Opinion Magazine
Number of visits: 9680066
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાયકલ દિવસ મુબારક!

વિજય ભટ્ટ|Opinion - Opinion|3 June 2021

બાળપણમાં વલ્લભ વિદ્યાનગરમાં ઉછેર દરમ્યાન સૌથી વહાલું કશુંક હોય તો તે અમારી વહાલી રેલે સાયકલ!

અમારા કુટુંબ નું તે એક માત્ર વાહન, વર્ષો સુધી.

રેલે જેન્ટ્સ સાયકલ 22ની. એટલે કે ૨૨ સાઈઝની. તે ૨૦, ૨૨, ૨૪ વગેરે સાઈઝમાં આવે. અમારી ૨૨ની હતી.
તદ્દન નવી લીધેલી. જ્યારે બચુભાઈએ લીધી ત્યારે ઘરમાં ઉત્સવ થયેલો. વેઢમી બનેલી. બસ હવે તો મમ્મીને પણ લેડીઝ સાયકલ ભાડે લાવીને શીખવીશું. ને પછી લેડીઝ સાયકલ પણ ખરીદીશું  જેથી તેને સ્કૂલમાં છેક આણંદ સુધી ચાલતાં જવું ના પડે. 
બચુભાઈ એટલે અમારા પિતાજી. તેમનું હુલામણું નામ બચુભાઈ, એટલે અમે પણ એ જ સાંભળતા ઉછર્યા, તેથી અમે બંને  ભાઈઓ પણ પિતાજીને બચુભાઈ જ કહેતા. અમારા મમ્મી પણ.

અમારી સાયકલમાં સરસ રીતે મેળવેલો  ઘંટડીનો સૂર હતો.  કાળી  ૪નો પંચમ. એકદમ શુદ્ધ સ્વર!
આજે પણ દૂરથી સાંભળું તો કહી દઉં કે આ મારી સાયકલની ઘંટડી વાગી. 
કેટલાક બેટરીથી ચાલતો બેલ મુકાવે, કેટલાક પાસે રબરનો બોલ જેવો હોર્ન હોય.
હજી આજે પણ હું ઓળખી આપું અમારા એ દૂધવાળાનો ભામપુ ભમપુ હોર્ન, વળી ધોબીનો હોર્ન, છાપાવાળની ઘંટડી, અને પેલા ખૂબ જ કાર્યરત ટપાલીની સાયકલની ઘંટડી કેમ ભુલાય? 
કેટલી કેટલી રાહ જોઈ હતી તેની સાયકલની. તે આગળના બિલ્ડીંગમાં ટપાલ આપવા ઉપર ગયો છે તે તેની સાયકલ અને તેની ઘંટડી પરથી જાણતા!

સામાન્ય સાયકલની સીટ જરા સાદી અને કડક હોય. દસ રૂપિયા વધારે ખર્ચો તો પોચી ગાદી વળી સીટ. વળી, દોસ્તોમાં માન વધે! 
વળી વધુ ખર્ચો તો ગવર્નર આગળ બાળકને બેસવાની બાસ્કેટ પણ મળે, નહીં તો બાળક આગળના વચ્ચેના સળિયા ઉપર ગવર્નર  પકડીને  બેસે. 
જો કે પ્રેમી પંખીડા આ આગળના સળિયાનો લાભ લે. પ્રેમિકાને આગળ સળિયા પર બેસાડે. સામાજિક રીતે બહુ સારું ના ગણાય છતાં તેમ કરે.

અમારી સાયકલનો એક પ્રોબ્લેમ એ હતો કે તેની ચેન ઊતરી જતી, વારંવાર. તેને વારે ઘડીયે પછી ચઢાવવી પડે. હાથ ગંદા થાય. 
એક અશ્વિન બાંડિયો હતો, તેની સાયકલને ફૂલ ચૈન કવર હતું. તેથી ચેઇન બગડે નહિ. "ફૂલ ચૈન કવર થોડું મોંઘુ પડે ", એમ બચુભાઈ કહેતા.

મારી સાયકલની સૌથી અગત્યની ગમતી અને યાદ હોય તેવી બાબત તો તેનું  પાછળનું કેરિયર. 
આ કેરિયર એટલે ગૃહિણીને આદરપૂર્વક સાયકલ પર પેસેન્જર તરીકે બેસાડવાનું સિંહાસન!
થોડું મોટું બાળક હોય તો તે આગળ કહ્યું તેમ પેલા આગળના બાર ઉપર બેસે. અને બહુ નાનું બાળક કેરિયર પર બેઠેલી ગૃહિણીના ખોળામાં સુરક્ષિત!
આ લ્યો રવિવારની બપોર! અને આખું કુટુંબ સાયકલ પર બેસીને વલ્લભ વિદ્યાનગરથી ત્રણ કિલોમીટર દૂર આણંદ ચાલ્યું!  
થોડી મોજ, થોડી ખરીદી, અને જવ્વલે ગોપાલ ટોકીઝમાં એક પીકચર જોઈ સાંજે અંધારા પછી પાછાં.

અરે, હું એ તો ભૂલી ગયો, પેલો ડાયનેમો!  એક નાની બાટલી જેવો લાગતો. તે પાછળના ટાયરને લીધે ગોળ ગોળ ફરે ઇલેકટ્રીસિટી પેદા કરે. 
તેનો વાયર આગળની સરસ સફેદ લાઈટ અને પાછળની લાલ લાઈટ પણ કરે.  
રાત્રે જ્યારે અંધારું હોય ત્યારે પાછળથી આવતાં વાહનને પાછલી લાઈટ દેખાય અને આગળ સહેજ પ્રકાશ આપે ખાસ નહિ.
 તો પણ રાત્રે એ લાઈટ બહુ ગમતી.

અમારી સાયકલ એટલે … ઘરના એક વ્યક્તિ જેટલી જ વહાલી અને અગત્યની!

પણ કોક કોક વાર પંચર પડે ત્યારે કંટાળો આવે. જાતે હાથથી દોરીને છેક ગણેશ સાયકલ સ્ટોરે લઇ જવી પડે, નાના બજાર સુધી. 
પચાસ પૈસા થાય રિપેર કરવાના, અને તે પણ પેલો ટેણિયો બીઝી ના હોય તો. નહિ તો રૂપિયો લે અને કલાક બેસાડી રાખે અને પછી જ કરે.
ટાયરમાં હવા ચેક કરવી અને ભરવી એ રોજનો ક્રમ. અને કટકટ. ઘરમાં અમે બંને ભાઈને એમ હોય કે બીજો હવા પૂરી આવે, કારણ કે જો બહુ ઓછી હવા હોય તો હવા પુરાવવા ચાલતા જવું પડે છેક ગણેશ સાયકલ સ્ટોરે. 
કેટલાકને ઘરે હાથ પમ્પ હોય, અમારી પાસે ન હતો.

હજી યાદ છે પેલું કેરિયર. કેટલું ઉપયોગી હતું! ગેસનો બાટલો, ઘઉંના કોથળા, સ્કૂલની ચોપડીઓ, પેપરની પસ્તી, ઘઉં દળવા ઘંટી સુધી સાયકલના આ કેરિયર પર જ લઇ જતો. કેટલીયે વાર મિત્રો તે કેરિયર પર બેઠેલા. ડબલ સવારી! 
માત્ર ૨ ફૂટ બાય પોણો ફૂટનું કેરિયર મારી આજની ટોયોટાની ડીકી (ટ્રન્ક) કરતાં વધારે ઉપયોગી હતું.

એ સાયકલને લીધે રોજ સરસ કસરત થતી. કદી પેટ્રોલના ભાવની ચિંતા કે કલ્પના ન હતી.
અને હા, સૌથી મઝા દશેરાને દિવસે સરસ હાર, કંકુ ચોખા ચઢાવતા, અને નાળિયેર ફોડતા આ અમારી સાયકલને બિરદાવતા અને આશિષ માંગતા. 
એ સાયકલ અમારું બોઇંગ ૭૪૭ હતું!

તું ક્યાં છે મારા  બાળપણની એક માત્ર ભૌતિક નિશાની? મારી વહાલી સાયકલ?

(લોસ એન્જલ્સ)

—

e.mail : vijaybhatt01@gmail.com

Loading

ધ બક સ્ટોપ્સ હીયર: નૈતિક જવાબદારી ક્યા ટેબલ પર આવીને અટકે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|2 June 2021

આ લેખની સાથે એક તસ્વીર છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ૩૩મા રાષ્ટ્રપ્રમુખ હેન્રી એસ. ટ્રૂમેનની એ તસ્વીર છે. એ તસ્વીરમાં એક ખાસ વાત છે, પણ એની વાત કરીએ તે પહેલાં થોડીક વાત પ્રમુખ સાહેબની. ૬૮ વર્ષના હેન્રી ટ્રૂમેન, ૧૯૪૫થી ૧૯૫૩ વચ્ચે અમેરિકાના પ્રમુખ હતા. ભારત દેશ આ સમયગાળા વચ્ચે આઝાદ થયો હતો. હિટલરના પાગલપનથી શરૂ થયેલા દ્વિતીય મહાયુદ્ધના અંતિમ ચરણમાં તે અમેરિકાને સફળતાપૂર્વક બહાર લાવ્યા હતા, અને તેમણે અમેરિકાને સોવિયત સંઘ સાથે શીત યુદ્ધમાં સરકતું પણ જોયું હતું.

મિસૌરીના ગ્રામીણ ઇલાકામાં ખેડૂત પરિવારમાં જન્મેલા ટ્રૂમેન બિઝનેસ સ્કૂલમાં ભણ્યા હતા અને લો કોલેજ પૂરી કર્યા વગર ઊઠી ગયા હતા, અને પ્રાદેશિક કોર્ટના જજની ચૂંટણી જીત્યા હતા. ત્યાંથી તેમની ઈમાનદારી અને કાર્યક્ષમતા માટે મશહૂર હતા. ૧૯૩૪માં તે યુ.એસ. સેનેટમાં ચૂંટાયા હતા. દ્વિતીય મહાયુદ્ધ દરમિયાન, ૧૯૪૦માં, અમેરિકન સૈન્યમાં ભ્રષ્ટાચાર અને બિનકાર્યક્ષમતાના આરોપોની તપાસ કરવાની સેનેટ કમિટીના એ વડા બન્યા હતા. તેનાથી તેમને રાષ્ટ્રીય સ્તરે નામના મળી હતી. ૧૯૪૪માં તે પ્રમુખ ફ્રેન્કલિન ડી. રુઝવેલ્ટના નાયબ પ્રમુખ બન્યા હતા. ત્રણ મહિનામાં અચાનક રુઝવેલ્ટનું અવસાન થયું તો ટ્રૂમેને સત્તાની કમાન સંભાળી હતી.

ટ્રૂમેને અત્યંત ઉત્સાહથી તેમનું કામ શરૂ કર્યું હતું. તેમણે હિટલરના જર્મનીને બિનશરતી સમપર્ણ કરવા ફરજ પાડી હતી. જાપાન ત્યારે ગાંઠતું ન હતું. ટ્રૂમેને જાપાનને ચેતવ્યું હતું. ટ્રૂમેનના સલાહકારોને ચિંતા હતી કે જાપાન પર આક્રમણ કરીશું તો ૫,૦૦,૦૦૦ અમેરિકન સૈનિકોનો જીવ જશે. એ અંદાજને ધ્યાનમાં રાખીને ટ્રૂમેને જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ઝીંકવાની પરવાનગી આપી હતી. એમાં ૧,૦૦,૦૦૦ લોકો માર્યા ગયા હતા. જાપાને હથિયાર નીચે મૂકી દીધાં.

એ અમેરિકાનું સૌથી ઘાતકી અને વિવાદાસ્પદ કૃત્ય હતું, ટ્રૂમેને તેના બચાવમાં ત્યારે કહ્યું હતું, "યુદ્ધની લાંબી યાતનાને ટૂંકાવવા માટે અને લાખો અમેરિકનોનો જીવ બચાવવા એ જરૂરી હતું. જાપાનની યુદ્ધ કરવાની ક્ષમતા ખતમ ન થાય ત્યાં સુધી અમે એ કદમ ભરતા રહીશું." તેમણે આવા ઘણા સાહસિક નિર્ણયો કાર્ય હતા. જેમ કે સામ્યવાદને ખતમ કરવા તેમણે અનેક રાજકીય અને આર્થિક પગલાં ભર્યા હતાં, જેના કારણે તે યુરોપથી આગળ વધી શક્યો ન હતો. સામ્યવાદને અટકવવા માટે જ તેમણે કોરિયન યુદ્ધ શરૂ કર્યું હતું.

ટ્રૂમેન રાજકારણમાંથી નિવૃત્ત થઈને તેમના વતન મિસૌરીમાં સ્થાયી થયા હતા. તેમની ગણના એક એવા રાષ્ટ્રપ્રમુખ તરીકે થાય છે, જે શૂન્યમાંથી શિખર પર પહોંચ્યા હતા. એ અમેરિકાના સૌથી નાજુક દૌરમાં રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. તેમના પછી આવેલા તમામ પ્રમુખો પોતાના સાચા-ખોટા કૃત્યોની જવાબદારી ઉઠવવાની ટ્રૂમેનની તૈયારી માટે સરાહના કરતા આવ્યા છે. બીજા કોઈને ખો આપવાને બદલે, ટ્રૂમેન કહેતા હતા – ધ બક સ્ટોપ્સ હીયર. યસ, આપણે પેલી ખાસ વાત આ કરવાની હતી.

હવે એમની તસ્વીરને ધ્યાનથી જુવો. તસ્વીર વ્હાઈટ હાઉસની છે. ટ્રૂમેન સાહેબ ખુરશીમાં બેસીને કોઈની સાથે વાત કરી રહ્યા છે. તેમના ટેબલ પર જમણી બાજુ એક સાઈન બોર્ડ છે, તેના પર લખ્યું છે – ધ બક સ્ટોપ્સ હીયર. તેનો અર્થ થાય છે – તમામ નિર્ણયોનું ઉત્તરદાયિત્વ આ ટેબલનું છે. મતલબ કે રાષ્ટ્રપ્રમુખ તરીકે આ ટેબલ પરથી જે કોઈ નિર્ણયો લેવાય છે અને તેનાં દેશ-દુનિયામાં જે કોઈ સારાં-ખોટાં પરિમાણો આવે છે, તેની જવાબદારી માત્રને માત્ર મારી છે.

ધ બક સ્ટોપ્સ હીયર અંગ્રેજી ભાષાનાં સૌથી લોકપ્રિય વિધાનો પૈકીનું એક વિધાન છે. હેન્રી ટ્રૂમેને તેને તેમના ટેબલ પર સાઈન બોર્ડમાં જડાવીને જગવિખ્યાત બનાવ્યું હતું. મૂળે આ વિધાન, બાવન પત્તાથી રમાતી 'પોકર'ની રમતમાં જે ખેલાડી ડીલર હોય, તેની પાસે 'ડીલર' લખેલું માર્કર હોય, જેને 'બક' કહે છે. આ બક અલગ-અલગ ખેલાડીઓ પાસે ફરતું રહે. જે ખેલાડીને 'ડીલ' ન કરવું હોય, તે આગળના ખેલાડીને બક આપી દે. જેના પરથી રાજકારણમાં કહેવત આવી કે 'પાસ ધ બક.'

આપણે તેને દેશી રમતમાં ખો આપવી કહીએ છે. મોઢેથી બોલીને અથવા ભિલ્લુને માથે કે બરડે અટકીને પાછળથી ખો આપવી તે. તેનો બીજો વ્યવહારિક અર્થ થાય છે, બીજાના માથે જવાબદારી નાખવી અથવા દોષારોપણ કરવું તે. દાખલા તરીકે દિલ્હીમાં ઓક્સિજન ખૂટી ગયો છે તેની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય એક બીજા પર નાખે તેને ખો આપી અથવા પાસ ધ બક કહેવાય.

પાસ ધ બક પરથી ધ બક સ્ટોપ્સ હીયર કહેવત આવી હતી. હેન્રી ટ્રૂમેનના મિત્ર અને મિસૌરી રાજ્યના માર્શલ ફ્રેડ કેન્ફીલે ઓકલાહોમાની જેલના વોર્ડન પાસે ધ બક સ્ટોપ્સ હીયર લખેલું સાઈન બોર્ડ જોયું હતું. આ વોર્ડન પોકરનો ખેલાડી હતો. કેન્ફીલે વોર્ડનને કહ્યું હતું કે પ્રમુખ ટ્રૂમેન માટે આવું બોર્ડ બને? પેલાએ હા પાડી. ૨ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ પ્રમુખ ટ્રૂમેન માટે આવું બોર્ડ બનાવીને મોકલવામાં આવ્યું હતું. તેના આગળના ભાગે 'ધ બક સ્ટોપ્સ હીયર' લખવામાં આવ્યું હતું અને પાછળના ભાગે 'આઈ એમ ફ્રોમ મિસૌરી' લખવામાં આવ્યું હતું.

ટ્રૂમેનની રાજકીય કારકિર્દીનું આ સૂત્ર હતું. તે આ વિધાનમાં માનતા હતા. એ સાર્વજનિક કાર્યક્રમોમાં એનો ઉલ્લેખ કરતા હતા. જેમ કે ૧૯૫૨માં નેશનલ વોર કોલેજમાં આપેલા એક વક્તવ્યમાં તેમણે કહ્યું હતું, “ખેલ પૂરો થઇ ગયા પછી એવું કહેવું કે કોચે આમ કરવાની જરૂર હતી અને તેમ કરવાની જરૂર હતી તેવી સૂફિયાણી વાતો કરવી આસાન છે, પણ જે તે સમયે સ્થિતિની માંગ પ્રમાણે જે કરવું પડે તે કરવાનું જ હોય. મારા ટેબલ પર એક સૂત્ર છે કે ધ બક સ્ટોપ્સ હીયર.” ૧૯૫૩માં, પ્રમુખપદેથી વિદાય લેતી વખતે વક્તવ્યમાં તેમણે કહ્યું હતું, “જે પણ રાષ્ટ્રપ્રમુખ હોય, તેણે ઉત્તરદાયિત્વ સ્વીકારવાનું હોય. એ બીજા કોઈને ખો ના આપી શકે. તેના વતી બીજું કોઈ એ જવાબદારી ન ઉઠાવે.”

સમુદ્રી પરંપરામાં કહેવત છે કે ‘ડૂબતા જહાજ સાથે કપ્તાન પણ ડૂબે.’ નૌસેનામાં કપ્તાન જહાજ છોડીને ભાગી જાય તો તે અપરાધ મનાય છે. એક દેશ હોય, એક જહાજ હોય કે એક કંપની હોય, તેમાં જે પણ થતું હોય તેની જવાબદારી લીડરની હોય છે. એ જવાબદારીથી ભાગી ન શકે અથવા કશું થયું જ નથી તેવો દેખાવ ન કરી શકે. ટીમમાં ઘણા બધા લોકો કામ કરતા હોય, પણ છેવટે તો નૈતિક જવાબદારી લીડરની જ હોય છે. એ ખો ન આપી શકે.

ટૂંકમાં, પૂછવાનું એટલું જ કે ભારતમાં કોરોના વાઈરસની મહામારીમાં આટલા બધા લોકોના જીવ ગયા અને દેશનું અર્થતંત્ર તબાહ થઇ ગયું, તેમાં કોના ટેબલ પર ‘ધ બક સ્ટોપ્સ હીયર’ સાઈન બોર્ડ હશે?

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 23 મે 2021

Loading

વંટોળ

દેવિકા ધ્રુવ|Poetry|1 June 2021

જ્યારે વિચારોના વંટોળ ઊડે ત્યારે રાત્રિના શાંત અંધકાર વચ્ચે નાનકડી સોનેરી આશાની રજકણ ઝબૂકે ને પછી મન શાંત થઈ જંપે એ ભાવને વ્યક્ત કરતી, શિખરિણી છંદમાં ગૂંથેલ એક રચના ….


ફરે, ઘૂમે, ઊડે, ભીતર મનની ખીણ મહીં એ,

કદી સૂતી જાગે સળવળ  થઈ ખૂબ ઝબકે.

વળી સ્પર્શે, ખેંચે, રજકણ વિચારોની ચમકે

અને ઘેરે શબ્દે નીરવ રજનીના વનવને.

ચડે વંટોળે એ ઘમરઘમ ઘૂમે વમળ શું,

ઊંચે, નીચે થાતું, સઘળું વલવાતું  હ્રદયનું.

પછી ધીરે આવે સરવર પરે શાંત જલ થૈ

મઢી ચારેકોરે મખમલ સમી સેજ બિછવે.

મિટાવી ચિન્તાઓ, કરકમલ લેખિની ધરીને,

જગાવી શક્તિ સૌ તનમન શ્વસે પ્રાણ દઈ દે.

કશું ના જાણું હું, કલમ  કરતાલે રણકતું,

અહો, કેવી લીલા, કવન કણથી એ શમવતું.

e.mail : ddhruva1948@yahoo.com

Loading

...102030...1,9051,9061,9071,908...1,9201,9301,940...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved