એવું કોઈ દર્પણ લઈ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.
દીવડાની ઝીણી આશકાને નિરખી,
ભીતરના ઓજસની ઝાંખી કરી,
તન–મનની શુદ્ધિની આરતી ઉતારે.
એવું કોઈ દર્પણ લઈ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.
રસ્તે પડેલા કો’ કંકરને હાથ ધરી,
હળવેથી ઊંચકી, સાચવી સાચવી,
મૂર્તિ બનાવી, એમાં પ્રાણ પૂરી આપે.
એવું કોઈ દર્પણ લઈ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.
કાગળ પર ફરતી કલમની કમાન,
કાપે છો જોજન આ શબ્દો ચોપાસ,
અક્ષર એક પામે જ્યાં સત્ય આરપાર,
એવું એક દર્પણ મળી આવે, જે અંતરનું રૂપ ધરી આપે.
જાન્યુઆરી 05, 2021
e.mail : ddhruva1948@yahoo.com
![]()


કેટકેટલું લઈ લીધું આ કોરોનાએ …પણ એનાં ગણિત અહીં નથી લગાડવા. એક જ અફસોસ વ્યક્ત કરવો છે કે વર્ગ નામે મારું સ્વર્ગ પડાવી લઈને જાણે શાપિત યક્ષની જેમ પૃથ્વી પર પટકી દીધો મને આ કોરોનાએ ..
અમેરિકન વ્યંગકાર માર્ક ટ્વેઇનના નામે એક કથિત વિધાન છે (કથિત એટલા માટે કે એવા જ મતલબનું વિધાન એન્ગલો-આઈરિશ લેખક જોનાથન સ્વિફ્ટ નામે અંકિત છે) : "સત્ય હજુ ચપ્પલ પહેરે તે પહેલાં જૂઠ અડધી દુનિયામાં પહોંચી જાય છે." કોરોનાની મહામારીમાં આ વિધાન સાચું પડ્યું છે. અમેરિકામાં એક સર્વેમાં બહાર આવ્યું છે કે આ મહામારી કોઈ કારસ્તાનના ભાગરૂપે ફેલાઈ છે તેવી માન્યતાના કારણે લોકો વાઈરસ ફેલાતો રોકાય તેવા (માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, લોક ડાઉન, હાથની સફાઈ વગેરે જેવા) ઉપાયોમાં સહકાર આપવા તૈયાર નથી થતા.