Opinion Magazine
Number of visits: 9456261
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નેશનલ હેરાલ્ડ કેસઃ પરિવારવાદના વિવાદી વ્યાપારને કારણે કાઁગ્રેસની દશા ઓર કફોડી થઇ રહી છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|20 April 2025

જે રીતે વાલિયા લૂંટારાના પાપના ભાગીદાર બનવા કોઈ તૈયાર નહોતું તેમ ગાંધી પરિવારની ગરબડોમાં કાઁગ્રેસ પક્ષ કેટલું ઢસડાવાનું પસંદ કરશે?

ચિરંતના ભટ્ટ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ – ઇ.ડી.એ કાઁગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આરોપ છે કરોડોના ગોટાળાનો, મની લોન્ડરિંગનો. ભા.જ.પા.ની સરકાર ખુન્નસમાં આ બધું કરી રહી છેના આક્ષેપોના અવાજ કાઁગ્રેસ તરફથી ઉઠ્યા છે તો કાઁગ્રેસની ધૂરા લઇને બેઠેલા ગાંધી પરિવારે દેશના લોકો સાથે છેતરપીંડી કરી છેનો દેકારો ભા.જ.પા. તરફથી થઇ રહ્યો છે. ગાળિયો ગાંધી પરિવારને ગળે પડ્યો છે, અને તેમાં કાઁગ્રેસ પાર્ટી પણ ઢસડાવાની જ. આરોપ-પ્રત્યારોપ અને વિરોધ પ્રદર્શનોની હારમાળાના મણકા એક પછી એક ગોઠવાઈ રહ્યા છે. આખરે આ કેસ છે શું? આક્ષેપ એવો છે કે માત્ર પાંચ લાખની રકમમાંથી કાઁગ્રેસ પાર્ટીએ ગોટાળા કરીને  2,000 કરોડ બનાવ્યા છે અને તે પણ એકે ય રૂપિયો ખર્ચ્યા વિના. 

મામલો લગભગ પંચ્યાશી – 85 વર્ષ જૂનો છે. 1937 માં એસોસિએટ જર્નલ્સ લિમિટેડ – AJL-ની સ્થાપના કરવામાં આવી, જેના હેઠળ જવાહરલાલ નહેરુએ 1938માં ‘નેશનલ હેરાલ્ડ’ નામે છાપું શરૂ કર્યું. આ છાપાના ભાગીદારો એટલે કે શૅર હોલ્ડર્સ હતા સ્વાતંત્ર સંગ્રામમાં ભાગ લેનારા લોકો. આઝાદીની ચળવળ દરમિયાન જે ભંડોળ મળતું તેમાંથી નેશનલ હેરાલ્ડ, કોમી આવાઝ અને નવજીવન – એમ ત્રણ પ્રકાશનો પ્રકાશિત થતા. ‘ભારત છોડો’ આંદોલન દરમિયાન અંગ્રેજ સરકારે જ્યારે ભારતીય અખબારોને લપેટમાં લીધા હતા ત્યારે નેશનલ હેરાલ્ડને પણ ભોગવાવનું આવ્યું. જો કે ત્રણેક વર્ષ પછી બધું થાળે પડ્યું અને અખબાર ફરી ધમધમતું થયું. આપણે આઝાદ થયા, નહેરુ વડા પ્રધાન બન્યા અને તેમણે કંપનીનું ચેરમેન પદ છોડી દીધું. સ્વતંત્રતા મળી ગઈ હતી પણ અખબાર પ્રકાશિત કરનારી આ કંપનીને અનેક શહેરોમાં ઓછા ભાવે – રાહત દરે જમીનો મળી હતી. 1956ની આસપાસ એજેલને ગેર વ્યવસાયી કંપની જાહેર કરાઈ અને કંપની એક્ટ 25 હેઠળ તેને કર મુક્તિ મળી. વર્ષો સુધી અખબારને કાઁગ્રેસ પાર્ટી તરફથી ફંડિગ મળતું રહ્યું. સ્વતંત્ર સંગ્રામ દરમિયાન શરૂ થયેલું અખબાર સ્વાભાવિક રીતે કાઁગ્રેસ તરફી ઝુકાવ ધરાવતું હતું અને તે વખતે જે કાઁગ્રેસ પક્ષ હતો તે બહુ જુદો હતો તે પણ એક હકીકત છે. જો કે 2008માં આ અખબાર આર્થિક તંગીને કારણે બંધ કરવું પડે તેવી નોબત આવી ત્યાં સુધીમાં તો કાઁગ્રેસમાં પણ જાત-ભાતના ફેરફાર આવી ગયા હતા. AJL માથે તોતિંગ દેવું હતું. આ દરમિયાન કાઁગ્રેસે પક્ષે જાહેર ભંડોળમાંથી કંપનીને નેવું કરોડની વગર વ્યાજની એટલે કે ઇન્ટ્રેસ્ટ ફ્રી લોન આપી, જેથી કંપની બંધ થાય – અખબાર બંધ થાય તે પહેલાં કર્મચારીઓને વળતર ચૂકવી શકાય. કાયદા પ્રમાણે કોઇપણ રાજકીય પક્ષ વ્યવસાયી પ્રવૃત્તિ માટે લોન ન આપી શકે. નેશનલ હેરાલ્ડ બંધ થયું અને AJL એક રિયલ એસ્ટેટ કંપની બની રહી અને આ કંપનીને નામે 2,000 કરોડથી વધુની મિલકતો હતી. ઇ.ડી.ની ચાર્જશીટ અનુસાર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આ મિલકતો પચાવી પાડવા માટે કારસા કર્યા અને આ સંપત્તિઓને આધારે મની લોન્ડરિંગ કરાયું. 

ઇ.ડી. આ આક્ષેપો શેના આધારે કરે છે તે જાણીએ.  2010ના નવેમ્બર મહિનામાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ યંગ ઇન્ડિયા લિમિટેડ નામે કંપની શરૂ કરી. આ કંપની પાંચ લાખ રૂપિયાની મૂડી સાથે શરૂ થઇ તેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો હિસ્સો 38 – 38 ટકા હતો અને બાકીના 24 ટકા હિસ્સો મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડિસનો હતો. યંગ ઇન્ડિયાના બોર્ડ ઑફ ડિરેક્ટર તરીકે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સાથે પત્રકાર સુમન દુબે અને સામ પિત્રોડા પણ હતા. 

2010 ડિસેમ્બરમાં કાઁગ્રેસે AJLને એમ કહીને ઝીરો ઇન્ટરેસ્ટની 90 કરોડની લોન આપી કે ઐતિહાસિક મહત્ત્વ હોવાથી કંપનીને બચાવવી જરૂરી હતી. સ્વાભાવિક છે કે AJL લોન પરત ન આપી શકી. માત્ર 50 લાખ ચૂકવીને યંગ ઇન્ડિયા લિમિટેડે AJLની માલિકી મેળવી. 2011થી AJLના 99 ટકા શૅર યંગ ઇન્ડિયા લિમિટેડના થયા. એક રાજકીય પક્ષે આપેલી લોન હવે તગડી સ્થાવર મિલકત ધરાવતી ખાનગી કંપનીના કાબૂમાં આવી ગઇ. આ સ્થિતિમાં AJLની બધી જ સ્થાયી મિલકતો જે દિલ્હી, મુંબઈ, લખનૌ, વગેરેમાં છે તે યંગ ઇન્ડિયા લિમિટેડની થઇ ગઇ.  શું યંગ ઇન્ડિયાએ કાઁગ્રેસને 90 કરોડ ચૂકવ્યા? બિલકુલ નહીં. આ દેવું માત્ર કાગળ પર હસ્તગત કરાયું અને 50 લાખ જેવી નજીવી રકમ આપીને, 90 કરોડનું દેવું માફ થઇ ગયું (સાફ થઇ ગયું) અને યંગ ઇન્ડિયાને – એક ખાનગી કંપનીને – 2,000 કરોડની મિલકતો મળી જેનું મૂલ્ય આજે 5,000 કરોડ જેટલું છે. 2011માં AJL અને યંગ હેરાલ્ડ બંધ કરી દેવાયું. છાપું ન રહ્યુ પણ અને 5,000 કરોડની મિલકતો ગાંધી પરિવારની ખાનગી મિલકત બની ગઈ. ઘણી મિલકતને ભાડે આપી દેવાઇ હતી જેનો વ્યક્તિગત લાભ લેવાયો. તપાસમાં ખોટી રીતે મેળવાયેલી જાહેરાતો, ભંડોળ વગેરેની બાબતો પણ બહાર આવી છે. 

ભા.જ.પા.ના સુબ્રમણ્યમ્‌ સ્વામીએ 2012માં નીચલી અદાલતમાં ફરિયાદ દાખલ કરી અને આક્ષેપ મૂક્યો કે યંગ ઇન્ડિયા લિમિટેડે એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડના હસ્તાંતરણમાં છેતરપીંડી અને વિશ્વાસભંગનો ગુનો આચર્યો છે અને યંગ ઇન્ડિયા લિમિટેડે ખોટી રીતે નેશનલ હેરાલ્ડની મિલકત પર કબજો કર્યો છે. તેમનો આરોપ છે કે ગાંધી પરિવારે કાઁગ્રેસ પાર્ટી ફંડનો ઉપયોગ કરીને AJL હસ્તગત કરી લીધી છે. કાઁગ્રેસનું કહેવું છે કે સ્વામીના આરોપો ઠાલા છે અને તે માત્ર રાજકીય દ્વેષથી દાખલ કરાયેલો કેસ છે. 2016માં નેશનલ હેરાલ્ડને ડિજિટલી ચાલુ કરાયું છે. કાઁગ્રેસીઓનું કહેવું છે કે ભા.જ.પા. નેશનલ હેરાલ્ડને નિશાને લઇને ભારતીય સ્વાતંત્ર સેનાનીઓના અનાદરનો યોગદાન કરી રહી છે. 2014થી ઇ.ડી.એ આ કેસમાં હાથમાં લઇને મની લોન્ડરિંગ થયુ છે કે કેમ તેની તપાસ ચાલુ કરી તેને પણ દસ વર્ષ થવા આવ્યા. ભા.જ.પા. અને કાઁગ્રેસ આ મામલે સામસામે નિવેદનો આપ્યા કરે છે. વિરોધો પણ થાય છે પણ કાયદાની દૃષ્ટિએ બાબત બહુ સ્પષ્ટ છે અને હવે કાઁગ્રેસ 25મી એપ્રિલની સુનાવણી પછી શું કરે છે તે જોવું રહ્યું. શું સોનિયા અને રાહુલ ગાંધીને સજા થશે કે કેમ તે તો ઇ.ડી. પોતાનો કેસ કેટલો મજબૂત તૈયાર કરે છે તેની પર આધાર રાખે છે.

આખા મામલામાં એ પણ વિચારવું પડે કે કંપનીના જે સાડાપાંચ છ હજાર શૅર હોલ્ડર્સ હતા તે હવે માંડ 700 જેટલા રહી ગયા છે. એ શૅર હોલ્ડર ક્યાં છે તેની ય કોઈને કંઇ ખબર નથી. એક સમયે શાંતિ ભૂષણ પણ AJLના શૅર હોલ્ડર હતા પણ તેમણે જાહેરમાં એ બાબત કબૂલી હતી કે તેમના શૅર ક્યારે અને કેવી રીતે રાહુલ ગાંધીને નામે થઇ ગયા તે તેમને ખબર જ નથી. આવું તો બીજા કેટલા ય શૅર હોલ્ડર્સ સાથે થયું હશે તેની તો કલ્પના જ કરવી રહી. સ્પેશ્યલ કોર્ટ, હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આ કેસ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે કોર્ટને ખારીજ કરવાની ના પાડી દીધી છે. ઇ.ડી.ની ચાર્જશીટ તો તૈયાર છે. ભૂતકાળમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પૂછપરછ પણ થઇ છે જે પાંચ દિવસ માટે અને કુલ 50 કલાક ચાલી હતી અને સોનિયા ગાંધીની પૂછપરછ ૩ દિવસ 12 કલાક ચાલી હતી. આ પૂછપરછનું વીડિયો, ઓડિયો રેકોર્ડિંગ તો થાય છે જ પણ તમે જે કહો તે તમારે લખીને આપવાનું રહે છે. એક રિપોર્ટ અનુસાર રાહુલ ગાંધીને લખતા બહુ ફાવ્યું નહીં અને તેમને ટાઇપિસ્ટની મદદ અપાઈ હતી. ઇ.ડી.માં જે કહેવાય તે બધું અદાલતમાં પુરાવા તરીકે પ્રસ્તુત કરી શકાય છે. હવે આ કેસ ચાલશે ત્યારે શું થશે તે ત્યારે જ ખબર પડશે. કાયદો સમજનારાઓનું કહેવું છે કે આ કેસ બહુ સ્પષ્ટ છે અને જો તે કેસ ચાલ્યો તો સોનિયા અને રાહુલ ગાંધીને સજા થઇ શકે છે

હવે દેશભરમાં વિદેશ પ્રદર્શનોની વાત થઇ રહી છે પણ જે ગોટાળાના લાભ માત્ર ગાંધી પરિવારને મળ્યા છે તેને માટે કાઁગ્રેસના ટેકેદારો, પક્ષના અન્ય લોકો શા માટે વિરોધ કરે? એક બીજો સવાલ એ પણ થાય કે કાઁગ્રેસ – અથવા તો ગાંધી પરિવાર માટે વિરોધ કરવા તૈયાર થનારા લોકો છે ખરા? આ તો વાલિયા લૂંટારાની વાર્તા જેવો ઘાટ છે, જો કે અહીં કોઈ વાલ્મીકિ ઋષિ બની શકે એવી ક્ષમતા ધરાવનારું છે જ નહીં. વર્તમાન સમયનું રાજકારણ ભ્રષ્ટાચાર, વૈમનસ્ય અને ધ્રુવીકરણથી ખદબદે છે. અહીં એક પક્ષ બીજાથી બહેતર છે તેવી ચર્ચા અસ્થાને છે કારણ કે વાત સરખામણીની નથી બલકે સત્તાના દુરુપયોગ કેવી રીતે અને કેટલી હદે થયો છે તેની છે. કાઁગ્રેસના ટેકેદારો માટે પણ આ કદાચ સાપે છછુંદર ગળ્યા જેવું હશે અને માટે તેઓ પણ કદાચ ચૂપ રહેવાનું પસંદ કરશે.

બાય ધી વેઃ 

ગાંધી પરિવાર વિશે ઘણી બધી બાબતો સપાટી પર આવતી રહે છે. બારિસ્ટર બનેલા જવાહરલાલ નહેરુના પરિવારમાં તેમના પછી કોઈએ પણ એ હદ સુધીનો અભ્યાસ નથી કર્યો. ઇંદિરા ગાંધી પર કેથરિન ફ્રેંકે લખેલા પુસ્તકમાં તેમણે પોતે લેખિકાને કહેલું કે તેમના બાયોડેટાને આધારે તેમને નોકરી નહોતી મળી – બની શકે કે તે કદાચ મેટ્રિક સુધી જ ભણ્યા હતા. સોનિયા ગાંધીએ ઓક્સફર્ડમાં ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ કર્યો છે તો રાજીવ ગાંધી એન્જિનયરિંગ કર્યા વિના પાયલટ બની ગયા હતા. વરુણ ગાંધી સિવાય આ પરિવારમાં કોઈ સરખી રીતે ભણ્યું નથી, કદાચ સ્નાતક પણ નથી. મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુ સિવાય ગાંધી પરિવારની કોઈ પણ વ્યક્તિએ ક્યારે ય વ્યવસાયી રીતે કામ નથી કર્યું. તેમના પછીને પેઢીના કોઈ વ્યાપાર કે વ્યવસાય નથી. રાજકારણ માત્ર કારકિર્દી છે – જો કે એવા કિસ્સા બીજા પક્ષોમાં પણ હશે  તેની ના નહીં.  “થાય સરખામણી તો કોઈ ઉતરતું નથી” – ન તો કોઈ માથે ચઢાવવા જેવું છે. વાત નેશનલ હેરાલ્ડ કેસની છે અને તેના સુધી સીમિત રાખીને વસ્તુલક્ષીપણાથી એટલે કે ઑબ્જેક્ટિવિટીથી જોઇએ તો કાઁગ્રેસની દયા આવે અને ગાંધી પરિવાર પર રોષ આવે. નરી આંખે દેખાતા ભ્રષ્ટાચારને ક્યાં સુધી અવગણવો એ પણ એક અગત્યનો સવાલ છે. પરિવારવાદ એ વિવાદનું મૂળ છે અને તે ઉખાડાશે તો કદાચ કંઇ નવું રોપવાનો મોકો મળશે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ઍપ્રિલ 2025

Loading

જે સ્થાન ચીને મેળવ્યું એ ભારત કેમ ન મેળવી શક્યું ?

રમેશ ઓઝા|Opinion - Opinion|20 April 2025

રમેશ ઓઝા

આંકડા એકદમ તાજા છે અને એ પણ સત્તાવાર. ૧૬મી એપ્રિલે (ચાર દિવસ પહેલાં) ભારત સરકારના વાણીજ્ય ખાતાએ ભારતના વિદેશવેપાર વિષે જે આંકડા બહાર પાડ્યા છે એ એમ કહે છે કે ચીન સાથેની વેપારખાધ વધીને ૯૯.૨ અબજ ડોલર્સ થઈ છે અને આગલા નાણાંકીય વર્ષની તુલનામાં ચીનથી કરવામાં આવતી આયાતમાં વધારો થયો છે અને ચીનમાં કરવામાં આવતી ભારતની નિકાસમાં ઘટાડો થયો છે. આંકડા કહે છે ૨૦૨૩-૨૪નાં નાણાંકીય વર્ષમાં ચીનથી કરવામાં આવતી આયાત ૧૦૧ અબજ ડોલર્સ હતી જે ૨૦૨૪-૨૫માં વધીને ૧૧૩.૪૫ અબજ ડોલર્સ થઈ છે. એક જ વર્ષમાં ૧૧.૫૨ ટકાનો વધારો. આની સામે ચીનમાં કરવામાં આવતી નિકાસ ૨૦૨૩-૨૪માં ૧૬.૬૬ અબજ ડોલર્સ હતી જે ૨૦૨૪-૨૫માં ઘટીને ૧૪.૨૫ અબજ ડોલર્સ થઈ છે. ટકાવારીમાં કહીએ તો ૧૪.૫૦ ટકાનો ઘટાડો.

સર્વત્ર દેશપ્રેમ છલકાતો હોવા છતાં, ૨૦૨૦માં ગાલવાનની ઘટના પછી ચીનના માલનો બહિષ્કાર કરવાનો હિંદુ રાષ્ટ્રવાદીઓએ કોલ આપ્યો હોવા છતાં, ટીકટોક જેવી ચીની કંપનીઓને ભારતમાંથી તગેડી મૂકી હોવા છતાં અને ભારત વિશ્વગુરુ તરીકે સ્થાપિત થઈ ગયું હોવા છતાં આ હાલત છે. બહુમતી દેશપ્રેમી હિંદુઓ ચીન સાથે વેપાર કરે છે અને બહુમતી દેશપ્રેમી હિંદુઓ ચીની માલનો વપરાશ કરે છે. આમાં કહેવાતા દેશદ્રોહી મુસલમાનોનો તો ખાસ કોઈ હાથ જ નથી. વધુમાં વધુ ચીની માલ વાપરતા હશે.

શા માટે આવું બની રહ્યું છે? બે કારણ છે : એક તો એ કે ચીની માલ સસ્તો પડે છે અને બીજું કારણ એ કે પોતાને ત્યાં કશુંક ઉત્પાદિત કરવા માટે ચીનથી કેટલીક ચીજો મગાવવી પડે છે. જેમ કે ભારતમાં મોબાઈલનું ઉત્પાદન કરવું હોય તો ચિપ્સ ચીનથી મગાવવી પડે. ચીની માલ હલકો છે એટલે સસ્તો છે એ કારણ જે બતાવવામાં આવે છે એ વાહિયાત છે, સારી ગુણવત્તાવાળો ચીની સામાન પણ ભારતમાં ઉત્પાદિત સામાન કરતાં સસ્તો પડે છે. ચીને ઉત્પાદનપ્રક્રિયાને એવી બનાવી છે કે જેથી તે બીજા દેશો સાથે હરીફાઈ કરી શકે અને ચીને એવી ચીજો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેની બીજા દેશોને પોતાનું ઉત્પાદન વધારવા જરૂર પડે. ટૂંકમાં બીજા દેશોના અર્થતંત્ર માટે અનિવાર્ય બનવું. ભારત ઈચ્છે તો પણ ટ્રમ્પની માફક ચીની સામાનની આયાત પર ટેરિફ ન વધારી શકે. સસ્તી કિંમતનો કોઈ તોડ નથી અને નિર્ભરતા જેવી બીજી કોઈ મજબૂરી નથી.

સવાલ એ છે કે જે સ્થાન ચીને મેળવ્યું એ ભારત કેમ ન મેળવી શક્યું? તમને કદાચ ખ્બર નહીં હોય, આ સદીની શરૂઆતમાં એટલે કે ૨૦૦૧ની સાલમાં ચીન સાથેનો ભારતનો વેપાર બેલ્જિયમ અને સિંગાપોર કરતાં પણ ઓછો હતો. ૨૦૦૧ની સાલમાં ભારતે ચીનથી ૧.૯૦ અબજની આયાત કરી હતી અને ૧.૭૦ અબજ ડોલર્સની નિકાસ કરી હતી. માત્ર ૦.૨ ટકાની વેપારખાધ હતી. અંગ્રેજીમાં જેને લેવલ પ્લેઇંગ કહેવામાં આવે છે એવી બન્ને પ્રતિસ્પર્ધીઓ માટે એક સમાન સ્થિતિ હતી. ઊલટું, ભારતની તરફેણમાં વધારે અનુકૂળતા હતી. અંગ્રેજી ભાષા, આઈ.આઈ.ટી. આઈ.આઈ.એમ. જેવી શિક્ષણ સંસ્થાઓને પેદા કરેલા બ્રેઈની ઇન્ડિયન્સ, લોકતંત્ર, રાજકીય-સામાજિક સ્થિરતા વગેરેને કારણે વિદેશી રોકાણકારોને માટે ભારત પહેલી પસંદગી હતું. શું ખબર ચીનનું બંધિયાર તંત્ર ક્યારે તૂટી પડે! તાઈનામેન સ્ક્વેરની ઘટના હજુ દાયકા જૂની હતી. માત્ર ભારતે કેટલાક સુધારા કરવા પડે એમ હતા. વહીવટી સુધારા, કાયદાકીય સુધારા અને ન્યાયતંત્રમાં સુધારા. વિદેશી રોકાણકારોને એમ લાગવું જોઈએ કે નિર્ણયો ઝડપથી લેવામાં આવશે અને જો મતભેદ થયો તો ન્યાય તાત્કાલિક મળશે.

ભારતે જરૂરી સુધારાઓ કરીને નવા ઊઘાડનો લાભ લેવો જોઈએ એમ સૂચવતા સેંકડોની સંખ્યામાં અધ્યયનો, ભલામણો અને અહેવાલો ઉપલબ્ધ છે. પણ એમ બન્યું નહીં. સ્થાપિત હિતો નહોતા ઈચ્છતા કે કોઈ પ્રકારના સુધારા થાય. એ જમાનો મિશ્ર સરકારનો હતો એટલે કાઁગ્રેસના નેતૃત્વવાળી યુ.પી.એ. સરકારને કે ભા.જ.પ.ના નેતૃત્વવાળી એન.ડી.એ. સરકારને જશ ન મળે એ સારુ બન્ને પક્ષો એકબીજાને સહયોગ નહોતા કરતા. સંસદ જ ચાલવા નહોતા દેતા. સામી બાજુ ચીને હમણાં કહ્યું એમ કિફાયતી ઉત્પાદન અને બીજા દેશોના અર્થતંત્ર માટે ઉપયોગી ચીજોનું ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને વિશ્વબજારમાં જગ્યા બનાવતું ગયું. જે જગ્યા ભારતની હોવી જોઈતી હતી એ ચીને આંચકી લીધી.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્પષ્ટ બહુમતી સાથે ભા.જ.પ.ની સરકાર રચાઈ ત્યારે ફરીવાર આશા પેદા થઈ કે ભારત ગુમાવી રહેલો અવસર ફરી મેળવી શકે છે. ૨૦૧૩-૨૦૧૪ની સાલમાં ભારતે ૧૭ અબજ ડોલર્સની ચીનમાં નિકાસ કરી હતી અને સામે ૪૮.૨ અબજ ડોલર્સની આયાત કરી હતી. ૩૧ અબજ ડોલર્સની ખાધ હતી. ખાધ ઘણી મોટી હતી, વધતી જતી હતી અને શાણા શાસકો માટે સાવધાનીના ઘંટનાદ સમાન હતી. અપેક્ષા હતી કે મજબૂત સરકાર સાથે હવે શાસકો ગુમાવેલી જગ્યા પાછી મેળવવા કમર કસશે. પણ એવું બન્યું નહીં બલકે ઊલટું બન્યું. ટકાવારીમાં ભારતની નિકાસ ઘટવા માંડી અને ખાધ વધતી ગઈ. પરિણામ એ આવ્યું કે આજે ૨૦૧૪ની તુલનામાં ભારતની નિકાસ ઘટી છે. ૨૦૧૬ની નોટબંધીએ પણ દેશને પાછળ ધકેલી દીધો છે.

સરકાર મજબૂત છે, પણ પ્રાથમિકતા અલગ છે. ચીન વર્તમાનમાં જદ્દોજહદ કરે છે અને ભારતના હિન્દુત્વવાદી શાસકો અતીતમાં. ચીન ઇતિહાસમાં વિલન શોધવાનો પ્રયાસ કરતું નથી, પણ વર્તમાનમાં વિલન કોણ અને મિત્ર કોણ એની ચકાસણી કરીને પોતાની જગ્યા બનાવે છે. ચીન મહાન હોવાના ખોટા બણગાં ફૂંકતું નથી, પણ તાકાત વધારીને વર્તમાનમાં તેને અનુભવી શકાય એ રીતે મહાન બનવાનો પ્રયાસ કરે છે. ચીન લઘુમતી પ્રજાની કનડગત કરીને બહુમતી પ્રજાને વિકૃત સુખનો અમલ પીવડાવતું નથી, પણ દરેક પ્રજાના હાથનો વિકાસ માટે ઉપયોગ કરે છે. તમે ક્યારે ય ચીની શાસકોને રડતા કે રડાવતા જોયા? ડરતા કે ડરાવતા જોયા? કલ્પનાના મહેલમાં રાચતા જોયા? બણગાં ફૂંકતા જોયા?

વર્તમાન. વર્તમાન જ ભવિષ્ય બનાવે છે. ભૂતકાળ ભવિષ્ય ન બનાવે. એની વચ્ચે વર્તમાન પડે છે અને નાદાર શાસકો કર્તૃત્વ સિદ્ધ કરવાની વર્તમાનની ક્ષણ ગુમાવી દે છે. હવે જ્યારે વર્તમાનમાં ભવિષ્ય બનાવવા માટેનું યુદ્ધ જગતમાં શરૂ થયું છે ત્યારે અતીતમાં જીવનારા અને પ્રજાને જીવાડનારા શાસકો રઘવાયા થયા છે. કેન્દ્રના વાણીજ્ય પ્રધાને અકળાઈને કહ્યું હતું કે વિદેશી રોકાણ ભારતમાંથી બહાર જતું હોય તો ભલે જતું. નથી જોઈતા તેમના પૈસા. એ પછી હમણાં પાંચ દિવસ પહેલાં અકળાઈને કહ્યું કે શું સ્ટાર્ટઅપવાળા ફૂડ ડિલીવરીની એપ જ બનાવશે કે ભોંય ભાંગવાનું કામ પણ કરશે? અરે ભાઈ, દસ વરસમાં દોઢ લાખ (૯૦ ટકા) સ્ટાર્ટઅપ નિષ્ફળ નીવડ્યા એને માટે એકલા પ્રયાસકર્તાઓ જવાબદાર છે કે શાસકો પણ? વર્ગમાં ૯૦ ટકા વિદ્યાર્થીઓ ત્યારે જ નાપાસ થાય જ્યારે ભણાવવામાં ન આવતા હોય અને શિક્ષકો નબળા હોય. ડીપસીક વિકસાવવા માટે સરકારનો સાથ જોઈએ.

પણ આપણે ત્યાં તો શાસકો ઔરંગઝેબના યુગમાં વસે છે અને વચ્ચે વચ્ચે અકળાય અને આવવું પડે ત્યારે વર્તમાનમાં આવે છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ઍપ્રિલ 2025

Loading

વીરા! એ તો ફાંસી નહીં, ફૂલમાળ રે 

સોનલ પરીખ|Opinion - Opinion|19 April 2025

વીરા મારા! પાંચ રે સિંધુને સમશાન રોપાણાં ત્રણ રૂખડાં હો જી
વીરા! એની ડાળિયું અડી આસમાન : મુગતિના ઝરે ફૂલડાં હો જી

વીરા! તારાં ફૂલ રે સરીખડાં શરીર : ઇંધણ તો ય ઓછાં પડ્યાં હો જી
વીરા મારા! સતલજ નદીને તીર પિંજર પૂરાં નો બળ્યાં હો જી 

વીરા! તારી ચિતામાં ધખધખતી વરાળ નવનવ ખંડે લાગિયું હો જી
વીરા! તારી નહીં રે જંપે પ્રાણઝાળ : ઠારેલી ભલે ટાઢિયું હો જી

વીરા! તારા પંથડા વિજન ને અઘોર : ઓરાણો તું તો આગમાં હો જી
વીરા! તારાં વસમાં જિગરનાં જોર : લાડકડા! ખમા ખમા હો જી

વીરા! તારે મુખડલે માતાજી કેરાં દૂધ ધાવેલાં હજી ફોરતાં હો જી
વીરા! એવી બાળુડી ઉંમરમાં ભભૂત જાણ્યું તેં, જોગી, ચોળતાં હો જી

વીરા! તારા ગગને ઉછળતાં ઉલ્લાસ દુનિયાથી દૂરે દોડવા હો જી
વીરા! તારે અચળ હતા વિશ્વાસ જનમીને ફરી આવવા હો જી

વીરા! તારે નો’તા રે દોખી ને નો’તા દાવ તરસ્યોયે નો’તો રક્તનો હો જી
વીરા! તારી છાતીએ છલ્યો ભવ્ય ભાવ માભૂમિ કેરા ભક્તનો હો જી

વીરા! એ તો ફાંસી રે નહીં, ફૂલમાળ : પે’રીને પળ્યો પોંખણે હો જી
વીરા! તારું વદન હસે ઊજમાળ સ્વાધીનતાના તોરણે હો જી

                                                                            —     ઝવેરચંદ મેઘાણી 

(ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી અપાઈ તેની વેદનામાં લખાયેલું કાવ્ય) 

ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ – ભારતભૂમિનાં આ પનોતાં સંતાનોને 23 માર્ચ, 1931ના રોજ લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી અપાઈ. માંડ 23-24 વર્ષના આ ત્રણે દૂધમલ યુવાનો હસતાં મોઢે ફાંસીને માંચડે ચડી ગયા. સરકારે ભગતસિંહને દયાની અરજી કરવા સૂચવ્યું ત્યારે ભગતસિંહે કહ્યું, ‘શા માટે દયાની અરજી કરીએ? અમે ચોરડાકુ નથી, અમે તો જેની નસોમાં સ્વાતંત્ર્યપ્રેમ વહી રહ્યો છે એવા બહાદુર સૈનિકો છીએ. ફાંસીથી અમે ડરતા નથી, બલકે અમને તો ફાંસીના માંચડે ચડવા કરતાં તોપના મોઢે બંધાઈને મરવું વધારે પસંદ છે.’ 

આઝાદ ભારતમાં જન્મેલા અને આઝાદ હવામાં શ્વાસ લેતા આપણે આ અને આવા અનેક યુવાનોના બલિદાનને સહેલાઈથી વિસારે પાડી દીધું છે. આપણને એ પણ ખબર છે કે ફાંસી અપાયા પછી આ વીરોના અંતિમ સંસ્કાર ક્યાં થયા હતા? શહીદોનું આ સ્મારક પાકિસ્તાનની સરહદે આવેલા ફિરોઝપુર જિલ્લાના હુસૈનીવાલા ગામમાં આવેલું છે. સતલજ નદીને કિનારે આવેલા આ સ્થળે ત્રણે વીરોના મૃતદેહોનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. અહીં ભગતસિંહની મા વિદ્યાવતી અને સાથી બટુકેશ્વર દત્તની પણ સમાધિ છે. આ બંનેની ઈચ્છા ભગતસિંહ જ્યાં અંતિમ સંસ્કાર પામ્યા ત્યાં છેલ્લું શયન પામવાની હતી. 

હુસૈનીવાલા ગામ ભારત-પાકિસ્તાનની સરહદથી એક જ કિલોમીટર દૂર છે. આ સ્થળ પાકિસ્તાનમાં જતું રહ્યું હતું, પણ 1961માં જ્યારે ભારતનાં બાર ગામડાં પાકિસ્તાનને આપવાનાં થયાં ત્યારે આ સ્થળ મેળવી લેવામાં આવ્યું હતું. 1968માં સ્મારક બનાવવામાં આવ્યું. 1971ની લડાઈમાં પાકિસ્તાની લશ્કરે અહીં તોડફોડ કરી હતી. 1973માં જ્ઞાની ઝેલસિંહ પંજાબના મુખ્ય પ્રધાન હતા, તેમણે સ્મારક ફરીથી બંધાવ્યું. દર વર્ષે 23 માર્ચે ત્યાં શહીદમેળો થાય છે. હજારો લોકો શહીદોને પ્રણામ કરવા આવે છે. ભારતમાં, ખાસ કરીને પંજાબમાં 23 માર્ચે શહીદ દિન ઊજવાય છે.

ભગત સિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબના લાયલપુરમાં થયો હતો. ચંદ્રશેખર આઝાદ અને અન્ય પક્ષના સભ્યો સાથે મળીને, ભગતસિંહે ભારતની આઝાદી માટે અભૂતપૂર્વ હિંમત સાથે શક્તિશાળી બ્રિટિશ સરકાર સામે હિંમતભેર લડત આપી હતી. તેઓ માર્ક્સના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. ભગત સિંહનું સૂત્ર ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ ખૂબ પ્રખ્યાત છે. આ સૂત્રે દેશવાસીઓને ઉત્સાહથી ભરી દેવાનું કામ કર્યું. તેનો અર્થ છે ‘ક્રાંતિની જય હો’. સુખદેવ થાપરનો જન્મ પણ એ જ વર્ષે થયો હતો. ભગતસિંહ અને સુખદેવના પરિવારો લાયલપુરમાં પાડોશી હતા. બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. બંને લાહોર નેશનલ કોલેજના સ્ટુડન્ટ પણ હતા. સુખદેવે કોલેજમાં સ્ટડી સરકલ્સ શરૂ કર્યાં હતાં, જેમાં ભારતની મહાન સંસ્કૃતિ અને વિશ્વની મોટી ક્રાંતિઓની વાતો થતી. ભગતસિંહ યુવાનોને અસ્પૃશ્યતા-કોમવાદનો ત્યાગ કરવાની, બુદ્ધિવાદી-વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવાની અને ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેવાની પ્રેરણા આપતા. સુખદેવે સોન્ડર્સ મર્ડર કેસમાં ભગતસિંહ અને રાજગુરુનું સમર્થન કર્યું હતું. શિવરામ હરિ રાજગુરુનો જન્મ 24 ઓગસ્ટ, 1908ના રોજ પુણે જિલ્લાના ખેડા ખાતે થયો હતો. રાજગુરુ વારાણસીમાં સંસ્કૃત ભણતો. શિવાજીની ગેરિલા શૈલીના પ્રશંસક હોવા ઉપરાંત, લોકમાન્ય બાળ ગંગાધર તિલકના વિચારોથી પણ પ્રભાવિત હતા. હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન આર્મીમાં જોડાયા પછી પંજાબ અને યુ.પી. તેનું કાર્યક્ષેત્ર બન્યું હતું. 

ચૌરી-ચૌરા પછી મહાત્મા ગાંધીએ અસહકાર આંદોલન પાછું ખેંચ્યું ત્યાર પછી ભગતસિંહ, ચંદ્રશેખર અને બિસ્મિલ જેવા હજારો યુવાનો અંગ્રેજો સામે સશસ્ત્ર ક્રાંતિ તરફ વળ્યા. 30 ઓક્ટોબર 1928ના રોજ, લાહોરમાં સાયમન કમિશન વિરુદ્ધ સરઘસ કાઢવામાં આવ્યું, જેના પર લાઠીચાર્જ કરવાનો હુકમ પંજાબ પોલિસના અધિક્ષક, જેમ્સ એ. સ્કોટે આપ્યો. આ લાઠીચાર્જમાં લાલા લજપત રાય ખરાબ રીતે ઘાયલ થયા અને 18 દિવસ પછી સારવાર પછી 17 નવેમ્બર 1928ના રોજ તેમનું મૃત્યુ થયું. 

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ લાલાજીની હત્યાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી.  બરાબર એક મહિના પછી, 17 ડિસેમ્બર 1928ના રોજ ત્રણેય યોજના મુજબ લાહોરમાં પોલિસ હેડક્વાર્ટરની બહાર પહોંચ્યા. જો કે, સ્કોટની જગ્યાએ આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલિસ જોન પી સોન્ડર્સ બહાર આવ્યા અને ઠાર થયા. પછીના વર્ષે વિધાન સભામાં ‘ટ્રેડ ડિસ્પ્યુટ બિલ’ અને ‘પબ્લિક સેફ્ટી બિલ’ પર ચર્ચા થઈ રહી હતી. ‘ટ્રેડ ડિસ્પ્યુટ બિલ’ પહેલેથી જ પસાર થઈ ચૂક્યું હતું, જે અંતર્ગત કામદારોની હડતાળ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે, ‘પબ્લિક સેફ્ટી બિલ’ દ્વારા, બ્રિટિશ સરકાર શંકાસ્પદોને સુનાવણી વિના કસ્ટડીમાં રાખી શકતી હતી.

ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ગૃહની ખાલી જગ્યામાં બે બોમ્બ ફેંક્યા. વિસ્ફોટ સમયે ગૃહમાં સર જોન સિમોન, મોતીલાલ નેહરુ, મોહમ્મદ અલી ઝીણા, આર.એમ. જયકર અને એન.સી. કેલકર પણ હાજર હતા. બોમ્બ ધડાકા પછી પેમ્ફલેટ ફેંકવામાં આવ્યાં, ‘બહેરાઓને સાંભળવા માટે જોરથી ધડાકાની જરૂર છે.’ ભગતસિંહ અને બટુકેશ્વર ધરપકડ વહોરી લેશે તે અગાઉથી નક્કી હતું.

લાહોર જેલમાં પહોંચતાની સાથે જ ભગતસિંહે પોતાને રાજકીય કેદી ગણવા અને અખબારો અને પુસ્તકો આપવાની માગણી કરી. માગ નકારી કાઢવામાં આવી. ભગતસિંહ અને તેમના સાથીઓએ જેલમાં લાંબી ભૂખ હડતાલ કરી.

જુલાઈમાં સોન્ડર્સ મર્ડર કેસની સુનાવણી શરૂ થઈ. 7 ઓક્ટોબર 1929ના દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા સંભળાવવામાં આવી. 

ફાંસીના બે કલાક પહેલા તેમના વકીલ પ્રાણનાથ મહેતા તેમને મળવા આવ્યા. ભગતસિંહને ફાંસીની ખબર હતી, પણ તેમણે મહેતાને પૂછ્યું કે તમે મારું પુસ્તક ‘રિવોલ્યુશનરી લેનિન’ લાવ્યા છો કે નહીં? મહેતાએ પુસ્તક આપ્યું ત્યારે તેમણે એ જ સમયે વાંચવાનું શરૂ કર્યું. મહેતાએ પૂછ્યું કે તમે દેશને કોઈ સંદેશ આપવા માંગો છો? ભગતસિંહે પુસ્તકમાંથી મોં ઊંચું કર્યા વિના કહ્યું, ‘માત્ર બે સંદેશ … સામ્રાજ્યવાદ મુર્દાબાદ અને ઈન્કલાબ ઝિંદાબાદ!

ભગતસિંહની ફાંસીની વાત આવે ત્યારે મહાત્મા ગાંધી તેમની સજા માફ કેમ ન કરાવી એ સવાલ મનમાં આવ્યા વિના રહેતો નથી. ફાંસીના દિવસે વહેલી સવારે તેમણે વાઇસરૉયને એક ભાવસભર પત્ર લખ્યો હતો જેથી વાઈસરૉય પર સજા માફ કરવાનું સારું એવું દબાણ આવ્યું, પણ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. વિરોધી લોકલાગણીના પ્રચંડ ઊભરા વચ્ચે ગાંધીજીએ ભગતસિંહની બહાદુરીને પ્રમાણવા છતાં, તેમના રસ્તાનો સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કર્યો અને તેના ગેરફાયદા બતાવ્યા. એક નેતા તરીકે ગાંધીજીની આ નૈતિક હિંમત હતી, જે યાદ રાખવી જોઈએ. 

ભગતસિંહ પોતે સજામાફી માટે પત્ર લખવા તૈયાર ન હતા. તેમના પિતાએ આવી રજૂઆત કરી ત્યારે ભગતસિંહે તેમને આકરા શબ્દોમાં પત્ર લખ્યો હતો. ગાંધીજી સજા માફ ન કરાવી શક્યા, એ મુદ્દે ભગતસિંહને કશો કચવાટ હતો કે નહીં એ જાણવા મળતું નથી. પણ તેમની પ્રકૃતિ જોતાં, એવો કચવાટ હોવાની સંભાવના નહીંવત છે. 

ઉર્વીશ કોઠારી કોમવાદ અને રાષ્ટ્રવાદની ભેળસેળનાં મૂળિયાં કેટલાં જૂનાં છે તેનો ખ્યાલ આપતી હકીકત નોંધે છે કે ભગતસિંહની ફાંસી પછી ફરજિયાત શોક પળાવવાની લ્હાયમાં કાનપુરમાં કોમી રમખાણ ફાટી નીકળ્યાં હતાં, જે ઠારવા જતાં ગણેશશંકર વિદ્યાર્થી મોતને ભેટ્યા. આપણા દેશનું આ કમનસીબ છે. 

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી અપાઈ ત્યારે ઝવેરચંદ મેઘાણીએ રુંવાડાં ઊભાં થઈ જાય એવું કાવ્ય લખ્યું હતું, જેની અંતિમ પંક્તિઓ હતી, 

‘વીરા! એ તો ફાંસી રે નહીં, ફૂલમાળ : પે’રીને પળ્યો પોંખણે હો જી
વીરા! તારું વદન હસે ઊજમાળ સ્વાધીનતાના તોરણે હો જી’ 

રાષ્ટ્રીય શાયર જ આવું લખી શકે … 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 23 માર્ચ  2025

Loading

...102030...179180181182...190200210...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved