Opinion Magazine
Number of visits: 9680578
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અતીતરાગ

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|29 October 2020

સદાનંદબાબુની દીકરી સુધા હવે તો જો કે, ૬૦-૬૨ વર્ષની થઈ ગઈ હતી, પણ એ સમયના બંગાળના રિવાજ પ્રમાણે એનાં લગ્ન થયાં ત્યારે એની ઉંમર હતી બાર વર્ષ. લગ્નના માત્ર સાત દિવસ પછી એને પાછો પગ કરવા પિયર લઈ આવ્યાં એના બીજે-ત્રીજે દિવસે ઘરમાં રોકકળ મચી ગઈ. મા કલ્પાંત કરતાં બોલ્યે જતી હતી, ‘અરેરે, આ તે કેવું દુ:ખ આવી પડ્યું? જમાઈને એરુ આભડી ગયો. મારી સુધી વિધવા થઈ ગઈ. હવે શું થશે? બિચારી આખો જન્મારો કેમ કરીને કાઢશે?’

તે દિવસથી માંડીને આજ સુધી એ પિયરમાં જ રહી. ન કદી સાસરેથી કોઈએ એના ખબર પૂછ્યા કે ન કોઈ તેડું આવ્યું. લગ્નનું આખું પ્રકરણ એની જીવન કિતાબમાંથી ભૂંસાઈ ગયું. જો કે, આ ઘરે એને હૂંફ, લાગણી, માન-સન્માન બધું જ આપ્યું હતું. મા તો પંદરેક વર્ષ પહેલાં પરલોક સિધાવી ગઈ હતી પણ બાપુ, બે ભાઈઓ, ભાભીઓ અને એમનાં કલબલાટ કરતાં સંતાનોથી ભર્યા ભર્યા આ પરિવારમાં એનું વિશિષ્ટ સ્થાન હતું. એક સવારે રસોડાના કામમાં ગૂંથાયેલી સુધાને નાની ભાભીએ કહ્યું, ‘દીદી, તમને મળવા કોઈ મહેમાન આવ્યા છે તે બાપુ બેઠકખંડમાં બોલાવે છે.’

સુધાને આશ્ચર્ય થયું. ‘મને મળવા વળી કોણ આવે?’

એ બેઠકખંડમાં પહોંચી ત્યારે એને જોઈને ૫૦-૫૫ ની વયનો લાગતો પુરુષ ઊભો થઈને એને પગે લાગ્યો, ‘ભાભી, હું તમારો દિયર – વિપીન. તમારાં લગ્ન વખતે આઠેક વર્ષનો હોઈશ. ઓળખાણ પડે છે?’

સુધાના ચહેરા પર સખ્તાઈ આવી ગઈ, ‘ના, હું તમને નથી ઓળખતી.’

સદાનંદબાબુએ કહ્યું, ‘વિપીનબાબુ કહેવા અવ્યા છે કે, એમને હવે બાપ-દાદાના વખતનો બંગલો વેચી દેવો છે. મિલકતની વહેંચણી કાયદેસર રીતે ત્રણ ભાગે થશે. એ બંને ભાઈઓનો એક એક ભાગ અને જમાઈબાબુની એક માત્ર વારસ તરીકે તારો ત્રીજો ભાગ.’

‘બાપુ, મને આવી બધી ભાગ-લાગની વાતમાં કંઈ રસ નથી. વળી જે કદી મારું હતું જ નહીં એ ઘરમાંથી હું હિસ્સો શી રીતે લઈ શકું? મારે હજી ઘણું કામ પડ્યું છે. હું જાઉં?’ વિપીન એકદમ ઊભો થઈ ગયો. બે હાથ જોડીને કહેવા લાગ્યો, ‘ભાભી, તમે ખૂબ મહાન છો. બાકી આટલી સહજતાથી પોતાના હિસ્સાનો મોહ કોઈ કેવી રીતે ત્યાગી શકે? પણ મારી એક વિનંતી છે. એક વખત તકલીફ લઈને તમારે ગામ તો આવવું જ પડશે.’

‘શા માટે?’

‘અમારા બે ભાઈઓના હક્કમાં તમે તમારો ભાગ જતો કરો છો એવા લખાણ પર કોર્ટમાં આવીને વકીલની રૂબરૂ સહી કરી આપવી પડશે.’ ‘એમાં મારી ના નથી. જે કંઈ કરવું ઘટે એ કરીને મારે આ બધામાંથી મુક્તિ જોઈએ છે. મને આવી બધી ઝંઝટ નથી ફાવતી. પણ હા, હું બાપુ સાથે ત્યાં આવું ત્યારે બંગલો જોવાની મારી ઇચ્છા છે. બતાવશો ને?’ વિપીન તરત બોલ્યો, ‘જરૂર તમને બંગલે લઈ જઈશ ભાભી, પણ હવે એમાં જોવા જેવું કંઈ રહ્યું નથી. સાવ ખંડેર થઈ ગયું છે. ત્યાં રહી શકાય એમ પણ ન હોવાથી અમે બંને ભાઈઓએ ભાડાનાં ઘર લીધાં છે.’

વિપીનના ગયા પછી સુધાની મન:સ્થિતિ ડામાડોળ થઈ ગઈ. પચાસ વર્ષોનો દીર્ઘ કાળખંડ વટાવી એ બાર વર્ષની કિશોરી નવવધૂના સ્વાંગમાં શ્વસુરગૃહે પહોંચી ગઈ. જો કે, આજે તો હવે પતિનો ચહેરો પણ યાદ નહોતો. હતી તો માત્ર એક સુમધુર સ્મૃતિ. વિશાળ બંગલાના એક ઓરડાની બારી પાસે બાર ને પંદર વર્ષનાં કિશોર-કિશોરી કે જે બે દિવસ પહેલાં પતિ-પત્ની બન્યાં છે, એ બંને બેઠાં છે. બારીની બહાર આંબા અને ફણસનાં વૃક્ષો ઝૂમી રહ્યાં છે. કિશોર કહે છે, ‘બધાં ભલે કહે કે, ફણસ કરતાં કેરીનો સ્વાદ વધુ સારો પણ મને તો ફણસ જ બહુ ભાવે. તને શું વધારે ભાવે?’

છોકરી શરમાઈને કહે છે, ‘કેરી’.

બીજે દિવસે કિશોર બધાંથી છુપાવીને બે પાકી કેરી લઈ આવીને કિશોરીને કહે છે – ‘જલદી જલદી ખાઈ લે, નહીંતર કોઈ જોઈ જશે ને બધાં આપણી મજાક ઉડાવશે.’ સુધાને સમજાયું નહીં કે વર્ષો પહેલાંની આ યાદથી આજે ય એની આંખો ભીની કેમ થઈ ગઈ? વિપીન ગાડી લઈને સ્ટેશને લેવા આવ્યો હતો. ‘ચાલો, પહેલાં તમને એક સારી હોટેલમાં લઈ જાઉં. ચા-નાસ્તો કરો અને ફ્રેશ થઈ જાવ. કોર્ટના સમયને હજી વાર છે.’

‘સૌથી પહેલાં મારે બંગલો જોવા જવું છે.’ સદાનંદબાબુને સુધાની આ ઉતાવળ સમજાઈ નહીં પણ એમણે ચૂપ રહેવાનું યોગ્ય માન્યું. પડું પડું થતા એક બંગલા પાસે ગાડી ઊભી રહી. પોતાની પાસેની ચાવીથી તાળું ખોલતાં વિપીને કહ્યું, ‘જોયું ભાભી, મેં કહ્યું હતું ને કે, બંગલામાં કંઈ જોવાલાયક રહ્યું નથી. બધા ઓરડા ખાલીખમ છે. બેસવા માટે એક ખુરશી સુધ્ધાં નથી.’ ‘વાંધો નહીં. હું એક વાર ઉપરના માળે આંટો મારી આવું. તમે બંને વાતો કરો. હું હમણાં આવું છું.’

ધૂળથી ભરેલા ઓરડા પાસે જઈને સુધાએ ઊંડો શ્વાસ લીધો. ધીમેથી બારી પાસે જઈ એણે બંધ બારીને ધક્કો માર્યો. જ્યાં બહાર નજર કરી ત્યાં એનું હૈયું એક થડકારો ચૂકી ગયું. ક્યાં ગયાં એ આંબા અને ફણસનાં ઝાડ? અહીં તો હતા માત્ર પથ્થરો અને માટીના ઢગલા. અચાનક એને પેલા કિશોરનો રમતિયાળ સ્વર સંભળાયો, ‘તને શું ભાવે? ફણસ કે કેરી?’ કિશોરની આપેલી કેરી જોવા સુધાએ પોતાના અડવા હાથ ઊંચા કરીને જોયું. હથેળી તો સાવ ખાલી હતી. એમાં કશું ય નહોતું. એને જોરમાં ડૂસકું આવ્યું. સાડલાના છેડાથી આંખો લૂછતી એ નીચે આવી અને બોલી, ‘ચાલો, મારે જે જોવું હતું એ જોવાઈ ગયું.’

કંઈ ન સમજાતાં સદાનંદબાબુ અને વિપીન એકમેકનાં મોઢાં જોઈ રહ્યા.

(સમરેશ મુજુમદારની બંગાળી વાર્તાને આધારે)        

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 ઑક્ટોબર 2020

Loading

અભય : ન ડરે, ન ડરાવે

વિનોબા|Opinion - Opinion|29 October 2020

બહુ પ્રાચીન કાળથી માનવમનમાં સદ્દ-અસદ્દ પ્રવૃત્તિઓનો જે ઝઘડો ચાલે છે, રૂપકાત્મક વર્ણન કરવાની પરિપાટી પડી છે; વેદમાં ઇન્દ્ર અને વૃત્ર, પુરાણોમાં દેવ અને દાનવ, તેમ જ રામ અન રાવણ, પારસીઓના ધર્મગ્રંથોમાં અહુરમજદ અને અહરિમાન, ઈસાઈ ગ્રંથોમાં પ્રભુ અને શૈતાન, ઇસ્લામમાં અલ્લાહ અને ઈબ્લીસ – આ ઝઘડા બધા ધર્મોમાં દેખાય છે.

ગીતામાં આસુરી અને દૈવી સંપત્તિનું વર્ણન છે

ગીતાના ૧૬મા અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિનું વિસ્તારથી વર્ણન કર્યું છે. તે અધ્યાયના ત્રણ વિભાગ છે. પ્રથમ વિભાગમાં દૈવી સંપત્તિના ૨૬ ગુણો અને આસુરી સંપત્તિના ૬ દોષોનું વર્ણન કર્યું છે. બીજા વિભાગમાં અસુર-ચરિત્રનું વર્ણન છે અને ત્રીજા વિભાગમાં દૈવી સંપત્તિ વિરુદ્ધ આસુરી સંપત્તિ.

પહેલા અધ્યાયમાં જે રીતે પાંડવ – કૌરવની સેનાઓનું વર્ણન છે, તેવી રીતે અહીં દૈવી-આસુરી ગુણોની સેના સામસામે ખડી છે. બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. આ સુર-અસુર સંગ્રામ દરેકના હૃદયમાં ચાલતો હોય છે. બહાર સમાજમાં જે ઝઘડો ચાલે છે, તે તો માત્ર પડછાયો છે. તેનું મૂળ આપણા હૃદયમાં છે. જો આ મૂળને જ આપણે ખોદી કાઢીએ તો સમાજનો ઝઘડો મટી જાય.

ભગવાને દૈવી સંપત્તિના ૨૬ ગુણો બતાવ્યા છે. આ યાદી પૂરી નથી. તેમાં વૃદ્ધિ કરી શકાય. દૈવી ગુણોની સેનાનો સેનાપતિ છે અભયમ્, નિર્ભયતા. માનસશાસ્ત્રના અભ્યાસથી સમજાશે કે ભય જ એક એવો મોટો દુર્ગુણ છે, જેણે બીજા અનેક દુર્ગુણોને પોષ્યા છે અને અભય જ એક એવો ગુણ છે જેણે અનેક સદ્ગુણોને પોષ્યા છે. તેથી પ્રાચીન ભારતમાં કાયદો અને વ્યવસ્થા (law & Order) પર એટલું વજન નહોતું દેવાયું, જેટલું કે સમાજને નિર્ભય બનાવવા પર દેવાયું. શિક્ષણ, સમાજશાસ્ત્ર, રાજનીતિ એ તમામ ક્ષેત્રોમાં નિર્ભયતા હોવી જોઈએ. જો એવું કરી શકીએ તો તમામ સદ્ગુણોનો વિકાસ થઈ શકશે.

દૈવી સંપત્તિની સેનાની આગળ અભય જેવા મહા સેનાપતિને નિયુક્ત કર્યો છે અને પાછળ ‘નમ્રતા’ જેવા ગાર્ડને મૂક્યો છે. નિર્ભયતા એન્જિન ડ્રાઈવર. એ બેની વચ્ચે બીજા બધા સદ્ગુણો રાખ્યા છે. ગાંધીજીએ કહેલું કે આ બધા જ ગુણોને આપણે સત્ય અને અહિંસાની અંદર સમાવી શકીએ છીએ.

અભય

આ દેશમાં પ્રાચીનકાળથી નિર્ભયતાનું શિક્ષણ અપાયું છે. તેના આધારે આજનો સમાજ બન્યો છે. નિર્ભયતા બધા ગુણોમાં શ્રેષ્ઠ મનાયો છે. ભગવાને દૈવી સંપત્તિનું વર્ણન કરતા કહ્યું છે अभयं सत्त्व संशुधि: – અભયને પ્રથમ સ્થાન આપ્યું. સત્ત્વસંશુદ્ધિ એટલે ચિત્તશુદ્ધિને બીજું સ્થાન આપ્યું. કેમ ? મનુષ્યમાં નિર્ભયતા નહીં હોય તો બીજા કોઈ ગુણોનો વિકાસ નહીં થાય. ન સત્યનિષ્ઠા ટકશે, ન ચિત્તશુદ્ધિ વિકસી શકશે.

નિર્ભયતાનાં બે પાસાં :-

બીજાને ન ડરાવવા અને બીજાથી ન ડરવું. અંગ્રેજ શાસન સમયે આપણે એટલા બધા ડરતા હતા કે સાહેબનું નામ લેતાં જ ધ્રૂજતા હતા. અહીં અંગ્રેજનું નામ લેતાં ડરતા પણ બીજી બાજુ હરિજનોને ડરાવતા હતા. તો આપણે ડરવું અને ડરાવવાનું બંને છોડવાનું છે. તેને જ વેદાંત અથવા આત્મવિદ્યા કહે છે. એ જ આપણું ભારતીય દર્શન છે. આપણે પોતાને શરીર નથી સમજતા. શરીર તો આવે ને જાય. શરીરની કોઈ કિંમત નથી. તેને આપણાં કપડાં રૂપ જાણીએ છીએ. ફાટેલું ખમીશ ફેંકી દઈ બીજું પહેરી લઈએ તેવું. આપણે નિર્ભય બનીએ – ન કોઈથી ડરીએ, ન કોઈને ડરાવીએ.

બિલાડી ઉંદર સામે વાઘ જેવી, પણ કૂતરા સામે શિયાળ જેવી. વાઘ સસલા સામે વાઘ જ, પણ બંદૂક સામે બિલાડીની જેમ ભાગી જાય. મતલબ નિર્ભયતા નહોર કે દાંત પર નથી હોતી, તે તો આત્મિક આધાર પર હોય છે. તે તો એવી આત્મિક શક્તિ થકી આવશે, જેને આપણે મર્યાદિત ભાષામાં ‘નૈતિક શક્તિ’ અથવા વધુ સ્વચ્છ અને સ્પષ્ટ ભાષામાં ‘અહિંસાની શક્તિ’ કહીએ.

અહિંસાનો નિર્ભયતા સાથે ગાઢ સંબંધ છે. બંને એકરૂપ છે. જો કોઈ બહારથી અહિંસક લાગે પણ મનમાં ડર ધરાવતો હોય, તો તે અહિંસક છે જ નહીં. એનાથી વિપરીત, કોઈ વીર દેખાય, શસ્ત્રના આધારે તે પોતાની વીરતાનું પ્રદર્શન કરી રહ્યો હોય, તો પણ તે કાયરતા જ છે. તે આત્માની શક્તિને જાણતો નથી. તેથી શસ્ત્રોનો આધાર લે છે. પણ અભય શસ્ત્રમાં નથી. સાધનમાં નથી, સાધકમાં છે.

પ્રાચીન રાજ્યશાસ્ત્રમાં અભય : 

પ્રાચીન રાજ્યશાસ્ત્રમાં એક મહત્ત્વપૂર્ણ શબ્દ જોવા મળે છે. રાજ્યમાં શું શું થવું જોઈએ, એ બતાવતી વખતે કહેવાયું છે કે રાજ્યમાં બધા ‘અભય’ હોય, અર્થાત્ બધા જ નિર્ભયતા અનુભવે. દરેક સમજે કે મારા પર કોઈ અન્યાય નહીં થઈ શકે, અને જો થશે તો મારા પક્ષે ધર્મ છે, ન્યાય છે, મને ભયનું કોઈ કારણ નથી. જે દેશમાં નિર્ભયતા રહેશે તે દેશમાં સ્વરાજ્ય છે, એમ કહેવાશે.

મૂડીવાદી સમાજમાં મૂડી થોડાના હાથોમાં કેન્દ્રિત હોય છે. એવી જ રીતે નિર્ભયતા થોડા જ લોકોના હાથમાં રહેશે. તો તે નહીં ચાલે. જેમ સંપત્તિનું વિભાજન થશે, તેમ નિર્ભયતા પણ બધા પાસે હોવી જોઈએ. નાના બાળકમાં પણ એ શક્તિ હોવી જોઈએ કે, હું એકલો દુનિયાનો સામનો કરી શકીશ. અગર જો મારા પક્ષે સત્ય હશે. એ સમયે સ્વરાજ્ય આવ્યું ગણાશે.

પરંતુ આજે તો ભયની તાલીમ અપાય છે. બાળક અને વિદ્યાર્થીને મારવાનું જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી દુનિયામાંથી ‘મિલીટરિઝમ’ નહીં જાય. હિંસાવાદ રહેશે. માની લો કે તમારો દીકરો કોઈ ખોટું કામ કરે છે, તમે એને પીટશો. ડરને કારણે તે ખોટું કામ છોડી દેશે, તો પણ તેનું અત્યંત નુકસાન થયું ગણાશે. જો તે સવારે વહેલો નથી ઊઠતો અને તેને તમે માર્યો, તે જલદી ઊઠવા લાગ્યો. નિયમિતતાનો પાઠ તમે શીખવ્યો પરંતુ ભયભીતતાનો દોષ તમે તેનામાં રોપ્યો. એ દોષ વધુ ભયંકર છે. તમે એને ભયની તાલીમ આપી. તમે એને શીખવ્યું કે તારા શરીરને કોઈ તકલીફ આપે તો તકલીફ દેનારની વાત માની લેવી. નિર્ભયતા શ્રેષ્ઠ ગુણ છે. જો મનુષ્યમાં તે ગુણ નથી તો બીજો કોઈ ગુણ વિકસી નહીં શકે.

આજે તો ડરાવવાનું એટલે સુધી ફેલાયેલું છે કે મારી યાત્રામાં પણ કોઈ બળજબરીથી લોકોને રસ્તામાંથી દૂર કરે છે કે ‘બાબા’ આવી રહ્યા છે. શું ‘બાબા’ વાઘ છે ? સમજવાની વાત છે કે અગર આપણે આપણાં બાળકોને ડરાવવા ધમકાવવાની તાલીમ દઈશું, તો તેને કારણે શસ્ત્રધારી પોતાનો જુલમ ચલાવતા રહેશે. પણ જો આપણે નિર્ભયતાની તાલીમ આપીશું તો તમામ શસ્ત્રાસ્ત્ર ખતમ થઈ જશે. જુલમી લોકો દુનિયાભરના લોકોને ખતમ કરીને નહીં, બધાને ડરાવીને રાજ્ય ચલાવવાનું ઇચ્છે છે. જુલમી લોકોની જુલમની પૂરી તાકાત ભયવૃત્તિમાં છે.

આપણાં સમાજશાસ્ત્રોએ અભય શબ્દ દીધો છે. પરંતુ આજ તેને બદલે ‘લો એન્ડ ઓર્ડર’ શબ્દ ચાલ્યો છે. એવું માની લેવાયું છે કે ભલે ને, લોકો ભયભીત થઈને પણ, ‘લો એન્ડ ઓર્ડર’ પાળે. એ રીતે આપણે આજે વ્યવસ્થાદેવીને પરમદેવી માની લીધી છે. વ્યવસ્થાનું મૂલ્ય આપણે પણ સમજીએ છીએ. પરંતુ જ્યાં બહારથી લદાયેલી વ્યવસ્થા છે ત્યાં ખરી શાંતિ નથી. કારણ કે ભીતર તો ડર કાયમ છે. અંદર ઊકળતો ચરુ છે. તે વધુ ભયંકર અને ખતરનાક છે. તે પ્રગટ થઈ જાય તો સારું. પરંતુ આપણે તો તેને અંદર જ દબાવી દઈએ છીએ. જો આપણે ડર પેદા કરીને શાંતિ સ્થાપિત કરનારી વ્યવસ્થા કરીશું. તો તે ‘દૈવી’ વ્યવસ્થા નહીં કહેવાય. ‘રાક્ષસ’ વ્યવસ્થા બનશે. માટે વ્યવસ્થામાં પણ આવશ્યક છે, ‘અભય’.

અત્યાર સુધી જે મન બન્યું છે તેમાં બદલાવ લાવીને નિર્ભયતા વિકસાવી શકાશે, પરંતુ હાલની મનોવૃત્તિને જ પ્રમાણ માનીને ચાલવાથી આજના યુગમાં નિર્ભયતા નહીં લાવી શકાય. તેવે વખતે તો આપણે વિવશ અને વ્યાકુળ રહીશું અને આપણી વ્યવસ્થા ડામાડોળ રહેશે. માટે આપણે આપણા મનમાં જ પરિવર્તન લાવવું પડશે. નવો માનવ બનાવવો પડશે. નવાં મૂલ્યો સ્થાપવાં પડશે. પોતાનું જીવન બદલવું પડશે.

અસુર ચરિત્ર

૧૬મા અધ્યાયના બીજા વિભાગમાં અસુર ચરિત્ર છે. એવો કોઈ મનુષ્ય નથી કે જે કેવળ અસત્યનો ભક્ત હોય. સત્યનો કોઈ ને કોઈ પ્રકારે આધાર લીધા વિના અસત્ય ટકી નથી શકતું. તેથી અસત્ય વાતો પણ સત્યનો ઓપ ચઢાવી કહેવાતી હોય છે. જેઓ સત્યઅસત્યના મિશ્રણમાં માને છે તેને ગીતા અસુર કહે છે, પ્રાય: જે યુદ્ધો થતાં હોય છે, તે કૌરવ-પાંડવનાં યુદ્ધ જ હોય છે. ઉભય પક્ષે વત્તા ઓછા પ્રમાણમાં અસત્ય અને અન્યાયની સાથોસાથ સત્ય રહેતું હોય છે. રામ-રાવણની એક જ લડાઈ એવી હતી, જેમાં એક તરફ કેવળ સત્ય હતું ને બીજી તરફ કેવળ અસત્ય હતું. આ કાલ્પનિક લડાઈનું વર્ણન વાલ્મીકિએ પોતાના કાવ્યમાં કર્યું છે. આ પ્રકારની લડાઈ અત્યંત ભયંકર હોય છે. તેમાં બંને પક્ષો વચ્ચે કોઈ સમાધાન નથી થઈ શકતું. આવી લડાઈ થઈને કાયમ માટે સમાપ્ત થઈ જાય છે. સત્યાસત્ય મિશ્રિત લડાઈમાં સંધિ/સમાધાન થતાં હોય છે અને આગળ-પાછળ વારેવારે યુદ્ધ પણ થતાં રહે છે. તેનો ક્યારે ય અંત નથી આવતો.

આસુરી સંપત્તિમાં, ભલે ને થોડું જ કેમ ન હોય, પણ સત્યનું મિશ્રણ હોય છે. અસુર પણ યજ્ઞ-યજ્ઞાદિ કરતા હોય છે. તેઓ પોતાની એક સભ્યતા ખડી કરે છે. ભગવાને આસુરી સંપત્તિના ગુણો ગણાવતી વખતે પ્રથમ દંભને મૂક્યો છે. દંભમાં અસત્ય તો હોય જ છે, પરંતુ થોડો અંશ સત્યનો પણ હોય છે. ભગવાન માને છે કે અસુર-ચરિત્ર કામના-પ્રધાન છે. જો કામનાની મર્યાદા બાંધવામાં આવે અને તેને યોગ્ય દિશા આપવામાં આવે તો તેથી લાભ થઈ શકે છે. પરંતુ અસુર એવું નથી કરતા. કામના એક તરફથી આશામાં ફસાવે છે અને બીજી બાજુથી ચિંતા પેદા કરે છે. ચિંતાને લઈને પરિગ્રહ, સંગ્રહ થાય છે. તેને જ લોભ કહે છે, લોભને પણ મર્યાદિત કરી શકાય છે પરંતુ તે મર્યાદામાં નથી રહેતો. ધન સારા માર્ગે પણ પ્રાપ્ત કરી શકાય છે પરંતુ એટલાથી સંતોષ નથી થતો. તેથી ખોટાં સાધનોથી, અસત્યનો આશરો લેવામાં આવે છે. તેથી વેર અને દુર્ગુણો વધે છે.

અસુર ચરિત્ર-સાર

આસુરી સંપત્તિની મીમાંસા કરતા ક્યારેક કામનો ઉલ્લેખ કરે છે, ક્યારેક કામ-ક્રોધ બંનેનું નામ લે છે, તો ક્યારેક કામ-ક્રોધ-લોભનો પૂરો ત્રિકોણ બનાવે છે. આ ત્રણેય વૃત્તિઓમાં અસુર ચરિત્રનો સાર છે. માનસશાસ્ત્રી પણ આ વાત માને છે. ગીતા આ ત્રણને નરકદ્વાર કહે છે. તે આત્માનો નાશ કરનારા છે, આ ત્રણેય ત્યાગ્યા વિના કલ્યાણમાર્ગે પહોંચવું અસંભવ છે. કામ-ક્રોધ-લોભને જીતવા માટે ક્રમશ: દમ-દયા-દાનનો શાસ્ત્રીય માર્ગ શ્રુતિએ બતાવ્યો છે.

ભય : ઉત્પત્તિ અને નિવૃત્તિ

ભાગવતમાં ભગવત-ભક્તિનું વર્ણન આવે છે કે, જે ભગવાનના ચરણોની સેવા કરે છે તે આ દુનિયામાં કોઈથી ક્યારે ય ડરશે નહીં. તેને કોઈ પ્રકારનો ભય સંભવે નહીં. તો પણ આશ્ચર્યની વાત છે કે હિંદુસ્તાનમાં ભગવાનની ભક્તિ અધિક જોવા મળે છે અને ડરનારા લોકોની સંખ્યા પણ અધિક જોવા મળે છે. આપણે ભગવાનની ભક્તિ કરીએ અને છતાં ચિત્તમાં ડર રાખીએ આવું કેમ બને છે ? એટલા માટે જ કે આ ભક્તિમાં જડતા છે. તે જીવિત, જાગૃત ભક્તિ નથી. મા પર બાળકની જીવિત શ્રદ્ધા હોય છે. તે માના ખોળામાં હશે, તો ડરશે નહીં, મા કોઈ મોટી શક્તિ તો નથી તો પણ બાળક સમજે છે કે મારી મા દરેક પ્રકારે બચાવ કરનારી છે. ઘરમાં આગ લાગી હોય તો પણ બાળક કોઈ હિલચાલ નહીં કરે. મા પ્રત્યે બાળકની જેટલી શ્રદ્ધા છે, શું ભગવાન પ્રત્યે આપણી એટલી શ્રદ્ધા છે ? આપણને ભરોસો જ નથી કે “આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, તેમનું નામ જપીએ છીએ તો હર હાલતમાં તે આપણને બચાવશે, આપણે નિર્ભય છીએ આપણને જીવિત શ્રદ્ધા નથી. જો જીવિત શ્રદ્ધા હોય તો કોઈ પ્રકારનો ભય રહેશે જ નહીં.

ભય કેવી રીતે પેદા થાય છે અને કેવી રીતે તેમાંથી નિવૃત્ત થઈએ છીએ, તો કહે છે “असद् आत्माभावात् – દેહ ભાવથી, “દેહ જ આત્મા છે એવી મિથ્યા કલ્પનાને કારણે, उद्विग्निबुध्धे : ।

જેની ઉદ્વિગ્ન બુદ્ધિ છે તેથી, તથા વિશ્વાત્મના એટલે કે આખું વિશ્વ મારું જ રૂપ છે એવી વ્યાપક ભાવના સેવીને – અચ્યુતની સેવા કરીને ભયમાંથી નિવૃત્ત થાય છે – निवर्तते मी: ‘હું દેહ છું’, એવી ભાવના દૃઢ થતાં ભય પેદા થાય છે અને દેહભાવની જગ્યાએ વિશ્વાત્મભાવ પેદા થાય છે ત્યારે ભય નિવૃત્ત થાય છે. ભગવત-ભક્તિ મનુષ્યને પોતાના દેહથી અલગ કરીને આખા ય વિશ્વ સાથે જોડી દે છે.

આ વિશ્વાત્મભાવ પર ‘કુરાને’ ખૂબ જોર દીધું છે. “रब्बुल आलमीन, ભગવાન કેવા છે ? આખી દુનિયાના પ્રભુ છે, કેવળ મારા નહીં, સહુના પ્રભુ છે. એનાથી વ્યાપક બુદ્ધિ બને છે. આપણે સહુ એક પ્રભુનાં સંતાન છીએ, વિશ્વ અને આપણે એક છીએ, એવી ભાવના બને છે. આ રીતે ભગવતભક્તિથી વિશ્વાત્મા બને છે અને તેનાથી ભય નિવૃત્ત થાય છે.

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 ઑક્ટોબર 2020; પૃ. 01-03 

Loading

પ્રકાશ ન. શાહ : સ્વરાજની બાકી લડતના સિપાઈ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|28 October 2020

‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના પ્રમુખપદની ચૂંટણીમાં વિજ્યી થયા બાદનો પ્રકાશભાઈ શાહનો તત્ક્ષણ પ્રતિભાવ હતો કે, ‘હું નર્મદ જેવો કડખેદ ન હોઉં પણ ગુજરાત જે રણજિતરામની પરંપરામાં ઉછર્યું તેના એક સિપાઈ તરીકે હું મને જોઉં છું.’ વરિષ્ઠ પત્રકાર, કર્મશીલ-લેખક અને ગુજરાતના એકના એક વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશભાઈ શાહ ન માત્ર રણજિતરામની પરંપરાના સિપાઈ છે; તેમનું છએક દાયકાનું સમગ્ર જાહેરજીવન,  સ્વરાજના નહીં તો સ્વરાજની બાકી રહેલી લડાઈના સિપાઈનું પણ છે.  ચિરપરિચિત હાસ્ય સાથે તેઓ કાયમ કહેતા જ હોય છે ને કે સરકારો તો આવે અને જાય આપણી નાગરિક અધિકારો, લોકશાહી મૂલ્યો અને સ્વતંત્રતા માટેની લડાઈ તો કાયમ ચાલુ જ રહેવાની છે. રાજકારણથી પરહેજ રાખ્યા વિનાના નવી દુનિયા માટેના,  ન્યાયી સમાજરચના માટેના તેમના પ્રયાસોમાં એક અદના સિપાઈનું કડખેદપણું રહેલું છે.

એકસો પંદર વરસ જૂની ‘ગુજરાતી સાહિત્ય પરિષદ'ના પ્રમુખ તરીકે હવે પ્રકાશભાઈ ચૂંટાયા છે એટલે એમની ઓળખમાં પરિષદ પ્રમુખનું છોગું ઉમેરાયું છે, પણ  ગાંધી–સર્વોદયવાદી, વિચારક, લેખક, પત્રકાર, અધ્યાપક, કર્મશીલ એવી કોઈ એક કે વધુ ઓળખથી ઓળખાય એવા એ જણ નથી. ખુદ એમના જ શબ્દો છે કે ‘કશામાં બંધાઉં એવું મારું વલણ નથી અને એકેયમાં હું પૂરતો નથી.’

શિક્ષણ અને ઘડતર :

બારમી સપ્ટેમ્બર ૧૯૪૦ના રોજ જન્મેલા પ્રકાશભાઈનું પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદની સરસ્વતી મંદિર હાઈસ્કૂલ મણિનગરમાં થયું હતું. એ આઠમા-નવમા ધોરણમાં ભણતા હતા ત્યારે, ૧૯૫૧-૫૨માં, એમના શિક્ષક હરિશ્ચંદ્ર પટેલ (જે પછી બી.જે.પી.ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ થયા હતા) એમને આર.એસ.એસ.ની શાખામાં લઈ જતાં. ‘ઝીણાના હિંદુ અડધિયા’ઓ સાથેનો વણિક પરિવારના  કિશોર પ્રકાશનો સંગ પાંચેક વરસનો રહ્યો. ઘરના વાચન–સંસ્કાર, ખુદમાં રહેલું દૈવત-કૌવત અને કોલેજકાળમાં પુરુષોત્તમ માવળંકરના લેસ્કી ઈન્સ્ટિટ્યૂટના કારણે તેમના જીવનમાં નવો ઉઘાડ થયો. રાધાકૃષ્ણન્નું ‘હિંદુ વે ઓફ લાઈફ’ વાંચતા યુવાન પ્રકાશને જ્યારે આર.એસ.એસ.ના અગ્રણી વકીલસાહેબ (લક્ષ્મણરાવ ઈનામદાર, ‘આમાં બધું છે પણ હિંદુ રાષ્ટ્ર નથી’ એમ જે કહે છે તે ઝબકાર ક્ષણ ઝીલાય છે અને પછી ? આજે તો પ્રકાશભાઈ ગુજરાતમાં સેક્યુલારિઝમનું કાયમી સરનામું બની ગયા છે. તે એટલે સુધી કે બીજા ભલે પ્રકાશભાઈના અમદાવાદના ઘરના સરનામામાં દેરાસર પાસે લખે પ્રકાશભાઈ તો ડાકઘર (અને હવે પોસ્ટ ઓફિસ) પાછળ જ લખે છે !

જાહેરજીવનનાં મૂળિયાં ક્યાં ?

પ્રકાશભાઈના દીર્ઘ જાહેરજીવનના કે તેમના પોલિટિક્સના મૂળિયાં ડિસેમ્બર ૧૯૬૦માં તેમણે શ્રેષ્ઠ વક્તાની પસંદગી કરતી પ્રતિષ્ઠિત મહાદેવ દેસાઈ વકૃત્વ સ્પર્ધામાં આપેલ વક્તવ્યમાં જોઈ શકાય. એમ.એ.ના પહેલા વરસના યુવાન વિદ્યાર્થી પ્રકાશ શાહે જયંતિ દલાલ અને ઈન્દુમતિબહેન શેઠનાં નિર્ણાયકપદે યોજાયેલી એ સ્પર્ધામાં સંસદીય લોકશાહીમાં સીધાં પગલાંને સ્થાન હોઈ શકે ? એવા વિષય પર વક્તવ્ય આપતાં સંસદીય લોકશાહીમાં સીધા પગલાંની ભૂમિકાની હિમાયત કરી હતી, તરફેણ કરી હતી. મહાદેવ દેસાઈ વકૃત્વ સ્પર્ધામાં ગુજરાતભરમાં પ્રથમ આવી, જે સુવર્ણચન્દ્રક મેળવેલો તે પ્રકાશભાઈએ ૧૯૬૨ના ચીનના આક્રમણ સબબ સંરક્ષણ ફાળામાં અર્પણ કરી દીધો હતો.

રાજ્યશાસ્ત્રના અનુસ્નાતક થઈને તેમણે ૧૯૬૫થી ૭૧ના વરસોમાં અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજમાં રાજ્યશાસ્ત્રનું અધ્યાપન કર્યું હતું. અધ્યાપકની સલામત અને મોભાદાર નોકરી છોડી તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિધ્યાનગર સંયોજિત ‘જ્ઞાનગંગોત્રી’ ગ્રંથશ્રેણીમાં ભોગીભાઈ ગાંધી સાથે સહસંપાદક તરીકે જોડાયા હતા. સંસદીય લોકશાહીમાં સીધાં પગલાંનો અમલ એ સમયના તેમના જાહેર કાર્યો અને લેખનમાં જોવા મળે છે. 

પ્રકાશભાઈનું મિસાવાસ્યમ

કોલેજના વિદ્યાર્થી તરીકે ભારતના આર્થિક ઇતિહાસના આર.સી. દત્તના પુસ્તકના વાચને ગાંધી રસ્તે નહીં, પણ આર્થિક રસ્તે તેઓ આજીવન ખાદી તરફ વળ્યા. ગાંધીજી રાજાને મળવા  જનસામાન્યના પહેરવેશમાં ગયા તે ગાંધીજી પ્રત્યેનું પ્રકાશભાઈનું પહેલું આકર્ષણ પણ લોક સાથેની ગાંધીની એકરૂપતા તેમને વધુ આકર્ષી ગઈ.

રાષ્ટ્રીય કક્ષાએ આચાર્ય કૃપાલાણી અને જયપ્રકાશ નારાયણ સાથે તો પ્રદેશ કક્ષાએ લગભગ સઘળા જાહેરજીવનના અગ્રણીઓ સાથે તેમને નાતો. નવનિર્માણ અને જે.પી. મુવમેન્ટમાં ઘણી સક્રિયતા, ગુજરાતમાં જે.પી. અને આંદોલન વચ્ચેની કડી અને, જનતા મોરચાના સહમંત્રી હોવાના કારણે પણ ઇંદિરાઈ કટોકટી વખતે ગુજરાતમાંથી પહેલા જ ઘાણમાં અને સૌથી લાંબો સમય જેલમાં રહેનારા બે પાંચ પૈકીના પ્રકાશભાઈ હતા. ઇંદિરા ગાંધીએ આંતરિક કટોકટી લાદી અને સઘળા દેશનેતાઓને ‘મિસા' હેઠળ પકડ્યા, ત્યારે ગુજરાતમાં વિપક્ષી એવી બાબુભાઈ પટેલની સરકાર હતી. પરંતુ તે સરકારનું પતન થતાં ૧૩-૧૪ માર્ચ ૧૯૭૬થી ૨૧-૨૨ જાન્યુઆરી ૧૯૭૭ સુધી પાલનપુર અને વડોદરા જેલમાં પ્રકાશભાઈ બંધ રહ્યા.

જો કે એ સમયે અને આજે પણ પ્રકાશભાઈનો મનોભાવ તો એકંદરે હળવાશનો અને ચાલો ત્યારે જેલમાં જઈ આવીએનો રહ્યો છે. પણ જેલ આખરે તો જેલ છે. જેલમાંથી મુક્ત થયા ત્યારે તેમનુ શારીરિક જ નહીં જાહેરજીવનમાં પણ વજન વધ્યું હતું. જેલમાં એમણે મહારાજ લાઈબલ કેસ વાંચેલો, જે ઘણું બધુ ત્યાં વાંચેલું તેમાં ઘણીબધી પૂર્વે વાંચેલી અને પહેલીવાર વાંચવાની થઈ એવી મહાનવલો હતી. ઘણા રાજકીય વિચારના વ્યાખ્યાનો આપ્યાં હતા. ‘મિસા વાસ્યમ’ને કારણે જ પ્રકાશભાઈને એસ.પી. યુનિવર્સિટીએ ‘જ્ઞાન ગંગોત્રી’ ગ્રંથશ્રેણીના સહસંપાદક તરીકે છૂટા કરી દીધા હતા. પણ તેની તો જાણે કે પ્રકાશભાઈને કશી વિસાત જ નહોતી.

લોકમોઝાર લોકઆંદોલનોમાં

લોક મોઝાર રહેતી રાજકીય–સામાજિક-નાગરિક ચળવળો અને સંસ્થાઓ સાથે પ્રકાશભાઈનું કાયમનું જોડાણ રહેલું છે. લોકસ્વરાજ આંદોલન, ગુજરાત લોક સંઘર્ષ સમિતિ, જનતા મોરચો, જનતા પાર્ટી, લોક સમિતિ, લોકસ્વરાજ મંચ, નાગરિક સમિતિ, સેક્યુલર લોકશાહી આંદોલન અને પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટી – તે પૈકીનાં થોડાં નામ છે. અમદાવાદ, ગુજરાત અને દેશની ભાગ્યે જ એવી કોઈ નાગરિક ચળવળ હશે જેની સાથે તેઓ જોડાયેલા ન હોય. જેટલી સજ્જતાથી તેઓ વ્યાખ્યાનો આપે છે એટલી જ પ્રતિબદ્ધતાથી હાથમાં પ્લેકાર્ડ લઈને રસ્તા પર આંદોલન માટે પણ ઊતરે છે.

રાજકારણનો પરહેજ નહીં એટલે ૧૯૮૭માં અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં નાગરિક સમિતિ વતી ચૂંટણી પણ લડ્યા હતા. જો કે ૧૯૭૫માં જનતા મોરચા વખતે એલિસબ્રિજની વિધાનસભા બેઠક કોઈ અપક્ષ નાગરિક ઉમેદવાર માટે મોરારજીભાઈ દેસાઈ ખાલી રાખવા માંગતા હતા. તેમના મનમાં પ્રકાશભાઈનું નામ હતું. પરંતુ ભોગીભાઈ ગાંધી સાથે મળીને પ્રકાશભાઈ વગેરેએ જનતા પાર્ટીમાં નહીં જોડાવાનુ અને ચૂંટણી નહીં લડવાનું નક્કી કર્યું હતું. એટલે એ શક્ય ન બન્યું. જો એમ થયું હોત તો, પ્રકાશભાઈ  ૧૯૭૫માં બહુ સહેલાઈથી ધારાસભ્ય થઈ  ગયા હોત.

પત્રકાર પ્રકાશ શાહ

ઈમરજન્સી પછી પ્રકાશભાઈના જીવનનો એક બીજો દૌર, પત્રકારત્વનો, શરૂ થયો. ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ જૂથના ‘જનસત્તા’ પત્રો સાથે તેઓ આસિસ્ટન્ટ એડિટર તરીકે જોડાયા અને ૧૯૭૮થી ૧૯૯૦ના પૂરા બાર વરસ કામ કર્યું. તે દરમિયાન અખબારી કોલમ લેખન, તંત્રીલેખ લેખન અને તંત્રી પાનું સંભાળ્યું. એ સમયના તેમના તંત્રી લેખો, એડિટ પેજ પરની સમયના ડંકાની નોંધો, દિશાન્તર કોલમ ગુજરાતી પત્રકારત્વમાં નોખી ભાત પાડનાર હતા. ‘જનસત્તા’, અમદાવાદ અને ‘લોકસત્તા’ વડોદરામાં રેસિડેન્ટ એડિટરની જવાબદારી પણ નિભાવી. થોડો સમય ટાઈમ્સ ગ્રુપના ગુજરાતી અખબારના તંત્રી હતા. ૨૦૦૩થી  એકાદ દાયકો નવા ગુજરાતી દૈનિક ‘દિવ્ય ભાસ્કર’ના એડિટ પેજ એડવાઈઝર અને તંત્રીલેખની કામગીરી બજાવી હતી. ‘દિવ્ય ભાસ્કર’માં કોલમ લેખન લગભગ ૨૦૧૯ના મધ્ય સુધી ચાલ્યું. ‘સમકાલીન’ (૧૯૮૪થી ૨૦૦૩), ‘ગુજરાતમિત્ર’(૧૯૯૨થી ૨૦૦૩)માં પણ કોલમ લેખન કર્યુ હતું. પૂર્વે અને આજે ‘ગુજરાત ટુડે’ દૈનિકમાં સાપ્તાહિક કટાર લેખન કરે છે. 'વિશ્વ માનવ’ અને ‘અખંડ આનંદ’માં સંપાદન – લેખન કરી ચૂકેલા પ્રકાશભાઈ એપ્રિલ ૧૯૯૩થી વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.

પરિષદ અને પ્રકાશભાઈ

ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે પ્રકાશભાઈનો ભાવનાત્મક સંબંધ તો કિશોરાવસ્થાથી છે. પરંતુ છેલ્લા ત્રણેક દાયકાથી તેમનું પરિષદ સાથે સક્રિય સંધાન છે. ૧૯૯૦થી ૧૯૯૮ સુધી પ્રકાશભાઈ પરિષદના મંત્રી અને ૧૯૯૯થી ૨૦૦૩ સુધી પરિષદના ઉપપ્રમુખ હતા. પરિષદની મધ્યસ્થ સમિતિ અને કારોબારીમાં તેઓ ચૂંટાતા રહ્યા છે. ૧૯૬૪-૬૫માં સાહિત્ય પરિષદના મુંબઈ અધિવેશનમાં તેમણે ‘ક.મા. મુનશીની નવલકથાઓ અને રાષ્ટ્ર ચેતના’ પર લેખ વાંચેલો. ‘ગુજરાતી નવલકથામાં સ્વરાજ ચેતના’ અને ‘સાહિત્ય અને રાષ્ટ્ર’ વિશે તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદમાં વિભાગીય અધ્યક્ષ તરીકે વ્યાખ્યાનો આપ્યા હતાં. હવે ૨૦૨૧થી ૨૦૨૩ના ત્રણ વરસો માટે તેઓ સાહિત્ય પરિષદના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.

સ્વતંત્રતા અને સ્વાયત્તતા માટેની લડત

‘ગુજરાત સાહિત્ય અકાદમી'ની સ્વાયત્તતા પરિષદની ચૂંટણીનો મુદ્દો પ્રકાશભાઈને કારણે વિશેષરૂપે ઉભર્યો હતો. પત્રકાર કે લેખકની જ નહીં માણસ માત્રની સ્વતંત્રતામાં તેઓ માને છે. માત્ર સંસ્થાની સ્વાયત્તતા નહીં આંતર-બાહ્ય સ્વાયત્તતા પર પ્રકાશભાઈ ભાર મૂકે છે. તેમાંથી તેઓ ખુદ પસાર થઈ ચૂક્યા છે. કટોકટી વખતે જેલવાસને કારણે તેમને ‘જ્ઞાનગંગોત્રી’માંથી છૂટા કર્યા હતા. તે પછી ગુજરાતમાં અને દેશમાં બિનકૉન્ગ્રેસી સરકારો હતી. ગુજરાતમાં બાબુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને કેન્દ્રમાં એચ.એમ. પટેલ નાણાં મંત્રી હતા. તેઓ બંને ‘જ્ઞાનગંગોત્રી’ની હાઈપાવર કમિટીમાં સભ્યો હતા, ગુજરાત સરકારે કટોકટીના કારણે છૂટા કરેલાને વચ્ચે બ્રેક ગણ્યા વિના નોકરીમાં લેવાનો ઠરાવ કર્યો હોવા છતાં, યુનિવર્સિટી અમલ કરતી નહોતી. ગુજરાતના શિક્ષણ મંત્રી નવલભાઈ શાહને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કોઈ કામસર મળવા આવ્યા ત્યારે તેમણે પ્રકાશભાઈના મુદ્દે તેમના વલણ અંગે વાત કરી, પણ ઉમેર્યું કે યુનિવર્સિટીની સ્વાયત્તતા અને અધિકારોનો વિચાર કરીને અમે કશો આદેશ કરતા નથી. એટલે યુનિવર્સિટીની સ્વાયત્તતા પ્રકાશભાઈને નોકરી પરત અપાવી ન શકી ! ‘ટાઈમ્સ’ જૂથના ગુજરાતી અખબારમાં તંત્રી તરીકે જોડાવાનું થયું ત્યારે પ્રકાશભાઈએ તેના માલિકને કહેલું, ‘બધી જગ્યાએ એડિટોરિયલ ફ્રીડમના (તંત્રીની સ્વતંત્રતાના) સવાલો હોય છે અને હું નોકરિયાત માણસ નથી એટલે એ પ્રશ્ન મને વધારે નડે’. એ સમયે તો આશ્વાસન મળ્યું પણ બહુ લાંબુ ન ટક્યું ને પ્રકાશભાઈએ ‘ટાઈમ્સ’માંથી રાજીનામું આપ્યું.

બૌદ્ધિકનો કવિ –અભિગમ

ઉર્વીશ કોઠારી સાથેની દીર્ઘ મુલાકાતમાં પ્રકાશભાઈએ તેમના વારસા અંગે કહ્યું છે કે, ‘ચાલુ દુનિયામાં રહીને નવી દુનિયા માટે થોડા જ્વલનશીલ પણ સરખા વિચારો મૂક્યા એવું કંઈક હું કરી શક્યો હોઉં તો મને ગમે’. હા, પ્રકાશભાઈ તમે આવું ઘણું કર્યું છે અને હજુ કરતા રહેવાના છો એની ખાતરી છે, કેમ કે તમે જ તો કહ્યું છે ને કે ‘શ્વાસ છે ત્યાં સુધી હિસાબ આપવો રહે છે.’

કાકાસાહેબ કાલેલકરે ઉમાશંકર જોશીને કહ્યું હતું કે ‘તું કવિ છે પરંતુ તારો અભિગમ બૌદ્ધિક છે.’  પ્રકાશભાઈ માટે એમ કહી શકાય કે તેઓ બૌદ્ધિક છે પરંતુ તેમનો અભિગમ કવિનો છે. એમની મધુર બેચેની સમજાય છે પણ તેમની ઉદારતા ? તંત્રી અને પ્રમુખ તરીકેની જ નહીં માણસ તરીકેની એમની ઉદારતા મર્યાદા ન બની જાય તેવી આશા સાથે પરિષદના નવા પ્રમુખ પ્રકાશભાઈ શાહને શિવાસ્તે પંથાન.

(“બી.બી.સી. – ગુજરાતી”, 27 ઑક્ટોબર 2020)

e.mail : maheriyachandu@gmail.com 

Loading

...102030...2,1432,1442,1452,146...2,1502,1602,170...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved