Opinion Magazine
Number of visits: 9746708
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીનો અહિંસા માટેનો આગ્રહ એ લોકો માટે હતો જેઓ તેમની સાથે ચાલવા માગતા હોય

રમેશ ઓઝા|Opinion - Opinion|20 June 2021

ગાંધીજીએ કહ્યું છે કે ઘણા લોકોને ડાબે-જમણે જોઇને, કોઈ જોતું-સાંભળતું તો નથી ને તેની ખાતરી કરીને ધીમે અવાજે કાનમાં વાત કરવાની આદત હોય છે. ગાંધીજીએ આવી આદતને કાયરતા તરીકે ઓળખાવી છે. તમે જે કહેવા માંગતા હોય એમાં તમને ટકોરાબંધ સત્ય નજરે પડતું હોય અને કોઈનું અહિત કરવાનો ઈરાદો ન હોય અથવા કોઈના હિત માટે કહેવું જરૂરી હોય તો એ કથન ખોંખારો ખાઈને દુનિયા સાંભળે એ રીતે કહેવું જોઈએ. આમાં તમારી સભ્યતા, સંસ્કારીપણું અને મર્દાનગી એ ત્રણેય જળવાય છે.

ગાંધીજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે અદનામાં અદના ભારતીયજને પણ મોટા લાટસાહેબ સાથે આંખમાં આંખ પરોવીને, નીડરપણે, શબ્દ ચોર્યા વિના પોતાની વાત કરતા શીખવું જોઈએ. મર્દાનગીની આ અંતિમ કસોટી છે, બાકી દૂર ઊભા રહીને કોઈને પથ્થર મારવો કે ગોળી મારવી એમાં કોઈ મર્દાનગી નથી. આખું જગત ગાંધીજીને અલગ અલગ રીતે મૂલવે છે જેમાં એક મુલવણી સર્વસામાન્ય છે કે ગાંધીજીએ પરંપરાગત રીતે જેને નિર્બળ સમજવામાં આવતો હતો એવા અદના માણસના સીનામાંથી ભય દૂર કર્યો. ટોળાંનો ભય દૂર નહોતો કર્યો, વ્યક્તિની અંદર રહેલો ભય દૂર કર્યો હતો. આ માત્ર મહાત્મા જ કરી શકે.

પણ ગાંધીજી તો કાયર હતા. માત્ર અને માત્ર પોતાને મહાન દેશપ્રેમી અને કાળઝાળ રાષ્ટ્રવાદી તરીકે ઓળખાવતા હિન્દુત્વવાદીઓને ગાંધીજી માટે અણગમો એટલા માટે છે કે ગાંધીજી અહિંસામાં માનતા હતા અને શસ્ત્ર હાથમાં લેવાનો વિરોધ કરતા હતા. અહીં એક વાત સ્પષ્ટ કરી દેવી જોઈએ કે ગાંધીજીનો અહિંસા માટેનો આગ્રહ એ લોકો માટે હતો જેઓ તેમની સાથે ચાલવા માગતા હોય. જે લોકો ગાંધીજી સાથે સંમત નહોતા અથવા તેમની સાથે ચાલવા  માગતા નહોતા તેમને ગાંધીજીએ ક્યારે ય કહ્યું નથી કે તેમણે અહિંસાનો માર્ગ અપનાવવો જ પડશે અને જો નહીં અપનાવો તો હું ઉપવાસ કરીશ. જેમને મારું નેતૃત્વ જોઈએ છે તેમણે મારો સિદ્ધાંત સ્વીકારવો જોઈએ.

આનો અર્થ એ થયો કે જે લોકો ગાંધીજીના વિચાર સાથે અને તેમના માર્ગ સાથે સંમત નહોતા તેઓ પોતાનો માર્ગ અપનાવી શકતા હતા. વળી ગાંધીજી કોઈને તેમનાથી વિરુદ્ધ માર્ગ અપનાવતા રોકે પણ કઈ રીતે? કયો એવો તેમની પાસે અધિકાર હતો? અને કોઈ તેમના એવા અવ્યવહારુ અધિકારને સ્વીકારે પણ શા માટે? પરમ પૂજ્ય મહાત્મા તેમના અનુયાયીઓ માટે. એ સમયે થોડા ઘણા નહીં મોટી સંખ્યામાં એવા નેતાઓ અને રાજકીય પક્ષો હતા જેઓ ગાંધીજીને નહોતા મહાત્મા તરીકે સ્વીકારતા કે નહોતા પૂજ્ય તરીકે. તેમના અહિંસાના આગ્રહનો વિરોધ કરનારાઓ પણ મોટી સંખ્યામાં હતા. સામ્યવાદીઓ ગાંધીજીની અહિંસાનો વિરોધ કરતા હતા અને તેમણે નોખો માર્ગ અપનાવ્યો હતો. ભગત સિંહ અને બીજા ક્રાંતિકારીઓ અહિંસાનો વિરોધ કરતા હતા અને નોખો માર્ગ અપનાવ્યો હતો. સુભાષ બોઝ એક સમયે ગાંધીજીના અનુયાયી હતા, પરંતુ પાછળથી તેમણે પણ અહિંસાના આગ્રહનો વિરોધ કર્યો હતો અને નોખો માર્ગ અપનાવ્યો હતો. કેટલાક મુસલમાનોએ ખિલાફતની ચળવળ વખતે ગાંધીજીની અહિંસાનો વિરોધ કર્યો હતો અને નોખો માર્ગ અપનાવ્યો હતો.

ટૂંકમાં ભારતમાં કુડીબંધ જૂથો, અનેક પ્રતિષ્ઠિત નેતાઓ અને હજારો યુવકો હતા જેમને ગાંધીજીની અહિંસા સ્વીકાર્ય નહોતી અને તેમણે પોતાનો માર્ગ અપનાવ્યો હતો. ગાંધીજીએ તેમાંથી કોઈને ય રોક્યા નહોતા અને રોકી શકે એમ પણ નહોતા. માત્ર હિંસક માર્ગે જ દેશ આઝાદ થઈ શકે એમ જે લોકો માનતા હતા એ બધા લોકોએ પોતપોતાનો હિંસાનો માર્ગ અપનાવ્યો હતો. તેમણે જે માર્ગ અપનાવ્યો અને જે કૃતિ કરી એ આપણી સામે છે. પોતપોતાની શક્તિ મુજબ તેઓ જે કરી શકતા હતા એ કરી બતાવ્યું. પોતાના માર્ગે ચાલી બતાવ્યું અને પોતાની શરતે જિંદગી જીવી ગયા. કેટલાકે જાનની કુરબાની આપી દીધી. ભગતસિંહ અને સુભાષ બોઝ જેવા અનેક ઉદાહરણ આપણી સામે છે. હું ફરી એકવાર કહું છું કે ગાંધીજીએ તેમને રોક્યા નહોતા અને રોકી શકે એમ પણ નહોતા. જેમને ચાલવું હતું એ ચાલ્યા છે, ગાંધીજીની હયાતી છતાં ય.

ઉપર કહ્યું એમ ગાંધીજીની અહિંસાનો વિરોધ હિન્દુત્વવાદીઓ પણ કરતા હતા. તેમનો તે અધિકાર હતો અને તેમના એ અધિકારનો આપણે આદર કરવો જોઈએ. તેઓ એમ માનતા હતા અને આજે પણ માને છે કે ગાંધીજી અહિંસાના પૂજારી છે અને માટે કાયર છે. આ કાયર માણસ દેશની પ્રજાને (ખાસ કરીને હિંદુઓને) અહિંસાનો પાઠ શીખવીને કાયર બનાવી રહ્યો છે. દેશને આઝાદી માત્ર હિંસા દ્વારા જ મળી શકે એમ તેઓ ત્યારે કહેતા હતા અને માટે તેઓ ગાંધીજી પ્રેરિત આઝાદી માટેના આંદોલનથી દૂર રહેતા હતા. તેઓ એમ પણ માને છે કે હિંદુઓમાં મર્દાનગીનું આરોપણ કરવું પડે એમ છે કારણ કે બુદ્ધ અને મહાવીરની શ્રમણ પરંપરાએ અને ગાંધીજી જેવાએ અહિંસાનો મહિમા કરીને હિંદુઓના પૌરુષને નુકસાન પહોંચાડ્યું છે.

ઉપસંહાર કરીએ તો બે મિશન તેમણે પોતાના માટે નક્કી કર્યા હતા. એક, ગાંધી નામનો  નમાલો માણસ દેશને આઝાદી અપાવી શકે એમ નથી માટે હિંસક લડત લડીને દેશને આઝાદ કરવો. આને માટે યુવકોને તૈયાર કરવા અને એક દિવસ લોહિયાળ ક્રાંતિ કરવી. બે, દેશની બહુમતી હિંદુ પ્રજાની અંદર મર્દાનગીનું આરોપણ કરવું. ગાંધીજી કહેતા એમ આંખમાં આંખ પરોવીને, નીડરપણે, શબ્દ ચોર્યા વિના પોતાની વાત કરતા શીખવું એ મર્દાનગીની અંતિમ કસોટી નથી; પણ દુશ્મનનો કોલર પકડવામાં મર્દાનગીની અંતિમ કસોટી છે. ગાંધીજી કહેતા એમ તાકાત કાળજામાં નથી; પણ અન્યત્ર છે. તાકાતનાં અન્યત્ર શક્તિસ્રોત પણ તેમને તપાસવાનાં-શોધવાનાં હતાં.

બે જબરદસ્ત મિશન તેમણે અપનાવ્યાં હતાં. બીજાં કોઈ પણ હિંસાના હિમાયતીઓ કરતાં હિન્દુત્વવાદીઓનું મિશન ઘણું પડકારરૂપ હતું. મિશન જોતા દેખીતી રીતે તેમણે ખૂબ સહન કર્યું હશે. જાનની કુરબાનીઓ આપી હશે. ઘણાં પરિવારો ખુવાર થઈ ગયાં હશે. અંગ્રેજોની જેલો છલકાવી દીધી હશે. કેસરિયાં કર્યાં હશે અને ખાંડાની ધારે ચાલ્યા હશે. મિશન જ પડકારરૂપ હતું અને પડકાર સામેથી ઝીલ્યો હતો.

પ્રિય વાચક, દરમ્યાનમાં હિન્દુત્વવાદીઓની એક ઘા અને બે કટકા કરે એવી દિલધડક દાસ્તાનમાં શું બન્યું અને કોણે શું કર્યું એ શોધવાનું શરૂ કરી દે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 જૂન 2021

Loading

ભારતીય શાસ્ત્રીય સંગીત અને દમદાર સફળતાઃ “બહુત કઠિન હૈ ડગર પનઘટ કી …”

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|20 June 2021

કળાના સત્ય સુધી પહોંચવાનો સંઘર્ષ આજના સમયે વધુ અઘરો બન્યો છે કારણ કે ઇન્ફર્મેશન ઓવરલોડના જમાનામાં લગ્નમાં ગોવિંદાનાં ગીત પર નાચી લેતાં અંકલ પણ પ્રસિદ્ધ થઇ જાય છે અને રળવા માંડે છે

૨૧મી જૂન વિશ્વ સંગીત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણી પાસે સંગીતનો વારસો એટલો સમૃદ્ધ છે કે તેને જાણવા કે નાણવા સાત જન્મ પણ ઓછા પડે. પાંચમા વેદ ગણાતા નાટ્યશાસ્ત્રમાં જેમ કળા વિશે લખ્યું છે તેમ સંગીત પણ દેશી અને માર્ગી એમ બે ફાંટામાં વહેંચાયેલું છે, એક હિસ્સો છે તે બધાં માટે છે, તેને માણવા બહુ ઊંડી સમજની જરૂર નથી, બસ સંગીતમાં રસ હોવો જોઇએ. તો બીજો હિસ્સો છે તેમાં શાસ્ત્રોક્ત અભ્યાસ, રાગ, તાન, તાલ, લય, સ્વરોની બારીકીઓ અને તેમાં તમે માત્ર કાનસેન હશો તો નહીં ચાલે, તાનસેનની કલાના પ્રભાવને તમે પારખી શકતા હોય તે જરૂરી છે.

વિશ્વ સંગીત દિવસ ઢુકડો છે ત્યારે થોડા સમય પહેલા નેટફ્લિક્સ પર આવેલી ફિલ્મ ‘ધી ડિસાઇપલ’નો સંદર્ભ લઇએ અને ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયામાં લાંબા સમયથી ચાલી આવતી ચર્ચાને ફરી એક વાર મમળાવીએ. ચૈતન્ય તામ્હાનેની આ ફિલ્મમાં શાસ્ત્રીય સંગીતની વિદ્યા, શિક્ષા, તાલીમ અને તેના સિદ્ધાંતોને આધારે આગળ વધવા માગતા શરદ નેરુળકરની વાત છે. જેમ દરેક શાસ્ત્રીય સંગીત તાલીમાર્થીના જીવનમાં એક ગુરુ હોય છે તેમ શરદની જિંદગીમાં પણ છે. જેમ પોપ્યુલિસ્ટ કલ્ચરનાં આકર્ષણોમાં કલાકારો ખેંચાઇ જાય છે અને જે તે વમળમાં નથી ખેંચાતા તેમનો આંતરિક સંઘર્ષ સતત ચાલુ રહે છે તેવું જ શરદ સાથે પણ થાય છે. શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ એક સમાધિ, એક પ્રકારનું ધ્યાન છે તેમાં કશું ય ઉપરછલ્લું ન હોઇ શકે, દુન્યવી ઇચ્છાઓ તેમાં બાધ ન બની શકે એવી વિચારધારા સાથે આગળ વધતા શરદની અકળામણ તમને સમજાય જ્યારે કોઇ નાનાં શહેરના જુવાનિયાઓને રિયાલીટી શોના ધતિંગને કારણે પ્રસિદ્ધિ મળી જાય. બીજી તરફ શરદની અણિશુદ્ધ કળા જે રીતે લોકો સુધી પહોંચવી જોઇએ તે રીતે નથી પહોંચતી અને ક્યાંક કોઇ ખૂણે શરદ પણ પોતાની નબળાઇઓથી વાકેફ છે.

આ ફિલ્મની ચર્ચા કરવી જરૂરી હતી કારણ કે ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયાની આ વાસ્તિવકતાઓ છે. તેના સંઘર્ષ ઘણા સમયથી આ જ પ્રકારના રહ્યા છે. જે તે સમયે સંગીતની દુનિયામાં બહુ જ મોટું નામ ધરાવનારાઓ આજે ઘરડે ઘડપણ ગરીબીમાં વલખાં મારે છે તેવા સમાચાર પણ આપણે સાંભળીએ જ છીએ. વળી ગુરુ શિષ્યની પરંપરાનાં દૂષણો પણ ઓછાં નથી. અહીં પણ ‘મી ટૂ’ના સૂર તાલ આપણે કાને પડ્યા છે. ગુરુઓની પરવાનગી ન મળે ત્યાં સુધી જાહેરમાં ન ગાવું જેવા નિયમો પણ શાસ્ત્રીય સંગીતકારો માટે અવરોધ બને છે. ભારતીય શાસ્ત્રીય સંગીતનાં મોટાંમસ ફેસ્ટિવલ્સ પણ થાય છે અને તેમાં હાજરી આપનારાઓ પોતાની જાતને સંસ્કૃતિના આશ્રયદાતા માની બેસે છે. તેમાં સંગીતનું મૂલ્ય કરનારા તો હોય છે જ તેની ના નહીં પણ પોતે જે-તે મહોત્સવમાં અચૂક જાય છે એમ કહી કૉલર ચઢાવનારાઓની સંખ્યા વધારે હોય છે.

સંગીત મહોત્સવ અંગે ૧૯૪૫માં ‘ઇન્ડિયન મ્યૂઝિક ટૂડે’ નામના એક પુસ્તકમાં લેખક એસ.કે .ચૌબેએ લખ્યું હતું કે, ‘આ મહોત્સવો વ્યવ્સ્થાપક તરીકે મોટાં માથાઓનો દેખાડો બનીને રહી જાય છે. બેઠકમાં આગળનાં ‘મુખ્ય અતિથિ’ પ્રકારના લોકો કાં તો બગાસાં ખાતાં હોય છે કાં તો ઇન્ટરવલમાં વાતોના તડાકા મારવા મળે તેની રાહ જોતા હોય છે.’ જો ચાળીસના દાયકામાં આ માન્યતા હતી તો તે આજે બદલાઇ હશે, પરિસ્થિતિ બહેતર થઇ હશે તેમ માનવાનું કોઇ કારણ નથી.

ભારતીય શાસ્ત્રીય સંગીતની મશાલ પ્રજ્વલ્લીત રાખવા મથનારા દરેક દિગ્ગજનો આગવો સંઘર્ષ રહ્યો છે. પરંપરાને માર્ગી રીતે – શાસ્ત્રોક્ત પદ્ધતિમાં આગળ વધારવાની જવાબદારી લેનારા નવી પેઢીમાં ઘટે છે. તે ગેરહાજર છે એમ વાત નથી પણ ઓછા છે તે હકીકત છે કારણ કે દરેકને ઝડપી સફળતા જોઇએ છે. વળી નિયમો, સિદ્ધાંતો અને શુદ્ધતાની આ દુનિયામાં સત્તાનો ખેલ પણ નાનો સૂનો નથી. સંગીતની દુનિયાના રહસ્યો, કળાની મુઠ્ઠી ત્યાં સુધી બંધ રાખતા ગુરુઓ જ્યાં સુધી તેમને પોતાને શિષ્ય પર વિશ્વાસ ન બેસે જેવું કેટલું ય આ અનુભવને વધુ સંકુલ બનાવે છે. જેમને પ્રસિદ્ધિ મળી ચૂકી છે તેમને સતત કામ મળતું રહે, પેટ્રોનેજ મળતું રહે પણ જેઓ હજી પોતાના કરિયરની મધ્યે છે તેમને માટે બધું જ કપરું છે. પોપ્યુલિસ્ટ અને ક્લાસિક – માસી અને ક્લાસી – દેશી અને માર્ગી – ટોળાં અને ગણતરીના લોકોને બેઠક વચ્ચેની દોરડાખેંચમાં આ કલાકારનું મનોમંથન અટકતું નથી. આ મંથનને અંતે અમૃત મળશે જ તેવી કોઇ ખાતરી નથી હોતી એમાં પાછા ગુરુઓની અપેક્ષાને પહોંચી વળવાનું અને વ્યાસ પીઠ પર બેઠેલી વ્યક્તિ એક વાર કહી દે કે, ‘આમાં હજી કંઇ દમ નથી, તારા સંગીતમાં જીવ નથી’ તો જાત સાથેની બીજી લડાઇ શરૂ થઇ જાય.

કળાના સત્ય સુધી પહોંચવાનો સંઘર્ષ આજના સમયે વધુ અઘરો બન્યો છે કારણ કે ઇન્ફર્મેશન ઓવરલોડના જમાનામાં લગ્નમાં ગોવિંદાનાં ગીત પર નાચી લેતાં અંકલ પણ પ્રસિદ્ધ થઇ જાય છે અને રળવા માંડે છે. આવામાં ગુરુની બેઠકમાં પંદર વર્ષથી પાછળ બેસીની તાનપુરાના ચાર તારના સૂર સાચવીને પોતાના સંગીતની કેડી કંડારવાની મહેનત કરનારાઓને જે માનસિક દબાણ અનુભવવું પડે છે તેને વિષે તાર સપ્તકના સા સુધી ગાઇ શકનારાઓ પણ શબ્દોમાં વર્ણવી શકે તેમ નથી.

બાય ધી વેઃ

આપણો શાસ્ત્રીય સંગીતનો વારસો બહુ જ સમૃદ્ધ છે. આ સમૃદ્ધિ જળવાય, આગામી પેઢીઓ સુધી પહોંચે તે માટે માત્ર દિગ્ગજો નહીં પણ પોતાની સંગીતમય કારકિર્દીમાં મધ્યે પહોંચેલા, અન્યોની સરખામણીએ નવોદિત ગણાતા કલાકારોને દાદ અને માન અકરામ મળતા રહે તેની જવાબદારી શ્રોતા તરીકે આપણા ખભે છે. શુદ્ધ કળાના માર્ગે સત્ત્વ અને સત્ય મેળવવા આસાન નથી અને માટે જ પ્રવાસ માટે આ માર્ગ પસંદ કરનારાઓનો ઉત્સાહ જળવાઇ રહે, તે નાસીપાસ ન થાય તેટલી શુદ્ધ પ્રશસ્તિ અને કદર આપણા તરફથી થાય તે જરૂરી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  20 જૂન 2021

Loading

ગઝલ

પરેશ દવે|Poetry|20 June 2021

તું ય જન્મોથી ખલાસી છે,
વ્હાણ તારું ચિર પ્રવાસી છે.

નાંખ વેળા પર ઉલાળીને,
શી ખુશી ને શી ઉદાસી છે.

ભોંયમાં ઊગી ગયા ભાલા,
પગ તળે ચાંપી કપાસી છે.

હોય પૂનમનો દહાડો પણ,
કેટલી સૂની અગાસી છે.

મૂળિયાં બટકી ગયાં એની,
પાંદડે પીડા તરાશી છે.

e.mail : daveparesh1959@gmail.com

Loading

...102030...1,9081,9091,9101,911...1,9201,9301,940...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved