Opinion Magazine
Number of visits: 9747030
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|29 April 2021

હૈયાને દરબાર

દેશમાં ચારેકોર મહામારીનો આતંક છે, માતમ છે, ખૌફ, લાચારી, વિવશતા અને નિ:સહાયતા છે! મનને ગમે તેટલું બીજી દિશામાં વાળવાની કોશિશ કરીએ તો ય ફરી પાછું આવીને અટકે છે એ જ પીડા, એ જ યાતના અને એ જ અનુકંપા ઉપર. રોજેરોજ અવસાદ અને અવસાનના સમાચારોએ કમ્મર તોડી નાખી છે દેશવાસીઓની. દરેકની માનસિક-શારીરિક શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે.

‘કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો,
મમતા રળે જેમ વેળુમાં; વીરડો ફૂટી ગ્યો’

આ ગીતના સર્જક કવિ દાદના મૃત્યુની કળ વળી નથી ત્યાં વડોદરાના ૨૮ વર્ષના યુવા ગાયક ભાવેશ વ્યાસના નિધનના સમાચાર હલબલાવી મૂકે છે. કવિ દાદને સ્વમુખે ‘હિરણ હરકાળી’ ત્રિભંગી છંદમાં રચના સાંભળવી એ જીવનનો અનેરો લહાવો. એમની અન્ય ભાવવહી રચના એટલે,

ટોચમાં ટાકણું લૈને ઘડવૈયા રે
મારે ઠાકોરજી નથી થાવું …!

કવિ દાદ ગુજરાતી ભાષાનું ગૌરવ હતા. એમની મૌલિક બાનીથી કવિતા સાહિત્યને રળિયાત હતી. એ દાદબાપાએ વિદાય લીધી ત્યાં કવિ-સ્વરકાર અને ઉમદા ગાયક, જેના ઉપર ભાવિ સુગમ સંગીત મદાર રાખી શકે એવો ઉત્તમ કલાકાર દુનિયા છોડી ગયો. ભાવેશે સરસ કવિતા થોડા સમય પહેલાં જ શેર કરી હતી:

અમે સંગીતના સાધક છીએ
ભાર લાગશે ને ના પણ સમજાય
જો સૂરપ્રેમી છો? તો માફક છીએ
અમે સંગીતના સાધક છીએ
અમીર કે ગરીબ, અમે જોઈએ ના જાતિપાતી
લાગણીના આ વહેણમાં સૂરની જ સરિતા ગાતી
સંગીત-એ-દિલ માટે તો ટાઢક છીએ
અમે સંગીતના સાધક છીએ
ભલે ફકીર પણ દિલથી છીએ દાતાર
સમજતાં આવડે તો પ્રેમનો છીએ ભંડાર
‘ભાવ’થી જો રાહ જુઓ તો ચાતક છીએ
અમે સંગીતના સાધક છીએ!

ભાવેશ નામનું આ ચાતક આપણને જ પ્રતીક્ષા કરતાં છોડી ગયું.

જેમના એક સુંદર ગીત વિશે ‘હૈયાને દરબાર’માં લેખ લખ્યો હતો એ કવિ-સ્વરકાર-ગાયક રિષભ મહેતાને કાળમુખો કોરોના ભરખી ગયો. આભ ફાટ્યું હોય ત્યાં થીંગડું ક્યાં મારવું એવી દર્દનાક પરિસ્થિતિમાં શારીરિક-માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા ઉપરાંત જો કોઈ સહારો હોય તો એ છે ઇમોશનલ ઈમ્યુનિટી જાળવવી. ગમતી પ્રવૃત્તિમાં મગ્ન રહેવું. બહારની દુનિયામાં જે હાહાકાર વ્યાપેલો છે એ પ્રત્યે શાહમૃગ વૃત્તિ રાખીને નજરઅંદાજ કરવાની વાત નથી. જવાબદાર નાગરિક તરીકે મહામારીની ‘બ્રેક ધ ચેઈન’ માટે માસ્ક પહેરીને, અંતર જાળવીને અને સૌથી અગત્યનું તો ઘરમાં રહીને, એકબીજાની જેટલી અને જે રીતે સહાય થાય એ કરવાની છે, પરંતુ સાથે માનસિક તાકાત મેળવી, મન આનંદમાં રાખવું એટલું જ જરૂરી છે. આ ઇમોશનલ ઈમ્યુનિટી કેળવવામાં સંગીત, સાહિત્ય, કલા પ્રવૃત્તિ ખરેખર કામ આવે છે. તમારી ગમતી પ્રવૃત્તિમાં મન પરોવશો તો એટલીસ્ટ થોડાક સમય પૂરતા બાહ્ય આઘાતોથી બચી શકશો. આપણા સાહિત્યમાં કેટલી બધી ઉપકારક સામગ્રી છે! કોઈ ઉત્તમ કાવ્ય પાસે જાઓ, કોઈ હકારાત્મક કથા વાંચો કે સકારાત્મક કૃતિનું પઠન કરો તો ય એ આપણને શાંતિ પ્રદાન કરે છે.

આજનું આ ગીત જ જુઓને! જ્યારે પણ મન ઉદ્વિગ્ન થાય, હતાશા વ્યાપી હોય ત્યારે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ રાજેન્દ્ર શાહના આ ગીતની છેલ્લી બે પંક્તિઓ અચૂક યાદ આવે;

આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?

કવિતાઓમાં દુ:ખ મહદંશે નકારાત્મક લાગણી દર્શાવતું હોય છે, પરંતુ કવિએ દુ:ખ જેવી નકારાત્મક લાગણીને ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર … કવિતામાં એક જુદા જ પરિમાણ પર મૂકી આપી છે.

કવિ કેટલી સહજતાથી કહી શકે છે કે આપણા દુ:ખનું જોર કેટલું? કેટલું બગાડી શકે એ આપણું? નાની અમથી વાતનો શોર મચાવી આપણે રજનું ગજ કરતા હોઈએ છીએ અને નિરંતર આપણી જાતને દુ:ખ પહોંચાડ્યા કરીએ છીએ, પરંતુ દુ:ખ તો મનુષ્યમાત્રના જીવનનો સ્થાયી ભાવ છે. કોઈ ને કોઈ સ્વરૂપે આપણી સાથે એ રહેવાનું જ. એનાથી અકળાઈ જવાને બદલે માણસે ખુશીની પળ શોધી લેવાની હોય અને દુર્ભાવને ઓગાળીને પોતાના સ્વ-ભાવને છોડવાનો ન હોય. કાવ્યની અંતિમ પંક્તિઓ કેવી સરસ છે; ‘આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર …!’ ઉનાળામાં બળબળતો તાપ ઓકાતો હોય એવામાં ગુલમહોર વૃક્ષ સુંદર મજાનાં રતુંબડાં ફૂલો આપણને આપવાનું ચૂકતું નથી કે તાપ તાપનાં રોદણાં રડતું નથી. રાજેન્દ્ર શાહની કવિતાનું પ્રાણ તત્ત્વ છે ચિંતન. મનુષ્યનાં સુખ-દુ:ખને એ હળવાશથી ગાઈ શકે છે. સંસારનાં દુ:ખોનું જોર કવિની કલમ પાસે નબળા પડેલા વાવાઝોડા જેટલું થઈ જાય છે. આટલા સરસ ગીતને એટલી જ ખૂબસૂરત સ્વરૂપે સજાવ્યું છે સ્વરકાર અજિત શેઠે. ગાયક હરિહરનના સ્વરમાં ગીત સાંભળો પછી ખરેખર આપણે દુ:ખથી વિમુખ થતા હોઈએ એવી લાગણી થાય છે.

કવિ રાજેન્દ્ર શાહ ‘રામ વૃંદાવની’ નામે પણ કવિતા લખતા હતા. રાજેન્દ્ર શાહની કવિતાઓ એ ગુજરાતી સાહિત્યને મળેલું અમૂલ્ય યોગદાન છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરથી પ્રભાવિત અને સંસ્કૃતની છાંટ ધરાવતી, રાજેન્દ્ર શાહની કવિતાઓમાં પ્રકૃતિપ્રેમ, પ્રણય, અધ્યાત્મ અને રોજ-બ-રોજની જિંદગીની છણાવટ જોઈ શકાય છે. અનુ-ગાંધીયુગના આ કવિની કવિતાઓમાં ક્યાંક નરસિંહ, કબીર અને અખા જેવા આદિ કવિઓની પણ ઝાંખી જોવા મળે છે. કવિની કવિતાઓમાં મને સૌથી વધુ સ્પર્શે છે એમનો હકારાત્મક અભિગમ. પોતાના મૃત્યુની વાતને પણ કવિ ‘ખોળિયું બદલવાનો ઉત્સવ’ તરીકે વર્ણવે છે.

અત્યારના કપરા કાળમાં આવી હકારાત્મતા માનસિક શાંતિ આપી શકે છે. રજનું ગજ કરીને કાગારોળ કરવાને બદલે કંઈક એવું કરીએ જેથી આ પીડાદાયક પરિસ્થિતિમાં કોઈને મદદરૂપ થઈ શકીએ. કોઈકનું દુ:ખ દૂર કરી શકીએ, સારું સાહિત્ય, ઉપયોગી તથા આનંદમય પ્રવૃત્તિ દ્વારા જાતને અને જગતને સ્વસ્થ રાખીએ. કવિ કહે છે એમ, ‘નિબિડ રાતના કાજળ પાછળ, પ્રગટે અરુણ ભોર …!’ વિશ્વાસ રાખીએ, વો સુબહ કભી તો આયેગી!

————-

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર!
ભારનું વાહન કોણ બની રહે? નહીં અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?

જલભરી દૃગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?

આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું આપણે, મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?

કવિ : રાજેન્દ્ર શાહ    •   સંગીતકાર : અજિત શેઠ    •   ગાયક : હરિહરન

http://tahuko.com/?p=11570

કવિના કંઠે : https://parab.online/_apr3020_08_ભાઈરે/

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 29 ઍપ્રિલ 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=689616

Loading

હૃદ્દગત ઇન્દુભાઈ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 April 2021

સાથી ઇન્દુકુમાર જાનીને છેલવેલ્લા જુહાર પાઠવવા બેઠો છું. ક્યાંથી શરૂ કરું? છેલ્લાં વર્ષોમાં નારાયણ દેસાઈ ગુજરાતમાં નાનાં મોટાં નાગરિક વર્તુળોમાં વાત કરતાં કહેતા કે કંઈ નહીં તોપણ આપણાં આ ત્રણ પખવાડિકો તો વાંચતાં રહો : ‘ભૂમિપુત્ર’, ‘નયા માર્ગ’ અને ‘નિરીક્ષક’. આ લખું છું ત્યારે, એમ તો, ઉત્તમ પરમારનાં એ વચનો પણ સાંભરે છે કે આ ત્રણ પત્રો ગુજરાતના જાહેર જીવનની પ્રસ્થાનત્રયી સમાં છે. અયોધ્યા ઘટના પછી, ૨૦૦૨ પછી, દૈત્યકાય છાપાં વચ્ચે (‘સમકાલીન’, ‘ગુજરાતમિત્ર’, ‘ગુજરાત ટુડે’ જેવા અપવાદ બાદ કરતાં) નીતિ અને ન્યાયની વાત કહેવાનું આ તનુકાય પત્રિકાઓને હિસ્સે આવ્યું. ત્રણેક દાયકા પર, મને યાદ છે, એક વાર મહેન્દ્રભાઈ મેઘાણીએ અમને સાથે મળવાનું ગોઠવ્યું હતું – તમે ત્રણ પખવાડિકો ભેગાં થઈ જાઓ તો કેવું સારું! એક વાત અલબત્ત સાચી કે દેશની બિનકોમી વ્યાખ્યા અને સમતા તેમ જ ન્યાય પર અધિષ્ઠિત સમાજ બાબતે ત્રણેમાં એકંદરમતી હતી અને છે. જો કે, હમણાં મેં ‘ત્રણે’ એમ કહ્યું ત્યારે મને યાદ રહેવું જોઈતું હતું કે ‘નયા માર્ગ’ માર્ચ ૨૦૨૦થી આમ પણ ઇન્દુભાઈએ બંધ કરેલું હતું. પણ ‘નયા માર્ગ’ અને ઇન્દુભાઈની જે લગભગ પર્યાયી ઓળખ ત્રણચાર દાયકા પર બની તે લક્ષમાં લઈએ તો ઇન્દુભાઈએ અંતિમ શ્વાસ લીધા ત્યારે ‘નયા માર્ગ’નું તત્ક્ષણ સ્મરણ થવું સ્વાભાવિક હતું.

ઇન્દુકુમાર જાની અને ‘નયા માર્ગ’ની પર્યાયી ઓળખની હમણાં જિકર કરી તો સાથેલગો મારે ફોડ પણ પાડવો જોઈએ કે આ ઓળખ શું હતી. એમાંથી ઇન્દુકુમારના જીવનકાર્યની છબી ઊઘડશે અને ત્રણે સામયિકો સાથે તથા નિરાળાં શી વાતે હતાં (અને છે) એ ય સ્પષ્ટ થશે.

‘ભૂમિપુત્ર’નો આરંભ વિનોબાના ભૂદાન આંદોલન સાથે. કેરળના પોચમપલ્લીમાં એક દલિત કુટુંબને સ્વાશ્રયી જીવન માટે જમીન મળે એવી જાહેર ટહેલમાંથી વિનોબાએ ગાંધીયુગના નવપડાવની જે ઝાંખી અને જવાબદારી આપી એમાંથી ‘ભૂમિપુત્ર’ આવ્યું. વિનોબા તો ભારતભૂમિની સાંસ્કૃતિક ને આધ્યાત્મિક પરંપરામાં રમેલા ગાંધીજન એટલે એમને તરત જડી રહેલો વેદમંત્ર હતો – ‘માતા ભૂમિઃ પુત્રોડહમ્ ‌પૃથિવ્યાઃ’ ભૂમિ એ માતા છે, અને હું એનો પુત્ર છું.

૧૯૬૮માં ઉમાશંકર જોશી, પુરુષોત્તમ માવળંકર, ઈશ્વર પેટલીકર, યશવન્ત શુકલ આદિ ‘નિરીક્ષક’ લઈને આવ્યા ત્યારે સ્વરાજનાં વીસે વરસે લોકશાહી રાજ્યકર્તાઓનો પહેલો ફાલ ઉત્તમ કામગીરી પછી કંઈક પાછો પડવા લાગ્યો હતો અને મહાન સ્વપ્નદૃષ્ટાઓએ તેમ બંધારણના ઘડવૈયાઓએ જે પ્રજાસત્તાક સ્વરાજનું ચિત્ર કલ્પ્યું હતું એમાં ખોટ વરતાતી હતી. સ્વરાજની શુદ્ધિ ને પુષ્ટિની દૃષ્ટિએ ટીકાટિપ્પણ અને વિચારવિમર્શ તરફ ‘નિરીક્ષક’નો સહજ ઝોક રહ્યો. સ્વરાજી કૉંગ્રેસ પ્રણાલિથી ઉફરાટે શરૂ થયેલી એ એક કોશિશ હતી – અને તેમાં નવનિર્માણ ને જેપી આંદોલનનો કદાચ પૂર્વાભાસ પણ હતો. જે બધાં ભયસ્થાનો ‘નિરીક્ષક’ના પ્રથમ તંત્રીમંડળને ૧૯૬૮માં જણાતાં હશે તે ૧૯૭૫-૭૭ના કટોકટીકાળમાં બહુ ખરાબ રીતે સાચાં પડ્યાં એ હવે ઇતિહાસવસ્તુ છે.

આ વર્ષોમાં ‘નયા માર્ગ’ ક્યાં હતું? ઇંદિરા ગાંધીએ દેશના રાજકારણમાં ‘ગરીબો અને ગરીબી’નો મુદ્દો કેન્દ્રમાં આણ્યો એની અપીલ કૉંગ્રેસના ચોક્કસ ધડાને થઈ. (આ ક્ષણે આપણે એની પાછળની તેમ સામસામી રાજકીય પ્રયુક્તિઓની ચર્ચામાં સ્વાભાવિક જ નથી જતા.) દક્ષિણ ગુજરાતમાં ધૂણી ધખાવી બેઠેલા જુગતરામ દવે સરખા ગાંધીજને દર્શક જેને એકલવ્ય ઘટનાના પ્રયાશ્ચિત રૂપ કહે છે એવો જે શિક્ષણ-જગન માંડ્યો એમાંથી ઘડાયેલાં જાહેરજીવનનાં મૂલ્યોને વરેલા ઝીણાભાઈ દરજી વગેરેને ઇંદિરા ગાંધીમાં વરતાયેલા ઉન્મેષમાંથી જિલ્લા સ્તરના કૉંગ્રેસપત્ર જેવું ‘નયા માર્ગ’ શરૂમાં કદાચ આવ્યું હશે પણ જોતજોતાંમાં ઝીણાભાઈ દરજી અને સનત મહેતા વગેરેના સંધાનમાંથી ખેતવિકાસ પરિષદ જેવું જે આર્થિક-સામાજિક ન્યાય માટેનું સંગઠન ખડું થયું એણે પૂરા પાડેલ પ્લેટફોર્મ પછી ‘નયા માર્ગ’ જિલ્લા સ્તરની પક્ષપત્રિકા ક્યાં ય વટી જવાની સ્થિતિએ હતું.

હું જાણું છું કે પૃષ્ઠભૂ જરી લંબાઈ રહી છે અને ઇન્દુભાઈ પરત્વે અંજલિભાવ પ્રગટ કરવાનું કંઈક ખેંચાતું માલૂમ પડે છે. પણ ‘ભૂમિપુત્ર’ અને ‘નિરીક્ષક’થી ‘નયા માર્ગ’નું નિરાળાપણું સમજવા સારુ આટલો વ્યાયામ કદાચ જરૂરી પણ હતો. ઝીણાભાઈ દરજી જમીન વિકાસ બૅંકના અધ્યક્ષ હતા, અને ઇન્દુકુમાર જાની એ બૅંક કર્મચારીઓના યુનિયનના આગેડુ. એટલે બંનેનું સામસામે મુકાવું સહજ હતું. પણ આવોયે પરિચય ઉપયોગી એ રીતે થયો કે ઝીણાભાઈના મનમાં જે અગ્રતા હતી, અસંગઠિત કામદાર વર્ગના પ્રશ્નોની ને દલિતવંચિત વર્ગની સ્મસ્યાઓની, તેની સામે સંગઠિત ક્ષેત્રના યુનિયનના સવાલો આર્થિક-સામાજિક ન્યાયની બુનિયાદી રાજનીતિમાં માનવતાની કસોટીએ કેટલા ઓછા અને પાછા પડે છે તે યુનિયન નેતા ઇન્દુકુમારને પકડાયું. સુરક્ષિત પગારજોગવાઈ છોડીને એ અસંગઠિત વર્ગની કામગીરીમાં જોડાયા. એમનાં કામોમાં ખેતકામદાર યુનિયનને છે. એ કહેતા પણ ખરા કે ‘બધું છોડીને ખેતકામદારોને સંગઠિત કરવાનું કામ કરવું છે.’ અને આગળ ચાલતાં કેમ જાણે ઝીણાભાઈના માનસપુત્ર શા બની રહ્યા.

ઝીણાભાઈના રાજકીય ઉછેરમાં હાડના કૉંગ્રેસમેન હોવું સહજ હતું. એમને સમજાયેલાં કૉંગ્રેસમૂલ્યો ઇન્દુભાઈને પણ ગમતાં હતાં. પણ અસંગઠિત વર્ગો માટેની તેમ દલિતવંચિત ન્યાયની રાજનીતિ કે જાહેર કામગીરી વાસ્તે વિધિવત્‌ કૉંગ્રેસમાં હોવું એમને અનિવાર્ય લાગતું નહોતું. જીતી શકે તેમ હોવું છતાં પક્ષની ચૂંટણીટિકિટ ન લેવી એ બાબતે ઇન્દુભાઈ સ્પષ્ટ હતા. ‘ભૂમિપુત્ર’ અને ‘નિરીક્ષક’ની રીતે નહીં તો પણ કંઠીબંધા પક્ષીય પ્લેટફૉર્મથી તો વ્યાપક ભૂમિકાએ ‘નયા માર્ગ’ એમના નેતૃત્વમાં મુકાયું અને ઊંચકાયું. કટોકટીરાજ પરત્વે ‘ભૂમિપુત્ર’ અને ‘નિરીક્ષક’ને હશે તેવી પ્રતિક્રિયા આ સ્કૂલની ક્યારેક નહીં હોય તો પણ આર્થિક-સામાજિક ન્યાયની રાજનીતિએ સુદ્ધાં અધિકારવાદથી પરહેજ કરવાપણું છે એ સમજમાં ઇન્દુભાઈ ઓછા કે પાછા નહોતા.

૧૯૭૭માં ઇંદિરા ગાંધીના ગયાં પછી જે એક દલિતવિરોધી પ્રત્યાઘાત, જેપી આંદોલનનાં મૂલ્યોથી વિપરીતપણે, આપણે ત્યાં આવ્યો ત્યારે ‘ભૂમિપુત્ર’ અને ‘નિરીક્ષક’ અલબત્ત સમતાનાં મૂલ્યો સાથે હતાં પણ દલિતોને પોતાનો અવાજ, પોતાનું સ્થાન પહેલા ખોળાની પ્રીત જેવું ‘નયા માર્ગ’માં મળી રહ્યું, અને અમદાવાદનાં દૈનિકોમાં ‘જનસત્તા’ કંઈક અંશે ભૂદાન આંદોલનમાંથી આવેલું ‘ભૂમિપુત્ર’, લોકશાહી સમાજવાદની ખેવના સાથેનું ‘નિરીક્ષક’ બેઉ હતાં પણ નવજાગ્રત દલિત અસ્મિતાને સારુ એક તબક્કે ‘ઘરનું ઘર’ નિઃશંક ‘નયા માર્ગ’ હતું. એમાં ઝીણાભાઈની હૂંફને ઓથ સાથે કપ્તાન કામગીરી બેલાશક ઇન્દુભાઈની હતી. ૧૯૮૧-૮૫નાં અનામત વિરોધી રમખાણો એમના કર્મશીલ અને  પત્રકારજીવનમાં સૌથી મહત્ત્વનાં છે. અનામતના સમર્થનમાં તે કાયમ હતા. મંડલ રાજનીતિને તે વૈકલ્પિક રાજનીતિમાં મહત્ત્વની માનતા હતા. ગાંધી અને ગાંધીવાદીઓ સાથે દિલી લગાવ છતાં બાબા સાહેબ આંબેડકર અને તેમના વિચારોના બહુ મોટા પ્રભાવમાં અને અનન્ય ચાહક પણ.

જૂની રંગભૂમિના એક ઉત્તમ નટ અમૃત જાની. આ સાહિત્યરસિક જણે ન્હાનાલાલકૃત ‘ઇન્દુકુમાર’થી પ્રેરાઈને પુત્રનું નામ પાડેલું. પણ આ ઇન્દુકુમારની સાહિત્યપ્રીતિએ એક જુદું કાઠું કાઢ્યું. ‘નયા માર્ગ’ દલિત સાહિત્ય પ્રકાશનનું સ્થાનક બની રહ્યું. એમાં આગળ ચાલતાં એમને ચંદુ મહેરિયા જેવા ખમતી મિત્રનીયે એક તબક્કે ખાસી કુમક રહી હશે. જોસેફ મેકવાને, લાંબા અંતરાલ પછી પોતે લખતા થયા અને કોળ્યા એનો યશ જોગાનુજોગ ‘જનસત્તાએ પ્રકાશિત કરેલી એક વાર્તાને તેમ સવિશેષ તો ‘નયા માર્ગે’ પૂરા પાડેલા મેદાનને ક્યારેક આપેલો છે. ગુજરાતી દલિત કવિતાની તવારીખમાં ‘આક્રોશ’, ‘કાળો સૂરજ’ વગેરેની ઐતિહાસિક ભૂમિકા ખસૂસ છે પણ દલિત કવિતાના પ્રાગટ્ય સારુ સળંગ લાંબો સમય રહેલું કોઈ એક પત્રિકાઠેકાણું બલકે થાણું હોય તો તે ‘નયા માર્ગ’ અને ‘નયા માર્ગ’ જ.

દલિત પરિમાણનો મેં કંઈક વિશેષોલ્લેખ કીધો પણ અસંગઠિત વર્ગોના પ્રશ્નો હોય, રેશનાલિસ્ટ ચળવળ હોય, વ્યાવસાયિક આરોગ્ય ક્ષેત્રે કર્મીઓની આપદાવિપદા હોય, ‘નયા માર્ગ’ સતત વાચા આપતું રહ્યું. એમની સ્થળતપાસ આધારિત લેખશ્રેણીઓ કંઈક વિશેષ ઉલ્લેખ માંગી લે છે. ‘કોયતા’ જેવી તુચ્છ ઓજારઓળખે સંબોધાતા શેરડી કામગારોને આપણા એકના એક ગિરીશભાઈની પી.આઈ.એેલે. રાહત, હક અને વળતર અપાવેલાં તેના સગડ ઇન્દુભાઈની આવી જ એક લેખશ્રેણીમાં  તમને મળશે. આ વ્યાપ અને સાતત્ય એને ‘ભૂમિપુત્ર’ અને નિરીક્ષક’ કરતાં (ત્રણેનાં વલણોમાં સામ્ય છતાં) જુદું તારવી આપે છે.

૧૯૭૭ પછીનો ગાળો આપણા રાજકારણ અને જાહેર જીવનમાં એન.જી.ઓ. તેમ નાગરિક સમાજ સક્રિયતાનો છે. ત્રણે પત્રો (અને એના તંત્રીઓ) પોતપોતાની રીતેભાતે તેની સાથે સંકળાતા અને પ્રસંગોપાત દોર સંભાળતા રહ્યા છે. રાજકીય વિકલ્પ અને વૈકલ્પિક રાજનીતિની દિશામાં પણ એમના યથાસંભવ ઉધામા રહ્યા છે. મુખ્ય ધારાનું પત્રકારત્વ (દૈનિક પત્રકારણ) મહદંશે જે બજાર-અને-સત્તા-લક્ષી ઝોકનું હેવાયું બની રહેલું માલૂમ પડે છે એની વચ્ચે આવા અવાજો અને આવાં સ્થાનકોની ભૂમિકા ઉત્તરોત્તર સવિશેષ મહત્ત્વની બનતી જાય છે. ઇન્દુભાઈની ‘નયા માર્ગ’ વાટે અંકિત મુદ્રા કોઈ હાડના બૌદ્ધિકની નહીં (અને ધંધાદારી બુદ્ધિજીવીની તો બિલકુલ જ નહીં) પણ જાહેર કાર્યકર પાસે પ્રજાના પ્રશ્નોની સાદી સમજ અને તે માટેની પ્રતિબદ્ધતાની છે. સરકાર અને સત્તાપક્ષની મર્યાદાઓ એ આપણાં છાપાંના ટપાલપાનાં લગી જઈ ટીકાટિપ્પણ વગર સીધાસાદા ઉતારા મારફતે ઉજાગર કરતા એ અહીં સાંભરે છે. ‘રચના અને સંઘર્ષ’ એ એમની ‘જનસત્તા’ની કોલમકારી પણ ચોક્કસ સંભારવી જોઈએ.

પુરુષોત્તમ માવળંકરે લૅસ્કી ઇન્સ્ટિટ્યૂટ બંધ કર્યું ત્યારે આજીવન સભ્યોને એમની રકમ પાછી વાળી હતી (જો કે વસ્તુતઃ એ તો ખરચાઈ જ ગઈ હોય, તો પણ. એક તબક્કે આખા ત્રણસો રૂપિયાના આજીવન લવાજમ સામે ઇન્દુભાઈએ ‘નયા માર્ગ’ લાંબો સમય આપ્યું હશે. આગળ ચાલતાં બંધ કરવાનું નક્કી કર્યું ત્યારે નવાં લવાજમો લેવાનાં તો બંધ કર્યાં જ, પણ નોંધ લેવા માટે આવતાં પુસ્તકો પણ પાછા વાળવા માંડ્યા હતાં, એ વિવેક આ ક્ષણે સાંભરે છે.

સહેજ પાછળ જઈને ૨૦૦૨ને ફરી સંભારું? ગોધરામાં જે નિર્ઘૃણ ઘટના બની એમાં ગંઠાઈ ગયેલ લોકમાનસે સત્તાપક્ષ અને સરકારના કંઈક મેળાપીપણા (અને કંઈક આંખ આડા કાન) સાથે આખા અનુગોધરા કાંડને (‘પોગ્રોમ’ કહેતાં વંશીય નિકંદનની માનસિકતાપૂર્વકની હિંસાને) જોઈ ન જોઈ કરી એ હકીકત છે. કથિત મોટાં છાપાં લગભગ એકતરફી જેવાં પેશ આવ્યાં એ પણ હકીકત છે. લોકમાનસમાં એ બધાને પ્રતાપે ‘ગોધરા’ પર જાણે પિન ચોંટી ગઈ હોય એવું આટલે લાંબે ગાળે પણ લગભગ યથાવત્‌ લાગે છે. એ દિવસોમાં એકવાર ઇન્દુભાઈએ ‘નયા માર્ગ’માં એ મતલબનું લખેલું કે મારા દરેક પેરેગ્રાફે પહેલી લીટી હું ગોધરા ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢું છું તેમ વાંચવાની કૃપા કરશો (પણ પછીના બનાવોને ન જોવા માટે ‘ગોધરા’ની આડશનો ઉપયોગ ન કરશો). ૨૦૦૨માં ‘ભૂમિપુત્ર’, ‘નિરીક્ષક’, ‘નયા માર્ગ’ની વૈચારિક કામગીરી વિશે ગુજરાતના વિમર્શમાં કોઈ ધોરણસરની તપાસ ને અભ્યાસ નથી થયાં તે આપણી કારુણિકા છે. ગોધરા-અનુગોધરા દસવરસીએ બે તંત્રીઓએ (‘ભૂમિપુત્ર’ના કાન્તિ શાહે અને ‘નિરીક્ષક’ના પ્રકાશ ન. શાહે) પોતપોતાના પત્રની ભૂમિકા અને કામગીરીને લઈને કરેલી ચર્ચાની થોડીક નકલો (સોથી નવસોની મર્યાદામાં) વેચાઈ અને વંચાઈ હોય તોયે ઘણું.

વાત સાચી કે માર્ચ ૨૦૨૦થી ‘નયા માર્ગ’ નીકળતું નહોતું. સ્વાસ્થ્યનાં કારણોસર પણ છેલ્લા વરસમાં ઇન્દુભાઈએ જાહેર કામોમાંથી પોતાને સંકેલી લીધા હતા. પણ હાજરી તો હતી. વાતઠેકાણું તો હતું. વિધિવત્‌ અઘોષિત કટોકટીના કાળમાં થાણાં તો ઠીક, આવાં એકલદોકલ ઠેકાણાં પણ ક્યાં.

E-mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2021; પૃ. 03-04

Loading

તંગ દોરડા પર ચાલવાની રમત

રમેશ ઓઝા|Opinion - Opinion|29 April 2021

ગોળમેજ પરિષદો, સો વરસ દરમ્યાન બ્રિટિશ સરકારે ભારત મોકલેલાં કુડીબંધ પંચો સમક્ષ ભારતીય પ્રજાના પ્રતિનિધિઓએ આપેલી જુબાનીઓ, નેહરુ રિપોર્ટ અને એવા બીજા અનેક અનુભવો જોતાં ભારતીય નેતાઓને ડર હતો કે બંધારણ ઘડવાની પ્રક્રિયા અધવચ્ચે ક્યાં ય ચેરાઈ ન જાય! આવી પૂરી શક્યતા હતી કારણ કે ઉપરના દરેક પ્રસંગે ભારતીય નેતાઓએ મતભેદો જ પ્રગટ કર્યા હતા. મતભેદોનો અને એકબીજા ઉપરના અવિશ્વાસનો સો વરસનો અનુભવ હતો અને એમાં ઓટ આવતી નહોતી. દરેકને સાથે રાખીને ચાલવાનો પ્રયાસ કરનારા ગાંધીજીની હાજરી હોવા છતાં પરસ્પર શ્રદ્ધાનું વાતાવરણ ભારતીય રાજકારણમાં જોવા નહોતું મળતું. આ જે મતભેદો હતા એ ભારતના જે તે સમાજનું પ્રતિનિધિત્વ કરનારા નેતાઓ વચ્ચેના હતા અને દરેક આગ્રહી હતા. અથાક પ્રયાસો પછી પણ આગ્રહોના નહીં ઓગળવાનો ભારતનો સો વરસનો ઇતિહાસ સામે હતો.

આ સ્થિતિમાં બંધારણ સભા રચવામાં આવે અને એમાં એ જ ઇતિહાસનું પુનરાવર્તન થાય તો જે ઉપરના દરેક પ્રસંગે થયો હતો? સુખદ અપવાદ તો એક પણ નહોતો. બંધારણ સભાના સભ્યો એકબીજા ઉપર દોષારોપણ કરે, બીજાઓ સામે શંકા કરે, પોતાના સમાજ માટે રક્ષણ માગે અને બંધારણ સભામાં એવી રીતે ભાષણ કરે કે જાણે પોતાના કાર્યકર્તાઓની રેલીને સંબોધતા હોય. અંગ્રેજીમાં આને પ્લેયિંગ ટુ ધ ગેલેરી કહેવામાં આવે છે. આવી પૂરી શક્યતા હતી અને એ ટાળવી જરૂરી હતી. બંધારણ સભા એવી રીતે ચાલવી જોઈએ જેમાં દરેક સભ્ય નાગરિક તરીકે બોલે અને ભારતના નાગરિકો માટેનું બંધારણ ઘડે.

તો આને માટે કરવું શું? કોઈ સોગંદનામું તો કરાવાય નહીં કે તમારે તમારા સમાજ માટે કે કોઈ ચોક્કસ વર્ગવિશેષ માટે બોલવાનું નથી. ઊલટું એવા કેટલાક સભ્યોની જરૂર પણ હતી જે ચોક્કસ લોકોના હિત માટે બોલે. ખાસ કરીને ઇશાન ભારતની પ્રજા, સ્ત્રીઓ અને આદિવાસીઓ અને દલિતોનાં હિત માટે બોલનારાઓની. આમાં ખાસ કરીને પહેલા ત્રણ વતી બોલનારા કોઈ નહોતા. ઉપર સો વરસ દરમ્યાનના જેટલા પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે તેમાં સ્ત્રીઓ, આદિવાસીઓ અને ઇશાન ભારત માટે બોલનારા અને ન્યાય માગનારા ઓછા હતા. વળી સ્ત્રીઓ, આદિવાસીઓ અને ઇશાન ભારત વતી બોલનારાઓની જરૂર પણ હતી. આમ જરૂર હતી બંધારણ સભાના સભ્યો બંધારણ સભામાં નાગરિક બનીને નાગરિકો માટેનું બંધારણ ઘડે અને એની સાથે જ કેટલીક પ્રજાનાં હિતોનું વિશેષ ધ્યાન પણ રાખે.

આ સિવાય લગભગ ધર્મઘેલછા કહેવાય એટલી હદની ધાર્મિકતા ધરાવનારા મુસલમાનો બંધારણ સભામાં નાગરિક તરીકેની ભૂમિકા લઈને ભારતીય નાગરિકો માટેનું (જેમાં મુસલમાનો પણ આવી ગયા) ભારતીય બંધારણ ઘડવાની ભૂમિકા લેશે કે કેમ એ પણ પ્રશ્ન હતો. મુસલમાનોનો એક પક્ષ ભારતનું વિભાજન અને મુસલમાનો માટે સ્વતંત્ર પાકિસ્તાનની માગણી કરતો હતો તો બીજો પક્ષ રાષ્ટ્રવાદી મુસલમાનોના પક્ષ તરીકે ઓળખાતો હતો, પરંતુ તેણે સેક્યુલર ભારત માટેની દ્રઢ શ્રદ્ધા ખોંખારો ખાઈને વ્યક્ત નહોતી કરી. ભારતનું બંધારણ ઘડવાની પ્રક્રિયામાંથી કોઈ પ્રજા કે સમાજ વિશેષને બહાર રખાય જ નહીં અને તેવો ઈરાદો પણ નહોતો.

તો પછી કરવું શું? તંગ દોરડા પર ચાલવાની રમત હતી અને એ આસાન નહોતી. આવડો મોટો દેશ, એમાં આટલી બધી વિવિધતા, દરેકને બંધારણ સભામાં પ્રતિનિધિત્વ આપવાનું, પાછી અપેક્ષા એવી કે તે પોતાના સમાજ વિશેષ માટે વકીલાત કરવાની જગ્યાએ એક નાગરિક તરીકેની ભૂમિકા અપનાવીને ભારતના સમગ્ર નાગરિકો માટેનું બંધારણ ઘડે અને એ સાથે જ દલિતો, આદિવાસીઓ, સ્ત્રીઓ અને ઇશાન ભારતની પ્રજાને ખાસ હાથ પણ આપે. દુનિયાની કોઈ માર્ગદર્શિકા કામ આવે એમ નહોતી. આની કોઈ શરતો ન હોય અને કોઈ સલાહ પણ ન હોય. બંધારણ સભાના સભ્ય બનવા માટેની એવી કોઈ શરત કે સલાહ ચાલે એમ પણ નહોતી. માટે જ કહ્યું છે કે તંગ દોરવા ઉપર ચાલવા જેવી સ્થિતિ હતી.

આનો ઉપાય હતો બંધારણ સભામાં લગભગ રાંધેલી રસોઈ મુકવી જેનો માત્ર વઘાર કરવાનો બાકી હોય. કોઈને એમ ન લાગે કે અમારો કોઈ સહભાગ નહોતો અને કોઈને ચોક્કસ પ્રજાવિશેષના હિતના નામે કે મહાન આર્યાવર્તની પરંપરાને નામે લાંબાલાંબા ભાષણો કરવાની અને કારણ વિનાના મુદ્દા ઉઠાવવાની તક પણ ન મળે. હવે બીજો સવાલ, રસોઈ કોણ બનાવે? આનો જવાબ છે બંધારણ સભાનું કામ આસાન થાય અને સમય બચે એ માટે રચવામાં આવેલી પેટા-સમિતિઓ. એ પેટા-સમિતિઓ કેટલી હતી, કયા વિષય માટેની હતી, એમાં કોણ કોણ હતું અને તેમાં શું ચર્ચા થઈ હતી તેની વિગતો આગળ કહેવામાં આવશે. બંધારણ સભાની પેટા-સમિતિઓ રસોઈ બનાવતી હતી પણ તેના માટેનો કાચો સામાન કોણ પૂરું પાડતું હતું? તો એનો જવાબ છે બેનેગલ નરસિંહ રાવ. તેઓ કાચા મુસદ્દા ઘડીને આપતા હતા, મુદ્દાઓને પ્રશ્નોતરીમાં વણીને અને બંધારણ સભાના સભ્યોને પ્રશ્નો મોકલીને તેમનો અભિપ્રાય માગીને ટૂંકા ઘેરામાં બાંધતા હતા વગેરે. બી.એન. રાવે જે પાયો રચી આપવાનું કામ કરી આપ્યું એની વાત પણ હવે પછી આવશે.

ટૂંકમાં નીતિ એવી હતી કે બને ત્યાં સુધી મુદ્દાઓને અને તેના પરની ચર્ચાને ટૂંકા વર્તુળમાં બાંધવી કે જેથી પાકિસ્તાન અને બીજા દેશોમાં બન્યું હતું એમ બંધારણ ઘડવાની પ્રક્રિયા ચેરાઈ ન જાય. અને એમાં પાયો રચી આપવાનું કામ બી.એન. રાવે કરી આપ્યું હતું. બી.એન. રાવના યોગદાન વિષે બંધારણ સભાના અધ્યક્ષ અને ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે શું કહ્યું છે તે અહીં ટાંકવું જોઈએ. બી. શિવા રાવે સંપાદિત કરેલા ‘ઇન્ડિયાઝ કોન્સ્ટીટ્યુશન ઇન મેકિંગ’ નામના પુસ્તકમાં લખેલી પ્રસ્તાવનામાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ લખે છે : If Dr. Ambedkar was the skilful pilot of the constitution through all its different stages, Sri B. N. Rao was the person who visualised the plan and laid its foundation. He was superb in draftmanship, endowed with a style which was at once clear, illuminating and precise—qualities which are indispensable in any document of legal or constitutional importance.

ડો. રાજેન્દ્ર પ્રસાદ કહે છે કે બી.એન. રાવે ભારતના બંધારણની કલ્પના વિકસાવી હતી, એની યોજના બનાવી હતી અને બંધારણનો પાયો રચી આપ્યો હતો.

e.mail : ozaramesh@gmail.com

Loading

...102030...1,9811,9821,9831,984...1,9902,0002,010...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved