Opinion Magazine
Number of visits: 9677604
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી … ‘ધ ફાધર’ની વ્યથા

સોનલ પરીખ|Opinion - Opinion|24 June 2021

શાનથી ને શોખથી જીવેલો વૃદ્ધ પિતા, 80 વટાવ્યા પછી પણ પોતાના દબદબામાં સમાધાન કરવા નથી માગતો અને દીકરીની પણ મદદ લેવાનું નકારે છે. પણ વાસ્તવિકતા એ છે કે પિતા અલ્ઝાઈમરનો ભોગ બન્યા છે, એમને ભ્રમણાઓ થાય છે, કાલ્પનિક પાત્રો દેખાય છે, વર્તમાન અને ભૂતકાળમાં ગરબડ થાય છે – આ બાજુ દીકરીને બીજા શહેરમાં જવાનું છે. એ રોજ આવી શકવાની નથી. શું કરશે બન્ને?

ફાધર્સ ડેની ઊજવણી તાજી છે. વાત કરીએ 2020ની ઑસ્કાર નૉમિનેટેડ ફિલ્મ ‘ધ ફાધર’ની. શરૂઆતમાં એક વૈભવી અપાર્ટમેન્ટમાં એકલા રહેતા જાજરમાન વૃદ્ધ, તેના મિજાજને કારણે બદલાતા રહેતા કૅરગિવર્સ ને દીકરી પર ચિડાતા રહેતા વૃદ્ધનું નવી કૅરગિવર સાથે ફ્લર્ટિંગ જોઈ ફિલ્મ મધ્યવયના સંતાનને વૃદ્ધ પિતાના વાલી બનવું પડે એવી સ્થિતિ પરની કૉમેડી ફિલ્મ હોવાનો ભાસ થાય.

પછી, પિયરે નામનો એક પુરુષ આ વૃદ્ધને મળવા આવે છે અને કહે છે કે આ અપાર્ટમેન્ટ, વૃદ્ધનો નહીં; પણ એન અને પિયરેનો છે. દીકરી પણ આ વાત સાચી હોવાનું જણાવે છે. વૃદ્ધ ખૂબ મૂંઝવણમાં મુકાઈ જાય છે. તે જે સમજતો હતો અને તેણે જે જાણ્યું છે તેની વચ્ચે આ કેવો વિરોધાભાસ છે? પોતે ચોક્કસ ક્યાં છે? આ પુરુષ અને દીકરી થઈને આવેલી આ સ્ત્રી તેને ઓળખાતા નથી. એ ખોવાઈ ગયેલી ઘડિયાળ શોધ્યા કરે છે અને સમય સાથેનું અનુસંધાન ખોઈ બેઠો છે. લોકો વારેવારે કહ્યા કરે છે, ‘ડોન્ટ યુ રિમેમ્બર?’ ત્યારે ભારોભાર મૂંઝવણ સાથે કહે છે, ‘યા, ઑફ કોર્સ.’ કોમેડી ક્યારે ટ્રેજેડીમાં બદલાઈ ગઈ તેની દર્શકોને ખબર રહેતી નથી.

આ ફિલ્મ જેના પરથી બની હતી એ નાટક ‘લે પેર’ના પ્રેક્ષકોને પણ આ અનુભવ થયો હતો. નાટકને 2014નો પ્રસિદ્ધ મોલિયેર અવૉર્ડ મળ્યો ત્યારે એક વિવેચકે લખેલું કે તેનાં બે કારણ છે : એક તો તેની પિન્ટરેસ્ક (હૅરોલ્ડ પિન્ટરની એક જ વખતે કોમેડી અને ટ્રેજેડી બન્નેનો અનુભવ આપતી) શૈલી અને બીજું એ કે નાટક માત્ર સ્મૃતિભ્રંશ વિશે બતાવતું નથી, એ તમને તેનાથી થતાં માનસિક ખળભળાટનો અનુભવ આપે છે.

અહીં પણ દિગ્દર્શકની પ્રયુક્તિ એ જ છે કે તે વૃદ્ધ એન્થની સાથે દર્શકોને પણ વિભ્રમોની અતળ ખીણની ધાર પર મૂકી દે છે. ચીજો, માણસો, પરિસ્થિતિઓ, સંદર્ભો બધું એન્થનીના સ્મૃતિપટલ પર દેખા દે છે, છટકી જાય છે. કહેલું-સાંભળેલું ભુલાઈ જાય છે, શું ક્યાં મૂકેલું યાદ રહેતું નથી. આસપાસ જે ઘટે છે, જે લોકો હરેફરે છે તેમાંથી વાસ્તવિક શું છે તે સમજવા માટે બુદ્ધિ લડાવતા દર્શકોને એન્થનીની જેમ જ તૂટક-છૂટક ખબર પડે છે કે એન (દીકરી) એન્ટોનિયો સાથે લગ્ન કરીને લંડન જવાની હતી એ તો પાંચ વર્ષ પહેલાની વાત છે. એ પછી તેણે છૂટાછેડા લીધા છે અને હવે એ આ પિયરે સાથે પેરિસ જવાની છે. એન્થની એન અને પિયરેના અપાર્ટમેન્ટમાં શિફ્ટ થયો છે? કે પછી આ તેનો પોતાનો અપાર્ટમેન્ટ છે? નવી કૅરગિવર લોરા સાથે તે ફ્લર્ટ કરે છે? કે પછી તેનામાં તેને નાની દીકરી દેખાય છે? 

પિયરેનો આગ્રહ એન્થનીને નર્સિંગ હોમમાં મૂકી દેવાનો છે, જે એનને ગળે ખાસ ઊતર્યો નથી. બન્ને વચ્ચે વારંવાર આ બાબતે ચડભડ થતી રહે છે જે ક્યારેક એન્થનીના કાને પણ પડે છે. પાત્રો અને પરિસ્થિતિઓને ભૂલતો-યાદ કરતો એન્થની આસપાસની પરિચિત દુનિયાને તૂટી પડતી જુએ છે. એની સાથે દર્શકો પણ પોતાને એક જટિલ માનસિક સંઘર્ષના અંતહીન સમુદ્રમાં હાથપગ મારતા હોવાનું અનુભવે છે.

બનાવો મહત્ત્વના રહેતા નથી – મહત્ત્વનો બની જાય છે ભય. પોતે કોણ છે, આસપાસના માણસો કોણ છે, એમાંથી કયા ખરેખર છે અને કયા ભ્રામક છે, જે બનાવો બને છે તેમાંના કેટલા ખરેખર બન્યા છે, સમયનો આ ખંડ ચોક્કસ કયો છે – આ બધું સમજાવાનું બંધ થઈ જાય તો? અને એ વખતે પોતે ખૂબ વૃદ્ધ હોય તો? તેને સંભાળવા માગતા સંતાનને પોતાની સ્થિતિ સમજાવી ન શકાતી હોય તો? તો શું થાય? આ ભયથી દર્શક ઘેરાતો જાય છે. પિતાનું શું થયું કે દીકરીએ શું કર્યું તે નહીં, ફિલ્મના કેન્દ્રમાં આ ભય છે.

ફિલ્મ ગુસ્સો, પ્રેમ, કોમળતા, આનંદ, ઉદાસી, ભય અને હતાશાના મેઘધનુષમાંથી પસાર થતી જાય છે. એક પણ સંવેદન કૃત્રિમ નથી. એન્થનીનો સ્મૃતિભ્રંશ તેને પોતાની લાગણીઓ અને વિચારોથી વિખૂટો પાડતો જાય છે. એ પોતાની ઓળખ માટે ઝઝૂમતો રહે છે. આમ એ શોખીન, ચીવટથી સરસ તૈયાર થતો, આનંદી, નૃત્ય કરતો ને વૃદ્ધ છતાં સોહામણો પુરુષ છે પણ મૂડ બદલાય ત્યારે ખિજાળ, કઠોર ને ક્રૂર બની જાય છે. આ અંતિમોની વચ્ચે મોટા ભાગનો સમય તે ખોવાયેલો, અટવાયેલો, સ્થિતિને કાબૂમાં લેવા મથતો સંદર્ભ ખોઈ બેઠેલો વૃદ્ધ છે. આનો ઉપાય શો તેનો જવાબ નથી એન્થનીને મળતો, નથી એનને મળતો કે નથી દર્શકોને મળતો કારણ કે એનો જવાબ છે જ નહીં.

એન્થનીનું પાત્ર કરનાર 83 વર્ષના એન્થની હૉપ્કિન્સને શ્રેષ્ઠ અભિનેતા તરીકેનો ઍકેડમી અવૉર્ડ મળ્યો છે. આટલી મોટી ઉંમરે આ અવૉર્ડ મેળવનાર તે એકમાત્ર અભિનેતા છે. પિતાના બદલાતા મૂડને સંભાળવા મથતી દીકરી એન(ઓલિવિયા કોલમ)ના પાત્રમાં બ્રિટિશ કન્ટ્રોલ છે. એ રડતી, બહુ બોલતી કે વલોપાત કરતી નથી પણ પિતા સાથે ધીરજ જાળવતી વખતે તેનું જે ફ્રસ્ટ્રેશન દેખાય છે તે દર્શકોની આંખ ભીની કરે છે. લેખક અને નાટ્યકાર ફ્લૉરિયન ઝેલર 41ની ઉંમરે પાંચ નવલકથાઓ અને બાર નાટકો સર્જી ચૂક્યો છે. તેણે ‘ધ મધર’ અને ‘ધ સન’ નામના નાટકો પણ કર્યાં છે. ‘ધ ફાધર’ તેની પહેલી ફિલ્મ છે.

કવિ અનિલ જોશીની પંક્તિ છે, ‘મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી, મને પાનખરની બીક ન બતાવશો … ‘ધ ફાધર’નો એન્થની કહે છે, ‘આઈ થિંક આઈ એમ લુઝિંગ ઑલ માય લિવ્ઝ એન્ડ ધ બ્રાન્ચિઝ એન્ડ ધ વિન્ડ એન્ડ ધ રેઈન …’

દરેક પિતાને અલ્ઝાઈમર થતું નથી, પણ દરેક પિતા વૃદ્ધ થાય છે. જિંદગી પરથી, જાત પરથી, ઘર પરથી, સંબંધો પરથી પકડ ગુમાવતા જવાના એ તબક્કામાં જ્યારે મા પણ ચાલી જાય ત્યારે તેની માનસિક સ્થિતિ કેવી થાય છે એનો અંદાજ સંતાનને આવતો નથી. મા હોય તો ય તે પણ પકડ ગુમાવતા તબક્કામાંથી પસાર થઈ રહી હોય છે. એવું નથી કે સંતાન સંવેદનહીન કે કૃતઘ્ન હોય છે, પણ તેને આ સમયે દુનિયામાં પોતાની જાતને સાબિત કરવાની હોય છે. તેને માટે આ કંઈક બની બતાવવાનો તબક્કો હોય છે. એક છત નીચે બે જુદા જુદા તબક્કા બે જુદા જુદા અનુભવવિશ્વમાં શ્વાસ લેતા જાય છે. રોફ જમાવતા પિતાને ઢીલા પડતા જોઈ યુવાન સંતાનોને અંદરથી એક રાહત થાય છે, ક્યારેક એક વિકૃત આનંદ પણ આવે છે. હવે એ રોફ જમાવે છે ને પિતા વધુ ઢીલા પડી જાય છે. યુવાન પિતાની ‘હું મારા બાળક માટે ખૂબ બધું કરીશ.’ એ ભાવના સુંદર છે, પણ ક્યારેક તેમાં ‘મારા બાપાએ મારા માટે કંઈ કર્યું નહીં’ એવો અલિખિત ધોખો ભળી જતો હોય છે. 

પિતા અને સંતાનો વચ્ચે આવી કે બીજી કોઈ પ્રકારની ખાઈ ન રચાય અને એ મધુર-પવિત્ર સંબંધનું સૌંદર્ય અને સુગંધ લુપ્ત ન થાય તે જ અભ્યર્થના.

e.mail : sonalparikh1000@gmail.com

Loading

પ્રણય-બીજ વાવીએ!

મૂકેશ પરીખ|Poetry|23 June 2021

સહુ ઘૃણા કરનારાઓને લજાવીએ,
આવ એવાં પ્રણય-બીજ વાવીએ!

સુખની તો સદાય સાધના કરીએ પરંતુ,
આવ દુ:ખને પણ હસીને જ વધાવીએ.

ભલે જાકારો મળતો બધા દરવાજેથી તો ય,
આવ ઘરે આવનારાને સ્નેહથી આવકારીએ.

ફૂટશે આપમેળે જ પ્રીત કેરી કુંપળો પણ,
આવ નફરતને ઊગતા વેંત જ દફનાવીએ.

ક્યારે વિખૂટા પડીશું, એ અટકળ નથી,
આવ મિત્રો સંગ મસ્ત મહેફિલ સજાવીએ.

તારીખિયામાં તહેવારો શોધવા નથી હવે,
આવ આજને જ ઉત્સવ સમજીને મનાવીએ.

વીસારી દઈએ એ સઘળી બરછટ યાદોને,
આવ મીઠાં સ્મરણોને વારંવાર મમળાવીએ.

બુદ્ધિ સદા નેવે મૂકો સેવા કરતી વેળા ‘મૂકેશ’
આવ શબરી જેમ ભાવથી એંઠા બોર ધરાવીએ.

ન્યુ જર્સી, યુ.એસ.એ.

e.mail : mparikh@usa.com

Loading

“લગ્નની સુન્દર કે કલામય પ્રબળતા” વિશે

સુમન શાહ|Opinion - Opinion|23 June 2021

In reference to my write-up on શુભ ઘડી : Loose Connection Series : one of my FB friends, Mr Devang Vaidya recommended me to refer ‘Aesthetic Validity of Marriage’ written by well-known philosopher Kierkegaard. Devang lives in London UK and a good reader of philosophy. I liked Kierkegaard as an Existentialist though he is a theist thinker. I went through the said portion in “Either / Or” and here put forward its ટૂંકો ભાવાર્થ into GujaratI for all :

++

લગ્નની સુન્દર કે કલામય પ્રબળતા વિશે કિર્કેગાર્ડ વાચકને ‘મારા મિત્ર’ કહીને વાત માંડે છે. એટલે આપોઆપ કિર્કેગાર્ડ સાથે કે એ પ્રોટેગનિસ્ટ સાથે આપણો હળવો અનુબન્ધ રચાય છે. કહે છે :

મારા મિત્ર ! તું જોઈ રહ્યો છું એ આ લાઇનો હમણાં જ લખાઇ છે. એ વડે મારે તને એમ ઠસાવવું છે કે તું લગ્નનો શત્રુ નથી પણ એનો ઠઠ્ઠો કરવાને તું તારી વક્ર દૃષ્ટિ અને વ્યંગનો દુરુપયોગ કરતો હોઉં છું.

હું સમજું છું કે તું વાયવી વાતો નથી કરતો, બધું સરસ નીરખું છું, અને ક્યારેક તો વળી મૅદાન મારી જઉં છું. પણ હું એ કહીશ કે તું કદાચ ત્યાં જ ખોટો છું. તારી જિન્દગી ઍપ્રોચ-રન્સથી વિશેષ નથી, એટલે કે તું ઉપાડા બહુ લઉં છું. તું જેનાથી બ્હાવરો પડી જઉં છું એ છે પ્રેમનો પહેલપહેલો હરખ, હર્ષાવેશ. સુન્દર છોકરી તરફથી એકાદ સ્મિત કે નયનકટાક્ષ મળે … એ પાછળ લાગેલી હોય છે તારી કલ્પનાઓ.

હું અહીં તને લગ્નની સુન્દરતા, કલામયતા, બતાવવા માગું છું, અને મારે તને એ પણ બતાવવું છે કે જીવનની અનેકાનેક અડચણો વચ્ચે સુન્દરતાને શી રીતે ટકાવી શકાય.

તને મારી વાત કરું : હું ઈશ્વરનો ઋણી છું ને કહું કે સૌ પહેલાં હમેશાં મેં મારી પત્નીને ચાહી છે. અમે પહેલાપહેલા પ્યારનાં અડપલાં કે જાતીય ભોગને માટેના નુસખા નથી કરતા. અને સાચું કહું કે એ મને ચાહે છે ને હું એને ચાહું છું. અમારા સુસ્થિર લગ્નજીવનનું રહસ્ય એ છે કે સતત અમે અમારા પહેલા પ્યારને નવી નવી રીતે માણીએ છીએ. એ એક એવી ક્રિયા-પ્રક્રિયા છે જેમાં પાછલા પસ્તાવા-બસ્તાવા તો છે જ નહીં.

Picture Courtesy : Prime Magazine

જ્યારે તું મિત્ર ! બધું ઊલટું જ કરું છું – ચોરીચપાટી. લોક જાણે નહીં એમ તું લપકું છું ને એમના સુન્દર સુખદાયી સમયોને હરી લઉં છું. પછી એ ફૅન્ટમ-ઇમેજને, ભૂતિયા છબિને, ગજવે ઘાલીને ભમું છું ને જ્યારે જરૂર પડે, બધાંને દેખાડતો ફરું છું. એમાં, એ લોકોને તો કદાચ કશું ગુમાવવાનું છે નહીં, પણ તું તારો સમય, તારી શાન્તિ, તારું ધૈર્ય ઘણું ગુમાવું છું. તને તો ખબર છે જ કે તું કેટલો અધીરિયો છું.

આ પછી કિર્કેગાર્ડ સુભટોની, સાહસવીરોની અને નવલકથાકારોની વાત કરે છે – એ કે તેઓ સુખી શાન્ત લગ્નજીવનની આશ કરતા’તા ને કેવી કેવી, માન્યામાં ન આવે એવી, કસોટીઓ દાખવતા’તા. એમાં, સુન્દર કલામય તત્ત્વ તો પ્રેમ છે, કહો કે, પ્રેમને એ લોકોએ કામે લગાડ્યો છે. એક વાર જો પ્રેમમીમાંસાનો મહિમા ગળે ઊતરી જાય, પ્રેમસંઘર્ષ, વ્યથા, અને પ્રેમનો નીતિ કે ધર્મ સાથેનો સમ્બન્ધ સમજાઈ જાય, તો પછી પેલા કઠણ કાળજાના નિર્દયી બાપાઓ વગેરેની કે લગન વખતનાં પેલાં સખી-સખાઓની જરૂરત જ નહીં પડે.

કિર્કેગાર્ડ કહે છે કે પ્રેમની સહજ જરૂરિયાત જાગી હોય તો રોમાન્ટિક લવ તરત જ થઈ જાય છે. પણ અમર પ્રેમ, સાચા નીતિમય જીવનની જેમ, સૈન્દ્રિય હોય છે. એ રૂપે જ એને ચર્ચના આશીર્વાદ મળે છે. પણ કિર્કેગાર્ડ પાછા મહિમા તો કરે છે પ્રેમનો જ. કહે છે કે લગ્નજીવનમાં પ્રેમ જ ખરું તત્ત્વ છે. પણ પછી પૂછે છે : પહેલું શું? પ્રેમ કે લગ્ન? ઉત્તરાર્ધ શેનાથી સરજાવાનો?

કહે છે : પ્રેમ મારે મન બૅટલ-ક્રાય છે. ને વરસોથી પરિણિત છું એટલે પહેલા પ્યારની વિજય-પતાકા લ્હૅરાવતો લડું છું. પહેલો પ્યાર સ્વતન્ત્રતા અને જરૂરિયાતનું સંમિશ્રણ છે અને એ સ્વત: સિદ્ધ થઈ જતો હોય છે. મારા જુવાન મિત્ર ! લગ્ન ઈશ્વરને પ્રસન્ન કરે છે. જો કે અવિવાહિતો માટે શાસ્ત્રોમાં ક્યાં ય આશીર્વચનો મેં જોયાં નથી. એ ખરું કે શાસ્ત્રોની અનન્તતા કલા છે પણ એ અનન્તતાને સ-અન્ત કરી શકાય છે, તે અ-કલા છે. પોતાની જિન્દગીમાં માણસ એક જ વાર પ્રેમમાં પડે છે. લગ્ન એ કે હૃદય પહેલા પ્રેમને વળગી રહે …આ પછી કિર્કેગાર્ડ રોમાન્ટિક અને મૅરિડ લવની વાત છેડે છે. મૅરિડ લવ પઝેશનથી શરૂ થાય છે અને એક ઇતિહાસ સરજાય છે. એમાં વફાદારી હોય છે, જો કે, વફાદારી રોમાન્ટિક લવમાં પણ હોય છે. તો તફાવત શું છે? પતિ ધારો કે પંદર વર્ષ વફાદારીથી જીવે, કશું લાભતો નથી, સિવાય કે પઝેશન. જ્યારે, વફાદાર રોમાન્ટિક

પંદર વર્ષ રાહ જોઇ શકે છે, ને એ પછી એને એનો રીવૉર્ડ – પુરસ્કાર – મળે છે.

કિર્કેગાર્ડ ભારે વ્યંગમાં એમ જણાવે છે કે બધું છતાં પતિ કલામય જીવ્યો હોય છે કેમ કે એના માટે પઝેશન કશી મૃત વસ્તુ નથી હોતી, બલકે પઝેશન એણે નિરન્તર હાંસલ કર્યું હોય છે. એ મથ્યો હોય છે, કહો કે, લડ્યો હોય છે – સિંહો જોડે નહીં, માનવભક્ષીઓ જોડે નહીં, પરન્તુ મહા ભયાનક શત્રુ એવા પોતાના સમય સાથે. એ પ્રકારે, મૅરિડ લવનો શત્રુ સમયમાં વસે છે, એનો જય ગણો તો જય સમયમાં વસે છે.

પ્રેમને મિત્ર, તું અમુક ઉમ્મર સાથે જોડે છે, કોઈ એક વ્યક્તિના પ્રેમને અમુક સમયગાળાની ચીજ લેખે છે, ને પછી એ બધું તું તારી જિતને ખાતર અજમાવ્યા કરે છે, આમથી તેમ થયા કરે છે, વાંકોચૂંકો, ભલે; પણ તારે એ સત્ય સ્વીકારવાની જરૂર છે કે પ્રેમને હમેશાં સમયમાં સાચવવો જોઈશે. એમ કરવું જો તને અશક્ય લાગતું હોય તો સમજી લે કે પ્રેમ પણ એક અશક્યતા જ છે.

એકબીજાંને અંગેના ફરજપાલનને કે કર્તવ્યને તું જો પ્રેમનો શત્રુ ગણતો હોઉં તો તું જાણે, હું તો કર્તવ્યને પ્રેમનો મિત્ર ગણું છું. કેમ કે મારે મન કર્તવ્ય કંઈક ને પ્રેમ કંઈક એવું નથી. કર્તવ્ય મારા પ્રેમને પોષે છે, એ જ એનું પ્રોટીન છે. પ્રેમને માટે જે કંઈ હોય એ બધું પવિત્ર અને સારું જ હોય છે. અને પ્રેમને માટે ન હોય એ ગમે એટલું સુખદ કે લલચાવનારું હોય, નકામું છે. 

મિત્ર ! મારાં પ્રેમમય અભિનન્દન સ્વીકારજે પણ એ સ્ત્રીનાં ખાસ સ્વીકારજે કેમ કે એનાં અભિનન્દનમાં મૈત્રી અને સાચકલાઇ ઘણી હશે. તું મને અનુકૂળ ને ગમતીલો મહેમાન છું. મારા ઘરે મળ્યાને તારે ઘણો વખત થઈ ગયો, આવજે ઇચ્છા થાય ત્યારે, રહેજે રહેવાય એટલું. જવું હોય ત્યારે જતો પણ રહેજે …

++

I opine this version of the work “Either / Or” is not in so good English. એ કારણે કે કદાચ મારે કારણે મને એટલું બધું કમ્ફર્ટેબલ ન લાગ્યું …

તેમ છતાં, કિર્કેગાર્ડ લગ્નની સુન્દર કે કલામય પ્રબળતા પ્રેમમાં જુએ છે એટલું ચૉક્કસ, અને મને એ બહુ જ ગમ્યું છે.

જો કે એમણે આપણા જમાનાનાં લગ્ન કે લગ્ન પાછળની આપણી પ્રવર્તમાન વિવિધ માનસિકતાઓ જોઈ હોત તો શું કહેત એ પ્રશ્ન છે …

ભલે, જય પ્રેમનો છે એથી જુદું શું જોઇએ?

= = =

(June 23, 2021: USA)

Loading

...102030...1,8761,8771,8781,879...1,8901,9001,910...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved