Opinion Magazine
Number of visits: 9456361
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમી દૃષ્ટિ, પ્રેમ, કરુણા, આર્દ્રતાની પરમ મૂર્તિ સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાન

વિરાગ સૂતરિયા|Gandhiana|21 March 2025

વિરાગ સૂતરિયા

1969ની પહેલી ઑક્ટોબરે દિલ્હીના પાલમ હવાઇમથક પર તત્કાલિન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી, જયપ્રકાશ નારાયણ અને બીજા આગેવાનો એક મહાનુભવનું સ્વાગત કરવા ઊભાં હતાં. ગાંધીજીના જન્મશતાબ્દી વર્ષમાં વિશેષ આમંત્રિત આ મહાનુભાવ વિશ્વની કોઇ મહાસત્તાના પ્રમુખ, યુનાઇટેડ નેશન્સના મહામંત્રી કે કોઇ કોઇ મોટા દેશના વડા પ્રધાન નહોતા. મહેમાનનું વિમાન આવે છે ત્યારે તેમાંથી સાડા છ ફૂટ ઊંચી કાયા ધરાવતી અને ગામડિયા જેવો દેખાવ ધરાવતી વ્યક્તિ હાથમાં માત્ર એક પોટલી લઇને ઊતરે છે. પોટલીમાં માત્ર એક જોડી કપડાં, શાલ અને શેતરંજી લઇને આવનાર વ્યક્તિ બીજું કોઇ નહીં, પણ સરહદના ગાંધી તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફારખાન હતા.

પઠાણો વિશેની આપણામાંથી મોટાભાગનાની સમજ ફિલ્મો અને મીડિયાથી સર્જાયેલી છે. “યારી હૈં ઇમાન, મેરા યાર, મેરી જિંદગી …” જેવાં ગીતો કે ફિલ્મોમાં ચોકીદાર કે અન્ય પાત્રો દ્વારા નેકદિલ, બહાદુર જેવા ગુણો ધરાવતા કે પેઢી દર પેઢી બદલો લેવા માટે ઝઝૂમતા અને બદલો લઇને જંપતા પઠાણો કે ટાગોરની ‘કાબૂલીવાલા’થી એક સંવેદનશીલ બાપ – સંવેદનશીલ વ્યક્તિ તરીકે ઉપસેલી પઠાણોની છાપ આપણા મનમાં છે. ઊંચા-વિશાળ પર્વતો અને ઊંડી ખીણો ધરાવતો આ પ્રદેશ વિશ્વમાં ભૂ-રાજનૈતીક દૃષ્ટિએ વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે.

આઝાદી પહેલાં વાયવ્ય પ્રાંત તરીકે જાણીતા, નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવીન્સમાં પેશાવરથી 24 માઇલ દૂર ચારસદ્દા તાલુકાના ‘ઉતમાનજઇ’ ગામના ધનવાન જાગીરદાર બહેરામખાનને ઘેર જન્મેલા બાદશાહખાન એક એવા પ્રદેશમાં અને કોમમાં જન્મ્યા હતા કે, જ્યાં અંગ્રેજોએ દરેકને માતૃભાષામાં શિક્ષણ મળે એવી શાળાઓ ચાલુ કરી હતી, પણ ‘પઠાણો’ માટે પરાઇ ભાષા અને નામમાત્રની શાળાઓ એ અંગ્રેજોની નીતિ હતી. ભૌગોલિક અને સામાજિક દૃષ્ટિએ હાંસિયામાં રહેલ આ કોમની બહાદુરી જ અંગ્રેજોને ઘણી ખટકતી હતી. એના લીધે તેઓમાં અંદરો અંદરના ઝઘડા અને શિક્ષણથી દૂર રહે તો એ અંગ્રેજોના સકંજામાં રહે એવી એમની નીતિ હતી.

અબ્દુલ ગફાર ખાન

આવા માહોલમાં બાદશાહખાને 17 વર્ષની વયે મેટ્રિકનો અભ્યાસ પૂરો કરી, અલીગઢ યુનિવર્સિટીમાં ચાર વર્ષનો અભ્યાસ કર્યો. આ અભ્યાસ દરમિયાન તેઓ ભારતીય આઝાદી આંદોલન અને રાષ્ટ્રીયતાના રંગે રંગાયા. 1913માં તેમણે મૌલાના હસનના આમંત્રણથી દેવબંદના આંતરરાષ્ટ્રીય મદ્રેસાની મુલાકાત લીધી. તેઓ પહેલેથી જ પોતાની જાતને રાષ્ટ્રસેવાના સંકલ્પથી બાંધી ચૂક્યા હતા. પણ માત્ર ત્રણ વર્ષના લગ્નજીવન બાદ, 1915માં, પત્નીના અવસાન પછી તેઓએ પોતાને લોકસેવામાં અર્પણ કરવાનો નિર્ણય કર્યો. તેમના આ નિર્ણયથી ખુશી પ્રગટ કરવા પઠાણોએ મસ્જિદમાં એકઠા થઇ એમનું સન્માન કર્યું અને પ્રેમથી ‘બાદશાહ’ જાહેર કર્યા, ત્યારથી તેઓ ‘બાદશાહખાન’ના આદરવાચક નામથી ઓળખાવા લાગ્યા, કોઇ પણ બાદશાહત – સલ્તનત સિવાયના લોકોના બાદશાહ.

અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલા રૉલેટ એક્ટનો વિરોધ આખા દેશમાં થઇ રહ્યો હતો. એવી જ એક વિરોધસભા બાદશાહખાનના ગામ ‘ઉતમનજઇ’માં કરવામાં આવી. આ સભામાં એક લાખ લોકો ભેગા થયા હતા. બાદશાહખાને સભાને સંબોધી. આ તેમની પ્રથમ જાહેરસભા હતી. સભા બાદ તેમની ધરપકડ થઇ, છ મહિનાની કેદની સજા થઇ. બાદશાહખાન સાડાછ ફૂટ ઊંચા કદાવરબાંધાના હતા એમને પહેરાવવામાં આવતી બેડી નાની હોવાથી એમના હાથ પગમાંથી લોહી નીકળતું, આવી યાતનાસભર જેલ સાથે સભા કરવા બદલ ગામ પર એ વખતે રૂપિયા ત્રીસ હજારનો દંડ. આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રીય રાજનીતિમાં વિધિવત પ્રવેશ કર્યો !

તેઓનું લક્ષ શિક્ષણનો વ્યાપ વધારવા શાળાઓ ચાલુ કરવાનું હતું, તેઓ સતત પ્રવાસ દ્વારા સમાજ સુધારાનાં કામો અને નવી શાળાઓ ચાલુ કરાવતા જતા હતા. તેમણે ‘અંજુમને-ઇસલાહ-અલ-અફઘાન’ નામની સંસ્થા સ્થાપી. અંગ્રેજ સરકારે એની સામે વાંધો લીધો, સમાજ ઉત્થાનનાં કામો બંધ કરવા તેઓ પર દબાણ લાવવામાં આવ્યું, પણ બાદશાહખાને મચક ન આપી એટલે ધરપકડ કરી, સારી ચાલચલગતના જામીન માગ્યા. બાદશાહખાને જામીન આપવાનો ઇન્કાર કરતાં ત્રણ વર્ષની જેલ થઇ. તેમને સામાજિક કાર્યો માટે પ્રવાસ બંધ કરવાની શરતે જેલમુક્તિની ઑફર કરવામાં આવી, પણ તેમણે ઇન્કાર કર્યો. આ જેલવાસ દરમિયાન જ એમનાં માતા સતત ‘મારો ગફારો ક્યાં છે? કેમ મને મળવા આવતો નથી? ક્યારે આવશે?’નું રટણ કરતાં દેહ છોડી ગયાં.

1928માં તેમણે પુશ્તૂ ભાષામાં રાષ્ટ્રીય સામાયિક ‘પશ્તૂન’ ચાલુ કર્યું. કૉંગ્રેસ અધિવેશન અને ખિલાફત ચળવળમાં ભાગ લેવા કલકત્તા ગયા અને ત્યાં તેઓ પ્રખ્યાત ‘અલીભાઇ’ઓને પણ મળ્યા. સરહદ વિસ્તાર ખિલાફત સમિતિ એમના અધ્યક્ષસ્થાને રચાઇ. સરહદ પ્રાંત યુવા લીગની સ્થાપના પણ કરી. એ યુવા લીગને સ્થાને આગળ જઇ તેમણે લાલડગલાવાળા ‘ખુદાઇ ખિદમતગાર’ સંગઠનની સ્થાપના કરી. આ સંગઠન દ્વારા તેમણે સરહદપ્રાંતમાં એક મોટું સામાજિક આંદોલન ઊભું કર્યું જે આપણા ઇતિહાસનું સુવર્ણપૃષ્ઠ છે.

1929માં લાહોર ખાતેના ઐતિહાસિક કૉંગ્રેસ અધિવેશનમાં તેઓ ગાંધીજી અને જવાહરલાલ નહેરુને મળ્યા. ગાંધીજીથી એટલા પ્રભાવિત થયા કે આજીવન એમના સૈનિક બની રહ્યા. આ અધિવેશનમાં તેઓ વિધિવત કૉંગ્રેસના સભ્યા બન્યા. લોકોએ તેમને ‘સરહદના ગાંધી’ કહી નવાજ્યા. 1934માં તેમને કૉંગ્રેસ પ્રમુખ બનવા માટે વિનંતી કરવામાં આવી તો તેનો જવાબ વાળતાં તેમણે કહ્યું, “હું તો આજન્મ સિપાહી રહ્યો છું અને જીવનના છેલ્લા શ્વાસ સુધી સિપાહી રહેવા માગુ છું.”

આઝાદી આંદોલન પૂરજોશમાં ચાલુ હતું, ખાન સાહેબનું પણ જેલમાં જવાનું, છૂટવાનું ચાલુ જ હતું. આઝાદી મળી ત્યાં સુધી જીવનનાં પંદર વર્ષ તેમણે જેલમાં વિતાવ્યાં. આઝાદી નજીક આવતી હતી દેશમાં વિભાજનનું વાતાવરણ જામતું જતું હતું, હવામાં નફરતનું ઝેર ફેલાતું જતું હતું. દેશના ભાગલા સ્વીકારવાનો નિર્ણય થઇ ચૂક્યો હતો. ભાગલાથી સૌથી વધુ વેઠનાર સમૂહમાં ‘ખુદાઇ ખિદમતગાર’ પણ હતા. એમને જેની સાથે જોડાવું નહોતું એ પાકિસ્તાન સાથે એમને જવું પડે એવી પરિસ્થિતિ પેદા થઇ હતી. આઝાદીના આંદોલનમાં ગાંધીજીના પગલે ચાલનાર આ સમુદાય ક્યાંયનો પણ ના રહ્યો, એવી વિકટ પરિસ્થિતિમાં મૂકાયો હતો. ભાગલાના કારણે પોતાની પરિસ્થિતિ વ્યક્ત કરતાં બાદશાહખાને કહ્યું કે, “Thrown to the wolves” (અમને વરુઓના હવાલે કરી દીધા.)

આઝાદી બાદ પાકિસ્સ્તાનમાં પણ બાદશાહખાનનો સંઘર્ષ ચાલુ રહ્યો. આઝાદી પછી તરત જ એમના મોટાભાઇ ડૉ. ખાનસાહેબના મુખ્ય મંત્રી પદ હેઠળ ચાલતા સરહદપ્રાંતના મંત્રીમંડળને બરતરફ કરી દેવામાં આવ્યું. સંવિધાનસભામાં એમણે પાકિસ્તાનના જ એક એકમ તરીકે ‘પખ્તુનિસ્તાન’ની માગણી કરી. ખુદાઇ ખિદમતગાર સંગઠન આખા દેશમાં વિસ્તારાશે અને એ મુસ્લિમ લીગમાં ભેળવવામાં નહીં આવે, એવા દૃઢ નિર્ણયને કારણે તેમ જ અન્ય મુદ્દાઓ પર પોતાની વાત આઝાદી આંદોલનના મિજાજથી મૂકતા રહેતા ખાનસાહેબ માટે આઝાદી માત્ર અંગ્રેજ શાસનથી જ હતી. નવા શાસકોનું તેમના પ્રત્યેનું વલણ પણ અંગ્રેજો જેવું જ હતું. નવા શાસકો તેમને પાકિસ્તાનની એકતા માટે ખતરનાક માનતા હતા અને એ જ કારણે સ્વતંત્રતા પછી પણ વારંવાર તેમની ધરપકડ થઇ અને કુલ 15 વર્ષ તેમણે પાકિસ્તાનની જેલોમાં વિતાવ્યાં. વધતી ઉંમર અને આરોગ્યના પ્રશ્નો સાથે સ્વતંત્ર દેશમાં આટલો લાંબો સમય જેલમાં વિતાવનાર તેઓ ભારતીય ઉપખંડની એક માત્ર વ્યક્તિ!!!

1969નું વર્ષ ગાંધી જન્મશતાબ્દી વર્ષ તરીકે જાણીતું છે. સાથેસાથે ગાંધીની જન્મભૂમિ એવા ગુજરાતમાં થયેલાં કોમી દંગલો માટે પણ. આ જ વર્ષે ઉજવણીમાં ભાગ લેવા આવેલા બાદશાહખાને ઠેર ઠેર ફરીને પ્રેમનો સંદેશો લોકોને આપ્યો હતો. દિલ્હી આવીને તરત જ તેઓએ 3-4-5 ઑક્ટોબરે કોમી રમખાણોની શાંતિ અર્થે ઉપવાસ કર્યા. ત્યારબાદ અમદાવાદ આવીને કોમીશાંતિના કામમાં લાગી ગયા હતા. સાબરમતી આશ્રમની મુલાકાત લઇ જૂનાં સ્મરણો તાજાં કર્યાં હતાં. ડીસા, પાલનપુરથી લઇ વડોદરા સુધી મોટરરસ્તે ફરી લોકોને શાંતિનો સંદેશો આપી જોડવાનું કામ કર્યું. તેમણે બિહારના સર્વોદય સંમેલનનો કાર્યક્રમ રદ્દ કરી ગુજરાતના શાંતિકાર્યને પ્રાથમિકતા આપી હતી. તેમણે આ પ્રવાસ દરમિયાન કહેલી વાતો, આપેલાં પ્રવચનો હ્રદયના ઊંડાણથી આવતાં હતાં એટલે લોકોના હ્રદયને સ્પર્શી જતાં હતાં. એમની અમી દૃષ્ટિ, પ્રેમ, કરુણા, આર્દ્રતામાં જાણે ગાંધીની ઝલક હતી … 1969ના કોમી હુતાશનના માહોલમાં ખાનસાહેબની હાજરી ‘ઝખ્મેરુઝ’ જેવું કામ કરી ગઇ હતી.

સતત ભાગદોડ, ઉંમરના કારણે આવતી માંદગી, આઝાદી પહેલાં અને પછી મળીને કુલ ત્રીસ વર્ષનો જેલવાસ, લોકસેવા માટેનો સતત શ્રમ વગેરેથી શરીર થાકતું જતું હતું, વારંવાર બિમારીઓમાં સપડાતું જતું હતું. 1987માં પક્ષાઘાતના હુમલા પછી સારવાર માટે તેમને ભારત લાવવામાં આવ્યા. દરમિયાન ભારતે તેના પ્યારા અને પનોતા પુત્રને ‘ભારતરત્ન’થી નવાજ્યા હતા. બે માસ સારવાર લઇ પાછા તેઓ પેશાવર ગયા. તબિયત સારી થતી નહોતી સતત કંઇને કંઇ મુશ્કેલીઓ આવતી જતી હતી. 1988ની નવમી જાન્યુઆરીએ ફરી તબિયત બગડી, તાવ આવ્યો ફેફસાંની તકલીફ ઊભી થઇ. અગિયાર દિવસના સંઘર્ષ બાદ 20મી જાન્યુઆરીએ તેમણે 98વર્ષની વયે દેહ છોડ્યો …. નશ્વર દેહ ભલે છોડ્યો. પણ તેમની પ્રેમ, કરુણા, શાંતિ, અહિંસાની ભાવનાથી સદાયે એમની સ્મૃતિ આપણને ભીંજવશે, કપરી સ્થિતિમાં માર્ગદર્શન કરશે.

e.mail : viragsutariya@gmail.com

Loading

શિક્ષણને જરૂરી છે રક્ષણ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 March 2025

રવીન્દ્ર પારેખ

કોઈને આ શીર્ષક વિચિત્ર લાગવા સંભવ છે, પણ તે ખોટું નથી. નવી શિક્ષણ નીતિ-2020 અનેક રીતે યોગ્ય હશે, મહત્ત્વની હશે, ઉપયોગી હશે, પણ તે અમલમાં આવશે તો ઉપયોગી બનશેને ! તે સ્ક્રિપ્ટમાં જ રહેવાની હોય, તો તેનો કોઈ મતલબ નથી. શિક્ષણ નીતિનો ક્યાંક અમલ થતો પણ હશે, પણ મોટે ભાગે તો અવ્યવસ્થા જ એટલી છે કે તેનાં સમારકામમાં જ નીતિરીતિ ભુલાઈ જાય એમ છે. શિક્ષણ વિભાગ કેવીક તંદ્રામાં છે, તે તો તે જાણે, પણ શિક્ષણમાં અરાજકતા, અનીતિ ને ઉદાસીનતા અગાઉ ક્યારે ય ન હતી, એટલી આજે છે. પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી સુધી તમામ સ્તરે સ્ટાફની ઘટ જગજાહેર છે. સરકારનો એટલો ઉપકાર કે શિક્ષણ વિભાગમાં મંત્રીઓની કસર નથી, બાકી, એ સિવાય બધે જ દારિદ્રય આંખે ઊડીને વળગે એવું છે. કોઈ પણ સરકારી વિભાગ કરકસર કરે તે આવકાર્ય ગણાય, પણ સ્કૂલ ચલાવીએ ને સ્કૂલ જ ન હોય કે એકાદ ઓરડામાં જ આખી સ્કૂલ ઠાંસી દેવામાં આવી હોય કે વર્ષ પૂરું થવા આવે તો ય ગણવેશ, બૂટમોજાં કે પુસ્તકોનું ઠેકાણું જ ન પડે કે શિક્ષકોને નામે જ્ઞાન સહાયકથી કામ લેવાય તેમાં કરકસર નથી, કંજૂસાઈ છે. 

શિક્ષકો કોન્ટ્રાક્ટ પર એટલે રખાય છે કે એમને નિવૃત્તિના લાભો આપવા ન પડે. એ નિવૃત્તિના લાભો પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર આવેલા મંત્રીઓને આપવાનો વાંધો નથી, કારણ એમાં તો પોતે મેળવવાનું છે ને બીજામાં આપવાનું છે. એક પણ મંત્રી ભથ્થાં વધે છે તો ક્યારે ય વાંધો નથી ઉઠાવતો, પણ શિક્ષકને પૂરો પગાર આપવાનો આવે છે તો ચૂંક ઊપડે છે. શિક્ષકોની ભરતીની વાતો તો થાય છે. કચ્છની જ વાત કરીએ તો ધોરણ 1થી 8માં શિક્ષકોની ઘટ 51 ટકા છે, ત્યાં 4,100 શિક્ષકોની ભરતીની વાત છે. વાત છે એટલે કે વિચારણા હેઠળ છે. વિચારણા હેઠળ હોય એનો અર્થ એવો સમજવાનો કે ભરતી થઈ ગઈ. જેમ કે, શિક્ષણ મંત્રીની વિધાન સભાગૃહમાં ધોરણ 1થી 8માં ગઈ 18 માર્ચે, 13,852 વિદ્યાસહાયકોની ભરતીની વાત ! ગયા ડિસેમ્બર સુધીમાં 24,700 કાયમી શિક્ષકોની ભરતી કરવાની વાત હતી ને 13,852 વિદ્યાસહાયકોની ભરતીની વાત બીજી આવી. એનો અમલ થતાં કેટલાં કેલેન્ડરો બદલાશે તે નથી ખબર, પણ શિક્ષકોની તંગીની બૂમ ઘટતી નથી તે હકીકત છે. ગમ્મત તો એ છે કે સરકારે 10 વર્ષનું સરકારી સ્કૂલોથી માંડીને કોલેજો અને પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણની વિવિધ કચેરીઓમાં ભરતી માટેનું કેલેન્ડર તૈયાર કર્યું, તેમાં ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો અને આચાર્યોની જ બાદબાકી કરી નાખવામાં આવી. આ મુદ્દે ચીફ સેક્રેટરીને ફરિયાદ પણ કરવામાં આવી છે. આ બેદરકારી છે કે બેવકૂફી, એ નક્કી કરવાનું મુશ્કેલ છે. 

અત્યારે બોર્ડની પરીક્ષાઓનું મૂલ્યાંકન ચાલે છે. તેમાં રેગ્યુલર શિક્ષકો ઉપરાંત જ્ઞાન સહાયકોને પણ જોતરવામાં આવ્યા છે. રેગ્યુલર શિક્ષકો અને જ્ઞાન સહાયકો મૂલ્યાંકનનું સરખું જ કામ કરે છે, તો તેમને મહેનતાણું પણ સરખું જ મળવું જોઈએ, પણ તેવું નથી. રેગ્યુલર શિક્ષકોને બોર્ડ દ્વારા 400 અને કોન્ટ્રાક્ટ પરના જ્ઞાન સહાયકોને 240 રૂપિયા ચૂકવાય છે. સરખું કામ, પણ મહેનતાણું જુદું. ફરક ખાસો 160નો. એ કઈ ખુશીમાં તે બોર્ડ જાણે. વારુ, ચેકિંગમાં કોઈ ભૂલ થાય તો આ ફરક રહેતો નથી. દંડ સરખો, પણ મહેનતાણું ભેદભાવયુક્ત. જ્ઞાન સહાયકો જોડે આભડછેટ શરૂથી જ ચાલી આવે ને મહેનતાણાંમાં સરખાં કામ છતાં, ખાસો 160નો ફરક પડે તો તેમનો પિત્તો જાય તેમાં નવાઈ નથી. તે સૌએ બોર્ડને ફરિયાદ કરી છે ને સમાન ધોરણ નહીં અપનાવાય તો મૂલ્યાંકનની કામગીરી નહીં કરવાની ચીમકી આપી છે. આવી કસરથી જ બોર્ડ ને શિક્ષણ વિભાગ પેટિયું રળવા વિવશ કેમ છે તે અકળ છે. બીજે ક્યાં ય કાપ નથી, તો શિક્ષણમાં જ આંગળા ચાટવાની ટેવ કેમ છે તે નથી સમજાતું.

12મી ફેબ્રુઆરી, 2025ના સમાચારો એવું કહે છે કે રાજ્યમાં 1,606 સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે. છોટાઉદેપુર જિલ્લાની બોડેલી તાલુકાની રનભુન ગામની 1થી 8 ધોરણની સ્કૂલ નવી બનાવવા માટે 2022માં 5 જર્જરિત ઓરડા તોડી પાડવામાં આવ્યા. તે માર્ચ, 2025 સુધીમાં ફરી બનાવવામાં આવ્યા નથી. બે વર્ગો પતરાંના શેડમાં ચાલે છે ને બે શિક્ષકો એક સાથે બે વર્ગોને ભણાવે છે. ગોધરાને અડીને આવેલી વાવડી બુઝુર્ગ પ્રાથમિક શાળાના પાંચ ઓરડા જર્જરિત છે, એટલે એક વર્ગમાં ત્રણ ત્રણ ધોરણો એક સાથે ભણે છે. આ રીતે 250 વિદ્યાર્થીઓ ભણે છે. ઓરડા નવા કરવાનો હુકમ તો 2018માં થયેલો, પણ, 2024નો જૂન પૂરો થયો ત્યાં સુધીમાં તો કશું ઠેકાણે પડ્યું જ નહીં ! 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ખૂબી એ છે કે તે 60 જર્જરિત સ્કૂલો પર સોલર પેનલ લગાવવાની છે, જ્યાં સમિતિને ખબર છે કે આ સ્કૂલોનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ છે. સ્કૂલોનાં રિપેરીંગનાં ઠેકાણાં નથી ને સોલર પેનલ લગાવવાની ઈચ્છા તીવ્ર છે. આટલું ગરીબ ગુજરાત ક્યારે હતું? આમાં નવી કે જૂની નીતિ શું કામ લાગે, જ્યાં અનીતિ જ કેન્દ્રમાં હોય? આવાં તો ઢગલો ઉદાહરણો મળી રહે એમ છે. 

એક તરફ ખંડિયેરોમાં પ્રાથમિકનાં બાળકો ભણે છે ને બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ ધોરણ 8 પછીનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા સાત ઝોનમાં ધોરણ 9 અને 10ના વર્ગો વિના મૂલ્યે શરૂ કરવાનું પ્રશસ્ય પગલું ભર્યું છે, જે ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકો માટે ઉપકારક નીવડશે. ડ્રોપ આઉટ રેશિયો તો ધોરણ 12 પછી પણ ઓછો નથી. રાજ્યના 76 ટકા વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી અભ્યાસ છોડી દે છે, પરિણામે દેશમાં હાયર એજ્યુકેશનમાં ગુજરાત 18માં ક્રમે છે. એમાં આશ્ચર્ય એ વાતે છે કે છોકરાઓમાં એ ટકાવારી 25.2ની છે, તો છોકરીઓની 22.7ની છે. ડ્રોપ આઉટ રેશિયોની સ્થિતિ વધારે કથળે એવી તકો હજી વધે એમ છે.

સમાચાર એવા છે કે રાજ્યના શિક્ષણ વિભાગે RTE હેઠળ પ્રવેશ માટેની આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે 1.20 અને શહેરી વિસ્તાર માટે 1.5 લાખથી વધારીને 6 લાખ કરી છે. એ સાથે જ અરજી કરવાની તારીખ પણ લંબાવીને 15 એપ્રિલ કરવામાં આવી છે. આ નિર્ણયથી હવે 6 લાખ સુધીની આવક ધરાવનારા વાલીઓ RTE હેઠળ 3થી 6 વર્ષનાં બાળક માટે બી.પી.એલ. કેટેગરીમાં પ્રવેશ માટે અરજી કરી શકશે. એમ કહેવાય છે કે 6 લાખની મર્યાદા વધારી હોવા છતાં ઓછી આવકવાળાને પ્રાથમિકતા આપવાનો નિયમ છે. એવું હોય તો સારું જ છે. 

હવે 19 માર્ચ, 2025ની  RTE હેઠળની સ્થિતિ જોઈએ. હજી મહિનો બાકી છે, છતાં 100 ટકાથી વધુ ફોર્મ ભરાઈ ગયાં છે. RTE હેઠળ સુરતમાં 15,229 સીટો ઉપલબ્ધ છે. તેની સામે 26,649 ફોર્મ ઓલરેડી ભરાઈ ચૂક્યાં છે. તેમાં 20,465 ફોર્મ મંજૂર થઈ ચૂક્યાં છે અને 500 ફોર્મ પેન્ડિંગ છે. હજી મહિનો લગભગ બાકી છે. બીજા ફોર્મ આવશે જ અને એ આંકડો મોટો જ હશે, એ સ્થિતિમાં મોટા ભાગનાં બાળકો પ્રવેશથી વંચિત રહે ને ભણતર શરૂ થવા પહેલાં જ અટકી પડે એમ બને. અહીં પ્રશ્ન એ થાય કે જો ઓછી આવકવાળાને પ્રવેશ પહેલાં આપવાનો નિયમ હોય તો 6 લાખ સુધીની આવક મર્યાદા વધારવાનો કોઈ અર્થ ખરો? જો દોઢ લાખથી વધુની આવકવાળાને પણ પ્રવેશ મળવાનો હોય તો તે 1.50 લાખની આવકવાળાઓને પ્રવેશ અપાયા પછીના ક્રમે હશે કે તેને ભોગે પ્રવેશ અપાશે? ગયે વર્ષે આવક મર્યાદા 1.5 લાખ જ હતી, છતાં રાજ્યમાં 2.35 લાખ ફોર્મ ભરાયેલાં ને તેમાંથી 1.66 લાખ ફોર્મ મંજૂર થયેલાં ને બેઠકો તો 43,800 જ હતી. ગયે વર્ષે જ જો હજારોની સંખ્યામાં પ્રવેશ ન મળ્યાં હોય તો 6 લાખની વધેલી મર્યાદા મજાક છે એવું નહીં?

ટૂંકમાં, એટલું તઘલખી રીતે બધું ચાલે છે કે શિક્ષણને, શિક્ષણ વિભાગથી કઈ રીતે બચાવી શકાય તે પ્રશ્ન જ છે … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 માર્ચ 2025

Loading

ગાંધીજી અને મહિલાઓ 

નારાયણભાઈ દેસાઈ|Gandhiana|21 March 2025

નારાયણ દેસાઈ

ગાંધીજી કહેતા : “હું માનું છું કે આત્મબલિદાનની હિમ્મત દાખવવામાં કોઈપણ પ્રસંગે પુરુષ કરતાં મહિલા ચઢિયાતી સિદ્ધ થાય છે. અને હું માનું છું કે ઝનૂની તાકાત દાખવવામાં મહિલા કરતાં પુરુષ ચઢિયાતો સિદ્ધ થાય છે.”

આ શ્રદ્ધાથી જ અહિંસક ચળવળમાં મહિલાઓને સામેલ કરવાની ગાંધીની વ્યૂહરચના ઘડાઈ હતી અને આ વ્યૂહરચના જ દેશમાં જાગૃતિનું મોજું ઊભું કરવાનાં પરિબળમાં રૂપાંતરિત થઈ હતી. આવી ભૂમિકા ભારતમાં કોઈ પરિબળે ક્યારે ય ભજવી નહોતી. ભારત માટે મહિલામુક્તિની ગાંધીશૈલી તેમને સ્વાતંત્ર્ય ચળવળમાં પુરુષોની સમાનધર્મા સહચરી ગણીને સામેલ કરવાની હતી. દેશના ગૌરવના પુનઃસ્થાપનાનાં કામમાં સામેલ થવાનું કહેતી વખતે ગાંધીને મન સ્વાભાવિક જ મહિલાઓની ગરિમાની પુનઃસ્થાપના કરવાનું પણ અભિપ્રેત હતું.

આઝાદીના અહિંસક આંદોલનમાં ત્રણ મોટાં મોજાં આવ્યાં, જેણે પ્રજાના વિશાળ સમૂહોને પ્રભાવિત કર્યા. 1919થી 1921ના અસહકાર આંદોલને જનપ્રતિનિધિઓ, વકીલો અને કેટલાક બુદ્ધિજીવીઓને સામેલ કર્યા. ઇતિહાસમાં પ્રથમ વાર ભણેલગણેલ વર્ગે તેમનો ભય ખંખેરી નાખ્યો. ને કોર્ટે ફરમાવેલ સજાઓ વહોરી લીધી. જેલગમન, એ બીવા જેવી બિના રહી નહિ. 1930થી 1932 દરમિયાન આવેલું બીજું મોજું સવિનય કાનૂનભંગનું હતું, જેમાં ભારતની મહિલાઓ હજારોની સંખ્યામાં બહાર પડીને જાહેર આંદોલનમાં સક્રિય થઈ. 1942માં ‘ભારત છોડો’ આંદોલને યુવાનો, કિશોરો અને કેટલાંક બાળકો સુદ્ધાંને આવા જાહેર આંદોલનમાં સામેલ કર્યાં. પ્રથમ મોજાએ જેલનો ભય દૂર કર્યો, બીજાએ લાઠીમાર ને ઉત્પીડનનો ભય દૂર કર્યો, તો ત્રીજાએ ગોળીબાર ને મૃત્યુનો ભય ખંખેરી નાંખ્યો. એ બીજું મોજું હતું જેમાં મહિલાઓએ સૌથી વધુ સંખ્યામાં ભાગ લીધો અને આ મોજાંને કારણે જ ભારતીય મહિલાઓના મનમાં જાગૃતિની તીવ્ર લાગણીએ પ્રવેશ કર્યો. 

જ્યાં સુધી ગાંધીને નિસબત છે, જેલગમન એ એમના માટે પુરુષો અને સ્ત્રીઓ દ્વારા સંયુક્ત રીતે ચાલતું યજ્ઞકાર્ય હતું. જાન્યુઆરી, 1922માં એમણે લખ્યું : “મારે મહિલાઓને જેલમાં જવાની સલાહ આપવી જોઈએ શું ? મને લાગે છે કે હું અન્યથા નહિ વર્તી શકું. જો હું તેઓને એમ કરવા પ્રોત્સાહિત નહિ કરું તો એ તેઓ પરની મારી શ્રદ્ધા પર શંકા કરશે. આ યજ્ઞ મહિલાઓની હિસ્સેદારી વિના અપૂર્ણ જ રહેશે.”

ભારતમાં મહિલાઓના ગૌરવનું પુનઃસ્થાપન કરનાર શ્રેષ્ઠ માનવી ગાંધી હતા. એ પુનઃસ્થાપન કેવળ રાજકારણના જાહેર ક્ષેત્રમાં જ નહોતું, બલકે આશ્રમમાંના સામુદાયિક જીવનવ્યવહારમાં પણ એમ જ હતું. પુરુષો સાથે પ્રત્યેક પ્રવૃત્તિમાં સમાન રીતે મહિલાઓ સહભાગી થતી. આશ્રમમાં એક જવાબદારી એવી હતી જેને સ્વીકારવા પુરુષો બહુ ઇચ્છુક ન હતા. એ હતી આશ્રમના મહાભંડારની, જેમાં ઘણી કડાકૂટવાળા હિસાબી ખાતાંઓની જાળવણી કરવાની અને જુદાજુદા મિજાજના લોકો સાથે પનારો પાડવાનું રહેતું. આ બાબત બાપુના ધ્યાન પર લાવવામાં આવી : ‘બાપુ, કોઈ પણ આ કોઠારની જવાબદારી લેવા તૈયાર થતું નથી.”

“જો એમ વાત હોય તો,” ગાંધીજીનું માથું ઠણક્યું, “તો પછી એ અંગેની સંપૂર્ણ જવાબદારી મહિલાઓને કેમ ન આપીએ? મને ખાતરી છે કે અન્યથા પુરુષો દ્વારા નહિ થઈ શકતાં કામોની વ્યવસ્થા તેઓ સારી રીતે કરી શકશે.”

મારી માતાને આ સાંભળી જુસ્સો આવ્યો. અને મહિનાના અંતે હિસાબમાં કોઈ પણ જાતની તકલીફ વિના મહિલાઓ કોઠારનું સફળ સંચાલન કરી શકી ત્યારે એમને એનો ગર્વ પણ થયો. 

•••

ગાંધીજીના પોતાની પત્ની પરત્વેના વલણ વિશે વારંવાર પ્રશ્ન ઉઠાવાતો રહે છે. ખણખોદિયાઓ દ્વારા હંમેશાં એક ઉદાહરણ અપાય છે, જે ગાંધીજીએ ખુદે જ પોતાની આત્મકથામાં વર્ણવ્યું છે. ગાંધીજીએ એમાં કબૂલેલું કે એક વાર દક્ષિણ આફ્રિકામાં કસ્તૂરબાએ એક કહેવાતી નિમ્ન જાતિના કારકુનનું  શૌચપાત્ર સાફ કરવાનો ઈન્‌કાર કર્યો હતો. ત્યારે ગાંધીજીએ બળ વાપરીને તેમને ઘરની બહાર ધકેલી દેવા પ્રયાસ કરેલો. ગાંધીએ પોતે આ ઘટનાનું એવું તાદૃશ વર્ણન કરેલું છે કે ગાંધીને ઠમઠોરવા માટે ટીકાકારોને હાથવગું સાધન મળી ગયું છે. ગાંધીજી આત્મકથાની પારદર્શિતા એમની વિરુદ્ધ વપરાઈ છે. આ બનાવને ગાંધીએ ગુનાની લાગણી, સત્યનિષ્ઠા અને નમ્રતા સાથે વર્ણવીને અમર બનાવ્યો છે. પણ આ બનાવમાં સુધ્ધાં એનો અંત ઉવેખી શકાય એમ નથી. કસ્તૂરબાના રોષપૂર્ણ ટોણા પછીથી પોતાની જાત પરત્વે શરમાઈ જઈને અંતે તો ગાંધીજીએ તો પસ્તાવો વ્યકત કરી બાની માફી માગી હતી. ગાંધીજીમાં પેલો સામાજિક સુધારક પડેલો હતો જે પોતાની પત્ની પણ સુધારાના પોતાના જોસ્સામાં ભાગ લે એવી અપેક્ષા રાખતો હતો. પણ એ કટોકટીની પળે પોતાના પતિને ઠપકો આપી શકવાનું સ્વાતંત્ર્ય પણ કસ્તૂરબાને હતું. અને અલબત્ત, પત્નીના એ દર્દભર્યા ઠપકા સાંભળીને ગાંધીજીએ કસ્તૂરબાની માફી પણ માગી હતી. આ બનાવને ગાંધીના ટીકાકારોએ માત્ર અડધો જ જોયો હતો, પૂરો જોયો હોત તો ટીકાને અવકાશ જ ક્યાં હતો ?

ગાંધીજીના પત્ની તરફના વલણ અંગે વિચારણા કરતી વેળા પોતાનાં પ્રિયજનોમાં ય પોતાના જેવો જ સુધારો લાવવાની ગાંધીજી ધગશ અંગેની વાત ઉવેખવા જેવી નથી.

મોહન અને કસ્તૂરીનાં લગ્ન જ્યારે તેઓ બાળક હતાં ત્યારે થયેલાં. મોહનને ધણીપણા અંગેના પોતાના ખ્યાલો હોવા છતાં ય એમનાથી થોડા મહિના જ મોટી કસ્તૂરીએ પોતાને અન્યાયી જણાતા હુકમો કદાપિ સ્વીકાર્યા નહોતા. ગાંધીજીએ ઉચ્ચ શિક્ષણ લીધું હતું, જ્યારે કસ્તૂરબા માત્ર થોડુંઘણું અક્ષરજ્ઞાન ધરાવતાં હતાં. ગાંધીનું સદા વિકસતું એવું વ્યક્તિત્વ હતું; અને આવી વ્યક્તિની પત્ની હોવું એ કસ્તૂરબા માટે સરળ સહેલગાહ નહિ જ હોય. પરંતુ, ગાંધીજીના જીવનમાં મહત્ત્વનાં ફેરફારના પ્રત્યેક તબક્કે બા એમની સાથે રહ્યાં. કસ્તૂરબાના જમાપક્ષે એ પણ કહેવું જ પડે કે તેઓ સુધ્ધાં ગાંધીસંગે ઘણાં જ આગળ વધ્યાં. એક સામાન્ય ગૃહિણીમાંથી તેઓ ન કેવળ હિન્દના સૌથી વધુ લોકપ્રિય નેતાનાં પત્ની તરીકે વિકસ્યાં, બલકે પોતાની નિજી હેસિયતમાં સ્વાતંત્ર્યજંગનાં આગેવાન પણ બની રહ્યાં. બંને રીતે આ શક્ય બન્યું, કેમ કે તેઓ પોતે વિકાસ પ્રત્યે અનુકૂલન સાધી શક્યાં અને ગાંધીજી તેમની સાથે નિરંતર પોતાનાં મંતવ્યો અને કાર્યો વહેંચતા રહ્યા. આમ એક સત્તાધારી બાળક પતિમાંથી તેઓ કસ્તૂરબાના પ્રશંસક બન્યા હતા.

•••

સ્ત્રીઓ અને પુરુષોને એક સમાન સન્માન આપવાનું ગાંધીજીનું વલણ એમની એ મૂળભૂત ફિલસૂફી પર આધારિત હતું, કે ભલે સ્ત્રી અને પુરુષ શારીરિક રીતે અલગ હોય, પણ એમનો આત્મા તો સરખો જ છે.

1932માં એમણે મારાં માસી લીલાવતીને (સ્વાતંત્ર્યસેનાની લીલાવતી આશર) એક પત્રમાં લખેલું : ‘પ્રભુ સમક્ષ પુરુષ અને સ્ત્રી એવું જુદાપણું પોતાનો તમામ અર્થ ગુમાવી દે છે. પુરુષ અને સ્ત્રીના શરીરમાં સમાન આત્મા વસે છે.’

વૈદિક સંસ્કૃતિ મુજબ આત્માને ધર્મ, વર્ણ, જાતિ યા દેશના ભેદભાવો અસર કરતા નથી. આ મૂળભૂત માન્યતાને કારણે મુંબઈમાં સ્ત્રી સંમેલનને સંબોધતાં ઠેઠ 1918માં ગાંધીજીએ કહેલું : ‘સ્ત્રી, એ પુરુષને સમાન માનસિક ક્ષમતા સાથે મળેલી સહચરી છે. એને પુરુષની પ્રવૃત્તિઓમાં અત્યંત સૂક્ષ્મ વિગતે ભાગ લેવાનો અધિકાર છે. એને પુરુષ સાથે સ્વાતંત્ર્ય અને મુક્તિનો ય સમાન અધિકાર છે.’

ગાંધીજી માનતા કે પ્રત્યેક માનવઅસ્તિત્વને એક જ આત્મા હોય છે જે સ્ત્રી-પુરુષ જેવા ભેદોથી પર છે. કિન્તુ તેઓ એમ પણ માનતા કે પ્રત્યેક વ્યક્તિમાં — પુરુષ અને સ્ત્રી બંનેના કેટલાક ગુણો હોય છે. સંપૂર્ણ વ્યક્તિ બનવા પુરુષે કેટલાક સ્ત્રીઓના ગુણો વિકસાવવા જોઈએ તો સ્ત્રીએ પુરુષોના કેટલાક ગુણો વિકસાવવા જોઈએ. તેઓ માનતા કે તેમના સંપર્કમાં આવતી સેંકડો સ્ત્રીઓ તેમનાથી ભય પામતી નહોતી કારણ કે પોતાના સમગ્ર જીવન દરમિયાન તેઓ પોતાનામાં સ્ત્રૈણ ગુણો કેળવવા પ્રયત્નશીલ રહ્યા હતા.

તેઓ સ્ત્રીઓને બહાદુર બનવા પણ પ્રોત્સાહિત કરતા. તેઓ સ્ત્રીઓને માણસ તરીકે પૂર્ણ ગરિમા પ્રદાન કરતા. ગાંધીના આવા વર્તનને કારણે સ્ત્રીઓ પોતાના અંગત પ્રશ્નો યા સમાજની અન્ય સ્ત્રીઓની સમસ્યાઓ અંગે માર્ગદર્શન મેળવવા ગાંધી પાસે આવતી. આ સમસ્યાઓ પરત્વે ગાંધીજીના જવાબો છેવટે તો સ્ત્રીઓને તેમની નબળાઈ છોડી બહાદુર બનાવવાના લક્ષ્ય પર જ આધારિત હતા. તેઓ કહેતા : “તમારા નિજી ધખારાઓ અને કપોળ કલ્પનાઓના ગુલામ બનવાનું અને પુરુષોના ગુલામ બનવાનું છોડો … તમે જો તમારી મહેક પ્રસરાવવા ઇચ્છો તો એ માટેનું અત્તર તમારા હૃદયમાંથી પ્રગટવું જોઈએ. આમ થશે તો તમે માત્ર માનવને જ નહિ બલકે માનવતાને ય ઉજાગર કરી શકશો. એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. મનુષ્ય સ્ત્રી થકી જન્મ્યો છે. પુરુષ સ્ત્રીના જ હાડમાંસ થકી બનેલું માળખું છે.”

બળાત્કાર બાબતના સવાલો ગાંધીને હંમેશાં પૂછાતા. ગાંધી માનતા બળાત્કારનો ભોગ બનતી વ્યક્તિએ સમાજ વિચારે છે તેવું કોઈ પાપ કર્યું નથી. બળાત્કારના પાશવી કૃત્ય દ્વારા આત્માની શુચિતા પ્રદૂષિત થતી નથી. જો કે તેઓ, સ્ત્રીને પોતાની જાતના રક્ષણ માટે હિંસા કરવાનું પણ ક્ષમ્ય ગણતા. વળી, તેમણે અનિચ્છુક પત્ની ઉપર પતિ દ્વારા કરાતા બળાત્કાર અંગે ય વિચારણા કરેલી. આવી પત્નીઓને તેમણે પોતાના પતિરાજો સાથે અસહકાર આદરવાની સલાહ આપી, જરૂર જણાય તો પતિથી અલગ રહેવા સુધીનું પગલું ભરવા પણ કહેલું. ગાંધીજી આદર્શવાદી હતા, તેમ છતાં એમણે વાસ્તવિકતાને નજરઅંદાજ કરી નથી. 01-3-1942ના ‘હરિજન’ના અંકમાં પ્રગટેલું નીચેનું લખાણ વાચકને ગાંધીના વ્યવહારુ આદર્શવાદ અંગેનો થોડો ખ્યાલ આપશે :

“જ્યારે સ્ત્રીની ઉપર હુમલો થાય ત્યારે એ હિંસા યા અહિંસાની વ્યાખ્યા વિચારવા થોભી નહિ શકે. એની પ્રથમ ફરજ સ્વરક્ષાની છે.”

[‘મારા ગાંધી’]
19-20-21 માર્ચ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 259-260-261

Loading

...102030...211212213214...220230240...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved