Opinion Magazine
Number of visits: 9663812
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શ્રમ-કાયદામાં વટહુકમ થકી ફેરફારની ઉતાવળ કેમ? 

નેહા શાહ|Opinion - Opinion|2 August 2025

નેહા શાહ

અર્થશાસ્ત્રના પાયાના અભ્યાસમાં ઉત્પાદનનાં સાધનને ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. જમીન (એ સાથે જોડાયેલાં બધાં પ્રાકૃતિક સંસાધનો), મૂડી, શ્રમ અને ઉદ્યોગ સાહસિકતા. આ સાથે એક શ્રમજીવી, માણસમાંથી ઉત્પાદનનાં સાધનમાં ફેરવાઈ જાય છે. શ્રમ માટેની શરતો નફાના સંદર્ભે જ નક્કી થાય અને માનવીય ધોરણો નેપથ્યમાં જતા રહેતા હોય છે! એક માણસ શ્રમનું કામ કેટલા કલાક કરી શકે? માનવીય ધોરણે કેટલા કલાક હોવું જોઈએ? આ કામ સતત ચાલતા મશીનના ઘોંઘાટમાં કરવાનું હોય, સામે ચાલતી કેમિકલ પ્રોસેસની વાસ સતત શ્વાસમાં લઈને કરવાનું હોય કે પછી ઉડતી રજકણોની વચ્ચે કરવાનું હોય કામના સ્થળની એવી  સ્થિતિને ધ્યાનમાં રાખીને કામના કલાકોનું માપ નક્કી કરજો. 

પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ 1919માં વર્સેલ્સ સંધિ પછી વિશ્વ શાંતિ માટે વિશ્વ શ્રમ સંસ્થા(આઈ.એલ.ઓ.)ની સ્થાપના થઈ. સ્થાપકો માને છે કે સ્થાયી શાંતિ માટે સામાજિક ન્યાય આવશ્યક છે, અને તે માટે શ્રમિકોની પરિસ્થિતિમાં સુધારો જરૂરી છે. ઔદ્યોગિક ક્રાંતિના સમયમાં મજૂરોનાં શોષણ સામે યુરોપમાં આંદોલનો થઈ રહ્યા હતા. કામના કલાકો નક્કી કરવા તથા શ્રમિકોને આરામ અને જીવનનો આનંદ મળવો જોઈએ એવી માંગ ઉઠી. “આઠ કલાક શ્રમ, આઠ કલાક આરામ અને આઠ કલાક સામાજિક જીવન” – આ ‘વર્ક-લાઈફ બેલેન્સ’ના સિદ્ધાંત પર આધારિત માગને આધારે આઈ.એલ.ઓ.ના પ્રથમ સંમેલનમાં કામના કલાકોને આઠ સુધી મર્યાદિત કરવાનો કરાર થયો. ભારત પણ આમાં ભાગીદાર હતું. આઝાદી પછી ૧૯૪૮માં બનેલા ફેકટરી એક્ટમાં આ સમજૂતી આધારે નિયમ બન્યા.  

આ જ ફેકટરી એક્ટની મુખ્ય જોગવાઈઓમાં સુધારો કરીને ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે પહેલી જુલાઈના રોજ એક વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં ફેક્ટરી કામદારોના દૈનિક કામના કલાકો નવથી વધારીને બાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે જ્યારે જરૂર હોય ત્યારે ફેક્ટરીનો માલિક શ્રમિકને બાર કલાક સુધી રોકી શકે. જો કે સપ્તાહના કામના મહત્તમ કલાકની મર્યાદા 48 કલાકમાં ફેરફાર કરવામાં નથી આવ્યો. વધુમાં, વટહુકમમાં ઓવરટાઇમના કલાકો પરની ત્રિમાસિક મર્યાદા હાલના 75થી વધારીને 125 કરવામાં આવી છે, અલબત્ત, ઓવર ટાઈમના બમણા પૈસા આપવાની જોગવાઈ કરી છે અને કામદારની લેખિત મંજૂરી પણ જરૂરી છે. પહેલા સતત પાંચ કલાક પછી રીસેસ મળી શકતી હતી હવે છ કલાક પછી મળશે. આ વટહુકમમાં સલામતીની વ્યવસ્થા અંગે કેટલીક શરતો હેઠળ મહિલાઓને રાતની પાળીમાં નોકરી કરવાની પણ મંજૂરી અપાઈ છે.  

કાયદામાં કરાયેલા આ સુધારાએ સંલગ્ન સૌ કોઈને ચિંતા સાથે આશ્ચર્યમાં મૂકી દીધા છે. મજૂર સંગઠનોએ વિરોધ કર્યો છે. એમની ચિંતાને કારણ છે. શ્રમિકો વિરામ વિના લાંબો સમય કામ કરશે તો એ ચોક્કસ ઉત્પાદન વધારશે. જ્યારે બજારમાં માંગ વધે તો એને પહોંચી વળવા પુરવઠો વધારવાનું સરળ બનશે, જે કંપનીનો નફો વધારશે અને રાજ્યમાં આર્થિક વૃદ્ધિ પણ થશે. લવચીકતા પણ વધશે – ચાર દિવસ બાર કલાક કામ કરી ત્રણ દિવસની છુટ્ટી! સાંભળવામાં આ જોગવાઈ સારી લાગે પણ જે કામની વાત છે એ ટેબલ-ખુરશી પર બેસીને કરવાનું નથી એટલે શ્રમિકોનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડનાર અસર અંગે પ્રશ્નો થાય. વટહુકમમાં શ્રમિકની સહમતીની વાત છે, પણ શું શ્રમિક સ્વેચ્છાએ લેખિત મંજૂરી આપે એવી પરિસ્થિતિ હોય છે ખરી? જરૂરત મંદ કામદાર માટે નોકરી ગુમાવવાનો ડર લેખિત મંજૂરી આપવા માટે પુરતો હોય છે એવું કોઈની પણ સામાન્ય બુદ્ધિ કહે છે. હવે જ્યારે કાયદાએ મહોર મારી છે ત્યારે માલિક કોઈને બાર કલાક કામ કરવા દબાણ કરશે તો એ કાયદાના દાયરામાં જ ગણાશે! એટલે ૧૯૧૯માં જે સિદ્ધાંતને શ્રમ કાયદાનો પાયો બનાવાયો હતો એ સિદ્ધાંત જ બદલવામાં આવી રહ્યો છે. 

મહિલાઓને રાત પાળીમાં કામ કરવાની મંજૂરી મળવાથી પ્રથમ દૃષ્ટિએ જાતીય સમાનતા તરફનું પગલું લાગે કારણ કે મહિલાઓને મળતી તકોમાં વધારો થશે. પણ, જે સલામતીનાં પગલાંની જોગવાઈઓ વટહુકમમાં છે તેનું પાલન થયું કે નહિ એનું ઓડીટ કોણ કરશે? મહિલા સુરક્ષા માટે આમ પણ સરકારે લીધેલાં પગલાં ઓછાં પડે છે, પોલીસ કાચી પડે છે, નિર્ભયા ફંડ વણ વપરાયેલું રહે છે ત્યારે કાગળ પર બતાવાયેલી સુરક્ષાની જોગવાઈઓના અસરકારક અમલ અંગે ચિંતા થવી સ્વાભાવિક છે. 

અત્યારે રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું નથી, એટલે વટહુકમ બહાર પાડી ફેક્ટરી એકટના આ સુધારાનો તાત્કાલિક અમલ કરાયો છે. સરકારના કહેવા પ્રમાણે આ સુધારા દ્વારા આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, નવા પ્રોજેક્ટ્સમાં રાષ્ટ્રીય મહત્ત્વમાં રોકાણને આકર્ષવા અને રોજગારીનું સર્જન કરવા માટે ફેક્ટરીઓને છૂટછાટ આપવાનો પ્રયાસ છે. પણ, રાજ્યમાં એવી તો કઈ પરિસ્થિતિ ઊભી થઇ કે વટહુકમના માર્ગે રાતોરાત શ્રમ સંબંધી કાયદામાં ફેરફાર કરવાની જરૂર પડી? વિધાન સભાના સત્રની રાહ ના જોવાઈ? મજૂર સંગઠનો સાથે કોઈ પરામર્શ કે ચર્ચા પણ કરવામાં નથી આવી, એટલે જેમના કામની શરતોમાં બદલાવ આવ્યો છે એ વર્ગ જ વટહુકમ આવતા સુધી આખી પ્રક્રિયાથી અજાણ હતો! આવી ગુપ્ત રીતે કરેલી ઉતાવળનું શા માટે કરી હશે?

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પ્રવાસમાં શું અનુભવ્યું?

રમેશ સવાણી|Diaspora - Features, Opinion - Opinion|1 August 2025

રમેશ સવાણી

12 જુલાઈ 2025ના રોજ સવારે પરિવાર સાથે શિકાગોથી કાર દ્વારા પ્રવાસ આારંભ્યો હતો. 28 જુલાઈ 2025ના રોજ, 4,700 માઈલનો પ્રવાસ કરી બપોરે 2.40 વાગ્યે પરત આવ્યા. 

આ પ્રવાસના 17 દિવસ દરમિયાન USના કુલ – 11 રાજ્યો  Illinois / Wisconsin / Minnesota / South Dakota / Wyoming / Montana / Idho / Utah / Denver / Nebraska / Iowaમાં ફર્યા.

પ્રવાસ દરમિયાન અમે શું અનુભવ્યું? 

[1] આ પ્રવાસ દરમિયાન એક પણ ચાર રસ્તા પર પોલીસ ન જોઈ. અમદાવાદ / સુરત / વડોદરા / રાજકોટમાં તથા જિલ્લાઓમાં પોલીસ કાર / ટ્રકને ચેક કરવાના બહાને તોડ કરે છે એવું એક પણ દૃશ્ય ન જોયું ! 

[2] કોઈ સ્થળે અમેરિકન પ્રેસિડન્ટનો ફોટો ન જોયો કે તેમનું હોર્ડિંગ ન જોયું. આપણે ત્યાં મોદીજી સર્વવ્યાપી છે ! 

[3] કોઈ જગ્યાએ લોકોને ઊંચા અવાજે વાત કરતા ન જોયા. કોઈ જગ્યાએ લોકોને ઝઘડા કરતા ન જોયા. કોઈ જગ્યાએ લોકોને દાદાગીરી કરતા ન જોયાં. મોલ હોય / ગેસ સ્ટેશન / હોટલ / રેસ્ટોરન્ટ / વોશરૂમ હોય દરેક જગ્યાએ લોકો લાઈનમાં શિસ્તમાં ઊભા રહે. 

[4] કોઈ જગ્યાએ ગંદકી ન જોઈ. દરેક જગ્યાએ ગાર્બેજ-કેન હોય. કચરો તેમાં જ નાખે. રસ્તામાં ફેંકે નહીં. 

[5] અમેરિકામાં પ્રવાસન ઉદ્યોગની સફળતાનું રહસ્ય છે : સ્વચ્છતા ! દર બે કલાકે વિઝિટર સેન્ટર હોય ત્યાં ફ્રેશ થઈ શકાય. ત્યાં મિની મ્યુઝિયમ હોય. માહિતી-પેમ્ફલેટની વ્યવસ્થા હોય. ગિફ્ટ શોપ હોય. નાસ્તો / ઠંડાપીણાની સગવડ હોય. આપણે જો પ્રવાસન ઉદ્યોગ ખીલવવો હોય તો વિઝિટર સેન્ટર ન બનાવી શકીએ? 

[6] આખા અમેરિકામાં દારુ પીવાની છૂટ છે. પરંતુ કોઈ દારુ પીને કૂકડા થઈ ગયા હોય તેવું જોવા ન મળ્યું. આપણે ત્યાં જોવા મળે છે તેવાં ‘દેશી દારુ કા ઠેકા / અંગ્રેજી શરાબ કા ઠેકા’ એવા બોર્ડ જોવા ન મળ્યા. 

[7] જાહેર બગીચાઓ પુષ્કળ છે. તેમાં અદ્દભુત શિલ્પ કૃતિઓ જોવા મળી. 

[8] અમેરિકાની એક ખાસિયત છે કે અહીંના રાજ્યોમાં સૌથી મોટા શહેરમાં તેમની રાજધાની હોતી નથી. પણ નાના કે મિડિયમ શહેરમાં હોય છે. ન્યુ જર્સીનું કેપિટલ તેના સૌથી મોટા શહેર જર્સી સિટીમાં નહિ ટ્રેનટનમાં છે. ન્યુયોર્ક સ્ટેટનું કેપિટલ એના મોટા શહેર ન્યુયોર્કમાં નહિ અલ્બેનીમાં છે, પેન્સિલવેનિયાનું કેપિટલ તેના મોટા શહેર ફિલાડેલ્ફીયા કે પિટ્સબર્ગમાં નહીં પણ હેરિસબર્ગમાં છે. ઇલિનોયની રાજધાની સ્પ્રિંગફિલ્ડમાં છે નહિ કે શિકાગોમાં. આવું આપણે ન કરી શકીએ? 

[9] દૂધ / ફળો / શાકભાજી / ગ્રોસરીના સ્ટોર હોય ત્યાં પૂરતું પાર્કિંગ હોય. 

[10] ખાદ્ય ચીજવસ્તુઓમાં કોઈ ભેળસેળ ન હોય. 

[11] કોઈ જગ્યાએ પ્રદૂષણ નહીં. કોઈ જગ્યાએ અંકલેશ્વર જેવી ગંધ નહીં. કોઈ જગ્યાએ નદી પ્રદૂષિત નહીં. વટવા GIDC સાબરમતીમાં ગંદું પાણી ઠાલવે છે તેવું દૃશ્ય ન જોયું ! આવું અહીં કોઈ કરે તો લોકો અવાજ ઊઠાવે, જીવતી લાશો બની જોયા ન કરે ! 

[12] મને અહીંની ‘Food Bank’ની સેવા સૌથી વધુ ગમી. ઘણી ફૂડ બેંકો ધાર્મિક નહીં પણ માનવવાદી સિદ્ધાંતો હેઠળ કાર્ય કરે છે, જેનો ઉદ્દેશ્ય ભૂખમરો દૂર કરવાનો અને જરૂરિયાતમંદોને ખોરાક સહાય પૂરી પાડવાનો છે, પછી ભલે તે કોઈ પણ પૃષ્ઠભૂમિ / માન્યતા / ધર્મના હોય. આ એક પ્રકારની સખાવતી સંસ્થા છે જે ખોરાકની અસુરક્ષા ઘટાડવા અને મુશ્કેલીનો સામનો કરી રહેલા વ્યક્તિઓ અને પરિવારોને ખોરાકનું વિતરણ કરે છે. ભારતમાં ‘ફૂડ બેન્ક’ની ખાસ જરુરિયાત છે. 

[13] અહીં ગજબનો વિરોધાભાસ જોવા મળ્યો. કોઈ કોઈ જગ્યાએ હોમલેસ-ઘરવિહોણાં જોવા મળે. બીજી તરફ મોટા સ્ટોરમાં / ટ્રક પાછળ ‘We are hiring – અમે ભરતી કરી રહ્યા છીએ’ લખેલું જોવા મળે. રોજગારી આપનાર છે છતાં હોમલેસ કેમ? કેટલાંક પરિબળો બેઘર વ્યક્તિઓને રોજગાર મેળવવામાં આડે આવે છે. જેમ કે  સ્થિર સરનામાનો અભાવ / સંસાધનો, ટેકનોલોજી અને ડિજિટલ સાક્ષરતાનો અભાવ / સ્વચ્છતા સુવિધાઓની મર્યાદિત પહોંચ / પરિવહન સમસ્યાઓ / માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનો અભાવ, માદક દૃવ્યોની લત / ભેદભાવ અને સામાજિક કલંક / મર્યાદિત કાર્ય અનુભવ અથવા કુશળતાનો અભાવ અને ગુનાહિત રેકોર્ડ વગેરે રોજગારી મેળવવામાં હોમલેસ માટે અવરોધો છે.

અમારો પ્રવાસ એટલે રખડવાનો આનંદ ! પ્રવાસ એટલે પાઠશાળા ! પ્રવાસ એટલે કૂપમંડૂકતામાંથી મુક્તિ ! Mark Twain કહે છે : ‘પ્રવાસ પૂર્વગ્રહ, કટ્ટરતા અને સંકુચિત માનસિકતા માટે ઘાતક છે !’ મતલબ કે પ્રવાસ  દ્વારા વિવિધ સંસ્કૃતિઓ અને જીવનશૈલીનો અનુભવ કરવાથી વ્યક્તિને; પૂર્વગ્રહોને દૂર કરવામાં અને વધુ સહિષ્ણુ અને ખુલ્લા મનનો દૃષ્ટિકોણ વિકસાવવામાં મદદ મળે છે. પ્રવાસના અંતે એક વિશાળ દૃષ્ટિકોણ મળે છે !

31 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

NRIs હવે ભારત પ્રત્યેનો પ્રેમ બતાવશે?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|1 August 2025

હેમન્તકુમાર શાહ

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતની વસ્તુઓ પર પહેલી ઓગસ્ટથી ૨૫ ટકા જેટલી જકાત નખાઈ છે. એટલે અમેરિકામાં ભારતથી આવેલ ચીજો મોંઘી થશે. 

અમેરિકામાં આશરે ૪૮ લાખ બિન-નિવાસી ભારતીયો (NRIs )વસે છે. એ બધા ત્યાં રહ્યે રહ્યે ભારતને બહુ જ પ્રેમ કરે છે એ એક નક્કર હકીકત છે. 

હવે તેઓ બધા ભારતને થોડો વધુ પ્રેમ કરે તેવી અપેક્ષા સ્વભાવિક રીતે જ ઊભી થાય છે. 

ભલે, ભારતની ચીજો ટ્રમ્પ દ્વારા મોંઘી કરી નાખવામાં આવી હોય, ભલે ભારતની ચીજો કરતાં અમેરિકામાં પેદા થયેલી ચીજો હવે થોડી સસ્તી થઈ જાય; પરંતુ NRIs ત્યાં ભારતની જ ચીજો ખરીદે તો તેમણે ટ્રમ્પને બરાબર જવાબ આપ્યો કહેવાય. 

શું તેઓ આવો જવાબ આપશે? કે પછી આવી રહેલી પંદરમી ઓગસ્ટના રોજ અમેરિકાનાં શહેરોમાં ભારતનો તિરંગો લહેરાવીને જ સંતોષ માનશે?

શું આવું બીજા બધા દેશોમાં રહેતા NRIs કરે? તેઓ અમેરિકન ચીજોનો બહિષ્કાર કરે અને ભારતની ચીજો જ ખરીદે? 

અને હા, ભારતમાં લોકો, બીજું બધું તો છોડો પણ, અમેરિકાની બે કંપનીઓનું મોંમાં ચચરે એવું કોકા કોલા અને પેપ્સી પીવાનું બંધ કરી દે ને તો પણ ભારત માતા કી જય બોલવાની ઓર મઝા આવે. 

તા.૩૧-૦૭-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...191192193194...200210220...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved