Opinion Magazine
Number of visits: 10,225,889
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 December 2021

જે દિવસે, ૩૦મી ઓકટોબરે, ભારતીય મૂળના, ૩૭ વર્ષીય, અમેરિકન પરાગ અગ્રવાલની, માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (સી.ઈ.ઓ.) નિમણૂક થયાના સમાચાર આવ્યા, તે જ દિવસે લોકસભામાં કેન્દ્ર સરકારે માહિતી આપી કે છેલ્લાં પાંચ વર્ષમાં છ લાખથી વધુ ભારતીયોએ તેમનું નાગરિકત્વ ત્યજી દીધું છે. વિદેશી બાબતોના મંત્રાલયે એક લેખિત જવાબમાં કહ્યું કે સપ્ટેમ્બર ૨૦૨૧માં એક લાખથી વધુ ભારતીયોએ ભારતનું નાગરિકત્વ છોડી દીધું હતું. મંત્રાલયે કહ્યું કે 1,33,83,718 ભારતીયો વિદેશોમાં વસે છે.

એક જ દિવસનો આ યોગાનુયોગ હોઈ શકે, પરંતુ બંને સમાચારોમાં એક બાબત સામાન્ય છે કે જેમનામાં ક્ષમતા છે તેવા ભારતીવાસીઓ ઉજળા ભવિષ્ય માટે વિદેશને પસંદ કરે છે, અને પરાગ અગ્રવાલ એવા ભારતીયોની સોચની સાબિતી પૂરી પાડે છે.

પરાગની નિમણૂંકની જાહેરાત થઇ, તેના ગણતરીના કલાકોમાં ટ્વિટર એક મીમ વાઈરલ થયું હતું; તેમાં એક મધ્યમ વર્ગના ઘરની સ્ત્રી એક હાથમાં ચપ્પલ લઈને બીજા હાથે તેના બેરોજગાર દીકરાના વાળ પકડીને ગરજી રહી હતી, "ઉધર અગ્રવાલજી કા બેટા ટ્વિટર સી.ઈ.ઓ. બન ગયા, ઔર તુ બસ ડેઈલી ટ્વિટર પે બોયકોટ ધીસ ધેટ વાલા ટ્રેન્ડ ચલાતા હૈ."

ભારતમાં હજારો-લાખો બેરોજગાર લોકો સોશ્યલ મીડિયા પર નફરતની રાજનીતિમાં વ્યસ્ત છે, ત્યારે અમુક ભારતીયો ચૂપચાપ વિદેશ જતા રહીને તેમનું ભવિષ્ય બનાવી રહ્યા છે, તેની કડવી વાસ્તવિકતા આ જોકમાં હતી.

બેંગલોર સ્થિત ફાયનાન્સિયલ ટેકનોલોજી સ્ટાર્ટ-અપ કંપની 'ક્રિડ'ના સી.ઈ.ઓ. કુણાલ શાહે પરાગના સમાચાર પર ટ્વીટ કરતાં લખ્યું હતું, "ગૂગલ, માઈક્રોસોફ્ટ, અડોબ, આઈ.બી.એમ., પાલો, અલ્ટો નેટવર્ક અને હવે ટ્વિટરનું સંચાલન ભારતીય મૂળની વ્યક્તિના હાથમાં હશે. આપણે એક તરફ વૈશ્વિક ટેક કંપનીઓમાં કેવી રીતે ભારતીયો સી.ઈ.ઓ. બની રહ્યા છે. તેની ખુશી મનાવી રહ્યા છીએ, ત્યારે બીજી તરફ ભારતીયો તરીકે આપણે એ પણ વિચારવું જોઈએ કે આપણા શ્રેષ્ઠ લોકો શા માટે દેશ છોડી જાય છે, અને એ લોકો અહીં જ રહેવાનું પસંદ કરશે. જે દેશની ઉત્તમ પ્રતિભા બહાર જતી હોય, તે દેશ કેવી રીતે મોટી સફળતા મેળવશે?"

છેલ્લા ઘણા સમયથી ભારતીય મૂળના લોકો વૈશ્વિક કંપનીઓમાં સી.ઈ.ઓ. બની રહ્યા છે તેના સંદર્ભમાં મહેન્દ્રા એન્ડ મહેન્દ્રાના ચેરમન આનંદ મહેન્દ્રાએ રમૂજમાં, પણ આ જ વાત કરી હતી; "આપણને આ એક મહામારીનું ગૌરવ છે, જે ભારતમાંથી શરૂ થઇ છે. તેને ઇન્ડિયન સી.ઈ.ઓ. વાઇરસ કહે છે … તેની સામે કોઈ વેક્સિન બની નથી."

આનંદ મહેન્દ્રાએ ભલે મજાકમાં તેને મહામારી કહ્યું હોય, પરંતુ ભારતની આઝાદી પહેલાંથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લંડન જવાનું ચલણ હતું અને આઝાદી પછી ઘણા પ્રતિભાશાળી ભારતીય ડોકટરો અને એન્જિનિયરો ઉત્તમ જીવન-કારકિર્દીની તલાશમાં લંડન, યુરોપ અને પાછળથી અમેરિકા ઉપડી જતા હતા. તેના માટે બ્રેઈન ડ્રેઈન શબ્દ હતો. એ જાણે એક બીમારી હતી. આજે પણ એક ઉચ્ચ મધ્યમ વર્ગનાં ગુજરાતી છોકરા-છોકરીઓ લંડન, ન્યુયોર્ક, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ જતા રહેવાનાં સપનાં સેવતાં હોય છે.

"સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા" એવું વર્ષમાં એકાદ બે પ્રસંગોએ બોલી લેવાથી દેશભક્તિનું સાર્વજનિક કેથાર્સિસ થઇ જાય એટલું જ, બાકી મોટા ભાગના લોકો પહેલી ફ્લાઈટ પકડીને ન્યુયોર્ક જતા રહેવાની ફિરાકમાં હોય છે. તેમને ખબર છે કે ત્યાં તેમની મહેનત અને આવડતની કદર વધુ થાય છે. આવી ફિરાક સાધારણ લોકોને જ છે એવું નથી. ભણેલા-ગણેલા અને સાધન-સંપન્ન ભારતીયો પણ બહેતર ભવિષ્ય માટે પરદેશી બનવા તત્પર છે.

હેન્લે એન્ડ પાર્ટનર્સ નામની વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ ફર્મનો તાજેતરનો એક સર્વે કહે છે કે અગાઉ કરતાં પણ વધુ સંખ્યામાં હાઈ નેટ-વર્થવાળા ભારતીયો બીજા દેશમાં ઘર વસાવી રહ્યા છે. એ લોકો ઇન્વેસ્ટમેન્ટનાં નામે વિદેશમાં ઘર ખરીદી રહ્યા છે. સર્વે કહે છે કે ૨૦૨૦માં કોવિડની મહામારીમાં સરહદો બંધ હતી, ત્યારે પણ તેમની પાસે વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટ માટેની પૂછતાછમાં ૬૨ ટકાનો વધારો થયો હતો.

આ જ સર્વેના ભાગ રૂપે જારી થયેલા ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિપોર્ટના ડેટા પ્રમાણે, ૨૦૧૯માં ભારતના હાઈ નેટ-વર્થ વ્યક્તિઓમાંથી ૭ ટકા, એટલે કે ૭,૦૦૦ લોકો વધુ ઉત્તમ જીવનની શોધમાં દેશ છોડી ગયા હતા. એ જ વર્ષે, ચીનમાંથી ૧૬,૦૦૦ અને રશિયામાંથી ૫,૫૦૦ અમીરો વિદેશમાં સ્થાયી થઇ ગયા હતા.

આઝાદી પછી ઘણા સમય સુધી વિદેશ જવું સામાજિક ગૌરવની નિશાની હતું. મોટા ભાગનાં સંતાનો અને પેરન્ટસનું એ સ્વપ્ન રહેતું હતું, કારણ કે ભારત એ જીવન અને કારકિર્દી આપી શકતું ન હતું, જે બીજા દેશો આપી શકતા ન હતા, પરંતુ ૧૯૯૧ના ઉદારીકરણ પછી આપણે દુનિયાનું જે પણ શ્રેષ્ઠ છે તેને ભારતમાં આવકાર આપ્યો છે છતાં, બ્રેઈન ડ્રેઇનમાં રુકાવટ નથી આવી, તે એક વિચારવા જેવો મુદ્દો છે.

જાહેરમાં કોઈ એકરાર કરે કે ન કરે, ઘરની ચાર દીવાલોમાં બધાં એકબીજાને કહેતાં હોય છે કે, “આના કરતાં તો ફોરેન જતા રહેવું જોઈએ.” આપણા સામાજિક, રાજકીય અને આર્થિક વાતાવરણની આ કરુણ વાસ્તવિકતા છે કે ભારતના એક સામાન્ય નાગરિકથી લઈને એક અમીર બિઝનેસમેનને વિદેશની ભૂમિ પર જે સુખ-સુવિધા અને શાંતિ દેખાય છે, તે ભારતમાં નજર નથી આવતી.

એક આંકડા પ્રમાણે, ૧૯૯૯માં અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયોની સંખ્યા ૧,૩૭,૨૩૦ હતી, જે ૨૦૧૫માં ૪,૪૫,૨૮૧ થઇ ગઈ હતી, મતલબ તેમાં ૨૨૫ ગણો વધારો થયો હતો. ૨૦૦૯ પછીથી અમેરિકા જવામાં તેજી આવી છે. અમેરિકાની ટેક રાજધાની સિલિકોનવેલીમાં તો જોક પણ છે કે ત્યાં સુધી વધુ હિન્દી અને તેલુગુ ભાષા બોલાય છે.

ભારતની પ્રતિભાઓ અમેરિકામાં નામ અને દામ કમાઈ રહી છે તે વાતને લઈને ભલે આપણે કોલર ઊંચા કરીએ, પણ ભારત દેશ તેમની કિંમત નથી કરી શકતો એ પણ એ જ સિક્કાની બીજી બાજુ છે. પરાગ અગ્રવાલની ટ્વિટરમ નિમણૂંક થઇ, ત્યારે એક બીજું મીમ પણ વાઈરલ થયું હતું : તેમાં આઈ.બી.એમ.ના ચેરમેન-સી.ઈ.ઓ. અરવિંદ ક્રિશ્ના, માઈક્રોસોફ્ટના ચેરમેન-સી.ઈ.ઓ. સત્યા નંડેલા અને ગૂગલના સી.ઈ.ઓ. સુંદર પિચાઈની તસ્વીરો સાથે લખેલું હતું, “પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા અમેરિકા.” (મૂળ આ ભારત સરકારનું સર્વશિક્ષા અભિયાનનું સૂત્ર હતું; પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા)

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 ડિસેમ્બર 2021

Loading

લાગણીનું વાવેતર

કમલેશ ઓઝા|Opinion - Opinion|12 December 2021

સંવેદનાની સફરમાં

મિ. સ્વપ્નિલ મહેતા, તમે એક તેજસ્વી યુવાન છો. તમારી વિદ્યાર્થી અવસ્થાની કારકિર્દી અદ્દભુત રહી છે. નવચેતન હાઇસ્કૂલના એક આદર્શ શિક્ષક તરીકે નામના મેળવી છે તે જયંતભાઇ મહેતાના એકના એક પુત્ર છો. એમ.કોમ. સુધીનો અભ્યાસ કર્યા પછી કૌટુંબિક જવાબદારી લેવા સાથે તમે અનેક જગ્યાએ નોકરી માટે અરજી કર્યા પછી પણ તમારી તેજસ્વી કારકિર્દીને કોઇએ, ગણત્રીમાં ન લીધી. અને તમે સતત બે વર્ષથી બેકારીના ખપ્પરમાં હોમાયા છો, પણ તમે એક આદર્શ શિક્ષક જયંત મહેતાના આદર્શ પુત્ર હોવાના નાતે, મૂલ્યનિષ્ઠ જીવન જીવવામાં માનો છો અને સમાજની કોઇ પણ બદી તમારામાં આવી નથી. તમને બે વર્ષ સુધી મનગમતી, લાયકાત મુજબની નોકરી ન મળતાં, તમે મિ. સ્વપ્નિલ મહેતા, છેવટે રિક્સા ચલાવવાનો નિર્ણય કરી, સવારના સાતથી સાંજના સાત કલાક સુધી કોઇ પાસેથી ભાડાની રિક્સા ચલાવી તમારા કુટુંબના આર્થિક જરૂરિયાતો પૂરી કરો છો. તમે, મિ. સ્વપ્નિલ મહેતા, તમારામાં પોતાનામાં અખૂટ તાકાત હોવાને નાતે તમે નિરાશા, ઉદાસી, ગમગીનીને તમારી પાસે આવવા દીધી નથી. મિ. સ્વપ્નીલ મહેતા, તમારી કોલેજકાળ દરમ્યાનની તમારી તેજસ્વી કારકિર્દી તમારો માયાળુ સ્વભાવ, અને સ્ટ્રોંગ વિલ-પાવરથી, તમારી પાસે મોટું મિત્રવર્તુળ ધરાવી શક્યા છો. તમારી સાથે ભણતા અનેક મિત્રો કોઇ ડૉક્ટર, કોઇ એન્જિનિયર, કોઇ મોટા વેપારી બની ગયા છે, પણ તમારી સ્થિતિ એક મધ્યમ વર્ગના કુટુંબના માત્ર સામાન્ય જીવનશૈલી ધરાવતા યુવાનની બની ચૂકી છે. છતાં તમે હૃદયથી, અંદરથી ખૂબ જ મજબૂત હોવાથી રિક્સા ચલાવવામાં નાનપ અનુભવ્યા વિના, તમારા કુટુંબ જીવનનું ગાડું ચલાવ્યા કરો છો. તમે તમારા અનેક મિત્રોને અવાર નવાર મળીને ફોન કોલ કરીને સંબંધ જાળવી રાખ્યો છે. પણ ક’દી કોઇ મિત્ર પાસે આર્થિક મદદ માંગી નથી. તમે જ પરિસ્થિતિ છે તેમાં તમારી જાતને પૂરેપૂરી ગોઠવી તમારી પોતાની મસ્તીમાં જીવો છો.

મિ. સ્વપ્નીલ મહેતા, તમારી આર્થિક, નાજુક પરિસ્થિતિના હિસાબે તમારું કુટુંબજીવન ઘરનું ગુજરાન મધ્યમ કક્ષાએ ચાલી રહ્યું છે, અને તમે માત્ર તમારા અંધકારભર્યા દિવસો પસાર કરી, હાર્યા વિના થાક્યા વિના, તમારી ઘરખર્ચી કાઢીને, તમારાં મમ્મી પપ્પાની સારી રીતે સંભાળ રાખો છો. પણ તમારી નાજુક પરિસ્થિતિથી ક’દી તમારા બેંક એકાઉન્ટમાં માતબર રકમ લાવી શક્યા નથી. અને તમે લગભગ કોઇપણ બચત વિનાના કારોબારમાં તમારા દિવસો પસાર કરી રહ્યા છો. તમારા પિતાશ્રી જયંત મહેતા આશરે ૮૦ વર્ષ પહોંચી ગયા છે. મૂલ્યનિષ્ઠ શિક્ષક હોવાના નાતે તમારા પિતાશ્રીએ ક’દી કોઇ વિદ્યાર્થી પાસેથી ટ્યુશનના પૈસા લીધા નથી અને અનેક વિદ્યાર્થીઓને સેવા નાતે શિક્ષણ આપવું એ શિક્ષકની ફરજ છે, તે સિદ્ધાંત સાથે કોઇપણ પૈસા લીધા વિના અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. જેમાના ઘણા વિદ્યાર્થી ડૉક્ટર, એન્જીનિયર, નામાંકિત વેપારી બની ચૂક્યા છે. અને ઘણાં વિદ્યાર્થી અમદાવાદ બહાર પણ જતાં પોતાના આગવી આઇડેન્ટીટી ઊભી કરી લગભગ સેટલ થઇ ગયા છે. મિ. સ્વપ્નિલ મહેતા, આ તમારો હવે ભૂતકાળ બની ગયો છે. અને તમારા પિતાશ્રી મૂલ્યનિષ્ઠ જીવનશૈલી અને ઉમદા વ્યક્તિત્વએ કોઇ બેંકમાં હાથ પર કોઇ ખાસ બચત કરી શક્યા નથી. એટલે રોજિંદી જીવન વ્યવહાર દવા મેડિકલ એક્સપેન્સ માટે પણ કોઇવાર તમે આર્થિક સંકડામણ અનુભવતા હો છો. પણ તમે નિરાશ થયા વગર, તમારી રિક્સા ચલાવવાની પ્રવૃત્તિમાંથી ફારેગ થયા નથી, અને તમારો જીવનરથ મધ્યમ કક્ષાની ગતિએ ચાલ્યા કરે છે.

મિ. સ્વપ્નિલ, તમારા મધ્યમ ગતિએ ચાલતા જીવનરથમાં એકાએક એક દિવસ ભયંકર કટોકટીમાં ફેરવાઇ ગયો. તમારા પિતાશ્રી જયંત મહેતાની તબીયત એકદમ બગડી જતાં શ્વાસ પણ ન લઇ શકે, તેવી પરિસ્થિતિમાં, તમારે તેમને તાત્કાલિક તમારા ઘરથી નજીક ડૉ. સચિન કાપડિયાની અદ્યતન હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. મિ. સ્વપ્નિલ મહેતા, તમારા ખિસ્સામાં તમારી પાસે એકપણ રૂપિયો ન હોવા છતાં, હિમ્મત કરીને તમે ડૉ. કાપડિયાને તમારા પિતાશ્રીની તબિયત બતાડવા પહોંચો છો. તમારા પિતાશ્રીની નાજુક પરિસ્થિતિ જોતા ડૉ. કાપડિયા તમારા પિતાશ્રીને આઇ.સી.યુ.માં દાખલ કરી દે છે, અને તેમને વેન્ટીલેટર પર રાખી ડૉ. કાપડિયા તેમના આસિસ્ટન્ટને જરૂરી સૂચના આપી દવાની યાદી બનાવે છે. અને મિ. સ્વપ્નિલ મહેતા, તમને દવા લઇ આવવાનું સૂચન કરે છે. મિ. સ્વપ્નિલ મહેતા, તમે તાત્કાલિક મેડીકલ સ્ટોર પર પહોંચો છો અને દવાનું લીસ્ટ આપી દવા આપવાનું કહો છો. ત્યાં જ તમારો ખાસ મિત્ર આસુતોષ ગજ્જર દવાની દુકાન પાસેથી પોતાની લક્ઝરિયસ કારમાં પસાર થતાં, તમને જૂએ છે અને કાર પાર્ક કરી તમારી પાસે આવીને કહે છે, સ્વપ્નિલ, શું થયું દવા લેવા શું કામ આવ્યો છે, બધા તો ક્ષેમકુશળ છે ? ને તારા પપ્પા કેમ છે ? એકધારા અનેક સવાલોના કોઇ જવાબ દેવાની, સ્વપ્નિલ મહેતા, તમારી કોઇ તાકાત નથી. માત્ર તમે એટલું જ કહો છો કે પપ્પાને બાજુની ડૉ. કાપડિયાની હોસ્પિટલમાં દાખલ કર્યા છે, અને હું દવા લેવા આવ્યો છું. પણ મારી પાસે એક પણ રૂપિયો નથી. દોસ્ત, હું દવાવાળાને સમજાવવા ટ્રાય કરતો હતો, કે પછી પૈસા આપી જઇશ ત્યાં તું આવી ગયો. મિ. સ્વપ્નિલ મહેતા, તમારી વાત સાંભળી, તમારા મિત્ર આશુતોષે કહ્યું કે કોઇ વાંધો નહીં. દોસ્ત, હું શું કામનો છું. ચાલ, કેટલા પૈસા આપવાના છે, આપણે આપી દઇએ. દવાવાળાએ દવાનું પેકેટ આપી ૨૦૦૦/-નું  બીલ આપ્યું અને આશુતોષે ડેબીટ કોર્ડથી રૂા. ૨૦૦૦/- ચૂકવી, સ્વપ્નીલ મહેતા, તમને કહ્યું હું તારી સાથે છું તારે મુંઝાવાની જરૂર નથી. ચાલ જલદી પપ્પા પાસે જઇને તેની દવા ચાલુ કરાવીએ.

મિ. સ્વપ્નિલ મહેતા, તમે અને તમારા મિત્ર આશુતોષ દવાના પેકેટ સાથે હોસ્પિટલ પર પહોંચો છો. ડૉ. કાપડિયાના આસિસ્ટન્ટ ડૉક્ટર શેખ સાહેબને દવાનું પેકેટ આપો છો. અને ડૉ. શેખસાહેબ તેમ જ સ્ટાફ તમારા પપ્પાને દવા આપવાના કામમાં લાગી જાય છે. તમે, મિ. સ્વપ્નિલ મહેતા, તમારા પપ્પાની કૃત્રિમ શ્વાસ લેવાની પરિસ્થિતિમાં હવે શું થશે, તેની ચિંતામાં પડી ગયા છો. પણ તમારો મિત્ર આશુતોષ જે તમારો જીગરી દોસ્ત છે, તેણે બીજા અનેક કોમન દોસ્તોને ફોન કરી તમારા પિતાશ્રીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે, અને બહુ જ નાજુક પરિસ્થિતિ છે, તે સમાચાર આપી બધા જ મિત્રોને તાબડતોબ બોલાવી લે છે. મિ. સ્વપ્નિલ મહેતા, તમારા સંબંધ નામના કુંડમાં પ્રેમનો આવિશ્કાર થાય છે. બધા જ મિત્રો તાબડતોબ આવતાં, મિ. સ્વપ્નિલ મહેતા, તમને એક અદ્દભુત મોરલ સપોર્ટ અને હૂંફ મળ્યાનો અહેસાસ થાય છે, અને મનમાં બોલી ઊઠો છો કે વાહ, કુદરત ! તારી પણ ગતિ ન્યારી છે. મારા અંધારામાં તે અદ્દભુત દીવો પ્રગટાવ્યો.

આ તરફ ડૉ. કાપડિયા તમારા પિતાશ્રીને ઓળખી ગયા હોય છે કે આ તો મારા એક મૂલ્યનિષ્ઠ ઉમદા શિક્ષક છે, કે જેમની પાસે હું ભણ્યો હતો. અને આજે તેમની શિક્ષાથી જ હું ડૉક્ટર બન્યો. મિ. સ્વપ્નિલ મહેતા, ડૉ. કાપડિયા તમને ખભા પર હાથ મૂકીને કહે છે કે દોસ્ત, મુંઝાતો નહીં હો, પપ્પાની તબીયત સારી થઇ જશે. અને તેમની હસતા મુખે એકદમ સાજા સારા કરી ઘરે લઇ જઇશું. બસ પપ્પા પાસે રહી તેમની કાળજી રાખ. અને હોસ્પિટલ સ્ટાફ જે દવા ટ્રીટમેન્ટ આપે તેમાં સહકાર આપજે. મિ. સ્વપ્નિલ મહેતા, કૃત્રિમ શ્વાસ સાથે આંખો ફાડીને જોતા જયંતભાઇ મહેતા, તમારા પિતાશ્રી કોઇને ઓળખતા નથી – આ બાજુ ડૉ. કાપડિયા બધા જ લોહી, ઇ.સી.જી., એન્જિયોગ્રાફી વગેરે કરીને શું કરવું અને કેવી રીતે તમારા પિતાશ્રીને બચાવવા તેની પેરવીમાં પડે છે. અંતે નક્કી થાય છે કે ચાર પાંચ દિવસમાં જયંતભાઇની તબીયત સ્ટેબલ થાય અને વેન્ટીલેટર કાઢી નાખીએ પછી તેમનું બાયપાસ ઓપરેશન કરવું પડશે.

તે મુજબ પછીના આઠ દિવસમાં, મિ. સ્વપ્નિલ મહેતા, તમારા પપ્પાની તબીયત સ્ટેબલ થતાં એક દિવસ બાયપાસ સર્જરી કરવાનું નક્કી થતાં પાંચ કલાકના સફળ ઓપરેશન પછી તમારા પપ્પાને આઇ.સી.યુ.માં ફરીથી લાવવામાં આવે છે. ઓપરેશન સફળ થાય છે. મિ. સ્વપ્નિલ મહેતા, તમને ડૉ. કાપડિયા તેમની ચેમ્બરમાં બોલાવે છે; અને કહે છે દોસ્ત, મુંઝાતો નહીં, પપ્પાની તબીયત સારી થઇ જશે. આવતા પંદર દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપીશું અને તું તેમને ઘરે લઇ જઇ શકીશ. મિ. સ્વપ્નિલ મહેતા, ડૉ. કાપડિયાના સહૃદયપૂર્વકના વર્તાવથી તમે આનંદિત થઇ જાવ છો. વિચારો છો કે ડૉ. કાપડિયાએ આજ સુધી હોસ્પિટલના બીલના ચૂકવવાના પૈસાની વાત કેમ ન કરી. – સ્વપ્નિલ મહેતા, તમારી આર્થિક રીતે નાજુક પરિસ્થિતિ હોવા છતાં, તમે ડૉ. કાપડિયાને પૂછો છો કે સાહેબ, મારે કેટલા પૈસાની વ્યવસ્થા કરવી પડશે. આપ કહો તો હું એટલા પૈસાની વ્યવસ્થા કરું. ડૉ. કાપડિયા કહે છે કે દોસ્ત, અત્યારે પપ્પાની તબીયત પહેલાં સારી કરવાના છે, તેની જ ચિંતા કર. હોસ્પિટલના બીલની વાત પછી કરીશું. મિ. સ્વપ્નિલ મહેતા, તમે ડૉ. કાપડિયાની વાતથી નિરાંત અને શાંતિનો શ્વાસ લો છો અને નિશ્ચિંત થઇ, પપ્પાની સેવા કરવામાં લાગી જાવ છો.

મિ. સ્વપ્નિલ મહેતા, હોસ્પિટલમાં તમારા બધા જ મિત્રો સતત હાજરી આપી તમારા પપ્પાના ખબર પૂછી, તમારી સાથે અડીખમ મિત્રતા નિભાવે છે. અને તમારા ખાસ મિત્ર આશુતોષ ગજ્જરે બધા જ મિત્રોને સૂચના આપ્યા મુજબ બધા જ મિત્રો તમારા પિતાશ્રીના હોસ્પિટલના બીલ બાબત ચિંતિત હોય છે. અને બધા જ મિત્રોએ ભેગા થઇને આશરે પાંચેક લાખ રૂપિયા ભેગા કરીને એક દિવસ, મિ. સ્વપ્નિલ મહેતા, તમારા હાથમાં મૂકે છે. દોસ્ત, સ્વપ્નિલ મુંઝાતો નહીં. આ સાથે પાંચેક લાખ રૂપિયા તારા પપ્પા માટે અમે લાવ્યા છીએ, તે તારી પાસે રાખ.

મિ. સ્વપ્નીલ મહેતા, તમારા મિત્રોના આવા ઉમદા સહકારથી, તમે ઘડીભર તો અચંબામાં પડી જાઓ છો, અને મનમાં કહો છો કે સંબંધોના પરિપાકરૂપે મળેલી આ પાંચ લાખ રૂપિયાની રકમ નાની સૂની તો નથી જ. પણ સંબંધોનું યોગ્ય રીતે વાવેતર કરવામાં આવે તો સંબંધોમાં પ્રેમનો કુંડ ભરાઇ જાય. આજે ચારેબાજુ સ્વાર્થ પર નભતો સમાજ ચારે તરફ માત્ર પૈસાને જ મહત્ત્વ આપતી દુનિયા અને માત્ર અને માત્ર સ્વકેન્દ્રીત સમાજવ્યવસ્થામાં મારા મિત્રોની લાગણીસભર પૈસાની મદદ મારા માટે રણમાં મીઠી વીરડી સમાન છે. તેમ કહી, તમે ધન્ય ધન્ય અનુભવો છો. આઠેક દિવસ થાય છે. મિ. સ્વપ્નિલ મહેતા, તમારા પિતાશ્રીની તબીયત સ્વસ્થ થઇ જાય છે. તમારા પિતાશ્રી હવે સંપૂર્ણ તંદુરસ્ત થઇ, હોસ્પિટલમાં લોબીમાં ચાલતા થઇ જાય છે. અને બધા જ રિપોર્ટ નોર્મલ આવતા, ડૉ. કાપડિયા એક દિવસ આવીને કહે છે કે દોસ્ત, પપ્પાને હવે બહુ જ સારું છે. આપણે કાલે ડિસ્ચાર્જ કરીશું. તું તેને આવતી કાલે ઘરે લઇ જઇ શકીશ. મિ. સ્વપ્નિલ મહેતા, તમે પછી ડૉ. કાપડિયા સાહેબને પૂછો છો કે સાહેબ, હોસ્પિટલનું બીલ કેટલું થયું ? મારે કેટલા પૈસા આપવાના છે ? ત્યારે ડૉ. કાપડિયા કહે છે કે દોસ્ત, તારે એક પણ પૈસો આપવાનો નથી. તારા પપ્પા મારા આદર્શ શિક્ષક હતા, તારા પપ્પાએ અમને મૂલ્યનિષ્ઠાના પાઠો ભણાવ્યા છે. તારા પપ્પાએ અમને જે જ્ઞાન આપ્યું છે તે જ્ઞાનના પરિણામે આજે હું ડૉક્ટર બન્યો છું. દોસ્ત, તેમના શિક્ષણ અને જ્ઞાનને હું આજે પણ વંદન કરું છું. તેમણે જે રીતે મને તૈયાર કર્યો છે તે બીજા કોઇ  શિક્ષક ન કરી શકે. દોસ્ત, તારા પપ્પાએ એક પણ પૈસા લીધા વિના મારા જેવા અનેક વિદ્યાર્થીને ટ્યુશન આપ્યું છે. સ્કૂલમાં પણ પ્રેમથી ભણાવ્યા છે. એટલે તેમના જ્ઞાનની કિંમત રૂપિયામાં ન હોય, દોસ્ત. તારે કોઇ પણ પૈસા દેવાના નથી. દવા જે લખી દઇશું તે નિયમિત આપજે અને પપ્પાનું ધ્યાન રાખજે. એમ કહી મિ. સ્વપ્નિલ મહેતા, કાપડિયા સાહેબ તારા પપ્પાને વંદન કરે છે, અને તેમને યાદ કરાવે છે કે સાહેબ, હું આપનો વિદ્યાર્થી સચિન છું. તમારા પપ્પા યાદ કરે છે અને કહે છે કે હા સચિન, તું આટલો બધો મોટો ડૉક્ટર થઇ ગયો, બેટા, ખૂબ સરસ. હું તો તને ઓળખી જ ન શક્યો. મિ. સ્વપ્નિલ મહેતા, ડૉ. કાપડિયા કહે છે કે સાહેબ, તમને મેં જ્યારે હોસ્પિટલમાં દાખલ ક,ર્યા ત્યારે જ હું તમને ઓળખી ગયો હતો. પણ તમારી નાજુક પરિસ્થિતિ હોવાથી ત્યારે મેં ઓળખાણ ન આપી – સાહેબ, આપ ઘરે જઇ શકો છો. આરામ કરજો. તબીયત સાચવજો અને નિયમિત દવા લેજો. અને ગમે ત્યારે જરૂર પડે ત્યારે અચૂક મારી પાસે આવજો. એમ કહી ડૉ. કાપડિયા, મિ. સ્વપ્નિલ મહેતા, તમારા પપ્પાને ડીસ્ચાર્જ કરે છે. અને મિ. સ્વપ્નિલ મહેતા, તમે તમારા પપ્પાને લઇને ખૂબ જ આનંદ સાથે તમારા ઘરે લઇ જાઓ છો. અને ઘડીભર શિક્ષક અને વિદ્યાર્થીના અદ્ભૂત પ્રેમને વંદન કરી મૂલ્યનિષ્ઠા અને લાગણીના વાવેતરથી ઊગેલું ફળ કેટલું મધુર હોય તેનો હુબહુ અહેસાસ અનુભવો છો. તે સાથે જ તમારા મિત્રોએ આપેલા પૈસા રૂપિયા પાંચ લાખ તેમને પરત કરી તેમનો પણ આભાર માની, તમારા જીવનરથને ફરીથી એ જ રિક્સા ચલાવવાના નિત્યક્રમમાં જોતરી આગળની જીવનયાત્રા શરૂ કરો છો.

મિ. સ્વપ્નિલ મહેતા, સલામ તમારા આશુતોષ ગજ્જર તેમ જ અનેક બીજા મિત્રોને કે જેઓ તમને ખરેખર કટોકટીના સમયમાં મદદ કરી હૈયાની હૂંફ આપી. અને લાખ લાખ સલામ, પેલા ડૉ. કાપડિયાને કે જેમણે તમારા પપ્પાના હોસ્પિટલના ખર્ચ પેટે એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વિના, તમારા પપ્પાએ આપેલા વિદ્યાદાનનું ઋણ ચૂકવ્યું. અને સલામ મૂલ્યનિષ્ઠ તમારા પિતાશ્રી શિક્ષક જયંત મહેતાને કે જેણે અનેક વિદ્યાર્થીઓનાં જીવનને સાચું જ્ઞાન આપી, તેમના જીવનને ઉજાળ્યું.

e.mail : koza7024@gmail.com

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN == / [5]

સુમન શાહ|Opinion - Opinion|12 December 2021

ચાલો અમેરિકા … કેટલાક બનાવો (4)

મહાયાત્રા એટલે મરણ. એ એવી મોટી અનન્તની યાત્રા છે જેમાંથી પાછા ફરવાનું કદ્દીયે હોતું નથી. વિદ્યા મેળવવી એટલે આ જીવનને, આ જગતને, જાણવું. માણસ દરેક પળે કંઈ-ને-કંઈ જાણતો રહે છે. એમ પણ કહેવાય કે જીવતા રહેવા માટે જાણતો રહે છે. એમ છે, તો વિદ્યાયાત્રા એટલે, સમજો, જીવન.

જીવે ત્યાં લગી માણસે બધું જાણ્યા જ કરવું પડે છે. એ માટે એ અહીંથી તહીં જતો-આવતો રહે છે, ભમતો-ભટકતો રહે છે. વિદ્યા માટે નાનપણમાં એ બાળમન્દિરે જાય, પછી નિશાળે. મોટપણે કૉલેજ જાય, દેશમાં ભણે, વિદેશ જાય.

આ લેખમાળાને હું ‘મારી વિદ્યાયાત્રા’ કહું છું એથી ખાસ શું સમજવાનું છે? એ કે બાળમન્દિરથી હું જ્યાં જ્યાં ગયો, જે કંઈ શીખ્યો, જે કંઈ પામ્યો – તે બધું જ. ડભોઇથી વડોદરા અમદાવાદ, ભારતનાં વિવિધ શહેરોમાં, ઈન્ગ્લૅન્ડ અમેરિકા આમ્સ્ટર્ડામ તેમ જ યુરપ અને આફ્રિકાનાં બીજાં શહેરોમાં; જ્યારે જ્યારે ગયો ત્યારે ત્યારે જે કંઈ મારા વડે આત્મસાત્ થયું ને એ પ્રકારે જિવાયું – તે બધું જ.

અમારે પહેલી માર્ચે ફિલાડેલ્ફીઆ પહોંચી જવાનું’તું. આમ્સ્ટર્ડામથી KLM-ની ફ્લાઈટ ડીટ્રૉઇટ થઇને ફિલા૦ પ્હૉંચાડે. આમ્સ્ટર્ડામના સાઉથ-વેસ્ટથી પંદરેક કિલોમીટર પર આવેલું શિફોલ ઍરપોર્ટ દુનિયાનાં કેટલાંક મહા મહા ઍરપોર્ટોમાંનું એક છે. જોવા-અનુભવવાલાયક મનાય છે. તે વખતના આંકડા અનુસાર કહું કે, ૧૦૦ જેટલા દેશોને અને ૨૦૦થી વધુ શહેરોને જોડે છે. હવે તો આ આંકડા કેટલા ય આગળ નીકળી ગયા છે. મુમ્બઇ-આમ્સ્ટર્ડામ-મુમ્બઈ જેવી અનેક ડેઈલી ફ્લાઈટ્સથી સુખ્યાત KLM, કહે છે, દુનિયાની પહેલી ઍર-ફ્લાઈટ છે. પણ એણે અમને બન્નેને કેવી તો વીતાડી એ વાર્તા સાંભળવા જેવી છે :

અમે ઘરેથી વહેલી સવારે નીકળેલાં. રીપોર્ટિન્ગ ટાઈમથીયે પ્હૅલાં પહોંચેલાં. જોયું તો, ઍરપોર્ટ પર ખાસ્સી ભીડ હતી. બૅગેજીસ ચૅક-ઈન કરાવવા માટેનાં લગભગ બધાં જ કાઉન્ટરો પર લાંબી લાંબી લાઇનો હતી. એટલે અમારે ચિ. મદીર, પૌત્ર તેજ અને પુત્રવધૂ લેતિઝ્યાથી મહાબૅળે પણ છૂટાં પડવું પડેલું. અમારા સૌના ચહેરે એક જ પ્રશ્ન ખૅંચાયેલો હતો – ફરી ક્યારે મળાશે …

ફરીથી તો અનેકાનેક વાર મળ્યાં છીએ. પણ એ દિવસ તો ઠીકઠીક વસમો હતો.

તરત અમે ટૂંકામાં ટૂંકી દેખાતી લાઇનમાં અમારી બૅગેજીસની બન્ને કાર્ટ અને વળી બે ઍટેચી સહિત ઉચાટભર્યાં ઊભાં રહી ગયેલાં. ધીરે ધીરે ખસનારી અમારી એ લાઈને છેવટે અમને કાઉન્ટર અને તે પરની રૂપાળી બાળાનો સાક્ષાત્કાર કરાવ્યો.

હું પાસપોર્ટ અને ટિકિટ રજૂ કરું એ પહેલાં જ એ સ-સ્મિત બોલી : આર્યુ ઈન્ડિયન? : મેં પણ એવા જ સ્મિતથી ‘યસ્સ’ કહ્યું ને હું અને રશ્મીતા એને આતુર જિજ્ઞાસાથી જોઇ રહ્યાં. કહે : માય હસબન્ડ ઈઝ ઈન્ડિયન, પંજાબ સે હૈ : મને મનમાં થતું’તું આ જગ્યા શું કોણ કોનું સગું છે એના વાર્તાલાપ માટે થોડી છે … કામ પતાવે તો, અગાઉની વીતકથી આગળ ધપાય. છતાં મેં પૂછ્યું : આપકો હિન્દી આતી હૈ? : થોરી થોરી : હું શોધી રહેલો કે – હવે શું પૂછવું. રશ્મીતાને ઈશારાથી પૂછ્યું તો એ પણ ચૂપ. પરિણામે, બાળા કશું બોલી નહીં. વિધિ પૂરો થયો.

પણ એણે છેલ્લે જે કહ્યું તે મહત્ત્વનું હતું. એણે સમજાવ્યું કે : હમણાં તમને બન્નેને હું જુદા જુદા સીટનમ્બર્સ આપું છું, આયૅમ ઍક્સ્ટ્રીમલિ સૉરિ, ક્રાફ્ટ ઈઝ સો ક્રાઉડેડ; આફ્ટર અ વ્હાઇલ, ધિસ વિલ્બી ઓકે : મેં ઈશારાથી પૂછેલું -'નમ્બર્સ?’ : એણે ડોકું હલાવી ‘યસ્સ’ કહેલું.

મને ગમેલું નહીં. કેમ કે એના કહેવાનો મતલબ એ હતો કે મારે અને રશ્મીતાએ જુદાં જુદાં બેસીને એ બારેક કલાકની યાત્રા કરવી. ફરજ્યાત વિ-યોગ વેઠવો. અને સાચે જ એમ બન્યું.

અમે પસાર થતાં’તાં ત્યાં બે-ત્રણ છોકરીઓ સૌ મુસાફરોને હથેળીમાં સમાય એવો એક એક નાનો ફૅન – પંખો – ભેટમાં આપતી’તી. મેં ન લીધો પણ રશ્મીતાએ લીધો. કેમ કે, એ પંખાથી હવા ખાવાની મારા શરીરની કે મારા મનની તૈયારી ન્હૉતી.

એ ચૅક-ઈન કાઉન્ટર પછીના ત્રણેક તબક્કે દરેક વખતે અમને કહેવામાં આવ્યું કે ‘ઈટ વિલ્લ બી ઓકે’ અને અમે બન્ને જુદાં જુદાં બેઠાં પછીયે ઍરહૅસ્ટોસોએ પણ એમ જ કહ્યું કે ‘ઇટ વિલ્લ બી ઓકે સૂન’. અમે જુદે જુદે બેઠાં ને શ્રદ્ધા રાખી કે ઓકે થઇ જશે …

Schiphol Airport, Amsterdam, NL.

જે શુભ અને રસપ્રદ કાર્ય માટે અમેરિકા જઇ રહેલાં એને યાદ કરીને હું મન મનાવવા માંડેલો : અમદાવાદમાં મળેલા એ પત્રમાં યુનિવર્સિટીએ મને છૂટ આપેલી કે રાઈટર-ઈન-રૅસિડેન્સ કાર્યક્રમને મારે જે ઘાટ આપવો હશે એ આપી શકાશે. જો કે એક માગણી પણ મૂકેલી કે મારે એક પબ્લિક લૅક્ચર તો આપવું જ.

એ જાહેર વ્યાખ્યાનના મને કેટલાક વિષયમુદ્દા સૂચવેલા – જેમાંથી મેં ગ્લોબલિઝેશનનો મુદ્દો પસંદ કરેલો અને વ્યાખ્યાનનું શીર્ષક બાંધેલું : ‘ફેટ ઑફ અ રીજ્યોનલ રાઇટર ઈન ધ ડેઝ ઑફ ગ્લોબલિઝેશન’ : ‘ગ્લોબલિઝેશનના દિવસોમાં પ્રાદેશિક ભાષાના લેખકની નિયતિ’.

ગુજરાત એક પ્રદેશ કહેવાય અને એમાં લખતા સૌ લેખકોની જેમ હું પણ પ્રાદેશિક લેખક કહેવાઉં. એની, એટલે કે, આમ તો મારી, અથવા એ સૌની, આજે નિયતિ શું છે, ગ્લોબલિઝેશનના દિવસોમાં એનું ભાગ્ય શું છે – એટલે કે, આવનારા સમયમાં પ્રાદેશિક ભાષાના લેખકનું ભાવિ શું છે, વગેરે વિશે મારે સુગઠિત વ્યાખ્યાન આપવું એમ નક્કી થયેલું.

મને કદાચ પહેલી વાર ગડ બેઠેલી કે હું અને ગુજરાતીમાં લખતા બધા જ લેખકો પ્રાદેશિક છીએ, રાષ્ટ્રીય નહીં, વૈશ્વિક પણ નહીં. વિષય નક્કી કરતાં તો કરી નાખેલો પણ ધીમેથી આ વાત ખૂંચવા લાગેલી. કેમ કે શું વૈશ્વિક, કે શું રાષ્ટ્રીય, અરે લેખક માત્ર, મૂળે તો કોઈ ને કોઈ પ્રદેશની જ પેદાશ હોય છે ને ! એ હકીકતને ભૂલીને કશી પણ વાત થાય જ શી રીતે? મેં નક્કી રાખેલું કે વ્યાખ્યાનમાં આ વાતનું બરાબરનું પૃથક્કરણ કરવું ને કહેવું કે યોગ્ય શું હોઇ શકે છે – ખૂંચારો સંઘરી નથી રાખવો.

= = =

(December 12, 2021: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,8441,8451,8461,847...1,8501,8601,870...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved