પણ છે. દલાઇ લામાએ જાહેરાત કરી છે કે તેમના અનુગામીને પસંદ કરવાનો અધિકાર માત્ર સ્વતંત્ર તિબેટિયનોને જ છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે છેલ્લાં ચૌદ વર્ષથી તિબેટ, રશિયા, મોંગોલિયા અને ચીનમાંથી તેમના ઉત્તરાધિકારીને પસંદગ કરવાની વિનંતી કરાઇ રહી છે, પણ તિબેટિયનોથી રચાયેલા ગાડેન ફોડ્રંગ ટ્રસ્ટને જ ભાવિ દલાઇ લામા પસંદ કરવાનો અધિકાર છે અને તેઓ પરંપરા અનુસાર આ પ્રક્રિયા પૂરી કરશે. વર્તમાન દલાઇ લામા આ કામગીરીની જવાબદારી ચીનના રાજકીય તંત્ર પર છોડવા નથી માગતા. આ એક જૂનો વિવાદ છે, જેમાં હવે આધુનિક ભૌગોલિક રાજકારણના દાવ-પેચ પણ ભળ્યા છે જે તિબેટિયન ધાર્મિક મતભેદ કરતાં ઘણાં પેચીદા છે. તે ચીન-ભારતના સંબંધો અને વૈશ્વિક રાજદ્વારીના ઉચ્ચ સ્તરીય શક્તિ પ્રદર્શન, પ્રતીકવાદ અને સાર્વભૌમત્વની પરીક્ષા છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
પારંપરિક રીતે જે વર્તમાન દલાઈ લામા હોય તે અન્ય વરિષ્ઠ લામા સાધુઓની મદદથી તેમના અનુગામીને, તેના પુનર્જન્મને ઓળખી શકે છે. તેમણે તાજેતરમાં જ એક વીડિયોમાં પણ એક વાતને પુષ્ટિ આપી હતી કે 2015માં સ્થપાયેલ ગાડેન ફોડ્રંગ ટ્રસ્ટ પાસે જ તેમના ઉત્તરાધિકારી પસંદ કરવાનો અધિકાર છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ઉત્તરાધિકારી કોઇપણ લિંગ એટલે જેન્ડરનો હોઈ શકે છે અને મોટે ભાગે તે ચીનની બહાર જન્મેલો હોઇ શકે છે. તેમનું આ વિધાન એક રીતે રાજકીય અવજ્ઞા અને આધ્યાત્મિક સ્તરે તેમની વૈચારિક મોકળાશનો પુરાવો છે.
ચીનને આ આખી પ્રક્રિયાને પોતાના તાબામાં કરી લેવી છે અને સુવર્ણ કળશ લોટરી સિસ્ટમથી નવા દલાઈ લામા નિમવા છે જેમાં સ્વાભાવિક રીતે રાજકીય સત્તાધીશોની મંજૂરી પણ હોય. કિયાંગલોંગના સમ્રાટે 1792માં આ પ્રથા શરૂ કરી હતી, જે ત્યારે તો ક્વિંગ રાજ્યની ક્ષમતાઓના મૂલ્યાંકન માટે અનુસરાતી હતી. ચીનને આ પ્રથા ફરી જીવંત કરવી છે અને દલાઈ લામાની નિયુક્તિ આ જ રીતે થાય તેમ તે ઇચ્છે છે, જો કે ચીનની સત્તા ભૂખ અને તિબેટ પ્રત્યેનો અભિગમ કોઈનાથી અજાણ નથી. ધર્મ અને રાજકારણ જ્યાં ભેગા થાય ત્યાં અલગ જ પ્રકારની પેચીદગી ખડી થતી હોય છે તે સ્વભાવિક છે. ચીન વર્તમાન દલાઈ લામાની પસંદગી કરવાની શૈલીને ગેરકાયદે ગણાવે છે. જો આ લાંબુ ખેંચાયું તો શું બે દલાઇ લામા ચૂંટાશે – એક જેને તિબેટના લોકોનું સમર્થન છે અને બીજા જેમને બેઇજિંગે દલાઈ લામા બનાવ્યા છે? – આ એક મોટો આધ્યાત્મિક રાજકીય પ્રશ્ન બની ગયો છે.
ભારત જેણે લાંબા સમયથી દલાઈ લામા અને તિબેટ સાથે સારા સંબંધો રાખ્યા છે, જેમને માટે તે યજમાન દેશ પણ બન્યો છે તે હવે રાજદ્વારી પડકારોનો સામનો કરી રહ્યો છે. દલાઈ લામાના વિધાને ટેકો આપતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જાહેરમાં એ વાત પર ભાર મૂક્યો કે નવા દલાઈ લામાને તો ટ્રસ્ટ જ પસંદ કરી શકે છે. કેન્દ્ર સરકારનું આ વલણ ધાર્મિક સ્વાયત્તતા પર ભાર મૂકે છે અને દલાઈ લામાના આધ્યાત્મિક મિશનને ઘોંઘાટ કર્યા વિના ટેકો આપનારું છે. જો કે આ બહુ મુત્સદ્દી અભિગમ છે અને તેમ જ રાખવો પડે એમ છે કારણ કે ચીન સાથે સરહદે સ્થિરતા જળવાય તે પણ વ્યૂહાત્મક રીતે બહુ અનિવાર્ય બાબત છે.
આખી પરિસ્થિતિમાં વૈશ્વિક અભિગમ અને રાજકારણના તાણાવાણા પણ સમજવાનો પ્રયાસ કરીએ. જો ચીન – બેઇજિંગ દ્વારા દલાઇ લામાની નિમણૂંક થશે તો તિબેટી લોકો માટે તેમને ટેકો આપવો અઘરો પડશે. વળી માત્ર તિબેટીઓ નહીં પણ વૈશ્વિક સ્તરે બૌદ્ધ અનુયાયીઓ પર પોતાનો પ્રભાવ જમાવવાને મામલે બેઇજિંગ યુક્ત દલાઈ લામામાં નૈતિક અધિકારનો સાહજિક અભાવ વર્તાશે જ. 1995માં પંચેન લામા વિવાદ થયો હતો, જેનાથી આપણે અજાણ નથી જ્યારે ચીને પસંદ કરેલા ઉમેદવારને અનુયાયીઓએ નકાર્યા હતા, ટાળ્યા હતા. તેનાથી વિપરીત જોઇએ તો ધર્મશાલામાંથી ખરેખર માન્યતા પ્રાપ્ત ઉત્તરાધિકારી તિબેટીય સાંસ્કૃતિક અને રાજકીય સાતત્યને પુનર્જીવિત કરી શકે છે.
ભારત અને ચીન વચ્ચેનો તણાવ આ ધાર્મિક વિવાદને પગલે માંડ રૂઝાયેલા ઘા ખોલી નાખે તેવી પૂરી શક્યતા છે. ભારતને દલાઇ લામા સાથે સારાસારી જ રહી છે. ચીને ભારતની સરહદ પર જે કર્યું હતું તેમાં માંડ સ્થિરતા આવી છે – હવે ભારત આ નવા સંજોગોમાં શું કહે છે કે શું નથી કરતો એના આધારે ભારત-ચીનના સંબંધોનો આગલો તબક્કો નક્કી થાય એમ બને. ભારત જે કરે તેને બેઇજિંગ ભૌગોલિક રાજકારણના પગલાં તરીકે જોશે તો ફરી અથડામણ થવાની પૂરી શક્યતાઓ છે.
યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન, જાપાન અને અન્ય લોકશાહી રાષ્ટ્રોએ અનેકવાર તિબેટની સ્વાયત્તતા અને તેની સાથે જોડાયેલા વિવાદો અંગે ચિંતા વ્યક્ત કરી છે. યુ.એસ. 2020માં ધી તિબેટ પૉલિસી એન્ડ સપોર્ટ એક્ટ હેઠળ તિબેટી બાબતોમાં ધાર્મિક સ્વતંત્રતાને મામલે મુક્તિ આપવામાં આવી હતી. ઉત્તરાધિકારને મામલે છેડાયેલો વિવાદ ભારત પર નિર્વાસિત-પસંદ કરેલા ઉમેદવારને માન્યતા આપવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ લાવી શકે છે. કેન્દ્ર સરકારની સ્થિતિ કફોડી છે કારણ કે એક તરફ તિબેટ અને તેની સંસ્કૃતિની સ્વયત્તતા સચવાય તે નૈતિક રીતે જરૂરી છે તો બીજી તરફ બેઇજિંગ સાથે માંડ સચવાયેલા વ્યૂહાત્મક સંબંધો પણ દાવ પર લાગેલા છે. આ એવી સ્થિતિ છે કે ભારત જે પણ કંઇ કરે તેની સાથે હરીફ દેશ ચીનના અભિગમને કારણે વૈશ્વિક સ્તરે આ પ્રશ્નને લગતી સર્વસંમતિ વધુ જટિલ બની શકે છે. જો કે ભારતે ધીમા પણ મક્કમ વિધાનથી એ કહી દીધું છે કે દલાઇ લામાના ટ્રસ્ટને જ નવા ઉત્તરાધિકારીની પસંદગી કરવાનો અધિકાર છે. ટૂંકમાં આડકતરી રીતે ચીન જે રીતે આ મામલાને રાજકીય રંગે રંગવા માગે છે તે યોગ્ય નથી, એવું આપણે માનીએ છીએ તે સંદેશો આપણે સ્પષ્ટ રીતે આપી દીધો છે. ભારતનો તિબેટને ટેકો એ વાત સ્પષ્ટ કરશે કે ભારત ધાર્મિક સ્વતંત્રતામાં દૃઢપણે માનનાર લોકતાંત્રિક દેશ છે.
ઉત્તરાધિકારીનો આ પ્રશ્ન એવડો મોટો છે કે ખોબા જેવડા તિબેટને કારણે વૈશ્વિક રાજકારણની ચોપાટ પર સીધી અસર થઇ શકે છે. દલાઇ લામાના ઉત્તરાધિકારીની પસંદગીની ચર્ચાએ ધાર્મિક સ્વાતંત્ર, રાજકીય સાર્વભૌમત્વ અને ચીનની અન્ય લોકશાહી રાષ્ટ્રો સાથે વધતી જતી શત્રુતાની ફૉલ્ટ લાઇન્સ તરફ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે.
આ સંજોગોમાં બે દલાઈ લામાની શક્યતાઓ પણ ખડી થાય. એક આધ્યાત્મિક માર્ગદર્શનથી બનેલા દલાઈ લામા અને બીજા ચીનના સત્તાધીશોએ નક્કી કરેલા દલાઇ લામા. જો આમ થશે તો તિબેટિયન એકતા ભંગ થશે અને વિશ્વની વિવિધ રાજકીય તાકાતો વગર કારણે રાજદ્વારી બખડજંતરમાં ખેંચાશે. પશ્ચિમી દેશોએ પણ પોતાની નિષ્ઠા કોની તરફ છે તે સ્પષ્ટ કરવું પડશે તો એશિયાના નાના રાષ્ટ્રો જ્યાં બૌદ્ધ બહુમતી છે – જેમ કે મોંગોલિયા, ભૂતાન અથવા નેપાળ તેમની પર બેઇજિંગે પસંદ કરેલા ઉત્તરાધિકારીને સ્વીકારવાનું રાજદ્વારી રીતે દબાણ થઇ શકે છે.
આ એવો પ્રશ્ન છે જેની ફિકર આખા વિશ્વએ ધર્મશાસ્ત્રીય જિજ્ઞાસાની દૃષ્ટિએ નહીં પણ સાંસ્કૃતિક પ્રભાવ અને રાજકીય નિયંત્રણ વચ્ચે શ્રદ્ધાના અધિકારો અને સરમુખત્યારશાહી સત્તાની પહોંચ વચ્ચેની નિર્ણાયક સ્પર્ધાના પ્રતીક તરીકે કરવી જ જોઇશે. ચીન માટે ધર્મ હંમેશાં એક સંસાધન રહ્યો છે – અહીં શ્રદ્ધા કે આસ્થા ત્યાં સુધી જ સહન કરાય છે જ્યાં સુધી તે રાજ્યના હિત સાથે સુસંગત હોય. આ તરફ દલાઈ લામા નૈતિક સ્વાયત્તતા, આંતરિક સ્વતંત્રતા અને શાંતિપૂર્વકના વિરોધમાં માનનારી પરંપરા છે. આ માટે આપણે એ સમજવું રહ્યું કે આગામી દલાઇ લામા કોણ હશે તેની લડાઇ કયા પ્રકારનું વિશ્વ આ વારસાને આકાર આપશે તે અંગેની છે.
ભારતનો અભિગમ ચીન સાથેની નીતિ પર પ્રભાવ પાડશે. ચીનના રાષ્ટ્રપતિ ધાર્મિક નિયંત્રણ સ્થાપિત કરવા માગે છે તો વૈશ્વિક સત્તાઓનો અભિગમ લોકશાહીની પ્રતિબદ્ધતાની કસોટીમાં પાર ઉતરશે કે કેમ તે આ પરિસ્થિતિમાં તેમના ઝુકાવ પરથી નક્કી થશે. અહીં શ્રદ્ધા અને રાજકારણના સંતુલનની વાત છે જે પ્રતીક વાદ, સાર્વભૌમત્વ અને ભૌગોલિક રાજકીય સંજોગોની ત્રિરાશીમાંથી શોધવાનું છે. આપણે સાવચેત રહીને વચલો માર્ગ શોધવાનો છે જેથી સાપે છંછુદર ગળ્યા જેવી સ્થિતિ ન થાય.
બાય ધી વેઃ
શ્રદ્ધા અને ભૌગોલિક રાજકારણ એક ત્રિભેટે છે. બેઇજિંગના નિયંત્રણને દલાઇ લામા નકારી રહ્યા છે ત્યારે ભારત સહિતના અન્ય રાષ્ટ્રોનો પ્રતિભાવ ધાર્મિક કાયદેસરતા અને પ્રાદેશિક સ્થિરતાને આકાર આપશે. મૂળ પ્રશ્ન છે કે શું 21મી સદીમાં રાજ્યની મંજૂરીથી સ્વતંત્ર રીતે પવિત્ર ધાર્મિક અસ્તિત્વ ધરાવી શકાય? આ સવાલનો જવાબ ધર્મશાલાના મઠ કે ઝોંગનાનહાઇના ઓરડાઓમાંથી નહીં પણ નાગરિકો, વૈશ્વિક સરકારો અને ધાર્મિક સમુદાયોના પ્રતિભાવોથી મળશે. 14મા દલાઇ લામાએ તો પોતાનો ધર્મ સરળ છે અને તે દયા છે તેમ કહ્યું જ છે. તેમનામાં સમજ અને આધ્યાત્મિક શાલીનતા બન્ને છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને તમામ રાષ્ટ્રો જે આ નિર્ણયમાં રસ ધરાવે છે તેમણે પણ મૂલ્યોને મહત્તા આપવી જોઇએ, સ્પર્ધાત્મક દાવાઓ કે રાજકીય કાવાદાવાને નહીં.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 જુલાઈ 2025