ઇતિહાસની તમામ મહત્ત્વપૂર્ણ ક્ષણો મૌનમાં આરંભાય છે અને અંતે મૌનમાં સમાઈ જાય છે. ઑગસ્ટ ૨૦૨૧નો મહિનો એવી ઘણી ચુપકીદીઓ વિશે – અને એક સદી પહેલાંની, ૧૯૨૦-૨૧ની એવી અનેક મહત્ત્વપૂર્ણ ક્ષણો જેણે આજનું ભારત ઘડ્યું તેના વિશે – વિચાર કરવાની ફરજ પાડે છે. ભારતના ઇતિહાસના એ સમયગાળામાં અનેક ઘટનાઓએ આકાર લીધો – એવી ઘટનાઓ જેણે ઈતિહાસમાં અમીટ છાપ છોડી અને એવી ઘટનાઓ પણ જેનું આજે ભારે મહત્ત્વ છે. ઑગસ્ટ ૧૯૨૦નો મોપલા બળવો આજે પણ ભૂલી ના શકાય. રાષ્ટ્ર હજુ પણ વૈવિધ્યપૂર્ણ સમાજના વિચારને પૂરેપૂરો અપનાવી શક્યો નથી. તે જ વરસે જમશેદપુરમાં તાતા સ્ટીલ ટેકનોલોજી ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના સાથે ભારતમાં ઔદ્યોગિકી શહેરીકરણની શરૂઆત થઈ. પોલાદ તો આધુનિકતાની સંસ્કૃતિની કરોડરજ્જુ છે. ૧૯૨૧માં કોહિનૂર ફિલ્મ્સ કંપનીના નિર્માણ હેઠળની કાનજીભાઈ રાઠોડની ફિલ્મ ‘ભક્ત વિદુર’ પર પ્રતિબંધ મુકાયો તે પણ નોંધપાત્ર યાદગીરી છે, અને વ્હી. શાંતારામે બાબુરાવ પેન્ટરની ફિલ્મ ‘સુરેખા હરણ’માં અગ્ર અભિનેતા તરીકે કારકિર્દી આરંભી તે પણ. ભારત નામની એક સામૂહિકતાની રાષ્ટ્ર નામની એક અભિલાષાનો ઇતિહાસ આલેખવામાં આ કચકડાનાં સપનાંની કોઈ જોડ નથી. આ બે મૂક ચલચિત્રોએ – શબ્દશઃ ચુપકીદી સાથે – એ અભિલાષાની ખેંચતાણ માંડી, જે દેશને એક જ સમયે પાછળ મિથકોના યુગમાં અને આગળ આધુનિકતાના યુગમાં લઈ ગઈ.
પરંતુ, ૧૯૨૦-૨૧ની એ દુનિયા ભારત બહાર જોઈએ તો ૧૯૧૪-૧૯૧૮ના વિશ્વયુદ્ધ પછી ભયાવહ રીતે બદલાઈ ચૂકી હતી અને ભારતની અંદર જોઈએ તો અશાંતિ વધી રહી હતી, તે અરસામાં ઘણી વધારે નોંધપાત્ર ઘટના હતી ડો. ભીમરાવ આમ્બેડકરના સાપ્તાહિક ‘મૂકનાયક’નું આગમન. અગ્રણી દૈનિકો દલિતોનાં લખાણ પ્રસિદ્ધ કરવા તૈયાર નહોતાં, એટલે કોલ્હાપુરના પ્રગતિવાદી રાજકુમાર શાહુની આર્થિક સહાયથી ‘વૈકલ્પિક મીડિયા’ તરીકે મૂકનાયક શરૂ કરવામાં આવ્યું હતું. આમ તો એ પ્રકાશન લાંબો સમય ના ચાલી શક્યું, પણ હાંશિયે મુકાયેલાઓની અધિકાર માટેની લડતની શરૂઆતનું તે ચિહ્ન બન્યું.
બીજી પણ ત્રણ નિઃશબ્દ શરૂઆતો થઈ જેની સંયુક્ત અસર જોતાં તેનો ઉલ્લેખ કરવો ઘટે. ‘આશ્રમ’ એટલે પરિવર્તન માટેનું સ્થાન એવો પ્રાચીન વિચાર એ ત્રણેયે અપનાવ્યો. આ ત્રણ પ્રારંભોના કર્તા વેદકાળના ઋષિમુનિઓની યાદ અપાવે તેવા હતા, અને સૌ તેમને ગુરુદેવ, મહાત્મા અને મહર્ષિ તરીકે ઓળખતા થયા. ૧૯૨૦-૨૧નો ગાળો એ ત્રણેય વ્યક્તિઓ માટે આમૂલ પરિવર્તનનો સમય હતો. રવીન્દ્રનાથ ટાગોર (૧૮૬૧-૧૯૪૧), મોહનદાસ કરમચંદ ગાંધી (૧૮૬૯-૧૯૪૮) અને અરવિંદ ઘોષ (૧૮૭૨-૧૯૫૦) – એ
ત્રણેમાં અરવિંદ ઉંમરમાં સૌથી નાના હતા. આઝાદીથી બરાબર ૭૫ વરસ પહેલાં ૧૫મી ઑગસ્ટે તેમનો જન્મ થયો હતો, અને બંગભંગ પછીનાં વરસોમાં અંગ્રેજ શાસનનો વિરોધ કરવામાં તેમણે અગ્રણી ભૂમિકા ભજવી હતી. દેશદ્રોહના ગુના હેઠળ તેમને એક વરસની કારાવાસની સજા થઈ હતી, પછી તેમણે તેમની શક્તિઓ ‘ઈશ્વર’ વિશેના રૂઢિવાદી વિચારને પડકારવાના હેતુ સાથે ભારતીય દર્શનની વિવિધ શાખાઓના પુનરાધ્યયન કરવા તરફ વાળી. પુડુચેરી સ્થાયી થઈને તેમણે પરંપરાનાં નવાં અર્થઘટનો સર્જ્યાં, આ વિષય પરની દરેક નિષ્ણાત-સત્તાને પડકારી, અને અનન્ય ઊર્જા સાથે શ્રેષ્ઠ દાર્શનિક સાહિત્યનું સર્જન કર્યું. તેમના નિબંધો પહેલાં તેમના સામયિક ‘આર્ય’માં પ્રસિદ્ધ થયા અને પછી પુસ્તકાકારે એકઠા થયા – ધ લાઈફ ડિવાઈન, ધ સિન્થેસિસ ઓફ યોગ, એસેઝ ઓન ગીતા, ધ સિક્રેટ્સ ઓફ વેદ, હાઈમ્સ ટુ ધ મિસ્ટિક ફાયર, ધ રનેસોંસ ઓફ ઈન્ડિયા, ધ હ્યુમન સાયકલ અને ફ્યુટર પોએટ્રી. દાર્શનિક અધ્યયન તરીકે આ લખાણો અનુપમ રહેશે. ૧૯૨૦માં શ્રી અરવિંદે આર્યનું પ્રકાશન બંધ કરવાનો ર્નિણય કર્યો અને તમામ પ્રકારનું લખાણકાર્ય લગભગ અટકાવી દીધું, કારણ કે તેઓ તેમની બધી શક્તિઓ તેમના ગહન આધ્યાત્મિક મહાકાવ્ય, સાવિત્રી, માટે આપવાના હતા. તે પછીના ત્રણ દાયકા તેમણે પોતાની યૌગિક શક્તિઓ દ્વારા વિશ્વમાં ચેતનાનું સ્તર ઊંચું લઈ જઈને માનવજાતમાં પરિવર્તન આણવા માટે આપી દીધા. એ સ્વપ્ન સાકાર કરવા માટે આવશ્યક હતી સામૂહિક સાધના, જે માટે પુડુચેરીમાં તેમણે આશ્રમ સ્થાપ્યો.
ત્રણમાંથી સૌથી પહેલાં જન્મેલા, અને ૧૯૨૧માં તો નોબેલ પારિતોષિક સાથે વિશ્વભરમાં ખ્યાતિ પણ પ્રાપ્ત કરી ચૂકેલા રવીન્દ્રનાથ ટાગોરે ડિસેમ્બર ૧૯૨૧માં વિશ્વભારતીનું ઉદ્ઘાટન કર્યું. શિક્ષણ અને સર્જનાત્મકતા માટેની આ તદ્દન નવા જ પ્રકારની સંસ્થામાં તેઓ વિશ્વમાનવનું સર્જન કરવા માગતા હતા, એવા માનવ જે સંપૂર્ણ માનવજાતનું જતન કરે. મહર્ષિ અરવિંદની જેમ ગુરુદેવ ટાગોરે પણ જે યજ્ઞ આરંભેલો તે એક જૂથ-સમુદાય કે એક રાષ્ટ્ર માટે નહિ પણ સમગ્ર વિશ્વના હિત માટે હતો. પુડુચેરી અને શાંતિનિકેતનના આશ્રમ નવા વિશ્વ માટેના નવા વિચાર ઘડવાની પ્રયોગશાળા જેવા હતા.
ગાંધીને જે આત્મ-પરિવર્તનની એષણા હતી તે આ બંને પ્રયોગો કરતાં પણ વધુ મૂળગામી હતી. ગાંધીની જૂન ૧૯૨૧ની તસવીરો અને સપ્ટેમ્બર ૧૯૨૧ની તસવીરો સરખાવીએ તો મોટો તફાવત જોવા મળે છે. જૂનમાં તેમણે કાઠિયાવાડી પોષાક પહેર્યો છે, પણ સપ્ટેમ્બરમાં તેમણે લંગોટી પહેરી છે, માથું મુંડાવેલું છે અને ટોપી પહેરી નથી. આ પહેલાં ઑગસ્ટ ૧૯૨૦માં ટિળકના અવસાન સાથે લાલ-બાલ-પાલનો એટલે કે લાલા લજપત રાય, બાલ ગંગાધર ટિળક અને બિપિન ચન્દ્ર પાલનો યુગ આથમી ગયો હતો. એ શૂન્યાવકાશમાં ગાંધી જાણે કે ઝંઝાવાતની જેમ આવ્યા, ભારતના ખૂણેખૂણાના પ્રવાસ કર્યા, કૉન્ગ્રેસનાં વિવિધ જૂથોને એકઠા કર્યા, યુવાનોને સેવાદળ સ્થાપવાની પ્રેરણા આપી અને હિન્દુ-મુસ્લિમ-ખ્રિસ્તી સૌને રાષ્ટ્રીય સ્વાતંત્ર્યસંગ્રામમાં જોતર્યા. ઑક્ટોબર ૧૯૨૦માં તેમણે ર્નિભયી સમાજસેવીઓ તૈયાર કરવા ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી અને ડિસેમ્બર ૧૯૨૧માં કલકત્તા અધિવેશનમાં તેમણે કૉન્ગ્રેસનું સુકાન સંભાળ્યું.

એ પછી જે બન્યું તેમાં તો ઇતિહાસ રચાયો. ભારતમાં ગાંધીના આશ્રમજીવનનાં આ શરૂઆતનાં વરસો હતાં. પહેલાં તેમણે કોચરબમાં આશ્રમ સ્થાપેલો, પછીથી સાબરમતીના તીરે, શહેરથી થોડે બહાર નવો આશ્રમ સ્થાપ્યો. મૂળ નામકરણ થયેલું સત્યાગ્રહ આશ્રમ, પણ નદીના નામે તે સાબરમતી આશ્રમ તરીકે ઓળખાતો થયો. એક દાયકા પછી દાંડીકૂચ વખતે અંગ્રેજ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખવાની જે શક્તિ ગાંધીમાં હતી તે આ આશ્રમના વાતાવરણમાં, તેના સિદ્ધાન્તોમાં અને તેની સાદગીમાં ઘડાયેલી.
આ ત્રણ આશ્રમોએ આપણો ઇતિહાસ સર્જ્યો છે, ચાહે આપણે એ યાદ રાખીએ કે પછી ભૂલવાનું પસંદ કરીએ.
૨૦૨૧માં સાબરમતી આશ્રમ પર જોખમ તોળાઈ રહ્યું છે. તેને વિશ્વ કક્ષાનું પ્રવાસી ધામ બનાવવાનું આયોજન થયું છે. તે હેતુસર સરકારે રૂ. ૧,૨૦૦ કરોડ ફાળવ્યા છે. જે સ્થપતિને દિલ્હીની ચર્ચાસ્પદ સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના સોંપવામાં આવી છે, તેમને જ આશ્રમ પરિસરને આધુનિક બનાવવાની જવાબદારી સોંપાઈ છે. ગાંધી માટે સાદગીના સદ્ગુણનું મહત્ત્વ જરા ય ઓછું અંકાય એવું નહોતું. તેમણે એ જ સાદગીથી આ આશ્રમ ઊભો કર્યો. એ સાદગીના આધારે જ આ જગ્યા વિશ્વ કક્ષાની હતી અને આજે પણ છે. ત્યાં વી.આઈ.પી. ગેસ્ટહાઉસ અને સભાગૃહ ઊભાં કરાતાં ગાંધી ભુલાઈ જશે.
બધી રીતે જોતાં એમ લાગે છે કે સાબરમતી આશ્રમને નવો ઓપ આપવાનો હેતુ વિસ્મૃતિ પેદા કરવાનો છે, નહિ કે ગાંધીના વિચાર અને હિંમતને યાદ રાખવાનો. જે શાસન તેમના દુષ્પ્રચારનાં કારખાનાં મારફતે સતત આપણને આપણી આઝાદીની ચળવળ ભુલવાડવા મથે છે, ટાગોરે જેની વાત કરી તે મનની મુક્તિ અને શ્રી અરવિંદને જેનું દર્શન હતું તે આત્માની મુક્તિ ભુલાવવા મથે છે, તે શાસન પાસેથી બીજી કોઈ અપેક્ષા રાખી પણ ન શકાય.
અનુવાદ : આશિષ મહેતા
ગણેશ દેવી સાહિત્ય વિવેચક અને સાંસ્કૃતિક કર્મશીલ છે. (સૌજન્યઃ ‘ધ ટેલિગ્રાફ’)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 07-08
![]()






કરાવવા, સર્વોદય યોજના દ્વારા, ૧૯૭૯માં અહીં વિવિધ કામોનો શુભારંભ કર્યો.
ગુજરાતી સાહિત્યના પહેલી હરોળે સોહતા કવિ, લેખક, વિવેચક, વિચારક ઉમાશંકર જોશી કહે છે કે જીવનનું પરોઢથી ગાંધીજી વિષયક સાહિત્યમાં એક અગત્યનો ઉમેરો થાય છે. જીવનનું પરોઢનું કલા વિધાન એવું છે કે એને આત્મકથા તેમ જ જીવનકથા બંને કહેવું જોઈએ. લેખકના બાળપણના ચારથી બાર વર્ષના સંસ્મરણો અહીં ગુંથાયા છે. એ અર્થમાં જીવનનું પરોઢમાં લેખકના બાળપણ અંગેની કેટલીક માહિતીઓ સૌપ્રથમ વાર રજૂ કરવામાં આવી છે એ રીતે પણ ગુજરાતી સાહિત્યમાં એનું મૂલ્ય સવિશેષ છે. પ્રભુદાસ ગાંધીનું સમગ્ર જીવન ગાંધીજીની અસર જીવીને પલ્લવિત બન્યું છે. એમના આચાર-વિચાર અને વર્તન પર ગાંધીજીની સ્પષ્ટ છાપ અંકિત થયેલી છે.
જીવનનું પરોઢ (1948) : પ્રભુદાસ ગાંધીનું આત્મકથાનક. 4 ભાગ અને ડેમી કદનાં 644 પૃષ્ઠમાં વિસ્તરેલું આ પુસ્તક માત્ર સાહિત્યિક દૃષ્ટિએ જ નહિ, શૈક્ષણિક તેમ જ સામાજિક દૃષ્ટિએ પણ અપૂર્વ કહી શકાય તેવું છે. લેખકે પોતાના દોષોને છુપાવવાનો પ્રયાસ કર્યો નથી, ઊલટાનું પોતાના એકેએક દોષનું બયાન કર્યું છે. અન્ય લોકો વિશે પણ એમણે નિર્ભીકતાથી સત્યકથન કર્યું છે. એમ કરવામાં એમણે કલાયુક્ત સંયમ દાખવ્યો છે.
૧૯૦૧માં જન્મેલા પ્રભુદાસભાઈ ચાર વર્ષની ઉંમરે, આફ્રિકા ફિનિક્સ આશ્રમના એક રહેવાસી તરીકે જોડાય છે, ત્યારથી ૧૯૧૪માં ભારત પાછાં ફરે છે, ત્યાં સુધીનો આખેઆખો ચિતાર. આ ચાર વર્ષથી લઈને બાર તેરની ઉંમર વચ્ચે તેમની અંદર અને આસપાસ સર્જાતા અનેક વમળો અને પરિબળો વિશે એટલું ઝીણવટથી લખ્યું છે કે આ પુસ્તક એક મૂલ્યવાન કૃતિ બને છે, ઘણું શીખવે છે.
બાપુજી પ્રત્યે એમને સતત ખેંચાણ રહેતું. બધાંની વચ્ચે બાપુ એમની ખબર રાખતા, એમના વિશે પૂછતા એ જ મૂળ કારણ. આવી રીતે મહત્ત્વ મળે તે દરેક બાળકને મન ખાસ્સું મહત્ત્વનું જ. લડત દરમિયાન ગાંધીજી બહુ ઓછું જ આશ્રમમાં રહી શકતા. પણ શિક્ષક તરીકે એમને બાપુ પાસે ભણવું ગમતું. અહીં ભણવું એટલે 'ઈન્ફોર્મલ એજ્યુકેશન' એવું, કોઈ ઢાંચા વગરનું. જ્યારે જે હોય તે ભણાવે, એમની જે વિષય પર હથોટી હોય તે ભણાવે, લાંબા સમય સુધી ભણવાનો ક્રમ ખોરવાયેલો પણ રહે. અંગ્રેજી, ગુજરાતી વાંચતા, લખતાં શીખવું, ગણિત, થોડું ગીતાનું અધ્યયન અને 'હિંદ સ્વરાજ' સમજવું વગેરે. સાચું શિક્ષણ ઘડતર તો ખેતરમાં કરેલી મહેનત, બિમાર ભાઈની સેવા, માતાપિતાનાં જેલવાસ દરમિયાન ઘરની સાથે સાથે નાનાં ભાડરડાંની સાચવણી, છાપખાનામાં બીબાં ગોઠવવા અને દર અઠવાડિયે છાપું સમયસર બહાર પડે તે માટે મોટેરાઓને કરવામાં આવતી મદદ, ફળોનાં બગીચાની ગોડાઈ અને માવજત, જંગલ અને નાળાવાળા અઢી માઈલનાં અંતરે આવેલ સ્ટેશન પર રોજ ટપાલો પહોંચાડવી અને ત્યાંથી ટપાલો તથા પાર્સલ ઊંચકીને લાવવા, આશ્રમમાં આવતાં મહેમાનો કે સત્યાગ્રહીઓને સાચવવા, વગેરેમાં હતું. કેટલું અનુભવ સમૃદ્ધ જીવન! ગાંધીજી પત્રોમાં ભણવાની ચિંતા ક્યારેક કરતા તો ક્યારેક એની ચિંતા કરવી જરૂરી નથી એમ પણ કહેતા. મતલબ કે જેને 'એકેડેમિક એજ્યુકેશન' કહીએ છીએ, તેનું ત્યાં મહત્ત્વ ઓછું જ હતું અને અનિયમિત ધોરણે જ ચાલતું.
દક્ષિણ આફ્રિકાની મૂળ વસ્તી હબસી લોકોની. યુરોપીયનો ત્યાં પહેલવહેલા ગયા 17મી સદીમાં. પ્રથમ નેધરલેન્ડે ત્યાં પગદંડો જમાવ્યો, તે પછી બ્રિટને. દેશના જુદા જુદા ભાગ કબજે કરતાં કરતાં એ બેની વચ્ચે અથડામણો થઈ. આખર જતાં દક્ષિણ આફ્રિકા બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બન્યું.