Opinion Magazine
Number of visits: 9456390
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કથા મારા વિદ્યાર્થીઓની (38) : કેતન રૂપેરા 

ગૌરાંગ જાની|Opinion - Opinion|7 April 2025

કેતન રુપેરા

મારું પુસ્તક ‘વિદ્યા વધે એવી આશે’ પ્રગટ થયું, ત્યારે મને બેવડો આનંદ થયો હતો. મારી વિદ્યાર્થિની મિત્તલ પટેલે તેની પ્રસ્તાવના લખી અને બીજા વિદ્યાર્થી કેતન રૂપેરાએ પ્રત-સંપાદન કર્યું. પરિણામે મારું પુસ્તક સાચે જ વિદ્યાપ્રેમીઓનું બન્યું. 

વિરમગામના જૈન પરિવારનો કેતન જૈનોની વેપાર પરંપરાનો અનુભવ કરતો મહાત્મા ગાંધીના જીવન અને દર્શનનો એવો અભ્યાસુ બન્યો કે આજના ગુજરાતમાં ગાંધીને સમજવા તેના વિદ્યાર્થી બનવું પડે .વર્ષ 2001 પછીના થોડાં વર્ષો મેં ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગમાં મુલાકાતી અધ્યાપક તરીકે ભણાવેલું .હું ભારતીય સમાજ વિશે વર્ગો લેતો. વર્ષ 2003થી 2005 સુધી કેતન ત્યાં મારો વિદ્યાર્થી હતો અને ત્યાર બાદ એ આજે મિત્ર છે.

મધ્યમવર્ગના પરિવારોમાં બને છે એમ કેતનને પણ બાળપણમાં ડૉક્ટર બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યો અને એ વાતાવરણ એક ચોક્કસ દિશા તરફ શિક્ષણની સફર નક્કી કરતું હોય છે, જે કેતને પણ અનુભવ્યું. વિરમગામની દિવ્યજ્યોતિ વિદ્યાલયમાં પ્રાથમિક શિક્ષણ. દાદા અને પિતાનો સોપારી, પાન, તમાકુ વેચવાનો જથાબંધ અને છૂટક ધંધો. ગલ્લો પણ ખરો. સાથે પિતાએ ત્યાંની કાપડની મિલમાં નોકરી પણ કરી. શાળામાં શિક્ષણની સાથે ઘરમાં સમાજશિક્ષણ થયું. પિતાના છ ખાસ મિત્રોમાં ત્રણ મુસ્લિમ એટલે બને ધર્મની પાકી સમજ પણ બાળપણથી વિકસી. પિતાના મુસ્લિમ મિત્ર કેતનને જરૂરી પુસ્તક પણ ખરીદીને આપે. જૈન, હિન્દુ અને મુસ્લિમ સહઅસ્તિત્વ વિરમગામ જેવા કસ્બામાં પણ ગાંધીના પરિચય પૂર્વે કેતનને સર્વધર્મની સમજ પાકી કરી રહ્યા હતા. એટલે ત્યાંની આર.એસ.એસ. શાખામાં કસરતથી કશું વિષેશ કેતનને આકર્ષી શક્યું નહીં. એ સમયે કેતનની શાળાના આચાર્યની ઓફીસ બહાર ‘ગર્વ સે કહો હમ હિન્દુ હૈ’ અંકિત થઈ ચૂક્યું હતું.

એક સદીથી પ્રતિષ્ઠિત એમ જે હાઈસ્કૂલની ટેક્નિકલ શાળાના આઠમા ધોરણમાં કેતન દાખલ થાય છે. આ શાળામાં પ્રવેશતા જ કેતન વકતૃત્વ જેવી કળાઓથી પરિચય પામે છે. સાથે કૈક ખોટું થાય તો તેનો વિરોધ કરવાની તાલીમ અને સાહસ પણ અહીં જ કેળવાય છે. પ્રયોગશાળા બંધ કરવામાં આવે છે અને તેને પુનઃ શરૂ કરવાના વિદ્યાર્થીઓના વિરોધ અભિયાનમાં કેતન સક્રિય બને છે. દરજી વિદ્યાર્થીના પરિવાર પાસે કાપડની કાળી પટ્ટીઓ તૈયાર કરી તેનો વિરોધ પ્રતીક તરીકે સામૂહિક ઉપયોગ અને સૂત્રોચ્ચાર. પ્રયોગશાળા તો ના શરૂ થઈ પણ સમાજવિદ્યાના અલાયદા શિક્ષક મેળવવામાં સફળ થવાયું. કેતન દર્શાવે છે તેમ સમાજવિદ્યાના શિક્ષક ડી.એસ. દવેએ માત્ર એક જ વર્ગ લીધો, પણ તેઓનું ઇતિહાસ દર્શન કેતન પર કાયમી છાપ અંકિત કરી ગયું.

ટેક્નિકલ શાળામાં ભણવા પાછળનો એક ઉદેશ ભવિષ્યમાં એન્જિનિયરીંગમાં પ્રવેશ સરળ બને એવો હોય છે, પણ 10માં ધોરણમાં ટકા ઓછા આવ્યા. પરિણામે અમદાવાદ ભાવસાર હોસ્ટેલમાં રહી આર.સી. ટેક્નિકલ શાળામાં 11માં ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ, પણ ત્યાં ના ફાવ્યું એટલે 12 ધોરણમાં શાળા બદલી. પણ નાપાસ થવાનો વારો આવ્યો. કેતન કહે છે કે આવી નિષફળતા અને વિપરીત સ્થિતિમાં પણ માતાપિતા પડખે રહ્યાં. કદી વઢ્યાં નહિ. વિરમગામ પાછા જવાનો વારો આવ્યો. આ દરમ્યાન ઇતર વાચનમાં કેતનનો રસ વધવા માંડ્યો. લીંબડી સ્થિત વિવેકાનંદ સ્મારકભવનની એક મુલાકાતે વિવેકાનંદનો પરિચય કરાવ્યો અને એક હકારાત્મક ઉર્જા કેતને અનુભવી. 12 કોમર્સમાં પ્રવેશ લીધો પણ અંતે તો વિજ્ઞાનમાં જ પરીક્ષા આપી, પણ ટકા એવા ના આવ્યા કે આયુર્વેદ કે હોમિયોપેથીમાં પ્રવેશ મળે. અંતે અમદાવાદની ગુજરાત કોલેજમાંથી બી.એસસી. કર્યું. આ ત્રણ વર્ષ એમ.જે. પુસ્તકાલયના સભ્ય બની કેતને સાહિત્યથી લઇ અનેક વિષયો પર ખૂબ વાંચ્યું જે તેને ભાવિ કારકિર્દી માટે ઉપયોગી નીવડ્યું.

કૈક જુદું ભણવું છે એવો વિચાર કેતનમાં સ્થાપિત થઈ ચુક્યો હતો અને પરિણામે પુનઃ અમદાવાદ ભાવસાર હોસ્ટેલમાં રહી, ગૂજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વની અનુસ્નાતક પદવી મેળવી. અહીં ગાંધી અને વિનોબાના  રંગે રંગાવાનું શરૂ થયું અને પ્રોફેસર અશ્વિન ચૌહાણ જેવા ઉત્તમ શિક્ષક મળ્યા. શોધનિબંધ તેઓના માર્ગદર્શન હેઠળ કર્યો. વિષય : ઉચ્ચ શિક્ષણ સામાયિક દૃષ્ટિ (હાલ અભિદૃષ્ટિ).પત્રકારત્વના પ્રથમ વર્ષ બાદના વેકેશનમાં કેતનને પિતાના વ્યવસાયમાં મદદ કરવા વિરમગામમાં સાયકલ પર સોપારી પાન તમાકુ વેચવા જવું પડ્યું, પણ એ અનુભવે કેતનને શીખવ્યું કે કોઈપણ કામ ઉતરતું નથી. કેતનનો વિચાર પી.એચડી. કરવાનો હતો. એટલે એ દિશામાં જવા એમ.ફિલ.ની પ્રવેશ પરીક્ષા પાસ કરી વિદ્યાપીઠમાંથી એમ.ફિલ. કર્યું. અશ્વિન સર પાસે શોધ નિબંધ કર્યો. વિષય : પત્રકાર ગાંધીજીના લખાણોમાં પ્રતિબિંબિત શિક્ષા વિચાર (હરિજનબંધુ,1933થી 1948).

દૃષ્ટિ સામાયિક વિશેના સંશોધને કેતનને એ જ સામાયિકના સંપાદન તરફ દોરી ગયું અને ત્યાં સફળતા મળી અને એ અનુભવ સંપાદનથી લઈ પ્રિન્ટિંગ સુધી વિસ્તર્યો. આજે ગુજરાતના પ્રતિષ્ઠિત વિચારપત્ર ‘નિરીક્ષક’નું સંપાદન પણ કેતન કરે છે અને સૌ તેના કામથી પ્રભાવિત છે. મુરબ્બી પ્રકાશ ન. શાહે કેતનની કારકિર્દી ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. કેતનની કારકિર્દીનો એક મહત્ત્વનો પડાવ અર્થાત નવજીવન દ્વારા પ્રકાશિત ‘નવજીવનનો અક્ષરદેહ’ માસિકનું સંપાદન. 55 અંકો અને 6 વિશેષાંકના સંપાદને કેતનને ગુજરાતની નવી પેઢીના આગવા પત્રકાર અને અભ્યાસી તરીકે સ્થાપિત કરી દીધો. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં કોઈ એક અંકમાં 100 પુસ્તકોનો સાગમટે પરિચય થયો હોય તો એ કેતનની મહેનતથી સર્જાયેલો નવજીવનનો અક્ષરદેહનો અંક.

કેતને મુખ્ય ધારાના પત્રકારત્વનો પણ અનુભવ લીધો .

‘અભિયાન’ અઠવાડિક અને ‘દિવ્ય ભાસ્કર’ અખબારમાં પણ તેના કામની આગવી નોંધ લેવાઈ. વર્ષ 2010 પછી કેતને ફ્રીલાન્સ કામ શરૂ કર્યું જે પુસ્તક સંપાદનથી માંડી તેના પ્રકાશન સુધીનું રહ્યું.

ગુજરાતની કેટલીક જાણીતી વ્યક્તિઓનાં જીવનને આલેખતાં પુસ્તકોનું સ્વતંત્ર સંપાદન પણ કેતનની ભેટ છે. જેમાં ચુનિભાઈ વૈદ્ય વિશેનું પુસ્તક ‘અગ્નિપુષ્પ’, જીતેન્દ્ર દેસાઈ વિશે ‘ગાંધી સાહિત્યના સારથી’, તુષાર ભટ્ટ વિશે ‘નીડર પત્રકાર પૂર્ણ પરિવારજન’નો સમાવેશ થાય છે. કનુભાઈ કલ્સરિયાના પ્રદાન વિશેના પુસ્તકનું પ્રત સંપાદન પણ કેતને કર્યું અને ખૂબ વખણાયું. કેતને અધ્યાપન ક્ષેત્રે પણ પ્રદાન કર્યું. નડિયાદ સ્થિત અમૃત મોદી સ્કૂલ ઓફ માસકોમ્યુનિકેશનમાં પત્રકારત્વનાં વિવિધ પાસાંઓ વિશે લગભગ સાડાત્રણ વર્ષ ભણાવ્યું. યુવાન વયે ગાંધી સાહિત્ય વિશેના તેના બહુ આયામી ખેડાણની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ. વર્ષ 2016માં કેતનને ‘કાકાસાહેબ કાલેલકર પત્રકારીતા સન્માન’થી સન્માનિત કરવામાં આવ્યો. આ સન્માન ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા, ન્યુ દિલ્હી અને વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન, નોયડા દ્વારા આપવામાં આવ્યું .તાજેતરમાં કેતને Enhanceonly પ્રકાશન કન્સલ્ટન્સી શરૂ કરી અને ગંભીરસિંહ ગોહિલ લિખિત  પુસ્તક ‘મહાત્મા : સ્વરાજની સફર અને સૌરાષ્ટ્રના સાથીદારો’ પ્રકાશિત કર્યું. આજે જ્યારે ગુજરાતમાં શબ્દપ્રેમ અને પુસ્તકપ્રેમ વિસારે પડતા જાય છે અને ગુજરાતી ભાષા સામે પ્રશ્નો ખડા થયા છે, એ સમયે નવી પેઢીનું એક પ્રેરક વ્યક્તિત્વ કેતન રૂપેરા ઘણી ઉમ્મીદ જગાવે છે. 

કેતનને અભિનંદન.

સૌજન્ય : ગૌરાંગભાઈ જાનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

રાવણ રાજ્યમાં સત્તા સ્વ-કેન્દ્રિત છે, રામ રાજ્યમાં તે પર-કેન્દ્રિત છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 April 2025

રાજ ગોસ્વામી

દેશના પ્રસિદ્ધ માયથોલોજી લેખક દેવદત્ત પટ્ટનાયક ભગવાન રામને મહત્ત્વાકાંક્ષા વગરના રાજા ગણે છે. અને તે તેમનો સૌથી આદરપાત્ર ગુણ છે. મહત્ત્વાકાંક્ષા પ્રગતિનું ચાલક બળ છે તે સાચું, પરંતુ તે લાલચ અને કુટિલતાની પણ જનક છે. રામ એ અર્થમાં સંતુષ્ઠ રાજવી છે, મહત્ત્વાકાંક્ષી નહીં, અને એટલે જ તેઓ ભૌતિકવાદની વર્તમાન દોડમાં સૌથી આદર્શ વ્યક્તિત્વ છે.

પટ્ટનાયક લખે છે, “વિશ્વના આજના મહત્ત્વાકાંક્ષી અબજોપતિઓને જુવો. તેમની પાસે દુનિયામાં અન્ય કોઈની સરખામણીએ વધુ સંપત્તિ છે, પરંતુ તેમનામાં હજુ પણ પૈસા અને પ્રગતિની ભૂખ છે. આનું કારણ એ છે કે આધુનિક સમાજ અનહદ વિકાસની જેમ અસીમ મહત્ત્વાકાંક્ષાને બીમારીને બદલે સદ્દગુણ તરીકે જુએ છે.”

તમારી પાસે બે ટંક ખાવાનું ના હોય ત્યારે મહત્ત્વાકાંક્ષા હોય તેમાં કશું ખરાબ નથી, પરંતુ તમારી સાત પેઢી ખાય તેટલી સંપત્તિ હોય ત્યારે પણ તમને ‘હવે બસ થયું’ એવું ના થતું હોય તો તેવી મહત્ત્વાકાંક્ષા કઈ રીતે આદર્શ કહેવાય?

એ દૃષ્ટિએ ભગવાન રામ સંતોષી રાજા છે-  તે ખાતા નથી, ખવડાવે છે. તપસ્વી રાજા આને કહેવાય. રાવણ મહત્ત્વાકાંક્ષી છે. એવું નથી કે તે તવંગર રાજા હતો. તે તો સોનાની લંકાનો શાસક હતો, પરંતુ તેની મહત્ત્વાકાંક્ષા લોભ અને સ્વાર્થથી રંગાયેલી હતી. 

‘રામાયણ’માંથી કશું આત્મસાત કરવા જેવું હોય, તો તે આ બે વિરોધાભાસી રાજાઓના ગુણ અને અવગુણ છે. રામ આપણને જીવનમાં શું ઉતારવા જેવું છે તે શીખવે છે, જ્યારે રાવણ શેનાથી દૂર રહેવા જેવું છે તે શીખવે છે.

સત્તા અને શખ્સિયત વચ્ચે સીધો સંબંધ છે. સદાચારી અને ઉત્તરદાયી વ્યક્તિ આચાર અને વિચારમાં અનુકૂળ, ઇમાનદાર, વિનમ્ર અને સહકારી હોય છે. એનાથી વિરોધી વ્યક્તિ સ્વ-કેન્દ્રિત, કપટી અને દમનકારી હોય છે. 

બંને શક્તિશાળી છે અને બંને મહામાનવ છે. ફર્ક એટલો જ છે કે રામનું સામર્થ્ય ધર્મ અને સદાચાર માટે છે, રાવણની તાકાત અધર્મ અને દુરાચારમાં છે. રામનો પાવર એમની બુદ્ધિની એરણ પર તપીને વિવેકશીલતામાં બહાર આવે છે. રાવણની અંદર એ જ પાવર સ્વાર્થની વૃત્તિમાં રંગાઇને ઇન્દ્રિયોમાં પ્રતિબિંબિત થાય છે.

રામરાજ્ય અને રાવણરાજ્યમાં પણ આ જ ફર્ક છે. રામ માટે અયોધ્યાના નાગરિકોનું કલ્યાણ પ્રથમ છે, સત્તા નહીં. રામરાજ્યમાં સત્તા સ્વ-કેન્દ્રિત નહીં, પર-કેન્દ્રિત હોય છે. એ જ લોકતંત્રની પણ વ્યાખ્યા છે. રામાયણમાં રાવણ અને મહાભારતમાં દુર્યોધન સ્વ-કેન્દ્રી છે. એમના માટે એમના નગરવાસીઓ પ્રથમ નથી. એટલા માટે જ રાવણરાજમાં લંકાવાસીઓ ભયભીત, ચિંતાતુર છે, પણ રામના શાસનમાં અયોધ્યાવાસીઓ આશ્વસ્ત અને સાહસી છે.

રામ તેમના આદર્શ માટે સત્તાનો ત્યાગ કરે છે. રાવણ આવું કરી શકે? સંતોષી અને સ્વાર્થી રાજા વચ્ચે આ ફર્ક છે. ભારતના જનમાનસમાં આજે પણ રામનું રાજ્ય આદર્શ છે, પરંતુ આપણી રાજનીતિ અને અર્થવ્યવસ્થા મહાભારત જેવી છે. આજે કેટલા નેતાઓ જનકલ્યાણ માટે સત્તાનો ત્યાગ કરવા તૈયાર થશે? કેટલા ધનકુબેરો ગરીબો માટે ખજાનો ખુલ્લો મુકશે?

અબ્રાહમ લિંકન અમેરિકાને કપરા ગૃહયુદ્ધમાંથી ઉગારવા માટે જાણીતા છે. એમણે કહ્યું હતું, “આમ તો દરેક માણસ વિપદા સામે ટકી રહેવા સમર્થ છે, પણ એના ચરિત્રની સાચી પરીક્ષા કરવી હોય તો એને સત્તા સોંપી જુવો.” 

જે ગુણો-દુર્ગુણો વચ્ચે રામાયણની કથા આકાર લે છે, તેની પાછળ એક બાબતનું સામ્ય છે; પાવર. રાવણ લંકાની સત્તામાં છે, અને એને એનો નશો છે. રામ ન્યાયી, સદાચારી અને પ્રજાતરફી છે અને કોસલ રાજ્યને ઉચિત શાસન આપવા માંગે છે. સત્તા અથવા અખત્યારી કેવી રીતે માણસને કુટિલ બનાવી દે, તેની સમજ રામને હતી. સત્તા માણસને ભ્રષ્ટ બનાવે છે એવી સમજ આજના ચિંતકો અને મનોવૈજ્ઞાનિકોને છે.

જંગલમાં સિંહ પાવરના ક્રમમાં સૌથી ઉપર હોય છે. દુનિયાભરમાં બધે જ મહાન લીડર માટે સિંહ પ્રતિક ગણાય છે. એના ઉપરથી ‘સિંહ ભાગ’ શબ્દ છે. સિંહની જગ્યા મોટી હોય, સિંહનો શિકાર મોટો હોય. 

સિંહ શારીરિક પાવરનું પ્રતિરૂપ છે. જંગલમાં સિંહ એના તાકાતના જોરે બાકીનાં પ્રાણીઓ ઉપર રાજ કરે છે. કંઇક એ જ રીતે, માનવ જીવનમાં પણ આપણે લીડરને ‘સિંહ’ તરીકે સ્વીકારતા થયા છીએ. રાજાઓ અને સામંતો એટલે જ લાંબી મૂછો અને દાઢી રાખતા હતા. લીડર હોવું એટલે ડરાવવું, ધમકાવું અને ‘કડક હાથે’ કામ લેવું. 

ફરક એટલો જ છે કે, જંગલમાં સિંહને પાવર માટે પ્રેરણા કે પ્રયોજન નથી હોતું. એ પ્રકૃતિથી પાવરફુલ છે, એટલે એને વધુ પાવરફુલ થવાની જરૂર કે ખ્વાહીશ નથી હોતી. એનો પાવર (કોઈ કારણસર) ઓછો થયો હોય, તો એ હાર પણ માની લે. સિંહમાં પાવરનું ગૌરવ નથી, અને હારની શરમ નથી. સિંહ પ્રતિકૂળ સ્થિતિમાં આરામથી પાછો વળી જાય છે. એ અર્થમાં સિંહ રામાયણના રામ જેવો છે. પાવરથી એ ચલિત કે વિચલિત થતો નથી. એ એને વાપરે ય છે, અને ત્યાગી પણ દે છે.

મોટાભાગના લીડરો પાવર માટે ચૂંટણીથી લઈને વિરોધીને પાડી દેવા સુધીની લડાઈઓ લડે છે, પણ એમને એ ભાગ્યે જ ખબર છે કે, એ પાવર મળી જાય પછી એનું કરવાનું શું? એટલે એ લીડરો પાવર વહેંચવાને (ઉપયોગ કરવાને) બદલે, તેનો સ્ટોક વધારતા જાય. રામમનોહર લોહિયા કહેતા હતા, રામ પાવરના વર્તુળની અંદર રહે છે. એ વર્તુળમાં વ્યવસ્થા (ઓર્ડર) છે, શિસ્ત છે, શિરસ્તો છે, અનુક્રમ (હાઇરાર્કી) છે. એટલા માટે રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. અને એટલા માટે જ ભારતીય જનજીવન ઉપર રામનો પ્રભાવ છે.

સાચો પાવર એ છે, જેનો જનમાનસ ઉપર પ્રભાવ હોય. તમારાથી પ્રભાવિત થઈને જનતા જ્યારે તમારી દૃષ્ટિ, તમારા ચિંતનમાં ભાગીદાર બને એ મહાન લીડર કહેવાય. પ્રભાવ અને અધિકારમાં આ ફરક છે. લીડરશીપ એ છે જેમાં સંબંધ અને સન્માન હોય, અંકુશ અને આજ્ઞા નહીં. લીડર એ નથી જે અનુયાયીઓ બનાવે, લીડર એ છે જે બીજા લીડર બનાવે. લીડર એ નથી જેની પાસે ભીડ છે, લીડર એ છે જેની પાસે રીઝલ્ટ છે. 

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 06 ઍપ્રિલ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ટ્રમ્પની સામે પડેલા અર્બન નક્સલ અને દેશદ્રોહીઓ છે! 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|7 April 2025

તમને યાદ છે? ૨૦૨૦માં જ્યોર્જ ફ્લોઇડ નામના ૪૬ની વયના એક કાળા માણસને એક ગોરા પોલિસ અધિકારીએ ગળા પર પગ મૂકીને જાહેરમાં ફૂટપાથ પાસે મારી નાખેલો, ત્યારે થયેલા દેખાવોના માહોલમાં ટ્રમ્પ બાઇબલ લઈને એક ચર્ચની બહાર ફોટો પડાવવા ઊભેલા. કેટલો બધો ધાર્મિક માણસ છે આ! ટ્રમ્પ તો ખ્રિસ્તી ધર્મપ્રેમી કહેવાય.

આવા દેશભક્ત માણસ સામે આંદોલન થાય? આખા અમેરિકામાં અત્યારે જે આંદોલનો ટ્રમ્પની નીતિરીતિ સામે થઈ રહ્યાં છે, એ તો રશિયાના પુતિન અને ચીનના જિનપિંગનું કાવતરું છે. બાઈડન અને ઓબામા અને આખી ડેમોક્રેટિક પાર્ટી વિદેશી કાવતરાનો ભાગ બની ગઈ છે! નરેન્દ્ર મોદીની ૫૬ ઇંચની છાતી અહીં કામમાં લાગે એમ નથી, કારણ કે એમણે તો આ વખતની ચૂંટણીમાં ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’નો નારો લગાવ્યો નહોતો. 

જો કે, મોદીએ ત્યાંના ભારતીયોને આદેશ આપી દીધો છે કે તેમણે ટ્રમ્પ વિરોધી આંદોલનમાં ભાગ લેવો નહીં. બદલામાં મોદીએ હમણાં જ ટ્રમ્પે ભારતની ચીજો પર લગાડેલી ઊંચી જકાત પાછી ખેંચી લેવી પડશે. મોદીની આ શરત ટ્રમ્પ સ્વીકારી ચૂક્યા છે એટલે અહીં ભારતમાં રામ મંદિરોમાં આજે ભારે ભીડ જામી છે! જેઓ કોઈ દિવસ મંદિરોમાં જતા નહોતા એવા યુવાનો પણ આજે તેથી ભગવાન રામને મોદીનું રાજ કાયમ તપે એવા આશીર્વાદ આપવા બે હાથ જોડીને વીનવવા દોડી ગયા છે. 

ટ્રમ્પે જે ભારતીયોને તગેડી મૂકેલા એમને પાછા બોલાવીને વ્હાઈટ હાઉસમાં જ એમને નોકરી આપવાની જે બીજી શરત મોદીએ મૂકી તે પણ ટ્રમ્પે સ્વીકારી લીધી છે. ટ્રમ્પે તો ફોન પર એવું વચન આપ્યું કે તેઓ જાતે એમને આવકારવા એરપોર્ટ જશે. 

અમેરિકનોને સમજણ જ પડતી નથી. એ લોકો ખોટેખોટો અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો દુરુપયોગ કરી રહ્યા છે. આવી સ્વતંત્રતા તો હોવી જ ન જોઈએ. કોણ આવા દેખાવો માટે ત્યાં પરવાનગી આપે છે? ગુજરાતની પોલિસને ટ્રમ્પ બોલાવે તો કોઈને દેખાવો માટે પરવાનગી આપે જ નહીં. ટ્રમ્પનો આ બાબતે ભૂપેન્દ્ર પટેલ પર ફોન આવ્યાના સમાચાર હમણાં જ મળ્યા છે! 

અમેરિકાને ફરી મહાન બનાવવા માટે ટ્રમ્પ રોજ કેટલી બધી મહેનત કરે છે એનો અમેરિકનોને ખ્યાલ જ નથી. એમની મહેનત નકામી જશે. એમણે તો હમણાં જ કહ્યું કે તેઓ ત્રીજી વાર પણ પ્રમુખ બનવા તૈયાર છે. એને માટે કાયદામાં શો ફેરફાર કરવા એ તેઓ વિચારી રહ્યા હોય ત્યારે આવાં આંદોલનો થાય કંઈ? 

ટ્રમ્પ જ દેશપ્રેમી છે. જુઓ, સમજો જરા એમણે ગેરકાયદે ઘૂસેલા લોકોને તગેડી મૂકવા ઝુંબેશ ઉપાડી, અને વિદેશી ચીજો પર વધુ જકાત નાખીને મોંઘી કરી નાખી. દુનિયા આખીને ડરાવીને ટ્રમ્પ અમેરિકાને મહાન બનાવી રહ્યા છે. એટલે અમેરિકામાં અમેરિકન ચીજો વધુ ઉત્પન્ન થાય અને વેચાય. એ તો મહાત્મા ગાંધીના સ્વદેશીના સિદ્ધાંતને અનુસર્યા કહેવાય! આવા પવિત્ર માણસ સામે આંદોલન કરનારા બધા અમેરિકાનો ભવ્ય ઇતિહાસ ભૂલી ગયા છે. આ આંદોલનજીવીઓ ટ્રમ્પને કામ કરવા દેતા નથી. હજુ અમેરિકા ફરી મહાન થવાનું તો બાકી છે. આ તો ટ્રમ્પના પાશેરામાં પહેલી પૂણી છે! 

એમની સામે આંદોલન કરનારા બધા અર્બન નક્સલ, દેશદ્રોહી, રાજદ્રોહી, વિકાસદ્રોહી, આંદોલનજીવી છે. ટ્રમ્પ હવે પાદરીઓને સંસદમાં બોલાવીને તેમનો ટેકો છે એમ પુરવાર કરે! બાઇબલ માથે મૂકીને કે છાતી પર રાખીને ટ્રમ્પ પોતે ગોડ દ્વારા મોકલવામાં આવેલો ઉદ્ધારક છે એમ જાહેર કરે તો બધું શાંત થઈ જશે. 

ટ્રમ્પ મિસિસિપી નદીમાં સ્નાન કરશે તો પણ તેમનો વાળ વાંકો નહીં થાય એ નક્કી છે. એવી સલાહ એમને મોદીએ ફોન પર આપી દીધી છે! 

આ આંદોલન કરનારા પર કે તેમના નેતાઓને વીણી વીણીને તેમના પર FBI અને CIA લગાડો. જો એવું કંઇ એમને ન આવડતું હોય તો નરેન્દ્ર મોદી અહીંથી ED, IT અને CBIના અધિકારીઓ મોકલીને દોસ્તી નિભાવવા તૈયાર છે!

રામનવમી, ૨૦૨૫.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...192193194195...200210220...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved