Opinion Magazine
Number of visits: 9456396
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

ભરત ભગત|Profile|29 March 2025

કૃષ્ણવદન જોષી

જે અંદર હોય તે જ બહાર દેખાય છે. અંદર સુખ છે તો બહાર સુખ છે અને અંદર દુ:ખ છે તો બહાર પણ દુ:ખ છે. અંદર સત્ય છે તો બહાર પણ સત્ય જ હોય છે. અંદર અસત્ય છે તો બહાર પણ અસત્ય જ હોય છે. બાહ્ય એ તો અંદરનું પ્રતિબિંબ છે. બહારનું બદલવા અંદરનું બદલવું પડે છે. પરંતુ બહાર બદલવાથી અંદરનું બદલાતું નથી. અંદર અને બહાર જુદા હોવાનું સર્વત્ર દેખાઈ રહ્યું છે. બહારથી સજ્જન, સુખી કે સ્વસ્થ દેખાતા માનવી અંદરથી એવા હોય જ એવું માનવા જેવું નથી. દંભથી જાતને અને બીજાને છેતરવાની આવડત આપણે બધાએ હસ્તગત કરી લીધી છે, પરંતુ ક્યારેક તો દંભનો પર્દાફાશ થયા વિના રહેતો જ નથી.

કૃષ્ણવદન જોષીએ પોતાની જાતને અંદરથી બદલી એટલે બહાર આપોઆપ બદલાઈ ગયું. કોઈ શિલ્પકાર જ્યારે શિલ્પ બનાવતો હોય ત્યારે પોતાની અંદર મનોમંથન કરી એક ચિત્ર વિકસાવે અને પછી પથ્થર ઉપર કોતરકામ કરી શિલ્પને મૂર્તિમંત કરે. બસ, એમ જ કૃષ્ણવદને પોતાની જાતનું ચિત્ર તૈયાર કરી વધારાનું, ન કામનું કે આડે આવતું તમામ ખેરવી દીધું. દંભને દૂર મૂકી અંદર અને બહારનું એકત્વ સાધી લીધું. આ એકત્વને કારણે જ પોતે ઘડેલા વિચારોને આચારમાં મૂકી શક્યા. અંદરની સ્પષ્ટતાએ બહાર જે દેખાયું, જે જિવાયું એને ગૌરવ આપી દીધું.

જેલવાસ દરમ્યાન કૃષ્ણવદનને મળેલા મહાપુરુષોના સત્સંગ અને વાંચનનો સદુપયોગ પોતાને સાચી અને સારી દિશામાં વાળવામાં કર્યો. સ્વામી વિવેકાનંદે અમેરિકાના ધનાઢ્ય વ્યક્તિ રોકફેલરને કહેલું : તમે ભેગું કરેલું ધન એ તમારું નથી, તમે તો માત્ર એના વાહક છો અને તમારો ધર્મ જગતનું કલ્યાણ કરવાનો છે. ઈશ્વરે તમને જે સંપત્તિ આપી છે, તે લોકકલ્યાણનું કાર્ય કરવા અર્થે આપી છે. આટલી જ વાતે રોકફેલરમાં બદલાવ આવ્યો અને એ જમાનાના તે સૌથી મોટા દાતા બન્યા.

આવું કંઈક વાંચી, કૃષ્ણવદનને વિચાર આવ્યો કે મારી પાસે ધન તો નથી, પણ મારી જાતને જ સમાજ માટે કેમ સમર્પિત ના કરી દઉં? ધનનું દાન જ શું દાન ગણાય? એવો પ્રશ્ન પોતાની જાતને પૂછીને નિર્ણય કરી લીધો કે હું મારી જાત સમાજને સમર્પિત કરી દઈશ. સાથેસાથે ધનની તૃષ્ણા પણ છોડી દઈશ. ધન કમાવવા કોઈ પ્રવૃત્તિ હું કરીશ જ નહીં. અહીંથી જન્મ થયો એક એવી વ્યક્તિનો કે જેણે આજીવન સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી, જેની શરૂઆત થઈ સાદગી અને સરળતાથી જીવન જીવવાની પ્રતિજ્ઞાથી. જેલમાં જ નક્કી કર્યું કે ખાદી પહેરીશ, જાતે કાંતીને જ પહેરીશ, જે જીવનના અંત સુધી તેમણે નિભાવ્યું. કમાઈ શકવા સક્ષમ હતા, પરંતુ હવે કમાવાની જ ઇચ્છા ન હતી.

કૃષ્ણવદન પોતાને સોંપાયેલું કામ અત્યંત ચીવટતાથી અને સાવધાનીથી કરે. આ જ સ્વભાવ છેક સુધી રહ્યો. મારા લાંબા સમયના સંબંધોમાં મેં ખૂબ નજદીકથી એમને નિહાળ્યા છે અને હું બધાને કહેતો ‘ભાઈ’ને કામ સોંપો એટલે તમે સૂઈ જાવ અને એ જાગે. એ મેયર હતા ત્યારે પણ નાનામાં નાની વ્યક્તિનું નાનામાં નાનું કામ પણ ભૂલે નહીં. એમને કહેવું નહોતું પડતું કે તમે સૂઈ જાવ, પણ તમે સૂઈ જ જાવ એટલો ભરોસો તમે એમના ઉપર મૂકી શકો.

જ્યારે સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે એ માટેની પહેલી જરૂર હશે સાદગીની. એક પૈસાનો ખોટો ખર્ચ ન થાય એ માટે પોતાને તથા પરિવારના સહુને તૈયાર કર્યા હતા. કોઈ નોકરી નહીં, કોઈ ધંધો નહીં, માત્ર સમાજસેવા એ જીવનમંત્ર હતો. પણ સમસ્યા ઘર અને પરિવારને પોષવાની હતી. કોઈ પણ સંસ્થામાંથી એમને એક રૂપિયો પણ પગાર ન હતો કે ન કોઈ વ્યક્તિગત ખર્ચ. સ્વયંસેવકોના ધ્યાનમાં આ વાત આવી ત્યારે એમને મહાદેવભાઈ દેસાઈ ટ્રસ્ટમાંથી મહિને દોઢસો રૂપિયા મળવા શરૂ થયા. બીજા માળે ભાડાનું બે રૂમનું ઘર, બે બાળકો અને પતિપત્ની એમ ચાર જણ સાથે રહે. આજે પણ કલ્પનાની બહાર છે કે જીવન કેવી રીતે વીતતું હશે! એટલું ચોક્કસ યાદ છે કે એમણે ક્યારે ય કોઈની પાસે ગરીબીનો વસવસો વ્યક્ત કર્યો હોય કે કોઈની પાસે હાથ લાંબો કર્યો હોય એવું બન્યું નથી.

ઘરવખરી નામે સૂવાનો એક ખાટલો, કપડાંમાં જાતે કાંતેલી ખાદીના ઝભ્ભા-લેંઘાની ત્રણ જોડ. એકેય કપડાએ ક્યારે ય ઇસ્ત્રીનો સ્પર્શ કર્યો હોય એવું બન્યું નથી. જાતે જ પોતાનાં કપડાં ધોવાનાં, એ પણ એટલી ચોક્કસાઈથી કે એમાં એક ડાઘ ના દેખાય! ઝભ્ભો-લેંઘો જ એમનો પર્યાય બની ગયો. પગમાં ગ્રામોદ્યોગના ચંપલ જેની એક જોડ ચાર-પાંચ વર્ષ ચાલે. જમવાનું બે ટંક, સાવ સાદું ભોજન, ચા-કોફીની જરૂરિયાત જ નહીં. આ તો વ્રતધારી એટલે એવું નહીં કે ઘરે તંગી હોય તો બીજાને ત્યાં જમી લેવું.

કૃષ્ણવદન જોષી ૧૯૭૨થી ૧૯૮૦ સુધીમાં ત્રણ વાર અમદાવાદના મેયર બન્યા. ભલે ટર્મ નાની-મોટી હતી, પણ સરળતાનો એ પર્યાય. એ જ સાદી ભાષા, હુંકાર ક્યારે ય નહીં, હુકમ તો કર્યો જ ન હોય એવું મેં અનુભવ્યું છે. વાદ-વિવાદ-ચર્ચાથી દૂર. પોતાની વાતનો આગ્રહ ક્યારે ય નહીં. સત્યની જ ભાષા. દંભ-આડંબર કે મોટાઈનો અભાવ! કોઈને ઉતારી પાડ્યાનું મને સ્મરણ નથી. કાર્યકર્તા હોય કે કર્મચારી, નાનો માણસ હોય કે મોટો, વ્યવહાર એકસરખો. જાણે બધું, સમજે બધું, પરંતુ સરળતાથી મૂક બની જાય. મેયર હતા ત્યારનો એક પ્રસંગ યાદ આવે છે : એક વાર રાતના આઠનવ વાગ્યે ઓચિંતા મારા ઘેર આવી ગયા. ચાલો ડોક્ટર, આપણે વી.એસ. હૉસ્પિટલ જવાનું છે. મેં કહ્યું, શું છે એવી ઇમર્જન્સી? એમનો ઉત્તર હતો, આપણી પોળની કોઈ દીકરી દાઝી ગઈ છે અને ગંભીર છે. આપણે જવું પડશે. તમે સાથે હશો તો સારું પડશે. અમે બંને સ્કૂટર ઉપર હૉસ્પિટલના વોર્ડમાં પહોંચ્યા. હું બહાર દર્દીનાં સગાં સાથે વાત કરવા રોકાયો અને મુરબ્બી ભાઈ અંદર ગયા. તરત જ બહાર પાછા આવ્યા. હું કંઈ કહું એ પહેલાં કહે, ડૉક્ટર અંદર જવા નથી દેતા. એમની સાથે ગયેલાં અન્ય સગાંએ કહ્યું કે ડૉક્ટરે એમને હડધૂત કરીને બહાર કાઢ્યા છે. ઘાંટો પાડીને કહે છે, સમજ નથી પડતી કાકા, તે અત્યારે દોડ્યા આવો છો? આ મળવાનો સમય નથી, બહાર નીકળી જાવ. અને ભાઈ અંદરથી બહાર આવી ગયા.

હું અંદર ગયો અને મને ડૉક્ટર ધમકાવે એ પહેલાં જ મેં કહ્યું, ભાઈ હું સર્જન છું, એટલે નમ્રતાથી એણે મારી સાથે વાત કરી. મેં એને હળવાશથી પૂછ્યું, ભાઈ તેં હમણાં જે કાકાને હડધૂત કરીને બહાર કાઢ્યા, એ કોણ છે તું જાણે છે? પેલાનો જવાબ નકારાત્મક જ હોય એ સ્વાભાવિક હતું. મેં એને સમજાવ્યો કે આ ‘કાકા’ અમદાવાદ શહેર, મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર છે. સાથેસાથે વાડીલાલ હૉસ્પિટલ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન છે! પેલાના હોશકોશ ઊડી ગયા. ધ્રૂજી ઊઠ્યો! હવે શું થશે, એની ચિંતામાં શિયાવિયા થઈ ગયો. ભાઈને બોલાવી માફી માગી. કરગર્યો. ભાઈ એટલા જ સ્વસ્થ અને જરા ય ખોટું લગાડ્યા વિના કહ્યું : ડૉક્ટર સાહેબ, તમે તો તમારી ફરજ બજાવી છે. જાણે બુદ્ધનો બીજો અવતાર! મેયર હોવા છતાં યે કોઈ ફરિયાદ નહીં, માન-અપમાનની પરવા નહીં. દર્દીને મળીને ઘરે.

લાંબો સમય મેયર હોવા છતાં ક્યારે ય એમણે મેયરની ગાડીમાં પગ મૂક્યો નહોતો. ઑફિસે ચાલતા જ જાય. સાઇકલ પણ વાપરે અને ઉતાવળ કે દૂર જવાનું હોય તો કોઈકના સ્કૂટર ઉપર. મેયર થતાંની સાથે જ પોતાની મેયરની ઑફિસમાંથી ઍરકન્ડિશનર દૂર કરાવી પંખા મુકાવ્યા. દરેક માટે દરવાજા ખુલ્લા. કોઈ પણ મુલાકાતી આવે એને રોકવો નહીં એવી સૂચના, બધાની સાથે પ્રેમથી વાતો કરવાની, શક્ય હોય એટલા પ્રશ્નો દૂર કરવાના. સામેથી લોકો ગમે તેટલો આક્રોશ વ્યક્ત કરીને બોલી જાય, પણ એમની સ્વસ્થતા એની એ જ! એમની બધી જ કાર્યપદ્ધતિ સાથે આપણે સહમત ન પણ થઈએ, પરંતુ આ આદર્શ વ્યક્તિની સાદગી, સરળતા અને નિરભિમાનતાનો ઉચ્ચ આદર્શ એમણે સહજ રીતે મને શીખવાડી દીધો.

બીજો એક પ્રસંગ યાદ આવે છે :

કોર્પોરેશનની મિટિંગમાં એક કોર્પોરેટરે ખૂબ બૂમાબૂમ કરી કે મારા વિસ્તારમાં પાણીનું ટીપુંયે આવતું નથી. લોકો તરસે મરે છે. ખૂબ ધમાલ થઈ. વિરોધ પક્ષના કોર્પોરેટર એમની ફરજ બજાવે એ સ્વાભાવિક છે. એમના અવાજની નોંધ લેવાઈ ગઈ પછી સાહેબ મિટિંગમાંથી ચાલી ગયા. સામાન્ય રીતે મિટિંગ પછી મીડિયા નોંધ લે, જે લેવાઈ ગઈ.

પરંતુ આ તો માનવતાવાદી મેયર! પક્ષાપક્ષી હોય, પરંતુ લોકો ખરેખર પાણી માટે ટળવળતા હોય ત્યારે મેયરે કંઈક કરવું જ પડે. બીજા જ દિવસે વહેલી સવારે મિટિંગમાં બૂમો પાડનાર કોર્પોરેટરના વિસ્તારમાં તેઓ પહોંચી ગયા. અંદાજે સવારના છ-સાડાછ વાગ્યા હશે. સાહેબ અવાચક થઈ ગયા. જોયું તો સામે શ્રી કૃષ્ણવદન જોષી! સાહેબે કહ્યું કે મેયરશ્રી આપ, અત્યારે?

મેયરશ્રીએ કહ્યું કે આપ ગઈ કાલે પાણી માટે ફરિયાદો કરતા હતા એટલે મને થયું કે ચાલો જાતે જઈને જ જોઈ આવું અને શક્ય હોય તો એનો રસ્તો આપણે સાથે મળી કાઢીએ. ‘સાહેબ’ ઢીલા પડી ગયા. પાણી બધે જ આવતું હતું અને પૂરતું પણ!

ત્રીજો પ્રસંગ વિશેષરૂપે જાણવા જેવો લાગ્યો છે :

એક વાર બપોરે ફોન આવ્યો. ડૉક્ટર સાહેબ ઘરે આવશો? મારી પત્નીને ઠીક નથી લાગતું. હું ગયો. એમનું ભાડાનું ઘર, બીજો માળ, સીડીનું પગથિયું ન સંભાળીએ તો કાં તો નીચે પડાય કાં તો માથું ઉપર ટકરાય! જોયું અને ખબર પડી કે એમને લકવાનો હળવો હુમલો છે. મેં સૂચવ્યું કે આપણે એમને દાખલ કરવાં પડશે એટલે સહજતાથી કહ્યું કે તમારી જ હૉસ્પિટલમાં લઈ જઈએ. એમના માટે હું જ ડૉક્ટર તરીકે બધું, સર્જન અને ફિઝિશિયનનો ભેદ નહીં.

મેં સમજાવ્યા અને સૂચવ્યું કે વી.એસ. હૉસ્પિટલમાં દાખલ કરવાં જોઈએ. તેઓ ભડક્યા! સાહેબ, ત્યાં તો નહીં જ! હવે ચમકવાનો વારો મારો હતો. પોતે શહેરના મેયર, વી.એસ. હૉસ્પિટલ બોર્ડના ચેરમેન.

મેં દબાણ કર્યું કે ત્યાં જવાનું છે, તો કહે સાચું કારણ એ છે કે મેં તો સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી છે અને મને એનો કોઈ વસવસો નથી. ખેદ નથી, દુ:ખ નથી, પરંતુ મારા પરિવારજનો આ સ્થિતિ ન સમજી શકે અને એ લોકો ન સ્વીકારી શકે. પત્નીની અપેક્ષાઓ હોય અને વી.એસ.માં જાઉં તો આખું ગામ ઊમટી પડે. અંગત માંદગીને પ્રસંગ નથી બનાવવો. ડૉક્ટરો દોડશે, વહીવટદારો દોડશે અને સાથીઓ પણ. આપણને એ ના શોભે.

છેવટે મેં હાર સ્વીકારી. સિવિલ હૉસ્પિટલના સ્ત્રીઓ માટેના જનરલ વોર્ડમાં ભરતી કરાવ્યાં. પરંતુ મેયરની પત્નીના સમાચાર થોડા ઢાંક્યા રહે! સુપરિટેન્ડેન્ટ ડૉ. ગુપ્તા સાહેબ દોડી આવ્યા. સ્પેશિયલ રૂમમાં દાખલ કરાવવા આગ્રહ કર્યો. ખૂબ દબાણ કર્યું. ‘મહાત્મા’ તો ટસના મસ ના થયા. છેવટે જનરલ વોર્ડમાં જ એમણે પડદા લગાવી, થોડાં જુદાં પાડ્યાં, ભાઈની મંજૂરી વિના જ. પોતે મેયર, પણ ખબર કાઢવા કોઈકના સ્કૂટર ઉપર આવે. મુલાકાતીઓના સમયમાં જ આવે. સારું થયું એટલે ઘેર લાવવાનાં હતાં. બિલ હતું રૂપિયા ૫૭.૫૦. મહાત્મા પાસે તો એટલાયે ક્યાં હતા? વ્યવસ્થા થઈ, બિલ ચૂકવાઈ ગયું પછી જ ઘરે લઈ જવાયા.

આ બધું કરવા છતાંયે એ માટેની પ્રસિદ્ધિથી દૂર, વાજાં વગાડવાની આદત જ નહીં. એમની સાદગી એટલી કે એ ગમે ત્યાં જાય ખાદીના ઝભ્ભા-લેંઘા સિવાય બીજો કોઈ પોશાક નહીં. લગ્ન હોય કે મરણ, જાહેર સભા હોય કે અતિથિ વિશેષશ્રીઓ સાથેની મિટિંગ, એમનો પહેરવેશ એક જ! એક સમયે ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુને અમદાવાદમાં મળવા જવાનું થયું. ઝભ્ભો ક્યાંકથી થોડો ફાટેલો તો ક્યાંકથી થોડો થીગડાંવાળો. સાથીઓએ સમજાવ્યા કે આજે આ ઝભ્ભો બદલી નાખો, ત્યારે ખૂબ હળવાશથી એમનો જવાબ હતો : “નહેરુજીને મળવા હું જાઉં છું, મારો ઝભ્ભો નહીં.” આટલું કહી સસ્મિત વદને નહેરુજીને મળવા પહોંચી ગયા.

દેશ હોય કે પરદેશ, તેમનો પહેરવેશ એનો એ જ! સને ઓગણીસો ઈઠ્ઠોતેરમાં યુરોપ જવાનું થયું, પણ આ ફકીર પાસે તો એ જ ઝભ્ભા-લેંઘાની ત્રણ જોડ, વધારામાં એક શાલ અને એક સ્વેટર, પગમાં માત્ર ચંપલ. યુરોપની ઠંડી પણ એમને પોતાની સાદગીથી ચળાવી શકી નહીં. યુરોપના દેશોની અસંખ્ય મહત્ત્વની વ્યક્તિઓ વચ્ચે પણ અમદાવાદના મેયરને પોતાના પહેરવેશથી જરાયે ઊણપ નહોતી અનુભવાતી. મેયર તરીકે પહેલી વાર પરદેશ જવું પડ્યું ત્યારે એમની પાસે ના મળે બેગ કે ના મળે મોટો થેલો. જે થોડો સામાન હતો તે ઓશિકાના કવરમાં ભરીને લઈ ગયા. આ હતા અમદાવાદના મેયર!

કૃષ્ણવદન માનતા કે જો માણસ જાણે કે પોતે ક્યાં જઈ રહ્યો છે અને એ વિશે સ્પષ્ટ હોય તો જગત આખું એને માર્ગ કરી આપે છે. સાદગી અંગેની પોતાની માન્યતા અને એ અંગેની સ્પષ્ટતાથી કૃષ્ણવદનમાં ક્યારે ય લઘુતાગ્રંથિ નથી આવી કે ક્યારે ય ક્યાં ય નીચાપણું નથી અનુભવ્યું. થોડા જ વખતમાં સમાજના તમામ સ્તરના લોકોએ આ માનવતાવાદી માનવીને ‘મહાત્મા’ બનાવી દીધો. ગૌરવ પણ વધારી દીધું.

એમની સાદગી માટે ભૂતપૂર્વ સાંસદ જયાબહેન શાહે શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે એમના ઘરની જીર્ણશીર્ણ દીવાલો જોઈને હું આભી જ બની ગઈ હતી. દીવાલોમાં ક્યાંક-ક્યાંક જ પ્લાસ્ટર દેખાય અને રંગરોગાન તો મુદ્દલ નહીં.

અંદર-બહાર એકત્વ અનુભવતા આવા માનવીઓ જ જગતને સાચી દિશા ચીંધી શકે છે, જે સ્વ૦ કૃષ્ણવદને પોતાના વ્યક્તિત્વથી સિદ્ધ કરી બતાવ્યું હતું.

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 માર્ચ, 2025; પૃ. 20-21 તેમ જ 14 

Loading

સંસારી ફકીર

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|29 March 2025

દેશના જુદા જુદા ખૂણામાંથી આવેલાં સુગંધા અને હું બેંગલોરની એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મેળવીને ભેગાં થયાં. બે વર્ષ થયાં અમને એક ફ્લેટમાં પેઈંગ ગેસ્ટ તરીકે સાથે રહેતાં રહેતાં. હજી બેઉ કુંવારાં હતાં એટલે માથે બીજી કોઈ જવાબદારી નહોતી. સારા એવા પેકેજની, સુખેથી મોજ-શોખ પૂરાં કરી શકીએ એવી નોકરી હતી. હોળીની રજાઓ નજીક આવતી હતી ને અચાનક મને વિચાર આવ્યો, “સુગંધા, રજાઓમાં જેસલમેર જવું છે? મને ત્યાંનું રણ અને રણમાં થતો સૂર્યાસ્ત જોવાનું બહુ મન છે.”

“એમ તો મને પણ રણ જોવાનું બહુ મન છે.”

“ચલ, તો હો જાય?”

આજે તો અમારા આ પ્રવાસનો આખરી દિવસ પણ આવી પહોંચ્યો છે. અમારા ઊંટવાળો આરીફ ઊંટની લગામ પકડીને ચાલતાં ચાલતાં કેટલી ય વાતો કરી રહ્યો છે : “સાવ આઠ-નવ વર્ષનો હતો ત્યારથી મારા બાબા સાથે ઊંટની સવારી કરવા આવતો. આ જ અમારું કામ. આ મારો શેરો છે, એ અમારી જીવાદોરી છે. એ બહુ વફાદાર પ્રાણી છે. વેરી ફેઈથફુલ.” ઊંટ જાણે એના પરિવારનું સભ્ય હોય એ રીતે પોરસાઈને એને માટે વાત કરી રહ્યો હતો.

“તું કેટલું ભણ્યો છે?” સુગંધાએ પૂછ્યું.

“મેડમજી, મૈંને તો બસ, ફીફ્થ તક પઢાઈ કી.”

મેં કહ્યું,”બસ? ફીફ્થ તક? તો પણ તું હિંદી, અંગ્રેજી, ગુજરાતી બધી ભાષા કેવી સરસ રીતે બોલી શકે છે?”

“એમ તો મેડમ, ભાંગીતૂટી ડચ, ને ચીની પણ આવડે છે.”

“આટલી બધી ભાષાઓ કેવી રીતે આવડે છે?”

“અહીંયાં તો આખી દુનિયામાંથી ટુરિસ્ટો આવે. એ બધા પાસે કંઈ ને કંઈ શીખવા મળે.”

એનામાં કંઈક તો એવું હતું કે જે એને વિશે વધુ જાણવા લલચાવતું હતું. “કોણ કોણ છે તારા ઘરમાં?”

“અમ્મા હૈ, અબ્બુ હૈ, અમે મિયાં-બીબી બે, ત્રણ બેટા અને સૌથી છોટી મારી બિટિયા રોશની.” રોશનીનું નામ લેતાંની સાથે એનો આખો ચહેરો ઝળકી ઊઠ્યો.

“કેટલાં વર્ષની થઈ તારી દીકરી?” સુગંધાએ જિજ્ઞાસાથી પૂછ્યું.

“કાલે ત્રણ સાલ પૂરાં થશે. કાલે જ એની સાલગીરા છે.”

અમે બંને પહેલી જ વાર ઊંટ પર બેઠાં હતાં. ઊંટ સવારીનો રોમાંચ પણ હતો ને થોડો ડર પણ લાગતો હતો. અમે પહોંચ્યાં ત્યારે સૂર્યાસ્ત થવાને થોડી વાર હતી. આકાશમાં સંધ્યાની લાલી છવાયેલી હતી. રણનું સૌંદર્ય એવું તો મંત્રમુગ્ધ કરનારું હતું કે અમે ફોટા પાડવાનું પણ ભૂલી ગયાં. કોઈ સ્થાનિક કલાકાર બોણી મેળવવાની આશામાં સારંગીના સૂર છેડી રહ્યો હતો. ડૂબતો સૂરજ મનમાં વિષાદ ઊભો કરતો હોય એવું લાગ્યું. સૂર્ય પૂરેપૂરો ક્ષિતિજમાં ખોવાઈ ગયો પછી અમે પાછાં ફરવા આરિફને શોધવા લાગ્યાં. ત્યાં તો એક ઊંટવાળો મારી અને સુગંધાની સામે ઊભો રહી ગયો.

“મેડમ, ઊંટસવારી કર લી ના? અભી બક્ષિસ દે કે જાના.”

અમે નવાઈથી પૂછ્યું, “સવારીના જેટલા નક્કી કરેલા એટલા રૂપિયા તો અમે આપીએ જ છીએ હવે બક્ષિસ વળી શેની?”

“યહાં બારબાર કૌન આતા હૈ? એક બાર આયે હૈં તો બક્ષિસ દેના તો બનતા હૈ.”

અમને એ માણસ જરા વિચિત્ર લાગ્યો. વાત કરતાં કરતાં ગભરાઈને જોતો હોય એમ એ પાછળ ફરીને જોયા કરતો હતો. એનાથી પીછો છોડાવવા મેં કહ્યું, “અમારે બક્ષિસ આપવી જ હશે તો આરિફને આપીશું. તને શા માટે આપીએ?”

વળી પાછો પાછળ નજર કરી લીધા પછી ધીમો સાદ કરીને બોલ્યો, “વો તો નહીં લેગા બક્ષિસ. ઉસકે હિસ્સે કી બક્ષિસ મુઝે દે દો ના!”

હું કંઈ બોલવા જાઉં ત્યાં તો આરિફ આવી પહોંચ્યો એટલે પેલો દોડીને પોતાના ઊંટ પાસે જતો રહ્યો. ઊંટ પર હાલક-ડોલક થતાં અમે પાછાં ફરતાં હતાં ત્યારે મેં પૂછ્યું, “આરિફ, પેલો પાછળ આવે છે એ ઊંટવાળો અમારી પાસે પૈસા માગતો હતો. અમે કહ્યું કે આરિફને આપીશું તો એણે કહ્યું કે, તું બક્ષિસ નથી લેતો. સાચી વાત?”

“હા મેડમ, અપને હક કા તો મિલ હી જાતા હૈ તો ફિર ક્યું લે બક્ષિસ? સરકારે પણ મનાઈ કરી છે. બક્ષિસ માંગ કે ટુરિસ્ટ લોગોં કો પરેશાન નહીં કરનેકા.”

“સવારીની આવકમાંથી તારા આખા કુટુંબનું પૂરું થઈ જાય છે? ખર્ચો નીકળી જાય છે?”

“અમારો ખર્ચો તો ગમેતેમ કરીને નીકળી જાય છે પણ ખર્ચાનો તો કોઈ અંત જ નથી. કરોડો કમાવાવાળાને પણ તમે પૂછો તો કહેશે કે, પૈસા ઓછા પડે છે. ને તૂટી-ફૂટી ઝોંપડીમાં રહેવાવાળા મીઠું ને રોટલો ખાઈને સંતોષથી રહે છે.”

એનો જવાબ સાંભળીને હું ને સુગંધા બંને ચૂપ થઈ ગયાં. કેટલી સાચી વાત છે એની? અમારા બેઉનો આટલો સારો પગાર છે તોયે બ્રાંડેડ કપડાં, મોંઘી હોટેલોમાં પાર્ટી કરવી ને વારંવાર બ્યુટી પાર્લરની મુલાકાત લેવી એ બધાને લીધે મહિનાને છેડે હાથ ખેંચમાં જ રહેતો હોય છે.

અમે હોટેલ પર પહોંચી ગયાં. છૂટાં પડતી વખતે સુગંધાએ પર્સમાંથી પાંચસોની નોટ કાઢીને એને આપવા માંડી. જાણે કરંટ લાગ્યો હોય એમ એણે હાથ પાછો ખેંચી લીધો ને કહ્યું, “મૈં નહીં લે સકતા, મેડમ.” “તને નથી આપતી. કાલે રોશનીનો જન્મદિવસ છે ને, એને અમારા તરફથી ભેટ.”

“એમ કરો મેડમ, કાલે મારે ઘરે આવીને તમારે હાથે જ આપી જજો.”

અમે નવાઈ પામી ગયાં. એ જાણતો હતો કે, કાલે વહેલી સવારે તો અમે નીકળી જવાનાં છીએ, છતાં ય કેટલી નિસ્પૃહતા! અમારા ઝંખવાણા પડી ગયેલા ચહેરા જોઈ એને કંઈક યાદ આવ્યું, “આપકે પાસ ટોફી હૈ?”

સુગંધાએ પર્સમાંથી મુઠ્ઠી ભરીને ઈમ્પોર્ટેડ ચોકલેટો કાઢીને આપવા માંડી. એમાંથી એક જ ચોકલેટ લેતાં એણે હસીને કહ્યું, “બિટિયા કે લિયે આપકી દુઆ સમજ કર લે લેતા હું.” પાછા ફરી રહેલા આરિફની પીઠ તરફ જોતાં મને થયું કે, આ માણસને ફકીર કે ઓલિયો ન કહી શકાય?

(સરિતા કુમારીની અંગ્રેજી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ 2025; પૃ. 24  

Loading

સોક્રેટિસ ઉવાચ-૬ : પ્રખર હિંદુત્વવાદી અને સોક્રેટિસ વચ્ચે વધુ એક કાલ્પનિક સંવાદ 

પ્રવીણ જ. પટેલ|Opinion - Opinion|28 March 2025

પ્રવીણભાઈ જે. પટેલ

સોક્રેટિસ સાથેના પોતાના અગાઉના સંવાદ પછી હિંદુત્વવાદી હજુ પણ અવઢવમાં છે. તેથી તે સોક્રેટિસને ફરીથી મળે છે. અને સંવાદને ચાલુ રાખતાં એવી દલીલ કરે છે કે સમકાલીન ભારતમાં મુસ્લિમ વસ્તી હિંદુ સમાજ માટે ખતરો છે. તે મુસ્લિમોની બીફ ખાવા અને બહુપત્નીત્વ જેવી પ્રથાઓ તરફ સોક્રેટિસનું ધ્યાન દોરે છે અને દાવો કરે છે કે આવી પ્રથાઓ હિન્દુ સંસ્કૃતિ સાથે વિસંગત છે. વધુમાં, તે વધતી જતી મુસ્લિમ વસ્તી, લવ જેહાદ, અને ધર્માંતરણ અંગે પણ ચિંતા વ્યક્ત કરે છે અને કહે છે કે મુસલમાનોનાં આવાં વલણો હિંદુ ઓળખને જોખમમાં મૂકે છે. વળી, તે વ્યાપક જોખમના પુરાવા તરીકે વિશ્વભરમાં ઇસ્લામિક ઉગ્રવાદના ઉદયને ટાંકે છે. સંવાદના આ સિલસિલાને ચાલુ રાખતાં, સદૈવ ધૈર્યવાન અને સમજદાર એવા, સોક્રેટિસ હિંદુત્વવાદીની આ વાતને હળવાશથી સાંભળે છે, તેની ધારણાઓ પર સવાલ ઉઠાવે છે, અને તેની ભીતિ પર વિવેચનાત્મક રીતે વિચાર કરવા માટે તેને માર્ગદર્શન આપે છે. બારીક જાંચ-પડતાલ કરતા પ્રશ્નોની શ્રેણી દ્વારા, સોક્રેટિસ હિંદુત્વવાદીને બીબાંઢાળ માન્યતાઓથી આગળ વધવામાં અને જટિલ મુદ્દાઓ પર વધુ તર્કસંગત અને ઉદાર પરિપ્રેક્ષ્ય અપનાવવામાં મદદ કરવાનો પ્રયાસ કરે છે.

— પ્રવીણ જ. પટેલ

°°°

પાર્શ્વ ભૂમિ : સ્વર્ગના એક નયનરમ્ય બગીચામાં એથેન્સના ફિલસૂફ સોક્રેટિસ અને તાજેતરમાં જ સ્વર્ગે સિધાવેલ એક પ્રખર હિંદુત્વવાદી ફરીથી મળે છે અને તેમની ચર્ચા આગળ ચલાવે છે.

હિંદુત્વવાદી : સોક્રેટિસ, આપણે ગઈ વખતે મળ્યા હતા ત્યારે તમે અમારા ભારતના ભૂતકાળમાં હિન્દુ-મુસ્લિમ સંબંધો અંગેની મારી ઘણી ગૂંચવણો દૂર કરી. પરંતુ, મને લાગે છે કે આજે પણ મુસલમાનો અમારા હિન્દુઓ માટે ખતરનાક રૂપ છે.

સોક્રેટિસ : તમે વર્તમાન ભારતમાં મુસલમાનો તરફથી કથિત જોખમની વાત કરો છો? ચાલો, આપણે તેનો પણ વિચાર કરીએ. તમારા મતે, મુસલમાનો તરફ્થી એવો કયો ખતરો છે?

હિંદુત્વવાદી : સોક્રેટિસ, હિજાબ, દાઢી, તીન તલાક, ચાર-ચાર પત્નીઓ, બીફ ખાવું વગેરે જેવા તેમના રિવાજો  વગેરેને લઈને મુસલમાનો અમારા હિંદુઓથી જુદા પડે છે. તેઓ અમારી સાથે ભળવા જ માંગતા નથી. તેમની અલગ પહેચાન અમારી હિન્દુ સંસ્કૃતિ માટે ખતરા રૂપ છે. ઉપરથી તેઓ તેમની વસ્તી વધારતા જાય છે. અને લવ જેહાદ અને ધર્માંતરણનો પણ ભારે ભય છે. માત્ર હિંદુસ્તાન જ નહીં, ઇસ્લામી ઉગ્રવાદ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે.

સોક્રેટિસ : તમે માનો છો કે બંને કોમોની ધાર્મિક આસ્થા અને આચાર-વિચારમાં જે તફાવત છે તે તમારી સંસ્કૃતિને નબળી પાડે છે. પણ મને કહો, શું તમારી સંસ્કૃતિ એટલી કમજોર છે કે તે વિવિધતાને સહન ન કરી શકે ?

હિંદુત્વવાદી : (રક્ષણાત્મક) કમજોર? ના રે ના! હિન્દુ સંસ્કૃતિ સૌથી પ્રાચીન અને મજબૂત છે. પરંતુ મુસલમાનોની લાંબી લાંબી દાઢી રાખવાની, તેમની સ્ત્રીઓની હિજાબ અને બુરખો પહેરવાની, અને બીફ ખાવા જેવી પ્રથાઓ અમારી સંસ્કૃતિ પ્રત્યેનો અનાદર દર્શાવે છે. આમ કરીને જાણે કે તેઓ અમને ચીડવવા માંગે છે.

સોક્રેટિસ : અનાદર! શું તમે તેમને પૂછ્યું છે કે તેઓ શા માટે આવી પ્રથાઓનું પાલન કરે છે? શું તેઓ ઇરાદાપૂર્વક તમને દુ:ખી કરવા માટે એમ કરે છે કે તેમની પોતાની માન્યતાઓને કારણે આવું કરતા હોય છે?

હિંદુત્વવાદી : કદાચ તેમની માન્યતાઓને લીધે તેઓ આમ કરતા હશે એમ માની લઈએ. પરંતુ, તેથી અમારી સાથે અથડામણ થાય છે. દાખલા તરીકે, અમે ગાયને પવિત્ર માનીએ છીએ, જ્યારે તેઓ તેને ખોરાક માટે કતલ કરે છે. અમે આ કેવી રીતે સ્વીકારી શકીએ?

સોક્રેટિસ : આ એક મહત્ત્વપૂર્ણ સમસ્યા છે. પણ મને કહો, શું બીજા લોકો પોતાની માન્યતાઓ કે રીત રિવાજો પ્રમાણે જીવતા હોય તેનો અર્થ એવો થાય કે તમારે પણ તેવી પ્રથાઓ અપનાવવી જોઈએ? શું તમે તમારાં પોતાનાં મૂલ્યો સાથે સમાધાન કર્યા વિના અમુક તફાવતોને ન સ્વીકારી શકો?

હિંદુત્વવાદી : (ખચકાતાં) હા, અમારે તેમની પ્રથાઓ કે રીત રિવાજોને અપનાવવાની જરૂર નથી. પરંતુ અમારી આસપાસ આવું બનતું જોવું પીડાદાયક લાગે છે – તે અમારી પરંપરાઓથી વિરુદ્ધ છે.

સોક્રેટિસ : હું સમજું છું. પરંતુ શું પરંપરાઓ સ્થિર હોય છે કે તે સમય જતાં બદલાતી જાય છે? શું હિંદુ સંસ્કૃતિએ પર્સિયન, ગ્રીક, અને અન્ય સંસ્કૃતિઓના પ્રભાવોને ઝીલ્યા નથી? અને આજે પણ તમે તેની અસર નીચે જીવતા નથી? દાખલા તરીકે, સમોસા, જે તમારો પ્રિય નાસ્તો છે, તે મધ્યપૂર્વના દેશોની પેદાશ નથી? તે જ રીતે તમારી ભાષામાં પણ કેટલા બધા અરબી, ફારસી, અંગ્રેજી ભાષાના શબ્દો વપરાય છે? અને તમારો પહેરવેશ? શું તમે જે કોટ-પાટલૂન પહેરો છો તે તમારો મૂળ પહેરવેશ છે?

હિંદુત્વવાદી : (વિચારીને) હા, સમય જતાં કેટલાક ફેરફારો થાય છે. પરંતુ કેટલીક બાબતો, જેમ કે ગાય પ્રત્યેનો આદર, અમારી હિન્દુ સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે.

સોક્રેટિસ : પરંતુ, શું બીજા લોકોની બીફ ખાવાની મરજીથી ગાય પ્રત્યેનો તમારો આદર ઓછો થાય છે? કે પછી તે ફક્ત તમારા અહમ્‌ને પડકારે છે તેથી તે તમને પસંદ નથી?

હિંદુત્વવાદી : મેં આ રીતે વિચાર્યું ન હતું. તે સાચી વાત છે કે કોઈ બીફ ખાય તેથી મારો ગાય પ્રત્યેનો આદર ઓછો થતો નથી. પરંતુ તે અપમાન જેવું લાગે છે.

સોક્રેટિસ : બરાબર. હવે, તમે આ રીતે વિચાર કરો : મૂર્તિપૂજા જેવી અમુક હિંદુ પ્રથાઓથી જો કોઈ મુસ્લિમ પોતાને અપમાનિત થયાનું માને, તો શું તેથી તેને તમારી પરંપરાઓને વખોડવાનો અધિકાર મળે છે?

હિંદુત્વવાદી : ના, તેઓએ અમારી નિંદા ન કરવી જોઈએ. તે અમારી માન્યતા છે.

સોક્રેટિસ : ચોક્કસ. શું આ જ સિદ્ધાંત પ્રમાણે મુસલમાનો સાથે સંમત થયા વિના તેમની પ્રથાઓનો આદર કરવાથી તમારી બંને કોમો વચ્ચે વધુ સુમેળ ન થઈ શકે?

હિંદુત્વવાદી : (નિસાસો નાંખતાં) તે તાર્કિક લાગે છે, પરંતુ જ્યારે તેમની પ્રથાઓ અમારી જીવનશૈલીથી વિરુદ્ધ હોય ત્યારે તે મુશ્કેલ હોય છે.

સોક્રેટિસ : ચાલો, આ પડકાર વિષે વિચારીએ. શું હિંદુ સંસ્કૃતિની તાકાત એકરૂપતામાં છે કે વિવિધતાને સમાવવાની તેની ક્ષમતામાં? શું હિન્દુઓની સર્વસમાવેશકતાને કારણે જ ભારતીય સંસ્કૃતિ સહસ્રાબ્દીઓથી વિકસતી આવી નથી?

હિંદુત્વવાદી : (અનિચ્છાએ) કદાચ. એ હકીકત છે કે હિંદુ ધર્મ તેની સર્વસમાવેશિતાને કારણે ઘણા ઐતિહાસિક પડકારોનો સામનો કરી શક્યો છે.

સોક્રેટિસ : ખરેખર. હવે, મને કહો, મારા સાહેબ, શું તમારા અણગમાનું મૂળ તમારી સંસ્કૃતિ ગુમાવવાના ડરમાં છે કે તમારી સમજણના અભાવમાં? શું અર્થપૂર્ણ અને વિશદ સંવાદથી પરસ્પર આદરમાં વૃદ્ધિ અને આપસના ભયમાં ઘટાડો ન કરી શકાય? શું તફાવતોને ભૂંસી નાખવાને બદલે તેમને સ્વીકારવાથી પરસ્પર આદર ન વધી શકે?

હિંદુત્વવાદી : (વિચારીને) કદાચ. પરંતુ આ તફાવતોને અવગણવું મુશ્કેલ છે.

સોક્રેટિસ : હા, અઘરું હોઈ શકે છે, પણ અશક્ય નથી. તમે વિચારો કે શું વધુ અગત્યનું છે – તફાવતોને નાબૂદ કરવાનું કે વિવિધતામાં એકતા શોધવાનું? જો હિંદુ સંસ્કૃતિ ખરેખર સબળ હોય, તો શું સાંસ્કૃતિક વિવિધતાથી તે નબળી પડશે? શું એકબીજાની સંસ્કૃતિને આદરપૂર્વક સમજવાથી નુકસાન થશે? શું હિન્દુઓમાં પણ દ્વૈત, અદ્વૈત, વૈષ્ણવ, શૈવ, અને શાક્ત જેવા તફાવતો નથી?

હિંદુત્વવાદી : (લાંબા વિરામ પછી) હું માનું છું કે આ એક ધ્યાનમાં લેવા જેવી બાબત છે. કદાચ અમે એકબીજા પાસેથી શું શીખી શકીએ તેના બદલે અમને શું વિભાજિત કરે છે તેના પર અમે વધુ ધ્યાન આપ્યું છે.

સોક્રેટિસ : તમારી આ વાત સમજદારી બતાવે છે, મારા મિત્ર. સાંસ્કૃતિક તફાવતો અનિવાર્ય છે. પરંતુ આપણે તેમના પ્રતિ કેવો પ્રતિભાવ આપીએ છીએ તે આપણા ભવિષ્યને ઘડે છે. શું આપણે સમજણના સેતુ બનાવતી આવી બાબતો શોધવાનું ચાલુ રાખીશું? તમે ભારતમાં મુસ્લિમ વસ્તીના વધારા અંગે ચિંતા વ્યક્ત કરો છે. મને કહો, તમારી આવી ચિંતાનું કારણ શું  છે?

હિંદુત્વવાદી : સોક્રેટિસ, તે સીધું ને સટ છે. તેમની વસ્તી અમારા કરતાં ઝડપથી વધી રહી છે. તેમના આવા વસ્તી વધારાથી તો તેઓ અમારી હિન્દુઓની સંખ્યા કરતાં વધી જશે, અને ભવિષ્યમાં ભારત હિન્દુ બહુમતી રાષ્ટ્ર નહીં રહે. મુસલમાનો અમારા પર ફરીથી રાજ કરશે.

સોક્રેટિસ : ખરેખર આ એક ચિંતાનો વિષય છે. ચાલો, આપણે તેના વિષે ગંભીરતાથી વિચારીએ. કેટલી ઝડપથી તેમની વસ્તી વધી રહી છે એમ તમે માનો છો? અને તમારી આ માન્યતા કયા પુરાવા પર આધારિત છે?

હિંદુત્વવાદી : આ તો એક જાણીતી હકીકત છે. કેટલાક રાજકીય નેતાઓને એમ કહેતા સાંભળ્યા છે કે મુસલમાનો જાણી જોઈને તેમની વસ્તી વધારે છે.

સોક્રેટિસ : હકીકતો એ સમજણનો પાયો છે. પરંતુ મને કહો, શું તમે હકીકતોનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો છે? શું તમે બંને કોમોના વસ્તીના વાસ્તવિક વૃદ્ધિ દરને જાણો છો? કે પછી તમારી માન્યતા સાંભળેલી વાતો પર આધારિત છે ?

હિંદુત્વવાદી : મેં જાતે ડેટાનો અભ્યાસ કર્યો નથી, પરંતુ, જે લોકો આવું કહે છે તેમના પર મને વિશ્વાસ છે.

સોક્રેટિસ : પરંતુ શું આવા દાવાઓને ચકાસવાની જરૂર નથી, ખાસ કરીને આપણે જ્યારે સમગ્ર સમુદાય વિશેની આપણી ધારણાઓ બાંધતા હોઈએ ત્યારે? શું જનસંખ્યાશાસ્ત્રના નિષ્ણાતો નથી કહેતા કે હિંદુઓ અને મુસ્લિમો સહિત ભારતમાં એકંદર વસ્તી વધારાનો દર ઘટી રહ્યો છે. અને હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેના પ્રજનન દરમાં પણ તફાવત એટલો બધો નથી કે વસ્તી વિષયક પરિવર્તન પડકારજનક થઈ જાય. તેમ છતાં, ચાલો તમારી માન્યતા સાચી છે એમ માનીને ધારી લઈએ કે ભારતમાં મુસલમાનોની વસ્તી ખરેખર ઝડપથી વધી રહી છે. પણ શું તમે જાણો છો કે આવું કેમ થતું હશે?

હિંદુત્વવાદી : તે તેમની ધાર્મિક માન્યતાઓને કારણે છે. ઇસ્લામ બહુપત્નીત્વને અને મોટા પરિવારોને પ્રોત્સાહન આપે છે. તેઓ તેમની સંખ્યા વધારવા અને અમારા પર વર્ચસ્વ જમાવવા માટે જાણી જોઈને આવું કરે છે.

સોક્રેટિસ : આ એક રસપ્રદ ધારણા છે. પણ તમે મને જણાવો કે તમે એવા કેટલા મુસ્લિમોને મળ્યા જેઓ એક કરતાં વધુ પત્નીઓ ધરાવે છે?

હિંદુત્વવાદી : હું મુસ્લિમોને ખાસ મળતો નથી. પરંતુ, એવું સાંભળ્યું છે કે એમનો ધર્મ એમને ચાર પત્ની કરવાની છૂટ આપે છે.

સોક્રેટિસ : અચ્છા. તમે એવું સાંભળ્યું છે. પણ શું કદાચ એવું ન બની શકે તેમની ચાર પત્ની રાખવાની ધાર્મિક છૂટને કારણે તમારામાંથી કેટલાક લોકોને મુસલમાનો પ્રતિ ઈર્ષા થતી હોય? અને તમારા કેટલાક હિન્દુઓ પણ એકથી વધુ પત્ની કરવા મુસ્લિમ નથી બની જતા?

હિંદુત્વવાદી : (શરમાઈને) ચાલો, બહુપત્નીત્વની વાત જવા દઈએ. તો ય શું તેઓ વધુ બાળકો પેદા નથી કરતા?

સોક્રેટિસ : ચાલો, બહુપત્નીત્વની વાત જવા દઈએ. પણ, તમે મને કહો કે શું માત્ર ધર્મ જ જન્મદર નક્કી કરે છે, કે પછી આર્થિક અને સામાજિક પરિબળો પણ વસ્તીવધારામાં કોઈ ભૂમિકા ભજવી શકે છે?

હિંદુત્વવાદી : સામાજિક-આર્થિક પરિબળો? તમારો મતલબ શું છે, સોક્રેટિસ ?

સોક્રેટિસ : એ તો જાણીતી હકીકત છે કે ગરીબીનું ઊંચું સ્તર, શિક્ષણની નીચી પહોંચ, અને મર્યાદિત આરોગ્ય સંભાળ ધરાવતા સમાજોમાં જન્મદર મહદંશે વધારે હોય છે. આ પરિબળોને કારણે અમુક મુસ્લિમ સમુદાયોમાં વસ્તી વધતી હશે. અને કદાચ તે જ રીતે આવાં પરિબળો  કેટલાક હિંદુ સમુદાયોમાં પણ વસ્તી વધારા માટે જવાબદાર હોઈ શકે છે.

હિંદુત્વવાદી : (ખચકાતાં) તે સાચું હોઈ શકે. પરંતુ ઇરાદાપૂર્વકના વધારા વિશે શું? શું તેઓ અમારી સંખ્યા કરતાં આગળ વધી જવાનો પ્રયાસ નથી કરી રહ્યા?

સોક્રેટિસ : આ એક રસપ્રદ મુદ્દો છે. પણ મને પૂછવા દો, શું તમે મુસ્લિમ પરિવારો સાથે તેમના ઇરાદાઓ વિશે વાત કરી છે? શું તેઓ તમારી કોમ ઉપર પ્રભુત્વ મેળવવાની ઇચ્છાથી આમ કરે છે, કે તેમના કુટુંબનાં કદ કોઈ ઇરાદાપૂર્વકની વ્યૂહરચનાને બદલે વ્યક્તિગત અથવા આર્થિક કારણોને લીધે મોટાં છે?

હિંદુત્વવાદી : (રક્ષણાત્મક) મેં તેમની સાથે વાત કરી નથી. પરંતુ તે તો દેખીતી વાત છે કે તેમની વસ્તી વધી રહી છે.

સોક્રેટિસ : પરંતુ મને કહો, શું તમારી ધારણાઓ માટે કોઈ વિશ્વસનીય આધાર છે? શું તેમના દૃષ્ટિકોણને સમજવાની કોશિશ ચિત્રને વધુ સ્પષ્ટ નહીં કરે?

હિંદુત્વવાદી : (અનિચ્છાએ) તો પણ લોકશાહીમાં સંખ્યા મહત્ત્વપૂર્ણ છે. મોટી મુસ્લિમ વસ્તી એટલે તેમનો વધુ પ્રભાવ. શું તે સાચું નથી?

સોક્રેટિસ : શું પ્રભાવ ફક્ત સંખ્યાબળમાંથી જ આવે છે? કે પછી શિક્ષણની પહોંચ અને આર્થિક સ્થિતિથી પણ પ્રભાવ વધે છે? શું હિંદુઓ સંખ્યાને કારણે જ વધુ પ્રભાવશાળી છે? શું તેમનું ઊંચું ભણતર અને તેમની આર્થિક સમૃદ્ધિ પણ તેમના વધુ પ્રભાવ માટે જવાબદાર નથી?

હિંદુત્વવાદી : (થોભો) તે બાબતો પણ અગત્યની છે. પરંતુ લોકશાહીમાં સંખ્યા જ મહત્ત્વપૂર્ણ છે.

સોક્રેટિસ : તો સંખ્યાનો આ ભય કેવી રીતે દૂર કરી શકાય? અવિશ્વાસ ફેલાવીને કે તમામ સમુદાયો માટે શિક્ષણ, આરોગ્ય સંભાળ, અને તકોની પહોંચમાં સુધારો કરીને? શું ઊંચા જન્મદરનાં મૂળ કારણોને સંબોધવાથી માત્ર મુસ્લિમોને જ નહીં, પરંતુ સમગ્ર ભારતને ફાયદો ન થઈ શકે?

હિંદુત્વવાદી : (થોડા વિરામ પછી) પરંતુ જેઓ ઇરાદાપૂર્વક રાજકીય લાભ માટે તેમની સંખ્યાનો ઉપયોગ કરે છે તેનું શું?

સોક્રેટિસ : તમારી ચિંતા વાજબી છે. પરંતુ મને કહો, શું રાજકીય તકવાદીઓ માત્ર એક જ સમુદાયમાં હોય છે, કે આવાં તત્ત્વો દરેક કોમ અને જૂથમાં જોવા મળે છે? શું તમારા લોકોમાં તડાં પાડતાં આવાં તત્ત્વોનો સૌએ સંગઠિત થઈને સામનો કરવો એ વધુ સમજદારી-ભર્યું નથી?

હિંદુત્વવાદી : (નિસાસો નાખતાં)  કહેવું સહેલું છે, સોક્રેટિસ.

સોક્રેટિસ : સાચું, મારા મિત્ર. પરંતુ શું કરવા યોગ્ય બધી બાબતો ક્યારે ય સરળ હોય છે? જો ભારતની શક્તિ તેની વિવિધતામાં રહેલી એકતામાં હોય તો શું તમારે આપસના ડરને વધારવાને બદલે, તથ્યો પર આધારિત સમજણ કેળવીને તમારા ડરને દૂર કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ?

હિંદુત્વવાદી : (માથું હલાવીને) કદાચ. પરંતુ આવું કરવામાં સમય લાગશે.

સોક્રેટિસ : હા, સમય તો લાગશે. પરંતુ, શું સૌ પ્રથમ તમારી માની લીધેલી ધારણાઓ પર સવાલ ઉઠાવીને સત્ય શોધવા માટે  ખુલ્લા દિલથી એકબીજા સાથે સંવાદ કરવો જરૂરી નથી?

હિંદુત્વવાદી : સોક્રેટિસ, તમને ખબર નથી પણ આ લોકો “લવ જેહાદ” ચલાવે છે. મુસ્લિમ પુરુષો અમારી મહિલાઓને લલચાવીને કે પટાવીને સંબંધો બાંધે છે. પછી તેમને ઇસ્લામમાં કન્વર્ટ કરે છે. અને એ રીતે તેઓ અમારી સંસ્કૃતિ અને અમારા ધર્મને નબળો પાડી રહ્યા છે.

સોક્રેટિસ : જો આ સાચું હોય તો ખરેખર તે એક ગંભીર બાબત કહેવાય. પણ તમે મને કહો કે તમારા આ દાવાને સમર્થન આપવા માટે તમે કયા પુરાવા પર આધાર રાખો છો?

હિંદુત્વવાદી : મીડિયામાં અસંખ્ય અહેવાલો આવ્યા છે. હિંદુ મહિલાઓ પ્રલોભનોને કારણે તેમના પરિવારને છોડી દે છે, અને ધર્મ પરિવર્તન કરે છે. આ સંયોગ નથી – આ એક પ્રયોગ છે, એક યોજનાબદ્ધ કાવતરું છે.

સોક્રેટિસ : તમે કહો છો  કે આ એક કાવતરું છે. પરંતુ, ચાલો આપણે તેની તપાસ કરીએ. શું આ સંબંધો સંપૂર્ણપણે એકતરફી હોય છે? લાલચને કારણે હોય છે? કે પછી તેમાં પરસ્પર સંમતિ પણ હોય છે?

હિંદુત્વવાદી : (ખચકાતાં) કેટલાક કિસ્સાઓમાં પરસ્પર સંમતિ હોઈ શકે છે. પરંતુ મોટે ભાગે તો તેઓ કપટથી હિન્દુ મહિલાઓ સાથે પ્રેમનો ઢોંગ કરે છે. ક્યારેક મુસલમાન છોકરાઓ હિન્દુ નામ રાખીને કે તેમની સાચી ઓળખ છુપાવીને હિન્દુ મહિલાઓ સાથે સંબંધ બાંધે  છે. અને પછી તે મહિલાઓને ધર્મ પરિવર્તન માટે દબાણ કરીને નિકાહ કરે છે.

સોક્રેટિસ : શું તમે આવી મહિલાઓ કે તેમના પરિવારો સાથે વાત કરી છે? શું તમે જાણો છો કે તેઓને ફરજ પાડવામાં આવી હતી, અથવા તેમના નિર્ણયો તેમણે પોતે લીધા હતા?

હિંદુત્વવાદી : (રક્ષણાત્મક) મેં તેમની સાથે વાત કરી નથી. પણ હિંદુ સ્ત્રી સ્વેચ્છાએ શા માટે પોતાનો ધર્મ છોડી દે? તેની પાછળ લાલચ કે બળજબરી જ હોવી જોઈએ!

સોક્રેટિસ : શું આસ્થા એ મજબૂરીનો વિષય છે કે પસંદગીનો? જો કોઈ વ્યક્તિ પોતાની ધાર્મિક આસ્થા બદલે છે, તો શું તે હંમેશાં બળજબરી સૂચવે છે, કે તેની પોતાની મુનસફીને?

હિંદુત્વવાદી : અમુક કિસ્સાઓમાં તે એક પસંદગી હોઈ શકે છે. પરંતુ મોટે ભાગે આ ધર્માન્તરણો એક વ્યૂહરચનાનો ભાગ છે. તેઓ અમારી સંખ્યા ઘટાડીને હિંદુ ધર્મને નબળો પાડવા માંગે છે.

સોક્રેટિસ : આ તો એક ગંભીર ચિંતાનો વિષય કહેવાય. પણ મને કહો, શું માત્ર મુસ્લિમ પુરુષો જ અન્ય ધર્મની સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે કે પછી હિન્દુ પુરુષો પણ મુસ્લિમ સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે? શું તમારો સંદેહ આવાં બધાં જ લગ્નોને લઈને એકસરખો હોય છે ?

હિંદુત્વવાદી : (ખચકાતાં) ના, તે અલગ છે. હિન્દુ પુરુષો અને મુસ્લિમ મહિલાઓ વચ્ચેનાં લગ્નો તો પ્રેમલગ્નો હોય છે. હિન્દુ પુરુષો મુસ્લિમ મહિલાઓને ધર્મ પરિવર્તન કરાવવા માટે પરણતા નથી. અને લગ્ન પહેલાં કે પછી તે માટે દબાણ પણ કરતા નથી.

સોક્રેટિસ : ચાલો, એક ઘડી માટે માની લઈએ કે કેટલાક હિંદુ પુરુષોએ ધર્મ પરિવર્તનને પ્રોત્સાહન નહીં આપ્યું હોય. પરંતુ, શું હિન્દુ પુરુષોનાં મુસ્લિમ મહિલાઓ સાથેનાં લગ્ન પણ તમને એટલાં જ પરેશાન કરે છે ? કે પછી આ મુદ્દો ધર્માંતરણ વિશે ઓછો છે અને તમારી સાંસ્કૃતિક ઓળખ ગુમાવવાના ભય વિશે વધુ છે?

હિંદુત્વવાદી : (થોભો) કદાચ તે બંને છે. પરંતુ હિન્દુ સ્ત્રીઓનાં ધર્માંતરણો અમારા હિન્દુ સમુદાયને નબળો પાડે છે. તેથી સંખ્યાબળનું સંતુલન અમારી વિરુદ્ધ બગડે છે.

સોક્રેટિસ : જ્યારે કેટલાક હિન્દુઓ બીજી પત્ની કરવા મુસલમાન બને છે ત્યારે સંખ્યાબળનું સંતુલન તમારી વિરુદ્ધ બગડતું નથી? અને તમે શું એમ માનો છો કે હિંદુ ધર્મની તાકાત માત્ર સંખ્યા પર નિર્ભર છે કે તેનાં મૂલ્યો પર આધારિત છે? શું તમને નથી લાગતું કે હિન્દુઓની આર્થિક રાજકીય તાકાત પણ મામૂલી નથી?

હિંદુત્વવાદી : (અનિચ્છાએ) હિંદુ ધર્મ મજબૂત છે, પણ લોકશાહીમાં સંખ્યાનું પણ મહત્ત્વ છે. જો ઘણા લોકો અમારો ધર્મ  છોડી દે, તો તે અમારા રાજકીય ભવિષ્યને અસર કરી શકે છે.

સોક્રેટિસ : તમારી ચિંતા વાજબી છે. પણ તમે મને કહો, જો કોઈ વ્યક્તિની શ્રદ્ધા આટલી સહેલાઈથી ડગમગી જાય તો શું તેની ધર્મ નિષ્ઠા જ નબળી ના કહેવાય?

હિંદુત્વવાદી : (વિચારીને) કદાચ તેમ હોઈ શકે. પરંતુ શા માટે અમારે ધર્માન્તરણને સહન કરવું જોઈએ?  શું તેને રોકવું અમારા માટે હિતાવહ નથી?

સોક્રેટિસ : આ એક રસપ્રદ પ્રશ્ન છે. ચાલો, આપણે તેના વિષે વિચારીએ. શું ધર્માંતરણ અટકાવવાથી તમારા લોકોની હિન્દુ ધર્મ પ્રત્યેની આસ્થા મજબૂત થશે? શું ધર્મ પ્રત્યેની આસ્થા સ્વૈચ્છિક નથી હોતી?

હિંદુત્વવાદી : (ખચકાતાં) હું માનું છું કે સાચી શ્રદ્ધા સ્વૈચ્છિક હોવી જોઈએ. પરંતુ લોકોને ધર્માંતરણ માટે ગેરમાર્ગે દોરવામાં આવે તેનું શું? ‘લવ જેહાદ’ના કેસોમાં આવું જ થતું હોય છે.

સોક્રેટિસ : બીજાઓને ગેરમાર્ગે દોરવું એ તો ખરેખર ખોટું છે. કોઈની પણ સાથે કરેલું છળકપટ નિંદનીય છે. પરંતુ શું આવી હેરાફેરી મુસ્લિમ ધર્મ પૂરતી જ મર્યાદિત છે કે કોઈપણ માનવસંબંધોમાં આવી બદી જોવા મળે છે? શું આપણે કેટલીક વ્યક્તિઓની લુચ્ચાઈ માટે સમગ્ર સમુદાયને દોષ દેવો જોઈએ?

હિંદુત્વવાદી : (નિસાસો નાખતાં) સમગ્ર સમુદાયને દોષી ઠેરવવો કદાચ અયોગ્ય છે. પરંતુ આવા અનેક દાખલાઓ છે.

સોક્રેટિસ : પરંતુ, શું આવા દાખલાઓ ખરેખર બહુમતીનું પ્રતિનિધિત્વ કરે છે કે છૂટાછવાયા કેસો છે? શું ક્યારેક અમુક ઘટનાઓને લોકો કે મીડિયા વ્યાપક સ્વરૂપ આપીને ગભરાટ ફેલાવવાનું કામ નથી કરતાં?

હિંદુત્વવાદી : (વિચારીને) કદાચ અમુક અવળચંડા લોકો કે કેટલાંક તોફાની મીડિયા અતિશયોક્તિ કરતાં હશે, કરે છે. પરંતુ આવાં ધર્માંતારણો સામે પ્રતિક્રિયા આપ્યા વગર અમે અમારા હિન્દુ સમુદાયનું રક્ષણ કેવી રીતે કરી શકીએ?

સોક્રેટિસ : આ એક વિચારવાલાયક પ્રશ્ન છે. શું તમે આંતર ધર્મ સંવાદને પ્રોત્સાહન આપીને એક સમજુ સમાજનું નિર્માણ ન કરી શકો, જ્યાં લોકો માહિતગાર થાય અને સ્વતંત્ર પસંદગીઓ કરી શકે ?

હિંદુત્વવાદી : (થોડા સમય પછી) આ એક લોભામણો આદર્શ લાગે છે. પરંતુ જ્યારે સમુદાયો વચ્ચે તણાવ ખૂબ વધારે હોય ત્યારે એકબીજા પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે.

સોક્રેટિસ : આ એક ખરેખર મુશ્કેલ કામ છે, મારા મિત્ર. પરંતુ, શું નિષ્ઠાપૂર્વકનો સંવાદ કોઈ સુમેળભર્યા સમાજનો પાયો ન બની શકે? મને કહો, જે શંકાનું વિષચક્ર બનાવે છે અને જે આપણને વધુ વિભાજિત કરે છે તેવા ડરથી પરસ્પર વિશ્વાસ મજબૂત બનશે ખરો?

હિંદુત્વવાદી : (નિસાસો નાખતાં) હું તમારી સાથે સંમત થાઉં છું કે ડર વિભાજિત કરે છે.  પરંતુ તેને દૂર કરવો સરળ નથી.

સોક્રેટિસ : સાચી વાત છે. પરંતુ તે માટે સૌ પ્રથમ આપણી માની લીધેલી ધારણાઓનું સત્યાપન કરવાની જરૂર નથી? અને વાતવાતમાં ઉતાવળા અને વગર વિચારે અભિપ્રાયો બાંધી લેવા કે ચુકાદા આપવાને બદલે સાચી જિજ્ઞાસાપૂર્વક એકબીજાની નજીક જવું જરૂરી નથી? શું જે ડર આપણને એકબીજાથી અલગ કરે છે તેને દૂર કરીને આપણે સૌ સાથે મળીને એક મજબૂત સહિયારું ભવિષ્ય ન  બનાવી શકીએ?

હિંદુત્વવાદી : (ધીમેથી હકારમાં) કદાચ તેવા પ્રયાસ કરવા યોગ્ય છે. પરંતુ તે માટે બંને બાજુથી પ્રયત્નો કરવા પડશે. એક હાથે તાળી ન પડે, સોક્રેટિસ.

સોક્રેટિસ : ખરેખર, મારા મિત્ર. સાચી સંવાદિતા માટે બંને પક્ષે પ્રયત્નોની જરૂર છે. પરંતુ જો તે શાંતિ અને સમજણ તરફ દોરી જાય તો શું તેવા પ્રયત્નો કરવા સાર્થક ન કહેવાય?

હિંદુત્વવાદી : પરંતુ, સોક્રેટિસ, આ મુસલમાનો સખણા નથી. પૂરી દુનિયામાં તેમણે ઉધામો મચાવ્યો છે. માટે તે ચિંતાનો વિષય  છે.

સોક્રેટિસ : તમે શું કહેવા માંગો છો?

હિંદુત્વવાદી : સોક્રેટિસ, હું જે કહું છું તે ઇસ્લામિક ઉગ્રવાદનો વૈશ્વિક ફેલાવો છે. તે સર્વત્ર છે-આતંકવાદ, હિંસા, આ એક એવી વિચારધારા જે માત્ર અમારા દેશને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને ધમરોળી રહી છે.

સોક્રેટિસ : ખરેખર આ એક ગંભીર ચિંતાનો વિષય છે. ચાલો, એ અંગે વિચારીએ. જ્યારે તમે ઇસ્લામિક ઉગ્રવાદની વાત કરો છો, ત્યારે તમારો અર્થ શું છે? શું આવો ઉગ્રવાદ પોતે જ ઇસ્લામ ધર્મની પેદાશ છે કે તેના કેટલાક અનુયાયીઓ તેમના ધર્મનું મનગમતું અર્થઘટન કરીને આવો ઉગ્રવાદ ફેલાવે છે?

હિંદુત્વવાદી : બધા મુસ્લિમો ઉગ્રવાદી નથી તે હું જાણું છું. પરંતુ તેમના ઉગ્રવાદીઓ-આતંકવાદીઓ હિંસાને વાજબી ઠેરવવા માટે ધર્મને તોડી મરોડીને તેમની વિચારધારા ફેલાવવા માંગે છે એવો મને ડર છે.

સોક્રેટિસ : બરાબર. તમે વ્યાપક મુસ્લિમ સમુદાય અને ઉગ્રવાદીઓ વચ્ચે તફાવત કરો છો તે પ્રશંસનીય છે. પણ, મને કહો, આવા મુસ્લિમ ઉગ્રવાદીઓનું પ્રમાણ કેટલું મોટું હશે તેમ તમે માનો છો?

હિંદુત્વવાદી :  મને ચોક્કસ સંખ્યાની ખબર નથી. પરંતુ, તેમનો પ્રભાવ ઘણો હોય તેવું લાગે છે. વિશ્વભરના હુમલાઓ જુઓ-અમેરિકાનું ૯/૧૧. ફ્રાંસ, નેધરલેન્ડ જેવા યુરોપના અનેક દેશમાં તેમનો આતંક ફેલાયો છે. અને અમારા ભારતમાં તો હદ કરી નાખી છે. દિલ્હીમાં અમારા સંસદભવન પર હુમલો અને મુંબઈમાં કરેલા તેમના હુમલા એ ભુલાય એવા નથી. આઈ.એસ.આઈ.એસ. અને  અલ-કાયદા જેવાં આતંકવાદી જૂથો તેમની વિચારધારા જંગલની આગની જેમ ફેલાવે છે.

સોક્રેટિસ : ખરેખર, આવા હુમલા ભયાનક છે. પરંતુ, ચાલો આપણે વિચારીએ. શું આ ઉગ્રવાદીઓ ઇસ્લામના મૂળ ઉપદેશોનું પ્રતિનિધિત્વ કરે છે, અથવા તેના વિકૃત સ્વરૂપનું? શું તમે ઇસ્લામ ધર્મના વ્યાપક ઉપદેશોના સંદર્ભમાં તેમની વિચારધારાનો અભ્યાસ કર્યો છે?

હિંદુત્વવાદી : (રક્ષણાત્મક) ના, મેં તેનો અભ્યાસ કર્યો નથી. અને મને તેની જરૂર પણ લાગતી નથી. પરંતુ જો તેમનાં કુકર્મો આટલાં વ્યાપક હોય, તો શું તેનો અર્થ એ નથી કે તેમના ધર્મમાં કંઈક એવું છે જે આવી હિંસાને પ્રેરણા આપે છે?

સોક્રેટિસ : આ એક વિચારવાલાયક પ્રશ્ન છે. પણ તમે મને કહો, શું કેટલાક આત્યંતિક અનુયાયીઓનાં કૃત્યોને આધારે આખા ધર્મને વગોવવો યોગ્ય છે? દાખલા તરીકે, શું તમે હિંદુ ધર્મને નામે હિંસા આચરનારાઓનાં કૃત્યોને કારણે તમારા ધર્મને વખોડશો?

હિંદુત્વવાદી : (ખચકાતાં) એ અલગ છે. હિંદુ ધર્મ સ્વાભાવિક રીતે જ શાંતિપ્રિય છે.

સોક્રેટિસ : હિંદુ ધર્મ ખરેખર શાંતિપ્રિય છે. પરંતુ શું તમારા રામાયણ અને મહાભારત જેવા કેટલાક પ્રાચીન ગ્રંથોમાં હિંસક યુદ્ધોનો ઉલ્લેખ નથી? શું કેટલાક હિન્દુ ધર્મના નેતાઓ આવા ગ્રંથોને આધારે અમુક સંજોગોમાં ‘ધર્મ યુદ્ધ’ના નામે હિંસાને વાજબી નથી ઠેરવતા? શું હિન્દુઓ પણ કોમી હુલ્લડોમાં ભાગ નથી લેતા?

હિંદુત્વવાદી : (અનિચ્છાએ) હા, આવાં ઉદાહરણો છે. પરંતુ તે બહુ વ્યાપક નથી!

સોક્રેટિસ : ચોક્કસ. શું ઇસ્લામ સાથે પણ આવું જ ન હોઈ શકે? શું કેટલાક ઉગ્રવાદીઓ સમગ્ર ઇસ્લામ ધર્મનું પ્રતિનિધિત્વ કરવાને બદલે તેમના ધાર્મિક ગ્રંથોનું ખોટું અર્થઘટન કરીને પોતાનો ઉલ્લુ સીધો કરવા માંગતા હોય એવું ન બની શકે ?

હિંદુત્વવાદી : કદાચ. પરંતુ શા માટે ઘણા યુવાન મુસ્લિમો આ જૂથો તરફ ખેંચાય છે?

સોક્રેટિસ : આ એક ચિંતાજનક પ્રશ્ન છે. પરંતુ, તમે મને કહો, શું તમે માનો છો કે માત્ર ધર્મ જ લોકોને ઉગ્રવાદ તરફ દોરી જાય છે, અથવા અન્ય પરિબળો – ગરીબી, બેકારી, રાજકીય દમન, અને તકોનો અભાવ – પણ કોઈ ભૂમિકા ભજવી શકે છે?

હિંદુત્વવાદી : (વિચારપૂર્વક) તે પરિબળો ફાળો આપી શકે છે. પરંતુ તેમના ધાર્મિક નેતાઓ આવી ધાર્મિક આગને  ફેલાવે છે.

સોક્રેટિસ : સાચું. કેટલાક રાજકીય અને ધાર્મિક નેતાઓ પોતાના સ્વાર્થ માટે ધર્મનો દુરુપયોગ કરતા હોય છે. પરંતુ શું દરેક ધર્મમાં કે સમાજમાં આવાં તોફાની તત્ત્વો નથી હોતાં? અને શું આવાં કુકર્મોમાં બધા જ ધર્મગુરુઓ કે રાજકીય નેતાઓ સંડોવાયેલા હોય છે? કે પછી મુસ્લિમોમાં પણ કેટલાક એવા ધર્મગુરુઓ અને નેતાઓ હોય છે જે ઉગ્રવાદનો સામનો કરવા માટે મથામણ કરતા હોય? શું તમે કેટલાક મુસ્લિમ વિદ્વાનોને આતંકવાદની નિંદા કરતા સાંભળ્યા છે?

હિંદુત્વવાદી : (થોભો) મેં કેટલાક વિશે સાંભળ્યું છે, પરંતુ તેમના અવાજો ઉગ્રવાદીઓ આગળ ડૂબી ગયા હોય તેવું લાગે છે.

સોક્રેટિસ : તેવું શા માટે હોઈ શકે? શું એવું બની શકે કે મીડિયા એવો ભ્રમ પેદા કરે છે કે શાંતિવાદીઓ કરતાં ઉગ્રવાદીઓ બહુમતીમાં છે કે વધુ લોકપ્રિય છે?

હિંદુત્વવાદી : તે શક્ય છે. પરંતુ ઇસ્લામિક ઉગ્રવાદ વૈશ્વિક ખતરો બની ગયો છે એવું તો લાગે છે. ખાસ કરીને, જ્યારે આવા હિંસક હુમલાઓ વારંવાર થાય છે ત્યારે.

સોક્રેટિસ : તમારી ચિંતા વાજબી છે. પરંતુ ચાલો, આ અંગે આપણે વિચારીએ. શું ઇસ્લામિક ઉગ્રવાદનો તમારો ડર ફક્ત હિંસા કરનારાઓ પૂરતો જ મર્યાદિત છે કે તે વ્યાપક મુસ્લિમ સમુદાય સુધી વિસ્તરે છે?

હિંદુત્વવાદી : (ખચકાતાં) હું માનું છું કે તે માટે બધા મુસલમાનો જવાબદાર છે. કારણ કે, કોઈ કહે કે ‘ઇસ્લામ ખતરામાં છે’ તો બધા ‘અપને વાલા’ ભેગા થઈ જાય છે.

સોક્રેટિસ : શું આવી શંકા સમજણ અને શાંતિને ઉત્તેજન આપશે કે તે વિભાજનને વધુ ઊંડું કરશે, જેથી ઉગ્રવાદીઓને ‘જોઈતું’તું અને વૈદે કર્યું’ જેવો ફાયદો થાય?

હિંદુત્વવાદી : (નિસાસો નાખતાં) તે કદાચ વિભાજનને વધુ ઊંડું કરે છે.

સોક્રેટિસ : ખરેખર. અને શું આવી શંકાઓથી, જે મુસ્લિમો અલગ છે અને જેઓ ઉગ્રવાદનો વિરોધ કરે છે, તેમને આપણી નજીક લાવવાને બદલે તમે વધુ દૂર નહીં ધકેલો?

હિંદુત્વવાદી : (માથું હલાવતાં) આ વિચારવા જેવી વાત છે. પરંતુ વાસ્તવિક ખતરાને અવગણ્યા વિના આપણે આ કોકડું કેવી રીતે ઉકેલી શકીએ?

સોક્રેટિસ : આ એક ઉત્તમ પ્રશ્ન છે. શું આનો ઉકેલ ઉગ્રવાદની વિચારધારાને ધર્મથી અલગ કરવામાં અને તેનો સામનો કરવા માટે મુસ્લિમ સમુદાયમાં જે મધ્યમમાર્ગી અવાજો છે તેમની સાથે કામ કરવામાં હોઈ શકે?

હિંદુત્વવાદી : (વિચારીને) તે કામ કરી શકે છે. પરંતુ તે કરવા કરતાં કહેવું સહેલું છે.

સોક્રેટિસ : સાચું, મારા મિત્ર. પણ મને કહો, જો આપણે ઉગ્રવાદનો જવાબ શંકા અને દુશ્મનાવટથી આપીએ, તો શું આપણે પોતે જ ક્ટ્ટરવાદી કે આત્યંતિક બનવાનું જોખમ નથી લેતા? શું આપણે ડરનો સામનો સમજણથી અને હિંસાનો સામનો સંવાદથી ન કરી શકીએ?

હિંદુત્વવાદી : (થોડા વિરામ પછી) કદાચ આપણે તેમ કરી શકીએ. પરંતુ તે માટે ઘણી મહેનત કરવી પડશે.

સોક્રેટિસ : ખરેખર, પ્રયત્નો તો કરવા પડશે. પણ શું આવા પ્રયત્નો કરવા યોગ્ય નથી? જ્યાં સુધી આપણે એકબીજાને ખતરા તરીકે જોઈશું, ત્યાં સુધી શાંતિ છેતરામણી રહેશે. શું આપણે આ વિભાજનને દૂર કરવા માટે પ્રથમ પગલું કેવી રીતે લેવું જોઈએ તે અંગે ન વિચારી શકીએ? શું આપણી ભાવિ પેઢીઓને વારસામાં વેર અને ઝેર મૂકવા માંગીએ છીએ કે એક ઉજ્જવળ ભવિષ્યની આશા?

હિંદુત્વવાદી ઊંડા વિચારમાં પડી જાય છે.

૦૦૧, પવનવીર, પ્રતાપગંજ,વડોદરા-390 002
ઈ-મેલ:pravin1943@gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ 2025; પૃ. 04-08 તેમ જ 03

Loading

...102030...202203204205...210220230...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved