Opinion Magazine
Number of visits: 9964363
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત તરફ આખા વિશ્વની નજર છે, પણ હવે દૃષ્ટિકોણ બદલાઇ ચૂક્યો છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 May 2021

જો કે દુનિયા આખી ભારતનાં વખાણ કરવામાં હતી ત્યાં તો સક્ષમ રાષ્ટ્રોએ ભારતને મદદ મોકલવી પડી

આમાં એમ છે કે પહેલાં આપણે બહુ ખોંખારા ખાધા અને પછી ખાંસી ખાઇ ખાઇને એવા બેવડ વળ્યા કે આંખમાંથી નીકળતાં પાણી પણ સુકાઇ ગયાં. આખી દુનિયાએ નોંધ લીધી કે આપણી શું વલે થઇ છે, કેટલી બદતર હાલતમાંથી આપણે પસાર થઇ રહ્યા છે. એકે એક ગ્લોબલ મીડિયાના પહેલા પાને અને પ્રાઇમ ટાઇમમાં આપણા દેશમાં બળતી ચિતાઓ દેખાડાઇ. આખી દુનિયા સામે આપણે દ્રષ્ટાંત બેસાડવાની વાતો કરતા હતા, પણ આપણે ત્યાં જે રીતે મોતનું તાંડવ અને હાલાકીનાં દ્રશ્યો સર્જાયાં તે પછી આપણી છાતીનાં પાટિયાં બેસી ગયાં છે. આક્રંદ સિવાય કશું જ અત્યારે કોઇને કાને નથી પડી રહ્યું.

છેલ્લા ત્રણ જ મહિનામાં સંજોગો બદલાઇ ગયા. ભારતમાં કોરોનાવાઇરસનું સેકન્ડ વેવ દુનિયાના બીજા કોઇપણ દેશમાં આવેલા વાઇરસનાં વહેણ કરતાં કંઇક ગણું ઝડપી નીકળ્યું, બલકે સૌથી વધુ ઝડપી સાબિત થયું. વેક્સિનના ડોઝિસની અછત થઇ, હૉસ્પિટલમાં બૅડ્ઝની વાત કરવા જેવું પણ ન રહ્યું તો ઑક્સિજનની તંગીએ ભલભલાના જીવ લીધા. વાઇરસ પર આપણી જીતનો જશ્ન મનાવવામાં આપણે જરા ઉતાવળ કરી દીધી, આપદામાં ઉત્સવ અને અવસર બધું વહેલું શરૂ થઇ ગયું. આટલું ઓછું હતું તેમાં કુંભ મેળો અને રાજકારણના ખેલ પણ થયા. કહેનારા એમ પણ કહે છે કે એક માણસ કેટલે પહોંચી વળે અને લોકો પણ તો ટોળે વળ્યાં જ ને? પણ યથા રાજા તથા પ્રજા, લોકોને એમ લાગે કે દેશના વડાના મતે ‘સબ સલામત’ છે તો પછી લોકો ટોળે વળીને પાંવભાજી અને સેન્ડવિચ ખાવા પણ જાય. અહીં કોઇ એક જણનો વાંક કાઢવાની વાત જ નથી, વાત માત્ર એટલી જ છે કે ઘરના વડા પાસેથી અપેક્ષા રાખવામાં કઇ ખોટું નથી. જો કે દુનિયા આખી ભારતનાં વખાણ કરવામાં હતી ત્યાં તો સક્ષમ રાષ્ટ્રોએ ભારતને મદદ મોકલવી પડી. હવે જો કાલે કોઇ એમ કહે કે ભારતને મદદ મળી તે પાછળ પણ એક જ જણ જવાબદાર છે તો તે ખોટું કારણ કે દક્ષિણ એશિયાઇ દેશોની વાત કરીએ. આપણા સિવાય ભાગ્યે જ કોઇ બીજું રાષ્ટ્ર એવું છે જેની પાસેથી વૈશ્વિક સ્તરે વ્યાપારી કે રાજકીય સંબંધોમાં સ્વસ્થતાની આશા રાખી શકાય. ચીન, જાપાન, પાકિસ્તાન વગેરેના વૈશ્વિક સ્તરે ડિપ્લોમૅટિક સંબંધો કેવા છે તે તમે જાણો છો અને મુસ્લિમ દેશોને આ બધા વૈશ્વિક સંબંધો સાચવવામાં કોઇ રસ નથી. આ સંજોગોમાં ભારતમાં બધું થાળે પડે એમાં અન્ય રાષ્ટ્રોને રસ હોય જ અને તેમાં કંઇ જ ખોટું નથી. આપણા દેશમાં તેમને વ્યવસાયી શક્યતાઓ વર્તાય છે તે કારણથી પણ જો તેઓ આપણને મદદ મળતી હોય તો એમ, મુદ્દો એ છે કે આપણને મદદની જરૂર પડી છે અને બહુ તિવ્રતાથી પડી છે. આપણને બ્રિટન, જર્મની અને યુ.એસ.એ. તરફથી મદદ મળી છે.

વાઇરસની અસર આપણા અર્થતંત્ર પર પડી જ છે અને આ ફાઇનાન્શિયલ યરના બીજા ક્વાટરમાં આર્થિક સ્થિતિ વધુ મંદ પડશે અને વૈશ્વિક વિકાસ દર પર તેનો સીધો પ્રભાવ પડશે તે ચોક્કસ. લૉકડાઉન વગેરેને કારણે ઇંધણની માંગ પણ ઘટી છે અને ખાલી દેખાતા રસ્તાઓનો પ્રભાવ ગ્લોબલ ઓઇલ રિકવરી પર પણ જોખમ બની ચૂક્યો છે. ભારતમાં ક્રુડ ઓઇલની માંગ ઘટશે તો તેની અસર વૈશ્વિક સ્તરે પડશે જ તે સ્વભાવિક છે.

વાઇરસ પણ પ્રેમ જેવો છે, એને કોઇ સરહદ નડતી નથી, એ કોઇની પણ સાડાબારી રાખતો નથી. આ રોગચાળાએ દુનિયા કેટલી સંકળાયેલી છે એ સાબિત કરી દીધું છે. ગમે તેટલા પ્રતિબંધ મુકાય, બોર્ડર્સ સીલ કરાય કે બીજું કંઇ પણ થાય જો ઇન્ફેક્શન ફેલાવાનું હશે તો એક દેશમાં વધારે હશે તો બાજુમાં પહોંચતા જરા ય વાર નથી લાગવાની. વળી આપણે ત્યાં વાઇરસનું નવું વેરિયન્ટ આવ્યું અને તેના કેસિઝની સંખ્યા અધધધ થઇ અને માટે જ વધુ ગંભીર વેરિયન્ટ મ્યુટેટ થાય તેની શક્યતા પણ વધી. ચિંતા એ પણ છે કે આ ડબલ મ્યુટન્ટ વાઇરસ વેક્સિનના પ્રભાવને ઘટાડી દેશે તો શું થશે? સોશ્યલ ડિસ્ટન્સિંગ, લૉકડાઉન વગેરે તો છે જ પણ વેક્સિનેશન પણ અગત્યનું છે અને ભારતમાં હજી સુધી તો માંડ ૧૦ ટકા વસ્તીને પહેલો ડોઝ મળ્યો છે અને ૨ ટકાથી ઓછી વસ્તીનું વેક્સિનેશન પૂરું થયું છે.

બાય ધ વેઃ

‘ધી ગાર્ડિયન' જેવા પ્રતિષ્ઠિત મીડિયામાં ભારતને કોવિડના દોજખનો દરજ્જો મળી ચૂક્યો છે. આપણે ત્યાં થયેલી ચૂંટણીની રેલીઓ અને કુંભના મેળાને પણ સખત વખોડવામાં આવ્યા છે.  ‘વૉલ સ્ટ્રીટ જરનલ’ હોય કે ‘ફાઇનાન્શિલય ટાઇમ્સ' હોય દરેકે સરકારની બેદરકારીની નોંધ લીધી છે, એટલી સૂક્ષ્મ દ્રષ્ટિએ કે વડા પ્રધાને કઇ રેલીમાં માસ્ક નહોતું પહેર્યું તેની પણ ચર્ચા ત્યાંની મીડિયામાં કરવામાં આવી. ભારતની સ્થિત કોઇ વરવાં દુઃસ્વપ્ન જેવી થઇ ચૂકી છે જેના સાક્ષી તરીકે આખી દુનિયા છે. વિશ્વએ રોગચાળાના રાજકારણની ટીકા પણ કરી છે તો આપણી સરકારનો જોઇ લઇશું હમણાં તો જેમ હંકાય છે તેમ હાંકોનો અભિગમ પણ નોંધ્યો છે. 2014ની ચૂંટણી પછી જે રીતે વૈશ્વિક નેતૃત્વમાં એક નવો ચહેરો ઉમેરાયો હતો તે ચહેરા પર હવે સવાલ પણ ઊઠી રહ્યા છે. ભારત પાસેથી બધા રાષ્ટ્રોને અપેક્ષા હતી, પરસ્પર વિકાસનો સ્વાર્થ પણ હતો પણ અત્યારના સંજોગોમાં તેમણે સક્ષમ થવાની શક્યતા ધરાવતા ભારતને મદદ કરવી જ રહી. આપણે બેઠા થવું જ પડશે અને આપણે બેઠા થઇશું જ પણ વૈશ્વિક સ્તરે જે છબી સામે ભવાં તણાયા છે તે દૃષ્ટિકોણ બદલાતા વાર લાગશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  02 મે 2021 

Loading

માનવતાનું પુષ્પ ડૉ. જીવરાજ મહેતા

કિશોર બી. જોશી, કિશોર બી. જોશી|Samantar Gujarat - Samantar|2 May 2021

રાજકારણે જેમને તરછોડ્યા પણ પ્રજાએ પ્રેમથી અપનાવ્યા.

માર્ચ ૨૦૦૮માં મેં ડૉ. જીવરાજ મહેતા પર દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ પર એક ડોક્યુમેન્ટરીનું નિર્માણ કરેલું. જેનું પ્રસારણ ૩૧ માર્ચ, અને ૧, મે ૨૦૦૮માં થયેલું.

મારું એક નાનકડું સ્મરણ છે.

લગભગ ૧૯૬૩માં મારાં વતન મોટા સમઢિયાળાના નજીકના ગામ રૂગનાથપુર નજીકની દેદુમલ નદીની એક સિંચાઈ યોજનાના ઉદ્ઘાટન માટે ડૉ. જીવરાજ મહેતા આવ્યા ત્યારે મારા પિતાશ્રી ભાનુશંકર કાળિદાસ જોશી હાથમાં ફાનસ લઇને એમની સામે રોડ પર ઊભા રહી ગયા. ગુજરાતના મુખ્ય મંત્રી પોતાના સાથીદારને ફાનસ સાથે જોઈને ગાડીમાંથી ઊતરી ગયા અને પૂછ્યું કે ભાનુભાઈ આ શું છે….?

મારા બાપુજીએ કહ્યું કે અમારા ગામમાં વીજળી નથી. ડૉ. જીવરાજ મહેતાએ ફાનસ હાથમાંથી લઈ લીધું અને પોતાની સાથે ગાડીમાં લઈ લીધા. એમના કાફલા સાથેની એક જીપમાં હું જિંદગીમાં પહેલીવાર જીપમાં બેઠો ત્યારે ત્રીજા ધોરણમાં હતો.

મોટા સમઢિયાળામાં  ૧૯૬૫માં વીજળી આવી ગઈ.

ડૉ. જીવરાજ મહેતાને આપણે સંત રાજકારણી કહી શકીએ એટલું ઉન્નત એમનું ચારિત્ર્યબળ હતું.

૧લી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન અને ડૉ. જીવરાજ મહેતાનું અનુસંધાન એક સિક્કાની બે બાજુ જેવાં છે.

ગુજરાતનાં કૉન્ગ્રેસી રાજકારણનો એક કમનસીબ મુદ્દો ગુજરાત વિરુદ્ધ સૌરાષ્ટ્રનો હતો.

સંયુક્ત મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય જ્યારે અલગ થયું, ત્યારે ગુજરાત માટે ખૂબ મોટી રકમ રૂપિયા દસ કરોડ નવાં પાટનગર ગાંધીનગરનાં નિર્માણ માટે અને ૪૫ કરોડ રૂપિયા પુરાંતના ભાગરૂપે  ડૉ. જીવરાજ મહેતા કુનેહપૂર્વક મંજૂર કરાવી શકેલા.

ડાંગનો પ્રદેશ ગુજરાતને મળ્યો તે ડૉ. જીવરાજ મહેતાને આભારી છે. નર્મદા યોજનાનો શિલાન્યાસ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર, પંચાયતી રાજ, નવી શિક્ષણ સંસ્થાઓની સ્થાપના, લોક ફરિયાદનું નિવારણ, દુષ્કાળ રાહત, ભરૂચમાં ભૂકંપ સમયની કામગીરી આ બધું ડૉ. જીવરાજ મહેતાનું પ્રદાન છે.

અમદાવાદમાં વિધાનસભા ગૃહ, સચિવાલય, સરકારી કચેરીઓ, એક લાખ જેટલાં કર્મચારીઓ માટે બદલીનાં સ્થળે રહેણાંકની સુવિધા માટે ડૉ. જીવરાજ મહેતાની સૂઝબૂઝ અને સાદગી માટેનો આગ્રહ ગુજરાતનાં નિર્માણ માટે નિર્ણાયક બની રહ્યા.

ડૉ. જીવરાજ મહેતાએ તેમનાં મંત્રી મંડળનાં સાથીઓ રસિકલાલ પરીખ, રતુભાઈ અદાણી, ઠાકોરભાઈ દેસાઈને સાથે રાખી ગુજરાતમાં સ્વચ્છ અને શિસ્તબદ્ધ વહીવટીતંત્રનાં નિર્માણ માટે રીતસર તપ કર્યું એમ કહી શકાય.

ડૉ. જીવરાજ મહેતાએ મોરારજીભાઈ દેસાઈનું સર્વોપરીપણું આંધળી રીતે સ્વીકારવાની ના પાડી દીધેલી. ડૉ. જીવરાજ મહેતા હોદ્દા પર હતા ત્યારે ગુજરાતનાં રાજકારણનો પ્રકાર આજનાં રાજકારણ કરતાં જુદો હતો. એ રાજકારણનાં કેન્દ્રમાં રહેલા ડૉ. જીવરાજ મહેતાનું મુખ્ય મંત્રી તરીકેનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હતું.

બે ઉદાહરણ અહીં મૂકવા છે.

ડૉ. જીવરાજ મહેતા પુનઃ મુખ્યમંત્રી ના બની શકે એ જોવા મોરારજીભાઈ દેસાઈ ખૂબ ઉત્સુક અને સક્રિય હતા. ૧૯૬૨ની ચૂંટણીમાં ડૉ. જીવરાજ મહેતાને બાકાત રાખવા મોરારજીભાઈ દેસાઈના સંચારથી ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસે નિયમ કર્યો કે એકધારા દસ વર્ષ સુધી કોઈ સંસદ સભ્ય કે ધારાસભ્ય તરીકે રહ્યાં હોય એમને ટિકિટ ના આપવી.

રતુભાઈ અદાણી એમના મંત્રીમંડળમાં હતા. એક યોજના માટે બે કરોડ રૂપિયાની મંજૂરી માટે ફાઈલ સાથે તેઓ ડૉ. જીવરાજ મહેતાને મળ્યા. ડૉ. જીવરાજ મહેતાએ કહ્યું કે બળવંતરાય મહેતાની નેતાગીરી સામે હું સ્પર્ધામાં છું. તમારો મને પૂરો ટેકો જોઈએ છે.

રતુભાઈ અદાણીએ ના પાડી. એક નિઃશ્વાસ સાથે ડૉ. જીવરાજ મહેતાએ ફાઈલ ખોલી. યોજનાને મંજૂરી આપી દીધી. રતુભાઈ અદાણીને ખૂબ નવાઈ લાગી ત્યારે ડૉ. જીવરાજ મહેતાએ જવાબ આપ્યો કે કોઈને એમ ના થવું જોઈએ કે મેં કિન્નાખોરી રાખી છે.

બીજો એક કિસ્સો.

રતુભાઈ અદાણી અને રસિકલાલ પરીખનાં કારણે આખી સરકારને જવું પડે તેમ હતું. આ બન્ને મહાનુભાવો પોતાના રાજીનામા સાથે ડૉ. જીવરાજ મહેતાને મળ્યા. અને કહ્યું કે અમારા લીધે આપની સરકારને જવું પડે એ બરાબર નથી. ડૉ. જીવરાજ મહેતાએ જવાબ આપ્યો કે સત્તાની અંદર કે બહાર આપણે સાથે જ છીએ. રાજીનામું હું સ્વીકારતો નથી. મોરારજી દેસાઈ તો એવું જ ઈચ્છે છે. તમારે ખાતરી કરવી હોય તો કરી લો.

એ ખાતરી સાચી પડી હતી.

અમરેલીમાં સંસદની એક ચૂંટણી તેઓ હારી ગયેલા. ચૂંટણીમાં ખૂબ જ ખર્ચ થયેલો. ત્યારે દેવું ચૂકવવા માટે ડૉ. જીવરાજ મહેતાએ અમરેલીનું પોતાનું મકાન વેચી નાખેલું.

સર્વોદય અગ્રણી ગુણવંતરાય પુરોહિત રાજકીય રીતે ડૉ. જીવરાજ મહેતાની વિરોધી છાવણીમાં હતા.  ડૉ. જીવરાજ મહેતા પરની ડોક્યુમેન્ટરીનાં નિર્માણ માટે મારે એક અઠવાડિયું અમરેલીમાં રહેવાનું થયું ત્યારે ગુણવંતરાય પુરોહિતે મને સ્પષ્ટ કહી દીધું કે કિશોર તારે સરકીટ હાઉસમાં રહેવાનું નથી. રાત્રે તારે સર્વોદય આશ્રમ, બાબાપુરમાં આવી જવાનું રહેશે.

ગુણવંતરાય પુરોહિત સાંજે મારી રાહ જોતાં હોય. ગુણવંતરાય પુરોહિત આઝાદીની ચળવળ સમયે મારા બાપુજીના સાથીદાર હતા. એ સંબંધે તેઓ મને એમના પરિવારનો સભ્ય ગણતા. સાથે જમ્યા પછી રાત્રીનાં ૧૧ વાગ્યા સુધી દરરોજ સાથે બેસવાનું. એમની સાથે જે ગોષ્ઠિ કરવા મળી એ જીવનનો એક અદ્ભુત સમય હતો.

ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમશૌર્ય અંકિત;
તું ભણવ ભણવ નીજ સંતતિ સૌને, પ્રેમ ભક્તિની રીત −
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

સૌજન્ય : લેખક કિશોરભાઈ બી. જોશીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—93

દીપક મહેતા|Opinion - Opinion|1 May 2021

એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?

મુંબઈમાં ખભેખભા મિલાવીને ઊભા રહ્યા છે ગુજરાતી અને મરાઠી લોકો

વરસ ૧૮૨૦, મહિનો ઓગસ્ટ, તારીખ ૧૦. મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનના પ્રમુખપદે મુંબઈમાં એક મિટિંગ મળી હતી. એ વખતે નવી નવી શરૂ કરેલી બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલોમાં શીખવી શકાય એવાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવા માટે શું કરી શકાય એની વિચારણા કરવા માટે. પહેલો નિર્ણય લીધો ‘નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટી’ની સ્થાપના કરવાનો. તેનો કારભાર ચલાવવા માટે ૧૨ ‘દેશી’ સભ્યોની કમિટી પણ બનાવી. તેના ચાર પારસી સભ્યો : ફરામજી કાવસજી, હોરમસજી ધનજી, મુલ્લા ફિરોઝ, અને સર જમશેદજી જીજીભાઈ. ચાર હિંદુ સભ્યો તે દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હરજી મોદી, જગન્નાથ શંકરશેઠ, અને ધાકજી દાદાજી. ચાર મુસ્લિમ સભ્યો, મુંબઈના કાજી, કાજી ગુલામ હુસેન, મોહમ્મદઅલી રોગે, અને મોહંમદ ઇબ્રાહિમ મકબા. અને તે દિવસથી જાહેર હિતનાં કામોમાં જૂદાં જૂદાં ભાષા અને ધર્મના લોકોને સાથે રાખવાનું મુંબઈમાં શરૂ કર્યું. સરકારના બીજા કેટલાક અધિકારીઓએ આનો સખત વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે આજે પાઠ્યપુસ્તકો બનાવવાના કામમાં આ રીતે ‘દેશી’ઓને સાથે રાખશું, તો આવતી કાલે રાજના કારભારમાં પણ તેઓ માથું મારતા થશે. પણ એલ્ફિન્સ્ટન ટસના મસ ન થયા. બીજું, તેઓ દૃઢપણે માનતા હતા કે સ્કૂલનું શિક્ષણ તો માતૃભાષામાં જ આપવું જોઈએ. અંગ્રેજી ભાષા અને સાહિત્ય શીખવવાનાં જરૂર, પણ દેશી ભાષાઓને બદલે નહિ, તેના ઉપરાંત.

મરાઠી પંડિતે લખેલું ગુજરાતી વ્યાકરણ

નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટીએ જે પાઠ્ય પુસ્તકો પ્રગટ કર્યાં તેમાનું એક હતું ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ.’ અને આ પુસ્તક તૈયાર કોણે કરેલું? ગંગાધર શાસ્ત્રી ફડકે નામના એક મરાઠી પંડિતે! પ્રસ્તાવનામાં લખે છે: ‘હું તો અસલ દક્ષણી, પણ મેં એ ભાષા ઉપર અભ્યાસ સારી પેઠે કર્યો તથા સંસ્કૃત વ્યાકરણ ભણેલો છઉં તેથી તથા મહારાષ્ટ્ર ભાષાનું વ્યાકરણ પણ મેં કર્યું છે તે ઉપરથી આ ગુજરાતી વ્યાકરણ બનાવ્યું છે.’ આ શાસ્ત્રીજી નિશાળોના ઇન્સ્પેક્ટર હતા એટલે વર્ગશિક્ષણની જરૂરિયાતોનો તેમને ખ્યાલ હતો. વળી નવા ‘મહેતાજીઓ’ તૈયાર કરવાની જવાબદારી પણ તેમને સોંપી હતી એટલે શિક્ષકોની જરૂરિયાતોથી પણ તેઓ વાકેફ હતા. પછીથી તેમણે આ ગુજરાતી વ્યાકરણને વધુ વિસ્તૃત કરીને તેની નવી આવૃત્તિઓ પણ તૈયાર કરી હતી.

૧૭૯૭માં પહેલી વાર ગુજરાતી લખાણ છપાયું – મુંબઈમાં

પણ માત્ર દેશી લોકોને જ ગુજરાતી-મરાઠી જેવી ભાષાઓ ભણાવવાથી એલ્ફિન્સ્ટનને સંતોષ નહોતો. લંડનમાં બેઠેલા કંપનીના ડિરેક્ટરો હિન્દુસ્તાન વિષે બહુ ઓછું જાણતા. એટલે તેઓ માનતા કે એ દેશમાં કામ કરવા જે અંગ્રેજ અમલદારોને મોકલીએ તેમને હિન્દુસ્તાની ભાષા આવડે એટલે ભયો ભયો. પણ મુંબઈ આવ્યા પછી એલ્ફિન્સ્ટનના ધ્યાનમાં એ વાત આવી કે બોમ્બે પ્રેસિડન્સીમાં કામ કરતા અંગ્રેજોને મરાઠી, ગુજરાતી, કાનડી, જેવી દેશી ભાષાઓ આવડે એ વધુ જરૂરી છે. એટલે તેમણે મુંબઈ ઇલાકા પૂરતો નિયમ કર્યો કે અહીં કામ કરતા અંગ્રેજ અમલદારોને હિન્દુસ્તાની ઉપરાંત ઓછામાં ઓછી એક ‘દેશી’ ભાષા આવડવી જ જોઈએ. અને અમલદારો એક કરતાં વધુ દેશી ભાષા શીખે તે માટે તેમણે એવો નિયમ કર્યો કે જે અમલદારો એક કરતાં વધુ દેશી ભાષા શીખે તેમને નોકરીમાં બઢતી આપવામાં આવશે. આ માટે વરસમાં ત્રણ વખત પરીક્ષા લેવાતી, અને તેમાં પાસ થાય તો જ અમલદાર ગુજરાતી કે મરાઠી કે કાનડી ભાષા જાણે છે એવું પ્રમાણપત્ર અપાતું. પરિણામે એ વખતે બોમ્બે પ્રેસિડન્સીમાં જે ૧૩૦ સિવિલ સર્વન્ટ્સ હતા તે બધા એક કે તેથી વધુ દેશી ભાષા જાણતા થયા હતા.

પણ એલ્ફિન્સ્ટન આ બધાં કામ કરી શક્યા કારણ તેઓ ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે મુંબઈના ગવર્નર બન્યા ત્યારે ભલે આછું પાતળું, પણ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હતું. માનશો? છેક ૧૮૪૫ સુધી અમદાવાદ શહેરમાં એક પણ છાપખાનું નહોતું! છાપખાનું નહોતું એટલે અખબાર અને સામયિકો નહોતાં, પુસ્તકો છપાતાં નહોતાં. જ્યારે મુંબઈમાં છેક ૧૭૭૭માં રુસ્તમજી ખરસેદજીએ બજાર ગેટ વિસ્તારમાં પહેલવહેલું છાપખાનું શરૂ કર્યું હતું. આ છાપખાનામાં છપાઈને ૧૭૮૦માં પહેલી વાર અંગ્રેજી કેલેન્ડર બહાર પડ્યું હતું. અને આ કેલેન્ડર તૈયાર કર્યું હતું તે પણ એક પારસીએ! પારસીઓ વિશેની માહિતીની ખાણ જેવા ‘પારસી પ્રકાશ’ના પહેલા દફતર(ભાગ)માં આ અંગે લખ્યું છે: ‘આએ વર્ષમાં (૧૭૮૦માં) રૂસ્તમજી કેરશાસ્પજી નામના એક પારસીએ પહેલવહેલાં ઇન્ગ્રેજીમાં ‘કાલેન્ડર’ છાપી પરગટ કીધી હતી.’ આમ, એલ્ફિન્સ્ટન ગવર્નર બન્યા તેનાં લગભગ ૩૨ વરસ પહેલાં મુંબઈમાં છાપખાનું આવી ગયું હતું.

તેવી જ રીતે એલ્ફિન્સ્ટનના આગમન પહેલાં જ મુંબઈમાં અંગ્રેજી છાપાં શરૂ થઈ ગયાં હતાં. છેક ૧૭૮૯માં બોમ્બે હેરાલ્ડ નામનું અખબાર શરૂ થયું જેનું નામ બદલીને ૧૭૯૧માં બોમ્બે ગેઝેટ કરવામાં આવ્યું. ૧૭૯૦માં શરૂ થયું બીજું અંગ્રેજી છાપું બોમ્બે કુરિયર. પહેલાં તો તેમાં બધા સમાચાર, જાહેર ખબર, વગેરે અંગ્રેજીમાં જ છપાતું. પણ પછી મુંબઈ સરકારને સમજાયું કે જો વાત લોકો સુધી પહોંચાડવી હોય તો તે ગુજરાતી-મરાઠી જેવી દેશી ભાષાઓમાં છાપવી જોઈએ. પણ બે મોટી મુશ્કેલી : એક તો આ ભાષાઓ છાપવા માટેનાં બીબાં, ટાઈપ, ફોન્ટ, કોઈએ બનાવ્યાં જ નહોતાં. અને એટલે આ ભાષાઓમાં અખબાર પણ છપાતાં નહોતાં. તો કરવું શુ? સરકારી અધિકારીઓએ બોમ્બે કુરિયરના માલિક એશબર્નર સાથે વાત કરી. તેણે કહ્યું કે નિયમિત રીતે જાહેર ખબર આપો તો સગવડ તો થઈ શકે. બહેરામજી છાપગર નામે એક પારસી ગુજરાતી એ પ્રેસમાં કમ્પોઝીટર – બીબાં ગોઠવનાર – તરીકે કામ કરે. તેને પૂછ્યું તો કહે કે જરૂર હોય તો ગુજરાતી બીબાં તો હું બનાવી દઉ. અને કેવળ આપસૂઝથી, હૈયા ઉકલતથી તેમણે પહેલવહેલાં ગુજરાતી બીબાં બનાવ્યાં, અને તે વાપરીને બોમ્બે કુરિયરના ૧૭૯૭ના જાન્યુઆરીની ૨૯મી તારીખના અંકમાં પહેલવહેલી વાર ગુજરાતીમાં મજકૂર છપાયો. ગવર્નર જોનાથન ડંકનની સહીથી સરકારી જાહેરાત છપાઈ હતી જેમાં મુંબઈ શહેરમાં રસ્તા પર રખડતાં ઢોરને પકડીને પાંજરે પૂરવામાં આવશે અને તેના માલિકને પાંચ રૂપિયા દંડ થશે એમ જણાવવામાં આવ્યું હતું. ત્યારથી આ છાપામાં ગુજરાતીમાં અને પછી મરાઠીમાં જાહેરાતો અને જાહેર ખબરો છપાવા લાગી.

મુંબઈથી પહેલું ગુજરાતી માસિક શરૂ કરનાર નવરોજી ફરદુનજી

પછી ૧૮૧૨માં આવ્યું માત્ર ગુજરાતી છાપકામ કરતું છાપખાનું. ફરદુનજી મર્ઝબાનજીએ પોતાના આ છાપખાનામાં પહેલાં તો હિંદુ પંચાંગ છાપ્યું અને પછી છાપ્યાં પુસ્તકો. જો કે ૧૮૧૫ પહેલાં ત્યાં છપાયેલું કોઈ પુસ્તક આજે મળતું નથી. પણ ૧૮૧૫માં છપાયેલાં બે પુસ્તકો જોવા મળે છે : જ્યોતિષશાસ્ત્ર અંગેનું ‘ફલાદીશ’ અને ‘દબેસ્તાન’ નામનું અનુવાદિત પુસ્તક. અમદાવાદમાં પહેલું અખબાર છેક ૧૮૪૯મા શરૂ થયું, ‘વરતમાન.’ જ્યારે મુંબઈમાં પહેલું ગુજરાતી છાપું શરૂ થયું ૧૮૨૨માં.

ગુજરાતી ભાષા-સાહિત્યના ઇતિહાસનું કોઈ પણ પુસ્તક હાથમાં લો. તેમાં લખ્યું હશે કે ૧૮૫૦માં અમદાવાદથી પ્રગટ થયેલું ‘બુદ્ધિપ્રકાશ’ એ આપણી ભાષાનું પહેલું માસિક. પણ ‘બુદ્ધિપ્રકાશ’ શરૂ થયું તે પહેલાં મુંબઈથી ગુજરાતી છાપાં અને મેગેઝીન પ્રગટ થતાં હતાં તેનો પુરાવો ખુદ ‘બુદ્ધિપ્રકાશ’ના પહેલા જ અંકમાંથી મળી રહે છે. એ અંકની પ્રસ્તાવનામાં લખ્યું છે: ‘જેટલાં મુંબઈનાં વરતમાન અથવા ચોપાનિયા આવે છે તેને લોકો ગપાઊંસ (ગપ્પાં) કહે છે.’ એ વખતે મેગેઝીન માટે ‘ચોપાનિયું’ શબ્દ પ્રચલિત હતો. પણ આનો અર્થ એ થયો કે બુદ્ધિપ્રકાશ એ આપણું પહેલું મેગેઝીન નહિ. તો પહેલું કયું? ૧૮૪૦માં મુંબઈથી શરૂ થયેલું ‘વિદ્યાસાગર.’ એના સ્થાપક તંત્રી હતા નવરોજી ફરદુનજી. એલ્ફિન્સ્ટન કોલેજમાં અધ્યાપક તરીકે નીમાનાર તેવણ પહેલા ગુજરાતી. પારસી ધર્મ, સમાજ સુધારો, શિક્ષણ અંગે અનેક કામો કર્યાં. નવરોજીનો જન્મ ૧૮૧૭ના માર્ચની ૧૦મી તારીખે, ભરૂચમાં. બેહસ્તનશીન થયા મુંબઈમાં, ૧૮૮૫ના સપ્ટેમ્બરની ૨૨મી તારીખે.

ગુજરાતીઓના મિત્ર અને મદદગાર ડો. ભાઉ દાજી

ઓગણીસમી સદીમાં મુંબઈ ઇલાકામાં જ નહિ, આખા દેશમાં ‘મહારાજ લાયબલ કેસ’ ખૂબ ચકચારભર્યો બન્યો હતો. એક ધાર્મિક સંપ્રદાયના મુખીના હીન ચારિત્ર્ય અંગે ‘સત્યપ્રકાશ’ નામના સામયિકમાં લેખ છપાયો. એ મહારાજે ‘સત્યપ્રકાશ’ના તંત્રી કરસનદાસ મૂળજી અને મુદ્રક નાનાભાઈ રૂસ્તમજી રાણીના પર બદનક્ષીનો કેસ માંડી ૫૦ હજાર રૂપિયાની નુકસાની માગી. આ રકમ એ વખતે ઘણી મોટી ગણાય. કરસનદાસ અને નાનાભાઈ કેસ જીતી ગયા તે મુખ્યત્વે એ જમાનાના પ્રખ્યાત મરાઠીભાષી ડોક્ટર ભાઉ દાજીની જુબાનીને કારણે. ડોક્ટરની ડિગ્રી લેતી વખતે લીધેલા શપથની ઉપરવટ જઈને સત્ય અને ન્યાયને ખાતર તેમણે અદાલતમાં કહ્યું કે આ મહારાજ જાતીય રોગની સારવાર કરાવવા મારી પાસે આવતા હતા. અદાલતે કહ્યું કે સાચી હકીકત છાપવાથી બદનક્ષી થતી નથી.

ઉમાશંકર જોશીએ કાવ્યની એક જ પંક્તિમાં બહુ વેધક સવાલ પૂછ્યો છે: ‘એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?’ ગુજરાતના ગુજરાતીઓની તો ખબર નથી, પણ મુંબઈના ગુજરાતીઓ ‘કેવળ ગુજરાતી’ નથી રહ્યા, મહારાષ્ટ્રી ગુજરાતી બન્યા છે, અને મરાઠીભાષીઓએ પણ તેમને પારકા નથી માન્યા. બંને ક્યારેક ઝગડ્યા પણ હશે, પણ વખત આવ્યે ખભેખભા મિલાવીને ઊભા રહ્યા છે.

પ્રિય વાચકો, આપ સૌને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના સ્થાપનાદિને હાર્દિક શુભેચ્છા.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 01 મે 2021

Loading

...102030...2,0272,0282,0292,030...2,0402,0502,060...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved