બદલવાને સમયનો સાર તારે બોલવાનું છે
સમય પોતે કરે પોકાર તારે બોલવાનું છે
થઈ રોગિષ્ટ માણસજાત આજે વાઇરસથી પણ
ન જાણ્યો રોગનો આકાર, તારે બોલવાનું છે
દવા, ઇંજેક્શનો ને હૉસ્પિટલની બોલબાલા વચ
કર્યો ના કારગત ઉપચાર ! તારે બોલવાનું છે
ઘણાંયે અંતરોને જાળવ્યાં ને ભીતરે બેઠાં
ભુલાયો બહારનો સંસાર ? તારે બોલવાનું છે
બધા આરોહ ને અવરોહની છે ચાલ અહીં જૂઠી
જો કરવો સત્યનો ટંકાર, તારે બોલવાનું છે
બધી સંવેદનાઓને ચડ્યો છે કાટ ત્યારે તું
વરસ અંતરથી અનરાધાર, તારે બોલવાનું છે
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 09