Opinion Magazine
Number of visits: 9571334
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વંટોળ

દેવિકા ધ્રુવ|Poetry|1 June 2021

જ્યારે વિચારોના વંટોળ ઊડે ત્યારે રાત્રિના શાંત અંધકાર વચ્ચે નાનકડી સોનેરી આશાની રજકણ ઝબૂકે ને પછી મન શાંત થઈ જંપે એ ભાવને વ્યક્ત કરતી, શિખરિણી છંદમાં ગૂંથેલ એક રચના ….


ફરે, ઘૂમે, ઊડે, ભીતર મનની ખીણ મહીં એ,

કદી સૂતી જાગે સળવળ  થઈ ખૂબ ઝબકે.

વળી સ્પર્શે, ખેંચે, રજકણ વિચારોની ચમકે

અને ઘેરે શબ્દે નીરવ રજનીના વનવને.

ચડે વંટોળે એ ઘમરઘમ ઘૂમે વમળ શું,

ઊંચે, નીચે થાતું, સઘળું વલવાતું  હ્રદયનું.

પછી ધીરે આવે સરવર પરે શાંત જલ થૈ

મઢી ચારેકોરે મખમલ સમી સેજ બિછવે.

મિટાવી ચિન્તાઓ, કરકમલ લેખિની ધરીને,

જગાવી શક્તિ સૌ તનમન શ્વસે પ્રાણ દઈ દે.

કશું ના જાણું હું, કલમ  કરતાલે રણકતું,

અહો, કેવી લીલા, કવન કણથી એ શમવતું.

e.mail : ddhruva1948@yahoo.com

Loading

સ્ત્રી સશક્તિકરણ : સંતાનોને માબાપ જ સ્ત્રી વિરુદ્ધ થવાનું શીખવે છે … !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 June 2021

આપણી કેટલીક કહેવતો સ્ત્રી વિરુદ્ધ પણ પડી છે. સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે, બૂધે નાર પાંસરી, રહે તો આપથી ને જાય તો સગા બાપથી … જેવી ઘણી કહેવતો સ્ત્રીની તરફેણ કરતી નથી. દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરી ને ગાય, દોરે ત્યાં જાય … જેવી વાતોમાં પણ દીકરી એક જવાબદારી જ ગણાઈ છે. એ જાણે પારકાનો બોજ છે ને માબાપ તેને બીજા માટે વેંઢારે છે, એવો ધ્વનિ એમાંથી સ્ફુટ થાય છે.  એમાં પણ મુખ્ય વાત છે તેના ઉછેરની. બોજ ગણાયેલી દીકરી પરણે ત્યાં સુધી નરમ અને વિવેકી ગણાઈ છે, પણ પરણે છે પછી તે જાણે બધું છીનવવા જ આવી હોય તેમ સાસરું વર્તવા લાગે છે. સાસરે પગ મૂકે તે પહેલાં, તેને વિષેની ધારણાઓ પહોંચી જાય છે. તે સાસરે આવીને, પતિ બનેલો પુત્ર  છીનવી લેવાની છે એવી ગ્રંથિ જાણ્યે-અજાણ્યે ઘણાં ઘરોમાં ઘર કરી ગયેલી હોય છે.

આશ્ચર્યની વાત એ છે કે એવી ગ્રંથિ જમાઈ માટે કોઈ સેવતું નથી. બાકી, સાચું તો એ છે કે જમાઈ આવીને ઘરની દીકરીને છીનવી જાય છે. પણ, એનો વાંધો કોઈને પડતો નથી, બલકે, દીકરીને વર મળ્યો તેની ખુશી, કુટુંબોમાં છવાયેલી હોય છે. કન્યા સાસરે જઈને પતિને છીનવી લેવાની છે એવો ભય એના પહોંચતાં પહેલાં સાસરે પહોંચે છે, તેવો ભય પિયરને લાગતો નથી. પિયરને એવો સવાલ થતો નથી કે જમાઈ કેવી રીતે ઘરની છોકરીને વટથી લઈ જાય છે? દીકરીના જવાથી એક બહેન, એક નણંદ, એક ફોઈ પિયરમાં ઓછી થાય છે, એ ખોટ કોઈને ખાસ લાગતી નથી. થોડું દુ:ખ થાય છે, પણ પછી બધું સમજાઈ-સચવાઈ જાય છે.

દીકરી પરણીને સાસરે જાય છે એ પહેલાં પિયરમાં સ્થિતિ કેવી હોય છે તે જાણવા જેવું છે. યોગ્ય મુરતિયો શોધવામાં માબાપ ને સગાંસંબંધીઓ થાકી ગયાં હોય છે, ત્યાં માંડ એક ઘર હાથ લાગે છે એટલે જેમ બને તેમ પિયર, કન્યાને વળાવવા તત્પર થઈ ઊઠે છે. પિયરને મુરતિયો હાથથી જાય એ પરવડતું નથી. એટલે જમાઈ ને તેનું કુટુંબ ઉપકાર કરતું હોય તેમ વર્તે છે ને તેમને પિયર અહોભાવથી જોઈ રહે છે. ઘણીવાર તો કન્યાને લાયક વર ન હોય તો પણ સમાધાન કરી લેવાતું હોય છે. વર વધારે પાત્રતા ધરાવતો હોય ને કન્યા ઓછું ભણેલી કે ઓછી રૂપાળી હોય તો તેને પૈસા ટકાથી ખુશ કરીને સાપનો ભારો ઉતારી દેવાતો હોય છે. એવું પણ બને છે કે દીકરી વધારે તેજસ્વી હોય ને સામે મુરતિયો ઓછી પાત્રતા ધરાવતો હોય તો પણ સમાધાન કરી લેવાનું દીકરીને કહેવાતું હોય છે. આવો આવો મુરતિયો પણ ક્યાં છે – જેવું કહીને દીકરીને સમજાવી લેવાતી હોય છે, ત્યારે દીકરી વધારે યોગ્યતા ધરાવે છે એવું કહીને પિયર, પૈસા ટકા મુરતિયા પાસેથી માંગી શકતું નથી. ત્યારે પણ આપવું તો કન્યાપક્ષે જ પડે છે. એવું નથી કે દીકરાને વહુ દરેક વખતે સામે કરી રાખેલી છે. એને ય વહુ મેળવવામાં તકલીફ પડે છે, પણ મોટે ભાગે સ્થિતિ કન્યા પક્ષની જ કફોડી થતી હોય છે. મુરતિયો તો એને જ નથી મળતો. આમાં પરંપરાગત માન્યતા જ કામ કરે છે. માન્યતા એ કે સાપનો ભારો દીકરી જ છે. માન્યતા એ કે એનો જન્મ જ પેટે પથરો આવ્યો-થી થાય છે. અપવાદો હશે, પણ ઘણાં કુટુંબોમાં દીકરી ઇચ્છનીય નથી. જે આગળ જતાં બીજા કુટુંબમાં દીકરીને જ નહીં, દીકરાને પણ જન્મ આપવાની છે એ દીકરી તરીકે જન્મે એવું ઘણાં કુટુંબો નથી ઇચ્છતાં એ કેવી મોટી વિડંબના છે ! યાદ રહે જે કુટુંબોમાં દીકરો જન્મે એ ઉત્સવ ગણાય છે, તેને જન્મ તો કોઇની દીકરી જ આપે છે ને છતાં દીકરી ઉપેક્ષિત છે. આ કોઈ રીતે ક્ષમ્ય નથી.

આમાં એક જ કારણ ભાગ ભજવે છે ને તે એ કે દીકરી પારકે ઘરે જવાની છે. તે જવા રાજી હોય કે ન હોય, કુટુંબ જ તેને પારકે ઘેર વળાવવાની ફિકરમાં હોય છે. તે રહે તે ય મંજૂર નથી ને જાય તેની ય તૈયારી નથી. આ ગૂંચ જ સમસ્યાઓ જન્માવે છે. જે બીજાને જ સોંપવાની છે તેને ઉછેરવાનું ને પરણાવવાનું ઘણાં કુટુંબોને અઘરું લાગે છે. ટૂંકમાં, દીકરી બહુ મોંઘી પડે છે. આ માનસિકતા બદલાય તો દીકરી આવકાર્ય બને. આજે તો એવું બન્યું છે કે ઘરડાં માબાપને દીકરાઓ વૃદ્ધાશ્રમ બતાવે છે ત્યારે દીકરીઓ ઢાલ બનીને ઊભી રહે છે. ઘણાં કુટુંબોમાં માન્યતા બદલાઈ છે ને ત્યાં પુત્રીનો વિકાસ સારી રીતે થતો જોવા પણ મળે છે. જેમણે સમાજ વ્યવસ્થા સ્વીકારી છે તેમણે એ પણ સ્વીકારવું જોઈએ કે દીકરી પરણાવવાની છે ને તે સાસરે જવાની છે. એ ન જવા માંગતી હોય તો પણ આ જ કુટુંબો તેને પરણાવવા આકાશ પાતાળ એક કરતાં હોય છે. આટલું જ્યારે સ્વીકારતાં હોય ત્યારે કુટુંબોએ દીકરી પ્રત્યે બહુ  ભેદભાવ પાળવા જેવો નથી.

આમ થવાના કારણમાં માબાપ અને કુટુંબો છે. બાળક જન્મે ત્યારે તે સ્ત્રી-પુરુષના ભેદથી અજાણ હોય છે. તે મોટું થાય છે તેમ તેમ તેને માબાપ, કુટુંબના વડીલો ભાન કરાવે છે, આ ભાઈ છે, આ બહેન છે, આ કાકા છે, આ કાકી છે … વગેરે. એ સાથે જ ભાઈ જાણે છે કે બહેન કરતાં ભાઈ હોવું વધારે સારું છે કે બહેન સમજવા લાગે છે કે ભાઈ વધારે મહત્ત્વનો છે, કારણ તે અહીં જ રહેવાનો છે ને પોતે પરણીને સાસરે જવાની છે. એને સમજાય છે કે તેણે ઓછાંથી ચલાવતાં શીખવાનું છે. ભણાય તો ભણવાનું છે, જીવાય તો જીવવાનું છે. તેનું મહત્ત્વ ભાઈ પછીના ક્રમે જ છે તે સ્વીકારી લેવાનું છે, ભલે પછી તે ભાઈ પહેલાં આ દુનિયામાં આવી હોય. તેણે સુંદર દેખાવાનું છે, તે પોતાને માટે નહીં, બીજાની નજરમાં આવે એ માટે ને એ સાથે જ તેણે બીજાની નજરથી બચવાનું પણ છે. આવા અનેક ગૂંચવાડામાં તે મોટી થાય છે. આમાં સ્વસ્થ રહેવું અઘરું છે.

એમાં નાનેથી મોટી થતાં ભાઈ વિષે તે જે જાણે છે તેની જુદી જ અસર પડે છે. ભાઈ બહુ ઊછળતો હોય તો મા જ કહેશે, પેલી પારકી જણી આવશે ને તે જ એને સીધો કરશે. એ મજાકમાં કહેવાતું હોય તો પણ એની અસર પડતી હોય છે. આમાં એ બહેન પણ જોડાતી હોય છે જે પારકે ઘેર જવાની છે. આ તો પિયરની વાત થઈ. એ જે સાસરે જવાની છે ત્યાં કેવીક ભૂમિકા છે? ત્યાં ભય છે કે પારકી જણી આવીને ઘરનો, કુટુંબનો કબજો લઈ લેશે. જો દીકરો વહુનો થઈ ગયો તો વહુઘેલો ને માનો રહ્યો તો માવડિયો. આમાંની કોઈ ગાળ તો દીકરો ખાતો જ હોય છે.

આજે આ દખલ ઘટી છે, થોડી, પણ દીકરી સાસરે જાય પછી પિયર પણ સાસરે ભરાતું રહે છે. એમાં દીકરીની મા મોટી ભૂમિકામાં હોય છે. સાસરું વહુની સામે પડેલું હોય છે ને દહેજને નામે ઝઘડા ચાલતા જ હોય છે ત્યાં દીકરીની મા પિયરમાં રહીને સાસરે કેમ રહેવું અને વરને કાબૂ કરીને અલગ કેમ થવું એના પાઠ ભણાવતી હોય છે, એ વખતે તે ભૂલી જાય છે કે દીકરાની વહુ ઘરમાં જ છે ને તેની મા પણ પિયરમાં બેઠી છે. આ બધું ઘટવું જોઈએ, પણ વત્તે ઓછે અંશે સામાન્ય કુટુંબોમાં આવું ચાલતું જ રહે છે. આમાં ઘણી મોટી ભૂમિકાઓ પિયર, સાસરાની સ્ત્રીઓ ભજવતી હોય છે. સ્ત્રી, સ્ત્રીની દુશ્મન ન જ હોવી જોઈએ, પણ હોય છે અને એ નકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં નિમિત્ત બને પણ છે.

આનો ઉપાય નથી, એવું નથી. છે. એક જ. જન્મથી જ દીકરા દીકરી વચ્ચે જે ભેદ રખાય છે તે દૂર થાય તો ઘણી સમસ્યાઓનું નિવારણ શક્ય છે. જો કન્યા લક્ષ્મી છે તો તેનો કુટુંબોમાં સહજ સ્વીકાર કેમ નથી? એવું શું કામ શીખવાતું નથી કે પારકી છોકરી તેનું કુટુંબ છોડીને કોઈનું ઘર ભાંગવાં આવતી નથી. તે કુટુંબનો વિસ્તાર કરવા આવતી હોય તો તેનો સ્વીકાર એ રીતે શું કામ ન થવો જોઈએ? સ્ત્રીઓ હક વિષે સમજતી થઈ છે, તેમ તેમ ફરજ વિષે ભૂલતી પણ થઈ છે, એ આધુનિક નારીનું લક્ષણ હશે કદાચ, પણ મોટે ભાગે સામાન્ય કુટુંબોમાં સ્ત્રીઓ માટેની ઘૃણા અકબંધ રહેતી હોય છે ને એમાં નાનેથી જ સમજ કેળવાય કે છોકરીનો કે છોકરાનો જન્મ વરદાન છે તો ઘણાં અપમૃત્યુથી બચવાનું થાય. આટલું નાનું કામ પણ આપણો સમાજ આટલી તકલીફો પછી પણ નહીં કરી શકે? જે અડધી વસ્તીનું ને આખી માનવ જાતનું પ્રતિનિધિત્વ કરે છે, એને અન્યાય ન થાય એટલું જોઈએ તો એનાથી આપણું જ હિત સધાય છે એવું નહીં?

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

Loading

પેટ્રોલ- ડીઝલનો ભાવ વધારો લોકોને પરવડતો/નડતો નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|31 May 2021

છેલ્લા થોડા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ વધતા રહ્યા છે. મે મહિનામાં જ ઓઇલના ભાવ 15 વખત વધ્યા છે. ઈંધણના ભાવ પણ સમજુ અને જીવદયામાં માનનારા છે. તેઓ જાણે છે કે ચૂંટણી હોય ત્યારે અને કોરોનાનું સંક્રમણ વધુ હોય ત્યારે, વધવાનું નથી. જો ક્યાં ય ચૂંટણી ન હોય કે કોરોના જાત પર ન જાય તો રોજ જ પેટ્રોલ-ડીઝલના ભાવ વધે એમ બને. શનિવારે પેટ્રોલ લિટરે 26 પૈસા અને ડીઝલ 30 પૈસા વધ્યું. એ હિસાબે છેલ્લા 25 દિવસમાં પેટ્રોલ 3.54 અને ડીઝલ 4.16 પૈસા મોંઘું થયું છે. આમાં પણ છાપે છાપે વધઘટ થયા કરે છે. એટલે અંદાજ એટલો જ લગાવવાનો રહે કે ઈંધણનો ભાવ વધ્યો છે. રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં પેટ્રોલ લિટરના 105થી વધુને ભાવે વેચાય છે, તો ભોપાલમાં તે 104ની ઉપર પહોચ્યું છે, મુંબઈમાં પેટ્રોલનો ભાવ 100.19 અને ડીઝલનો ભાવ 92.17 રૂપિયા થયો છે, અમદાવાદમાં 90.95 પેટ્રોલનો તથા 91.41 ડીઝલનો ભાવ બોલાય છે. ચેન્નઈમાં પેટ્રોલ 95.51 અને ડીઝલ 89.65 રૂપિયા પર પહોંચ્યું છે, તો ઘણાં શહેરોમાં પેટ્રોલ 100ને આંબવા પર છે. ડીઝલ પણ એની પાછળ પાછળ જ ચાલે છે. એકંદરે એક વર્ષમાં પેટ્રોલ 31 ટકા અને ડીઝલ 22 ટકા મોંઘું થયું છે. આ ભાવો બધે સરખા નથી. તેનું કારણ, વેટ રાજ્યો પ્રમાણે જુદો જુદો લાગે, તે છે. રાજસ્થાનમાં પરિવહન ખર્ચ વધુ આવતાં પેટ્રોલ પર 36 ટકા ને ડીઝલ પર 26 ટકા વેટ લાગે છે, જે ભારતમાં સૌથી વધારે છે. આ ઉપરાંત 2021નાં બજેટમાં 2.50 રૂપિયા કૃષિ સેસ લિટર પેટ્રોલ પર અને 4 રૂપિયા ડીઝલ પર લાગુ કરાયેલો તે તો ખરો જ. એ જ વખતે ઓઈલના ભાવ વધશે એવું લાગતું હતું, પણ નાણામંત્રીએ એમ કહીને વાત નકારી હતી કે કસ્ટમર પર વધુ બોજો નહીં પડે, ત્યારે કદાચ ઘણાંને સમજાયું નહીં હોય કે સેસનો બોજો ખરેખર કોના પર પડવાનો છે? જો કે, હવે એ રહસ્ય નથી રહ્યું. બધું આવી આવીને સામાન્ય લોકો પર જ પડ્યું છે ને પડે છે. સરકાર ભલે ટાઢા પહોરની હાંકતી રહે, પણ ઓઇલ પર 53 ટકાથી વધુ ટેક્સ સરકાર વસૂલે છે. આ સ્થિતિ હોય તો ઓઇલના ભાવો ન જ ઘટે તે સૌએ સમજી લેવાનું રહે. સાચું તો એ છે કે સરકારની જ ઈચ્છા નથી કે ઈંધણ સસ્તું થાય.

કોરોનાને કારણે સરકારની હાલત આર્થિક ક્ષેત્રે કફોડી થઈ એ સાચું અને એને કારણે આવકનાં એક સાધન તરીકે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારવાનું તેને માટે અનિવાર્ય બને તે સમજી શકાય, પણ લોકોની સ્થિતિ પણ એ જ ગાળામાં બદથી બદતર હતી, તે ખરું કે કેમ? સરકાર પાસે તો આવક વધારવા ઓઇલ પણ હતું, પ્રજા પાસે શું હતું? એની તો આવક જ બંધ કે ઓછી થઈ ગઈ હતી. આવક વધવાની કોઈ શક્યતા ન હતી એવા સમયમાં સરકારે ઈંધણમાં ભાવ વધારો કર્યો ને પ્રજાની સ્થિતિ પડતાં પર પાટું – જેવી થઈ. આવક નહીં ને ખર્ચ ચાલુ એવી સ્થિતિમાં સરકારને હૈયે પ્રજાનું હિત વસવું જોઈતું હતું, પણ કમનસીબે તેવું ન થયું. બીજી તરફ પ્રજા એવી મૂઢ જેવી થઈ ગઈ છે કે તેણે મોંઘવારી સ્વીકારી લીધી છે અથવા તો મોંઘવારીના મારની તેને ખાસ અસર થતી નથી. તેણે પેટ્રોલ કે ડીઝલ જ થોડું ખરીદવાનું છે ! તેણે તો અનાજ, શાકભાજી, દૂધ, ફળ વગેરે પણ મોંઘાં જ ખરીદવાનાં છે. એવે વખતે તે ખરીદી પર કાપ મૂકે છે અથવા તો ખરીખોટી રીતે આવક ઊભી કરીને જીવવાની કોશિશ કરે છે.

પ્રજા કદાચ મોંઘવારી બાબતે બહુ ધ્યાન ન આપતી હોય એમ બને. પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો બહોળા વર્ગને અસર નથી કરતો એવો પણ ભ્રમ પ્રવર્તે છે. એ ખરું કે ઈંધણ, વાહન ચાલકો કે રેલવે, બસ વગેરે માટે જરૂરી છે. એટલે બહુ લોકો કદાચ ઓઇલના ભાવ વધારાથી પ્રભાવિત થતાં નથી એવું મનાય છે, પણ એ પૂરું સાચું નથી. ઓઇલમાં ભાવ વધારો થાય છે એની સાથે જ ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થઈ જાય છે. ઈંધણ મોંઘું થાય છે એની અસર દૂધ, શાકભાજી, ફળો …ની કિંમતો પર પણ પડે છે, એટલે એ પણ મોંઘું થાય છે. ટૂંકમાં, વાહનો પૂરતી જ ઈંધણના ભાવ વધારાની અસર થાય છે એવું નથી, રોજબરોજની ચીજ વસ્તુઓ પણ એને લીધે મોંઘી થાય છે એની ના પાડી શકાશે નહીં.

વડા પ્રધાન મધ્યમવર્ગમાંથી આવે છે. એમને આ બધાંની અસર નહીં જ વર્તાઈ હોય એમ તો ન બને, છતાં આ અંગે એમણે કૈં કહેવાનું નથી એનું આશ્ચર્ય થાય છે. વડા પ્રધાન જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે 2014ની યુ.પી.એ. સરકાર વિષે જુસ્સાથી બોલેલા કે પેટ્રોલના ભાવ જે રીતે વધારી દીધા છે, તે દિલ્હી સરકારની નિષ્ફળતાનો જીવતો જાગતો પુરાવો છે, ત્યારના ગુજરાતનાં મુખ્ય મંત્રીને એ ભાવ વધારો નાગરિકો પર અને સરકારો પર બોજ વધારનારો લાગેલો, હવે એ જ મુખ્ય મંત્રી વડા પ્રધાન છે ને એમને ઈંધણનો આ ભાવ વધારો કેમ અખરતો નથી એનું આશ્ચર્ય થાય છે. એમણે કહેલી વાત, એમને જ પૂછીએ તો કોઈ જવાબ મળે એવું બને?

આશ્ચર્ય તો એનું પણ છે કે કેટલાંક લોકોને આ ભાવ વધારો નડતો જ નથી. ચામડી જ ન રહી હોય તેમ તેમનું આ ભાવ વધારાથી રુંવાડું ય ફરકતું નથી ને એવી દલીલો કરે છે કે આજે આખી દુનિયામાં ક્રૂડનો ભાવ વધેલો છે તો અહીં વધે એમાં નવાઈ નથી. સાચું. આંતરરાષ્ટ્રીય દરો વધે તો ઓઇલના ભાવ વધે તેનો વાંધો જ નથી, પણ 2020માં લોકડાઉન વખતે આંતરરાષ્ટ્રીય સ્તરે ઈંધણના ભાવ તળિયે ગયેલા ને પેટ્રોલ-ડીઝલનો વપરાશ નહિવત થઈ ગયેલો, ત્યારે પણ ભારતીય તેલ કંપનીઓને નિર્લજ્જ થઈને ભાવ વધારવાની ફાવટ આવી ગયેલી, સરકારનો ભાવ વધારો યોગ્ય માનનારા થોડું પાછળ જોઈ લે તો સાચું સમજાય એમ બને. ભાવ વધારાનો એક બચાવ એમ કહીને પણ થાય છે કે કેન્દ્ર અને રાજ્ય માટે તો આ જ એક આવક છે. ભાવ વધારે છે તો તેની આવકમાંથી હોસ્પિટલો ચાલે છે, વેક્સિન મફત અપાય છે, રાફેલ ખરીદાય છે … વગેરે. એવા ભોળા ભક્તોની દયા આવે છે. બીજા કેટલા ટેક્સ સરકારો વસૂલે છે તેનાથી લોકો આટલા અજાણ હોય તે માની શકાતું નથી. ઇન્કમટેક્સ, જી.એસ.ટી., સેલ્સટેક્સ … જેવા ટેક્સ ભારત સરકાર જ વસૂલે છે. દવાદારૂ પર, ટેક્સ કે ડ્યૂટી વસૂલવાનું ન ચૂક્તી હોય તે સરકાર, માત્ર પેટ્રોલ મોઘું કરીને અટકી જાય એટલી ભલી તો ક્યારે હતી ! એવું બને કે આર્થિક સ્થિતિ સારી ન હોય તો ભાવ વધારીને કમાણી કરવી પડે, એ સાથે જ બિનજરૂરી ખર્ચા પણ ઘટાડી શકાયને ! બુલેટ ટ્રેન, સેંટ્રલ વિસ્ટા, વિશ્વકક્ષાનું સ્ટેડિયમ, વિશ્વની અજાયબી જેવું સ્ટેચ્યૂ … જેવી યોજનાઓ પાછળ ઠેલી શકાય તો પ્રજા પર ઘણો ઉપકાર થાય. લાખો માણસો મરી રહ્યાં હોય, બેડ, રસી, ઓક્સિજન વગેરેની કમી હોય ત્યારે એને લગતી વ્યવસ્થાઓ કરવાનું જરૂરી છે કે વિશ્વકક્ષાનાં સ્ટેડિયમમાં ક્રિકેટ રમાડવાનું તે વિચારવાનું રહે. વિદેશોમાં ભારતની ઇમેજ સુધરે તો એ આનંદનો વિષય છે, પણ લોકોની જિંદગી જોખમમાં હોય તો થોડી યોજનાઓ પાછળ નાખી શકાય. ઇમેજ આજના સંજોગોમાં સુધારવા કરતાં બગડે નહીં, તેટલું જોવાય તો પણ ઘણું. સરકાર ઘણી બાબતોમાં પ્રાયોરિટી નક્કી કરવામાં પાછળ પડી છે તે કોરોનાની બીજી લહેરમાં સાબિત થઈ ચૂક્યું છે. એને લીધે ઇમેજ સુધરી હોવાનું તો લાગતું નથી. હજી રસી અંગે ઘણી ગરબડો છે. રસી નથી અને રસીનો પ્રચાર ચાલ્યા કરે છે એમાં મંત્રીઓના ફોટા બતાવવા સિવાય કોઈ હેતુ સરતો નથી. આ ખેલ પણ ત્યારે ચાલે છે, જ્યારે મહામારી અનેક જોખમો સાથે મોં ફાડીને સામે ઊભી છે. રસી જ એક માત્ર વિકલ્પ છે એવું કીર્તન કરતાં પહેલાં જોઈ લેવાયને કે રસી છે ખરી ને છે તો કેટલાંને પહોંચે તેમ છે?

રસીની રમત સમજાતી નથી. રસી નથી, પણ ખાનગી હોસ્પિટલો રસી આપે છે ને 1,000 વસૂલે છે. એટલે એમ સમજવાનું છે કે જે હજાર આપે છે તેને માટે રસી છે ને જે નથી આપતો તેને માટે નથી? રસીના 1,000 ઊભા કરવા તો અછતનો આ કારસો નથી રચાયોને? એમ લાગે છે કે સરકારથી માંડીને બધાં જ આવક ઊભી કરવામાં પડ્યા છે. સરકાર ઓઇલ મોંઘું કરીને કમાય છે, તો કેટલાંક જાણી ગયાં છે કે આજના સમયમાં શેની જરૂર વધારે છે? તો, એની તંગી ઊભી કરો ને પછી એના કાળાબજાર કરો. લોકોને મારીને પણ કમાણી થઈ શકતી હોય તો તે કરો. આ માનસિકતા સરકારની છે કે નહીં, તે નથી ખબર, પણ લોકોની તો છે જ ! અગ્નિદાહમાં લાકડાં ખૂટ્યાં તો પેટ્રોલનો ઉપયોગ પણ થયો. એનો વપરાશ ઘટાડવા તો ઈંધણ મોંઘું નથી થતુંને ! હવે તો અગ્નિદાહ વગર જ શબ વહાવી દેવાનું ચાલ્યું છે, 100 રૂપિયે લિટરનું પેટ્રોલ હોય તો કોઈ પણ શબ વહાવે નહીં તો શું કરે ! ઓક્સિજન, દવા, વેન્ટિલેટર … જેવામાં તો ધંધો જ થયો છે. જીવ બચાવનારાઓએ તો જીવ બચાવવા બનતું બધું જ કર્યું, પણ જીવ લેવામાં પણ કોઈએ કોઈ કસર બાકી નથી રાખી એવું, નથી લાગતું?

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 મે 2021

Loading

...102030...1,8691,8701,8711,872...1,8801,8901,900...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved