Opinion Magazine
Number of visits: 9964378
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભગતસિંહ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 March 2021

તેવીસમી માર્ચે (મંગળવારે) બરાબર નેવું વરસ થયાં ભગતસિંહની શહાદતને. જેમ જેમ વરસો વીતતાં જાય છે, એમનાં બલિદાની જીવનની પૂંઠે રહેલી કાલજયી અપીલ ખીલતી આવે છે. માનવમુક્તિ માટે શાહીવાદ સામેના સંઘર્ષની એમની અપીલ વિભાજનગત સરહદોને લાંઘીને બરકરાર છે. લાહોરમાં રાશિદ કુરૈશીના વડપણ હેઠળ ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશન કાર્યરત છે, અને કોરોનાના કેર વચ્ચે માર્ગદર્શક નિયમો પાળીને ઓણ પણ જાહેર ઉજવણી થવી જોઈએ એ માટે એમણે અદાલતનાં દ્વાર ખટખટાવ્યાં હતાં.

તાજેતરનાં વરસોમાં ભગતસિંહની ફાંસી બાબતે એક પાયાનો સવાલ પણ, કાનૂની છેડેથી ઉપસ્થિત કરાયો છે અને બ્રિટિશ સરકારે ફરમાવેલી સજા કાનૂનન હતી કે કેમ એ અંગે બહસ જારી છે. લંડનમાં કાયદાના અધ્યાપક તરીકે તેમ બૅરિસ્ટર તરીકે પણ સક્રિય સત્વિંદરસિંહે ‘ધ ઍક્ઝિક્યુશન ઑફ ભગતસિંહ’ એ કિતાબમાં આખા પ્રશ્નની પુરાવાબદ્ધ ને તર્કસભર તળેઉપર તપાસ કરી છે. હાર્પર કોલિન્સનું આ પ્રકાશન તેવીસમી માર્ચે જ ભારતમાં પણ શેખર ગુપ્તાના ‘ધ પ્રિન્ટ’એ વૈબિક વાટે સૉફ્ટકવરમાં સુલભ થયું છે.

દેશમાં જે સત્તાવાર સ્વરાજ પંચોતેરાં રાગ આલાપાઈ રહ્યો છે એમાં ભગતસિંહનું વિશેષ, સવિશેષ સ્થાન હોય તે સ્વાભાવિક છે; કેમ કે, એક તો એમાં ગાંધીના નેતૃત્વ હેઠળની સ્વરાજલડત સામે હિંસક ઉપાયોના મહિમાની સગવડ છે, અને બીજી વાત એ કે ભગતસિંહને ગાંધીએ ન બચાવ્યા એ વિવાદનીયે સગવડ છે. વડાપ્રધાને ૧૨મી માર્ચના આશ્રમ સંબોધનમાં નહેરુપટેલની સાથે એકશ્વાસે સાવરકરને સંભારી પરબારો પ્રવેશ કરાવી દીધો. જો કે આંદામાનોત્તર સાવરકરના જાહેરજીવનમાં સ્વાતંત્ર્યસંગ્રામથી સલામત અંતર સાફ દેખાતું રહ્યું છે. એથી ઊલટું, ભગતસિંહના ડાયરી-દસ્તાવેજો, અદાલતી તકરીર સ્વતંત્રતા માટેના ક્રાંતિકારી રાગાવેશથી અને કેવળ રાષ્ટ્રીય આઝાદીએ નહીં અટકતાં પીડિતશોષિત સૌની સ્વતંત્રતાના ખયાલથી રૂંવેરૂંવે ઉભરાય છે.

જ્યાં સુધી ગાંધીએ ભગતસિંહને બચાવ્યા નહીં બચાવ્યાનો મુદ્દો છે, મારતી કલમે એકબે નોંધલસરકા જ પૂરતા થઈ પડશે. લૉર્ડ ઈરવિનની ડાયરી બોલે છે કે આ ગાંધી, અહિંસામૂર્તિ ગાંધી, ભગતસિંહને ફાંસી નહીં આપવાનો આટલો બધો આગ્રહ કેમ કરે છે તે મને સમજાતું નથી. આંબેડકરે મરાઠી ‘જનતા’માં કરેલી એક ટિપ્પણી હમણાં થોડાં વરસ પર જ અંગ્રેજીમાં બહાર આવી છે. ઇંગ્લૅન્ડમાં સત્તારૂઢ સરકાર, દેશના રાષ્ટ્રવાદી લોકમતઉછાળને કારણે નવી ચૂંટણીમાં ભય અનુભવતી હતી. ગાંધીને છોડ્યા અને વધારામાં ભગતસિંહને ફાંસી ન આપી, આ બે વિગતો પોતાની સામે જશે એવું એનું આકલન બલકે ભીતિ હતી. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપીને જ ઇંગ્લેંડની સરકાર પુનઃવિજયની આશા રાખી શકે તેમ હતી. એટલે ભગતસિંહને ફાંસી નહીં એવો નિર્ણય સરકારને આધીન વાઈસરૉય, ઇરવિન લઈ શકે તેમ હતા જ નહીં.

જ્યાં સુધી હિંસા-અહિંસાની વાત છે, ભગતસિંહની ભૂમિકા ઉત્તરોત્તર જે રીતે વિકસતી અને સ્કુટ થતી ગઈ તે આપણા ખયાલમાં આવવી જોઈશે. તે વખતની નૅશનલ એસેમ્બલીમાં એમણે જે બૉંબકાંડ સરજ્યો એ મૂલતઃ સંહારક વ્યાપ ધરાવતો નહોતો. એ એક હલકુંફૂલકું બૉમ્બડું હતું જેનો વિસ્ફોટ સરવાળે ધ્યાનાકર્ષક પ્રસ્તાવથી આગળ જતો નહોતો. હિંસક ચળવળના નિયમ પ્રમાણે સામાન્ય રીતે આવે પ્રસંગે બૉંબ ફેંકી પલાયન થઈ જવાનું હોય. ભગતસિંહે ભાગવાની તક નહીં ઝડપતાં પકડાવું પસંદ કર્યું; કેમ કે કોર્ટમાં કેસ ચાલે અને એના હેવાલો વાટે દેશ આખાને ખબર પડે કે આ ક્રાંતિકારીઓનું ધ્યેય શું છે, દેશ માટેનો એમનો વિચારનકશો શો છે. જેલવાસમાં સતત સ્વાધ્યાય ચાલતો રહ્યો અને એમાંથી મહત્ત્વના વિગતમુદ્દાઓ તેમ જ પોતીકી ટિપ્પણીઓ સાથે નોટબુકો ભરાતી રહી. ચમનલાલ અને બીજાઓએ આ બધી દસ્તાવેજી સામગ્રી એકત્ર કરવા માંડી એને પરિણામે જે ચિત્ર સ્પષ્ટ થયું તે એ કે હિંસાને ખાતર હિંસા કે છૂટપૂટ હિંસા અગર લેનિન જેને ‘ઇન્ફન્ટાઇલ ડિસ્‌ઑર્ડર’ કહેતા એવું કશું આ વીરોને અભીષ્ટ નહોતું. સમતા અને ન્યાયને અનુલક્ષીને ચોક્કસ આર્થિક-સામાજિક કાર્યક્રમનો, એ માટે બિનસાંપ્રદાયિક જદ્દોજહદનો એમનો ખયાલ હતો. હિંસા અનિવાર્ય લાગે તો અને ત્યારે થાય એ જુદી વાત છે, પણ આમ આંદોલન(માસ મુવમેન્ટ)નો રસ્તો દુરસ્ત છે.

રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય ચળવળના અચ્છા વ્યાખ્યાકાર તરીકે ઉભરેલા માર્ક્‌સવાદી ઇતિહાસકાર બિપનચંદ્રનું કહેવું છે કે ભગતસિંહને વધુ વરસો મળ્યાં હોત તો એ એક અર્થમાં ગાંધીવાદી હોત. માર્ક્‌સીય વિચારમાંથી હટ્યા વગર એમણે ગાંધીની શાંતિમય પદ્ધતિએ લોકઆંદોલનના અભિગમને અગ્રતા આપી હોત. બિપનચંદ્ર નેશનલ બુક ટ્રસ્ટના ચેરમેન હતા ત્યારે આખર વરસોમાં ભગતસિંહની નવી જીવની પર કામ કરતાં એમણે આ નુક્તેચીની કરી હતી.

૧૮૫૭ના એક અંતરાલ પછી નવજાગૃતિનો એક મુકામ બંગાળના બૉંબયુગ અને વંદેમાતરમ્‌ના યુદ્ધઘોષ સાથે શરૂ થયો. એ પર્વે, આગળ ચાલતાં ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ની ન્યાય-અને-સમતા-લક્ષી પરિવર્તન(ક્રાંતિ)ની તવારીખી રેખાઓ ઉપસાવી અને ઘૂંટીઃ ભગતસિંહ નામની વીરઘટનાને આ રીતે જોવા સમજવાપણું છે.

ક્રાંતિની ભગતસિંહની વ્યાખ્યા અને સમજ કઈ રીતની હશે એનો એક અંદાજ એમણે ચળવળ દરમિયાન યુવાનોના બે ચહેતા નેતાઓ, જવાહર અને સુભાષની જે સરખામણી કરી છે એના પરથી આવે છે. એમણે કહ્યું છે કે સુભાષની વીરતા કે જવાહરની હિંમત બેઉ મને આકર્ષે છે. બંનેનો આદર્શવાદ પણ મને આકર્ષે છે. પણ બેમાંથી એક પસંદ કરવાના હોય તો હું જવાહરને કરું; કેમ કે સુભાષમાં ભાવનાનો રાગાવેશી ઉદ્રેક ખાસો છે, પણ જવાહરમાં આર્થિક-સામાજિક ન્યાય માટેની વિચારાધારકીય સજ્જતા વિશેષ છે. (જવાહરનો ઉલ્લેખ નીકળ્યો જ છે તો લગરીક ફંટાઈને એ પણ નોંધુ કે પોતે ભગતસિંહને જેલમાં મળવા ગયા ત્યારે છતે કષ્ટસહને એમના ચહેરા પર જોયેલી કાન્તિનો એમણે આત્મકથામાં વિશેષોલ્લેખ કર્યો છે.)

૧૨મી માર્ચના દાંડીદિનની ઇતિહાસ-ફલશ્રુતિ શું એમ કોઈ પૂછે તો એ ત્રણ ચાર વરસના ગાળાને સાથે મૂકીને એક જવાબ જરૂર જડે છે. અને તે એ કે ૧૯૪૬થી ૧૯૪૯ની ખાસાં ત્રણેક વરસની બંધારણ સભાની ચર્ચાઓ પછી ૧૯૫૦ના જાન્યુઆરીની ૨૬મીથી જે પ્રજાસત્તાક બંધારણ અમલી બન્યું એની માર્ગદર્શક અને પક્વ એવી રેખાઓનું અંકન આ ગાળાની મહદ્‌ લબ્ધિ છે.

દાંડીકૂચે મીઠા સરખો મુદ્દો લઈ આમ આંદમીને કેન્દ્રમાં આણ્યો. મીઠાની પાછળ જે રોજિંદા સુખદુઃખના વાસ્તવિક સવાલો પડ્યા હતા એનું એક ચિત્ર ભગતસિંહની રજૂઆતમાં ઊઘડ્યું તો બીજું ચિત્ર ગાંધી-આંબેડકરના પુના કરારમાં ઊઘડ્યું. ભારતના સામાન્ય માણસનું આપોપું કેવળ વર્ગીય બોજ તળે જ ચંપાતું નથી, એ વર્ણબોજ તળે પણ ચંપાય છે. પરચક્ર જશે. સંસ્થાનવાદ જશે. પણ એટલા માત્રથી તો વાત પતતી નથી. સ્વરાજ ખરું જોતાં નિરંતર ચાલતી પ્રક્રિયા છે.

હમણાં જે ચારપાંચ વરસના ગાળાની જિકર કરી એ ૧૯૨૯માં લાહોરમાં પૂર્ણસ્વરાજના ઠરાવ સાથે શરૂ થઈ દાંડીકૂચ રૂપે આગળ વધી ભગતસિંહની શહાદતથી પ્લાવિત માહોલમાં, પુના કરાર સાથે તેમ કરાચી કૉંગ્રેસમાં વલ્લભભાઈના અધ્યક્ષપદે મૂળભૂત અધિકારના ઠરાવ સાથે કેમ જાણે એક વર્તુળ આલેખવા લાગે છે જે ૧૯૫૦ના જાન્યુઆરીની ૨૬મીએ પૂરું થાય છે.

અલબત્ત, સ્વરાજ એ પૂરી થતી પ્રક્રિયા હોઈ જ ન શકે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ એક નવપ્રસ્થાનનું બિંદુ છે જ્યાંથી આંબેડકરે કહ્યા પ્રમાણે રાજકીય સમાનતા અને સામાજિક (વર્ણગત) વિષમતા એવી વિસંવાદે ભરેલી ને ભારેલી પરિસ્થિતિમાં કામ પાડવું રહે છે. ઈવેન્ટાના અંદાજમાં હંમેશ પૂરબહારમાં ખીલતું નેતૃત્વ સ્વરાજ પંચોતેરાંની રટણા ને રમણામાં ઝાઝેરો જનાધાર બલકે વૈધવત્‌ સ્વીકૃતિ (લેજિટિમસી) શોધે છે, પણ સમગ્ર ચિત્રસૂઝ છે એની કને? થોભો અને રાહ જુઓ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 11-12

Loading

ભગતસિંહની ઉક્તિ

બારીન મહેતા|Poetry|28 March 2021

જેલની આ કોટડીમાં
પથરાયો છે અંધકાર
ને ભીતરમાં ઉભરાય છે
તેજ.

હું સ્પષ્ટ છું
મેં જે કર્યું એ વિશે
હું સ્વસ્થ છું
આવતી કાલે વહેલી સવારે
આવનારા અંતિમ પરિણામ વિશે.

આંખોમાં સ્વાતંત્ર્યનું સ્વપ્ન
ને હૈયામાં એની ધખના લઈ
ઘરમાંથી ચોકમાં
ને ચોકમાંથી લોકમાં
પ્રવેશતો ગયો ત્યારથી
જાણતો હતો
આગ છુપાવી નથી શકાતી
ડાયસન ઉપર ગોળી રૂપે છોડવી જ પડે
આગ દાબી નથી શકાતી
ભરી સંસદમાં
દુશ્મનો વચ્ચે
– ઈન્કિલાબ ઝિંદાબાદ -ના ફરફરિયા રૂપે
વરસાવવી જ પડે.
આમ જ ક્રિયાની નિશ્ચિતતા
હોવાની નિશ્ચિતતા બને છે.

યાદ છે મને
મારા ગામનું ભૂખ્યું પેટ,
ત્યાંની ધરતીનો વલવલાટ
– ગુલામીની ઓળખનો પર્યાય!
તે દિવસે મારી છાતીમાં
ભૂગાળનો અનર્થ ફાટ્યો,
ગાડાને ચીલે ચીલે
બોરડીના બોર તોડતો હું
એકાએક
ઘેરાઈ ગયેલો ધૂંધળી હવાથી.
પછી તો
જોવાના અર્થો ઊઘડતા ગયા
ને ગુલામ ધરતી પર ચાલતો હું
મુઠ્ઠી ભીડી ઘા કરી બેઠો
હવાને તો શું વાગે !
મારું એકાન્ત શરમાઈ ગયેલું, રાજદેવ !
માણસની ચામડીનું સત્ય
ઊતરડી નથી શકાતું,
જે ક્ષણે સમજાયું મને આ
એ જ ક્ષણે
એ સત્યને રૂંધતી દીવાલો
ઘેરી વળી મને,
મારે એ તોડવી પડી;
અત્યારે આ ક્ષણે,
મૃત્યુ પહેલાની આ રાતે પણ
એ જ પ્રક્રિયા –

ના, દીવાલો તોડ્યા વિના મુક્ત ના થવાય!
મુક્તિ માત્ર ગાવાની ચીજ નથી,
મુક્તિ એ તો લોહીનું બીજ છે.
લોહીમાં ઊથલપાથલ થાય,
લોહીની ઊથલપાથલ થાય,
ત્યારે જ મુક્તિ કળાય
રાજદેવ !

એક અવાજ હોય છે ધરતીને
જે ખેડે છે ધરતી
તે જ જાણે છે એ અવાજ.
– એ અવાજ
જ્યારે ઊતરે કોઈ માણસની છાતીમાં
ત્યારે જ એ બનતો હોય છે ક્રાંતિકારી.
એટલે જ એને દ્રોહી ગણે છે સત્તા!
સત્તાને સંબંધ નથી ધરતી સાથે
એના આવા નક્કર પુરાવાઓ
આ રીતે જ મુકાય છે લોક અદાલતમાં

સત્તાનું છોગું હોય એ અદાલત
લોકોને આપે જ નહીં ન્યાય.
એટલે જ ન્યાયાધીશે કહી દીધુઃ ફાંસી
હા, ફાંસી !
ગળામાં ગાળિયાનો કરકરો સ્પર્શ
ને ‘હેન્ગ હીમ ટીલ ડેથ !’
– મરી જાય ત્યાં સુધી લટકાવો!
અને અમર મૃત્યુ !

પણ આવા મૃત્યુના અનેક અરથો હોય છે.
એ જ
એ જ
આપણી ઉપલબ્ધિ છે, રાજદેવ !

જો,
આ બારી વાટે
સળિયા વીંધીને
આવ્યાં ચન્દ્રકિરણો
આમ જ આપણાં મૃત્યુ
પ્રવેશવાનાં લોકોમાં
ને પછી –

એ ન જોયું તો ય શું ?
એક ક્રાંતિકારી જિંદગીમાં માણસ
કેટલું જોઈ શકે ?
તણખો, તણખો છે,
ઘાસની ગંજીમાં પડે
તો જ આગ ભભૂકે.
ને આગ ભભૂકે
એ જ તણખાનું કર્તવ્ય !

દોસ્ત,
એ કર્તવ્યનો ઉરતોષ
આ મહારાત્રિએ ધબકવા દે
આપણાં હૈયાંમાં
ને વહેવા દે જીવનનો અંતિમ સંચાર
જેલની આ કોટડીમાં
જેથી ભીંતો ય બોલી ઊઠેઃ
ઈન્કિલાબ ઝિન્દાબાદ !
ઈન્કિલાબ ઝિન્દાબાદ !!

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 12-13

Loading

આજની તારીખે

હિમાંશી શેલત|Opinion - Opinion|28 March 2021

તિર્યકી

(પ્રાતઃકાળે વર્તમાનપત્રમાં એક સત્તાધારી મહામાનવની પચ્ચીસ નાની, અને બે મોટી (આખાં પાનાંની) છબિજો જોતાં જોતાં …)

કોણ છે આ નવયુગનો મશાલચી? કે સ્વયં મહાનલ ? એ નજરના પ્રતાપથી માર્ચનો સૂર્ય પણ મંદપ્રાણ, એના સ્મિતથી ભક્તજનો ભાવવિભોર અને ભોંયસરસા. ધન્ય છે એ નગરને, જ્યાં આ ભવ્ય વિભૂતિ પેદા થઈ ! ધન્ય છે એ દિવસને, જેની એક ક્ષણે આ પુણ્યાત્માએ નગરને પાવન કરવા જન્મ લીધો!

ધન્ય છે એ તમામ આંખોને, જેણે આ નરોત્તમની છબિઓ પ્રાતઃકાળે નીરખી, અને સાક્ષાત પ્રભુ દીઠાનો રોમાંચ પામી !

આજે આરંભાયું એક નવીન પ્રકરણ, નવલી વિકાસ યાત્રાનું … સુખમય ભાવિનું …

આજે આરંભાયું એક નવીન ગીત, આરાધકો અને એમના આરાધ્યદેવનું … મંજુલ અને તાજગી સભર …

છબિ એક, પણ એને પ્રગટ કરનારાં અનેક. પ્રત્યેક છબિ નીચે ઉત્સાહભર્યાં પ્રશસ્તિવચનો.

આપ છો તો મોંઘવારી સહ્ય છે !

આપ છો તો ચૂલા સ્વયં પ્રજવલિત થાય છે!

આપ છો તો કોરોના સ્વયં માસ્ક અને ફેસશિલ્ડ પહેરી ઘૂમે છે! (મોં સંતાડે નહીં તો જાય ક્યાં બાપડો?) આપ છો તો અમારું જીવન સાર્થક છે, કારણ કે અમે આપનાં ચરણ પખાળી શકીએ છીએ!

આપ ન હોત તો અમે કોનાં મૃદંગ વગાડત ?

આપ આ દિને ન જન્મ્યા હોત તો અમે જીવતાં હતાં મર્યાં સમાન હોત ! પ્રશસ્તિ વિના જીભ હોત કાષ્ટટુકડો !

આપ જળહળ છો ! આપ ફળ ફળ છો ! આપ ખળભળ છો !

આપે ચૂંટણી સભાઓ ગજવી માસ્ક વિના,

આપે જનસમૂહ ભેગો કર્યો સૉશ્યલ ડિસ્ટન્સ વિના,

આપે હાર પહેર્યા થોકબંધ, હાથ જોડ્યા વણથંભ,

આપ વીર છો, સાહસમૂર્તિ છો, અભય અને અણનમ ! ખુશામત જેવા રાંકડા શબ્દને આપે બનાવ્યો શહેનશાહ, સહુ હવે એને સ્તુતિગાન કહે છે ! જય હો!

ધન્ય પ્રભુ ! ધન્ય ! આપના પુણ્યે વાહનો પાણી થકી ચાલે !

આ પ્રદેશે હવે કોઈ દુઃખ નથી, કોઈ પ્રશ્ન નથી,

પ્રજા નિત્ય ઉત્સવમાં રમમાણ છે, આનંદઘેલી !

કામકાજ કરવાનાં નથી, (આમે ય છે જ ક્યાં?) ધનધાન્યની રેલમછેલ છે, (બે ય હાથે ખાવ!)

મન બહેલાવવા ક્રિકેટ ખેલ છે,

ટીકાકારો હાથનો મેલ છે !

આપ સદૈવ યાત્રાઓ યોજો,

ભક્તગણ તો ટોળે મળવાનાં જ છે,

આપને ભેટવા, સાથે સેલ્ફી લેવા, ચરણ સ્પર્શ કરવા, કૃપાદૃષ્ટિ યાચવા સહુ વ્યાકુળ છે, તરસ્યાં છે, આ વ્યાકુળતા પૂર્વે ગોપીઓમાં, કે ગોપબાળોમાં દીઠેલી. એ પછી સદીઓ વહી ગઈ …

ફરી એ જ વ્યાકુળતા દેખાય છે પાગલ ભક્તોમાં,

આપની એક નજર, અને ભિક્ષુકપાત્રમાં એક પદ ! આપની ઊંચકાયેલી ભમર, અને સામેવાળો થરથર!

આપને બારણે છે ભીડ, ભચડકચડ ભીડ,

જાણે ઊભા પાક પર ટોળાંબંધ તીડ  !

શું કહીએ આપની બિરદાવલિમાં, શબ્દો ઘાસફુસ …

આપના સમયની આપની જમાતે તો

કંઈ કેટલાંને કીધાં હદપાર …

હવે મંદિર બંધાવવાની જ વાર, (આપનાં જ તો !)

એમાં જ દેવ સહુ નીકળી ગયા હશે બહાર ??

બચ્યાં હોય જો ચતુર, કરો કરો વિચાર …

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 16

Loading

...102030...2,0712,0722,0732,074...2,0802,0902,100...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved